RSS

હતાશા કે ઉત્સાહભંગ

01 Jan

Click here to read in English
હતાશા કે ઉત્સાહભંગ એ મનની નકારાત્મક સ્થિતિ છે. મારા મતે આ કોઈ નવીન બાબત નથી; કેમ કે આવું મને, તમને કે અન્ય કોઈને પણ પોતાના જીવનમાં બની શકે. હતાશાની પડકારજનક આ સમસ્યા આજકાલ જગત આખાયમાં ચેતવણીરૂપ પ્રમાણમાં વધતી જ જાય છે. આજે જીવન સાવ સરળ રહ્યું નથી. આવી મનોવૈજ્ઞાનિક સ્થિતિમાંથી પસાર થયા વગર સાવ સરળતાથી આપણે જિંદગી પસાર કરી શકીએ નહિ. હું કોઈ મનોવૈજ્ઞાનિક કે મનોચિકિત્સક નથી. આ સમસ્યાના વ્યવહારુ ઉકેલ લાવવા માટેના મારા અભ્યાસકીય અનુભવોનો નીચોડ અહીં છે. મારા બહોળા સંયુક્ત પરિવારના સભ્યો (કોઈકવાર હું પોતે પણ) અને મિત્રો-સ્નેહીઓ કે તેમનાં સંતાનોને ખાસ કરીને તેમના અભ્યાસકાળ દરમિયાન વાર્ષિક, બોર્ડ કે યુનિવર્સિટી પરીક્ષા વખતે હતાશાનો ભોગ બનવું પડ્યું છે. એવા પ્રસંગોએ તેમની સમસ્યાના હલ માટેના માર્ગદર્શનમાંથી જે કંઈ તારણો અને ઉપાયો મને મળ્યા છે તેનું પ્રતિબિંબ આ લેખમાં પડ્યા વિના રહેશે નહિ. હતાશા માટે કારણભૂત શાળા-કોલેજના અભ્યાસકાળ સિવાયની જીવનની અન્ય ઘણી પરિસ્થિતિઓ અને સંજોગો પણ હોય છે, જ્યાં તેનો મુકાબલો કરવાનો પ્રસંગ આવતો હોય છે. આ સમસ્યાના વ્યાપમાં ધંધાકીય નુકસાન, નાણાંકીય કટોકટી, કૌટુંબિક સમસ્યાઓ, માનસિક ત્રાસ કે હેરાનગતિ, બીમારી, સંવેદનશીલ સ્વભાવ, સામાજિક કે રાજકીય અશાંતિ, કુદરતી કે માનવસર્જિત આફતો, પ્રિયજનનું અવસાન, વતનથી અન્યત્ર સ્થળાંતર કે ઘરચકલી જેવી સંકુચિત મનોવૃત્તિના કારણે અનુભવાતો ગૃહવિયોગ વગેરે આવી શકે.

હળવી માત્રાની હતાશા કેટલાક કલાકો કે દિવસો પૂરતી સીમિત હોય છે અને તેનો ભોગ બનનાર કોઈ પણ જાતના પ્રયત્ન વગર તેમાંથી બહાર નીકળી શકે છે; પણ,તીવ્ર હતાશા ખતરનાક હોય છે અને તેના ફળ સ્વરૂપે કોઈક વાર અનિચ્છનીય નકારાત્મક પરિણામો આવવાની પૂરેપૂરી શક્યતા રહે છે. પોતે અસલામતી અનુભવવાના કારણે જીવન જીવવામાંથી રસ ગુમાવી દે છે. કોઈકવાર હતાશાનાં કારણો ઉપર વધુ પડતો વિચાર કર્યે રાખવાના પરિણામે વ્યક્તિ કાં તો આત્મહત્યા કરી બેસે છે કે પછી પોતાના કુટુંબને રઝળતું મૂકીને ઘર છોડીને ભાગી જાય છે. આ બંને પૈકી કંઈ ન બને તો છેવટે તેનો સ્વભાવ એવો બની જાય છે કે તે વાતવાતમાં બીજાઓ ઉપર ગુસ્સે થઈ જાય અથવા આક્રમક કે હિંસક બની જાય છે. કેટલાક કિસ્સાઓમાં માણસ સાવ મૌનધારક બની જાય છે અને પોતાની સમસ્યાની વાતના કોઈને સહભાગીદાર બનાવવાથી દૂર રહે છે. કોઈકવાર તે વ્યક્તિ પોતાની જાતની લાચારી ઉપર દયા ખાઈને ચૂપચાપ રડી લે છે અથવા તો પોતાની જાતને કોઈક ખૂણામાં સંતાડી દઈને લોકોને મળવાનું ટાળે છે. ભોગ બનનાર ઈસમ અનેક રાત્રીઓ ઊંઘ્યા વગર પસાર કરે છે અને ખાવાનું બંધ કરી દેવા ઉપરાંત કોઈ પણ જાતના મનોરંજનથી પણ દૂર રહે છે. ટૂંકમાં કહેતાં આવા હતાશ માનવીની વર્તણુંક અસાધારણ અને વિચિત્ર જોવા મળે છે.

આવા હતાશાના કિસ્સાઓને હલ કરવાની પ્રક્રિયામાં મારું અંત:સ્ફૂરણાજન્ય સામાન્ય જ્ઞાન અને મનોવિજ્ઞાન અને અન્ય સામાજિક વિજ્ઞાનનાં પુસ્તકોનું ક્વચિત્ વાંચન એ સઘળાં મારી મદદે આવ્યાં છે. હું મારી યાદદાસ્તને તાજી કરવાનો પ્રયત્ન કરતાં કોઈ વાંચકને રસ હોય તો આ વિષય અંગેનું એક પુસ્તક જોઈ જવાની ભલામણ કરું છું. મને પુસ્તકનું નામ યાદ નથી કેમ કે ૧૯૬૯ કે ૧૯૭૦ ના સમયના દૂરના ભૂતકાળમાં તે વાંચવામાં આવેલું હતું. એ પુસ્તક મનોવિજ્ઞાનના વિષય ઉપરનું અને કોઈક એક જ પ્રકારની Crow અટક ધરાવતા બે મનોવૈજ્ઞાનિકોનું સહિયારું સર્જન હતું.

અન્ય પદ્ધતિઓની જેમ આંતરનિરીક્ષણ પદ્ધતિ પણ એક પ્રકાર છે કે જે વડે હતાશાના વમળમાંથી વ્યક્તિ જાતે જ બહાર આવી શકે. આ પદ્ધતિ એ બીજું કંઈ નહિ પણ સ્વમાર્ગદર્શન જ છે. હતાશાનો ભોગ બનનાર પોતે જ આ પદ્ધતિનો સહારો લઈ શકે છે. મારા વાંચકોનું ‘Self made man’ (સ્વયંમ્ સર્જાતો માનવ) શીર્ષકવાળા મારા અગાઉના આર્ટિકલ ‘Soul – Its nourishment’ (આત્માનું પોષણ)માંના ચિત્ર તરફ ધ્યાન દોરીશ કે જેના દ્વારા ‘સ્વ-ઉપચાર’ પદ્ધતિને સમજી શકાશે.

આંતરનિરીક્ષણ પદ્ધતિના ખ્યાલને સ્પષ્ટ કરવા પહેલાં હું તેની મર્યાદાઓ તરફ મારા વાંચકોનું ધ્યાન દોરવા માગું છું. પ્રથમ તો બૌદ્ધિક માણસો જ આ પદ્ધતિને સારી રીતે, અસરકારક અને કુશળતાપૂર્વક પ્રયોજી શકે. આમ છતાંય સામાન્ય માણસો પણ થોડાક સભાન પ્રયત્નથી અહીં સફળ પરિણામ મેળવી શકે ખરા. બીજું, આ પદ્ધતિ એક કારણથી થોડીક મુશ્કેલ પણ સાબિત થાય કેમ કે અહીં વ્યક્તિએ બેવડી ભૂમિકા ભજવવાની હોય છે; એક, જેને આપણે દર્દી કે ભોગ બનનાર પાત્ર તરીકે ઓળખીશું; અને, બીજી તબીબ કે ઉપચાર કરનાર એમ સમજીશું. પ્રથમ તબક્કે હતાશાનો ભોગ બનનાર પોતે જ પોતાની વર્તણુંકમાં થતા જતા ફેરફારથી અને પોતાની માનસિક સ્થિતિથી વાકેફ થઈ જતો હોય છે. હવે આ તબક્કાના અનુસંધાને તરત જ પોતે સ્વસ્થ થઈ જવા માટેનો ઈરાદો સેવે છે. મારા ભલા વાંચકો હવે સમજી શકશે કે એક સાથે બેવડી ભૂમિકા કેવી રીતે ભજવી શકાય. આ પ્રક્રિયા કઠિન એટલા માટે છે કે ચલચિત્રો કે નાટકોમાં કેટલીક વાર પાત્રો બેવડી કે તેથી વધારે પ્રકારની ભૂમિકાઓ એકસાથે ભજવે છે તેવું આ સરળ કામ નથી. અહીં મગજના બે ચુસ્ત હિસ્સા પાડવા એ મુશ્કેલ છે કે જ્યાં એકમાં સમસ્યાની અનુભૂતિ થતી હોય અને બીજા વડે આપણે પોતાને જ માર્ગદર્શન આપવાનું વિચારવાનું હોય. આ બંને ભૂમિકાઓ સાથે જ ભજવવાની થતી હોઈ ઘણીવાર વિચારોમાં મિશ્રણ અને/અથવા વિરોધાભાસ અને/અથવા કોઈ એકની ગેરહાજરીના કારણે મુશ્કેલી સર્જાય છે. મારી આ વાતને સરળતાથી સમજાવવા એક રસપ્રદ ઉદાહરણ આપીશ કે જો આપણે પ્રકાશ વડે અંધારાને જોવા જઈએ તો અંધારું અદૃશ્ય થઈ જાય. અંધકાર અને પ્રકાશનું સહઅસ્તિત્વ શક્ય નથી, તેવું જ અહીં આંતરનિરીક્ષણ પદ્ધતિમાં બનતું હોય છે. જ્યારે સમસ્યાના ઈલાજનો વિચાર કરવામાં આવે, ત્યારે સમસ્યાની અસર ગાયબ થઈ જાય છે.

મારા વાંચકો મને માફ કરશે કેમ કે મેં વિષયના પૂર્વકથનમાં લાંબા સમય સુધી તમને રોકી રાખ્યા, પણ આ આર્ટિકલના ઉદ્દેશ સુધી પહોચવા પહેલાં પશ્ચાદભૂમિકા આપવી જરૂરી લાગતાં મારે તેમ કરવું પડ્યું છે. પણ, હવે હું સીધા જ તમને સમસ્યાના નિરાકરણના માર્ગ ઉપર દોરી જઈશ કે કેવી રીતે વ્યક્તિ પોતે જ સ્વપ્રયત્ને બાહ્ય મદદ વગર જ હતાશાના ચક્કરમાંથી બહાર આવવા માટે પોતાને જ સહાયભૂત થઈ શકે.

સર્વ પ્રથમ તો હતાશાપીડિત વ્યક્તિએ પોતાની માનસિક હાલત સુધારવા માટે પોતાની પ્રબળ ઈચ્છાશક્તિને જગાડવી પડશે. અલબત્ત, આ એક મુશ્કેલ કાર્ય છે કેમ કે અગાઉ દર્શાવ્યા મુજબ એક તરફ તો જે તે વ્યક્તિ પોતે પોતાની સમસ્યાથી પીડાતી હોય અને સાવ ભગ્ન હૃદયે તે કેવી રીતે પોતાની ઈચ્છાશક્તિને જગાડી શકે! હવે આ પહેલા જ તબક્કામાં બાહ્ય અને વ્યવહારુ એક એવી તરકીબ છે જે કદાચ પરિણામલક્ષી પુરવાર થાય. આપણને કદાચ હાસ્યાસ્પદ લાગે પણ ગંભીરતાપૂર્વક વિચારીશું તો એ જ રીત ઉત્તમ છે કે માણસ પોતાના હસમુખા ચહેરાવાળો ફોટોગ્રાફ પોતાના એક હાથમાં પકડી રાખીને અરીસા સામે ઊભો રહે અને પોતાના પ્રત્યક્ષ પ્રતિબિંબીત ચહેરા સાથે ફોટોગ્રાફવાળા ચહેરાને સરખાવે. જો ફોટોગ્રાફ અપ્રાપ્ય હોય તો માત્ર અરીસા સામે પોતાના ચહેરાને ધ્યાનપૂર્વક નિરખવાની કોશીશ કરે. અરીસો કદીય જૂઠું બોલે નહિ અને પરિણામે પોતાના હતાશા વડે અંકિત એવા ફિક્કા પડી ગએલા અને અનાથ બાળકના ચહેરા જેવા લાગતા પોતાના ચહેરાને જોઈને પોતે શરમ અનુભવવા માંડશે. આ તરકીબથી હવે પછી શરૂ કરવામાં આવનારી પ્રક્રિયાને વેગ મળશે. હવે પીડિતે હકારાત્મક વિચારો લાવીને પોતાના અંતરાત્માને શાબ્દિક રીતે અથવા મનોમન સંબોધતાં હોય તે રીતે કેટલીક દલીલો કે સંકેતો વડે નીચે નમૂનારૂપ સૂચવેલા જેવી આજ્ઞાઓ કે સૂચનો કરવાં જોઈએ.

(૧) તારે કોઈપણ રીતે નિરાશાના અંધકારમાંથી બહાર આવવાનું જ છે. (૨) તારે પરિસ્થિતિ સામે ઘૂંટણ ટેકવી દેવાના નથી કે તારે તારી જાતને હતાશાની ગર્તામાં ડુબાડી દેવાની નથી; પણ તારે તારામાં હિંમત જગાડીને પરિસ્થિતિનો સામનો કરવાનો છે. (૩) એની એ જ પરિસ્થિતિ લાંબો સમય રહેવાની નથી અને સ્વપ્નભંગની જેમ તે વિખરાઈ જવાની છે. (૪) નિરાશાનાં વાદળ વિખરાઈ જશે અને જે રીતે આકાશ ચોખ્ખું થઈ જાય તેમ તારું જીવન પણ ચોખ્ખું થઈને જ રહેશે. (૫) આ તારી ક્ષુલ્લક માનસિક બીમારી છે અને તેમાંથી તું બહાર આવી જ જઈશ. (૬) તારે સઘળી ચિંતાઓ ફેંકી દેવાની છે અને તારે લાગણીભંગની સ્થિતિમાંથી બહાર નીકળવાનું છે. (૭) તારી વર્તમાન સ્થિતિ સૂર્યોદય પહેલાંના અંધકાર જેવી જ છે. (૮) પ્રકાશ તરફ પીઠ ફેરવવી અને અંધકાર સામે મોઢું રાખીને જોયા કરવું તે તો મૂર્ખ માણસનું જ કામ છે. (૯) શાબાશ થઈ જા અને કોઈ શાણો માણસ આવા સંજોગોમાં કદીય મર્યો નથી. (૧૦) આવી પરિસ્થિતિમાંથી પસાર થનારો દુનિયામાં એક માત્ર તું જ નથી. (૧૧) તારા જેવા કેટલાયે માણસોએ આવી સમસ્યાઓ હલ કરી છે અને તું કેમ એવું કરી શકે નહિ. (૧૨) તારાં ઘણાં પરિબળો એવાઓના કરતાં વધુ અનુકૂળ છે અને એ માટે ઈશ્વર (અલ્લાહ)નો આભાર માન. (૧૩) તું તારા પોતાના જીવનનો એકલો જ સંપૂર્ણ માલિક નથી, પણ તારાં કુટુંબીજનો અને બાહ્ય કેટલાય માણસોનો તારી જિંદગી ઉપર તેટલો જ અધિકાર છે. (૧૪) તેમને તેમના ભાગ્ય ઉપર છોડી દેવાનો તને કોઈ જ અધિકાર નથી કેમકે તારા સાથે જે કંઈ બન્યું છે તે માટે તે લોકો જરાય જવાબદાર નથી. (૧૫) બહાદુર બની જા અને યુદ્ધના મેદાનમાં લડતા સૈનિકની જેમ તારી હતાશા સામે ઝઝૂમ.

ઉપર દર્શાવ્યા મુજબના જાત સાથેના સંઘર્ષ ઉપરાંતનાં કેટલાંક વિશેષ સૂચનો નીચે મુજબ છે કે જે થકી પોતાના મનને અન્યત્ર વાળી શકાય અને વિચારોની માળાના અંકોડાઓને વિખૂટા પાડી શકાય. આ સૂચનો કંઈક આ અને અન્ય એના જેવાં પણ વિચારી શકાય. ઉદાહરણ તરીકે :- (૧) કુદરતી વાતાવરણમાં ફરવા જવું કે બાગબગીચાની મુલાકાત લેવી. (૨) બાળકો સાથે હળવુંમળવું. (૩) પાલતુ પ્રાણીઓ સાથે સમય પસાર કરવો. (૪) બાગાયતકામ કરવું. (૫) દવાખાનાની મુલાકાત લેવી. (૬) ધ્યાન ધરવું કે પોતાના ધાર્મિક સ્થળની મુલાકાત લેવી. (૭) જીવનસાથી કે મિત્રોને પોતાની હતાશામાં સહભાગીદાર બનાવવા. (૮) પોતાના કબાટને, કામ કરવામાં આવતા ટેબલને કે ઘરના ફર્નિચરને વ્યવસ્થિત કરવું. (૯) જાહેરમાં નહિ, પણ એકાંતમાં મોટેથી રડવું કે હસવું. (૧૦) પોતાને ગમતા માધ્યમથી મનોરંજન કરવું. (૧૧) સમાચારપત્ર કે સામયિકનું વાંચન કરવું અથવા લાયબ્રેરીની મુલાકાત લેવી. (૧૨) ઊંડા શ્વાસ લેવા કે કસરત કરવી.

મારા લેખનું સમાપન કરવા પહેલાં, હું એ સ્પષ્ટ કરવા માગું છું કે હતાશાના ગંભીર કિસ્સાઓમાં ભોગ બનનાર પોતે કે તેની સારસંભાળ લેનારાઓએ નિષ્ણાતોની મદદ લેતાં અચકાવું જોઈએ નહિ અને એ પણ સમયસર કે જેથી અનિચ્છનીય પરિણામને નિવારી શકાય. આપણે એ યાદ રાખવું જોઈએ કે આવતી કાલ એ હજુય આવનારો બીજો દિવસ છે. હતાશાને પોતાના મિજાજના એક ભાગરૂપ ગણવી જોઈએ અને મિજાજ એ બીજું કંઈ નહિ માત્ર મનની સ્થિતિ જ છે. પોતાની જાતને સહાયરૂપ થવાનો પ્રયત્ન એ ચોક્કસપણે પરિણામલક્ષી છે; એ શરતે કે તેને કુશળતાપૂર્વક પ્રયોજવામાં આવે.

મારા લેખને અહીં સોક્રેટીસના એક અવતરણથી સમાપ્ત કરું છું, જેમાં તેઓ લખે છે કે ‘યાદ રાખો કે માનવજીવનની બાબતોમાં કશું જ સ્થિર હોતું નથી; માટે સુખ કે આબાદીના સમયમાં મિથ્યા મગરૂર થવાનું ટાળો અને દુ:ખ કે વિપરિત સંજોગોમાં વધુ પડતા હતાશ ન થાઓ.’

મારા મિત્રો, અત્રેથી રજા લઉં છું.

વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version titled as “Depression” published on October 10, 2007.

 
 

Tags: , , , , ,

3 responses to “હતાશા કે ઉત્સાહભંગ

 1. Rekha sindhal

  July 2, 2010 at 5:59 pm

  બહુ સુઁદર અને ઉપયોગેી થાય તેવો લેખ મૂકવા બદલ ધન્યવાદ !

  Like

   
 2. pragnaju

  July 8, 2010 at 4:32 pm

  સુંદર માહિતી
  અમારી ૪૦ ઊપરાંત વર્ષોની પ્રવૃતિવાળી જીંદગી છોડી અમેરિકા આવ્યા.શરુઆતમા ટોરોન્ટો-કેનેડા રોકાવવાનુ થયુ. કાંઈક અસ્વસ્થતા લાગી.મૅડીકલ ચેક કરાવ્યું.બધું બરાબર છે પણ એક દવા લેવાનું સૂચન કર્યું તે સીરોઝોન ! અમેરિકા આવી લાયબ્રેરીમાંથી પુસ્તકો લાવી અભ્યાસે લાગી ગયા.(ત્યારે કોમ્પુટર-ગુગ્ગલ જ્ઞાન ન હતું) તેમા બતાવેલ દવા વગરના ઉપાયો વાંચવાની મઝા આવી.૧૯૯૪મા નેહાના અવસાન બાદ અમદાવાદમા ડો રમેશ કાપડીઆનો કાર્યક્રમ અનુકૂળ રહ્યો હતો તે શરુ કર્યો. સાથે સાથે જે પણ વિચાર આવે તે લખવા માંડ્યું.મઠાર્યા વગર જ મોકલ્યું.સ્નેહીઓએ સહન કર્યું.પછી તો ઈ-મૅઈલમા પ્રશ્નોતરી સ્વરુપે લખવા માંડ્યું.બાદમા તો બ્લોગો આવ્યા.પ્રતિભાવમા લખવા માંડ્યું.શું લખવું તેનો વિચાર વગર લેપટોપ ખોલવું અને સહજ ભાવે લખવું. કુટુંબીજનો તેને પાગલપન કહે છે…મને તે રાસ આવી ગયું છેં.
  આદરણિય ડો.રાજેન્દ્રભાઈ મને M.D.માનતા હતા!મેં લખ્યું હું તો MAD છું…પણ જે સાઈકીઆટ્રીસ્ટ (માનસિક રોગ નિષ્ણાત)દવા લખી આપે અને બીજા દવા વગરના ઉપાયો નથી કહેતા અથવા તેની અગત્યતા નથી તે રીતે કહે છે તે હું મારા અનુભવો સાથે ભાર દઈને કહું છું.

  Like

   
 3. સુરેશ જાની

  July 8, 2010 at 5:54 pm

  બહુ જ ઉપયોગી વાત કહી.
  આ અરીસા પ્રયોગ અમને લેન્ડમાર્ક ફોરમમાં પણ કરાવતા હતા.
  ———
  હળવા મુડમાં

  અમારી બા અમને અરીસા સામે જોયા કરવાથી વારતી અને કહેતી કે. ” અરીસા સામે જોયા કરીએ તો ગાંડા થઈ જવાય.”
  હવે વલીદા એમ કે’છે કે, ” ગાંડા ડાહ્યા થઈ જાય ! “

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: