લે, તાળી!
તાલીસંકેતે
સ્થિર પાદ, લાગી શું
વેક્યુમ બ્રેક?
‘આ હાઈકુના સીધા પઠનમાં હાસ્યનો છાંટો ય નથી અને એના વિવેચક (બબુચક!)ના પિષ્ટપેષણમાં તો કંટાળા સિવાય કંઈ જ હાથ લાગશે નહિ!’ એમ પ્રારંભે જ કહી દેવું સારું! તાજેતરમાંજ માર્ક ટ્વેઈન (Mark Twain) ની જન્મજયંતી ગઈ જેમનું આ જ મતલબનું એક વ્યંગકથન હતું – “વિનોદ અથવા રમુજનો અભ્યાસ કરવો એટલે જીવવિજ્ઞાનના અભ્યાસમાં દેડકાને ચીરવું કે જ્યાં આપણે દેડકા વિષે ઘણું બધું જાણી તો શકીએ, પણ તેનો અંત તો મરેલા દેડકાથી જ આવે!”
પીઠ પાછળથી આવતો તાલીસ્વર એ પુરોગામીઓ માટેનો શ્રાવ્યસંકેત છે અને અનુગામી તાલીવાદક માટે કોઈકનું ધ્યાન દોરવાનું માધ્યમ છે. નગરમાર્ગે આપણી આગળ ચાલ્યા જતા કોઈકને વગડામાં હોઈએ તે રીતે ઘાંટા કાઢીને કે બરાડા પાડીને બોલાવવું એ જંગાલિયતની નિશાની ગણાય અને એટલે જ તો તાલી વગાડીને વાધરી માટે ભેંસ મારવાની જેમ કોઈ એક માટે બધાયને પાછળ જોવડાવવામાં આવે છે. મેટ્રિક પછી તરત જ ધંધા અર્થે મદ્રાસ જવાનું થતાં મારા રમુજી યજમાન મિત્રે ભરચક માર્ગે ચાલ્યા જતા સઘળા લોકોને તાળી વગાડીને પાછળ જોવડાવ્યું હતું!
ખેર! આપણે આપણા હાઈકુએ આવીએ તો અહીં પ્રણયકાવ્ય, પ્રણયરાગ કે પ્રણયચિત્રની જેમ અહીં પ્રણયતાળી છે! આગળ ચાલી જતી હાઈકુનાયિકાને તેનો પ્રેમીસગલો તાલીસંકેતે જાણ કરે છે કે પોતે તેની પાછળ પાછળ આવી રહ્યો છે. પેલી નારી પણ પોતાના પ્રિયતમની તાળીને પીઠ ફેરવ્યા વગર જ લાખોકરોડો તાળીઓના અવાજોમાં શ્રવણમાત્રથી ઓળખી પાડે છે અને કોઈ વાહનની વેક્યુમ બ્રેકની જેમ તેના પગ ત્યાંને ત્યાં જ સ્થિર થઈ જાય છે!
અહીં મારા ચકોર વાંચકો એ દલીલે મને ચૂપ કરવાનો પ્રયત્ન કરશે કે હાઈકુમાંથી ક્યાં એવું ફલિત થાય છે કે તાળી વગાડનાર ભાઈડો છે અને આગળ ચાલ્યે જતી બાઈડી છે! આનો સીધો અને સરળ ખુલાસો એ છે કે જાહેર માર્ગે કદીય કોઈ પૂર્ણ નારી તાળી વગાડે નહિ અને હા, કોઈ અર્ધનારી હોય તો એ જુદી વાત છે!!!
-વલીભાઈ મુસા
Advertisement




pragnaju
December 14, 2011 at 2:46 pm
“આનો સીધો અને સરળ ખુલાસો એ છે કે જાહેર માર્ગે કદીય કોઈ પૂર્ણ નારી તાળી વગાડે નહિ “કોર્ટની ભાષામા કહીએ તો …આપની આ વાત સત્યથી વેગળી છે..તાળીની વાત આવી અને ગીત ગુંજવા માંડ્યું.
કે પાદરમાં ઝરમર વેરાઇ તમે મળવું, દે તાલી..
કે વાતમાં મોરલાના ટહુકાનું ભળવુ, દે તાલી..
દે તાલી.. દે તાલી દે તાલી..
દે તાલી.. દે તાલી દે તાલી..
દે તાલી.. દે તાલી દે તાલી..
અને હાઇકુમા કહીએ તો
કે પાદરમાં
મોરલાઓ ટહુક્યા
મને દે તાલી..!