RSS

Monthly Archives: July 2011

(264) ધોંણધારિયો ટેક્સી ડિરાઈવર (હાસ્યકાવ્ય)

આ મેમાઈની વાત સે!


ધોંણધાર એટલં ધાન્યધાર મલક, ઓતરાદા ગુજરાતનો,

ઓગળી ખુપાવો થોડીવાર ભોયમું અને ફણગા ફૂટ,

ફલદરૂપ એવી ભોમકા!


આફરિકાના યુગોન્ડા બલ્લે ચરચિલ કેતો’તો એવો આ મલક!

આંયના રેવાસી ધાંણધારિયા કેવોય.

ઓંયની બોલી નોંખી, ધોંણધારી કે’વાય!


એકદા આવો ધોંણધારિયો ટેકસી ડિરાઈવર,

સડસડાટ ટેક્સી હોંકે મેમાઈમાં, પેસિન્જર એક જ.

બહારના મલકનો કોઈ ધોળિયો, આગળ ખાલી સાઈડે બેઠેલો.


ઓલ્યાએ ચરરર બરેક મારી, ગાડી સાઈડ કરી,

મોંન સનમોંન ખાતર,

ચ્યમ કે એક મઈયત જાતી’તી આગળિયાં!


ધોળજી પૂસે, ‘વોટ ઈઝ ઈટ?’

ડિરાઈવર જવાબ દેવિંગ, ‘આઈ નો, નોટ સ્પીક’

’ટ્રાય, ટ્રાય સ્પીક, નમસ્તે!’


‘વોટ નમસ્તે, મીં કીધું નં, નોટ સ્પીક!’ બોલ્યો ઈં.

’એક્શન, એક્શન, ઓ.કે. ઓ.કે., નોટ સ્પીક!’ ધોળજી ઉવાચ,

બચ્ચારાનં જોંણવાની તાલાવેલી બઉ!


ડિરાઈવર નેચે ઊતર્યો,

પાછલી સીટે ઊંઘવાનું એક્શન કીધું,

ઓસ્યો થરડી, મૂઢું પોળું રાસ્યું, ડોક ત્રાંહી નાંસી,


અનં બોલ્યો, ’સ્લીપમ, સ્લીપા!’


-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”


 

(263) જરા કહેશો, ડોકરીનો આઈ ક્યુ! (હાસ્યકાવ્ય)

(અછાંદસ)

‘ભઈલા!
બસ શીદને ઊપાડી લીધી?
મારો ડોહો પેશાબપોંણી કરવા હાલ તો ઊતર્યો સે!’ (1)


‘માડી, બસ તો હવે નોં ઊભી રે!
ઈં આવસી બીજી બસથી, ચંત્યા કરો મા!’ મૂછમાં મલકતો કંડક્ટર વદે.(2)

‘અરે, પણ ઈં અજોણ્યોં સે આ શે’રથી!
કાં તો બસ ઊભી રાખ્ય, ન તો મન નેંચી ઊતાર્ય!
મારો તો જીવ ઊડી જાય સ, અનં મુઆ તું દોંત કાઢ સ, બેસરમ!’ (3)


‘અરે મારી મા! તનં દરસ્ટી ભરમ થ્યો સે!
આપણી બસ તો હાલીય નથ, અનં આગળ્ય તો ભાળ્ય, ડરાઈવર સે?’ (4)

‘પણ મનં ઈંમ ચ્યમ થ્યું! તારી વાત સે તો હાચી!’
’અરે, મુઈ મા, બાજુમું બસ ઊંધી હેડતી ઈંના ઈસ્ટેન્ડે લાગે સે!
અનં તું સેતરોંણી કે આપણવાળી ઊપડી!’ (5)

હંધાં ખડખડાટ હસી પડ્યાં, અનં ડોકરી મનોમન ભોંઠી તો પડી,
પણ વટ રાખતાં હસતી હસતી બોલી, ‘ચેવો બણાયો! હી હી હી!’ (6)

‘હેં જોગમાયા, ગજબ કર્યો તીં!’ વદતો કંડક્ટર સ્તબ્ધ થઈ!
પણ, હું (કવિ) પૂછું, ‘હે મનોવિજ્ઞાનીઓ, જરા કહેશો, ડોકરીનો આઈ ક્યુ!’ (7)

- વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”

 

(262) હાસ્ય દરબારનાં રત્નો – 2 (રત્નાંક – 2) * સુરેશ જાની

સુરદા (2)

આમ તો મારી દૃષ્ટિએ આ રત્નની ઓળખાણ આપવી એ ગહન ખાણ ખોદવા જેવું દુષ્કર કામ છે. ગુજરાતી બ્લોગ જગતમાં ‘દાદા’ના હુલામણા નામે ઓળખાતા આ ઈસમને ઓળખાવવા એટલે રંગ પૂરેલા ચિત્રમાં ફરી રંગ થથેડીને તેને ખરડવા અને બગાડવા બરાબર છે. પરંતુ આપણે હાસ્ય દરબારના સંદર્ભે આ શ્રીમાનને ઓળખવાના હોઈ પ્રથમ તો જણાવી દઉં કે તેઓશ્રી ‘ગદ્યસૂર’ નામે મુખ્ય બ્લોગ ઉપર ડઝનબંધ અન્ય બ્લોગ ધરાવે છે. આ બધામાં ‘હાસ્ય દરબાર’ને તેમણે મિત્રધર્મે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જેના રણીધણી, તંત્રી, મંત્રી, સંત્રી જે ગણો તે છે શ્રીમાન રાત્રિ કે જેમને પહેલા રત્ન તરીકે આપણે અગાઉના લેખમાં ઓળખી લીધા છે. મારા પોતાના બ્લોગ ઉપરના એ જ લેખમાં સુરેશભાઈ કોમેન્ટ બોક્ષમાં મને લખે છે :

“આગલા અંકમાં નંબર બે – સુરદા હશે , એમ માની એની બરાબર ફિલમ ઊતારવા વિનંતી. (ટેક્નીકલર, સિનેમાસ્કોપ, બને તો થ્રી ડી)”

તો વળી મારે જવાબમાં આમ લખવું પડ્યું છે કે “હવે વાત રહી તમારી ફિલ્મ ઊતારવાની! 70 mm જ ઊતરશે, જે બેનહર, ટેન કમાન્ડમેન્ટ્સ, ક્લિયોપેટ્રા, ટાઈટેનિકની હરોળમાં આવશે.”

જે માણસ સામેથી પોતાની બરાબરની ફિલ્મ ઊતરાવવા માગતો હોય તે માણસ હસવા હસાવવાની બાબતે કેવો ઝિંદાદિલ હોઈ શકે તે આપ સૌ વાંચકો કલ્પી શકો છો. કોઈક ગુજરાતી કાવ્યમાંની કોઈક પંક્તિમાંના કોઈકના ચરિત્રચિત્રણમાંના ‘ધરાશા ધીરગંભીર, વ્યોમશા વિપુલાત્મ છો’ એવા શબ્દોને અહીં હું જરા જુદી રીતે રમાડતાં સુરદાને કહું છું કે ‘મહિષશા ધીરગંભીર, હિપોપોટેમસશા વિપુલાત્મ છો’.

દેવો અને દાનવોએ મળીને વિરાટ વલોણા વડે સમુદ્રને વલોવ્યો, જેમાંથી ચૌદ રત્નો પ્રાપ્ત થયાં અને જે પૈકીનું ચૌદમા ક્રમે આવતું રત્ન અમૃત ગણાય છે. આ અમૃતની પ્રાપ્તિ માટે દેવ અને દાનવો વચ્ચે મારામારી થતી અને તેથી જ ‘માર’ કે ‘પ્રહાર’ માટે રૂઢિપ્રયોગમાં ‘ચૌદમું રતન’ પ્રયોજાય છે. અમારી વિદ્યાર્થી અવસ્થામાં ગુરુજનો ચૌદમા રતનનો ચમત્કાર બતાવીને ભણાવતા. સુરેશભાઈની પાસે વિવિધ વિષયોનું જ્ઞાન હોવું એ બતાવી આપે છે કે તેઓશ્રી કોઈપણ વિષયના શિક્ષકના ચૌદમા રતનથી વંચિત રહ્યા નહિ હોય!!!

આજે એ જ ચૌદમા રતનના પ્રતાપે તેઓશ્રી હાસ્ય દરબારનાં રત્નો પૈકી દ્વિતીય ક્રમે આવીને ‘ભાભીકી ચૂડીયા’ ફિલ્મના મશહુર ગીતના ‘જ્યોતિ કલશ છલકે’ શબ્દો પ્રમાણે અહીં ચળકી કે છલકી રહ્યા છે. આ લીટી લખાય છે ત્યારે જોગાનુજોગ તો જૂઓ કે સુરેશભાઈનાં અર્ધાંગિનીનું નામ ‘જ્યોતિ’ છે. ‘કળશ’ એટલે ‘લોટો’ થાય અને ‘મંદિરનો ઘુમ્મટ’ પણ થાય. ‘ઘુમ્મટ’ એટલે ‘ઊંધો વિશાળ લોટો’. ઊંધો લોટો ઊંધા માથે ચૂપચાપ સ્થિર પડ્યો રહે, પણ એ સીધો હોય તો ગમે તે દિશા તરફ ગબડી જાય. અસ્થિર વિચારોવાળા માણસને ‘પીઠિકા(!) વગરના લોટા’ તરીકે ઓળખવામાં આવે છે. આ ફકરો Absurd શૈલી તરફ સરકી ગયો હોઈ કોઈએ સુરેશભાઈ વિષે આ કે તે સમજવાના બદલે તેટલું જ સમજી લેવાનું કે તેઓ રબર જેવા સ્થિતિસ્થાપક છે, ગમે ત્યાં ગોઠવાઈ જાય, ગમે તે સાથે ભળી જાય, ગમે તે ખાઈ લે; પણ, હા, ગમે તે પાણી ન પીએ! આ એક એવું ઊંટ છે કે જે પેલા ચોપગા ઊંટની જેમ પેટમાં અનામત પાણીની કોથળી રાખે નહિ, પણ જગજાહેર પોતાની સાથે બોટલ જ રાખે, જેને ‘ગંગાજળ’ અને ‘આબે ઝમઝમ’ તરીકે ઓળખાવીને સાચા અર્થમાં યજમાનોને પોતાની ધર્મનિરપેક્ષતાની પ્રતીતિ કરાવે.

હું મારા સ્વાનુભવથી વાંચકો સામે એક પડકાર ફેંકુ છું કે કાચા, શેકેલા કે તળેલા પાપડના જરૂર મુજબના ટુકડા કરીને પોતાના ગાલો ઉપર શેલો ટેપથી ચીપકાવી દીધા પછીથી હાસ્ય દરબાર ઉપર જઈને સુરેશભાઈ જાનીને હેલ્મેટધારી સુભટના સ્વાંગે જૂએ અને સાબિત કરી આપે કે હસવાના કારણે વિસ્તાર પામતા પોતાના ગાલોના સ્નાયુઓ થકી પેલા પાપડખંડો ચડચડાટ કરતા નથી કે હજુ પણ તેથીય નાના ખંડોમાં વિભાજિત પણ થતા નથી! ફિલમ ઊતારવા અંગેની ઉપરોક્ત એ જ કોમેન્ટમાં પોતે આમ લખે છે: “નવ રત્નોના પરિચયનો આ પ્રયત્ન રત્નોને તો ગમે જ ને! પણ તકલીફ એ છે કે આમાંના કોઈ બિરબલ જેવા ચતુર નથી કે ટોડરમલ જેવા હિસાબનીશ નથી અને તાનસેન જેવા ધુરંધર સંગીતકાર પણ નથી! માળા બધા જોકરીયા!!”

સુરદા ભલે એમ લખતા હોય કે ‘માળા બધા જોકરીયા!’, પણ હું તો અકબર બાદશાહનાં નવ રત્નોની વાતને અભરાઈએ ચઢાવીને કહું છું કે પેલાં સમુદ્રમંથનવાળાં ચૌદ રત્નોની ખાસિયતો ધરાવતા મારા મતે આ બધા હાસ્યદરબારના રતનિયાઓ છે! હા, એટલું ખરું કે તેઓમાંનો કોઈ ટાટા નથી કે વરલી મટકાવાળો ખત્રી નથી! હાસ્ય દરબારનાં આ અણમોલ રત્નોમાં કોઈ અમૃત જેવા મીઠાબોલા, તો કોઈ વળી મહેમાન બનીને આવે તો યજમાન માટે ઐરાવત નામે ધોળા હાથી સમાન બની રહે! કોઈક કલ્પવૃક્ષ કે કામધેનુની જેમ માગો તે આપી દેવાવાળા છે, તો કોઈક વળી રાત્રિ જેવા ધન્વન્તરી પણ છે. કોઈ માતેલા વૃષ (આખલા) જેવા બળિયા, તો વળી મોટા ભાગના ‘બળદિયા રળે અને ઘોડાં ખાય’ ઉક્તિ પ્રમાણે છોકરાં રળતાં હોય અને પોતે નિવૃત જીવને ઉચ્ચૈશ્રવા ઘોડા બનીને હણહણાટીઓ બોલાવતા હોય અને ઊભા ઊભા ખાતા હોય1 અહીં ચૌદે ચૌદ રત્નોનો નામોલ્લેખ કરવો એ હું જરૂરી ગણતો નથી, પણ મારે એટલું તો કહેવું પડશે કે લગભગ બધાંય રત્નો લક્ષ્મીનંદન તો છે જ અને એટલું જ નહિ, તેઓ બીજના ચંદ્રની જેમ ઉત્તરોત્તર સુખસમૃદ્ધિમાં વૃદ્ધિ કરતાં કરતાં પૂનમનો ચંદ્ર થવા ભણી ઉર્ધ્વ ગતિ કરી રહ્યાં છે. કેટલાંક રત્નોની પત્નીઓ ભલે અપ્સરીઓ (પાણીમાં સરનારી અર્થાત્ તરનારી સ્ત્રીઓ) ન હોય, પણ મોટા ભાગના ભાયડાઓ અપ્સરા(!) એટલે કે સ્વીમીંગ પુલોમાં પાણીમાં સરકનારા કે તરનારા (એક મારા પોતાના અપવાદ સિવાય) તો છે જ!

દેવાંગ વિભાકરે સુરદાશ્રીને પોતાના ઈન્ટરવ્યુમાં એટલા બધા ચગાવ્યા છે કે તેમની જગ્યાએ મારા જેવો કોઈ હોય તો ફૂલીને ફાળકો થઈ જાય, પણ આ તો સ્થિતપ્રજ્ઞ માણસ! જીવનના ઉત્તરાર્ધે જેમણે “Live this moment Powerfully” ને પોતાનો મુદ્રાલેખ કે જીવનમંત્ર બનાવ્યો છે, તેવા આ નાના છોકરા જેવા રમતિયાળ માણસ મારા ગામની મુલાકાતે આવે છે અને નાનાં ભુલકાંઓ ભેગા બેસી જઈને પેપર આર્ટ દ્વારા ઓરોગામીનો કલાકસબ પોતે બતાવે છે. ગુજરાતીના લગભગ તમામ સાહિત્યપ્રકાર ઉપર હાથ અજમાવી ચુકેલા આ માણસને પુસ્તકપ્રકાશન દ્વારા સંસ્કૃત વિદ્વાન મમ્મટે દર્શાવેલાં સાહિત્યસર્જનનાં પ્રયોજનો પૈકી યશપ્રાપ્તિ કે ધંનપ્રાપ્તિની જરાય લાલસા નથી. થોડીક ઈ-બુક્સ બનાવીને, તેમને કોમ્પ્યુટર સાથેના પ્રિન્ટર ઉપર એક માસ્ટર કોપી છપાવ્યા પછી ઝેરોક્ષ દ્વારા માંડ ડઝનેક પ્રતો બનાવડાવી ખાસ મિત્રોમાં નજરાણા રૂપે વહેંચે છે. અમે બંને એક જ બેલીનાં ધોતિયાં હોઈએ તેમ ભાઈ સુરદા મારાં સર્જનોની પણ ઈ-બુક્સ બનાવી આપવાની તેમના માટે સરળ, પણ મારા માટે કપરી એવી કામગીરી બજાવી આપવાની તત્પરતા બતાવીને ‘વિલિયમનાં હાસ્ય હાઈકુ’ નું શુભ મુહુર્ત કરીને એકી સાથે ત્રણ બ્લોગ (William’s Tales, ગદ્યસૂર અને હાસ્યદરબાર) ઉપર તેને પ્રદર્શિત કરી છે; જેમ કોઈ ચલચિત્રના નિર્માતા એક સાથે અનેક થિયેટરમાં ચલચિત્રને Launch કરે, બસ તેવી જ રીતે!

બ્લોગર તરીકેની આચારસંહિતા મુજબ લેખની લક્ષ્મણરેખા (કદમર્યાદા) આવી ગઈ હોઈ શ્રી સુરેશભાઈ જાની વિષેના આ પરિચયલેખથી મને રતીભાર સંતોષ ન થયો હોવા છતાં, મારે તેમને ખેંચવા જોઈએ તેટલા તેમને કાંટાઓમાં ન ખેંચ્યા હોવા છતાં, 70 mm તો શું 8.75 mmની પણ ફિલ્મ ન ઊતરી હોવા છતાં અમારી મિત્રતાના પ્રારંભે મેં તેમને 4.375 mmની ઊતારેલી ફિલ્મનો ઉલ્લેખ કરીને અહીંથી ચાર્લ્સ ડાર્વિનવાળી ઊભી પૂંછડીએ ભાગી જઈશ. મેં તેમને મેઈલ કરીને પૂછ્યું હતું કે તમને તમારા પેલા બે મિત્રો જહોન અને જનાર્દન મળે છે કે નહિ? અમારો નવોનવો પરિચય એટલે તેમને બિચારાને કલ્પના પણ ક્યાથી આવે કે આ મશ્કરીખોર માણસ તેમની ઉપરના માપવાળી કચકડાની પટ્ટી ઊતારી રહ્યો છે. તેમણે ગંભીરતાપૂર્વક યાદ કરીને લખ્યું હતું કે ‘ઘણા સમય પહેલાં કોઈક જનાર્દન સાથે મારે આછોપાતળો પરિચય તો હતો, પણ તમે કયા જહોનની વાત કરો છો?’ મેં જવાબમાં લખ્યું હતું કે “પેલા ફિલ્મી ગીત – ‘જહોન, જાની, જનાર્દન; રમ્પમ, પપ્પમ, પમ્પ’ વાળા જહોન – વળી બીજા કોણ?” મને એ વખતે જોડામાં કાંકરો ચૂંભે તેમ મારી એ હરકત મને મારા દિલમાં ચૂંભી હતી કે નવાસવા પરિચયમાં મારે આમ કરવું જોઈતું ન હતું!’

પણ આજે તો ગર્વભેર એટલું કહીને વિરમું છું કે અમને બંનેને એકબીજાની ગમે તે કદની ફિલ્મ ઊતારવાનો સંપૂર્ણ અધિકાર છે; ભૂતકાળમાં અમે એકબીજાની ઘણી ફિલ્મો ઊતારી છે, હાલમાં ઊતારી રહ્યા છીએ અને ભવિષ્યે ઊતારતા રહીશું.

‘જય હો’ તો સૌ કોઈ કહે; પણ, હું તો ‘પરાજય હો!’ કહીશ એ સઘળા નકારાત્મક સંવેગોને કે જે ઉમદા માનવજીવનને વિષાદમય બનાવે છે.

-વલીભાઈ મુસા

ક્રમશ: 3


 

Tags: ,

 
Follow

Get every new post delivered to your Inbox.