સ્નેહીશ્રી સુરેશભાઈ,
તમે ‘ઈશ્વરનો જન્મ’ વાર્તાનો English Version નો લિંક આપેલો, પણ સરસ મજાનો તેનો તમારો જ અનુવાદ પ્રાપ્ય હોઈ અહીં ગુજરાતીમાં જ મારો પ્રતિભાવ આપવા લલચાયો છું કે જેથી બહોળો વાંચકવર્ગ તેનો લાભ લઈ શકે.
સાહિત્યસર્જક પોતાની રચનાનો જન્મ આપીને માતા બનવા ઉપરાંત ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેની ફોઈ બનીને નામાભિધાન પણ પોતે જ કરી લેતો હોય છે. આ એક સાહિત્યકૃતિ હોઈ તેના સર્જક તરીકે તમે આઝાદ હોઈ ‘રાજાને ગમે તે રાણી’ની જેમ તમે મનપસંદ ગમે તે શીર્ષક આપી શકો અને વાંચકોએ તેમાં ચંચુપાત કરવાનો હોય નહિ! આમ છતાંય તટસ્થભાવે હું મારો વિવેચનધર્મ નિભાવતાં કૃતિના શીર્ષક સંદર્ભે શરૂઆતમાં કંઈક કહેવા માગું છું.
‘ઈશ્વરનો જન્મ’ શીર્ષકના બદલે ‘ઈશ્વરનો આવિર્ભાવ’ કે ‘ઈશ્વરની અનુભૂતિ’ શીર્ષક ઉચિત રહ્યું હોત અને કોઈપણ ધર્મ કે સંપ્રદાયના વાંચક માટે એ જરાય આપત્તિજનક ન રહ્યું હોત! વાર્તાનાયક મનુ અર્થાત્ મનુજ (આદિ મનુથી જન્મનાર અને ખ્રિસ્તી/મુસ્લીમ મતે આદમના અનુગામી આદમી – અંગ્રેજી શબ્દ Man પણ મનુ શબ્દ સાથે સામ્ય ધરાવે છે)ને ઈશ્વર જેવી કોઈક દિવ્ય શક્તિ હોવાની તેના માનસમાં પ્રથમવાર અનુભૂતિ થાય છે. આમ મનુના માનસમાં ઈશ્વર હોવાનો એક વિચાર જન્મ લે છે, નહિ કે ઈશ્વર પોતે જન્મ લે છે. જો કે વાચ્યાર્થ પાછળનો તમારો ગૂઢાર્થ તો હું આગળ જે કહેવા જઈ રહ્યો છું તે જ છે, પણ ગેરસમજ બાંધનાર વાચ્યાર્થને જ પ્રાધાન્ય આપે તે સ્વાભાવિક છે.
મુસ્લીમોના ધર્મગ્રંથ પાક કુરઆનમાં એક નાનકડી એક સુરામાંની એક આયત (શ્લોક) માં ઈશ્વરની ઓળખ આપતાં કહેવામાં આવ્યું છે કે “લમ યલિદ વ લમ યુલદ” અર્થાત્ “ન તેણે કોઈને જન્મ આપ્યો છે, ન તેને કોઈએ જન્મ આપ્યો છે”. કુરઆને શરીફના તફસીરકારો (વિવેચકો) ના મતે ઈસ્લામથી આશરે છસોએક વર્ષ પહેલાં પ્રાદુર્ભાવ પામેલા ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની માન્યતા કે “ઈસુ ઈશ્વરના પુત્ર હતા” ના જવાબમાં આ કલામે રબ્બાની- રબના શબ્દો (જેમ વેદો ને દેવવાણી કહેવામાં આવે છે તેમ જ) નાજિલ થએલ એટલે કે અવતરણ પામેલ હતા. હિંદુ ધર્મગ્રંથોમાં પણ ઈશ્વરને સ્વયંભૂ ગણાવવામાં આવ્યો છે. એક જમાનામાં ઈરાકથી ગુજરાતમાં આવેલા પીર ઓલિયાઓ કે સૂફીઓ પૈકી પીર મશાયખ સાહેબે પણ પોતાના એક લિખિત બયાનમાં ઈશ્વર (અલ્લાહ) વિષે કડીઓ આપી છે “માતાપિતા નાં રે બંધવ, નથી એને રે કોઈ”.
વાર્તાનું વિષયવસ્તુ રોમાંચક, વર્ણનકૌશલ્ય અદભૂત, પશ્ચાદભૂમિકા અનન્ય, પાત્રાલેખન બેમિસાલ વગેરે જેવા પ્રયત્નલાઘવયુક્ત શબ્દો માત્રથી આ વાર્તાને સાચા અર્થમાં બિરદાવવામાં અન્યાય થવાની ભીતિ તો અનુભવું છું, આમ છતાંય હું નિ:સંકોચભાવે એટલું તો જરૂર કહીશ કે વાર્તાની આખરી લીટી વાંચ્યા પછી જ હું હજારો વર્ષ પહેલાંના ભૂતકાળમાંથી બહાર નીકળીને વર્તમાનમાં પ્રવેશી શક્યો. આવો જ અનુભવ મને ગુજરાતી સાહિત્યની ધૂમકેતુની અનોખી વાર્તા ‘પૃથ્વી અને સ્વર્ગ’ ના વાંચન વખતે થયો હતો. મારા માનસપટમાં રમતાં એ વાર્તાનાં ‘આરણ્યક’, ‘સુકેશી’ અને ‘સુમેરુ’નાં પાત્રો ભેળું આ વાર્તા વાંચ્યા પછી ‘મનુ’નું પાત્ર પણ ગોઠવાઈ ગયું છે, તે બતાવી આપે છે કે આ વાર્તાએ મારા દિમાગ ઉપર કેવો કાબૂ મેળવી લીધો છે.
મારા જીવનભરના સાહિત્યના વાંચનના પરિપાક રૂપે કોઈપણ સાહિત્યકૃતિને મૂલવવાની એક જ પારાશીશી મને લાધી છે અને તે એ છે કે કોઈપણ કૃતિનો વાંચક એ કૃતિ સાથે કેટલું તાદાત્મ્ય અનુભવે છે તેના આધારે જ કૃતિની સફળતા, અર્ધસફળતા કે નિષ્ફળતાની મહોર લાગી શક્તી હોય છે.
આ વાર્તા સબબે કહું તો તેને માત્ર ‘સફળતા’ની મહોર મારવાથી અન્યાય થશે અને તેથી જ તેને ‘પૂર્ણતયા સફળ’ તરીકે બિરદાવવાના મારા ઈરાદાને જાહેર કરવાનો મને ગર્વ અને આનંદ છે.
જુલાઈ ૦૭, ૨૦૦૯ ના રોજ આ વાર્તા પસિદ્ધ થએલી, જે મારો જન્મદિવસ હતો અને અફસોસ કે તે વખતે, સુરેશભાઈ, તમારો કે તમારા સાહિત્યસર્જનનો મને કોઈ પરિચય ન હતો. હું માત્ર કલ્પના કરું છું કે મારા જન્મદિવસે આ વાર્તા વાંચવા મળી હોત તો એ મારા માટે મોટું નજરાણું હોત! આ માત્ર શબ્દોની શોભા નથી, પણ મારા દિલનો અવાજ છે.
ધન્યવાદ ‘લક્ષ્યવેધી’ વાર્તા આપવા બદલ, સુરેશભાઈ! ‘લક્ષ્ય’ એટલે ‘ઈશ્વરની અનુભૂતી કરાવવાનું લક્ષ્ય’ જે અહીં સુપેરે પાર પડ્યું છે.
સ્નેહાધીન,
વલીભાઈ મુસા




Valibhai Musa
June 11, 2010 at 5:42 pm
સુરેશભાઈએ શીર્ષક અન્વયે મારા અને અન્યોના પ્રતિભાવથી પ્રેરાઈને મને અંગત મેઈલ દ્વારા એવી જાણ કરી હતી કે સર્જનહારને સંબોધન કે તેની ઓળખ માટેનું ઈશ્વર એ નામ હોઈ એ નામનો જન્મ કે ઓળખ એવો અર્થ લાવવા શીર્ષક “ઈશ્વરનો જન્મ” ના બદલે તેને – ‘ઈશ્વર’નો જન્મ – એવું કેમ ન અપાય! તેમના આ વિચારને સમર્થન આપ્યા પછી વળી મને નવો વિચાર સ્ફૂર્યો છે કે “ઈશ્વરનો જન્મ” શીર્ષક જ યથાવત્ રાખીને માત્ર આશ્ચર્યવિરામ પાછળ મૂકી દઈને શીર્ષક આમ “ઈશ્વરનો જન્મ!” લખાય તો સર્વ વાતનું સમાધાન થઈ જાય. આ વાર્તાને પોતે જ્યારે મુદ્રિત સ્વરૂપે રજૂ કરે ત્યારે કે પછી બ્લોગમાં જ પોતે ઈચ્છે તો સુધારો લાવી શકે અને ઉત્તમ એવી આ કૃતિને થોડાક શીર્ષકસુધાર માત્રથી સમુચિત ન્યાય આપી શકાશે.