ભક્ત કવિ નરસિંહ મહેતા ઝૂલણા છંદમાંના પોતાના એક પ્રભાતિયામાં આમ કહે છે : ‘હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જ્યમ શ્વાન તાણે!’ ગાડા નીચે ચાલતું શ્વાન મિથ્યા ગર્વ કરે છે એમ કહીને કે પોતે જ ગાડું ખેંચે છે! વાસ્તવમાં એવું નથી, કેમ કે સૌ કોઈ જાણે છે અને ખુદ શ્વાન પણ જાણે છે કે શકટને ખરેખર તો ધોરીડા (બળદ)જ ખેંચી રહ્યા છે! બળદોની ગરદનો ઉપર ધૂંસરી મંડાએલી છે, નહિ કે શ્વાનની ગરદન ઉપર! એ જમાનામાં કોઈ મેગ્નેટિક ધૂંસરી અથવા એ શ્વાનના ગળે એવો કોઈ મેગ્નેટિક પટ્ટો હોવાની પણ શક્યતા નથી. વળી બે Bullock Power જેટલા વજનવાળા એક ગાડાને એક Dog Power વાળું અને વળી તેવું એક જ પ્રાણી ગાડું ન જ ખેંચી શકે!
ઘણી વાર શ્રાવ્ય હકીકત કરતાં દૃશ્ય હકીકત વધારે સંગીન હોય છે. પણ, અહી તો દૃશ્ય હકીકત જ પહેલી નજરે ખોટી પડે છે. અહીં કવિશ્રીનું અનુમાન છે કે એ શ્વાન મનોમન એમ વિચારતું હશે અને પોતાના મનને એ રીતે મનાવતું હશે! આવી ધારણા ઉપર એક દૃષ્ટાંત તરીકે એ દૃશ્યની મદદ લઈને માનવજાતની અજ્ઞાનતાની ઠેકડી ઊડાડવામાં આવી છે.
પણ… પણ…અહીં એ દૃશ્ય ઉપરના નીચેના હાઈકુના હાઈકુકારની ધારણા તો સાવ જુદી જ છે. ધોમધખતા ઉનાળામાં કે વર્ષા ઋતુમાં માનવી જેમ છત્રી ઓઢે છે, બસ તે જ રીતે એ બુદ્ધિશાળી શ્વાનને એક ગામથી બીજે ગામ જવું છે. નજર સામે જ ચાલ્યા જતા એ ગાડાનો પોતે લાભ ઊઠાવે છે! એ હાઈકુ તો કંઈક આ કહેવા માગે છે.
ધૂપવર્ષાએ,.
શકટ ઓઢે શ્વાન!
મિથ્યા ગર્વ ક્યાં!
- વલીભાઈ મુસા



