RSS

ચોરસ દુનિયા – ૧

26 Dec

Click here to read in English
મારા આજના લેખનું શીર્ષક મારા વાંચકોને નવાઈ પમાડનારું અને ક્દાચ ગેરસમજ ઊભી કરનારું લાગશે. ભૌગોલિક અને ખગોળશાસ્ત્રીય સંશોધનોએ સાબિત અને પ્રસ્થાપિત કરી દીધું છે કે પૃથ્વી ગોળ છે,પણ અહીં તેને ‘ચોરસ’ તરીકે ઓળખાવી છે. તમને લાંબો સમય સુધી દ્વિધાભરી સ્થિતિમાં રાખવાના બદલે સીધેસીધું જ કહી દઈશ કે અહીં હું કેદખાનાં અને તેમની કોટડીઓ એટલે કે એ ‘ચોરસ દુનિયા’ વિષે જ વાત કરવાનો છું.

આ લેખ થોડોક વિસ્તૃત હોવાના કારણે, તેને અનુકૂળતાએ હપ્તાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે. મારા લેખને સાર્વત્રિક અને સર્વભોગ્ય બનાવવા માટે ઘટનાઓની કેટલીક આંતરિક સ્પષ્ટતાઓને અવગણી છે. આમ કરવા પાછળનો મારો હેતુ અને પ્રયત્ન એ છે કે હું માત્ર મારા વાંચકોની દિલની લાગણીઓને ઢંઢોળવા માગું છું કે જેથી તેઓ આવાં માનવતા વિરોધી કૃત્યોને વખોડી કાઢે અને પોતાના મનોવ્યાપારોને વિશ્વબંધુત્વની ભાવના તરફ વાળે.

આ લેખમાળાનાં પ્રકરણો ઘાતકી જેલ સત્તાવાળાઓ દ્વારા આચરવામાં આવતી સંભવિત કે માત્ર શંકા ઉપર આધારિત એવા અટકાયતી કેદીઓ પરત્વેની વિવિધ પ્રકારની સતામણીઓ કે ત્રાસ જેવાં હિચકારાં કૃત્યો ઉપર પ્રકાશ નાખશે. આ બધાં કેદખાનાં સરમુખત્યારશાહી શાસનપ્રથા ધરાવતા દેશોમાં સ્થિત હોય છે કે જ્યાં સ્વપ્ને પણ આશા ન રાખી શકાય કે જ્યાં આંતરરાષ્ટ્રીય સર્વસંમત માનવઅધિકાર કમિશનો દ્વારા ઘોષિત કેદીઓના માનવીય અધિકારો વિષેના માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન કરવામાં આવતું હોય. પીટર બેનિસન (Peter Beneson) નોંધે છે કે ‘કોઈપણ પ્રકારના કેદીઓને શારીરિક કે માનસિક ત્રાસ આપવા ઉપર પ્રતિબંધ હોવા છતાં દુનિયાના બે તૃતીયાંશ દેશોમાં ગુપ્ત રીતે આ બધું ચાલતું હોય છે. કેટલાય દેશોની સરકારો તેમના અધિકારીઓને છૂટો દોર આપતી હોય છે જેના પરિણામે ગેરકાયદેસર રીતે કોઈકને જેલમાં ધકેલી દેવા કે પછી એનકાઉન્ટરના બહાને તેમને પતાવી દેવા કે ગુમ કરી દેવાના આપખુદીપૂર્ણ કિસ્સાઓ જોવા મળતા હોય છે.” જો કે નિ:શંકપણે મોટા ભાગના લોકશાહી ઢબની શાસનપ્રથાવાળા દેશોમાં માનવ અધિકારનાં માન્ય ધોરણોનું પાલન થતું હોય છે ખરું, પણ ત્યાં પશ્ચિમના દેશો જેવાં સુવિધાપૂર્ણ કારાવાસો જેવું આધુનિકરણ કરવામાં આવતું નથી હોતું.

જેલના કેદીઓને ન્યાયાલયો દ્વારા સજા પામેલા, કાચા કામના કેદીઓ કે જેમની અદાલતી કાર્યવાહી ચાલુ છે અથવા શરૂ થવાની બાકી છે અને માત્ર પ્રાથમિક અટકાયત પામેલા એવી ત્રણ કક્ષામાં વહેંચી શકાય. કોઈ કેદી ગમે તે કક્ષામાં હોય, પણ આપણે અલબત્ત એ ન ભૂલવું જોઈએ કે એ બધાય છેવટે તો માનવીઓ છે. તેમના પણ કેટલાક પાયાના અધિકારો હોય છે; જેવા કે સૂવા-બેસવા માટેની પૂરતી જગ્યા, આરોગ્ય અને સ્વચ્છતાની યોગ્ય સુવિધા, પૂરતો પોષક આહાર, પીવાનું શુદ્ધ પાણી અને ન્હાવા-ધોવાની વ્યવસ્થા, ઋતુવાર જરૂરી કપડાં, દાક્તરી સારવાર, તેમના કુટુંબો માટે પૂરક એવું તેમની પાસેથી લેવામાં આવતા કામનું વ્યાજબી મહેનતાણું વગેરે.

હવે હું તમને મારાં એકત્ર કરેલાં એવાં જેલનાં કેટલાંક ઉદાહરણો આપીશ કે જે આપ સૌને પૃથ્વી ઉપરના નર્ક સમાન લાગ્યા વિના નહિ રહે. આ વર્ણનો તમારાં હૈયાંને હચમચાવી નાખશે અને તમે જો આસ્તિક હશો તો તરત જ ઈશ્વરને પ્રાર્થના કરી દેશો કે તે કોઈનેય આવી દુ:ખદાયક જ્ગ્યાઓના મહેમાન બનાવે નહિ! જો કે મોટા ભાગના ધર્મો અનુસાર તમામ જીવોને છેવટે તો એક વાર ન્યાયના દિવસનો સામનો કરવાનો આવશે જ, પણ ત્યાં તો એવાઓને જ સજા કરવામાં આવશે જે નિશ્ચિત રીતે જ માફીપાત્ર નહિ એવા પાપી પુરવાર થએલા હશે. ઈશ્વર દયાળુ હોવા છતાંય તે યોગ્ય ન્યાયની બાબતમાં વચનબદ્ધ હોવાની મર્યાદાના કારણે સજ્જનોને સારો અને દુર્જનોને નરસો બદલો આપશે જ.

સામાન્ય રીતે, કોઈપણ સરમુખત્યાર કે રાજાશાહી શાસનપ્રથાવાળી સરકારો એવી ખોટી પ્રણાલિકાઓને અનુસરતી હોય છે કે અટકાયતીઓને ગુપ્ત કે અજાણી જગ્યાઓએ એવી રીતે રાખવામાં આવે કે તેઓનાં સગાંવહાલાંઓને જાણ સુદ્ધાં ન થાય કે તેઓ ક્યાં હશે. આ પ્રકારના શાસકો કાચા કામના કે પ્રાથમિક અટકાયત પામેલા કેદીઓ માટેની આંતરરાષ્ટ્રીય માન્ય એવી આચારસંહિતાનું પાલન કરતા નથી હોતા. આના માટેનું મૂળભૂત કારણ એ છે કે તેઓ આવી માનસિકતા એટલા માટે ધરાવતા હોય છે કે તેમને પોતાના અને પોતાના શાસન કે રાજપાટની સલામતી કે અસ્તિત્વની ચિંતા રહેતી હોય છે. આમ એટલા માટે જ તેઓ પોતાની પ્રજાને હંમેશાં ભય અને તનાવ હેઠળ રાખતા હોય છે. ન્યાયનો પાયાનો સિદ્ધાંત એ છે કે કોઈ પણ આરોપીને જ્યાં સુધી તેનો ગુનો પુરવાર ન થાય ત્યાં સુધી તેને ગુનેગાર ન ગણવો જોઈએ. પણ આવા ‘જંગલના કાયદા’ને અનુસરનારા સત્તાવાળાઓને એવી ક્યાં પડી હોય છે કે જેથી તેઓ આવા આદર્શ સિદ્ધાંતોને કે કુદરતી ન્યાયની પ્રક્રિયાને માન આપે!

હવે હું મારા મુખ્ય મુદ્દા ઉપર આવું છું અને તમને મારા વેદનાસભર અવાજ સાથે જોડાવા નિમંત્રું છું, આમ છતાંય કે આપણે આવા માનવતા સાથેના ઘાતકી વર્તાવ સામે માત્ર આપણો જીવ બાળવા અને ‘શરમ..શરમ્’ જેવા શબ્દો ઉચ્ચારવા પૂરતા જ લાચાર છીએ! હવે આગળ વધો અને એ પીડિત કેદીઓની યાતનાઓના સાક્ષી બનો કે જે બિચારા તેમને રજા આપવામાં આવે તો આવા નર્કમાં રહેવાના બદલે મરવાનું વધુ પસંદ કરે!

કેદીઓ સાથે સંકળાયેલા માનવઅધિકારના સિદ્ધાંતોનો સ્પષ્ટ આદેશ છે કે કોઈપણ અટકાયતીને રાત્રીના સમય દરમિયાન કોઈપણ જાતની પૂછપરછ કરવામાં ન આવે; પણ, અહીં આપણે શું જોઈએ છીએ; આગળ વાંચો:

આ ચોરસ દુનિયામાં તમે નિ:સહાય કેદીઓને તેમના કથિત અપરાધોની સાચી કે ખોટી કબુલાતો માટે ત્રાસ આપવા માટેનાં સાધનો કે શસ્ત્રો જેવાં કે આંખે બાંધવા માટેની પટ્ટીઓ, જંજીરો, હાથકડીઓ અને ચાબુક વગેરે જોઈ શકો છો. અહીં તમે લાચાર કેદીઓની ખુલ્લી પીઠો ઉપર ખરડાએલા લોહીને જોઈ શકશો. અહીં મધ્ય રાત્રી પછી પણ અટકાયતીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે. તેઓ બિચારા ચિંતા અને ભયના માર્યા અર્ધજાગૃત અવસ્થામાં પણ હોઈ શકે; પરંતુ કઠોર સત્તાવાળાઓને આવા પ્રતિકૂળ સમય સાથે કોઈ લેવાદેવા હોતી નથી અને જ્યારે પણ તેમને ઈચ્છા થાય કે તુક્કો સૂઝે, ત્યારે કોઈપણને ગમે ત્યારે પૂછપરછ કે તપાસ માટે બોલાવી શકે છે. તેમની આવી પૂછપરછનો કોઈ જ અંત હોતો નથી. તેઓ લોહીલુહાણ ન થઈ જાય ત્યાં સુધી અને માનસિક રીતે સાવ ભાંગી ન પડે એટલા સમય સુધી તેમને માર્યે જ જતા હોય છે. જ્યારે ભારેખમ લોખંડનો તોતીંગ દરવાજો તેના ભયંકર કિચુડ કિચુડ અવાજ સાથે ખુલે છે, ત્યારે તેમના શરીરનાં લોહી ભયનાં માર્યાં જાણે થીજી જાય છે. દરેક વખતે પહેરેદાર તાળાંમાં કૂંચીઓ ફેરવે છે અને દરવાજો તબક્કાવાર લોખંડના તીવ્ર રણકાર સાથે ખુલે છે. જગ્યાના અભાવે ગમે તેમ આડાઅવળા જુદી જુદી સ્થિતિમાં સૂતેલા કેદીઓ એકદમ ચમકીને સફાળા બેઠા થઈ જાય છે. કોઈ કસાઈ પોતાના વાડામાં કોઈ ઘેટાને હલાલ કરવા માટે કોઈકને ઉપાડી જવા આવે અને એ તમામ ભયભીત થઈ જાય તેવી જ મનોદશા અહીં સૌ કોઈ અનુભવે છે.

હવે, મારા વાંચકો, તમારા હૃદયના ધબકારને અંકુશમાં રાખીને આગળ વાંચો. પણ, હું આગળ વધતાં પહેલાં વચ્ચે એક સ્પષ્ટતા કરી લેવા માગું છું તમારી સામે વારાફરતી આવતાં જતાં પાત્રોને ‘અ’ થી શરૂ થતા ક્રમિક મૂળાક્ષરોવાળાં નામોથી ઓળખાવતો જઈશ. શેક્સપિઅરના કોઈક નાટકના સંવાદ ‘નામમાં તે વળી શું?’ની જેમ અહીં તમને તેમનાં મૂળ નામો વાંચવા નહિ જ મળે.

એક ૨૦ વર્ષના ‘અ’ નામના યુવાનને જેલના ઓરડામાં હડસેલવામાં આવે છે. તેણે માત્ર લંગોટી પહેરી છે અને બાકી શરીરે સાવ ઊઘાડો છે. તેના માથાના વાળ અને આંખની ભ્રમરોને સફાચટ કરી દેવામાં આવેલ છે અને મૂછોને અડધી મૂંડેલ છે. તેની છાતી, પીઠ, બાવડાં, સાથળો અને પગમાંથી લોહી વહી રહ્યું છે. તેને કોરડાઓ મારી મારીને તેની એવી દશા કરી દીધી છે કે તેના શરીરની ચામડી જાંબુડિયા રંગની થઈ ગઈ છે. તેના ભૂત જેવા ચહેરા સામે ટીકીને જોવાની કોઈ કેદી હિંમત કરી શકતો નથી. તેની નિ:સહાયતા અને વેદના બધાયના દિલોને થથરાવી નાખે છે. ત્યાર પછી તેની જ પાછળ પાછળ એક બિહામણો અધિકારી તેના જાડા હોઠોમાં લુચ્ચાઈ ભર્યા સ્મિત સાથે દાખલ થાય છે.

તે પેલા ગરીબડા જીવને સંબોધતો બરાડા પાડતો બોલે છે, ‘આ લોકોને તારાં કરતુતો સંભળાવી દે કે શા માટે અમે લોકોએ તારી આ દશા કરી છે!’ અને, પેલું યુવાન ભૂત બિચારું બબડે છે, ‘કેટલાક મહિનાઓ પહેલાં મને અહીં પકડી લાવવામાં આવ્યો હતો અને કેટલીક ઔપચારિક પૂછપરછ પછી મને છોડી દેવામાં આવ્યો હતો. જેવો હું ઘરે ગયો ત્યારે મારાં સગાંસંબંધીઓ અને કૌટુંબિક મિત્રોને તેમનાં લાપતા થએલાં માણસો વિષે માહિતી આપી હતી. મેં તેમને કહ્યું હતું કે એ લોકોને અહીં પકડી લાવવામાં આવ્યાં છે અને હું તેમને મળ્યો પણ છું. હવે, મને ફરીવાર સરકારનાં રહસ્યોને જાહેર કરી દેવાના આરોપસર પકડી લાવવામાં આવ્યો છે.’

પેલો કસાઈ જેવો અધિકારી ફરી વાર ઘાંટો પાડે છે, ‘તમે બધાએ તેને સાંભળ્યો?’ બધા કેદીઓ સામૂહિક અવાજે જવાબ આપે છે, ‘હા, અમે તેને સાંભળ્યો!’ પેલા બિચારાના સંદેશાને બીજાઓ સુધી પહોંચાડી દેવાનું કામ પૂરું થાય છે અને પેલા મઝલુમ ‘અ’ ને ચાલી પણ ન શકે તેવી સ્થિતિમાં હોવા છતાં ધક્કો મારીને બારણા બહાર હડસેલી દેવામાં આવે છે. તેને હવે ક્યાં લઈ જવામાં આવશે તેની કોઈનેય ખબર નથી.

(ક્રમશ: આગામી ભાગ – ૨ ઉપર ચાલુ)

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version titled as “The Square World – I ” published on December 13, 2007

 

Tags: , , , , , , ,

One response to “ચોરસ દુનિયા – ૧

  1. La Kant Thakkar

    June 30, 2014 at 12:22 pm

    તમારી અનુભવ- કથાનું મથાળું-શીર્ષક :” સ્વ-આનંદ / સ્વાનંદ “-લા’ / ૩૦.૬.૧૪

    Liked by 1 person

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: