RSS

વાણીવિનિમયમાં સંતુલિત અતિશયોક્તિની કળા (૨)

20 Jan

Click here to read in English
હવે અહીં હું મારા કથનને વળાંક આપું છું અને અગાઉના મારા લાલુજીના ઉલ્લેખ સાથે તમને સાંકળું છું. તેમના પદ્યનું અંગ્રેજીમાં રૂપાંતર ચોક્કસ રમુજ ઉત્પન્ન કરી શક્યું, પણ તેમના હિંદીમાંના ખૂબ જ અસરકારક પદ્યના મૂળ ભાવને તેઓ યોગ્ય ન્યાય આપી શક્યા ન હતા. આવી સમસ્યા સિદ્ધહસ્ત અનુવાદકોને પણ નડી શકે, કેમ કે કોઈપણ સાહિત્યિક રચના પ્રથમ જે ભાષામાં લખાઈ હોય તેનો મૂળ ભાવ જાળવી ન રખાય તો તેનો બિનકાર્યક્ષમ અનુવાદ તેના સૌંદર્યને ગુમાવે છે. બીજી વાત એ છે કે ગદ્ય કરતાં પદ્યનું અનુવાદકાર્ય વધારે કઠિન હોય છે. એમ કહેવાયું પણ છે કે, ‘કાવ્ય એ તો આત્માની કલા છે.’

કોઈકવાર અનુવાદક અનુવાદિત કાવ્યકૃતિના કવિએ કાવ્યની રચના વખતે જે લાગણીઓ અનુભવી હોય તેવી જ લાગણી પોતે ન અનુભવે, ત્યારે તેને ફક્ત તે કૃતિના શબ્દોના સમાનાર્થી શબ્દો ઉપર જ આધાર રાખવો પડતો હોય છે. આવા કિસ્સામાં અનુવાદિત કાવ્ય જાણે કે તેને થીગડાં માર્યાં હોય તેવું લાગતું હોય છે. કાવ્યનો ઉત્કૃષ્ટ અનુવાદ સર્જવા માટે તેણે કાવ્યની એકંદર છાપ કે અસર તથા તેનો સ્પષ્ટ ખ્યાલ અનુભવવો પડે અને પછી કવિના ભાવને સારરૂપ પોતાના જ શબ્દોમાં વ્યક્ત કરવો પડે. અહીં હું ઝવેરચંદ મેઘાણીને તેમના કેટલાક અંગ્રેજીમાંથી ગુજરાતીમાં સફળ અનુવાદો માટે જ નહિ, પણ એક રીતે કહીએ તો જાણે કે એ બધાં તેમનાં પોતાનાં જ સ્વતંત્ર સર્જન હોય તેમ તેમને યાદ કરું છું. નમૂનારૂપ તેમના અંગ્રેજી કાવ્યોના અનુવાદ છે : ‘Somebody’s Darling’ (કોઈનો લાડકવાયો), ‘On the bank of river Rhine’ (સૂના સમદરની પાળે) અને ‘Fair flowers in the valley’ (વનરામાં ગલ રાતાં ફૂલડાં).

હવે હું નીચે મારા આ આર્ટિકલના પહેલા ભાગમાં આપેલા મિરઝા ગાલિબના બે શેરનું અંગ્રેજીમાં ભાષાંતર અને સાથે સાથે ગુજરાતીમાં સારાંશ પણ આપતાં ખુશી અનુભવું છું. મજાકમાં કહું તો મારા અનુવાદને લાલુપ્રસાદજીના અનુવાદ સાથે સરખવતા નહિ; કેમ કે મેં આ નાના કામ માટે મેં મારી થોડીક સ્વયં સ્ફૂરણા અને અન્યત્રથી પ્રાપ્ય સંલગ્ન વાંચનસામગ્રી સાથે મારાથી શક્ય તેટલી મારી શક્તિઓ કામે લગાડી છે, એટલા માટે કે આ ઉત્તમોત્તમ કૃતિને ક્યાંક અન્યાય ન કરી બેસું. આગળ આપેલા હાથવગા ગુજરાતી શબ્દાર્થ રાજેન્દ્ર કૃષ્ણની વેબસાઈટ ઉપરથી લેવા ઉપરાંત સંબંધિત અન્ય સ્રોતો સાથે તુલનાત્મક અભ્યાસના અંતે મેં માત્ર આ બે જ શેરનું મારું અનુવાદકાર્ય પાર પાડ્યું છે. પહેલા શેરની ચોથી લીટીને સમજવામાં કે અનુવાદમાં મને ઘણી જગ્યાએ મતભેદો માલૂમ પડ્યા છે, પણ મેં તો મારા અર્થઘટનના દૃઢ નિશ્ચય સાથે ‘શાયરનું આત્મસન્માન’ એવો અર્થ લીધો છે. હવે આપ સૌ શેરનું રસદર્શન માણવા આગળ વધો.

It’s the heart, not a stone or a brick,
Why shouldn’t it feel the pain?
I’ll cry myself many times,
How dare anybody harass me?  (1)

(આ દિલ છે, કોઈ પથ્થર કે ઈંટ નથી; તો પછી તે દર્દ કેમ ન અનુભવે? હું મારી મેળે તો ઘણીય વાર ભલે રડી લઉં; પણ કોઈની કેવી હિંમત કે તે મને પરેશાન કરે!)

Neither it’s a temple, nor a mosque,
Nor any shrine’s thresh-hold or a door,
I am sitting on a public path,
Why should anybody tell me to rise? (2)

(આ કોઈ મંદિર નથી કે મસ્જિદ પણ નથી; કે પછી કોઈ ધર્મસ્થાનનો ઊંબરો કે દરવાજો પણ નથી. હું સરિયામ રસ્તા ઉપર બેઠેલો છું; તો પછી શાનો કોઈ મને ઊઠી જવાનું કહે?)

વચ્ચે હું મારા વાંચકોને જો ગાલિબની ઉપર ચર્ચિત આખી ગઝલ (મૂળ ઉર્દુમાં) અને તેને હિંદી તથા અંગ્રેજી લિપિમાં વાંચવામાં રસ હોય તો ‘Ghalib’s Corner’ વેબ સાઈટ ઉપર જવા સૂચવું છું. ઉર્દુ અઘરા શબ્દોના અર્થની મદદથી ઉર્દુ સાહિત્યના ઉત્તમ ગઝલકાર જનાબ ગાલિબ સાહેબની આ ઉમદા ગઝલને આપ સૌ આખે આખી માણી શકશો. આ સિવાય બીજા બે નીચેના સ્રોતથી આ શાયરની અન્ય ગઝલો પણ મેળવી શકાશે.

(૧) અશગર વાસણવાલાની માત્ર મિરઝાગાલિબ સાહેબ ઉપરની વેબસાઈટ
(૨) ‘સ્મૃતિ’ ની ‘ગાલિબની ગઝલો’નો સંગ્રહ

હવે મારે મિ. બેનરજી અને આપ સૌ મારા બ્લોગ ફેમિલીના સભ્યોને મારા આપેલા વચનને નિભાવવાનો સમય આવી ગયો છે. મિ. બેનરજીને અપાએલી મારી ખાત્રી મુજબની તેમનાથી છૂટા પડતી વખતે અમારી વચ્ચે થએલી નીચે પ્રમાણેની આખરી વાતચીતના કેટલાક અંશ ઉપરથી પેલા ‘વધુ એક આશ્ચર્ય’ને આપ સૌ જાણી શકશો.

‘મિ. વલીભાઈ, હવે આપનાથી છૂટા પડવાનો સમય આવી ગયો છે. મને ‘વધુ એક આશ્ચર્ય’નું આપનું વચન યાદ છે?’

‘ચોક્કસ, કેમ નહિ?’

‘સીધું જ કહેશો કે પછી લલચાવીને?’

‘સીધું જ, પણ ટૂંકી પૂર્વભૂમિકા સાથે! હવે મને સાંભળો.’

કુતુહલમય ચળકતી આંખો સાથે મિ. બેનરજી તેમની મૂછોમાં મંદમંદ સ્મિત કરી રહ્યા હતા. હું મારા અવાજમાં લાગણીશીલ બની ગયો હતો. હું કંઈક એવી લાગણી અનુભવી રહ્યો હતો જેને અપરાધભાવ તો ન જ કહી શકાય; પણ મારા દિલમાં કંઈક ભોંકાતું હતું, એટલા માટે કે નખશિખ સજ્જન એવા મિ. બેનરજી સાથે પેલી હોટલના ફેમિલી રૂમમાં મેં નિખાલસતાપૂર્ણ શાબ્દિક અતિશયોક્તિ કરી હતી!

મેં થોડીક હિંમત કેળવીને કહેવાનું શરૂ કર્યું. ‘મિ. બેનરજી, સર્વ પ્રથમ તો હું આપનો આભાર માનું છું કે આપે અમને આપના યજમાન બનવાની તક આપી. આપ જાણો જ છો કે લાગણીસભર અતિથિસત્કાર એ આપણી ભારતીય પરંપરા અને અમારા પોતાના મજહબી વર્તન અને વ્યવહારના એક ભાગરૂપ ફરજ છે. મહેમાનની ઉત્તમ રીતે સરભરા કરવી એ ઈશ્વર (અલ્લાહ)ની ભક્તિ કે ઈબાદત કરવા બરાબર છે. આપનો મારી પાસેથી કોઈક ઉર્દુ ગઝલ સાંભળવા માટેનો ઉત્સાહ અને તાલાવેલી જોઈને મને લાગ્યું કે મારે આપને નિરાશ તો ન જ કરવા. હવે સાચું કહું તો હું ઉર્દુ ભાષાથી સાવ અજાણ છું. ઈશ્વરની કૃપાથી મિરઝા ગાલિબ સાહેબના એ બે જ શેર મને યાદ હતા. આપ સારી રીતે જાણો જ છો કે તેની રજૂઆતની મારી ખૂબીને લીધે હું આપના ઉપર એવી છાપ પાડી શક્યો, જાણે કે હું ઉર્દુ સાહિત્ય અને ખાસ તો તેની ગઝલોમાં નિપુણતા ધરાવું છું. પરંતુ વાસ્તવમાં એવું નથી. નિ:શંક, મને ગઝલમાં રસ ખરો, પણ માત્ર ગુજરાતી ગઝલમાં જ! મેં આપણી વાતચીત દરમિયાન મારા નજીવા જ્ઞાનને અતિશયોક્તિભરી રીતે રજૂ કર્યું તે બદલ હું અત્યંત દિલગીરી વ્યક્ત કરું છું.’

‘શું કહો છો, વલીભાઈ? હું માની શકતો નથી! પણ, ખરેખર તે સત્ય જ હોય તો મારા માટે આપનું ખૂબ ખૂબ ખૂબ મોટું આ આશ્ચર્ય જ કહેવાય! મને બરાબર યાદ છે કે હું જ્યારે આપને ભેટ્યો હતો, ત્યારે તરત જ આપે આ વચન આપ્યું હતું જે આપની નિર્દોષતા બતાવે છે. આપનું આ બીજું આશ્ચર્ય પેલા પહેલા આશ્ચર્યને પણ ઓળંગી ગયું જે મારા માનીતા શાયરના શેર સાંભળવાનું હતું. સાચે જ ગાલિબ સાહેબના શેર આવનારાં હજારો હજારો વર્ષો સુધી નહિ જ ભુલાય!’

મિ. બેનરજી ફરી એક વાર પોતાની આંખોમાં આનંદનાં અશ્રુ સાથે મને ભેટી પડ્યા. તેમણે કહ્યું, ‘હાલમાં મનુષ્યની આયુષ્યની મર્યાદા વધુમાં વધુ સો વર્ષની મનાય છે, પણ હું જો એમ કહું કે, વલીભાઈ, આપનાં બંને આશ્ચર્યો મને હજારો વર્ષ સુધી યાદ રહેશે તો તે અતિશયોક્તિ ગણાશે. આમ છતાંય એટલું તો જરૂર કહીશ કે આપનાં આશ્ચર્યો અને આપ પોતે મને જિંદગીભર ભુલાશે નહિ.’

છૂટા પડતી વખતે મેં મિ. બેનરજીને એક કહેવત સંભળાવી, ‘અતિશયોક્તિ એટલે સાપનું ચિત્ર દોરવું અને પછી પગ ઉમેરવા!’

‘પણ, આપે ઉમેર્યા નથી; પરંતુ દોર્યા પછી ભૂંસી નાખ્યા છે!’ તેમણે કહ્યું.

મારા સુજ્ઞ વાંચકો, મારું તમને પણ અપાએલું ‘એક વધુ આશ્ચર્ય’નું વચન અહીં પરિપૂર્ણ થાય છે. હું બોનસ તરીકે ટ્રાયોન એડવર્ડ્ઝ (Tryon Edwards)નું એક અવતરણ આપીશ, ‘કેટલાક લોકો એટલી બધી અતિશયોક્તિઓ અને બડાઈઓ સાથે પોતાની વાત કહેતા હોય છે કે આપણે તેમાં મોટો ઘટાડો (discount)કરીએ ત્યારે જ તેમની વાતના મૂળ અર્થ સુધી આવી શકીએ.’ હવે હું ખુલાસો નહિ કરું, પણ તમને પૂછીશ કે ‘બે ભાગમાં વિસ્તરેલા મારા આ આર્ટિકલને તમે કયા સાહિત્યપ્રકારમાં ગણશો? આ નિબંધ છે, વાર્તા છે, પદ્ય (Poetry)છે, લેખ છે, કે પછી નાટક છે? હું આ પોસ્ટના ‘Comment Box’માં આપ સૌના જવાબનો ઈંતજાર કરીશ; વળી માત્ર સીધેસીધો જવાબ જ નહિ, પણ તમારા અભિપ્રાયો, વિચારો, વિવેચનો વગેરે જે કંઈ હોય તે પણ લખશો તો મને વધુ ગમશે.

ચાલો તો હવે હું રજા લઉં; ફરી આપણે જરૂર મળીશું, જો ઈશ્વરેચ્છા હશે તો. ધન્યવાદ.

વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version titled as “Art of Balanced Exaggeration in Conversation – II ” published on September 24, 2008.

 
 

Tags: , , , , , , , , , , , , , , , ,

2 responses to “વાણીવિનિમયમાં સંતુલિત અતિશયોક્તિની કળા (૨)

 1. DR. CHANDRAVADAN MISTRY

  January 30, 2010 at 11:39 am

  એક અવતરણ આપીશ, ‘કેટલાક લોકો એટલી બધી અતિશયોક્તિઓ અને બડાઈઓ સાથે પોતાની વાત કહેતા હોય છે કે આપણે તેમાં મોટો ઘટાડો (discount)કરીએ ત્યારે જ તેમની વાતના મૂળ અર્થ સુધી આવી શકીએ.’ હવે હું ખુલાસો નહિ કરું, પણ તમને પૂછીશ કે ‘બે ભાગમાં વિસ્તરેલા મારા આ આર્ટિકલને તમે કયા સાહિત્યપ્રકારમાં ગણશો? આ નિબંધ છે, વાર્તા છે, પદ્ય (Poetry)છે, લેખ છે, કે પછી નાટક છે? હું આ પોસ્ટના ‘Comment Box’માં આપ સૌના જવાબનો ઈંતજાર કરીશ; વળી માત્ર સીધેસીધો જવાબ જ નહિ………….

  Valibhai….Thanks for the Email informing me of the technical correction ..and now I can read the Post with the Comment Box open !
  Now as you see I had copy/posted your ending words of your published post. You may wonder why ?…..Then, let me tell you the answer..>>You are asking me (an ordinary person without the Language/Literature Gyan) to classify your article as a Short Assay…Poetry….or a Drama….But I am not able to do that. However, I can honestly tell you that this WRITE-UP as 2 Posts was wonderfully written…the flow of thoughts from you into WORDS clearly shows your mastery in Bhasha ( which is God-granted)
  The incident of you meetng Mr. Bannerji …you facing with a question with a desire to have an answer…and your reaction with your RESPONSE….took the READER of the article to the “higher levels of Humanity” which is ALWAYS within ALL, but often lost or never displayed because of “self-pride or Ego ”

  મેં થોડીક હિંમત કેળવીને કહેવાનું શરૂ કર્યું. ‘મિ. બેનરજી, સર્વ પ્રથમ તો હું આપનો આભાર માનું છું કે આપે અમને આપના યજમાન બનવાની તક આપી. આપ જાણો જ છો કે લાગણીસભર અતિથિસત્કાર એ આપણી ભારતીય પરંપરા અને અમારા પોતાના મજહબી વર્તન અને વ્યવહારના એક ભાગરૂપ ફરજ છે. મહેમાનની ઉત્તમ રીતે સરભરા કરવી એ ઈશ્વર (અલ્લાહ)ની ભક્તિ કે ઈબાદત કરવા બરાબર છે.
  I had intentionally copy/pasted another paragraph from your article…. I just want show why I say that the Post was “more that simply a narration of an incident”
  Valibhai….Do you still want me to give you my OPINION as to what category your Post be given the Label ?….After all value will it have ?….May be some satifaction of someone giving that lebel of LIKING or the TRUTH ! To me the Post was a touching moment of my READING An Assay of a Personal Experience in Life from the Author (VALIBHAI)
  DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Valibhai I hope you like my comment…And visit my Blog too !

  Like

   
 2. સુરેશ જાની

  May 6, 2010 at 3:46 am

  પહેલો ભાગ વાંચતાં થયેલો ‘ શેર ન સમજી શકાયાનો રંજ’ દૂર થઈ ગયો.
  તમારા લેખોમાં એક અદભૂત મૌલિકતા હું જોઈ રહ્યો છું. એમાં વાર્તા, વર્ણન, વિવેચન , કવિતા, મનન આ બધાનું ‘ મુસા’ શૈલી (!) મિશ્રણ કે સંયોજન છે . જાણે કે, તમે સામે સોફા પર બેસી વાત કરતા હો, અથવા પ્લેટફોર્મ પરથી પ્રવચન આપી રહ્યા છો અને સૌ મંત્રમુગ્ધ બની સાંભળી રહ્યા હોય – તેવો ભાવ ઊભો થાય છે.
  કશીક સાવ નવી જ અનુભૂતિ.
  માત્ર એક જ નેગેટિવ ફીડ બેક – અતિ લંબાણ.
  પણ લેખ વાંચ્યા બાદ થતા આનંદને જોતાં આ દીર્ઘતા ક્ષમ્ય છે – ચાલો માફ કરી દીધા !!

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: