દૃષ્ટિકેમેરે,
થઈ ફ્લેશગન તું,
આંજે મુજને!
Photographyના ગુજરાતીમાં ભાષાંતરીય અને ભદ્રંભદ્રીય શબ્દો થાય ‘છબીકલા’ કે ‘તસ્વીરકલા’. રોજિંદાં ઉપયોગી અવનવાં ઉપકરણોમાં ક્રાંતિકારી પરિવર્તનો આવતાં જાય છે. સ્ટુડિયોમાં કેમેરાથી ફોટોગ્રાફ લેવાતો હોય તો લાઈટની વ્યવસ્થા હોય, પરંતુ Outdoor ફોટોગ્રાફીમાં કેમેરા સાથે ફ્લેશગન જોડાએલી હોય છે. ફોટો લેતી વખતે ક્લિક કરતાંની સાથે જ ફ્લેશગનનો ચમકારો થાય અને પરિણામે જેનો ફોટો લેવામાં આવતો હોય તે વ્યક્તિ કે દૃશ્ય બહુ જ સ્પષ્ટ દેખાઈ આવે. આ ચમકારાથી સામે જો કોઈ વ્યક્તિ હોય તો તેની આંખો અંજાઈ જતાં બંધ થઈ જતી હોય છે અને ફરી ફોટો લેવો પડતો હોય છે.
આ બધી તો ફોટોગ્રાફી વિષેની વાત થઈ, પણ આપણા આ હાસ્ય હાઈકુમાં તો હાઈકુનાયકની કોઈક જુદી જ વાત છે. હાઈકુનાયકની પાસે પેલો સાધનિક કેમેરો નથી, પણ પોતાની પાસે દૃષ્ટિ રૂપી કેમેરો છે. આ કેમેરામાં ફ્લેશગન નથી, પણ સામેની હાઈકુનાયિકા પોતે જ જાણે કે ફ્લેશગન હોય તે રીતે તેના ચહેરામાંથી એવું જાજ્વલ્ય પ્રગટે છે કે જેથી હાઈકુનાયકંની આંખો અંજાઈ જતાં બંધ થઈ જાય છે, જેના પરિણામે પોતાના દૃષ્ટિકેમેરામાં નાયિકાની તસ્વીર ઝીલાતી નથી.
આમ અહીં ‘શિકાર કરનેવાલા ખુદ શિકાર હો ગય!’ જેવી સ્થિતિ નિર્માણ પામે છે. માશુક પોતાના દૃષ્ટિકેમેરામાં માશુકાના ચહેરાને ઝડપી લેવા માગે છે, એટલા માટે કે પોતે જ્યારે પણ ઈચ્છે ત્યારે તેનો વિચાર માત્ર કરતાં તેને પ્રત્યક્ષ નિહાળી શકે. તેની અપેક્ષા તો એવી છે કે ચર્મચક્ષુમાં ઝીલાએલી તસ્વીર અંત:ચક્ષુમાં એવી તો ઊંડી ઊતરી જાય કે તે કદીય વિસરાય નહિ! પણ, અફસોસ! માશુકનાં ચક્ષુઓમાં અંધકારના ઓળા ઊતરી આવે છે અને માશુકાનો ચહેરો ઓઝલ થઈ જાય છે.
-વલીભાઈ મુસા
Advertisement




સુરેશ જાની
December 20, 2011 at 5:05 am
વલીદા
રૂપરૂપના અંબાર જેવી માશૂકા સામે ઊભી હોય તો ડોળા ફાડીને જોતા જ રહીએ – આંખો બંધ તે થતી હશે ?
દૃષ્ટિકેમેરે,
થઈ ફ્લેશગન તું,
રોમે વિજળી !