RSS

પ્રમાણિકતા

31 Oct

Click here to read in English
ચાણક્યે નોંધ્યું છે કે, “માણસે વધારે પડતા પ્રમાણિક ન થવું જોઈએ. સીધાં ઝાડ વહેલાં કપાય છે અને સીધા માણસોને પહેલા ભીંસવામાં આવતા હોય છે.” મારા આ લઘુ નિબંધની શરૂઆતમાં જ મારા વાંચકોને આ અવતરણ, શીર્ષકથી કંઈક અંશે વિપરીત વાંચીને આશ્ચર્ય થશે, પણ આપણે “વધારે પડતા” શબ્દો ઉપર ધ્યાન આપીશું તો સ્પષ્ટ થઈ જશે કે ચાણક્યે પ્રમાણિકતાના ગુણને સર્વથા નકારી કાઢ્યો નથી; પરંતુ ગુઢાર્થમાં પ્રમાણિક માણસોને માર્ગદર્શન આપ્યું છે અને ચેતવ્યા છે કે વધારે પડતી પ્રમાણિકતા દાખવતાં વિપરીત પરિણામ માટે તૈયાર રહેવું પડશે. પ્રમાણિકતાને લંબાઈ, વજન કે કદમાં માપી શકાય નહિ. બીજા શબ્દોમાં પ્રમાણિકતાને ગણતરી સ્વરૂપની વ્યાખ્યા આપી શકાય નહિ અને તેથી જ પ્રમાણિકતાને આટલા કે તેટલા પ્રમાણમાં ગણવાનો કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આમ અહીં “વધારે પડતા” શબ્દો અર્થહીન બની જાય છે અને પ્રમાણિકતા એની જગ્યાએ કાયમ જ રહે છે કે જે માણસના ચારિત્ર્યઘડતરમાં ખૂબ જ મહત્વનું પરિબળ બની રહે છે.

માનવ જીવનમાં ઘણાં બધાં એકબીજાથી તદ્દન વિપરીત જોડકાં હોય છે કે જે કદીય સાથે રહી શકતાં નથી હોતાં. અગાઉના સમયમાં કહેવાતું કે લક્ષ્મી અને સરસ્વતી સાથે રહી શકે નહિ. તે જ પ્રમાણે ‘લોભ’ અને ‘પ્રમાણિકતા’ એકબીજાનાં વિરોધી છે. લોભી માણસ પ્રમાણિકતા દાખવી શકે નહિ અને પ્રમાણિક માણસ લોભથી જોજનો દૂર હોય છે. અહીં હું મહાત્મા ગાંધીને માત્ર ‘લોભ’ શબ્દના સંદર્ભમાં જ ટાંકીશ, કેમ કે તેમનું આખું કથન અહીં બંધબેસતું નથી. તેમનું કથન છે કે, “ધરતી દરેક માણસને તેની જરૂરિયાત (need) મુજબ પૂરતું આપે છે, પણ તેના લોભ (greed) જેટલું તો નહિ જ.” પ્રમાણિક માણસ પાસે જે કંઈ હોય છે તેનાથી તે સંતુષ્ટ હોય છે અને તેથી જ તે કોઈ ગેરકાયદેસરની પ્રાપ્તિની લાલચમાં આવતો નથી હોતો.

વિલિયમ શેક્સપિયરના એક નાટકમાં સંવાદ છે કે, “જો કે હું વાસ્તવમાં પ્રમાણિક નથી, પણ કોઈકવાર આકસ્મિક તેવો થઇ જતો હોઉં છું.” આ તો સાહિત્યિક કથન થયું અને તેને પાત્રની પરિસ્થિતિના સંદર્ભમાં જ સમજવું જોઈએ. પરંતુ, સ્વભાવગત પ્રમાણિક માણસો તેમની પ્રમાણિકતા પ્રસંગોપાત જ નહિ, હંમેશા બતાવતા હોય છે. અહીં નીચે હું એક પ્રમાણિક માણસનો ઉલ્લેખ કરવા માગું છું. તેમની પ્રમાણિકતાને નાણામાં મૂલવી શકાય તેમ નથી, કેમ કે નાણું જૂના ભારતીય બે આનામાં હતું; અર્થાત્ હાલના બાર પૈસા (INR 0.12). હવે મરહૂમ નુરાકાકા વિષેની સત્ય ઘટના તરફ આગળ વધીએ કે જે મૂળ કાણોદર ગામના વતની હતા. તેઓ ૭૦ વર્ષની ઉંમરના તદ્દન સાદગીપૂર્ણ જીવન જીવતા એવા માણસ હતા કે જેમનો પોષાક હતો – ધોતી, લાંબી બાંયનું ખમીસ અને માથે ફાળિયું અને એ પણ હાથવણાટમાંથી જ બનાવેલ. ઘટનાનું વર્ષ હતું, ૧૯૫૨ કે ૧૯૫૩.

તે દિવસે મારો એક મિત્ર તે જ રેલગાડીમાં પાલનપુરથી ઉમરદશી (કાણોદરથી દોઢેક માઈલ દૂર નાનકડું સ્ટેશન) સફર કરી રહ્યો હતો. નુરાકાકાએ પોતાના માટે બે ટિકિટ લાવી આપવાનું કહ્યું. મારા મિત્રે તેમ કર્યું. હવે જ્યારે ટ્રેન ઉપડવા માંડી ત્યારે બીજી ટિકિટ જેના માટે ખરીદવામાં આવી હતી તેની પૂછપરછ કરતાં નુરાકાકાએ સ્મિત કરતાં જણાવ્યું કે બન્ને ટિકિટ તેમના માટેની જ હતી. તેમણે ખુલાસો કરતાં કહ્યું કે જ્યારે સવારે તેમણે ઉમરદશીથી પાલનપુરની સફર કરી હતી, ત્યારે ટિકિટ લીધી ન હતી; કારણ કે તેઓ મોડા પડ્યા હતા, ગાડી આવી ગઈ હતી અને ટિકિટ લેવાનો સમય ન હતો. આગળ તેમણે કહ્યું કે મેં તો અલ્લાહનું નામ લઈને સફર શરૂ કરી લીધી. સર્વ શક્તિમાન અલ્લાહની અપાર મહેરબાની કે હું ટિકિટ ચેકરથી પકડાયો નહિ. છેલ્લે તેમણે સાવ સરળતાપૂર્વક કહ્યું, “શા માટે આપણે રાજ (સરકાર)ના ગુનેગાર થવું જોઈએ ? છેવટે તો રેલ આપણી જ છે અને આપણા માટે જ છે ને !” કેવી ઉમદા વિચારશક્તિ !

અહીં મારા વાચકો નુરાકાકાની સ્વયંપ્રેરિત શિસ્ત અને પ્રમાણિકતાને સમજી શકશે. વધુમાં નુરાકાકાની પ્રમાણિકતા સ્વાભાવિક હોવાનું પણ જોઈ શકશે, કેમ કે જો તેમ ન હોત તો તેઓ આવી ક્ષુલ્લક બાબતને અવગણી લીધી હોત કારણ કે તેમણે વગર ટિકિટે સફળતાપૂર્વક સફર તો પૂરી કરી લીધી હતી. આપણી રોજિંદી જિંદગીમાં પણ આવા ઘણા પ્રસંગો બનતા હોય છે, પણ આપણે તેમના ઉપર ગંભીરતાપૂર્વક વિચારતા નથી હોતા.

મારા જાત અનુભવનું એક વધુ ઉદાહરણ આપું છું. હું મારી એક બેંકમાં મારી પેઢીના ખાતામાં સુષુપ્ત પડી રહેલા રૂ!.૮00/- નો બૅરર ચેક વટાવવા ગયો હતો. કૅશિયરે સો રૂપિયાની નોટનું બંડલ પોતાના હાથમાં લીધું. તેણે વીસ નોટ ગણીને લઈ લીધી અને બાકીની એંશી નોટ મને સુપરત કરી દીધી. હું કાચની બારીમાંથી જોઈ રહ્યો હતો કે કેશિયર ભૂલ કરી રહ્યો હતો. જેવી એંશી નોટ મારા હાથમાં આવી કે તરત જ તેમાંથી આઠ નોટ મેં ગણી લઈને બાકીની બોતેર નોટને હળવેથી ટેબલ ઉપર મૂકી દીધી. આ ઘટના વીજળીની જેમ બની ગઈ. બિચારો કેશિયર પોતાની ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો અને એવો ડઘાઈ ગયો હતો કે કશું જ બોલી શક્યો નહિ; પણ તેનો ચહેરો ઘણું બધું કહી રહ્યો હતો. પછી તો તે લોબીમાં મારી પાસે આવીને લગભગ રડમસ અવાજે તેણે મારો આભાર માન્યો અને કહ્યું કે રૂ!.૭૨૦૦/- તેના માટે ખૂબ જ મોટી રકમ હતી. તે દિવસોમાં સહકારી બેંકના કર્મચારીઓને બહુ જ ઓછો પગાર આપવામાં આવતો હતો. તેણે વધારામાં કહ્યું કે ત્રણેક મહિના સુધી તેના કુટુંબને કાં તો ભૂખમરાની સ્થિતિમાં જીવવું પડત અથવા વ્યાજે નાણાં લેવાં પડ્યાં હોત.

ઉપરોક્ત ઉદાહરણો નાણાકીય બાબતને લગતાં છે, પરંતુ પ્રમાણિકતા સાથે કેટલાંક નૈતિક મૂલ્યો પણ જોડાયેલાં છે. એક ગુજરાતી નિબંધકાર આ માટે એક મોચીનું સરસ ઉદાહરણ આપે છે. થોડાક નકામા ચામડાના ટુકડાઓને છૂટા પાડતાં તેમાંથી એક ટુકડાને હાથમાં લઈ તેમાંથી નાના બાળકના બૂટ બનાવવાનું વિચારે છે. પણ, બીજી જ પળે તે તેને ફેંકી દે છે અને હાથમાં નરમ ચામડું લે છે. ચામડાના ટુકડાઓની અદલાબદલી તેના પ્રમાણિક વિચારોને આભારી છે. તે સમજે છે કે પોતે એક નાના બાળકના માટે બૂટ બનાવવા જઈ રહ્યો છે; કોઈ ખાસ બાળક માટે નહિ, પણ અજાણ્યા કોઈક માનવબાળક માટે. તે જાણે કે અંતરાત્માના અવાજને સાંભળતો હોય તેમ વિચારે છે કે કઠણ ચામડાના બૂટ જરૂર બાળકના પગમાં ખૂંચશે. અહીં આપણે ખૂબ જ વ્યાવહારિક અને નૈતિક પ્રમાણિકતા જોઈ શકીએ છીએ. આવા લોકોને ખાતર જ કદાચ કેટલાક ધર્મોના કથન મુજબ ઈશ્વર કુદરતી આફતો વડે પૃથ્વીનો સર્વનાશ કરવામાં વિલંબ કરી રહ્યો છે. કોઈકે કહ્યું છે કે પ્રમાણિક માણસનું સર્જન એ ઈશ્વરનું સૌથી વધુ ઉમદા કાર્ય છે.

મારા આ લેખનું સમાપન કરતાં પહેલાં ચાણક્યના વધુ એક અવતરણને ટાંકતાં મારી જાતને નથી રોકી શકતો, જે આ મુજબ છે, “ઈશ્વર પ્રતિમાઓમાં નથી. તમારી સંવેદનાઓ એ તમારો ઈશ્વર છે અને આત્મા એ તમારું મંદિર છે.” કેટલાક તત્વચિંતકોના મતે પ્રમાણિકતા અને સત્ય એકબીજાનાં સમાનાર્થી છે, પણ બીજા કેટલાકના મતે પ્રમાણિકતા એ સત્યનું પ્રાયોગિક પગથિયું છે. તેઓની દલીલ છે કે સત્ય પ્રથમ સંસ્થાપિત થાય છે અને મનમાં સ્થિર થાય છે; પરંતુ પ્રમાણિકતા એ સત્યની અભિવ્યક્તિ છે, જે કાર્યમાં પરિણમે છે. ટૂંકમાં કહીએ તો સત્ય એ સિદ્ધાંત છે, જ્યારે પ્રમાણિકતા એ પ્રયોગ છે. બ્રિગામ યંગ (Brigham Young) એ જ વાતને આ શબ્દોમાં કહે છે કે,”પ્રમાણિક દિલ જ પ્રમાણિક કાર્યોને ઉત્પન્ન કરી શકે.” પ્રમાણિક માણસ સર્વત્ર પ્રશંસા પામે છે. તે આ જગતમાં માન પણ પામે છે. પ્રમાણિક માણસ પ્રમાણિકપણે વિચારે છે, પ્રમાણિકતાપૂર્વક બોલે છે અને પ્રમાણિકતાપૂર્વક કામ પણ કરે છે. કેટલાક અપ્રમાણિક માણસો અન્યોને છેતરવા પ્રમાણિકતાનું મહોરું ધારણ કરતા હોય છે, પણ તેઓ જાણતા નથી હોતા કે ખરેખર તો તેઓ પોતાની જાતને જ છેતરતા હોય છે. આવા લોકો દુનિયા અને ઈશ્વરની નજરમાં પણ કોઈ માન ધરાવતા નથી હોતા. સોક્રેટીસ કહે છે કે, “આ દુનિયામાં માનભેર જીવવાનો ઉત્તમ માર્ગ એ છે આપણે જેવા દેખાવાનો દંભ કરીએ તેવા થઈને રહીએ.”

બસ તો, મારા મિત્રો, ફરી મળીશું.
વંદનસહ,

– વલીભાઈ મુસા
(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version titled as “Honesty” published on August 07, 2007.

 

Tags: , , , , , , , ,

One response to “પ્રમાણિકતા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: