RSS

આત્મા – સંક્ષિપ્ત અભ્યાસ

05 Jan

Click here to read in English
મારા કેટલાક વાંચકોએ મારો અગાઉનો આર્ટિકલ “Inspired Knowledge (Intuition)” અર્થાત્ “સહજ જ્ઞાન” વાંચીને વિવિધ રીતે મારો સંપર્ક સાધ્યો હતો અને આગ્રહ સેવ્યો હતો કે હું એ જ વિષય ઉપર આધ્યાત્મિક કે તત્વજ્ઞાન આધરિત કંઈક વિશેષ લખું. મારા કોલેજ કાળના એક મિત્ર પ્રોફેસર વિનાયક રાવલ પણ મારી ઉપરોક્ત કૃતિના પ્રતિભાવ વખતે એ જ મતના હતા. ‘સહજ જ્ઞાન’ એ કેટલાક આધ્યાત્મિક મુદ્દાઓની સહજ છણાવટ કરતી વિશિષ્ટ શૈલીમાં લખાએલી કૃતિ છે, જેને લલિત નિબંધ કે નવલિકા કહી શકાય.; પરંતુ અહીં હું ‘આત્મા’ વિષેનો મારો સામાન્ય અભ્યાસ બહુ જ સંક્ષિપ્તમાં નિબંધ રૂપે રજૂ કરું છું. અલબત્ત, ‘આત્મા’ જેવા ગહન વિષયને ગાગરમાં સાગર સમાવવા જેવી અઘરી છતાં નમ્ર અહીં મારી કોશીશ રહેશે.

માનવજીવનનું પરમ આધ્યાત્મિક લક્ષ હોય છે કે ઈશ્વરને ઓળખવો. રવિન્દ્રનાથ ટાગોર લખે છે કે ‘માણસનું અંતિમ ધ્યેય એ જ છે કે તે એક ઈશ્વરને ઓળખે, જે તેની ભીતર જ છે, તે જ સત્ય છે, તે જ તેના આત્મામાં વસે છે અને તે જ આત્મા આધ્યાત્મિક જીવન અને પ્રભુના રાજ્યનાં દ્વાર ખોલવાની ચાવી સમાન છે.’ હજરત ઈમામ અલી ઈબ્ને અબુતાલીબ (અ.સ.)એ પણ એ જ ફરમાવ્યું છે કે, ‘જેણે પોતાના આત્માને ઓળખ્યો, તેણે અલ્લાહ (ઈશ્વર)ને ઓળખ્યો.’ માનવીએ વિવિધ પ્રકારનાં વિજ્ઞાનોમાં પુષ્કળ જ્ઞાન મેળવીને ઘણું બધું સિદ્ધ કર્યું છે, પણ પરમાત્મા, આત્મા, બ્રહ્માંડ, જીવન, મૃત્યુ વગેરે જેવા વિષયોના તાત્વિક રીતે સર્વસંમત એવા અફર નિષ્કર્ષ ઉપર આવી શકાયું નથી. અહીં ઉલ્લેખાએલા જુદા જુદા વિષયો પૈકી માનવીની બુદ્ધિ કે વિચારશક્તિની મર્યાદાઓ હોવાના કારણે ઈશ્વરને પૂર્ણ કે અપૂર્ણ રીતે પણ જાણવો કે સમજવો એ ભગીરથ કાર્ય છે. કોઈકે કહ્યું છે કે, ‘બ્રહ્માંડના નિશ્ચિત અને વિસ્મયકારક વ્યવસ્થાતંત્રને અવલોકીને, હે ઈશ્વર, તને જાણવા અને સમજવામાં મારી વિચારશક્તિ કમજોર પડે છે, ગોથાં ખાય છે. જ્યાં માંરી બુદ્ધિ અણુંના માપ જેટલું પણ અંતર કાપીને તારી નજીક આવવા મથે છે, ત્યાં તો તું માઈલો દૂર ચાલ્યો જાય છે.’ કોઈક ગુજરાતી કવિએ પણ કહ્યું છે કે, ‘માણસે વરાળ અને વીજળીને નાથ્યાં, પણ તેના મનને તે નાથી શક્યો નથી; તે ગ્રહોને પણ આંબી શક્યો, પરંતુ તેના અંતરથી તો તે અજાણ જ રહ્યો છે.’ ખલિલ જિબ્રાનનું આ જ મતલબનું વિધાન નોંધનીય છે કે, ‘એમ કહો નહિ કે મને નિશ્ચિત કે પૂર્ણ સત્ય (the truth)) લાધ્યું છે; અલબત્ત, એમ કહો કે મેં સત્યનો માત્ર એક અંશ(a truth) જ જાણ્યો છે.’

મારી પ્રસ્તાવના અહીં પૂરી થાય છે અને આજના મારા વિષય ‘આત્મા’ ઉપર આગળ વધું છું. ઘણા વિદ્વાનો અને ધર્મોના મતે આત્મા વિષેની પાયાની માન્યતા એ છે કે આત્મા એ ઈશ્વરનું સર્જન અર્થાત્ કૃતિ છે. સર્જન હંમેશાં સર્જક ઉપર અવલંબિત હોય છે. અહીં હું આપણા વિષયમાં આગળ વધવા પહેલાં મારા જ વિચારોથી પ્રેરિત એવું એક ઉદાહરણ આપીશ. ઉદાહરણ છે કોઈ એક લાકડાની ખુરશીનું કે જે સર્જન છે, જ્યારે સુથાર તેનો સર્જક છે. જો કે સુથારને સર્જક કહેવા કરતાં ખુરશીનો બનાવનાર કે તેનો કારીગર કહીએ એ જ વધારે શ્રેષ્ઠ રહેશે. ખુરશી સુથારની કારીગરીના લીધે તેના અસ્તિત્વ કે આકારમાં આવી. તેણે ખુરશીની ડિઝાઈન વિચારી કાઢી અને લાકડાને ઉપયોગમાં લઈને તેને ખુરશીનો આકાર કે ઘાટ આપ્યો. આ એક સહજ માત્ર ઉદાહરણ જ છે, બાકી કોઈપણ સંજોગોમાં સુથાર એ પરમાત્મા કે ખુરશી એ આત્મા બની શકે નહિ. આ ચારેય ઉપમેય અને ઉપમાનના શબ્દો પોતપોતાના જોડકામાં તદ્દન ભિન્ન છે.

હવે આપણે ઉદાહરણોમાં થોડાક ઊંડા ઊતરીએ. ખુરશી સુથાર ઉપર અવલંબિત છે. તે લાકડાના પદાર્થમાંથી અને સુથારની કારીગરીથી અસ્તિત્વમાં આવી. બ્રહ્માંડનો રચયિતા અનંત અને શાશ્વત કાળથી અસ્તિત્વમાં છે અને તેના સિવાયનું બાકીનું સઘળું તેના કાર્ય રૂપે બિનઅસ્તિત્વમાંથી અસ્તિત્વમાં આવ્યું. આમ આપણે આપણા વૈચારિક માનસપટ ઉપર એક તરફ સર્વશક્તિમાન એકમાત્ર એવા ઈશ્વરને સમજીએ તો બીજી તરફ બ્રહ્માંડમાંનું સઘળું દૃશ્ય કે અદૃશ્ય જે કંઈ છે તેને સમજવું પડે. બસ, આ બંનેને અનુક્રમે સર્જનહાર અને સર્જન તરીકે ઓળખી શકાય. આત્મા એ પણ તેનાં સર્જનોના ભાગરૂપ એક સર્જન જ હોઈ તેનો સમાવેશ પણ સર્જનોમાં જ થઈ જાય છે. આત્મા સુદ્ધાંની દરેક શય (ચીજ) તેના અને માત્ર તેના તરફથી જ છે. સુથારે ખુરશીને લાકડાના જડ પદાર્થમાંથી બનાવી, પણ ઈશ્વરે આત્માઓનું સર્જન આવા કોઈ સ્થૂળ પદાર્થ વગર જ કર્યું છે.

આપણે આપણી પૂર્વધારણાઓને બે સંભાવનાઓ કે શક્યતાઓમાં વહેંચીએ કે ઈશ્વરે આત્માઓનું સર્જન કેવી રીતે કર્યું હશે. (૧) આત્માનું સર્જન ઈશ્વરના હૂકમ કે આજ્ઞા અથવા તેની સત્તાને આધીન થયું હોવું જોઈએ. અહીં આપણે એ અર્થમાં સમજવાનું નથી કે આપણે જેમ કંઈક બોલવા માટે શબ્દોનો સહારો લઈએ છીએ તેમ તેને હૂકમ કે આજ્ઞા કરવા માટે કંઈક બોલવું પડ્યું હોય! તેના માટે તો તેની ઈચ્છા થવી જ પૂરતી છે અને જે કંઈ બનાવવા કે થવા ઈચ્છે તે થઈને જ રહે છે. (૨) આત્માનું સર્જન તેના કાર્ય અર્થાત્ કામ કે ક્રિયાથી થયું હોય. અહીં પણ આપણે કોઈ કારીગરી કે પરિશ્રમ એવો અર્થ લેવાનો નથી, પણ સહજ રીતે એમ કહી શકાય કે આત્માનું સર્જન એ તેનું માત્ર કાર્ય છે, એક સર્જિત રચના છે અને ચોક્કસપણે તે (ઈશ્વરની પોતાની જેમ) સ્વયં અસ્તિત્વ ધરાવતું એટલે કે સ્વયંભૂ સર્જન તો નથી જ.

અહીં હું એ સ્પષ્ટ કરીશ કે આ લેખમાં ચર્ચવામાં આવતા વિષય ઉપરનાં કેટલાક ધર્મો અને ફિલસૂફીઓનાં મંતવ્યો અલગ અલગ અને સાવ વિરોધાભાસી પણ હોઈ શકે છે. કેટલાક આત્માને અમૂર્ત કે સૂક્ષ્મ સ્વરૂપમાં ગણે છે, તો કોઈ વળી તેને સંભવિત સ્થૂળ કે મૂર્ત રૂપ હોવાનું કહે છે. ડો. મેકડોગલ (MacDougall) નામના એક સંશોધકે તો વૈજ્ઞાનિક રીતે મૃત્યુ પામતા માણસો ઉપર પ્રયોગો કરીને એ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે આત્માને પોણો ઔંસ કે ૨૧.૩ ગ્રામ જેટલું વજન પણ છે. આત્માને ભૌતિક આકાર અને તેને વજન પણ હોવાની થિયરીને ઘણા બધા ધાર્મિક કે આધ્યાત્મિક લોકો માત્ર જ નહી, પરંતુ વૈજ્ઞાનિકોએ પણ રદબાતલ ઠેરવી છે. આ સંદર્ભે ભલે ગમે તે ભિન્નભિન્ન મત કે મતાંતરો હોય, પણ એ રસપ્રદ વાત છે કે કેટલાંય સૈકાંઓ કે સહસ્ત્રાબ્દિઓથી માનવી આવાં બધાં તત્વજ્ઞાનીય રહસ્યો જાણવા માટેની કોશીશ કરતો રહ્યો છે.

હવે આપણે વિષયના મુખ્ય ચીલા ઉપર આવીએ છીએ. મેં મારા ‘Inspired knowledge (Intuition) અર્થાત્ ‘સહજ જ્ઞાન’ આર્ટિકલની પ્રસ્તાવનામાં એક સમીકરણથી સમજાવ્યું હતું કે માનવીનું અસ્તિત્વ દેહ અને આત્માના સંયોજન રૂપે જ છે. હવે નીચે આપણે દેહ અને આત્માનાં કાર્યો વિષે વિગતે જાણવાનો પ્રયત્ન કરીશું.

સર્વ પ્રથમ આપણે શરીર ઉપરની ચર્ચા હાથ ધરીએ. શરીરના ગુણધર્મ કે લાક્ષણિકતાઓમાં મુખ્યત્વે છે; વૃદ્ધિ અને ક્ષય. શરીરને ખોરાક જોઈએ અને તે પેટમાં ગયા પછી જે મુખ્ય પ્રક્રિયા થાય છે તેમાં ખોરાકનું પાચન થવા ઉપરાંત નકામા કચરાનો પેશાબ, મળ, પરસેવો અને વાયુપસાર દ્વારા નિકાલ થાય છે. ખોરાકનું લોહીમાં રૂપાંતર થાય છે જેનું નસો દ્વારા આખા શરીરમાં પરિભ્રમણ થતું હોય છે. વધારે વિગતમાં ઊંડા ન ઊતરતાં એટલું જ કહી શકાય કે શરીર મૃત્યુ આવવા સુધી ચેતનાની સ્થિતિમાં રહેતું હોય છે. શરીર એ આત્માનું ઘર છે અને જ્યારે તે પડી જાય છે ત્યારે આત્મા તેને તરત જ છોડી દે છે. કોઈકે કાવ્યમય ઢબે કહ્યું છે, “આત્માએ ચાલી નીકળવાનો ઈરાદો કર્યો. મેં કહ્યું, ‘જઈશ નહિ.’ તેણે જવાબ વાળ્યો, ‘હું શું કરું? ઘર પડી રહ્યું છે!'” અહીં દેહ છોડ્યા પછી આત્મા ક્યાં જાય છે તે આપણો વિષય નથી અને ઈશ્વરેચ્છા હશે તો ભવિષ્યે કદાચ તેની સ્વતંત્ર રીતે ચર્ચા કરીશું.

શરીર વિષેની ચર્ચા હજુ ચાલુ છે. આપણે વિહંગાવલોકન દ્વારા શરીરના આંતરિક અવયવો વડે થતી આંતરિક ક્રિયાઓ સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે શરીરના એક એવા આંતરિક અવયવને સંક્ષિપ્તમાં સમજીશું જેને શરીરવિજ્ઞાનમાં મગજ તરીકે ઓળખવામાં આવે છે. આધ્યાત્મજ્ઞાનની પરિભાષામાં તેને મન કહેવામાં આવે છે. આપણું મગજ (મન) આપણા આત્માના સહાયક અને શરીરના માલિક તરીકે કામ કરે છે. હવે આ સહાયક કાં તો આત્માના મિત્ર જેવા ફરિસ્તાનું અથવા દુશ્મન જેવા શયતાનનું કામ કરી શકે છે. આગળ વધુ સ્પષ્ટ કરીએ તો એમ કહી શકાય કે આ મગજ કે મનના નિયંત્રણ હેઠળ અન્ય પાંચ સેવકો કામ કરતા હોય છે જેમને આંખ, કાન, નાક, જીભ અને આંગળાંનાં ટેરવાં કહેવાય. આ સેવકો દ્વારા અનુક્રમે દૃષ્ટિ, શ્રવણ, ગંધ, સ્વાદ અને સ્પર્શની અનુભૂતિ કરી શકાય છે. હવે મગજ કે મન જ્યારે આ પાંચેય પ્રકારના સંવેગોને અનુભવે ત્યારે એમ કહી શકાય કે તે ચેતના અથવા જીવંતતાની સ્થિતિમાં છે; અન્યથા તેને મૃત જાણવું પડે. આમ આગળ જતાં, મગજ કે મનની મુખ્ય લાક્ષણિકતાઓ કે કાર્યો બે વિભાગે વહેંચાય છે; પ્રેમ કે તિરસ્કાર. મારા બુદ્ધિશાળી વાંચકો, હવે તમે સમજી શકશો કે પ્રેમ અને તિરસ્કારની આ લાગણીઓ કે સંવેગો કેવી રીતે આપણને સારાં કે નરસાં કાર્યો તરફ દોરી જાય છે.

હવે મગજના મુદ્દે હજુ આગળ વધીએ તો જણાશે કે વિચાર, સ્મૃતિ અને જ્ઞાનપ્રાપ્તિ એ તેનાં ખૂબ જ અગત્યનાં કાર્યો છે. મગજની આ ત્રણ પ્રકારની કાર્યક્ષમતા પછી વળી પાછાં બીજાં બે પરિણામો નીપજતાં હોય છે અને જે છે ધૈર્ય અને ગૌરવ. મગજના અંતિમ પરિપાકરૂપ ઊભરતા આત્માના આ બે સકારાત્મક ગુણો તેને હજુ વધુ આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જવા પ્રેરક બળ પૂરું પાડે છે, જેને આત્માની દિવ્યતા તરીકે ઓળખવામાં આવે છે. આને પરમ શાંત કે સ્વસ્થ આત્મા પણ કહેવાય છે, જે તેની પૂર્ણતાનું ઉચ્ચતમ ચરણ છે. આ પૂર્ણતાને સત્કાર્યો દ્વારા જ પ્રાપ્ત કરી શકાય. રાજા સોલોમન (King Solomon)એ કહ્યું છે કે ‘જ્યારે તમે દયાળુ હો ત્યારે તમારા આત્માને પોષણ મળતું હોય છે; પણ, જ્યારે તમે ઘાતકી બનો, ત્યારે તમારો આત્મા નાશ પામતો હોય છે.’ સંત તુલસીદાસે પણ એક પદ્ય કંડિકામાં કહ્યું છે કે, ‘દયા એ ધર્મનું મૂળ છે.’

હજુ આત્મા વિષેના ચિંતનને આગળ વધારીએ તો આ દિવ્ય આત્મા પોતાની પાંચ પ્રકારની શક્તિઓ ઉપર પ્રભુત્વ મેળવી શકે છે જે છે; (૧) સદાચારમાં જ અમરત્વભાવ (૨) વિપરિત પરિસ્થિતિમાં પણ સંપૂર્ણાનંદની અનુભૂતિ (૩) માનહાનિમાં પણ સન્માન અનુભવવું (૪) સમૃદ્ધિમાં દારિદ્ર્યભાવ ધારણ કરવો (૫) વિપત્તિઓમાં ધૈર્ય જાળવવું. આ ગુણો થકી આત્મા પોતાના ઈમાન કે શ્રદ્ધાની એવી અમૂલ્ય પરાકાષ્ઠાએ પહોંચે છે કે તે ઈશ્વરેચ્છાને જ સ્વીકારે છે અને તેની આગળ પોતાની જાતને સમર્પી દે છે. આ દિવ્ય આત્મા દુન્યવી તૃષ્ણાઓ ઉપર વિજય મેળવે છે અને માત્ર એટલું જ નહિ તે સ્વર્ગપ્રાપ્તિની લાલચથી પણ દૂર રહે છે. તે સ્વર્ગના આકર્ષણથી કે નર્કના ભયથી મુક્ત બની જાય છે. આ દિવ્ય આત્માના મતે સ્વર્ગ અને નર્ક એ પણ ઈશ્વરનાં સર્જન છે. તેને સર્જનોમાં નહિ, પણ સર્જકમાં જ રસ છે. તેનું પરમ લક્ષ હોય છે; ઈશ્વરની નિકટતા પ્રાપ્ત કરવી, તેની કૃપા મેળવવી.

માનવી દ્વરા સંશોધિત અને સંવર્ધિત આત્મા વિષેની વિચારધારાઓ અનેક છે. ધર્મો પણ અનેક હોવા છતાં સારાં અને નઠારાં કાર્યોમાં ભેદ પારખવામાં સઘળા એક્મત છે. બધા જ ધર્મોના મૂળભૂત સિદ્ધાંતો સમાન છે. આવા સર્વસામાન્ય સિદ્ધાંતો વડે વિચાર અને વ્યવહારની એક નવીન વિચારધારા પણ જન્મ કે આકાર લઈ શકે કે જેને ‘માનવતા’ કે ‘માનવધર્મ’ શબ્દોથી ઓળખાવી શકાય. આનો મુદ્રાલેખ ‘જીવો અને જીવવા દો’ (Live and Let Live) રાખી શકાય. કોઈપણ ધર્મના સહૃદયી અનુયાયીઓ ‘આત્મસુધારણા’ના મતને સ્વીકારતા જ હોય છે. આત્મસુધારણા પછીનું સોપાન છે : અન્યોને ભલાઈ કે નેકીનાં કાર્યો તરફ નિમંત્રવા અને બુરાઈ કે બદીથી દૂર રહેવા માટે સમજાવવા. પયગંબરે ઈસ્લામ હજરત મહંમદ (સ.અ.વ.) પોતાની એક હદીસ (શ્રુતિ)માં ફરમાવે છે કે ‘અનિષ્ટને ઈષ્ટથી જીતવું એ ઈષ્ટ છે; અનિષ્ટનો અનિષ્ટથી મુકાબલો કરવો તે અનિષ્ટ છે.’ આત્માનું ઉર્ધ્વીકરણ ચારિત્ર્યના ઉર્ધ્વીકરણ ઉપર જ અવલંબિત છે.

હાલમાં આપણે વૈશ્વિક અર્થતંત્ર અને વૈશ્વિક ઉદારીકરણની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ચાલો આપણે વિશ્વશાંતિની પ્રસ્થાપના માટે ‘માનવતા’ની આ ઝૂંબેશનું વૈશ્વિકરણ કરીએ. વ્યક્તિઓના આત્માઓથી રાષ્ટ્રનો આત્મા બને અને રાષ્ટ્રોના આત્માઓથી વિશ્વનો આત્મા બને. વિશ્વને ભવ્ય બનાવવા માટે વ્યક્તિઓએ પોતાના આત્માઓને પ્રગતિ અને પૂર્ણતાના માર્ગે આગળ ધપાવવા પડશે.

સમાપન પૂર્વે હું નિખાલસ ભાવે દર્શાવું છું કે મારો આ લેખ મારા પોતાના કેટલાક વિચારો, કંઈક અંશે મારું સહજ જ્ઞાન, ભૂતકાળના આ વિષય ઉપરના મારા વાંચનનાં સંસ્મરણો અને ખાસ તો મેં તાજેતરમાં વાંચેલી પુસ્તિકા ‘અગોચર વિશ્વ પ્રતિ સફર’ (Journey to the unseen world)નો મારા ઉપર પડેલો પ્રભાવ વગેરેના સહિયારા પરિપાક રૂપે લખાયો છે.

આપણે ઈશ્વરને પ્રાર્થીએ કે વિવિધ સ્વભાવો, રાષ્ટ્રો, જાતિઓ અને વંશો ધરાવતી સકળ વિશ્વની માનવપ્રજા એકતાના સૂત્રથી બંધાઈને વિશ્વબંધુત્વની ઉદ્દાત્ત ભાવના પ્રત્યે કટિબદ્ધ થાય.

ધન્યવાદ,

વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version titled as “Soul – A brief study” published on August 03, 2007.

Advertisements
 

Tags: , , , , , , , , , ,

2 responses to “આત્મા – સંક્ષિપ્ત અભ્યાસ

 1. સુરેશ જાની

  July 18, 2010 at 4:25 am

  બહુ જ ઊંડાણથી તમે આ વિષયને છેડ્યો છે. ઝાંઝવું લખીને થયેલા આત્મસંતોષની લ્હેરખીમાં આ લેખે અત્તર છાંટી સુગંધ ફેલાવી દીધી.
  આભાર.

  Like

   
 2. Rajendra M.Trivedi, M.D.

  July 19, 2010 at 11:06 am

  પ્રિય વલીભાઈ,

  તમારી લખવાની શૈલી,
  વિચારો બહુ જ ઊંડાણથી છે.
  હ્રુદયની ગહેરાઈ અનુભવાય છે.

  રાજેન્દ્ર ત્રિવેદી
  http://www.bpaindia.org

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
ગુજરાતી રસધારા

રસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની ! © gopal khetani - 2016-18

ગુર્જરિકા

અમેરિકામાં ધબકતું ગુજરાત

વેબગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ

કાન્તિ ભટ્ટની કલમે

મહેન્દ્ર ઠાકરની અભિવ્યક્તિ

word and silence

Poetry, History, Mythology

Quill & Parchment

I Solemnly Swear I Am Up To No Good

માતૃભાષા

कामधेनुगुणा विद्या ह्यकाले फलदायिनी । प्रवासे मातृसदृशी विद्या गुप्तं धनं स्मृतम् ॥

Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

Success Inspirers' World

~ Inspiration and Opportunities for all ~

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

vijay joshi - word hunter

The Word Hunter -My English Haiku and Notes on my favourite Non-Fiction Books

લાગણીઓ નું લાક્ષાગૃહ

'રાજી' રાજુ કોટક

sneha patel - akshitarak

gujarati column writer-author and poet

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દ સાધના પરિવાર

'યાર,મારું ગામ પણ આખું ગઝલનું ધામ છે.'-'અમર'પાલનપુરી

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

%d bloggers like this: