RSS

(285) એક જ હોર્સપાવરનો હોર્સ દુજી તરફ!!! (હાસ્યકાવ્ય)

01 Nov

(અછાંદસ)


વિક્રમ સંવત બે હજાર અડસઠની લાભપાંચમે,

બુઈસ, ગ્રેટર નોઈડા (દિલ્હી) ખાતે, ભારતે પ્રથમ વાર યોજાઈ કાર રેસ,

નામે ઈન્ડિયન ફોર્મ્યુલા-1 હાઈ પ્રોફાઈલ સેલિબ્રીટી અને કાર રેસિંગના ચાહકો સંગ. (1)


નંબર વન વિનર બન્યો જર્મનીનો વેટલ,

જેણે નજદીકી હરીફ બ્રિટીશ બટનને 134 પોઈન્ટે મહાત કરીને

સચિન તેંડુલકરના ચેકર્ડ ફ્લેગનું અભિવાદન ઝીલતાં રેસ સમાપન કર્યું દોઢ કલાકે! (2)


વિક્રમ સંવત બે હજાર સડસઠની વિજયાદશમીએ યોજાઈ,

ગામનામ નહિ દેવાની શરતે, આપણી એ અંતરિયાળ ભૂમિની ઘોડદોડની મેરાથોન રેસ!

’રૂરલ ઈન્ડિયન ફોર્મ્યુલા- 2067’, લો પ્રોફાઈલ સેલિબ્રીટી અને વિશાળ મેદનીના સાન્નિધ્યે! (3)


વિક્રમ સંવત બે હજાર એકની વિજયાદશમીની,

પહેલી ઘોડદોડ ફોર્મ્યુલા- 2001 થી આજ તક ‘ન ભૂતો ન ભવિષ્યતિ!’

એવો આ વર્ષનો વિક્રમનો માનાંક જે સ્થપાયો તે સૃષ્ટિના પ્રલય સુધી રહેશે યથાવત્! (4)


‘વાત ખૂબ લડાવી, ભાયા, કહેશો આગળ કંઈ?’ કહેતા તમે,

’હજુ લડાવીશ, કેમ ન લડાવું! કેમ કે આ અતુટ માનાંક તો શાશ્વતકાલીન રહેશે,

સિવાય કે વિધાતા સૃષ્ટિએ અશ્વની દોડક્ષમતામાં અણકલ્પ્યો વધારો કરે ભવિષ્યે!’ વદું હું. (5)


* * * * *


આપણો ‘માઈનો લાલ’ પ્રત્યેક વર્ષે સ્પર્ધક બને, હારે છતાંયે

’નિષ્કામ કર્મ’ ના સિદ્ધાતને સમર્પિત આ જણ જેને ‘લાલ’ નામે સંબોધીશું, ડમી ઓળખે,

તેવા તેને સદનસીબ સાંપડ્યું, સ્થાનિક શિવમંદિરે કો’ મહેમાનસાધુની સેવાસુશ્રૂષા કાજે! (6)


નિશ્ચિત સમયાવધિએ વિદાય લેવા ટાણે મહારાજે,

’લાલ’ ને યાચવા કહ્યું કો’ વર, જે થકી કલ્યાણ થાયે નિજનું પ્રભુકૃપાએ!

અને, લ્યો માગી બેઠા ભાઈ ‘લાલ’ જીત આગામી ઘોડદોડે, યેનકેનપ્રકારેણ! (7)


‘લે, વત્સ યે એક વટિકા પોનેસો પક્કે કોશ પ્રતિ ઘંટેકી ગતિકી,

આપત્કાલીન દુસરી ભી યે લે દુગુની ગતિકી, જિન્હેં દૌડનેવાલે કે મુઁહમેં રખના!’

’તથાસ્તુ’ કહી મહારાજ ઊપડ્યા એમ વદી ‘સાધુ તો ચલતા ભલા!’ (8)


અને, નંબર વન વિનર બન્યો એ ‘માઈનો લાલ’,

જે હતો સાવ ચીંથરેહાલ અને આજ મરે કે કાલ એવા મરતલ ટટ્ટુનો સ્વામી,

અંતિમ લક્ષબિંદુએ માનવમહેરામણના અભિવાદન ઝીલતાં દોડ પૂરી કરી આંખના પલકારે! (9)


અફસોસ એક જ વાતનો કે આપત્કાલીન વટિકા પણ વટઈ ગઈ,

એ જ ઘોડદોડ રેસે, ક્યમ કે દોડતે ઘોડે અધવચાળે ‘લાલ’ ફંગોળાયા અવનિએ,

અને નિજ અશ્વસવારી પુન: પકડવા દુજી વટિકા મુખમાં નાખી બમણા વેગે દોડી જવા! (10)


અશ્વ અને અસ્વાર ઉભય આવશ્યક બની રહે,

ફિનીશીંગ લાઈન અર્થાત્ આખરી નિશાને એક સાથ હોવા અગર જીત સ્વનામે કરવી,

અને, લ્યો બન્યું પણ એ જ; ‘લાલ’ જીતી ગયો સ્પર્ધા અને ઢોલ, ત્રાંસાં, બ્યુગલ બજી રહ્યાં! (11)


જર્મનીનો વેટલ ચગ્યો અવનવા પ્રસાર માધ્યમે જગ તણા ખૂણેખૂણે,

આપણો ‘માઈનો લાલ’ ઘરદીવડો બની રહી, બસ મુજ કાવ્યનાયક થઈ માને ઇતિશ્રી!

અદૃશ્ય અધિક હોર્સપાવરની કાર એક તરફ અને એક જ હોર્સપાવરનો હોર્સ દુજી તરફ!!! (12)


-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”

 

3 Responses to (285) એક જ હોર્સપાવરનો હોર્સ દુજી તરફ!!! (હાસ્યકાવ્ય)

  1. સુરેશ

    November 1, 2011 at 4:41 am

    કોણ જાણે કેમ – ‘લગાન’ ફિલ્મ યાદ આવી ગઈ – અને એના અદભૂત, ધોતિયાંધારી ખેલાડીઓ.

    દર સાલ આ રેસ યોજાતી હોય તો, ૨૦૧૨ માં એના ટાણે એ અનામી ગામ તમારે આ જણને લઈ જવાનો. એક હોર્સ પાવરનો ઘોડો જોવો જ પડશે !

     
  2. Valibhai Musa

    November 1, 2011 at 6:32 am

    મારા મિત્ર,

    ‘માફ કરશો’, યાચકને કહેવાતું હોય છે, તે અર્થમાં હરગિજ નહિ. આવું કોઈ ગામ નથી કે આવી કોઈ રેસ મારા જોવા-સાંભળવામાં આવી નથી! આ તો ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ’વાળો ખેલ છે. નેટ સર્ફિંગમાં જાણવા મળ્યા મુજબ વલસાડ જિલ્લામાં કોઈ સટોડિયાઓ આવા ઉધામા કરતા હોય છે. જૂના સમયમાં દશેરાના દિવસે સાચે જ ગામડાંઓમાં ઘોડાઓ દોડાવવામાં આવતા હતા. હું નાનો હતો ત્યારે અમારા ગામના પાદરે એક વખત આવી રેસ જોએલી યાદ છે. એક રાયમલજી નામે ઠાકોરનું ટટ્ટુ હતું, જે હંમેશાં પાછળ જ રહેતું હતું. આ કાવ્ય પાછળ ઉદ્દીપક તરીકે આ બધાં સંસ્મરણો હોઈ શકે. તાજેતરની ઈન્ડિયા F-1 કાર રેસ સાથે કલ્પનાના ઘોડા દોડાવ્યા છે.

    તમારી આ કોમેન્ટના પ્રત્યુત્તરમાં અતિ વિસ્તારના ભોગે એક પ્રચલિત વાત ટૂંકમાં કહીશ. ચિત્રસ્પર્ધામાં ચિત્રો હતાં; ઘાસનો પૂળો, ફૂલ અને પડદો. ગાય છેતરાઈ અને પૂળો ખાવાનો પ્રયત્ન કર્યો, પતંગિયાને પણ એમ જ થયું; તો વળી નિર્ણાયક સાહેબ પડદો ઊંચો કરવા ગયા. પ્રથમ ઈનામ પડદાને મળ્યું, કેમ કે ત્યાં માણસ છેતરાયો.

    ખેર, એક બીજી વાત. પ્રો. સિંધી સાથે વાત થઈ. ‘મુસાફિર’ વિષેનું મટીરીયલ તૈયાર છે, ‘અમર’ પાલનપુરીનું મેળવી આપશે. Scan કરીને અકબરભાઈ કે હું મોકલી આપીશું.

    ધન્યવાદ.

    તા.ક. : ‘બાપજીવાળી ટિકડી’ એ રમુજી ટુચકો છે, જેને આ કાવ્ય દ્વારા ટીકડી (કેપ્સુઅલ) તરીકે ગળાવી દેવાનો અને એ રીતે હસાવવાનો અહીં કવિપ્રયત્ન છે.

     
  3. pragnaju

    November 1, 2011 at 1:10 pm

    એક અશ્વશક્તિ પાયો છે તેમાંથી હંમણા આ સુપર ફાસ્ટ કોમ્પ્યુટર સતત ચાલુ રાખવા માટે ૧.૫ મેગા વોટ્સની જરૃર પડે છે જે ૨૦૦૦ હોર્સ પાવર ડિઝલ એન્જિન માટે વપરાતા પાવરની બરાબર છે. તેની બનાવટની કિંમત લગભગ ૧૦૦ મિલિયન ડોલર (૧ મિલિયન = 10,00,000) આંકવામાં આવી છે. તેમજ આ કોમ્પ્યુટર માટેની આંતરિક વપરાતી બેન્ડવીથ એટલી છે કે તેના દ્વારા લગભગ ૩૦,૦૦,૦૦,૦૦૦ લોકો જેમાંથી દરેક ૧૫૦ ટેલિફોન ઉપર એક જ સમયે વાર્તાલાપ કરી શકે.
    ૨૦૦૦ અશ્વશક્તિથી હજુ ક્યાં જવાશે !પણ
    જર્મનીનો વેટલ ચગ્યો અવનવા પ્રસાર માધ્યમે જગ તણા ખૂણેખૂણે,
    આપણો ‘માઈનો લાલ’ ઘરદીવડો બની રહી, બસ મુજ કાવ્યનાયક થઈ માને ઇતિશ્રી!
    અદૃશ્ય અધિક હોર્સપાવરની કાર એક તરફ અને એક જ હોર્સપાવરનો હોર્સ દુજી તરફ!!!

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

 
Follow

Get every new post delivered to your Inbox.