પ્રેમપત્ર
ના અભણ તું!
થૈ લહિયો, લખતો,
હા, પ્રેમપત્ર!
જી હા, ઈશ્ક એ નશો છે! પછી એ હકીકી હોય કે મિજાજી! અહીં આ હાઈકુમાં તો મિજાજી જ સમજવાનો રહેશે, કેમ કે અહીં પ્રેમપત્ર લખવા-લખાવવાની વાત છે! ઈશ્કે હકીકી એ તો એવો દિવ્ય પ્રેમ છે કે જ્યાં માત્ર અનુભૂતિ જ થતી હોય છે, ત્યાં અભિવ્યક્તિને કોઈ સ્થાન નથી હોતું!
સામાન્ય રીતે પ્રેમીયુગલોને અને દુનિયાને આડવેર હોવાનું જોવા મળે છે. જગતના ઈતિહાસમાં અમર થએલી પ્રેમકહાનીઓનો અંજામ દુ:ખદ જ રહ્યો છે. પ્રથમ નજરે અન્યોન્ય પ્રેમમાં પડેલાં એવાં એ પ્રેમીપાત્રો એકબીજાને રૂબરૂ મળી શકતાં નથી હોતાં. આવા સમયે પ્રેમપત્રોની આપલે જ તેમના વિરહના દુ:ખમાં સધિયારો પૂરો પાડે. આવા પ્રેમપત્રોમાં કવિઓની કવિતાઓ કે શાયરોની શાયરીઓ હોવી જરૂરી નથી હોતી. ઉભય પાત્રોની લેખિત અભિવ્યક્તિ અણઘડ સ્વરૂપે હોય તો પણ તેમને માન્ય રહેતી હોય છે.
આપણા હાઈકુનાયકને પોતાની પ્રિયતમા તરફના પ્રેમપત્રની અપેક્ષા છે,પણ અફસોસ કે એ અપેક્ષા સંતોષાતી નથી. પ્રિયતમાની આ નિષ્ક્રિયતા માટે પ્રેમપત્ર પકડાઈ જવાનો ભય, પત્ર લખવાની ઉદાસીનતા (આળસ) કે પછી સ્ત્રીસહજ શરમાળપ્રકૃતિ જવાબદાર હોઈ શકે ! જે હોય તે,પણ અહીં પ્રિયતમની પ્રેમપત્ર પામવાની ઝંખના ગાંડપણની હદે એવી તીવ્ર બને છે કે તેમને ઈચ્છા થઈ આવે છે કે પોતે પ્રિયતમા વતી તેનો લહિયો બનીને પોતે જ પોતાને પ્રેમપત્ર લખે! પરંતુ આમ કરવામાં એક પારિભાષિક (Technical) બાબત એ નડે છે કે પ્રિયતમા અભણ નથી! અભણ વ્યક્તિ જ લહિયાનો સહારો લે અને આમ ભણેલીગણેલી પ્રિયતમા વતી પોતે પ્રેમપત્ર લખે એ કૃત્યમાં પોતાના પક્ષે ગાંડપણભરી ચેષ્ટા ગણાઈ જવાનો ભય રહેલો છે!.
આમ સઘળી પરિસ્થિતિની ફલશ્રુતિ તો એ જ આવીને ઊભી રહે છે કે પ્રિયતમા શિક્ષિત હોવા છતાં પ્રેમપત્ર પત્ર લખતી નથી અને પ્રિયતમ મહાશય તેણીના લહિયા બનીને પત્ર લખી પણ શકતા નથી! આમ તેમના લલાટે લખાએલું વિરહનું દુ:ખ ભોગવવા સિવાય તેમની પાસે કોઈ આરો (કિનારો) કે ચારો (ઘાસ!) રહેતો નથી! ન આમ કે ન તેમ એવી દ્વિધાભરી પરિસ્થિતિ તેમના તન અને મનને દઝાડે છે. પ્રેમપંથ પાવકની જ્વાળાઓથી જ સભર હોય ત્યાં શીતળતાની અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય!
-વલીભાઈ મુસા
Advertisement




સુરેશ જાની
December 15, 2011 at 3:13 am
પ્રોક્સી મૈત્રીમાં
ન કાવ્ય કે પ્રેમમાં
ફક્ત શૅરમાં.
pragnaju
December 15, 2011 at 3:21 am
આવી જવાબે!
કાસિદની લાશ
પ્રેમપત્રના.
લખવો પ્રેમપત્ર તો વિખ્યાત કવિ જોન કીટ્સે ફેની બ્રાવનીને લખેલ પત્ર જેવો ! તે એક લિલામમાં ૧,૫૩,૦૦૦ ડોલર માં વેચાયો છે. કીટ્સે ૧૮૨૦માં તેની પડોશણને એક નોંધ લખી હતી, જેમાં તેમણે પોતાને ‘ગરીબ કેદી’ ગણાવ્યા હતા, કારણ કે તે નાદુરસ્ત તબિયતથી પીડાતા હતા. એક વર્ષ પછી માત્ર ૨૫ વર્ષની ઉંમરે મૃત્યુ પામેલા કીટ્સ મહાન કવિઓ પૈકીના એક ગણાય છે. હેમ્પસ્ટેડ, લંડનમાં તેમની પડોશમાં રહેતી બ્રાવનીએ તેમને લખેલા પત્રો સાથે તેમને દફનાવાયા હતા.બ્રિટનની સિટી ઓફ લંડન કોર્પોરેશનના વડાઓએ હેરિટેજ લોટરી ફંડની મદદથી લિલામમાં આ પત્ર ખરીધ્યો હતો અને તેને કીટ્સ હાઉસમાં પ્રદર્શિત કરાશે, જ્યાં ૧૮૧૮થી આ પત્ર લખાયો તે વર્ષ સુધી કીટ્સ રહ્યા હતા. બ્રિટિશ દિગ્દર્શક જેન કેમ્પિયને કીટ્સના બ્રાવની સાથેના રોમાન્સને રજૂ કરતી ફિલ્મ ‘બ્રાઇટ સ્ટાર’ બનાવી હતી. કીટ્સે તેમની પ્રેમિકા માટે ‘બ્રાઇટ સ્ટાર’ નામનું કાવ્ય લખ્યું હતું.
કાસિદ કો આતે આતે એક ખત ઔર લિખ રખું,
મૈં જાનતા હું વો ક્યા લિખેંગે જવાબમેં.
ગાલિબ ની જેમ કાસિદની રાહ જોયા વગર બીજો પત્ર પણ લખ્યો પણ જવાબમા કાસિદને બદલે આવી તેની લાશ…………………….