RSS

Jal-samaadhi, a love story (Gujarati)-Part II (જળસમાધિ-૨)

15 Apr

જળસમાધિ

સાવ વિચિત્ર કહી શકાય એવો એક દિવસે એક પ્રસંગ બન્યો. મુખીને થુંબડાવાળા  ખેતરમાં ચેણો* ઊગાડવાનો હતો. મુખિયાણી ખેતરમાં હતાં, તેથી પશાભાએ ખુશાલને કહ્યું, ‘ખુશાલ, ઘેર જઈને ચેણો ઉપાડી આવ તો વારુ! મેં રૂપાને કોઠીમાંથી કાઢી રાખવાનું કહી રાખ્યું છે. જલદી જા અને ઊભા પગે પાછો વળજે. આજ સાંજ સુધીમાં આપણે ચેણો પુખી નાખવો છે.

ખુશાલ ઘરમાં દાખલ થયો. તેને ઘરમાં હરવાફરવાની છૂટ હતી. પણ આ શું? તેણે વિચિત્ર દૃશ્ય જોયું. કોઠીના કાંઠા ઉપર કેળ સ્તંભશા બે પગ હાલી રહ્યા હતા. ખુશાલ વાત કળી ગયો કે ચેણો કાઢતાં રૂપા ઊંધા માથે થઈ ગઈ હતી. વીજળીવેગે કોઠી ઉપર ચઢીને જેવું તેણે અંદર જોયું કે તરત જ તેણે મોં ફેરવી લીધું. તે બે ઘડી વિમાસણમાં પડી ગયો કે શું કરવું! પળવાર વિચાર આવ્યો કે પડોશમાંથી કોઈક સ્ત્રીને બોલાવી લાવે, પણ તેમ કરવા જતાં રૂપાની જિંદગી હોડમાં મૂકવા જેવું થાય તેમ હતું. સામાન્યત: ચેણો એ સુવાળું ધાન્ય હોઈ રૂપાનું માથું અંદર સરક્યા જ કરે, શ્વાસ રુંધાય અને… અને…

આગળ વિચારવા પહેલાં તેણે ત્વરિત નિર્ણય લઈ લીધો. આંખો મીંચીને તેણે રૂપાના સુકોમળ પગ ઝાલી લીધા અને ખેંચીને બહાર કાઢી લીધી. કેવો જોગાનુજોગ હતો કે રૂપાનું કોઠીમાં ઊંધા માથે થઈ જવું અને ખુશાલનું ઘરમાં દાખલ થવું. ગામડાંમાં ચેણાને ગોઝારો ગણવામાં આવતો હોય છે અને તે દિવસે રૂપાનો જરૂર ભોગ લેવાઈ ગયો હોત!

રૂપા બહાર નીકળી ત્યારે તેની છાતી ધમણની જેમ ચાલતી હતી. શરીર ઉપરનાં વસ્ત્રો પરસેવાથી નીતરતાં હતાં.આંખો, નાક અને કાનમાં દાણા ભરાઈ ગયા હતા. છોભીલી પડેલી રૂપા કપડાં ખંખેરતાં રડવા જેવી બની ગઈ.

પણ ખુશાલ તો પેટ પકડીને હસી હસીને બેવડો વળી ગયો. રૂપા શરમની મારી લજામણીના છોડની જેમ લચી પડી. ખુશાલે એકદમ હાસ્યને સંકેલી લેતાં જરા ગંભીર થઈને કહ્યું, ‘રૂપા, મને માફ કરજે. મારે મર્યાદા ઓળંગવી પડી કેમકે તું જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હતી.

ખુશાલની આ નિખાલસ વાણીએ રૂપાના મોં પર શરમના શેરડા પાડ્યા. બે હથેળી વડે પોતાનું મોં છૂપાવી દેતાં તે કપોતીની જેમ ધ્રૂજવા માંડી. છેવટે પ્રસંગની ગૂંગળામણમાંથી મુક્તિ મેળવવા ઘરના ખૂણામાં ભરાઈ બેઠી.

ખુશાલે કોઠીમાંથી બાકીનો ચેણો કાઢીને ગાંસડી માથે મૂકીને ચાલવા માંડ્યું, પણ વળી કંઈક યાદ આવતાં પાછા વળીને કહ્યું, ‘રૂપા, આ વાત અહીં ને અહીં દાટી દેજે, કોઈને કહીશ નહિ. નહિ તો વાત વંઠશે અને આપણી બેઉની ફજેતી થશે.

રૂપાએ બાઘાની જેમ ડોકું હલાવ્યું અને વિચારને ચગડોળે ચઢી. તેને કબૂલ તો કરવું પડ્યું કે ખુશાલે માફી માગવા જેવું કંઈ હતું જ નહિ. તેણે જે કંઈ કર્યું હતું તે યોગ્ય જ હતું. છેવટે રૂપાના હૃદય ઉપર એક છાપ તો ચિરંજીવ કોતરાઈ ગઈ કે પરસાભાની રૂપા તો મરી પરવારી હતી, પણ ખુશાલે તેને પુન: સજીવન કરી હતી. પોતે લોકલાજે કદાચ ખુશાલને પોતાના દેહનો માલિક ન બનાવી શકે, છતાંય હૃદય તો તેનું થઈ ચૂક્યું હતું. પોતે છેવટે એ નિશ્ચય પર આવી કે જીવનભર ખુશાલના આ ઉપકારને પોતે નહિ જ ભૂલે!

* * * * *

એક દિવસે મુખીના ઢીંચણમાં વા આવ્યો હોવાના કારણે પોતે કોસ કાઢવા અશક્તિમાન હતા. આથી તેમણે ખુશાલને કોસ ખેંચવા વળગાડ્યો અને પોતે ક્યારા વાળવા ગયા.

water-drawingખુશાલ કોસ ઉપર કોસ કાઢ્યે જતો હતો. થોડીવારમાં રૂપા માથે ભાતસોતી આવી. રૂપાને જોતાં જ ખુશાલે બળદ થોભાવી દીધા. બળદની પીઠ ઉપર કોણી ટેકવીને ખુશાલ રૂપાના રૂપરસને પીવા માંડ્યો. રૂપા પણ પોતાના રૂપરસનું પાન કરાવતી કોઈ ચિત્રકાર સમક્ષ જેમ ઊભી રહે તેમ ઊભી રહી. આમ કેટલો સમય પસાર થયો તેની એકેયને ખબર ન રહી.

સદ્-ભાગ્યે કૂવાની આજુબાજુ ગીચ ઝાડી હતી, જેથી તેમને કોઈ દેખે તેમ ન હતું. નહિ તો બન્ને એકબીજામાં એવાં ખોવાઈ ગયાં હતાં કે આજે તેમની ચોરી પકડાઈ જાત! પણ આ શું? ઝાડીનાં પાંદડાં વચ્ચે બિલાડી જેવી કોની આંખો ચમકતી હતી! હા, એ તો મુખી હતા. નીંકમાં પાણી આવતું બંધ થયેલું જોઈ તેમણે બેત્રણ બૂમો પાડેલી પણ તે સાંભળવા અહીં કોણ નવરું હતું? છેવટે પોતે કૂવા તરફ આવ્યા અને આ પ્રણય-બેલડી આબાદ ઝડપાઈ ગઈ. બંનેને એકબીજામાં ઓતપ્રોત થયેલાં જોઈને પરસોતમ મુખી તો ડઘાઈ જ ગયા. જેવી તેમણે પીઠ ફેરવી કે તરત જ રૂપા તેમને જોઈ ગઈ. તે સાવધાન થઈ ગઈ અને ખુશાલને ઈશારાથી સમજાવી દીધું. ખુશાલ પણ ભોંઠો પડી ગયો.

થોડીવાર પછી રૂપાએ જાણે કશું જ બન્યું નથી, તેમ સાબિત કરવા કૂવા પરથી બૂમ પાડી, ‘ભ…ભાત લાવી છું. જમવા ચાલો, બાપા!

એ જ આંબા નીચે આજસુધી કેટલાય આનંદથી ભોજન ખવાયાં હતાં, પણ આજનું ભોજનકાર્ય તો મૌન રીતે જ પત્યું. ન ખુશાલ કંઈ બોલી શક્યો કે મુખી કંઈ બોલ્યા! રૂપા તો ભોંય ખોતરતી નીચું ઘાલીને બેસી જ રહી. ભોજનકાર્ય પૂરું થતાં પશાભા બોલ્યા, “ખુશાલ તું કોસ જોડ. રૂપા, તું ક્યારા વાળવા જા, મારે આરામ કરવો છે.

રૂપા અને ખુશાલે જુદી જુદી દિશામાં રસ્તો પકડ્યો. આંખે દેખ્યા આજના પ્રસંગ ઉપર મુખી વિચાર કરવા માંડ્યા. ગામમાં ચાલતી અફવાઓ આજે તેમને સાચી લાગવા માંડી. તેમને લાગી આવ્યું કે, ‘અરર…! ખુશાલ નિમકહરામ નીકળ્યો! દૂધ પાઈને ઉછેરેલા સાપે મને જ ડંખ દીધો! તેમના રોમેરોમમાં ક્રોધરૂપી વિષ વ્યાપી ગયું. જીવનમાં પ્રથમ વાર ખુશાલ તરફ તિરસ્કાર છૂટ્યો.

થોડીવાર પછી મુખીએ ક્યારા વાળતી રૂપા ભણી ચાલવા માંડ્યું. રૂપાએ બાપાને આવતા જોયા. મુખીના એક એક ડગલે રૂપાની છાતી બેસતી જતી હતી. જેમ જેમ અમંગળની શંકા દૃઢ થવા માંડી તેમ તેમ રૂપાના હૃદયના ધબકારા વધવા માંડ્યા. પણ, ત્યાં તો તેના કાને ભયંકર ગર્જના સંભળાઈ.

રૂપલી, આ તેં શા ધંધા આદર્યા છે? કમજાત! તારા બાપનું નાક વાઢવા તૈયાર થઈ છે? નાતમાં અને ગામમાં મારી પાઘડી ઉતરાવવી છે?’

જીવનમાં પ્રથમવાર આજે એમણે પોતાની લાડલી દીકરીને ઊંચા અવાજે કહ્યું હતું. શબ્દે શબ્દે તેમના ગુસ્સાનો પારો વધ્યે જતો હતો. અત્યાર સુધીની રૂપા બેટાઅને રૂપીજેવાં સંબોધનો કરવા ટેવાયેલી જીભે આજે કમજાતશબ્દ ઉચ્ચાર્યો.

મુખીના આ શબ્દે તો રૂપાના હૃદયના બંધ ઢીલા કરી દીધા. કંપતા અવાજે ધ્રૂસ્કાં ભરતાં તેણે કહ્યું, ‘બાપા, તમારી રૂપા તો ક્યારનીય મૃત્યુ પામી હતી!

હલકટ! મને બાપના નામથી બોલાવીશ નહિ.

પણ હું બે હાથ જોડીને કરગરું છું કે પ્રથમ મારી વાત સાંભળો. મારો જરાયે દોષ નથી.

મુખી વાતનું તારણ કાઢવાના હેતુથી શાંત થયા. પછી રૂપાએ પેલી કોઠીવાળી આખીય ઘટના કહી સંભળાવી અને ઉમેર્યું કે, ‘તમારી રૂપા તો મૃત્યુ પામી હતી, પણ ખુશાલે તેને સજીવન કરી હતી! જો ખુશાલ સમયસર ન આવ્યો હોત તો તમારી રૂપા તો ક્યારનીય રાખ બનીને ઊડી ગઈ હોત!આમ કહેતાં રૂપા હીબકે ચઢી.

તો આટલી હદ સુધી વાત ગઈ છે! તારો કહેવાનો મતલબ એમ કે, હવે હું તારો બાપ નથી રહ્યો, તું મારી દીકરી નથી રહી અને તને જીવતદાન આપનાર એ હલકટની તું થઈ ગઈ! નીચ તને બોલતાં પણ શરમ નથી આવતી?’

મુખીએ ગુસ્સાના આવેશમાં આવીને રૂપાના ગાલ ઉપર લપાટોનો વરસાદ વરસાવી દીધો અને કહ્યું, ‘આના કરતાં તે જ દિવસે તું કોઠીમાં જ મૃત્યુ પામી હોત તો સારું થાત, જેથી મારે કમોતે મરવાનો વારો ન આવત! જો આમ બનશે તેવી ખબર હોત તો જન્મતાંની સાથે જ તારું ગળું દબાવી દીધું હોત.

તો આજે પણ ક્યાં વહી ગયું છે? લો, આ પાવડો અને તમારા હાથે જ મારા માથાના ચૂરેચૂરા કરી દો. પણ, મરતાં પહેલાં જો માનવા તૈયાર હો તો એક વાત કહી દઉં.રૂપા ફરી હીબકે ચઢી.

બોલ, જલદી ભસી મર. હવે તો તારા રાઈ રાઈ જેવડા ટુકડા કરી નાખવાનો છું.મુખીની આંખો અંગારા ઓકવા માંડી.

રૂપાએ ચોધાર આંસુએ મક્કમતાપૂર્વક કહ્યું, ‘હું ભગવાનની સાક્ષીએ કહું છું કે મેં મારી મરજાદને લોપી નથી, મારા દેહને અભડાવ્યો નથી. છેલ્લે એક વિનંતી કે ભલે મારા ટુકડે ટુકડા કરી નાખો, પણ ખુશાલનો રજમાત્ર દોષ નથી. તમે મને ખુશાલની હત્યા ન કરવાનું અભય વચન આપો અને તમારું ધાર્યું સુખેથી પાર પાડો.

છેલ્લું કથન પૂરું થતાં જ રૂપા તો બેભાન બનીને ધરતી પર ઢળી પડી. મુખીએ ત્યાંથી પીઠ ફેરવીને કૂવા તરફ ચાલવા માંડ્યું. ખુશાલ સાથે કશું જ બોલ્યા વિના તે ઘર ભણી ચાલી નીકળ્યા.

 મુખીને ગએલા જોઈને ખુશાલ હરણફાળે પેલા ખેતર તરફ દોડ્યો. રૂપાને સ્પર્શવાનો અધિકાર ગુમાવી બેઠેલા ખુશાલે નીંકમાં વહી રહેલા પાણીનો બેભાન રૂપાના મોં ઉપર છંટકાવ કર્યો. રૂપાએ આંખો તો ખોલી,પણ કેટલોક સમય નિશ્ચેતન પડી રહી. છેવટે રૂપા પૂર્ણ ભાનમાં આવી કે તરત જ કશું જ બોલ્યા વગર યંત્રવત્  ઘર તરફ ચાલવા માંડી. સઘળી વાતને પામી ગએલો ખુશાલ પણ ચૂપચાપ આંબા નીચે જઈ બેઠો. વિચારોના ચગડોળે ચઢેલા ખુશાલને સાંજ ક્યારે પડી તેની ખબર સુધ્ધાં પણ ન રહી.

ઘેર ગયા પછી પશાભાએ પત્નીને શંકા ન જાય તે માટે વ્યગ્રતાને છૂપાવવાની કોશીશ કરી અને તેમાં સફળ પણ થયા. પુત્રીની ઉદાસી તો છાની ન જ રહી શકી, છતાંય તેણે તબિયત સારી નથી એમ કહીને જમવાની ના પાડી દીધી.

મુખીએ પત્નીને કહ્યું, ‘આજે હું ખેતરે વાસો જવાનો નથી, માટે તું ખુશાલને ભાતું આપી આવ.

રૂપાને શંકા પડી કે બાપા માને એટલા માટે ખેતરમાં મોકલે છે કે જેથી તે પોતાને બચાવી શકે નહિ અને તેઓ પોતાનું ધાર્યું પાર પાડી શકે. હવે પોતાના દહાડા ભરાઈ ચૂક્યા છે એમ માનતી રૂપા, ઘડીક મનોમન ડરતી તો વળી ઘડીક ધૈર્ય ધારણ કરતી, કેટલીયે વાર સુધી સૂતી રહી અને પિતાનો પગરવ સાંભળવા માટે પોતાના કાન સચેત રાખ્યા. પણ મા ખેતરેથી પાછી ફરી ત્યાં સુધી કશું જ બન્યું નહિ.

મુખિયાણીએ આવતાંની સાથે જ જ્યારે બાપદીકરીને સૂતેલાં જોયાં, ત્યારે તે પણ કશું જ બોલ્યા વિના ચૂપચાપ સૂઈ ગઈ. રાત્રિ ઘેરી બનતી જતી હતી. મુખિયાણી અને દીકરો તો શાંત ચિત્તે ઊંઘ લઈ રહ્યાં હતાં. માત્ર મુખી, રૂપા અને ખુશાલને માટે જ ઊંઘ હરામ બની ગઈ હતી.

સાચે જ કેટલીક દુખદ બાબતો માનવીથી અજ્ઞાત હોય તો જ સારું. કોઈ દુખદ વાતનું ભાન માત્ર થતાં જ માનવીનું જીવન ઝેર બની જતું હોય છે.

*   *   *   *   *

                                                                                                                       (ક્રમશ:)

વલીભાઈ મુસા

પ્રકાશિત સવિતા‘ (૧૯૬૫)

* ચેણો = બાજરી જેવું ચમકતાં ફોતરાંવાળું સુવાળું દેશી ધાન્ય

 
1 Comment

Posted by on April 15, 2009 in લેખ, gujarati

 

Tags: , , , , ,

One response to “Jal-samaadhi, a love story (Gujarati)-Part II (જળસમાધિ-૨)

 1. DR. CHANDRAVADAN MISTRY

  April 18, 2009 at 9:58 am

  સાચે જ કેટલીક દુખદ બાબતો માનવીથી અજ્ઞાત હોય તો જ સારું. કોઈ દુખદ વાતનું ભાન માત્ર થતાં જ માનવીનું જીવન ઝેર બની જતું હોય છે…………
  Valibhai..I read the 2nd part of this story & posted a comment in english after Copy/paste..ing the ending lines in gujarati……but it seems that the comment is either “lost” or “deleted “…..
  I enjoyed the 1st Part of this story & I had posted my comment…2nd Part of the story exposes the “hidden deep love “of Rupa-Khushal….& the incident now brings Mukhi in the centre…….Now, let us see what happens…….will wait for the 3rd Post.
  Chandrapukar (Dr. Chandravadan Mistry )
  http://www.chandrapukar.wordpress.com

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: