RSS

આત્માનું પોષણ

10 Jan

Click here to read in English
મારા ‘આત્મા – સંક્ષિપ્ત અભ્યાસ” આર્ટિકલમાં આપણે ચર્ચા કરી હતી કે માનવ જીવન શરીર અને આત્માના સમન્વયથી બનેલું છે. આત્મા એ વિધાતાનું કોઈ પદાર્થ વગર કરવામાં આવેલું સર્જન છે. વળી આ સર્જન તેની ઈચ્છા કે આજ્ઞાનુસાર કે પછી તેના એક કાર્યના ભાગરૂપે થએલ છે. મારા વાંચકો ઉપરોક્ત તારણોના પુનરાવર્તન બદલ મને માફ કરે કેમ કે તેઓ કદાચ એમ વિચારતા હશે કે આ તો એની એ જ ઘસાઈ ગએલી રેકર્ડ વગાડવામાં આવી રહી છે; પણ આજના વિષયની આગળ ચર્ચા સાથે તેને સાંકળી લેવું મને જરૂરી લાગ્યું છે.

ઈશ્વરે આત્માઓનું સર્જન કેટલાક ઉદ્દેશોથી કર્યું છે અને માનવજાત તેમને સિદ્ધ કરી બતાવે તેવી પણ તેણે અપેક્ષા રાખેલી છે. પરંતુ અહી આપણે એ ઉદ્દેશોને બાજુએ રાખીશું, કેમ કે તે એક સ્વતંત્ર વિષય છે અને વળી અહીં સંબંધિત પણ નથી. આપણને એ યાદ રહે કે આત્માને શરીર આપવામાં આવ્યું છે કે જેથી તે તેમાં વસવાટ કરી શકે અને પોતાના ઉદ્દેશો સિદ્ધ કરી શકે. કુશળ ઘોડેસ્વારી ત્યારે જ શક્ય બની શકે, જ્યારે કે ઘોડો અને ઘોડેસ્વાર બંને કાર્યક્ષમ હોય. કોઈ એકની કાર્યક્ષમતા અપેક્ષિત પરિણામ ન લાવી શકે. બસ, તે જ રીતે આત્મા એ સવારી કરનાર (સવાર) અને શરીર એ ઘોડા સમાન છે. સારાંશ એ છે કે આત્મા અને શરીર એ બંનેએ તંદુરસ્ત રહેવું જ પડે. એમ કહેવાયું છે કે ‘બીમારીનો ઈલાજ કરવા કરતાં તેને અટકાવી દેવી વધારે ઉત્તમ છે.’ તો હવે, આપણે પાયાનાં એ કારણોને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે શરીર અને આત્માને કમજોર કે બીમાર બનાવે છે.

શરીર અને આત્માને પોષણ અને આરોગ્યની કાળજીની જરૂર પડતી હોય છે. જૈવિક વિજ્ઞાનો અને આધ્યાત્મિક ફિલસુફીઓએ ‘સમતુલન’ અને ‘અસમતુલન’ એવા બે શબ્દોમાં જ આ વિષય ઉપરનાં નિષ્કર્ષાત્મક તારણો કાઢ્યાં છે. શરીર અને આત્મા એમ બંનેના લગતી બીમારીઓ કે સમસ્યાઓનાં મૂળભૂત કારણો આ થિયરી હેઠળ આવી જાય છે અને એક શબ્દમાં કહીએ તો ‘અસમતુલન’માંથી જ પરિણમે છે. થોડુંક પણ અસમતુલન શરીર અને આત્માને નાદુરસ્ત સ્થિતિમાં લાવી શકે છે. આ વાતને સમજવા માટે આપણે દોરડા ઉપર ચાલતા વ્યાયામવીરના ઉદાહરણને લઈએ. આ ખેલંદો દોરડા ઉપર ચાલતી વખતે પોતાનું સમતુલન જાળવી રાખે છે. જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો તે તરત જ જમીન ઉપર પડી જાય છે. શરીર અને આત્માના કિસ્સામાં પણ આમ બનતું હોય છે અને તે જ રીતે અસમતુલનના પરિણામે તેમનામાં અનિચ્છનીય અનારોગ્યની સ્થિતિ જન્મતી હોય છે.

શીર્ષકમાંના આત્માના વિષયની ચર્ચામાં આગળ વધવા આપણે શરીરને લગતી ચર્ચાને અહીં સ્થગિત કરીશું, કેમ કે તેને લગતું સંશોધકોનું વિશદ વિવરણ બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ છે. અહીં આપણે ‘આત્મા’ને લગતી ચર્ચાને જ કેન્દ્રસ્થાને રાખીને તેની બીમારી, પોષણ, કાળજી અને ઉપચાર અંગે આગળ વધીશું. આધ્યાત્મિક પોષણ એ જ આત્માનો આહાર છે. આ પોષણના મૂળ ઘટકમાં આવે ‘ઈશ્વરમાં શ્રદ્ધા’ અને ‘નૈતિક શિસ્ત’. જ્યારે આત્મા માનસિક અશાંતિ અને જટિલતાનો ભોગ બને છે, ત્યારે ઉપરોક્ત બે પરિબળો આત્માના અસમતુલનને સમતુલિત કરવા આપણી વહારે આવે છે.

ઈશ્વરમાં શ્રદ્ધા અને નૈતિક શિસ્તને બાહ્ય સ્રોતોમાંથી મેળવી ન શકાય, તેમને તો આપણા પોતાનામાં જ જગાડવાં પડે. વળી આ બંનેને જગાડવા માત્રથી જ કશું ન વળે, તેમને પ્રબળ ઈચ્છાશક્તિથી પૃથ્વી ઉપરના દરેક ધર્મમાં બતાવાએલા માર્ગો અને રીતો વડે મજ્બૂત બનાવવાં પડે. શારીરિક સ્વસ્થતા માટે જેમ વ્યાયામ જરૂરી છે, તેમ આત્માની સ્વસ્થતા માટે દરેક ધર્મમાં સર્વસામાન્ય એવાં માન્યતાઓ, આચરણો અને ક્રિયાઓનાં માર્ગદર્શનો હોય જ છે; જેવાં કે શ્રદ્ધા, ચારિત્ર્ય, પ્રાર્થના, ધ્યાન, આરાધના, તૃષ્ણાઓ ઉપર વિજય, જીવન અને તેના ઉદ્દેશો ઉપરનું ઊંડુ ચિંતન, ઈશ્વરદત્ત મૂલ્યવાન બૌદ્ધિક શક્તિનો ઉપયોગ વગેરે. શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા માટે કેટલાક મહિના કે વર્ષો પૂરતાં છે અને તેટલા સમયગાળામાં ધાર્યું પરિણામ લાવી પણ શકાય; પરંતુ આત્માની આધ્યાત્મિક પૂર્ણતા સુધી પહોંચવામાં તો આપણી આખી જિંદગી પણ નીકળી જાય. આમ જિંદગીભરના પ્રયત્નો સંતોષજનક પરિણામની સ્થિતિએ આપણને લાવી શકે; પરંતુ એકાદ પળ માટેનું પણ આપણું અસમતુલન બધું જ ખતમ કરી પણ શકે.

આ વિષય કે જેને હું ચર્ચી રહ્યો છું એ ખૂબ જ ગહન અને નાજુક છે અને અહીં મારો પ્રયત્ન દરિયાના એક બુંદ સમાન હોવા છતાં મને ખાત્રી છે કે કેટલાક વાંચકો માટે તે દીવાદાંડી સમાન બની રહેશે કે જેમને પોતાની દુન્યવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવાના કારણે આવી તત્વદર્શી બાબતો ઉપર ચિંતન કરવાનૉ કોઈ અવકાશ સાંપડ્યો નથી. માનવી એ ચિંતનશીલ પ્રાણી છે. ડિસ્કાર્ટીસ (Descartes) સાચે જ કહે છે કે, ‘હું વિચારું છું, માટે જ હું અસ્તિત્વ ધરાવું છુ.’ દરેક માણસની વ્યક્તિગત કે અંગત માન્યતા એ મુક્ત વિચારોમાંથી સ્વાભાવિક નિપજતી હોવી જોઈએ. માનવી પૃથ્વી ઉપરનાં બીજાં પ્રાણીઓથી માત્ર ઈશ્વરકૃપાએ પ્રાપ્ય એવી બુદ્ધિમત્તાના કારણે જ અલગ પડે છે. બુદ્ધિયુક્ત વિચાર એકલો જ માનવીને જીવનનો સાચો રાહ ચીંધવા સમર્થ છે. મનુષ્યના સર્જન પછી ઈશ્વરે તેને તે જે કંઈ કરવા માગતો હોય તે કરવા માટે મુક્ત છોડી દીધો છે. આમ તે સ્વતંત્ર છે કે તેણે પોતાના આત્માની ઉન્નતિ કરવી કે પછી તેને ગર્તાની ખાઈમાં ઊંડે ને ઊંડે ધકેલી દેવો.

સંક્ષિપ્તમાં કહીએ તો ઈશ્વરે મનુષ્યને સંપૂર્ણ એવી શક્તિ સાથે સજ્જ કરીને આ પૃથ્વી ઉપર મોકલ્યો છે કે જેથી તે ધારે તો જાતે જ મહામાનવ બની શકે. માનવી પોતાના જીવનનો પોતે જ શિલ્પી છે. આ વાતને અહીં આપેલા ચિત્ર દ્વારા વધુ સારી રીતે સમજાવવા માગું છુ. આ ચિત્રને ‘સ્વયંસર્જિત માનવ’ એવું શીર્ષક આપી શકાય. પણ અહીં તેનો ગુઢાર્થ ભૌતિક સ્વરૂપે બિલકુલ ન લેતાં આધ્યાત્મિક સ્વરૂપે જ પોતાનું સ્વસર્જન કરવું એવો લેવાનો છે. આપણા ભૌતિક દેહને તો ઈશ્વરે પોતે જ કંડારી દીધો છે અને આપણે પોતે જ તેને સાકાર કરી શકીએ એ સંભવિત નથી. આપણે તો જે કંઈ કરવાનું છે તે માત્ર એ જ છે કે આપણે આપણા આત્માઓને આપણા સ્વપ્રયત્ને આધ્યાત્મિક સ્વરૂપમાં ઘડી કાઢવા કે વિકસિત કરવા.

આપણે આધ્યાત્મિકતાનાં ઉન્નત શિખરો સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી આપણે ઈશ્વરનું નૈકટ્ય પ્રાપ્ત કરી શકીએ અને તેને જાણી કે સમજી શકીએ. ઈશ્વરને પામવો એ જ માનવીનું પરમ લક્ષ છે અને તેને પ્રાપ્ત કરવા માટે આપણે ઈશ્વરનાં રહસ્યો અને તેનાં સર્જનોને સમજવા માટે ઊંડુ ચિંતન કરવું જોઈએ. એક હદીસ (શ્રુતિ) આસ્તિકોને આ શબ્દોમાં શીખવે છે કે ‘માત્ર એક જ કલાકનું ચિંતન સિત્તેર વર્ષની ઈબાદત (ભક્તિ) કરતાં ઉત્તમ છે.’

આપણે ઈશ્વર (અલ્લાહ)ને પ્રાર્થીએ કે તે આપણને તેની કૃપા વડે સત્યરૂપ માત્ર તે જ અને તેની દિવ્યતા તરફ આપણા આત્માઓને શુદ્ધતા બક્ષીને દોરી જવા માર્ગદર્શક બની રહે.

શુભેચ્છાઓ સહ,

વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version titled as “Soul – Its nourishment” published on August 26, 2007.

.

 
1 Comment

Posted by on January 10, 2010 in Article, લેખ, Culture, gujarati, Human behavior

 

Tags: , , ,

One response to “આત્માનું પોષણ

 1. DR. CHANDRAVADAN MISTRY

  January 16, 2010 at 8:07 pm

  આત્મા અને શરીર એ બંનેએ તંદુરસ્ત રહેવું જ પડે. …………….

  શરીર અને આત્માને પોષણ અને આરોગ્યની કાળજીની જરૂર પડતી હોય છે………….

  આધ્યાત્મિક પોષણ એ જ આત્માનો આહાર છે. આ પોષણના મૂળ ઘટકમાં આવે ‘ઈશ્વરમાં શ્રદ્ધા’ અને ‘નૈતિક શિસ્ત’. જ્યારે આત્મા માનસિક અશાંતિ અને જટિલતાનો ભોગ બને છે, ત્યારે ઉપરોક્ત બે પરિબળો આત્માના અસમતુલનને સમતુલિત કરવા આપણી વહારે આવે છે……………….

  આપણે આધ્યાત્મિકતાનાં ઉન્નત શિખરો સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી આપણે ઈશ્વરનું નૈકટ્ય પ્રાપ્ત કરી શકીએ અને તેને જાણી કે સમજી શકીએ. ઈશ્વરને પામવો એ જ માનવીનું પરમ લક્ષ છે………….

  Dear Valibhai…..After my India trip…my 1st visit/comment on your Blog….
  I enjoyed reading your Post….It reminds me of the Suvicharo “MAnav Deh ane Atma “…..I copy/pasted some of the writings & these rightly fits into my Suvicharo published on my Blog Chandrapukar….. NICE ARTICLE !
  DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com
  And….Thanks ,Valibhai, for your visit/comment on Chandrapukar !

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: