માણસનાંકૌટુંબિક દુશ્મનો!
અહીં સઘળી દિશાઓમાં સ્વજનનાં સ્વાંગમાં આજે, ઊછરતું જાય છે લશ્કર, હવે તું સાબદો રહેજે, (અંકિત ત્રિવેદી)
આજે આ લેખ દ્વારા આપ સૌ વાચકો સમક્ષ હું ઉપસ્થિત થાઉં છું. લેખનું શીર્ષક નવાઈ પમાડનાર તથા આપણાં કૌટુંબિક દુશ્મનો વિષે જાણવા માટેની જિજ્ઞાસા જગાડનાર લાગશે. હું આગળ વધું તે પહેલાં, આપ સૌ વાચકોને વિનંતી કરીશ કે આપ સૌ હળવા મને આરામથી બેસીને આગળ વાંચવાનું શરૂ કરશો. અહીં જે દુશ્મનોની વાત કરવામાં આવનાર છે તેઓ બહારનાં નથી, પણ આપણાં જ સ્વજન કે જે એક જ છાપરા નીચે આપણી સાથે જ રહેતાં આપણાં જ કુટુંબીજન છે. આ શબ્દો મારા પોતાના નથી, પણ કોઈકે નોંધ્યું છે કે ” જ્યારે કોઈ પુત્ર પિતાને માન ન આપે, પુત્રી માતા સામે પોતાનું માથું ઊંચકે, પુત્રવધૂ પોતાની સાસુ સામે જીભાજોડી કરે, ત્યારે એ બધાં આપણાં કૌટુંબિક દુશ્મનો બને છે.” અહીં હું એક વાત સ્પષ્ટ કરીશ કે માત્ર પુત્રવધૂઓ જ કૌટુંબિક અશાંતિ માટે હંમેશાં જવાબદાર નથી હોતી, સાસુ પણ તેટલી જ જવાબદાર હોય છે. સાસુ પણ વારંવાર ભૂલી જતી હોય છે કે કોઈક સમયે તે પોતે પણ કોઈકની પુત્રવધૂ હતી. એ જ પ્રમાણે પુત્રવધૂએ પણ હંમેશાં યાદ રાખવું જોઈએ કે પોતે પણ ભવિષ્યે સાસુ બનવાની છે.
માનવીય સંબંધો અને જીવનનાં મૂલ્યો બદલાતા વિશ્વ સાથે બદલાતાં રહેતાં હોય છે, કશું જ સ્થિર રહેતું નથી હોતું. કૌટુંબિક બાબતો અંગે બધી જગ્યાએ અને બધા જ સમુદાયોમાં ‘જનરેશન ગેપ‘ અર્થાત્ ‘પેઢી અંતર‘ની સમસ્યા સર્વસામાન્ય હોય છે. માતાપિતા એવી અપેક્ષાઓ રાખતાં હોય છે કે તેમનાં સંતાનોએ તેમના જેવાં જ થવું જોઈએ. વળી એ જ પ્રમાણે સંતાનો ઇચ્છતાં હોય છે કે તેમનાં માબાપે તેઓ જે કંઈ કરવા માગતાં હોય તેમ તેમણે કરવા દેવું જોઈએ. ખલિલ જિબ્રાન માતાપિતાને આ શબ્દોમાં શિખામણ આપે છે કે “તમે તેમના જેવાં થવાનો પ્રયત્ન કરજો, પણ તેમને તમારા જેવાં બનાવવાનું તો માંડી જ વાળજો.” તેઓ આગળ ઉમેરે છે કે “જિંદગી કદીય પીછેહઠ નથી કરી શકતી કે ગઈ કાલમાં રોકાઈ નથી રહેતી.” આ બધા મહાન પુરુષોના મહાન વિચારો છે ખરા, પણ કુટુંબોના વાતાવરણની વાસ્તવિક પરિસ્થિતિઓ તો સાવ જૂદી જ હોય છે. અહીં નીચે હું મોટાભાગનાં કુટુંબોમાં સામાન્ય રીતે સાંભળવા મળતા કેટલાક સંવાદો રજૂ કરીશ કે જેથી જાણી શકાશે કે કુટુંબનાં સભ્યો આપસઆપસમાં એકબીજા સાથે કેવી રીતે વર્તતાં હોય છે અને કેવો વ્યવહાર કરતાં હોય છે. હું માનું છું કે આ સંવાદો વાચકો માટે રસપ્રદ થઈ પડશે.
એક પ્રેમાળ માતા તેના જુવાન પુત્ર કે પુત્રીને ચેતવણી આપતાં આમ કહે છે કે ” હું તારા આવા વર્તનને લાંબા સમય સુધી સહન નહિ કરી લઉં અને તારાં જૂઠાણાં પણ નહિ સાંભળું ! વળી તું જ્યારે ખોટો કે ખોટી હોય ત્યારે બીજાંઓ આગળ તારો બચાવ પણ નહિ કરું !” કોઈ ઉધ્ધત છોકરો તેના વડીલોનું આ શબ્દોમાં અપમાન કરે છે, “મને તમારી ભાષણબાજી સાંભળવામાં કોઈ જ રસ નથી.” એક બહેન તેના ભાઈ આગળ હૈયાવરાળ કાઢતાં કહે છે, “મેં તારા આવા વર્તનની સ્વપ્નમાં પણ કલ્પના કરી ન હતી !” એક પત્ની પોતાના પતિની લાગણી આ રીતે દુભાવે છે કે, “તમારે એવું કયું મોટું કામ આવી પડ્યું છે કે જે તમારી રાહ જોઈ નહિ શકે !” તો વળી કોઈ માતા આક્રોશ વ્યક્ત કરતાં કહે છે કે “તારા જેવાને ઉછેરવા બદલ દુનિયા મને શું કહેશે !” એક દાદા બરાડા પાડતા સાંભળવા મળે છે કે “તેં મારું માથું શરમથી ઝુકાવી દીધું છે!” કોઈ પતિ પત્ની સાથે ઝઘડી બેસે છે અને કહે છે કે “તું તારા મનમાં સમજે છે શું ?” માતાપિતા કોલેજમાં જતા છોકરા કે છોકરીને ચેતવણીપૂર્ણ ઠપકો આપતાં સંભળાવી દે છે કે, “તારાં મિત્રવર્તુળ કે સોબતને અમે જરાય પસંદ કરતાં નથી.” પોતાની અવગણના અનુભવતું બાળક તેનાં વડીલો આગળ ફરિયાદ કરે છે કે “તમારે લોકોને બધાય માટે સમય છે, એક મારા માટે જ નહિ !” દાદીમા પોતાના જ આધેડ પુત્રનો ઉધડો લેતાં કહે છે કે, “તું સંબંધોને અને કૌટુંબિક મૂલ્યોને સમજતો જ નથી.” એક માતા તેના જુવાન દીકરા કે દીકરીને રડતાંરડતાં અંતિમ શબ્દોમાં સંભળાવે છે કે, “મારા માન્યામાં નથી આવતું કે તમે લોકો મારા પેટે આવાં કેમ પાક્યાં!” વળી સંયુક્ત કુટુંબના કોઈક કાકા જુવાનિયાને ઠપકો આપે છે કે “કુટુંબની શિસ્તનો ભંગ કરવો અને દરેક વાતની ના પાડવી એ તારી કાયમી આદત બની ગઈ છે.” અને ક્યાંક વળી પત્ની તેના પતિને ગર્ભિત ધમકી આપે છે કે, “કુટુંબની શાંતિને જાળવી રાખવા ખાતર હું લાંબો સમય સુધી મારા મોંઢાને બંધ નહિ રાખું !”
મારા ૧૯૭૦ ના પોસ્ટ ગ્રેજ્યુએશન સમયગાળાના અભ્યાસકાળમાં મેં વાંચેલી આલ્ફ્રેડ લોર્ડ ટેનિસનની એક કવિતાની યાદ મને તાજી થાય છે. પ્રથમ તો હું તેનો સંક્ષિપ્ત સાર આપીશ અને તે સંદર્ભમાં મારા વિષયમાં આગળ વધીશ. કાવ્યના કવિની પુત્રીની જીવનસાથીની પસંદગીએ તેમના હૃદયની લાગણીને ઠેસ પહોંચાડી છે. પરિણામે તેઓ પોતાના કાવ્યમાં આ શબ્દોમાં તિરસ્કાર વ્યક્ત કરે છે: “હું જ્યારે અવસાન પામું, ત્યારે મારી કબર ઉપર તારાં મૂર્ખાઈભર્યાં આંસુ સારવા આવીશ નહિ.” કાવ્યની અંતિમ કડીના શબ્દો છે: “તું જેને ઇચ્છતી હોય તેને પરણી લેજે; પણ હું તો સમયનો ભોગ બનેલો દુ:ખી જીવ છું, અને હવે તો બસ હું આરામ જ કરવા ચાહું છું. હે કમજોર દિલની છોકરી ! તું મારી કબર પાસેથી ચાલી જજે અને જ્યાં હું સૂતેલો છું, ત્યાં મને એકલો જ શાંતિથી રહેવા દેજે; બસ તું ચાલી જજે, ચાલી જ જજે!”
મારા ભલા વાચકોને, જો તેઓ વાંચવાનું ચૂકી ગયા હોય તો, મારા અગાઉના બે આર્ટિકલ “No honor in honor-killing! (પ્રતિષ્ઠા-હત્યા કરવામાં કોઈ માન નથી)” અને “Life Partner (જીવનસાથી)” વાંચી જવાની ભલામણ કરું છું. આ બંને લેખો વાંચી જવાથી આલ્ફ્રેડની કવિતામાં ચર્ચાયેલા કુટુંબજીવનના સળગતા પ્રશ્નનું અનુસંધાન થઈ શકશે. જગતભરના મોટાભાગના જ્ઞાતિસમુદાયોનાં કુટુંબોને પોતાનાં સંતાનોના લગ્નના પ્રશ્ને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે. આવા સંજોગોમાં કાં તો માબાપ તેમનાં સંતાનોનાં દુશ્મન બની જતાં હોય છે અથવા સંતાનો તેમને દુશ્મન માની બેસતાં હોય છે. આમ થવા પાછળનાં પરિબળોમાં બે પેઢી વચ્ચેનાં મતાંતરો અથવા તો જીવનને નિહાળવાના ઉભયના વિરોધાભાસી દૃષ્ટિકોણ જવાબદાર હોય છે.
મેં મારા અગાઉના કોઈક લેખમાં લખ્યું છે કે દેશ ઉપર શાસન કરવું અને કુટુંબનું સંચાલન કરવું એ બન્ને સરખાં જ મુશ્કેલ છે. કુટુંબની મુખ્ય વ્યક્તિ કે જે પુરુષ હોય કે સ્ત્રી અને ભલે તે જીવનની બાહ્ય બાબતોનું સંચાલન સફળતાપૂર્વક કરી શકવા સક્ષમ હોય; પણ જ્યારે તેમને કુટુંબની આંતરિક કટોકટીપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવાનું બનતું હોય છે, ત્યારે તેમને કાં તો ઘૂંટણ ટેકવી દઈને શરણાગતિ સ્વીકારી લેવી પડતી હોય છે અથવા સમસ્યાનો પ્રતિકાર કરવો પડતો હોય છે. પરંતુ આ બન્ને અંતિમ છેડા જોખમી પુરવાર થાય છે કેમ કે પહેલા વિકલ્પમાં કૌટુંબિક શિસ્ત કમજોર બને છે અને બીજામાં કુટુંબના સુખદ વાતાવરણને ડહોળી નાખવા માટે જવાબદાર વ્યક્તિ પ્રત્યે જીવનભર ધિક્કારની લાગણી જન્મે છે. કોઈક મધ્યમ માર્ગ વિચારી કાઢીને સમસ્યાનું નિરાકરણ વિના વિલંબે લાવી દેવું જોઈએ અને તે માટે બંને પક્ષે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમણે એકબીજાંને પોતપોતાની રજૂઆત કરવાની તક અપાવી જોઈએ અને એકબીજાંને ધીરજપૂર્વક સાંભળવાં જોઈએ. શુધ્ધ ઈરાદો અને નિખાલસ પ્રયત્ન કુટુંબના કોઈ પણ વિવાદનો સરળ ઉકેલ જરૂર લાવી શકે છે .
હવે આપણે કુટુંબના વિસંવાદી વાતાવરણ માટે જવાબદાર કેટલાંક પાયાનાં કારણો ઉપર નજર નાખીએ. સર્વ પ્રથમ તો ઘરનાં વડીલોએ બધાંને પક્ષપાત વગર સરખો પ્રેમ આપવો જોઈએ અને બીજાંઓને પોતાની સારી વર્તણુંક અને રીતભાતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. જેમ્સ એ. બોલ્ડવિનનું કથન છે કે, “કુટુંબમાં બાળકો વડીલોની વાત સાંભળવામાં કદાચ ઉદાસીનતા બતાવી શકે, પણ તેમનું અનુકરણ કરવામાં તો તેઓ હંમેશાં સક્રિય રહેતાં હોય છે.” આના સમર્થનમાં એક ઉદાહરણ આપી શકાય કે શું કોઈ દારૂડિયો પિતા અથવા તેવી લત ધરાવતી માતા પોતાના સંતાનને સર્વ રીતે હાનિકારક એવા આ વ્યસન તરફ જતું અટકાવી શકે ? બીજી ખાસ અગત્યની બાબત એ છે કે મોટેરાંઓએ નાનાંઓને હંમેશાં ચૂપ જ રાખવાની ભૂલ ન કરવી જોઈએ. હકીકતમાં તો તેમને મોકળાશ આપવી જોઈએ કે જેથી તેઓ પોતાના મનની વાત નિર્ભયતાપૂર્વક રજૂ કરી શકે. માતાપિતાએ પોતાના અહમ્ અને પ્રભાવ વડે ભારેખમ રહેવાના બદલે દરેકની સાથે મિત્રભાવે પેશ આવવું જોઈએ. એમાંય વળી વધારે તો બાળકો માટે પોતાના ગમે તેવા પ્રવૃત્તિમય કાર્યકાળ વચ્ચે પણ ખાસ સમય ફાળવીને તેમની સાથે હળતામળતાં રહેવું જોઈએ. કુટુંબનાં તમામ સભ્યોએ દિવસમાં એક ટંક, બપોરે શક્ય ન હોય તો સાંજે પણ, સાથે ભોજન લેવું જોઈએ. આ પ્રથા કુટુંબનાં સભ્યોને એકબીજાની નજીક રાખવા માટે મોટો ભાગ ભજવી શકે તેમ છે. કોઈપણ કુટુંબના સંસ્કારોનું સાચું પરીક્ષણ તેના ડાઈનીંગ ટેબલ ઉપર લેવાતા સમૂહભોજન ઉપરથી કરી શકાય છે.
એક સાચું ઘર કે આદર્શ કુટુંબ સફળ પુરવાર થયેલું ત્યારે જ ગણાય કે જ્યાં બાળકો ભલાં, પ્રામાણિક અને વિવેકી ઉછરતાં હોય. બાળકો એવા છોડવાઓ જેવાં છે કે થોડાંક વર્ષો સુધી યોગ્ય જતન કરીને તેમને ઉછેરવામાં આવે તો તેમનાં મૂળ એવાં ઊંડાં જાય છે કે ભવિષ્યે ગમે તેવા વિષમ સંજોગોમાં પણ તે કદીય ન ઊખડે. વળી તેમની જિંદગી એટલી બધી સરળ અને વૈભવી ન બનાવી દેવી જોઈએ કે જેથી ભવિષ્યે તેઓ પાંગળાં પુરવાર થાય. તેમની જરૂરિયાત કરતાં વધુ આળપંપાળ એ તેમના યોગ્ય રીતે થવાપાત્ર ઉછેરની એક મર્યાદા બની જાય છે. બેટ્ટ ડેવિસે લખ્યું છે કે, “જો તમે તમારાં બાળકોને જમીન ઉપર મજબૂત કદમ રાખીને અડીખમ ઊભાં રહેતાં જોવા માગતાં હો તો તેમના ખભા ઉપર જવાબદારીઓ નાખો.” ગાગરમાં સાગરની જેમ હું કહું તો માબાપે તેમનાં બાળકોને અમુક મર્યાદાઓ શીખવવી જોઈએ. તેમને ભલે જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે, પણ એવા ઠાઠમાઠ તો નહિ જ કે જે ખૂબ જ ખર્ચાળ અને કુટુંબની આર્થિક સ્થિતિથી અધિક માત્રામાં હોય.
સદરહુ લેખનું સમાપન કરતાં પહેલાં હું ટૂંકમાં કહીશ કે કુટુંબનાં તમામ સભ્યોએ સહૃદયતાપૂર્વક એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી બધાયનો એકબીજા સાથે એવો દૃઢ વિશ્વાસ બંધાય કે કુટુંબમાં કોઈ કોઈને પોતાનું દુશ્મન ન સમજે. કોઈને કંઈક કઠોર શબ્દોમાં કહેવામાં આવતું હોય તો તેણે સમજી લેવું જોઈએ કે તે પોતાના ભલા માટે જ કહેવામાં આવી રહ્યું છે. ઘરને સ્વર્ગ બનાવવાનું કામ માત્ર માતાના જ હાથમાં છે કે જેને રસોડાની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. એક રમૂજી સૂત્ર છે કે “A Happy Mom equals a Happy Home.” અર્થાત્ સુખી માતા=સુખી ઘર. પિતા પણ નાનકડા કુટુંબરૂપી રાજ્યનો રાજા છે. બધા જાણે છે કે “યથા રાજા, તથા પ્રજા”. પ્રેમ, વિશ્વાસ, સ્વયંમ્ શિસ્ત અને જવાબદારી એ બધી સુખી કે મુક્ત ઘર માટેની ચાવીરૂપ બાબતો છે.
આશા રાખું છું કે મારા ઉપરોક્ત વિચારો મારા વાચકોનાં પરિવારોને બાહ્ય અને આંતરિક હૂમલાઓથી બચાવવામાં મદદરૂપ થશે અને તેમનાં કુટુંબોમાં શાંતિ અને સુમેળની પ્રસ્થાપના થશે.
ભલા વાચકો, આપ સૌના સુખી પરિવારની શુભ કામનાઓ સહ,
– વલીભાઈ મુસા (લેખક અને ભાવાનુવાદક)
Translated from English Version titled as “ A man’s household foes!” published on March 16, 2008
Like this:
Like Loading...
Related
Tags: લેખ, family, Honor-killing, life, Social
Valibhai Musa
October 7, 2012 at 1:08 am
By Mail
સ્નેહી શ્રી વલીભાઈ,
આજે તમારો ૧૬-૦૩-૨૦૦૮ નો લેખ “માણસનાં કૌટુંબિક દુશ્મનો!” લેખ વાંચ્યો. ખરેખર આપણા સમાજની હકીકત ખૂબ જ સારી રીતે રજૂ કરી છે. આ વિષય પર મેં પણ બે ત્રણ લેખ લખ્યા છે. આપણા બન્નેના વિચારોમા ઘણીબધી સમાનતા જણાય છે. ગુજરાત બહારના મારા મિત્રો પણ લગભગ આવી જ વાત કરે છે. ઉપાય એક જ છે, “આપણે એને ન બદલી શકીએ, પણ આપણી જાતને તો બદલી શકીએ.” મનદુઃખ ટાળવાનો આના સિવાય બીજો રસ્તો નથી.
આવા સળગતા સવાલોને આટલી સરળતાથી રજૂ કરવા બદલ અભિનંદન.
સસ્નેહ,
પી.કે.દાવડા
LikeLike
Valibhai Musa
October 7, 2012 at 1:15 am
નેકનામ શ્રી દાવડાભાઈ,
આપે સૂચવેલા ઉપાય સાથે સામ્ય ધરાવતી વાત મેં મારા લેખ “છૂટાછેડા – કાયદેસર પણ અનીચ્છનીય” માં નીચે પ્રમાણે લખી છે.
આગળ વધુ કોઈક અજ્ઞાત લેખકનું ગુજરાતી અખબારમાં આવેલું અવતરણ વાંચો કે જે વ્યક્તિગત રીતે દરેકને પરોક્ષ માર્ગદર્શન પૂરું પાડશે કે કેવી રીતે શાપિત શબ્દ “છૂટાછેડા” ઉપર વિજયી થઈ શકાય. તેના શબ્દો આ પ્રમાણે છે:” જ્યારે હું વીસ વર્ષનો હતો, ત્યારે ખૂબ જ ઉત્સાહપૂર્વક કહેતો કે હું આખી દુનિયાને બદલી નાખીશ.પરંતુ, ધીમે ધીમે તે મને મુશ્કેલ લાગવા માંડ્યું.પછી હું ત્રીશ વર્ષની ઉંમરે પહોંચ્યો અને મારા લક્ષાંકને બદલીને દુનિયામાંથી મારા દેશ અને આસપાસના સમાજ પૂરતો સીમિત કરી નાખ્યો. પણ અફસોસ ! હું નિષ્ફળ પુરવાર થયો. આજે હું મરણ પથારીએ છું અને મને પહેલી જ વાર એ સનાતન સત્યની પ્રતીતિ થાય છે કે હકીકતમાં પહેલાં મારે મારી જાતને જ પહેલેથી બદલવી જોઈતી હતી અને તો જ હું મારી ઈચ્છા મુજબ આખી દુનિયાને બદલી શક્યો હોત !”
કુશળ હશો.
સ્નેહાધીન,
વલીભાઈ
LikeLike
pravinshastri
April 6, 2014 at 4:47 pm
“વેગુ” એ આવા સરસ લેખની શા માટે રાહ જોવી પડે? Post ASAP.
LikeLike