RSS

Monthly Archives: January 2010

આત્મા – સંક્ષિપ્ત અભ્યાસ

Click here to read in English
મારા કેટલાક વાંચકોએ મારો અગાઉનો આર્ટિકલ “Inspired Knowledge (Intuition)” અર્થાત્ “સહજ જ્ઞાન” વાંચીને વિવિધ રીતે મારો સંપર્ક સાધ્યો હતો અને આગ્રહ સેવ્યો હતો કે હું એ જ વિષય ઉપર આધ્યાત્મિક કે તત્વજ્ઞાન આધરિત કંઈક વિશેષ લખું. મારા કોલેજ કાળના એક મિત્ર પ્રોફેસર વિનાયક રાવલ પણ મારી ઉપરોક્ત કૃતિના પ્રતિભાવ વખતે એ જ મતના હતા. ‘સહજ જ્ઞાન’ એ કેટલાક આધ્યાત્મિક મુદ્દાઓની સહજ છણાવટ કરતી વિશિષ્ટ શૈલીમાં લખાએલી કૃતિ છે, જેને લલિત નિબંધ કે નવલિકા કહી શકાય.; પરંતુ અહીં હું ‘આત્મા’ વિષેનો મારો સામાન્ય અભ્યાસ બહુ જ સંક્ષિપ્તમાં નિબંધ રૂપે રજૂ કરું છું. અલબત્ત, ‘આત્મા’ જેવા ગહન વિષયને ગાગરમાં સાગર સમાવવા જેવી અઘરી છતાં નમ્ર અહીં મારી કોશીશ રહેશે.

માનવજીવનનું પરમ આધ્યાત્મિક લક્ષ હોય છે કે ઈશ્વરને ઓળખવો. રવિન્દ્રનાથ ટાગોર લખે છે કે ‘માણસનું અંતિમ ધ્યેય એ જ છે કે તે એક ઈશ્વરને ઓળખે, જે તેની ભીતર જ છે, તે જ સત્ય છે, તે જ તેના આત્મામાં વસે છે અને તે જ આત્મા આધ્યાત્મિક જીવન અને પ્રભુના રાજ્યનાં દ્વાર ખોલવાની ચાવી સમાન છે.’ હજરત ઈમામ અલી ઈબ્ને અબુતાલીબ (અ.સ.)એ પણ એ જ ફરમાવ્યું છે કે, ‘જેણે પોતાના આત્માને ઓળખ્યો, તેણે અલ્લાહ (ઈશ્વર)ને ઓળખ્યો.’ માનવીએ વિવિધ પ્રકારનાં વિજ્ઞાનોમાં પુષ્કળ જ્ઞાન મેળવીને ઘણું બધું સિદ્ધ કર્યું છે, પણ પરમાત્મા, આત્મા, બ્રહ્માંડ, જીવન, મૃત્યુ વગેરે જેવા વિષયોના તાત્વિક રીતે સર્વસંમત એવા અફર નિષ્કર્ષ ઉપર આવી શકાયું નથી. અહીં ઉલ્લેખાએલા જુદા જુદા વિષયો પૈકી માનવીની બુદ્ધિ કે વિચારશક્તિની મર્યાદાઓ હોવાના કારણે ઈશ્વરને પૂર્ણ કે અપૂર્ણ રીતે પણ જાણવો કે સમજવો એ ભગીરથ કાર્ય છે. કોઈકે કહ્યું છે કે, ‘બ્રહ્માંડના નિશ્ચિત અને વિસ્મયકારક વ્યવસ્થાતંત્રને અવલોકીને, હે ઈશ્વર, તને જાણવા અને સમજવામાં મારી વિચારશક્તિ કમજોર પડે છે, ગોથાં ખાય છે. જ્યાં માંરી બુદ્ધિ અણુંના માપ જેટલું પણ અંતર કાપીને તારી નજીક આવવા મથે છે, ત્યાં તો તું માઈલો દૂર ચાલ્યો જાય છે.’ કોઈક ગુજરાતી કવિએ પણ કહ્યું છે કે, ‘માણસે વરાળ અને વીજળીને નાથ્યાં, પણ તેના મનને તે નાથી શક્યો નથી; તે ગ્રહોને પણ આંબી શક્યો, પરંતુ તેના અંતરથી તો તે અજાણ જ રહ્યો છે.’ ખલિલ જિબ્રાનનું આ જ મતલબનું વિધાન નોંધનીય છે કે, ‘એમ કહો નહિ કે મને નિશ્ચિત કે પૂર્ણ સત્ય (the truth)) લાધ્યું છે; અલબત્ત, એમ કહો કે મેં સત્યનો માત્ર એક અંશ(a truth) જ જાણ્યો છે.’

Read the rest of this entry »

 

Tags: , , , , , , , , , ,

હતાશા કે ઉત્સાહભંગ

Click here to read in English
હતાશા કે ઉત્સાહભંગ એ મનની નકારાત્મક સ્થિતિ છે. મારા મતે આ કોઈ નવીન બાબત નથી; કેમ કે આવું મને, તમને કે અન્ય કોઈને પણ પોતાના જીવનમાં બની શકે. હતાશાની પડકારજનક આ સમસ્યા આજકાલ જગત આખાયમાં ચેતવણીરૂપ પ્રમાણમાં વધતી જ જાય છે. આજે જીવન સાવ સરળ રહ્યું નથી. આવી મનોવૈજ્ઞાનિક સ્થિતિમાંથી પસાર થયા વગર સાવ સરળતાથી આપણે જિંદગી પસાર કરી શકીએ નહિ. હું કોઈ મનોવૈજ્ઞાનિક કે મનોચિકિત્સક નથી. આ સમસ્યાના વ્યવહારુ ઉકેલ લાવવા માટેના મારા અભ્યાસકીય અનુભવોનો નીચોડ અહીં છે. મારા બહોળા સંયુક્ત પરિવારના સભ્યો (કોઈકવાર હું પોતે પણ) અને મિત્રો-સ્નેહીઓ કે તેમનાં સંતાનોને ખાસ કરીને તેમના અભ્યાસકાળ દરમિયાન વાર્ષિક, બોર્ડ કે યુનિવર્સિટી પરીક્ષા વખતે હતાશાનો ભોગ બનવું પડ્યું છે. એવા પ્રસંગોએ તેમની સમસ્યાના હલ માટેના માર્ગદર્શનમાંથી જે કંઈ તારણો અને ઉપાયો મને મળ્યા છે તેનું પ્રતિબિંબ આ લેખમાં પડ્યા વિના રહેશે નહિ. હતાશા માટે કારણભૂત શાળા-કોલેજના અભ્યાસકાળ સિવાયની જીવનની અન્ય ઘણી પરિસ્થિતિઓ અને સંજોગો પણ હોય છે, જ્યાં તેનો મુકાબલો કરવાનો પ્રસંગ આવતો હોય છે. આ સમસ્યાના વ્યાપમાં ધંધાકીય નુકસાન, નાણાંકીય કટોકટી, કૌટુંબિક સમસ્યાઓ, માનસિક ત્રાસ કે હેરાનગતિ, બીમારી, સંવેદનશીલ સ્વભાવ, સામાજિક કે રાજકીય અશાંતિ, કુદરતી કે માનવસર્જિત આફતો, પ્રિયજનનું અવસાન, વતનથી અન્યત્ર સ્થળાંતર કે ઘરચકલી જેવી સંકુચિત મનોવૃત્તિના કારણે અનુભવાતો ગૃહવિયોગ વગેરે આવી શકે.

હળવી માત્રાની હતાશા કેટલાક કલાકો કે દિવસો પૂરતી સીમિત હોય છે અને તેનો ભોગ બનનાર કોઈ પણ જાતના પ્રયત્ન વગર તેમાંથી બહાર નીકળી શકે છે; પણ,તીવ્ર હતાશા ખતરનાક હોય છે અને તેના ફળ સ્વરૂપે કોઈક વાર અનિચ્છનીય નકારાત્મક પરિણામો આવવાની પૂરેપૂરી શક્યતા રહે છે. પોતે અસલામતી અનુભવવાના કારણે જીવન જીવવામાંથી રસ ગુમાવી દે છે. કોઈકવાર હતાશાનાં કારણો ઉપર વધુ પડતો વિચાર કર્યે રાખવાના પરિણામે વ્યક્તિ કાં તો આત્મહત્યા કરી બેસે છે કે પછી પોતાના કુટુંબને રઝળતું મૂકીને ઘર છોડીને ભાગી જાય છે. આ બંને પૈકી કંઈ ન બને તો છેવટે તેનો સ્વભાવ એવો બની જાય છે કે તે વાતવાતમાં બીજાઓ ઉપર ગુસ્સે થઈ જાય અથવા આક્રમક કે હિંસક બની જાય છે. કેટલાક કિસ્સાઓમાં માણસ સાવ મૌનધારક બની જાય છે અને પોતાની સમસ્યાની વાતના કોઈને સહભાગીદાર બનાવવાથી દૂર રહે છે. કોઈકવાર તે વ્યક્તિ પોતાની જાતની લાચારી ઉપર દયા ખાઈને ચૂપચાપ રડી લે છે અથવા તો પોતાની જાતને કોઈક ખૂણામાં સંતાડી દઈને લોકોને મળવાનું ટાળે છે. ભોગ બનનાર ઈસમ અનેક રાત્રીઓ ઊંઘ્યા વગર પસાર કરે છે અને ખાવાનું બંધ કરી દેવા ઉપરાંત કોઈ પણ જાતના મનોરંજનથી પણ દૂર રહે છે. ટૂંકમાં કહેતાં આવા હતાશ માનવીની વર્તણુંક અસાધારણ અને વિચિત્ર જોવા મળે છે. Read the rest of this entry »

 
 

Tags: , , , , ,