કેટલાંક વર્ષો પહેલાં વિશ્વસાહિત્યમાંથી ગુજરાતીમાં અનુવાદિત થએલી કેટલીક વાર્તાઓ મેં વાંચી હતી. આજે મારા આર્ટિકલના વિષયમાં રશિયન વાર્તાકાર એન્ટોન ચેખોવ (Anton Chekhov)ની વાર્તા ‘The Death of a Government Clerk’ (એક સરકારી કારકુનનું મૃત્યુ) કેન્દ્રસ્થાને છે. હું મારા વિષયમાં પ્રવેશવા પહેલાં આ વાર્તાનો ટૂંકસાર આપીશ.
વાર્તાનું મુખ્ય પાત્ર છે, એક સરકારી કારકુન. તે થિયેટરમાં એક સંગીતપ્રધાન નાટક જોવા જાય છે, તેને છીંક આવે છે, અજાણતાં અને અકસ્માતે આગળની બેઠક ઉપર બેઠેલા એક ઓફિસરના માથાની ટાલ ઉપર તેનું થૂંક ઊડે છે અને શિષ્ટાચારભંગના અપરાધભાવે તે માફી માગે છે. પેલો ઓફિસર આ વાતને હળવાશથી લેતાં બોલે છે, ‘કોઈ વાંધો નહિ, કોઈ વાંધો નહિ!’; પરંતુ કારકુન આ જવાબથી સંતુષ્ટ થતો નથી. તે ફરી એકવાર ઈન્ટરવલમાં પેલા ઓફિસરની માફી માગે છે. આ વખતે ઓફિસર થોડોક ગુસ્સે થઈને કહે છે, ‘અરે! ખૂબ થયું… હું આ વાતને ભૂલી જ ગયો છું અને તું એનું એ જ ચાલુ રાખે છે!’
પછી તો કારકુન તેની પત્નીની સલાહ લઈને પેલા અધિકારીને તેની ઓફિસમાં ફરી એકવાર મળે છે અને ખુલાસો કરવાની કોશીશ કરે છે કે તે ઈરાદાપૂર્વક તેમના માથા ઉપર થૂંક્યો ન હતો અને તેથી તેને માફ કરવામાં આવે! આ વખતે તો ઓફિસરે પોતાનો પગ જમીન ઉપર જોસથી પછાડતાં અને ગુસ્સાથી આખા શરીરે ધ્રૂજતાં ધ્રૂજતાં બરાડા પાડીને કહ્યું, ‘અહીંથી તું દૂર થા!’ ઓફિસરના અમર્યાદ ગુસ્સાથી કારકુન હતાશા અનુભવે છે અને ભાંગી પડે છે. હવે તો તેને એટલો બધો આઘાત લાગે છે કે સીધો જ તે યંત્રવત્ તેના ઘરે જાય છે. તે તેનો યુનિફોર્મ પણ ઉતારતો નથી, સોફા ઉપર સૂઈ જાય છે અને મરી જાય છે.
ઉપરોક્ત વાર્તા રમૂજભરી રીતે આગળ વધતી જાય છે, પણ તેનો અંત કરૂણ આવે છે. પોતાના નજીવી વાત ઉપરના અતિ સંવેદનશીલપણાના કારણે કારકુનનું મૃત્યુ નીપજે છે. નિ:શંક, અહીં અતિશયોક્તિ જોવા મળે છે, પણ ખરેખર તો અહીં માનવસ્વભાવની કમજોરી ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. અતિ સંવેદનશીલ લોકો અન્યો સાથેની પોતાની બાબતોને પાર પાડવામાં નિષ્ફળ પુરવાર થતા હોય છે. ખૂબ જ નાજુક સંવેદનશીલતા એ ભોગ બનનારને બિનજરૂરી માનસિક ભારણ કે ત્રાણ તરફ એવી રીતે ધકેલી દે છે, કે જેના પરિણામે વ્યક્તિ હતાશા કે ઉત્સાહભંગની સ્થિતિમાં મુકાઈ જાય છે અને તેનો વિકાસ સ્થગિત થઈ જતો હોય છે. આલ્ફ્રેડ એડલર (Alfred Adler) નામના ઓસ્ટ્રીયન મનોચિકિત્સકે અવલોકન કર્યું છે કે, ‘વધારે પડતી સંવેદનશીલતા એ લઘુતાગ્રંથિની લાગણીઓને અભિવ્યક્ત કરે છે.’ બધાયથી એ સુવિદિત છે જ કે લઘુતાગ્રંથિથી પીડાતી વ્યક્તિ પોતાના જીવનમાં કે અન્ય કોઈપણ ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે નહિ. હવે આપણે આ લેખના વિષયમાં થોડાક ઊંડા ઊતરીએ.
અતિ સંવેદનશીલતાનો અતિરેક આપણી પ્રારંભિક લાગણીઓને અન્યને સૂગ ઉત્પન્ન કરી દે તેવી સ્થિતિમાં લાવી દે છે. આ વાતને અન્ય શબ્દોમાં સમજીએ તો વધારે પડતી ઉદારતા કે ઉદાત્ત ભાવના કોઈકવાર બીજાને સંકુચિતતા જેટલી જ ત્રાસરૂપ નીવડતી હોય છે. આવું જ અતિ આભારવશતાની લાગણીની બાબતમાં પણ બની શકે, જ્યાં તેનો અતિરેક તિરસ્કારજનક બની જાય છે. આવી અસહ્ય વર્તણુંક સામેની વ્યક્તિના સલામત અને સંસ્કારી જીવન ઉપર વિપરિત અસર કરે છે.
હું મારા ખુલ્લા મને ડેનિસ ફરાના (Dennis Farana) નામના એક અમેરિકન ફિલ્મ અને ટી.વી. અભિનેતાને ટાંકતાં અચકાઈશ નહિ. તે નિખાલસભાવે પોતાની જાત માટે કબૂલે છે કે, ‘હું અમર્યાદ સંવેદનશીલ માણસ છુ. હું મારા માથા ઉપરનો ટોપો (Hat)પડી જાય તો પણ રડી પડું છું. હું કોઈ છોકરી જેમ વાતવાતમાં રડી પડે તેવું મારે થઈ જાય છે. નજીવી બાબતો પણ મને બેચેન બનાવી દે છે, અને હું રડ્યા જ કરું છું; બસ, દરેક વખતે રડ્યા જ કરું છું. હું ખુશીના પ્રસંગે પણ રડી બેસું છું.’ આગળ તે ઉમેરે છે, ‘તમે પણ જો મારા જેવા અતિ લાગણીશીલ હો તો તમે કંઈક એવી ‘કોઈક વસ્તુ’ તરફ વળી જાઓ કે જેનાથી તમને સારું લાગે.’ હું અહીં તેની પસંદગીની ‘કોઈક વસ્તુ’ના શબ્દોને કાપી નાખું છું, કેમ કે તે સુસંસ્કૃત માણસ માટે ઈચ્છનીય નથી. તમે તેના કરતાં વધારે સારી ‘કોઈક વસ્તુ’ પસંદ કરી શકો છો; જે શરીર, મન અને આત્માને નુકસાનકારક ન હોય. ફક્ત અતિ સંવેદનશીલતા ઉપર કાબૂ મેળવવાના જાતપ્રયત્નના ભાગ રૂપે કોઇ અનિચ્છનીય વિકલ્પ તો ન જ પસંદ કરવો જોઈએ.
ચાર્લ્સ હોર્ટન કૂલે (Charles Horton Cooley) એક સમાજશાસ્ત્રી છે, જેમણે કહ્યું છે કે, ‘મધ્યમ કક્ષા કરતાં થોડોક વધારે હોશિયાર, વિચક્ષણ અને વધારે સંવેદનશીલ ન હોય તેવો કોઈપણ માણસ પ્રતિભાસંપન્ન માણસ કરતાં દુનિયામાં વધુ આગળ નીકળી જતો હોય છે.’ આ વિધાન સ્વયંસિદ્ધ હોઈ તેને સમજાવવાની કોઈ જરૂર હોવાનું મને લાગતું નથી, તો પણ એટલું તો કહીશ કે આ વિધાન મારા અગાઉના વિચારોને પુરસ્કૃત કરે છે કે કોઈ પણ માણસ માટે પોતાની જાતને ઊંચે લઈ જવામાં અતિ સંવેદનશીલતા એ ભારે અવરોધરૂપ બાબત બનતી હોય છે.
છેલ્લે, હું મારા વાંચકોને એક જ ટીપ આપીશ જેનાથી તમે જાતે જ જાણી શકશો કે તમે સ્વભાવગત જ અતિ સંવેદનશીલ વ્યક્તિ છો કે નહિ. આ સાવ સરળ છે કે જ્યારે તમે પોતાની દુભાયેલી લાગણીઓ અંગેની કોઈ વાત સામે જે કોઈ મળતું જાય તેને તમે કહેતા જ ફરો, ત્યારે તમારે માની જ લેવું પડે કે તમે અતિ સંવેદનશીલતાની માનસિક બીમારીના એક દર્દી છો! મારા ભલા વાંચકો, તમારી લાગણી ઘવાયાની વેદનામાં જરૂર તમે તમારા નિકટના મિત્રો કે જીવનસાથીને સહભાગીદાર બનાવી શકો; પણ તમે તમારી સમસ્યાની લોકો આગળ જાહેરાત કરતા જ રહો તેમાં તમારી માત્ર મુર્ખાઈ જ નહિ, તે વ્યર્થ પણ છે. મારી આ વાતના અનુમોદનમાં લો હોલ્ટ્ઝ (Lou Holtz)નું રસપ્રદ વિધાન આપીશ, જે આ પ્રમાણે છે : ‘તમારી સમસ્યાઓને લોકો આગળ કહેતા ફરો નહિ; કેમ કે, એંસી ટકા લોકો તમારી વાત તરફ ધ્યાન આપશે જ નહિ અને બાકીના વીસ ટકા લોકો ખુશ થશે એ જાણીને કે તમારે જે તે સમસ્યા છે!’
આશા રાખું કે મારો આર્ટિકલ તમને ગમ્યો હશે તો ખુશ થયા હશો જ.
વંદનસહ,
વલીભાઈ મુસા
pragnaju
January 1, 2015 at 2:57 pm
‘તમારી સમસ્યાઓને લોકો આગળ કહેતા ફરો નહિ; કેમ કે, એંસી ટકા લોકો તમારી વાત તરફ ધ્યાન આપશે જ નહિ અને બાકીના વીસ ટકા લોકો ખુશ થશે એ જાણીને કે તમારે જે તે સમસ્યા છે!’
સાચી વાત
આ વાત જેવી એકભાઇ સમારંભમા મોડા જતા તેણે ગંમ્મત કરી કે મારી સાસુના મરવાની રાહ જોતો હતો તો કોઇએ તે કારણો સાંભળ્યું નહીં કોઇકે સમજ્યા વગર જ સારું થયું ભલે પધારો
LikeLike