RSS

Monthly Archives: November 2010

(235) હાસ્યહાઈકુ : ૧૭ – હાદના દાયરેથી (૧૨)


‘સાંભળો છો કે!’

સાંભળવાનું ગમે

થઈ બધિર!


તમે સાંભળો છો કે નહિ?’ ધ્રૂવપંક્તિવાળું સ્થાનિક સમાજમાં પ્રચલિત એવું એક નિર્દોષ લગ્નગીત છે. નિર્દોષ એટલા માટે કે ફટાણા (Nasty) પ્રકારનું બીભત્સ કે અશ્લીલ એ ગીત ન હોવા ઉપરાંત અન્ય કોઈ એવું એકેય લગ્નગીત આ સમાજમાં સાંભળવા નહિ મળે કે જે લોકમર્યાદાનું ઉલ્લંઘન કરતું હોય કે કોઈ ઔચિત્યભંગ થતો હોય! ‘તમારા શેંને ફૂટ્યા કાન? તમે સાંભળો છો કે નહિ?’ આગળ વળી આવે છે ‘અમે તો કહી કહીને થાક્યાં, તમે સાંભળો છો કે નહિ?’ લગ્નપ્રસંગે વર અને કન્યાપક્ષે નિર્દોષ આનંદ લૂંટવા માટે સવાલ-જવાબ રૂપે આવાં ગીતોની રમઝટ બોલાતી હોય છે.

‘હાસ્ય દરબાર’ ના મારા વિદ્વાન વાંચકોને મારી ઉપરોક્ત પ્રસ્તાવના કદાચ અપ્રસ્તુત લાગશે, પણ મારા મને એ સહેતુક છે; એટલા માટે કે પેલી કન્યા આ લગ્નગીતની ધ્રૂવપંક્તિને જીવનભર પદ્યમાં તો નહિ, પણ ગદ્યમાં પોતાના પતિને સંભળાવ્યે જ રાખે છે. ‘સાંભળો છો કે!’ એ Three in one વિધાન છે. એક, નામ બોલવાના વિકલ્પે અધ્યાહાર સંબોધન; બે, પોતાની વાત ધ્યાનથી સાંભળવામાં આવે તેવી તાકીદ; અને ત્રણ, કાં તો સાચે જ પતિમહાશય બધિર (બહેરા) હોય પણ ખરા!

પરંતુ, આપણા હાઈકુHero તો ‘સાંભળો છો કે!’ વારંવાર સાંભળવા માટે જાણી જોઈને બહેરા થવા ઈચ્છે છે. કારણ? કાં તો પેલી બહેનડ કોકિલકંઠી હોય, કાં તો પછી તે ગળે રૂપાની ઘંટડી બાંધીને ફરતી હોય; જે હોય તે, પણ ભાઈજીને ભાર્યાનો મધુર અવાજ સાંભળવો ગમે છે. તો વળી સામા પક્ષે જીવનભર કોઈ મનોવૈજ્ઞાનિક પ્રયોગ તો કરવામાં નહિ આવી રહ્યો હોય કે પેલા ભાઈ ખરે જ માનસિક રીતે બહેરા થતા જાય કે જેથી દાંપત્યજીવનમાં તેમનું બોલવાનું ઓછું થતું જાય અને તેઓશ્રી પેલી ચતુર નારના કહ્યાગરા કંથ બની રહે!

- વલીભાઈ મુસા

હાસ્યદરબાર

 

Tags: , , , ,

(234) હાસ્યહાઈકુ : ૧૬ – હાદના દાયરેથી (૧૧)


હાસ્ય હાઈકુ – ૧૬

સજ્જ ઘરેણે!

મોબાઈલ શોરૂમ!

પિયુ જૌહરી!

**************

આ કોઈ નક્લી ઝવેરાત (અમેરિકન ડાયમન્ડ)ના જમાનાની વાત નથી. ગુજરાતના ગાયકવાડ સ્ટેટ (બરોડા સ્ટેટ)માં ચોરીચખાલીની બાબતમાં લોકો સલામત હતા. ગાયકવાડ મહારાજાની એટલી બધી હાક હતી કે એમ કહેવાય છે કે બકરીના ગળામાં સોનાની હાંસડી પહેરાવીને  તેને ચરવા છૂટી મૂકી દીધેલી અને કોઈ ચોરની માના લાલની તાકાત નહોતી કે એ હાંસડીની ઊઠાંતરી કરે!(“દેખ બિચારી બકરીનો પણ કોઈ ન પકડે જાતાં કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન!” પંક્તિવાળી એક જૂની કવિતા કોઈને યાદ આવે છે કે?)

આ પૂર્વભૂમિકા આપવી એટલા માટે જરૂરી લાગી કે આ હાઈકુના સંદર્ભે કોઈ માઈનો લાલ એવી શંકા ન ઊઠાવે કે એ ભાયડો પોતાની બાઈડીને ઘરેણેથી લાદીને  આમ કેવી રીતે બહાર ફરવા લઈ જઈ શકે? હાસ્ય દરબારનાં 10 અ અને 10 બ ક્રમવાળાં Twin Jewels (Mr. Liar અને Mr. Lawyer) ને તો ખાસ તાકીદ કે અહીં એવી કોઈ આડીઅવળી દલીલબાજીમાં ઊતરે નહિ, હા શું કહ્યું?

લ્યો, હવે આપણા હાઈકુના પાટે ચઢીએ તો અસલી રહેમતુલ્લા સો ટચના સોનાનાં ઘરેણાંથી લદાએલી સાવ જુવાનડી સાંઢણી જેવી એ બાઈડી નખશિખ સોને મઢેલી નિર્ભયતાપૂર્વક હાલી જાય છે અને આ હાઈકુકાર (વલદાભાઈ)ની કલ્પના તો એવી તોફાને ચઢી અને એમને તો એમ જ દેખાવા માંડ્યું કે એ સજ્જ ઘરેણે બાઈડી એ માત્ર બાઈડી જ નહિ, પણ જરઝવેરાતનો કોઈ મોબાઈલ શોરૂમ જાણે કે રસ્તે ફરી રહ્યો હોય અને સાથે ચાલી રહેલો તેનો પિયુ એટલે કે પ્રીતમ એટલે કે ભાઈડો, એટલે કે … એટલે કે જે ગણો તે…  જાણે ઝવેરી ન હોય!

“Macanas Gold” મુવી જેમણે જોયું હશે, Arabian Nights ની  અલીબાબા ચાલીસ ચોરની વાર્તાઓમાં જેમણે સોનાના ખજાનાઓ વિષે વાંચ્યું હશે અને Gold Bug માંની સાંકેતિક ભાષામાં ખજાનાની શોધ માટેની ચિઠ્ઠી જેમણે વાંચી હશે, તેમના ગળે આ હાઈકુની નાયિકારાણીનાં ઘણામાં ઘણાં માત્ર એકાદ બે કિલોનાં ઘરેણાંની વાત સાવ આસાનીથી ઘીથી લથબથ શીરાની જેમ ગળે ઊતરશે જ તેમ માની લેવાનું મન મનાવીને હું મારી મરજીથી અત્રેથી વિરમું છું! તથાસ્તુ!

ધન્યવાદ!

(ખાસ આ રાજસ્થાની શબ્દ એટલા માટે પ્રયોજું છું કે રાજસ્થાની લોકોને સોનું ખૂબ પ્રિય હોય છે!)

-વલીભાઈ મુસા

હાસ્યદરબાર

 

Tags: , , , , , , , , , , ,

(233) હાસ્યહાઈકુ : ૧૫ – હાદના દાયરેથી (૧૦)

હાસ્ય હાઈકુ – ૧૫

ઘૂંઘટ ખોલે

શૌહર, શરમાતાં

શરમ આવે!


મારા હાઈકુનો નાયક છે, શૌહર (ફારસી) – જો જો પાછા મેં ‘ફારસી’ શબ્દ ભાષા દર્શાવવા મૂક્યો છે, એટલે એને ફારસ કરવાવાળો (નાટકિયો) એ અર્થમાં લેતા નહિ!  ‘શૌહર’ના શબ્દકોષે અને મુખવચને ઘણા અર્થ થાય છે – જેવા કે સ્વામી, પતિ, વર, ધણી, ભરથાર,  માટીડો, પિટ્યો, રોયો, એવા એ, અલ્યા એય, તમારા ભાઈ, સંતાન હોય તો બાબલાના બાપા (ચોથા ભાગની બા), કહું છું, સાંભળો છો કે, અંગ્રેજીમાં Husband  જેનો ધોકલાં ધબેડીને ગુજરાતીમાં એવો ભાવાર્થ લાવી શકાય કે જે હસતાં હસતાં બંડ પોકારે (જા, આ હું નથી કરતો એમ કહીને!), ખાવિંદ (ખાWind – હવા ખા, હવા!) – ‘બસ, બસ ઘણું થઈ ગયું; હવે આગળ વધશો કે!’ એવું તમારા વાંચકોના કોઈકના ગેબી અવાજે સંભળાયું હોઈ હવે તો મારે આગળ વધવું જ પડશે.

જૂની કોઈક હિંદી ફિલ્મની કડી ‘ઘૂંઘટ નહિ ખોલુંગી,સૈયા તોરે આગે!’ પેલી બાઈડી બબડી કે એવો આભાસ થયો સમજીને એ શૌહરભાઈ મનમાં ‘જાતમહેનત ઝિંદાબાદ’ કહીને તેણીનો ઘૂંઘટ ખોલે છે. હવે પેલી બાઈ પક્ષે વેવાર તો એ કહે છે કે તેણે શરમાવું પડે! પણ જિંદગીમાં પહેલુંવહેલું શરમાવાનું આવ્યું અને પાછો શરમાવાનો કોઈ અનુભવ પણ નહિ (કેમ કે એ મૂઓ પહેલો જ ધણી હતો), એટલે બાપડીને શરમાતાં શરમ તો આવી, છતાંય શરમાતાં શરમાતાં પણ તે શરમાઈ ગઈ –ઝખ મારીને તેને શરમાવું પડ્યું! મનોમન બોલી પણ ખરી, ‘શું કરીએ બાઈ, બધી કન્યાઓની જેમ શરમાવાનો વેવાર તો કરવો પડે ને! બાકી આ બેશરમ ગધેડાએ આ પરણવાના દહાડા લાવવા પહેલાં એટલી બધી ડેટીંગ અને વાતચીતની ફેકંફેક બેટીંગ કરી કે શરમાવાનું કંઈ બાકી રાખ્યું જ નહિ!’

મારા આ વિષયે સુજ્ઞ વાંચકો (જવલ્લે જ કો ‘અજ્ઞ’ હશે!) તૂટી પડો મારા હાઈકુનું પિષ્ટપેષણ કરવા. અહીં Free Style કુસ્તી જેવું છે, જેને જેમ ફાવે તેમ આનું વિવેચન કરવાની છૂટ છે. તમારે ‘હાઈકુ’ ના વધુ અભ્યાસ અર્થે જાપાન જવાની જરૂર નથી, કેમ કે આપણે તમામ ભારતીય ભાષાઓમાં ‘હાઈકુ’ નું ખેડાણ કરવામાં એટલા બધા આગળ નીકળી ગયા છીએ કે જાપાનીઓને આપણાં હાઈકૂઓનો અભ્યાસ કરવા અહીં આવવું પડે તેવો તખ્તો પલટાઈ ગયો છે!

ધન્યવાદ! (આ પણ એક વેવાર જ છે ને!)

– વલીભાઈ મુસા

હાસ્યદરબાર

 

Tags: , , , , , ,

 
Follow

Get every new post delivered to your Inbox.