RSS

છૂટાછેડા – કાયદેસર,પણ અનિચ્છનીય

19 Dec

Click here to read in English
સર્જનહારે પોતાની ઇચ્છાનુસાર નિશ્ચિત કુટુંબમાં આપણો ફરજિયાત જન્મ આપીને તદનુસાર આપણને સગાંસંબંધીની એવી નવાજિશ કરી છે કે જેઓ આપણને કદાચ ગમે કે ન પણ ગમે ! પણ, આપણે તેનો એ બાબતમાં જરૂર આભાર માનવો જોઈએ કે તેણે મિત્રોની પસંદગી માટેની તક આપણા હવાલે કરી છે. પત્ની એ પણ મિત્ર સમાન જ છે અને જે કહો તે – તેની વરણી, પસંદગી, ગમાડવી કે ચાહવી – સઘળું આપણા ઉપર છોડ્યું છે. આ સ્વતંત્રતા પ્રેમલગ્ન કે ગોઠવણી વડે કરવામાં આવતાં લગ્ન એમ બંને પ્રકાર માટે લાગુ પડે છે. લગ્ન કે મિત્રાચારીની પસંદગીમાં આપણા ઉપર કોઈ પણ જાતની ફરજ લાદવામાં આવી નથી, કારણ કે પત્ની અને મિત્ર આપણા જન્મ પછી જ આપણા જીવનમાં પ્રવેશનાર વ્યક્તિઓ છે. બીજાં તમામ પ્રકારનાં સગાંસંબંધી જન્મગત હોઈ તેઓ જેવાં હોય કે હોઈ શકે, આપણે સ્વીકારી લીધા સિવાય કોઈ જ છૂટકો નથી પત્ની એ આપણી જીવનસંગિની અને અર્ધાંગિની હોઈ અંગ્રેજી ભાષામાં પણ Wife ઉપરાંત બીજો Better-half શબ્દ છે.

આમ,શાણો માણસ હમેશાં પત્નીની પસંદગીની બાબતમાં સભાન રહેતો હોય છે અને તેની પહેલી પસંદગી પહેલી અને આખરી રહેતી હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે બધો જ સમય એ શક્ય નથી હોતું કે તે તેણીનાં ગુણ કે ચારિત્ર્યનાં બધાં જ પાસાંને દુકાનદારને ત્યાંથી ખરીદવામાં આવતી વસ્તુની જેમ અવલોકી શકે. નજીવી ખૂટતી બાબતોને પછીથી ઓપ આપી શકાય કે પછી સમાધાન પણ કરી શકાય.

લગ્ન પછી, નેકટાઈ કે બૂટની જેમ, પત્નીને બદલી નાખવાનું કામ તો એ જ માણસ કરી શકે કે જે સ્ત્રીના મરતબાનું મૂલ્ય આંકી નથી શકતો. માતા, બહેન, પત્ની અને પુત્રી જે તે પ્રકારના સંબંધોથી જોડાયા પ્રમાણે સ્ત્રીનાં જ ચાર સ્વરૂપ છે. સામાન્ય રીતે એવું જોવામાં આવતું હોય છે કે જ્યારે હમેશાં પત્નીની જ ટીકાટિપ્પણી કરવામાં આવતી હોય છે, ત્યારે બાકીનાં તમામને જેવાં હોય તેવાં નિભાવી કે સ્વીકારી લેવામાં આવતાં હોય છે. પત્નીને કુટુંબમાં આયાતી જણસ તરીકે ગણવામાં આવતી હોય છે અને બાકીનાંઓનો પક્ષ લેવામાં આવતો હોય છે અને તેમને પોતીકાં ગણવામાં આવતાં હોય છે. આવી માનસિકતા એ પત્ની પરત્વેનું પક્ષપાતી વલણ કહેવાય અને આવા જ સંજોગોમાં લગ્નજીવન નિષ્ફળતામાં પરિણમતું હોય છે અને છેવટે છૂટાછેડા જેવી દુઃખદ પરિસ્થિતી ઉત્પન્ન થતી હોય છે. કેટલાક સંવેદનશીલ અને ન્યાયી સંજોગોમાં રાજ્ય અને ધર્મના કાયદાઓમાં છૂટાછેડાની જોગવાઈ હોય છે ખરી,પણ અલ્લાહ (ઈશ્વર) તેને પસંદ નથી કરતો. અન્યાયી રીતે આપવા કે લેવામાં આવતા છૂટાછેડા એ ધાર્મિક અને સામાજિક રીતે ગુનો છે અને છૂટાછેડા પ્રાપ્ત કરનાર પાત્રને માટે આજીવન ત્રાસરૂપ નીવડે છે.

લગ્ન એ પ્રાણી વડે ચાલતા ગાડા કે વાહન જેવું છે. પતિ અને પત્ની ઉભય તેને હાંકવા માટે જોતરાય છે. તેઓ જો પરસ્પર સમજદારી, સહકાર અને એકસૂત્રતાથી જોડાય તો જિંદગીની સફર સફળતાપૂર્વક પાર પડી શકે. પણ આપણે જગત આખાયમાં અને જુદાજુદા સમુદાયોમાં જોઈ શકીએ છીએ કે મોટા ભાગે અને હમેશાં લગ્નજીવન આદર્શ જોવા મળતાં નથી.

આ બાબત માટે આપણે એક સરસ મજાનું અવતરણ જોઈએ કે જે આપણને લગ્નજીવનની ફલશ્રુતિ સમજાવશે, જે આ પ્રમાણે છે:” થોડાક જ કિસ્સાઓમાં લગ્ન ઈનામ કે પુરસ્કારરૂપ હોય છે, કેટલાકમાં લગ્નજીવન આશ્ચર્યજનક રીતે પસાર થઈ જતું જોવા મળે છે; પરંતુ ઘણા બધામાં તો લગ્નજીવન નિરાશાજનક અને સજારૂપ હોય છે.” અહીં ‘થોડાક’, ‘કેટલાક’ અને ‘ઘણાબધા’ શબ્દો ધ્યાનમાં લેવા જેવા છે. હવે એ બાબત આપણા ઉપર આધારિત છે કે આપણે કયા વર્ગ કે સમુદાયમાં આપણું સ્થાન ગોઠવવા માગીએ છીએ.

હજુ, મારા બ્લોગનો વિષય કેટલાક પ્રશ્નો સાથે ચાલુ રહે છે, જેના જવાબોની હું કોઈ અપેક્ષા રાખતો નથી; હા, તેના ઉપર મારા વાચકો ગંભીરતાપૂર્વક જરૂર વિચારણા કરે ! મારા પ્રશ્નો આ પ્રમાણે છે: શું આ બધી જવાબદારીઓ સ્ત્રીઓને પણ લાગુ ન પડે, જ્યારે કે કેટલાક પશ્ચિમના કે પશ્ચિમ જેવી વિચારસરણી ધરાવતા લોકો સ્ત્રી-પુરુષના સમાન અધિકારોમાં માને છે ? એવા બિચારા પુરુષોનું શું કે જેઓ સ્ત્રીઓ દ્વારા ઉગામાયેલ છૂટાછેડાના હથિયારનો ભોગ બનીને દુખમય કૌટુંબિક જીવન વ્યતીત કરતા હોય ? એ સ્વમાન અને મરતબાનું શું કે પોતે પતિ હોય કે પત્ની,પણ છૂટાછેડા પછી કાયદા વડે પ્રાપ્ય ભરણપોષણ મેળવતાં હોય ? નિર્દોષ અસરગ્રસ્ત બાળકોનું શું ? તેમના ભવિષ્ય કે તેમના માનસિક સંતાપોનું શું ?

શાંતિમય સમાજની સ્થાપના માટે કુટુંબો શાંતિમય હોવાં જોઈશે. ગૃહ અદાલતો ઘટાડવા માટે ગૃહ માર્ગદર્શન કેન્દ્રો વધારવાં પડશે. દુનિયાના ઘણા દેશોના સમજદાર લોકો વર્તમાન પરિસ્થિતિમાં ફેરફાર ઇચ્છે છે કારણ કે દિનપ્રતિદિન પરિસ્થિતિ કથળતી જાય છે. પણ બિલાડીની કોટે ઘંટડી કોણ બાંધે ?

આગળ વધુ કોઈક અજ્ઞાત લેખકનું ગુજરાતી અખબારમાં આવેલું અવતરણ વાંચો કે જે વ્યક્તિગત રીતે દરેકને પરોક્ષ માર્ગદર્શન પૂરું પાડશે કે કેવી રીતે શાપિત શબ્દ “છૂટાછેડા” ઉપર વિજયી થઈ શકાય. તેના શબ્દો આ પ્રમાણે છે:” જ્યારે હું વીસ વર્ષનો હતો, ત્યારે ખૂબ જ ઉત્સાહપૂર્વક કહેતો કે હું આખી દુનિયાને બદલી નાખીશ.પરંતુ, ધીમે ધીમે તે મને મુશ્કેલ લાગવા માંડ્યું.પછી હું ત્રીશ વર્ષની ઉંમરે પહોંચ્યો અને મારા લક્ષાંકને બદલીને દુનિયામાંથી મારા દેશ અને આસપાસના સમાજ પૂરતો સીમિત કરી નાખ્યો. પણ અફસોસ ! હું નિષ્ફળ પુરવાર થયો. આજે હું મરણ પથારીએ છું અને મને પહેલી જ વાર એ સનાતન સત્યની પ્રતીતિ થાય છે કે હકીકતમાં પહેલાં મારે મારી જાતને જ પહેલેથી બદલવી જોઈતી હતી અને તો જ હું મારી ઈચ્છા મુજબ આખી દુનિયાને બદલી શક્યો હોત !”

અહીં મારી બ્લોગ પોસ્ટના સમાપન પહેલાં, હું મને પોતાને ‘પ્રેમલગ્ન’ વિષેના એક વધુ અને આખરી કથનને રજૂ કરતાં નથી રોકી શકતો. તે આ મુજબ છે:” પ્રેમલગ્ન આકર્ષણથી શરૂ થાય છે, (કદાચ) મોટા ભાગે નિરાશામાંથી પસાર થાય છે અને છેવટે જુદાઈમાં અંત પામે છે.”

મારા ભલા વાચકો, આપનું દાંપત્યજીવન અર્થસભર, ફળદાયી અને પરોપકારમય નીવડે તેવી શુભ કામના સાથે આટલેથી વિરમું છું

સલામસહ,

વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

ટીપ: લગ્ન પહેલાં થેલેસેમીઆ, હેપીટાઈટીસ બી, એચઆઇવી વગેરે જેવા જરૂરી ટેસ્ટ કરાવી લેવા હિતાવહ છે કે જેથી પરિણીત યુગલ કે ભાવી સંતતિની તંદુરસ્તીને કોઈ હાનિ ન પહોંચે. પાણી પહેલાં પાળ બંધાય તો સારું.

Note:-

Translated from English Version titled as “Divorce – Legal but Undesirable” published on May 27, 2007.

 
8 Comments

Posted by on December 19, 2009 in Article, લેખ, Culture, gujarati, Human behavior

 

Tags: , , , , , , ,

8 responses to “છૂટાછેડા – કાયદેસર,પણ અનિચ્છનીય

 1. Suresh Jani

  May 31, 2010 at 6:31 pm

  માફ કરજો. ગુડી ગુડી વાહ વાહ કરતાં નથી આવડતી. જેમને મિત્ર ગણ્યા હોય તેમની સાથે તો નહીઁ જ્
  આ ચીલાચાલુ સલાહ લાગી. બદલાતા જમાનાથી જોજનો દૂર – વાદળોમાં.
  કદાચ નીચેનો લેખ આ લેખની સાથે વાઁચવો મને જરૂરી લાગે છે.( પશ્ચિમી સમાજને વધુ લાગુ પડે છે;પણ આપણો ઉચ્ચ અને મધ્યમ વર્ગ બહુ ઝડપથી પશ્ચિમી બનતો જાય છે- પશ્ચીમના બધાં બુરાં પાસાં અપનાવતો અને સારી એક પણ વાત ન સ્વીકારતો )

  http://gadyasoor.wordpress.com/2009/10/03/selection_tips/

  Like

   
 2. Rajendra M.Trivedi, M.D.

  May 31, 2010 at 8:47 pm

  લગ્ન એ પ્રાણી વડે ચાલતા ગાડા કે વાહન જેવું છે.
  પતિ અને પત્ની ઉભય તેને હાંકવા માટે જોતરાય છે.

  મારી વિચાર દ્રસ્ટીએ,

  પત્ની ને પતી ગાડાના બે પૈડા છે.
  બન્નેને સમાન વ્યાસ ના ને સમતોલનથી તનશક્તિ,મન શક્તિ ને આત્મશક્તિ થી જીવન ચલાવવૂ જરુરી છે.

  એજ આ સન્સારના જીવન સમયને મ્રુત્યુ સુધી ખેચી શકે છે!

  રાજેન્દ્ર ત્રિવેદી

  Like

   
 3. sharad

  June 1, 2010 at 7:01 am

  પ્રિય મિત્રો;
  પ્રેમ;
  આદર્શ સમાજ વ્યવસ્થા, આદર્શ લગ્નજીવન આ બધાની વ્યાખ્યાઓ કરવામા આપણે પાવરધા છીએ.જેમના લગ્નજીવન ખરેખર સુખી જ છે તેમને જીવવામાંથી આનંદ મળી રહે છે ચર્ચામાંથી નહી. અહીં મોટાભાગના મિત્રો લગભગ ૬૦ ઉપરના છે અને જેમતેમ પોતાનુ લગ્નજીવન નિભાવી હવે એવા આરે આવીને ઉભા છે કે જ્યારે બન્નેને (પતિ-પત્ની)એક બીજાના હુંફ અને સહકારની જરુર છે. બહુત બીતી થોડી રહી જેવી હાલત છે. હવે છુટાછેડા જીવનમાં સંભવ પણ નથી. પણ ચર્ચા છુટાછેડા પર કરવી છે જે જવાનીઆઓનોની સમસ્યા છે. જીવનના આટલાં અનુભવે પણ આપણને સમજાતું નથી કે છુટાછેડાના કારણો શું છે? અને એ કારણોમા આપણી જવાબદારી શું છે? અને આપણી પેઢીએ એ જવાબદારી નિભાવી કે નથી નિભાવી?
  છુટાછેડાના કારણોમા જોશો તો જણાશે કે મુખ્યત્વે અહં નો ટકરાવ, પ્રેમનો અભાવ, સમજનો અભાવ હોય છે. બાળપણથી આપણે આપણા બાળકને શું શિખવીએ છીએ. તેની ઉપર કદી આપણું ધ્યાન જાય છે ખરૂં? આપણી બધી શિક્ષા અહંકારની શિક્ષા છે. બધાથી પહેલો મરો છોકરો કે છોકરી આવવી જોઇએ. અને તે માટે આપણે બધું કરી છુટવા તૈયાર હોઈએ છીએ.કેટકેટલાં દુઃખો વેઠીએ છીએ.વાવીએ છીએ લિમડો અને આંબાની આશા રાખીએ છીએ. આપણે આપણા બાળકોને કેટલો પ્રેમ આપી શક્યા છીએ? પ્રેમ શું છે તેની પણ આપણને ખબર નથી ત્યાં બાળકોને આપવાની તો વાત જ ક્યાં આવે. આપણે તો પ્રેમની ભીખ માંગતાં જ શીખ્યા છીએ અને તે જ આપણા બાળકોને શિખવ્યું છે.આપણા બાળકો મોટાં થઈ પરણીને એકબીજા પાસે પ્રેમની ભિખ માંગતા હોય છે અને તે મળે પણ ક્યાંથી? ભિખ દેવા એક જણ પાસે પણ પ્રેમ હોવો જરુરિ છે. આપણને જ સમજનો અભાવ છે તો આપણા બાળકોને ક્યાંથી સમજ હોવાની છે?
  જોકે આ પરિસ્થિતિ આપણા મા=બાપોની પણ હતી જ.છતાં આપણા સમયમા છુટાછેડાંનુ પ્રમાણ નહીવત હતું તે સત્ય છે. પણ તેના કારણોમા મુખ્ય કારણ દમન હતું સમજ નહી. બાળક કે સ્ત્રી ના અવાજને સખતાઈથી દબાવી દીધેલ હતો. હવેનો સમાજ સ્વતંત્રતા તરફ આગળ વધી રહ્યો છે. વધુને વધુ પરિપક્વ બની રહ્યો છે એટલે છુટાછેડાનુ પ્રમાણ બેશક વધવાનુ છે. ઉપર ઉપરથી ગમે તેટલાં થાગડથીગડ કરો આ સમસ્યા હલ નથી કરી શકવાના.
  ખલીલ જીબ્રાન ની લગ્નની વ્યાખ્યા અત્યાર સુધી મેં વાંચેલી તમામ વ્યાખ્યાઓ કરતાં મને સુંદર લાગી છે. જે અત્રે આપું છુ કદાચ આપને પણ ગમશે અને લગ્નને આ પરિપ્રેક્ષ્યમા સમજતા થઈશું તો આપણા દીકરા દીકરીઓ ના છુટાછેડા નહી સંભવે.
  On Marriage
  Kahlil Gibran
  You were born together, and together you shall be forevermore.
  You shall be together when the white wings of death scatter your days.
  Ay, you shall be together even in the silent memory of God.
  But let there be spaces in your togetherness,
  And let the winds of the heavens dance between you.

  Love one another, but make not a bond of love:
  Let it rather be a moving sea between the shores of your souls.
  Fill each other’s cup but drink not from one cup.
  Give one another of your bread but eat not from the same loaf
  Sing and dance together and be joyous, but let each one of you be alone,
  Even as the strings of a lute are alone though they quiver with the same music.

  Give your hearts, but not into each other’s keeping.
  For only the hand of Life can contain your hearts.
  And stand together yet not too near together:
  For the pillars of the temple stand apart,
  And the oak tree and the cypress grow not in each other’s shadow.

  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ.
  શરદ.

  Like

   
 4. pragnaju

  June 1, 2010 at 5:58 pm

  છૂટાછેડાની પ્રક્રીયા સમજીએ-
  પહેલા ફોર્મને પિટિશન કહેવામાં આવે છે. તેમાં લગ્ન વિશે પાયાની માહિતી અને છૂટાછેડા માટેનાં કારણો દર્શાવવામાં આવે છે. તેનું એકમાત્ર કારણ હોઇ શકે કે તમારૂં લગ્ન ફરી જોડી ન શકાય એટલું ભંગાણ પામી ગયું છે, અને તમે તેને નિમ્નલિખિત પાંચ કાયદાકીય તથ્યોમાંથી એકના આધારે સાબિત કરી શકો. આ તથ્યો છે:વ્યભિચાર : તમારા પતિ અથવા પત્નીએ કોઇ વિજાતીય વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધ્યો છે અને પરિણામે તમે તેમની સાથે રહેવાનું ચાલુ રાખવાનું સ્વીકારી શકતા નથી.
  ગેરવાજબી વર્તણૂંક – આમાં તમે જેને અસ્વીકાર્ય માનતા હો તેવી કોઇ પણ વર્તણૂંકનો સમાવેશ થાય છે અને તમારે આ વર્તણૂંકના લગભગ છ ઉદાહરણ આપવાના થશે.
  ત્યાગ: તમારા પતિ અથવા પત્નીએ તમને છોડી દેવાનું નક્કી કર્યું હોય અને તમે કાર્યવાહી શરૂ કરી શકો તેની પહેલાં બે વર્ષથી ગેરહાજર રહ્યાં હોય.
  બે વર્ષનું સેપરેશન (અલગ રહેવું): જો તમારા પતિ કે પત્ની તેમાં સંમત થાય, તો તમે જો બે વર્ષથી વધુ સમયથી અલગ રહેતાં હો, તો તમને છૂટાછેડા મળી શકે.
  પાંચ વર્ષનું સેપરેશન: જો તમે પાંચ વર્ષથી વધુ સમયથી અલગ થઇ ગયાં હો, તો તમે તમારા પતિ કે પત્નીની સંમતિ વિના છૂટાછેડા મેળવી શકો.
  માતાપિતા અને સંતાનો વચ્ચે શરૂઆતથી જ એવું પ્રત્યાયન હોવું જોઈએ, જેથી સંતાનો નિખાલસપણે બધું જ કહી શકે. જો નિખાલસ વાતચીતનું વાતાવરણ હોય તો ગમે તે મુદ્દાની ખુલ્લી ચર્ચા થઈ શકે. આવું ઘણે ભાગે નથી હોતું તેથી બાજી બગડે છે. બધી ચર્ચાને અંતે પણ જો સંતાન દઢતાપૂર્વક ઈચ્છા મુજબ પરણવાનો આગ્રહ રાખે છે તો તે સ્વીકારવો જ રહ્યો કારણ કે આખરે એ પોતાના જીવન પર પોતાનો અધિકાર ધરાવે છે. અકબરના જમાનામાં પણ કાયદો કર્યો હતો કે એકબીજાની મરજીથી લગ્ન ન થયા હોય તો તે ફોક કરી શકાય.
  યાદ આવી વિવેકની કવિતા
  બૉલપેનની
  કાળી લીટીની દીવાલની
  પોતપોતાની બાજુએ
  અમે
  બંને જણ
  પોતપોતાના ભંગારને
  પોતપોતાને ઉઠાવતા
  જોયા કરીએ છીએ.
  મારી બાજુમાં ક્યાંક એ પડી હોય
  કે એની બાજુમાં ક્યાંક એકાદ ટુકડો મારો પડ્યો હોય,
  તો ઊંચકીને
  હવે
  એકબીજાને આપતા નથી.
  અમારી તો
  બધી જ દીવાલો બંધ.
  અંધ.
  હવાના ટુકડાય
  છાતીની ગલીઓમાં
  લગરીક આવ-જા કરે એટલું જ.
  બસ.
  નિસાસાના એક ડૂસકાંને બહાર ટપકી પડવું હોય
  તો એણેય
  ગુરુત્વાકર્ષણની લેખિત પરવાનગી માંગવી પડે
  એ હદે
  અમે લોખંડ પી બેઠાં છીએ.
  ક્યારેક વાંસળી થઈ સૂરાતાં
  ભીતરનાં પોલાણ
  જડયા જડે એમ નથી.
  લોખંડ…લોખંડ…લોખંડ…
  કાનના તળાવમાંય
  પહેલો કાંકરીચાળો થયો
  એ દિ’નું
  ઉતરી ગયું છે ધગધગતું સીસું.
  અમારી હયાતીની જમીન પર
  અમે
  સહિયારી
  ખેડેલી ફસલના
  લસલસતા પાકમાં
  હરાયાં ઢોર ભેલાણ કરે છે
  તોય હલાતું નથી.
  અમારું
  તો
  આંખ-હાકોટા-હાથ
  -બધુંય ચાડિયાનું !

  Like

   
 5. pravina Avinash

  June 3, 2010 at 9:35 pm

  જો છેડાબાંધતા પહેલાં જરાક વિચાર કર્યો હોય તો

  છૂટાછેડાની નોબત ન આવે. આને માટે જવાબદાર

  કોને ઠરાવીશું? અહંને, જીદને, હું,મને અને મારું ના

  ત્રિકોણને. સ્વાર્થવૃત્તિને, સંકુચિત મનને, સહનશીલતાના

  અભાવને કે પછી ઉભય પક્ષના માતાપિતાને.

  બાકી છૂટાછેડા મેળવીને બનેમાંથી એક પણ પક્ષ

  ફાયદામા નથી જણાતો. વકીલોના ખિસા ભરાય છે.

  કાર્યવાહી દરમ્યાન બંને પક્ષને જે માનસિક તનાવમાંથી

  પસાર થવું પડે છે તે જીવતા જીવ નરકની યાતના ની

  યાદ અપાવે છે.—-

  Like

   
 6. HasanAli

  December 1, 2014 at 10:00 am

  nice

  Like

   
 7. P.K.Davda

  April 4, 2016 at 5:35 pm

  મનુષ્ય પ્રયત્ન, ઈશ્વર કૃપા. નશીબ બીજે ક્યાં પણ ભાગ ભજવે કે ન ભજવે, લગ્નની બાબતમાં તો જરૂર ભજવે છે. હું મારા અનેક મિત્રો કરતાં વધારે નશીબદાર નીવડ્યો.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: