RSS

ચોરસ દુનિયા – ૨

24 Dec

Click here to read in English
હું આગળ વધું તે પહેલાં એ સ્પષ્ટ કરવાનું મને ગમશે કે શા માટે મેં મારી આ લેખમાળાનું શીર્ષક ‘ચોરસ દુનિયા’ પસંદ કર્યું છે. જ્યારે ૧૯૬૯માં હું કોલેજ વિદ્યાર્થી હતો, ત્યારે અમારી કોલેજના વાર્ષિક દિનની ઉજવણી નિમિત્તે ભજવાએલા ગુજરાતી નાટક ‘ચોરસ દુનિયા’માં મેં ભાગ લીધો હતો. મેં એક પાત્રનો અભિનય કર્યો હતો અને નાટકનું વિષયવસ્તુ પણ અહીં વર્ણવવામાં આવતા જેલના વાતાવરણને લગતું હતું.

ચાલો આપણે હવે કેદખાનાની કોટડીઓ તરફ જઈએ. દરેક કેદીએ પોતાનો કોટડી કે વોર્ડ નંબર યાદ રાખવો ફરજિયાત છે. જ્યારે કોઈ જેલ અધિકારી દ્વારા આવો નંબર પૂછવામાં આવે, ત્યારે જો કોઈ કેદી તરત જ જવાબ આપવામાં નિષ્ફળ જાય તો તેણે ગાલે તમાચા અને માથે, જડબે, ગાલે કે શરીરના કોઈપણ ભાગે લાતોના પ્રહાર ખમવા જ પડે. બિચારા કોઈક વિદેશીઓ આ દેશની ભાષા જાણતા ન હોવાના કારણે જલ્દી જવાબ ન આપી શકે તો તેમને પણ આવી શિક્ષાઓ ખમવી પડે છે. આવી અમાનુષી સજા કરનારના હાથ થાકે, ત્યારે પગ વડે લાતો શરૂ થઈ જાય અને ગુસ્સાપૂર્વક ગાળો ભાંડતાં કહેવામાં આવે, ‘તમારાં માબાપનું ભૂડું થાય, અરે ઓ બદમાશો, કેમ તમે તમારો કોટડી/વોર્ડ નંબર યાદ નથી રાખી શકતા?’

આજનો નવીન આગંતુક છે એક રૂપાળો અને યુવાન છોકરો, નામે ‘બ’. તેને કોઈ ચીજવસ્તુ કે પદાર્થની જેમ કોટડીમાં ધકેલી દેવામાં આવે છે. તેની આંખો ઉપરની પટ્ટી અને હાથકડી ખોલી નાખવામાં આવે છે. કેટલીક પળો સુધી તો તે ચકળવકળ આંખે ઓરડાનું નિરીક્ષણ કરે છે અને અજાણ્યા અને વ્યથિત કેદીઓને જોઈને સાવ ભાંગી પડે છે. બારણા પાસે જ ફસડાઈ પડતાં તે ચોધાર આંસુએ રડી પડે છે. જૂના કેદીઓ તેની તરફ દોડી જાય છે અને તેનું બાવડું ઝાલીને તેને છાનો રાખવાની કોશીશ કરે છે. તેઓ કહે છે, ‘શરમ, શરમ! રડ નહિ. ભલા, તું તો મર્દ છે ને?’ તેને ગરમ હૂંફાળું પાણી પાવામાં આવે છે અને તેની કથની સાંભળવા બધા આજુબાજુ ગોઠવાઈ જાય છે.

મિ.’બ’ બોલવાનું શરૂ કરે તે પહેલાં, તે જાણી લેવા માગે છે કે તેને કેટલા સમય સુધી અહીં અટકમાં રાખવામાં આવશે. બધા તેના જ જેવા છે અને દરેકના મગજમાં આ જ પ્રશ્ન ઘોળાયા કરે છે. ભાઈશ્રી ‘બ’ના પ્રશ્નનો કોઈની પાસે જવાબ નથી. તે રડતાં રડતાં બોલે છે, ‘પણ તે લોકોએ તો મને દસ મિનિટનું જ કહ્યું હતું, માત્ર દસ જ મિનિટ! હું મારી વિધવા માતાનો એક માત્ર જ પુત્ર છું. તે બિચારી ક્યાંક બહાર ગઈ હતી અને તે લોકો મને પકડવા આવ્યા હતા. મારી મા આ જાણતી જ નથી. હું ક્યાં ગયો છું તે જાણતી ન હોવાના કારણે તે ચોક્કસ મરી જશે!’ આટલું બોલીને તે ફરીવાર રડવા માંડે છે.

આ વખતે બધા તેનું દુ:ખ હળવું થાય તે માટે તેને રડવા દે છે. થોડી વાર પછી તે પોતાના રૂપાળા ગાલો ઉપર વહેતાં અશ્રુ સાથે ઢીંચણો ઉપર ટેકવેલું માથું ઊંચું કરતાં દરેકને પૂછી વળે છે કે તેઓ દરેક કેટકેટલા સમયથી અહીં છે. તેને દિવસો, મહિનાઓ અને વર્ષો જેવા જુદાજુદા જવાબો મળે છે; જેવા કે બસ્સો અને આઠ દિવસથી, ચાર મહિનાથી કે એક વર્ષથી વગેરે વગેરે. બધાયના જવાબો સાંભળીને તે ફરી એક વાર ખૂબ જ મોટા અવાજે રડી ઊઠે છે આગળની વાતનું પુનરાવર્તન કરતાં કે ‘પણ તેમણે તો મને દસ જ મિનિટનું કહ્યું હતું!’ વધુમાં તે કહે છે કે ‘હું અસ્થમાનો દર્દી છું અને મારી વિધવા માતા વયોવૃદ્ધ છે.’

* * *

મોટા ભાગના અટકાયતીઓ યુવકો છે. તેમના સાથેનો થતો આવો અમાનવીય દુર્વ્યવહાર, જો તેમને જીવતા છોડી દેવામાં આવે તો, કદાચ ભવિષ્યે તેમને ક્રાંતિકારી પણ બનાવી શકે! ઈતિહાસ ગવાહ છે કે આવા જુલ્મીઓનું શાસન લાંબો સમય ટકતું નથી હોતું કેમ કે તેઓ તેમના ક્રૂર શાસન દરમિયાન જ તેમના દુશ્મનો તૈયાર કરતા હોય છે અને એક વખત એવો આવે છે કે તેમની પડતી થાય છે અને તેઓ નામશેષ થઈ જતા હોય છે. અહીં શ્રીમાન ‘ક’ પણ એક યુવાન છે. તે એક ખાસ વ્યક્તિત્વ ધરાવતો માણસ હોવા છતાં અહીં ઘેટા કે બકરા જેવી દયનીય સ્થિતિમાં મુકાઈ ગયો છે. હવે આપણે આગળ વધીએ એ જોવા અને જાણવા માટે કે તે શું સહન કરી રહ્યો છે અને તેનો અંત શું હશે!

મિ.’ક’ ઓરડીના એક ખૂણામાં બંને ઢીંચણ પહોળા રાખીને વચ્ચે જોઈ રહેતો ચૂપચાપ બેઠો છે. તે ખિન્ન અને સાવ એકલવાયો દેખાય છે. તે માંડ ૨૨ વર્ષનો સાવ પાતળો અને કમજોર બાંધાનો છે. તેના શરીર ઉપર જંજીરો અને ચાબખાઓના મારનાં સ્પષ્ટ નિશાન દેખાઈ આવે છે જે કદાચ કદીય નહિ રૂઝાય. કેટલાક સાથી કેદીઓ માત્ર મનોરંજન ખાતર તેને સતાવે છે. કોઈકવાર તે ગુસ્સે થઈ જાય છે, તો વળી કોઈકવાર તેમની મજાકમશ્કરીમાં પોતે ભળી પણ જાય છે.

શ્રી ‘ક’ એ સામાન્ય માણસ નથી, પણ એક એન્જિનિયર છે. તે અંગ્રેજી અને જર્મન ભાષા પણ સરસ રીતે બોલી શકે છે. તેના ઉપર શંકાને આધારિત શાસન વિરુદ્ધ સંભવિત આંદોલનકારી હોવાનો આરોપ છે.પહેલી જ વાર જ્યારે તેને પકડવામાં આવ્યો હતો, ત્યારે જ તેને ખાત્રી આપવામાં આવી હતી કે તેની સાવ ટૂંકી અને ઔપચારિક પૂછપરછ માત્ર કરવાની છે અને આજે તે છેલ્લા પાંચ મહિનાથી અહીં છે. તેના ઉપર દેશદ્રોહી હોવાનો આરોપ છે અને કોણ જાણે તેને કેટલીયવાર પૂછતાછ માટે બોલાવવામાં આવ્યો છે. દરેક વખતે તેના ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે કે તે નિર્દોષ હોય કે ન હોય છતાં પણ પોતાના અપરાધને તે કબૂલી લે.

હવે તમે એ બાબતના સાક્ષી થાઓ કે આજે શ્રી ‘ક’ સાથે કેવો ખતરનાક વર્તાવ કરવામાં આવ્યો છે. મહેરબાની કરીને ધીરજ રાખો અને સાવ ગમગીન પણ ન બની જતા, કેમ કે હજુ ઘણું બધું આગળ આવવાનું બાકી છે.

બેરેકના તોતીંગ લોખંડના દરવાજાની નાની બારી ખુલે છે. મિ.’ક’ના નામનો પોકાર પડે છે.ચોકીદારની ધારદાર અને નિર્દયી નજર તેને આંતરિક રીતે ધ્રૂજાવી દે છે. તેને આંખે બાંધવાની પટ્ટી આપવામાં આવે છે. તેને હાથકડીઓ પહેરાવીને એક મૂંગા ઢોરની જેમ ઢસડી જવામાં આવે છે. દરવાજાને તાળું વખાય છે અને બાકીના સહકેદીઓ તેના દુર્ભાગ્યપૂર્ણ એનકાઉન્ટર વિષે જાણવા તેના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે.

થોડો સમય પસાર થયા પછી બિચારો ‘ક’ ધીમેધીમે ચાલતો, સાવ નંખાઈ ગએલા ચહેરા સાથે અને કમરમાંથી વાંકો વળી ગએલી સ્થિતિમાં ફરીવાર દેખાય છે. પોતાની અટકાયત પછીનો આજનો દિવસ તેના માટે સૌથી વધારે ભયંકર છે. પૂછપરછ કરનારા બધા જ એકીસાથે સર્વ પ્રથમ તો તેના ઉપર તૂટી પડે છે અને મુક્કાઓ અને ચાબૂકો વડે તેને ઢોરમાર મારવામાં આવે છે.

ત્યાર પછી તેનાં કાંડાં અને ઘૂંટણને સાંકળથી બાંધી દેવામાં આવે છે અને આખો ને આખો એ જ રીતે તેને લોખંડના એક ચક્ર સાથે બાંધવામાં આવે છે. પછી તેના બંને હાથને સામસામી દિશાએ એવી રીતે ખેંચવામાં આવે છે કે જ્યાં સુધી તેને મહેસુસ થાય કે કદાચ તેના બંને હાથ ખભાઓમાંથી નીકળી જશે.એ જ પ્રમાણે તેના પગની પણ એ જ વલે કરવામાં આવે છે જાણે કે બેઉ પગ તેની જાંગોમાંથી છૂટા પડી જશે. સર્કસના કોઈક ખેલની જેમ પેલા ચક્ર (ફ્રેમ)ને એવી રીતે ફેરવવામાં આવે છે કે તે ઊંધા માથે લટકતો હોય! પછી પેલા શિકારી કૂતરાઓ ભસે છે, ‘સાચું બોલ, નહિ તો તું માર્યો જઈશ.’

પછી તો અડધો મરેલો હોય તે સ્થિતિમાં ‘ક’ને અહીં કોટડીમાં લાવવામાં આવે છે. બિચારો ‘ક’ પોતે ફેંકાતો હોય તેવી રીતે ભોંયતળિયા ઉપર ઢળી પડે છે. પૂરા ત્રણ દિવસથી તે ચાલી શકવા પણ અશક્તિમાન છે. તેની અર્ધજાગૃત સ્થિતિમાં તેના ગાલો ઉપરથી અશ્રુબિંદુ વહ્યે જ જાય છે અને સાવ મંદ અવાજે ગણગણ્યે જ જાય છે, ‘ઓ મારી મા! મારો શો ગુનો છે! મારો શો ગુનો છે!’

બીજા વધુ બે મહિના સુધી તેને જેલમાં રાખવામાં આવે છે. તેનું મન આશા અને નિરાશાઓ વચ્ચે ઝોલા ખાય છે. છેલ્લે, એક દિવસે તે પોતાના કથિત અપરાધના કબૂલાતનામા ઉપર હસ્તાક્ષર કરે છે અને તેને મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવે છે. ઈશ્વર,અલ્લાહ કે God જાણે કે છેવટે તેનું શું થયું!

(ક્રમશ: આગામી ભાગ-3 ઉપર ચાલુ)

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version titled as “The Square World – II ” published on December 30, 2007

 
 

Tags: , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: