RSS

Monthly Archives: November 2011

(296) મુનિરા અમી કૃત ‘નીરવનું વર્ણન’નું રસદર્શન

‘મારી નજરે’ શીર્ષકે તૈયાર થતી જતી મારી ઈ-બુકમાં અત્યાર સુધીમાં મારાં કેટલાંક બ્લોગર ભાઈબહેનોનાં સાહિત્યસર્જનો ઉપરનાં મારાં ભાષ્ય કે વિવેચનોને એકત્ર કરતો આવ્યો છું. આજે મારી દીકરી સમાન અને હમવતન એવી મુનિરા અમીના બ્લોગ “Ink and I” માંના કાવ્ય ‘નીરવનું વર્ણન’ નું સ્વયં રસદર્શન કરતાં અને ભોક્તાઓને તેનો રસાસ્વાદ કરાવતાં આનંદ અનુભવું છું. નવોદિત કવયિત્રી છતાં આ કૃતિમાંની તેની સર્જક તરીકેની પરિપક્વતાએ મને એવો આકર્ષ્યો કે તેની કૃતિ ઉપર મારા પ્રતિભાવ આપવા હું થનગની ઊઠ્યો. સર્વ પ્રથમ આપણે મુનિરાની આ રચનાને વાંચી લઈએ.

“નીરવનું વર્ણન”

નીરવનો અનુભવ એ જ એનું વર્ણન છે;
શબ્દો છે શાંત,
નથી વાદક, વાદ્ય, કે ગાન;
અસ્ખલિત મૌનનું અહી કીર્તન છે.
બેઠી છું હું, ફક્ત મારી જ ઓથે,
ન વિચારોનું ય કોઈ,
મનમાં નર્તન છે.
ના હોય આસપાસમાં
ખાસ કંઈ માણવાનું,
થંભે છે દિલ એવામાં
સમજવા,
“આજ કાલ જાત સાથે મારું કેવું વર્તન છે?”
અવાજભર્યા સન્નાટાથી અલગ,
જરા શાંતિનો શોર ભળે
તો સમજાય;
જીવન-પેયના સ્વાદમાં ગજબનું કેવું આકર્ષણ છે !
નિર્મળ નિસર્ગ સિવાય,
બીજે ક્યાં શક્ય બને;
આટલી સહજતાથી,
“હકાર” ની લણણી, ને “નકાર” નું વિસર્જન છે?
નીરવનો તો અનુભવ એ જ માત્ર એનું વર્ણન છે.

-મુનિરા અમી

આ કાવ્ય વાંચતાં જ મારાં બ્લોગર મિત્ર અને બ્લોગ જગતમાં ખૂબ જ જાણીતી હસ્તી એવાં માનનીય પ્રજ્ઞાબેન વ્યાસના બ્લોગ “નીરવ રવે – સહજ ભાવોના દ્યોતક”ની યાદ આવી ગઈ. તેમના બ્લોગ ઉપર મારી પ્રથમ નજર પડી હતી, ત્યારે જ હું ‘નીરવ રવે’ શબ્દો ઉપર મોહી પડ્યો હતો; કેમ કે તેમાં શબ્દ ચમત્કૃતિ તો હતી જ, સાથે ભાવ કે અર્થ ચમત્કૃતિ પણ એ કે કેવો અવાજ વગરનો અવાજ! સુશ્રી પ્રજ્ઞાબેનના કૌટુંબિક સહિયારા બ્લોગમાંના તેમના કેટલાય લેખોમાં આપણને કોણ જાણે કેટલાય શાંત અવાજો સાંભળવા મળ્યા; તો વળી મુનિરા પોતાની આ કાવ્યકૃતિમાં આપણને એવા જ ‘નીરવ’નું વર્ણન આપે છે.

કહેવાયું છે કે બ્રહ્માની સૃષ્ટિ કરતાં કવિઓની સૃષ્ટિ ચઢિયાતી છે. કવિ પાસે રસો પણ બ્રહ્મા કરતાં દોઢાથી પણ વધારે હોય છે. જ્યાં ન પહોંચે રવિ, ત્યાં કવિ પહોંચી જતો હોય છે. કવિ શાંત અવાજો સંભળાવી શકે અને બાહ્ય તથા આંતરિક શાંતિને વર્ણવી પણ શકે. કવિ અલ્પ શબ્દોમાં મોટાં મોટાં પ્રવચનો પણ આપી શકે; અરે, અલ્પ શબ્દો તો શું મૌન દ્વારા પણ ઘણુંબધું કહી શકે! માનવીય સંવેગો અદૃશ્ય હોવા છતાં કવિ તેમને જોઈ શકે છે, અનુભવી શકે છે અને ભાવકને તેની અનુભૂતિ કરાવી પણ શકે છે.

આ બધી સામાન્ય ચર્ચાને સ્થગિત કરીને કવયિત્રીની વિશિષ્ઠ વાત ઉપર આવીએ તો કાવ્યના પ્રારંભે જ તેણી કહે છે કે નીરવને વર્ણવવા માટે શબ્દોની નહિ, પણ તેના અનુભવની જરૂર પડે છે. શબ્દ, ગીત કે સંગીત એ ધ્વનિનાં મોહતાજ છે, જ્યારે મૌન તો અવાજની અનુપસ્થિતિમાં જ જન્મ લે છે. કવયિત્રી મૌનને શ્રાવ્ય એવા અવાજની ગેરહાજરીમાં ઉદભવે એવા સીમિત અર્થમાં જ નહિ, પણ મનમાં અવાજરહિત આવતા વિચારોના વ્યાપક અર્થના પરિપ્રેક્ષ્યમાં પણ તેને સમજાવે છે. “આજ કાલ જાત સાથે મારું કેવું વર્તન છે?” માં કવયિત્રીના અદભુત વિચાર અને તેણીના મનોમંથનની પરાકાષ્ઠા છે. સમાજમાં ઘણા એવા માણસો હોય છે કે જેઓ બીજાઓને છેતરવામાં આનંદ અનુભવતા હોય છે, પરંતુ તેઓને ખબર નથી હોતી કે વાસ્તવમાં તેઓ પોતાની જાતને જ છેતરતા હોય છે. બસ, આવું જ કંઈક સમજવા માટે કવયિત્રીનું દિલ ક્ષણિક થંભી જાય છે.

આ કાવ્યમાં કેટલાક શબ્દો કે શબ્દસમૂહો પંક્તિઓ રૂપી સોનાની સેરોમાં હીરામાણેકની જેમ એવા સરસ રીતે ગૂંથાયા છે કે તે સઘળા હૃદયને સ્પર્શ્યા સિવાય રહેતા નથી. ‘શાંતિનો શોર’ , ‘જીવન – પેય (પીણું)નો સ્વાદ’, ‘હકારની લણણી’, ‘નકારનું વિસર્જન’ વગેરે કેટલાંક આ કાવ્યમાંનાં ઉદાહરણો છે, જેને ઉલ્લેખવાથી જ આપણે કવયિત્રીની કલ્પનાશક્તિને દાદ આપી શકીએ. જીવનને એક પ્રકારના પીણાનું રૂપક આપીને કવયિત્રીના દિમાગમાં એ અર્થ અભિપ્રેત છે કે જો જીવન જીવી જાણીએ તો જ જીવનના સાચા સ્વાદને અર્થાત્ આનંદને આપણે માણી શકીએ.

કાવ્યના ઉત્તરાર્ધમાં આદર્શ જીવન માટેનો ઉમદા સિદ્ધાંત એ રીતે સમજાવાયો છે કે મનુષ્યે પોતાના જીવનમાં હકારાત્મક બાબતોને અપનાવવી જોઈએ અને નકારાત્મક બાબતોનો ત્યાગ કરવો જોઈએ. ઉમદા જીવન માટેનો આ એક ઉમદા જીવનમંત્ર છે, જે આપણને નિર્મળ એવી કુદરત પાસેથી જ સહજ રીતે શીખવા મળી શકે. કાવ્યાંતે પ્રથમ પંક્તિનું પુનરાવર્તન કરીને એ જ સનાતન સત્યનું દૃઢિકરણ કરવામાં આવ્યું છે કે ‘નીરવ’નું શાબ્દિક વર્ણન શક્ય નથી, તેને અનુભવીને જ સમજી કે જાણી શકાય.

મારા આ વિવેચનના લઘુલેખના સમાપને ગર્વભેર એટલું જ કહીશ કે મારા યુ.કે.નિવાસી એક બ્લોગર મિત્ર શ્રી પંચમ શુક્લની રચનાઓમાં જે ઊંડાણ જોવા મળે છે તેવું જ કંઈક આ નવોદિત કવયિત્રીના આ કાવ્યમાં હું જોઈ શક્યો છું.

મુનિરા દીકરી, સ-રસ એવા આ કાવ્યના સર્જન બદલ તને ધન્યવાદ.

- વલીભાઈ મુસા

.

 
4 Comments

Posted by on November 30, 2011 in લેખ, વિવેચન

 

(295) ‘થાઓ જો મુજ ધંધા તણા ભાગીદાર!’ (હાસ્યકાવ્ય)

(અછાંદસ)

બિચારા એ કાકા,

હાથવણાટની સાડીના લઈ તાકા,

બાંધે પોટલું અને કરી ખભે ફેરી ફરે, વજને એ ચાલતા વાંકા,

રોજીરોટીનો તકાજો જ તો, ફેરી ન કરે તો ઘરમાં થાયે સૌને ફાકા! (1)

ઉધાર મળે માલ,

ગામડે ઉધારીએ કરે વેપારે માલનો નિકાલ,

સમય જાય તેમ સરવૈયું થતું જતું હતું બેહાલ,

અને એક દિવસે તો ઘરે સ્વૈચ્છિક નજરકેદ થવાનો થયો તાલ! (2)

દિવસભર થઈ ઘરચકલી,

ન નીકળે બહાર, હાલત થઈ શર્મિલી,

જાજરૂએ પણ જાય વગડે વેળા લઈ મોડીવહેલી,

ચિંતા થકી બળે લોહી દિનરાત, ન જડે કો’ માર્ગ, જીવન બન્યું એક પહેલી! (3)

ગૃહપાડોશી હમઉમ્ર ચલતાપુરતા,

કહી સંભળાવે ગામ અને દુનિયાભરની નવાજૂનીની વારતા,

એકદા કહ્યું કે એક વેપારીએ ફૂંક્યું લાખોનું દેવાળું અને લેણદારોને કર્યા ફરતા,

કાકા ‘અરરર!’ ઉદગારે વિમાસે,‘હાય, બાપડો શેં ઊંઘતો હશે! કેવાઆબરૂના ફજેતા!’ (4)

એક વહેલી સવારે તારંગા લોકલે,

જઈ પહોંચ્યા કાકા પૂછતા પૂછતા એ વેપારીને ત્યાં જે ઝૂલતો હિંડોલે!

’બોલો કાકા, ક્યમ આવવું થિયું?’, ‘દિલાસો આપવા કાજ કે તમારી શી હશે વલે?’

‘છાપું વાંચીને આવ્યા લાગો છો! પણ આપણે સગું શું?’,‘આવ્યા સમદુખિયાના સગલે!’ (5)

‘તમે કેટલાનું ફૂંક્યું, કાકાજી?’

‘અમારે તો ફૂંક્યું નોં કહેવાય! ‘થયું’ કહેવાય, ફેરીએ દેવું થયું, હાજી!

વળી એ પણ પૂરા પાંચસોનું! જન્મારેય ન વળે! તમારા હિસાબે તો જાણે મૂળાભાજી!

અમે આવ્યા, અમારી આવી હાલત તો તમારા શા હશે હાલ? અમારો જીવ બળ્યો જી!’ (6)

‘તમે મારી ખબર કાઢવા આવ્યા, આભાર!

પણ, દેવા અને દેવાળામાં ફરક ઘણો! તમે દેવાદાર, હું નાદાર!

દેવું થાય ધીમે ધીમે, દેવાળું ફુંકાય રાતોરાત; દેવાદાર ખિસ્સે ખાલી, દેવાળિયો માલદાર!

પાંચસોનું દેવું ભરો અને પાંચસોથી શરૂ કરો ફેરી, સ્વીકારો પ્રેમે તો આપું નગદ હજાર!’ (7)

‘ભલું થજો આપનું, માન્યવર!

જો આપ સ્વીકારો મારી શરત, તો જ સ્વીકારું રૂપિયા હજાર,

શરત એ કે એ ન હોય જો દાન, ભીખ કે બક્ષિસ અને હોય જો તે વ્યાજમુક્ત જ જર,

તો સ્વીકારું પ્રેમથી, પેટે પાટા બાંધી ઋણ અદા કરીશ, ન ખપે મફતનું, મરવું બહેતર!’ (8)

‘ધન્ય છે કાકા આપને ને ધન્ય છે આપના ઈમાનદારીના વિચાર,

મુજ આંખ ખોલી, સઘળું વેચીશ, જરૂર પડ્યે મુજ જાત વેચીશ, આપનો આભાર!

પાઈપાઈનું કર્જ ચુકવીશ, હરામની એક પાઈ પણ રાખવી હું હરામ સમજીશ, માન્યવર!

વીનવું આપને, નવેસરથી એકડો ઘૂંટીએ સાથ થૈ, થાઓ જો મુજ ધંધા તણા ભાગીદાર!’ (9)

-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”

 

(294) દુનિયા ઝુકતી હૈ! (હાસ્યકાવ્ય)

(અછાંદસ)

જી હા, એણે દુનિયા ઝુકાવી!

સંજોગોએ શીખવ્યું, ક્યમ પાર ઊતરવું હેમખેમ?

આર્થિક કટોકટી એવી કે કાં ભીખ માગો યા કરો મોત વ્હાલું!

વેપારધંધે દામ હાર્યો, પણ ન હામ હાર્યો; ભીખ અને મોતને કર્યાં દિમાગેથી વેગળાં! (1)

હા, હા! એ માળણના મેણાએ,

જી હા, એ માળણના મેણાએ જ તો એને લલકાર્યો!

’એણે’ અને ‘એને’ એ જ તો છે આપણો આજનો Hero, ડમી નામે કહું તો ‘વાલીડો!’

‘એ જા, માહીના તળાવે મોઢું ધોઈ આવ, ચાર આનાનું ઉધાર બકાલું માગવા પહેલાં!’ (2)

‘વાલીડા’ એ લોકોમાં કર્યું એલાન, દિલે ચોટ લાગતાં!

‘આવો, સો રૂપિયા ભરી લ્યો પાવતી અને કમાઓ વ્યાજ રૂપિયા પાંચ રોજેરોજ!

રૂપિયા સો મુદ્દલ રકમનું સાદું વ્યાજ થાયે વરસે રૂપિયા 1825, અધધધ!

પણ શરત કે લોકોએ ‘વાલીડા’ની ઓફિસે રોજ આવીને રૂપિયા પાંચ વ્યાજ વસુલવું!’ (3)

વાએ વાત ફેલાવી પૂરા પરગણે, અને

લોભિયાઓનાં ટોળેટોળાં ઉમટ્યાં તીડોની જેમ ‘વાલીડા’ના બંગલાભણી!

ડઝનબંધ બારીઓએ લાખોકરોડોનાં ભરણાં અને વ્યાજ તણાં ચુકવણાં થાયે!

24X7ના ત્રણેય પાળી કામકાજે મહેતા બદલાતા અને નોટોના કોથળેકોથળા ખડકાતા! (4)

એ ટાણે ‘ન્યુયોર્ક રૂ બજાર’ નો સટ્ટો ધૂમ ચાલે,

અને આપણો વાલીડો સઘળા રૂપિયા સટ્ટે લગાડે વિવિધ ભાવોના અંકે!

’દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિએ’ ઉક્તિ અનુસાર ખેલ ચાલ્યો મહિનાભર,

પરપોટો ફૂટ્યો પાણી તણો અચાનક અને લોકોએ કર્યો હંગામો ટોળે મળી એકદા! (5)

બંગલામાં તોડફોડ, ફરનિચરની હોળી અને પથ્થરમારા થકી,

લોકોએ વ્યક્ત કર્યો નિજ આક્રોશ અનામત અને વ્યાજની વસુલી કાજે,

સમજદારોએ બાંધછોડ માટે બતાવી તૈયારી, પણ અફસોસ!

‘વસુકી ગએલી ગાયે દૂધની આશા વ્યર્થ’ના જેવો ઘાટ ઘડાયો તહીં! (6)

છેવટે બંગલાના ઝરૂખે આવી ઊભો વાલીડો,

ઉવાચે હિંમતભેર કે ‘અગર મને મારવાથી તમને નાણાં મળી જતાં હોય તો આવું નીચે!

અલ્પ સમયગાળે વિશ્વાસના સિંચન થકી આપ સૌએ મને ઘટાદાર વટવૃક્ષ બનાવ્યો,

મારી વડવાઈઓએ સૌ વળગ્યા, તમારા ભાર થકી થયો હું ધરાશાયી, મુજ દોષ ક્યાં!’ (7)

વાલીડો વદે આગળ, ‘ભૂલો જો વ્યાજ તો ચૂકવું મુદ્દલ, બાપના બોલથી!’

’ભાગતા ભૂતની લંગોટી ભલી’ અનુસાર લોકોએ હર્ષનાદે સ્વીકારી ઓફર!

ટોળું વિખરાયું બીજા દિવસથી ચુકવણું થવાની ખાતરી મળતાં,

વાલીડો ગયો માળણ પાસે, ચાર આનાનું બકાલું માગ્યું ઉધાર અને તેણી હસી પડી! (8)

- વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”

 
 
Follow

Get every new post delivered to your Inbox.