દેવિકાબેન ઘ્રુવને મારી તાજેતરની અમેરિકાની મુલાકાત ટાણે હ્યુસ્ટનનિવાસી સાહિત્યસર્જકો વચ્ચે મળવાનું થયું. સર્વેએ સ્વમુખે પોતપોતાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો તો ખરો, પણ એક સાથે બધું યાદ ન રહે તે સ્વાભાવિક છે. ભારત પાછા ફર્યા પછી જે કોઈ બ્લોગર ભાઈબહેન હતાં તેમના બ્લોગે જઈને તેમના વિષેની વિશેષ જાણકારી મેળવી લીધી. દેવિકાબેનના બ્લોગ ઉપરની તેમની તાજેતરની નીચેની ગઝલ નજરે ચઢી અને મારો માંહ્યલો વિવેચકીઓ જીવ કોઈક પ્રતિભાવ આપવા ઊંચાનીચો થવા માંડ્યો. મારા પ્રતિભાવને ખુદ દેવિકાબેને અને અન્ય વાંચકોએ બિરદાવતા પ્રતિભાવો આપ્યા અને લાલચ થઈ કે એ ગઝલ અને તેના ઉપરના મારા પ્રતિભાવને મારા બ્લોગ અને તે થકી મારી સૂચિત ગુજરાતી ઈ-બુક ‘મારી નજરે’માં સમાવી દઉં. બ્લોગીંગનો Protocol જાળવતાં મેં દેવિકાબેનની અનુમતિ માગી અને તેમણે સહર્ષ આપી પણ દીધી.
ચાલો તો, આપણે પહેલાં ગઝલને માણી લઈએ.
વાત લાવી છું
સોનેરી એક સાંજની આ વાત લાવી છું. તારા મઢેલી રાત સમી આશ લાવી છું.
સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં, ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું.
હો પાનખર બધે, ને છો સૂકી હવા વને, ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.
પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની, સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.
પુનરાવર્તિત વાંચન છતાંય અતૃપ્ત જ રાખતી આ મનહર રચના હૃદયવીણાના તાર ઝણઝણવી ગઈ. કૃતિના અંતિમ ચરણે આવતાં સુધી રહસ્યમાં અટવાયા કરીએ કે આ વાત, આશ, રાગ, હરિત પાન, લાગણીના હાર કે ભાવભીની આંખ કવયિત્રી લાવે છે કોના માટે! અંતે ‘પ્રભુ’ શબ્દે રહસ્ય છતું થાય કે એ સઘળું તો પ્રભુ માટે જ અને એ પણ વિવિધ પ્રકારના પ્રસાદો હોય તેમ જ! અંતિમ કડીમાંનો અંતિમ પ્રસાદ તો અતિ મુલ્યવાન! કોમળ ભાવયુક્ત ભક્તિગાન! એક વાર નહિ, પણ સો વાર; એટલે કે વારંવાર! ભાઈશ્રી સુરેશ જાનીના પ્રતિભાવમાંના શબ્દ ‘માનસપૂજા’ ની જેમ જ આ ‘મૂક ભક્તિગાન’, બંધ હોઠનું ગાન, બાવન અક્ષર બહારનું ગાન! આ ગાન મનમાં જ અભિવ્યક્ત થાય અને નમન પણ મનોમન જ થાય;બાહ્ય ચેષ્ટાત્મક તો નહિ જ, નહિ!
મારા પ્રતિભાવના સમાપને કૃતિની સમાપનપંક્તિઓને હું ગણગણ્યા વગર નહિ રહી શકું કે “મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં;પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું”
ધન્યવાદ, સંપૂર્ણતયા પરિપક્વ અને ભાવવાહી સર્જન બદલ.
સ્નેહાધીન,
વલીભાઈ
નોંધ:-
કૃતિનું અવલોકન મારું પોતીકું છે, કદાચ ખુદ કવયિત્રી કે અન્ય વાંચકોની માન્યતાઓ આનાથી ભિન્ન પણ હોઈ શકે.
શ્રી. વલીભાઇએ જે પ્રતિભાવ લખ્યો છે તે ખરેખર ઓથેન્ટીક પ્રતિભાવ છે.એક એક શબ્દ વાંચી, સમજી,એના હાર્દ સુધી પહોંચી, પછી એના અંગોનું ડીસેક્શન કરીને લખાય ત્યારે જ સાચો પ્રતિભાવ બને. અમારા જેવા છંદ, લય કશુંજ ન સમજતા તમને સારુ લગાડવા ‘સરસ’, ‘વાહ..વાહ;,’ક્યાખુબ’ એવું લખે એ બધા પ્રતિભાવો નથી. એનો કોઇ અર્થ પણ નથી. એ તો સંબંધનો શીષ્ટાચાર માત્ર છે. શ્રી. વલીભાઇ, વિવેક ટેલર, કે એવા જ અન્ય સક્ષમ સર્જકોના સશક્ત પ્રતિભાવો વાંચ્યા પછી, મને લાગે છે કે મારે અન-અધિક્રુત ઔપચારિક પ્રતિભાવો લખીને વેબપેજની જગ્યા બગાડવાનું સુક્ષ્મ ‘પાપ’ કરવાનું બંધ કરવું જોઇએ. નવીન બેન્કર ૨૯ ઓગસ્ટ ૨૦૧૧
કુશળ હશો. મિતાક્ષરી પ્રતિભાવને ‘પાપ’ સમજવાનું પાપ ન કરી બેસતા! ‘સરસ’, ‘વાહ..વાહ;,’ક્યાખુબ’ કહેવું એ તો ગઝલકારને અને ગઝલને દાદ આપવાની આચારસંહિતા છે. મુશાયરામાં રંગત લાવવા અને શાયરને પ્રોત્સાહન આપવા પ્રત્યક્ષ દાદ આપવી જરૂરી છે; બસ, તેમ જ બ્લોગરની રચનાને બ્લોગ ઉપર મુકાયા પછી બિરદાવવી જરૂરી બની જાય છે કે જેથી આગામી નવીન સર્જનો માટે સર્જકને પ્રેરણા મળી રહે. વિવેચન એ પણ એક સાહિત્યપ્રકાર છે. અન્ય સાહિત્યપ્રકારોની જેમ અહીં પણ અભ્યાસ અને કથનકૌશલ્ય જરૂરી બની જાય છે.
સુરેશ
August 29, 2011 at 8:47 pm
મેં આ ગઝલને માનસપૂજા કહી હતી.
dhavalrajgeera
August 31, 2011 at 12:55 am
ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.