RSS

A Farewell (વિદાય)

10 Jun

Click here to read Preamble in Gujarati

A short story of mine in Gujarati titled as “Vidaay” is represented for my Gujarati readers just to join them with an un-named soldier and his wife to share the feelings they experienced at the time of the farewell. In any literary work, such technique of “Anti – climax” is applied to make a U-turn in the smooth going of the episode. The present form of short story differs to the old ones and my readers will adjust themselves to the new trend of the style of the story.

Please, go further and enjoy:

વિદાય

 ત્રણ મહિના તો પાણીના રેલાની જેમ વહી ગયા. આજે રજાઓ પૂરી થતી હોઈ મારે બપોરની જ ગાડીમાં મુંબઈ જઈ ત્યાંથી પ્લેન દ્વારા સીધા દહેરાદૂન અને ત્યાંથી કમાન્ડર જે હૂકમ કરે તે પ્રમાણે વર્તવાનું છે. આમ જ્યારેજ્યારે રજાઓ પૂરી થાય છે અને ફરજ ઉપર જવાનું થાય છે, ત્યારેત્યારે ઘર છોડતી વખતે આવી લશ્કરની નોકરી પ્રત્યે મને થોડીક નફરત થઈ આવે છે.

 સ્મિતા આજ સવારથી જ સરસામાન તૈયાર કરવામાં લાગેલી છે. કબાટમાંથી કપડાં કાઢતી અને ટ્રંકમાં ગોઠવતી તે એક કપડું કાઢે છે અને બીજું ગોઠવે છે. છેવટે ટ્રંક ભરાઈ જતાં તે બંધ કરવા જાય છે, પણ ટ્રંક બંધ થતી નથી. હવે તે ઉપરનું કપડું કાઢી લે છે, પણ વળી તે અગત્યનું લાગતાં તેને ગોઠવવા બધાં જ કપડાં પાછાં બહાર કાઢે છે અને ફરી પાછાં ગોઠવે છે.

 હું ખુરશી ઉપર આસન જમાવીને ધૂમ્રપાન કરતોકરતો તેની સામાન તૈયાર કરવાની એકતાનતા જોઈ રહ્યો છું. શું રાખવું અને શું કાઢવું તેની ગડમથલ કરતી તે થર્મોસ લાવે છે, ટિફિન લાવે છે. ખૂણેખાંચરેથી વસ્તુઓ લાવીને એકત્ર કરે છે, તો વળી આપવા જેવી ન લાગતી વસ્તુઓને યથાસ્થાને પાછી પણ મૂકી આવે છે. ટૂંકમાં, તે આખું ઘર ફેંદી નાખે છે. હું તેને એકાદ બાળકીની માફક સામાન સાથે રમતી જ જાણે કે જોઈ રહ્યો છું. હું ગમગીન છું, પણ તે તેના કામમાં જ વ્યસ્ત અને મસ્ત છે. હું વિયોગના દુ:ખની લાગણી અનુભવી રહ્યો છું, પણ તેના મુખ ઉપર દુ:ખનાં કોઈ ચિહ્નો દેખાતાં નથી. હું નવાઈ પામું છું, એ વિચારે કે જાણે તે મને વિદાય કરી જ દેવા ન માગતી હોય !

હવે જ્યારે વિખૂટાં પડવા આડે માંડ કલાકે જ બાકી રહ્યો છે, ત્યારે મનભર વાતો કરી લેવા અથવા મને આલિંગી લેવાના બદલે તે સરસામાન તૈયાર કરવામાં જ લાગી રહીને આ મૂલ્યવાન પળો શા માટે વેડફી રહી છે તે મને સમજાતું નથી. સામાનમાં એકાદ વસ્તુ બાકી રહી જશે તો તે નવી ખરીદી લેવાશે, પણ આ વીતી ગએલી પળો ક્યાંથી પાછી આવવાની છે ! વળે સરહદ ઉપરથી જીવતો પાછો ફરીશ, તો જ અમે એકબીજાનાં મોં ભાળી શકવાનાં છીએ; તો પછી જે અલ્પ સમય શેષ રહ્યો છે તેનો લહાવો લેવાના બદલે આ તેણે શી ધમાલ માંડી છે ? કંઈ જ સમજાતું નથી.

કદાચ મને રસ્તામાં કે નોકરીના સ્થળે કોઈ અગવડ ન પડે, કોઈ જરૂરી વસ્તુ ન રહી જાય તે જોવાનો તેનો શુભ આશય એ પાછળ રહ્યો હોય એ મારાથી સમજી શકાય છે; પણ એ આશય તો આ છેલ્લી પળોમાં ગૌણ જ ગણાય ને ! મને નવાઈ એ પણ લાગે છે કે સામાન બાંધતાંબાંધતાં તે સ્ત્રીસહજ ન્યાયે રડતી કેમ નથી ? તેને વિયોગનો વિચાર જ નહિ આવતો હોય ? કે પછી સૈનિકની પત્ની હોઈ આ યોગવિયોગ તેના કોઠે પડી ગયો હશે ? શું સૈનિકની પત્ની પણ સૈનિકના જેવી જ કઠોરતા ધારણ કરી શકે ખરી ? ખરે જ, મને કંઈ જ સમજાતું નથી.

હું મારી દ્વિધાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરું છું. બિસ્તરા પાસેનો સરસામાન જેમનો તેમ રખાવીને હું તેનું કાંડું પકડીને તેને શયનખંડ તરફ ખેંચું છું. ‘રહેવા દે ને, સામાનની આ બધી લમણાઝીક ! આપણે છેલ્લેછેલ્લે દિલ ભરીને વાતો તો કરી લઈએ !’ એમ કહીને હું તેને ચસચસતું આલિંગન આપું છું, પણ તેનું મન તો સામાનની ગોઠવણીમાં જ જાણે ભટકી રહ્યું છે, આલિંગનમાં તેને મુદ્દલ રસ નથી. થોડીવાર માટે કિલ્લોલ કરતી મને વાતોમાં વાળે છે ખરી, પણ પાછી મને હાથતાળી આપીને એમ બબડતી ખંડમાંથી ભાગી છૂટે છે કે ‘જોયું ? હું ટુથબ્રશ મૂકવાનું તો ભૂલી જ ગઈ !’.

હું અચરજ પામું છું, તેની નિ:સ્પૃહતાને જોઈને ! હું પણ નાના બાળકના જેવી વિહ્વળતા અનુભવતો, કંઈ ન સૂઝતાં બિસ્તરો બંધાવવા તેની મદદે પહોંચી જાઉં છું. હું બિસ્તરા ઉપર પગ ટેકવીને પટ્ટી ખેંચું છું, તે ક્લિપ લગાવે છે. હું તેના ચહેરા ઉપરનો ભાવ વાંચવા મારી આંખ તેના ઉપર ખોડું છું. તેના ચહેરા ઉપર વિવશતાનું એકેય ચિહ્ન મને નથી વરતાતું ! હું સાવ અંગત કહી શકાય તેવી વાતોએ તેને વાળવાનો પ્રયત્ન મૂકી દઉં છું અને એના બદલે ઘરગથ્થુ સર્વસામાન્ય વાતો અને ભલામણો કરતો રહું છું.

ત્યાં તો ઘડિયાળ ‘અડધો કલાક’ બાકીની ટકોર કરે છે. સામાન ઓસરીમાં મૂકી દઈને અમે ઘરમાં પાછાં ફરીએ છીએ. તે દિવાલને અઢેલીને ઢાળેલી પાંપણે મારી સામે ઊભી રહે છે. સામાન તૈયાર થઈ ગયો હોઈ હવે તે મુક્ત છે. મારા મનમાં હજાર વાતો કહેવાની છે, પણ મારા ઓષ્ઠ જડ બની ગયા છે. તે પણ વારાફરતી મારા ચહેરા અને ભોંયભણી નજર ફેરવ્યે જતી સૂનમૂન ઊભી રહે છે. હું કંઈક બોલવા જાઉં છું, ત્યાં તો તેની આંખોમાંથી અશ્રુ સરી પડે છે. હું સ્તબ્ધ બનીને ઊભો રહી જાઉં છું. હું આશ્વાસનના કોઈક શબ્દો કહેવા માટે મારા ઓષ્ઠ ફફડાવવાનો પ્રયત્ન કરવા જાઉં છું, ત્યાં તો તે પવનવેગે ડૂસકાં ભરતી મારા તરફ ધસી આવે છે; મારી છાતી સરસું મોં દબાવી દઈને રડી પડે છે.

હું રડતો નથી, કેમ કે હું પુરુષ છું અને મારું પુરુષત્વ મને એમ કરતાં રોકે છે. મારો હાથ હળવેથી તેના મસ્તક ઉપર ફરે છે. છેવટે હું મારા બંને હાથે તેનું મોં ઊંચું કરું છું. તે અંગુઠા વડે તેના ગાલ ઉપરનાં અશ્રુ લૂછે છે અને થોડીક સ્વસ્થ થતાં છેવટે આટલું જ બોલે છે :’હવે જાઓ, સમય થઈ ગયો છે અને હું સ્ટેશન ઉપર નહિ આવું !’

તેનું છેલ્લું વાક્ય મને જરાય ખૂંચતું નથી; કારણ કે હું સમજું છું કે તેનું આ વાક્ય બોલવામાં તેની કઠોરતા નથી, પણ સ્ત્રીસહજ પોચાપણું છે. તે વિખૂટાં પડવાની પળોને લંબાવવા નથી માગતી, પણ એકી ઝાટકે તે પળોને જાણે કે કાપી નાખવા માગે છે !

થોડીવાર થતાં નીચે ઘોડાગાડી આવીને ઊભી છે. હું મહામુસીબતે મારા કદમ ઊઠાવું છું. સિગારેટ સળગાવી ગાડીમાં ચઢી બેસું છું. ઊંચે નજર કરતાં તે અગાસીમાં ઊભેલી દેખાય છે. ઓષ્ઠ ઉપર સ્મિત સાથે તે પોતાનો હાથ ઊંચો કરીને મને વિદાય આપે છે. ગાડી ઊપડે છે. ભેગી મળેલી ચાર આંખો ધીમેધીમે દૂર પડતી જાય છે.

સ્ટેશન ઉપર પહોંચું છું. મેઈલ આવે છે. હું પ્રથમ વર્ગના ડબ્બામાં સામાન ગોઠવીને છેલ્લેછેલ્લે વતનનું સ્ટેશન જોઈ લેવા મારી જાતને ડબ્બાના બારણા વચ્ચે ગોઠવું છું. ગાડી ઊપડે છે. ત્યાં તો દૂરથી કાળાં ચશ્માંવાળી અને હાથમાં પર્સ સાથેની એક યુવતી દોડતી આવે છે. હું હાથના ઈશારા વડે તેને મારા ડબ્બા તરફ બોલાવું છું. ગાડી વેગ પકડતી જતી હોઈ હવે તેણે કોઈપણ ડબ્બો પકડી લેવો જોઈએ તેમ હું વિચારું છું. તે મારા ડબ્બા નજીક આવે ત્યાં સુધીમાં તો ગાડીએ વધુ ગતિ પકડી લીધી છે. આમ છતાંય તે તેની દોડવાની ગતિ વધારી દઈને પોતાનો હાથ લાંબો કરે છે અને હું તેનું કાંડું ઝાલીને તેને અંદર ખેંચી લઉં છું. તે હાંફતીહાંફતી મને બાઝી પડે છે.

અમારા સિવાય બીજું કોઈ ડબ્બામાં ન હોવાની ખાત્રી છતાં ઝડપથી નજર ફેરવી લઈને પુન: ખાતરી કરી લઉં છું. કેટલાક સમય સુધી અમે એકબીજાં સાથે જકડાયેલાં જ રહીએ છીએ. છેવટે તે મારા બાહુપાશમાંથી મુક્ત થાય છે અને બોલી પડે છે : ‘કેમેય કરતાં જીવ ન રહ્યો – તમને મુંબઈ સુધી વળાવીને ત્યાંથી પાછી ફરીશ !’.

અને મેં તેને ફરી જકડી લીધી.

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

 ‘ચાંદની’ (૧૯૬૯)

 

 

 
1 Comment

Posted by on June 10, 2007 in લેખ, gujarati, PDF Attachment

 

Tags: , , , , , ,

One response to “A Farewell (વિદાય)

  1. Shamim Palasara

    June 11, 2007 at 10:07 am

    Dear Vali Kaka,
    I always like short stories b’case in short stories in few words author has to describe the whole situation as well moral of story .so,I think it is more difficult to make short stories…and in this blog women’s feelings is shown in very good way……onething i would like to say is though women r very sensitive for their dear and near one ,same time they r very strong in hiding their feeling also…..

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: