RSS
Image

ફાનસવાળાં સન્નારી

18 Nov

Click here to read in English

Lady with the lanternતબીબી વ્યવસાયના ક્ષેત્રે ફ્લોરેન્સ નાઈટીંગલનું નામ ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ જન્મે ઈટાલિયન હતાં, પણ તેમનો ઉછેર અને અભ્યાસ ઈંગ્લેંડમાં થયાં. અંતરાત્માનો અવાજ સાંભળીને તેમણે બીમારોની સેવા માટે માતાપિતાની અનિચ્છાને અવગણીને પણ નર્સીંગના વ્યવસાયને અપનાવ્યો. તેઓ ઉચ્ચ વર્ગમાંથી આવતાં હતાં અને એ દિવસોમાં નર્સીંગના વ્યવસાય પ્રત્યે લોકોને ઓછું માન હતું. પરંતુ આ વ્યવસાય સાથે ફ્લોરેન્સના જોડાવાથી વિશ્વભરમાં આ વ્યવસાય પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાઈ ગયો. તેઓ પોતાની ફરજ પ્રત્યે ખૂબ જ નિષ્ઠાવાન હતાં; અને બીમારોની સેવા અર્થે રાત્રે પણ અહીં તહીં દીવો હાથમાં લઈને ફરતાં હતાં. બીમાર વ્યક્તિઓએ તેમની સેવાઓથી ઉપકૃત થઈ તેમને ‘દીવા સાથેનાં દેવી’ ના ઉપનામથી નવાજ્યાં.

મારા ઉપરોક્ત શીર્ષકમાં દીવા (Lamp)ની જગ્યાએ ફાનસ (Lantern) શબ્દ વાંચી વાચકોને થોડુંક આશ્ચર્યજનક લાગશે; પણ, હું અહીં દસકાઓ પહેલાંનાં એક બીજાં સન્નારીની વાત કરવાનો છું, જેઓ અમારા ગામનાં સ્થાનિક નાઈટીંગલ હતાં. થોડાક દિવસો પહેલાં જ્યારે હું સ્થાનિક કબ્રસ્તાનમાં મરહુમોની રૂહોની શાંતિ માટે  ધાર્મિક વિધિ બજાવવા ગયો હતો, ત્યારે આ લેખના વિષયરૂપ એ સન્નારીની કબરનું સમારકામ ચાલતું હતું. આ જોતાં જ તેમની યાદ તાજી થઈ અને તેની પ્રેરણાથી મરહુમા (સ્વર્ગસ્થ)ને આ ટૂંકા લેખ દ્વારા મારી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

તેમના વારસદારોની સંમતિથી, આ સન્નારીનું નામ પ્રગટ કરવામાં હું કોઈ સંકોચ અનુભવતો નથી. તો એ સન્નારી હતાં – હાજીયાણી અવલબેન હાજી નુરભાઈ મામજીભાઈ મુખી કે જે આ લેખકના પિત્રાઈ ભાઈ(ફોઈના દીકરા)નાં ધર્મપત્ની હતાં. તેઓ સુવાવડી સ્ત્રીઓની પરિચર્યા કરવા તેમના ઘરે જતાં, ત્યારે હાથમાં ફાનસ લઈને જતાં.(એ દિવસોમાં ગામમાં વીજળીની સુવિધા ન હતી.) ફ્લોરેન્સ નાઈટીંગલના ઉપનામથી પ્રેરાઈ “ફાનસવાળાં સન્નારી” ઉપનામ મેં અહીં એટલા માટે પસંદ કર્યું છે કે થોડાક અપવાદ સિવાય આ બંનેમાં ઘણું બધું સામ્ય હતું. આલ્ફ્રેડ એલ્ડરનું કથન છે કે “માનવીય થવું એટલે નમ્રતા અનુભવવી.” બંને સન્નારીઓમાં નમ્રતા હતી અને તેથી જ તેઓ બંને પોતાની જાતને અને બીજાંઓને પ્રથમ માનવ ગણતાં. ફ્લોરેન્સ માટે નર્સીંગનું વિશાળ ક્ષેત્ર હતું, ઘણા પ્રકારના દર્દીઓ હતા અને વધુમાં તેઓ તાલીમબદ્ધ હતાં; જ્યારે મરહુમા અવલબેનનું કાર્યક્ષેત્ર પ્રસુતિ પૂરતું મર્યાદિત હતું. વળી આ ક્ષેત્રનું જ્ઞાન તેમણે પોતાની કુશળતા, બુધ્ધિ, આંતરસૂઝ અને પોતાનાથી વરિષ્ઠ લોકોના અનુભવ અને માર્ગદર્શન હેઠળ પ્રાપ્ત કર્યું હતું.

તે એ દિવસો હતા કે જ્યારે તબીબી સુવિધાઓ જૂજ પ્રમાણમાં હતી, પ્રસુતિગૃહો ઉપલબ્ધ ન હતાં અને મહિલા તબીબો તો હતી જ નહીં.આ ઉપરાંત પ્રસુતાઓ પુરુષ તબીબોની સેવા લેવાનું પસંદ કરતી ન હતી. દાયણ બહેનો જ દરેક જગ્યાએ પ્રસુતિનું કાર્ય સંભાળતી હતી. કુદરતી અને સહજ રીતે બાળકને ઘરે જ જન્મ આપવાનું સ્ત્રીઓનું વલણ રહેતું. ખાસ કરીને ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં પ્રસુતિ વખતે જ્યારે મૃત્યુ એક વેંત જ છેટું હોય ત્યારે આ દાયણ બહેનો વરદાન સ્વરૂપ પુરવાર થતી હતી. અમારાં અવલ ભાભી એ સમયના ખૂબ જ શ્રીમંત મહાનુભાવનાં પત્ની હતાં અને તેમને કોઈ દ્રવ્યપ્રાપ્તિની જરૂરત ન હતી. આ ઉપરાંત પોતે શેઠાણી હતાં અને  સામાન્ય રીતે આવું અરૂચિકર અને કઠિન કામ કોઈ પસંદ કરે નહિ, પણ તેમણે આ કામ સહર્ષ સ્વીકાર્યું. તેઓ કહેતાં કે, ” મેં દાયણનું આ કામ પસંદ કર્યું નથી, પણ દાયણ તરીકેની કામગીરીએ પોતે જ મને પસંદ કરી છે.” સાવ જ અભણ એવાં આ ઉમદા નારીના કેવા મહાન વિચારો!

કાણોદર ગામમાં તે વખતે લગભગ તમામ કોમનાં ૧૫૦૦ જેટલાં કુટુંબો હતાં, જે પૈકી મુસ્લિમ બહુમતિ હોવા છતાં અમારાં ભાભી જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય કે અમીર-ગરીબના ભેદભાવ વગર બધાયને પોતાની અમૂલ્ય સેવાઓ આપતાં હતાં. તેઓ સામાન્ય રીતે પ્રથમ નજરે બિનજોખમી હોય તેવા કેસની જ જવાબદારી લેતાં અને કોઈ ગંભીર કેસ હોય તો તેમને કોઈક ડોક્ટરની મદદ લેવાની સલાહ આપતાં. તેઓ પ્રસુતિની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પાર પડે ત્યાં સુધી ખડા પગે હાજર જ રહેતાં અને પ્રતિક્ષણ પ્રસુતાની દેખરેખ રાખતાં હૈયાધારણ અને હૂંફ આપતાં રહેતાં. પ્રથમવાર માતૃત્વ ધારણ કરતી પ્રસુતાઓને તો એક સગી માતાની જેમ માથે હાથ ફેરવતાં તેમને નિર્ભય બનાવી દેતાં.

તબીબી વિજ્ઞાનના પિતા અને તે વખતના પ્રખ્યાત ગ્રીક તબીબ એવા હિપોક્રેટીસે નોંધ્યું છે કે, “પ્રકૃતિ એ સર્વોત્તમ તબીબ છે અને તેથી પ્રકૃતિને જ કોઈપણ જાતના હસ્તક્ષેપ વગર તેનું કામ કરવા દેવું જોઈએ.” આપણાં અવલબેન પણ સહાયક સ્ત્રીઓની ચિંતા કે પ્રસુતાની પીડાને અવગણીને પણ પ્રસુતિની કુદરતી પ્રક્રિયાને ચૂસ્ત રીતે વળગી રહેતાં. પ્રસુતિનું કટોકટીભર્યું કાર્ય પૂર્ણ થાય કે તરત જ બાળકની માતાને હંમેશાં એ કહેવાનું ભૂલતાં નહિ કે, “બેટી, બાળકને જન્મ આપી દીધાથી તારું કામ પૂરું થઈ જતું નથી, પણ તારી ખરી કામગીરી તો હવે શરૂ થાય છે.” વળી તેઓ નાભીનાળને કાપી લેવાની જરાય ઉતાવળ કરતાં ન હતાં.

પ્રસુતાના ઘરની અન્ય વ્યક્તિઓને તેઓ ખાસ ભલામણ કરતાં કે તેણીને ઓછામાં ઓછા ૪૦ દિવસ સુધી સંપૂર્ણ આરામ આપવામાં આવે અને એટલા સુધી કે તેણીનાં અને બાળકનાં કપડાં ધોવામાંથી પણ મુક્તિ આપવામાં આવે. પ્રસુતાની તંદુરસ્તીની ઝડપી પુનઃપ્રાપ્તિ માટે  જરૂરી આહાર અને ખાસ પ્રકારના ઉકાળાની પ્રક્રિયા અને તેના ઘટકો સૂચવતાં. પ્રસુતિ થઈ ગયા પછી પણ, જ્યાં સુધી બાળક અને તેની માતાની તબિયત સંતોષકારાક  હોવાની ખાત્રી ન થાય ત્યાં સુધી તેઓ રોકાઈ રહેતાં. છેલ્લે વિદાય થવા પહેલાં પ્રસુતાને આખરી સલાહ આપતાં કે કૂખે જન્મેલું બાળક પ્રભુનું પયગંબર કે બાલગોપાલ સમાન હોઈ પોતાના શરીરની પરવા કર્યા વગર સર્વશક્તિમાન કુદરત પોતાના ઉરમાં બાળકના ભાગ્યની રોજી સ્વરૂપે જ્યાં સુધી દૂધ પેદા કર્યે જાય ત્યાં સુધી તેને સ્તનપાન કરાવ્યે જવાનું કહેતાં.

આ લેખનું સમાપન કરવા પહેલાં અમારાં ભાભીમાના દુર્ભાગ્યની એક પીડાદાયી અજીબોગરીબ વાતનો અત્રે ઉલ્લેખ કર્યા વિના હું નથી રહી શકતો. તેમણે પોતે એક પછી એક એમ ત્રણ પુત્રોને જન્મ આપ્યો હતો. દરેક પુત્ર એક વર્ષનો થાય તે પહેલાં પહેલા ચોમાસા દરમિયાન એક જ પદ્ધતિથી આકસ્મિક રીતે મૃત્યુ પામતો હતો. તે દિવસોમાં પુષ્કળ વરસાદ વરસતો અને ભયંકર ગાજવીજ અને વીજળીના ચમકારા વચ્ચે ગેબી રીતે પારણાનાં નાકાં તૂટી જતાં અને બાળકના જમીન ઉપર પડી જવાની સાથે જ તેનું તત્કાળ અવસાન થઈ જતું. આમ ત્રણેય પુત્રોના એકસરખા રહસ્યમય મોતને તેમણે અભિશાપ ગણવાના બદલે સર્વશક્તિમાન સર્જનહારની ઈચ્છા સમજીને તેમણે પોતાના મનને હકારાત્મક માર્ગે મનાવીને તેમણે પોતાની માતૃત્વની ભાવનાને એક નવી દિશા આપી અને તેમણે પોતાનું સમગ્ર જીવન અસંખ્ય માતાઓને પોતાનાં બાળકો સાથે પ્રસન્ન જોવામાં સમર્પી દીધું.

ફારસી સાહિત્યકાર શેખ સાદીએ કહ્યું છે કે, “સર્જનહારની પ્રિય વ્યક્તિઓ એ છે કે  જેઓ શ્રીમંત હોવા છતાં ગરીબોની નમ્રતા ધારણ કરે છે, અને જે ગરીબ હોય છે તેઓ અમીરોનું ઔદાર્ય ધારણ કરે છે.” આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે માનવસેવા એ જ ઈશ્વરસેવા છે. મરહુમા અવલબેન તેમની પ્રસુતાઓની પરિચર્યા ઉપરાંત પોતાના કૌટુંબિક નાણાકીય ફંડ અને અન્ય કોઈ સ્વૈચ્છિક રીતે નાણાકીય કે વસ્તુરૂપ સહાય મોકલાવે તેમાંથી ગરીબ પ્રસુતાઓને આર્થિક સહાય પણ કરતાં હતાં. ચાલો આપણે દુઆ (પ્રાર્થના) કરીએ કે સર્વશક્તિમાન સર્જનહાર મરહુમા અવલબેનની રૂહને અખંડ શાંતિ અર્પે અને તેને પ્રિય એવી મહાન હસ્તીઓની તેમની મગ્ફેરત (મુક્તિ) માટેની તેમને ભલામણ નસીબ થાય. આ લેખના વાંચકોને વિનંતિ કે પોતપોતાના ધર્મ અને આસ્થા મુજબ પોતાના ધર્મગ્રંથની કોઈ ઋચા કે સુરા પઢીને મરહુમાની રૂહ કે આત્માને બક્ષી આપે.

હું આશા રાખું છું કે આ લેખ સઘળી મહિલાઓ દ્વારા વંચાય, ખાસ કરીને તેઓ કે જે સર્જનહારની કૃપાથી માતૃત્વ પામવા ભાગ્યશાળી બની છે અને તે મારી બહેનો અને દીકરીઓ કે જે ભવિષ્યમાં માતૃત્વ પ્રાપ્ત કરવાની તમન્ના ધરાવે છે.

લાગણીસહ,

– વલીભાઈ મુસા

તા.૧ર-૦૫-૨૦૦૮

ભાવાનુવાદક : કરીમભાઈ વી. હાડા (કાણોદર)

(વલીભાઈ મુસાના ઈન્ટરનેટ બ્લોગ “William’s Tales” (http://www.musawilliam.com) ના અંગ્રેજી આર્ટિકલ “Lady with the lantern” ઉપરથી)

બહુમુખી સાહિત્યિક પ્રતીભા ધરાવતા શ્રીમાન હરસુખ થાનકી (કલકત્તા હલચલના ગુજરાત બ્યુરો ચીફ)નો આ લેખ ઉપરનો પ્રતિભાવ:-

એક અજાણ્યા નારીરત્નનો પરિચય પામીને ખૂબ આનંદ થયો. આવાં પ્રેરક વ્યક્તિત્વોથી જ આપણું સમાજજીવન ઊજળું છે.”

 
 

Tags: , , , , , , ,

3 responses to “ફાનસવાળાં સન્નારી

  1. DR. CHANDRAVADAN MISTRY

    December 10, 2009 at 10:36 pm

    Another touching Story ! Valibhai nice to read it….& hapy to note that the Lady ( Fanasvali Sannari) was your Relative !>>>Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Valibhai, thanks for your Email Response for the Post on Chandrapukar’s 2nd Anniversary !

    Like

     
  2. Marjiya Musa

    May 12, 2013 at 5:54 am

    (By Mail)

    વલીકાકા,

    આપે લખેલ લેખ ખરેખર દિલને સ્પર્શી ગયો. મને ગર્વ છે કે અમે એમનાં બાળકો છીએ. લેખ વાંચીને સેવાનાં કાર્યો કરવાની પ્રેરણા મળી.આપનો અવલીબેનના કુટુંબ વતી ખૂબખૂબ આભાર.

    Marjiya (USA)

    Like

     
  3. Valibhai Musa

    April 17, 2016 at 6:13 pm

    Reblogged this on માનવધર્મ and commented:

    બહુમુખી સાહિત્યિક પ્રતીભા ધરાવતા શ્રીમાન હરસુખ થાનકી (‘કલકત્તા હલચલ‘ના ગુજરાત બ્યુરો ચીફ)નો આ લેખ ઉપરનો પ્રતિભાવ:-

    “એક અજાણ્યા નારીરત્નનો પરિચય પામીને ખૂબ આનંદ થયો. આવાં પ્રેરક વ્યક્તિત્વોથી જ આપણું સમાજજીવન ઊજળું છે.”

    Like

     

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.