RSS

ચોરસ દુનિયા – ૩

23 Dec

Click here to read in English
હવે, મારા વાંચકો, જો તમે રોકી શકતા હો તો ઘડીભર તમારા શ્વાસને રોકી લો; કેમ કે હવે પછી રજૂ થનાર માનવતાના ઘોર અપરાધને સાંભળવા પહેલાં તમારી જાતને તમે સંભાળી શકો. અહીં તમે સ્ત્રીઓને કેદીની હાલતમાં બેઠેલી જોઈ શકો છો. અહીં તમે પોતાની માતાઓને ચીપકી ગએલાં નાનાં ભયભીત બાળકોને જોઈ શકો છો. અહીં તમે સહેજ મોટી ઉંમરનાં બાળકોને પણ જોઈ શકો છો કે જે જેલની પરસાળમાં ફૂટબોલને હવામાં લાત મારવાનો અભિનય કરી રહ્યાં છે કેમ કે વાસ્તવમાં ત્યાં ફૂટબોલ છે જ નહિ! આવા માનવતાવિહોણા સ્ત્રીઓ અને બાળકો સાથેના વ્યવહાર અંગે સાવ ટૂંકાણમાં જ ફિયોદોર દોસ્તોયવીસ્કી (Fyodor Dostoyevsky) ટીકા કરતાં લખે છે, ‘સમાજની સાંસ્કૃતિક માત્રાનું માપ કાઢવું હોય તો તેની જેલોની મુલાકાત લેવી જોઈએ.’ હું ફરી એક વાર પીટર બેનિસન (Peter Beneson) ના શબ્દો ટાંકીશ જે છે, ‘અઠવાડિયાના કોઈપણ દિવસનું સમાચારપત્ર ખોલો, જેમાં તમને એવો અહેવાલ જોવા મળશે જ કે દુનિયામાં ક્યાંક ને ક્યાંક કોઈને જેલભેગો કરવામાં આવ્યો છે અથવા તો તેના ઉપર જુલ્મ કરવામાં આવ્યો છે કે પછી ફાંસીએ લટકાવવામાં આવ્યો છે; એનું કારણ એ હોય છે કે જે તે વ્યક્તિનાં મંતવ્ય તેની સરકારને સ્વીકાર્ય નથી હોતાં.’

મધ્ય રાત્રીએ, તમે નજીકની કોટડી કે પછી ઉપરના કે નીચલા માળેથી સ્ત્રીઓના સીસકવાના અવાજો સાંભળી શકો છો. કાં તો તેઓ એવાં બૂરાં સપનાં જોઈને નિસાસા નાખે છે જાણે કે તેમના શૌહરો, પુત્રો કે જુવાન દીકરીઓની ધરપકડ કરીને કારાવાસમાં ધકેલી દેવામાં અથવા ગૂમ કરી દેવામાં આવ્યાં હોય; કે પછી તેમને નિર્દય રીતે માર મારવામાં આવ્યો હોવાના કારણે તેમની પાંસળીઓમાં પીડા થઈ રહી હોય. આ સ્ત્રીઓને તેઓના પોતાના કોઈ ગુનાના કારણે અટકાયતમાં લેવામાં આવી નથી, પણ તેઓ અહીં તેમના પુરુષ સગાંવહાલાંઓના બદલામાં કેદ છે. સત્તાવાળાઓએ પેલાઓના કથિત અપરાધો કે આરોપોના કારણે આ બિચારી મહિલાઓને પકડી લીધી છે. પુરુષ વર્ગનાં કુટુંબીજનો તેમની શંકા ઉપર આધારિત ધરપકડ ટાળવા માટે સ્ત્રીઓ અને બાળકોને ઘરે છોડી દઈને ભાગી ગયા પણ હોય! પેલા પુરુષ સભ્યોને કદાચ ખબર પણ નહિ હોય કે તેમની અવેજીમાં એ બિચારાંની અટકાયત કરી દેવામાં આવી છે! અત્યાચારી સત્તાવાળાઓએ ગણતરીપૂર્વક આમ કર્યું છે કે જેથી તેઓ ઉપર લાગણીનું દબાણ લાવી શકાય અને તે નિર્દોષોને છોડાવવા માટે તેઓ આત્મસમર્પણ કરતાં આપમેળે હાજર થઈ જાય. આમ, આ પ્રકારની ધરપકડ એ નિર્દોષૉનું અપહરણ જ ગણાય. ગમે તે હોય, પણ અહીં આપણે સગી આંખે જુલ્મીઓના અમાનવીય વ્યવહાર અને મઝલુમોનાં શબ્દાતીત દુ:ખોની પરાકાષ્ઠા જોઈ શકીએ છીએ.

* * *

હવે આપણે એક એવા મેદાન તરફ ફરીએ કે જેની ચારે તરફ ઊંચી દિવાલો છે. અહીં આપણે પુરુષ કેદીઓને જોઈ શકીએ છીએ કે જેમને તેમની તંદુરસ્તીના બહાના હેઠળ કઠોર કસરત કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે.

હવે અહીં શ્રી ‘ડ’ ને મળો. તેને તેના કોટડીમાંના અન્ય સાથીઓની સાથે કસરત માટે લાવવામાં આવ્યો છે. તે બિચારો ભારે ખાંસી અને અસહ્ય તાવથી પીડાય છે. કસરત કરાવવાવાળો જેલર મેદાનમાં આંટો મારે છે અને એક ખૂણે બેસી રહેલા શ્રી ‘ડ’ ને પકડી પાડે છે. હૃદય વગરનો તે નિર્દય અફસર બરાડા પાડતો ‘ડ’ ને પૂછે છે, ‘તને વળી શું થયું છે?’ કૉઈપણ કારણ તે હરગિજ માને તેમ નથી. તે બિચારા ‘ડ’ ને દોડવા અને કૂદકા મારવાનો હૂકમ ફરમાવે છે. ભારે વ્યાયામના કારણે તે બેભાન થઈ જાય છે અને તેનો દમ ઘુંટાય છે. તેને હોસ્પિટલ ભેગો કરવામાં આવે છે અને તેને પલંગ સાથે સાંકળથી બાંધી દેવામાં આવે છે. અફસોસ! તેને ક્ષયની બીમારી હોવાનું નિદાન થાય છે.

મિ. ‘ડ’ વિદેશી છે અને કામધંધા અર્થે આ દેશમાં આવ્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે તેને કોઈ નોકરી મળી નથી અને નોકરી મળી છે તો અહીં કેદી તરીકે યાતનાઓ સહન કરવા માટેની! તેની શારીરિક સ્થિતિ દયાજનક હોવા છતાંય તેને અનેકવાર પૂછપરછ માટે બોલાવવામાં આવે છે. અસહ્ય ત્રાસ આપ્યા પછી તેને દરેક વખતે ધમકી આપતાં કહેવામાં આવે છે કે ‘ભલે, ભલે – લાગે છે કે તું સાચું બોલવા નથી માગતો! તને અત્યાર સુધી પૂરતો સમય આપવામાં આવ્યો છે, પણ તું તારો ગુનો કબૂલ કરવા માગતો નથી. અમે નક્કી કરી જ લીધું છે કે હવે તને ફાંસી જ આપી દેવી!’

એ કળવું મુશ્કેલ છે કે તેની ભયંકર બીમારી પોતે જ એના માટે ફાંસીનો ફંદો બનશે કે પછી તેના માથે સાચે જ ઝળૂંબતી મોતની નગ્ન તલવાર જ તેનો ભોગ લેશે!

* * *

કેદીઓને સજા કરવા માટેની રીતો અનેક છે. હવે, આપણે શ્રી ‘ઈ’ ને જોઈએ. તે એક વયોવૃદ્ધ ખેડૂત છે. તેને બિચારાને પોતાને જ ખબર નથી કે તેને કયા કારણસર પકડવામાં આવ્યો છે! તેના ઉપર ગુનો કબૂલ કરી લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે, પણ કયો ગુનો? પૂછપરછ કરવાવાળાઓને જ તેના ગુના વિષેની કોઈ ખબર નથી અને છતાંય ફરજ પડાય છે કે તેના ઉપર જે કંઈ ગુનાનો આરોપ મૂકવામાં આવે તે તેણે કબૂલ કરવો જ પડશે. મહાત્મા ગાંધીનું કથન છે કે, ‘તમે મને સાંકળથી બાંધી શકો છો, તમે મારા ઉપર જુલ્મ કરી શકો છો, તમે મારા દેહને ખતમ કરી શકો છો; પણ તમે મારા મનને, મારા વિચારોને કદીય કેદી નહિ બનાવી શકો.’ પરંતુ અહીં સબડતા બિચારા કમજોર અને ગરીબ લોકો આવી મહાન હસ્તીઓની કક્ષામાં કઈ રીતે આવી શકે! તેઓ તો સામાન્ય માનવીઓ છે અને સાવ દેખીતી રીતે તદ્દન સાચું જ છે કે આવા લોકો પાસે પોતાની જાતને ક્રૂર માણસોના હવાલે કરી દેવા સિવાયનો અન્ય કોઈ વિકલ્પ તેમની પાસે બાકી બચતો નથી.

સતત છ દિવસ સુધી શ્રી ‘ઈ’ ને ખોરાકનો એક પણ કોળિયો કે ટીપુંભર પાણી પણ આપવામાં આવતું નથી. તે મજબૂત અને કદાવર હોવાના કારણે હજુ સુધી જીવિત છે, નહિ તો તે ક્યારનોય પતી ગયો હોત! પણ, આ ખેડૂત જરાય નમતું આપતો નથી; અને છેવટે પેલા વિકરાળ પશુઓ જેવા ઘાતકી અમલદારો તેને પહેલી જ વાર ખાવાનું આપે છે. પોતાના મોંઢામાં શું જઈ રહ્યું છે તે જોવા પોતાની આંખો ખોલવા પણ બિચારો અશક્તિમાન છે. દિવસ અને રાત તેને ઊંઘવા દેવામાં આવ્યો નથી. સતત પહેરા હેઠળ રહેતા શ્રી ‘ઈ’ ને જ્યારે પણ ઊંઘ આવવાની થાય, ત્યારે ફરજ ઉપરનો ચોકીદાર તમાચા કે લાતોના પ્રહાર વડે ઊંઘવા ન દેતો. સતત ઉજાગરાના કારણે તેની જીભ બોલતાં થોથવાતી હતી અને આંખો પણ સાવ શુન્યવત્ થઈ ગઈ હતી. કેટલાંક અઠવાડિયાં પછી તેનાં સ્વસ્થ થવાનાં ચિહ્નો દેખાવા માંડ્યાં. કોઈ ગુનો નહિ તે જ તેનો ગુનો હતો અને માત્ર તેટલા જ ગુના ખાતર તેને આવી યાતના સહન કરવાનો વારો આવ્યો હતો.

જ્યારે અટકાયત પામેલાઓની સંખ્યા વોર્ડમાં ઓછી થતી, ત્યારે જ બાકીનાઓને થોડી રાહત રહેતી; નહિ તો સામાન્ય રીતે ઓરડાઓમાં ઍટલી બધી ભીડ રહેતી કે જાણે જીવતાજાગતા માણસો રૂપી જણસ કે ચીજવસ્તુઓનું કોઈ ગોદામ હોય! બધાયે જોડકામાં વારાફરતી ઊંઘવા માટેની એક પદ્ધતિ અખત્યાર કરી લીધી છે. એક જણ જ્યારે ઊંઘતો હોય ત્યારે બીજો છએક કલાક કે તેવા કોઈક સમય સુધી ઊંઘનારાનાં બંને પડખાં પાસે પોતાના પગ રાખીને ઊભો રહી જતો હોય! તેમના માટે હલનચલનની કોઈ શક્યતા રહેતી જ નહિ. તેઓ પલાંઠી વાળીને બેસી શકવાની સ્થિતિમાં પણ નથી, નહિ તો તેઓ બેઠાબેઠા પણ ઊંઘી શકતા હોત! આમ પછી બીજાનો વારો આવે જે પહેલાવાળાને જગાડે અને પોતાના ઉપર એ જ રીતે ઊભા રહેવાનું જણાવે. દૃશ્ય એવું લાગે જાણે કે ઊભેલો માણસ સૂતેલાને ભાગી જતો અટકાવવા ન માગતો હોય!

(ક્રમશ: આગામી ભાગ-૪ ઉપર ચાલુ)

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version titled as “The Square World – III ” published on January 04, 2008.

 
Leave a comment

Posted by on December 23, 2009 in Article, લેખ, Civilization, gujarati

 

Tags: , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: