RSS

ગુમાવી દો અને જિંદગીભર ઝંખ્યા કરો!

04 Feb

Click here to read in English

મારો આજનો આર્ટિકલ મારા અગાઉના ‘No honor in honor killing!’ (ગૌરવ હત્યામાં કોઈ ગૌરવ નથી!)સાથે સંપૂર્ણપણે નહિ, પણ મારી આ પ્રસ્તાવના ભાગ સાથે અમુક અંશે સંકળાએલ છે. મોટા ભાગના ગુજરાતી વાંચકોએ ઝવેરચંદ કાલીદાસ મેઘાણીને વાંચ્યા હશે કે જેમને મહાત્મા ગાંધીએ ‘રાષ્ટ્રીય શાયર’ તરીકેનું બિરૂદ આપ્યું હતું. તેમનાં વિખ્યાત સર્જનો તો અનેક છે, પણ અહીં હું લોકોમાં કદાચ ખૂબ જ ઓછું જાણીતું પણ મને અત્યંત સ્પર્શી ગએલું એક કાવ્ય રજૂ કરવા માગું છું. તે એક કરૂણ લોકગીત છે અને અંગ્રેજી કાવ્ય ‘Fair flowers in the valley’ (ખીણમાંનાં મોહક ફૂલો) ઉપર આધારિત છે. તે ભાવવાહી અને લાગણીમય ઢબે ગાઈ શકાય તેવું ગેય કાવ્ય છે. તે કાવ્યનું શીર્ષક અને ધ્રૂવ પંક્તિ છે ‘વનરામાં ગલ રાતાં ફૂલડાં’.

તો ચાલો આપણે મારા આર્ટિકલના શીર્ષકને ન્યાય આપવાના તથા વિષયપ્રવેશના હેતુસર સંક્ષિપ્તમાં આ લોકગીતનો સાર સમજી લઈએ. આ એક પરીણિત પણ માતૃત્વ ધારણ કરવા અસમર્થ એવી સ્ત્રી ઉપરનું ગીત છે. તે એકાદશીનો ઉપવાસ કરીને પોતાના ખોળે બાળક હોવાના આશીર્વાદ યાચવા અર્થે દેવમંદિરે પૂજાઅર્ચના કરવા જાય છે. વગડામાંના પોતાના માર્ગમાં ચોતરફ હરિયાળી વચ્ચે બેસુમાર લાલ રંગનાં ખીલેલાં ફૂલ દેખાય છે. આ ફૂલોની વચ્ચે સંપૂર્ણ વિકસિત, નવજાત અને જાણે કે જીવિત જ હોય તેવું એક આભાસી બાળક પેલી સ્ત્રીની નજરે ચઢે છે.

આ એ જ નિ:સહાય બાળક છે કે જેને આ સ્ત્રીએ પોતે કુંવારી માતા બની હતી ત્યારે સમાજમાં પોતાની ઈજ્જત બચાવવા ખાતર મારી નાખ્યુ હતું. આ બાળક પેલી સ્ત્રીને એ ગોઝારા દિવસની યાદ અપાવે છે જ્યારે કે તેણે તેને મારી નાખવાનું ઘોર પાપ આચર્યું હતું. ઈશ્વરે તેના ખોળલે રમાડવા માટે એક બાળકની બક્ષિસની નવાજીશ તો કરી જ હતી, પણ તેણે ઈરાદાપૂર્વક તેને ઠુકરાવી દીધી હતી. અહીં એક સ્ત્રીની એવી કરૂણ કહાની છે કે જેણે પોતાના માતૃત્વ ધારણ કરવાના પોતાના સુભાગ્યને તો લાત મારી જ દીધી હતી અને હવે તે જ પોતાની કૂખે બાળક જન્મે તે માટે તલસે છે.

મારી કંઈક વિસ્તૃત એવી પ્રસ્તાવનાના પ્રયત્નો એ બાળકના કરૂણાજનક અને કટાક્ષમય શબ્દોની રજૂઆત પછી પૂરા થશે. એ કહે છે, ‘હું તો જશોદા માતા (ભગવાન શ્રીકૃષ્ણનાં પાલક માતા)ના ખોળલામાં ઝૂલી રહ્યો છુ, પણ તારા ખોળામાં તો અગનઝાળો ભડકે છે. હું કેવી રીતે નવીન જન્મ લઈને તારું સંતાન બનું? તને એ દિવસ યાદ નથી કે તેં નિર્દયતાપૂર્વક તારા ડાબા હાથ વડે મારી ડોક મરડીને મને ટૂંપો દીધો હતો અને જમણા હાથની હથેળીઓ વડે તેં તારી આંખોને ઢાંકી દીધી હતી!’

હવે હું ધારું છું કે આ આર્ટિકલમાં હું કયા મુદ્દે આગળ વધી રહ્યો છું તે મારા વાંચકો સારી રીતે સમજી ગયા હશે.

એમ કહેવાય છે કે ‘મનુષ્ય માત્ર ભૂલને પાત્ર’. ડહાપણ શીખવતાં આવાં કેટલાંક કથનો એ વિશેષ કશું જ નહિ, ફક્ત મનને આશ્વાસન આપવા માટેનાં સાધન માત્ર જ છે. મનોવિજ્ઞાનની પરિભાષામાં, આવી દલીલોને બચાવ પ્રક્રિયા ( Defense Mechanism) હેઠળ વ્યાખ્યાયિત કરી શકીએ. સર્વ પ્રથમ આપણે ‘ભૂલ’ (error) અને ‘મહાભૂલ’ (blunder) એ બે શબ્દોને તપાસીએ. ‘ભૂલ’ એ અજાણતાં અને નિર્દોષ ભાવે થઈ જતી હોય છે, જ્યારે ‘મહાભૂલ’ પાછળ ઘણીવાર તેમ કરવાનો મક્કમ ઈરાદો હોય છે અથવા વગરવિચાર્યે ઉતાવળેથી તેમ કરી દેવામાં આવતું હોય છે. ગમે તે હોય, પણ એવાં કાર્યો કે જે આંખો બંધ રાખીને કરવામાં આવે અને તે ભવિષ્યના જીવનમાં કેવી અસરો પેદા કરશે તેની પણ અવગણના કરવામાં આવે તો તેમને ‘મહાભૂલ’ તરીકે જ ઓળખવાં પડે અને તે માફ ન કરી શકાય.

અહીં હવે આપણે મહાભૂલને ને માફ કરવામાં આવે કે ન આવે તે બાબતને ગૌણ સમજીએ, તો એક વાત તો ચોક્કસ છે કે મહાભૂલ આચરનાર કે પાપ કરનારને વહેલા કે મોડા તેની કિંમત ચૂકવવી પડતી હોય છે. સંતતિ, સંપત્તિ, તક, સત્તા વગેરે ઈશ્વર તરફથી મળેલી બક્ષિસ કે નયામત સમાન છે અને તેનો ઉપયોગ નિયંત્રણમાં રહીને કરવામાં આવે તે અપેક્ષિત અને ઈચ્છનીય છે. આ બક્ષિસોનો અમર્યાદ અને અનુચિત ઉપભોગ આપણા નૈતિક અધ:પતન કે ઘમંડના કારણરૂપ પણ બની શકે છે. છીછરા મનના માણસો આ બધી સમૃદ્ધિઓને પચાવી શકતા નથી હોતા, ત્યારે તેઓ જીવનના સીધા માર્ગથી ભટકી જતા હોય છે અને મોટાભાગે જુલ્મી બની જતા હોય છે. મારા ઉપરોક્ત વિધાનમાં મેં સંતતિને પણ એટલા માટે સામેલ કરી છે કે સંતતિ એ માતાપિતાનું ભવિષ્ય છે અને હવે તેઓ ઉપર જ અવલંબિત છે કે પોતાના એ ભવિષ્યને કેવું બનાવવું કે તેને કેવો આકાર આપવો.

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સુખી અને સાધનસંપન્ન લોકો પોતાના સુખવૈભવના સારા દિવસોના સોનેરી સમયને સારી રીતે માણતા હોય છે. પરંતુ આ સારો સમય પોતાના માટે માત્ર આરામ કે સુખસુવિધાઓ ભોગવી લેવા કે ભેગી કરી દેવા માટે નથી, પણ સાથે સાથે પોતાના ડહાપણને પણ જાળવી રાખવાનું હોય છે. તેમણે જરૂરિયાતમંદ અને ગરીબ માણસોને મદદરૂપ થવું જોઈએ. સ્વીડનની એક કહેવત છે કે ‘સુખ વહેંચવાથી સુખ બમણું થાય અને દુ:ખ વહેંચવાથી દુ:ખ અડધું થાય.’ ધન એ કદાપિ કોઈ કુટુંબ માટે શાશ્વતકાલીન વરદાન નથી કે જે ભવિષ્યની આવનારી પેઢીઓ પાસે પણ કાયમ રહી શકે. કેટલીક વાર તો એવું પણ બનતું હોય છે કે જે તે વ્યક્તિના વર્તમાન જીવન દરમિયાન જ સંજોગો વળાંક લેતા હોય છે અને આજનો કરોડપતી આવતી કાલે મુફલિસ બની જાય છે. ‘કૌન જાને કિસ ઘડી, વક્તકા બદલે મિજાજ!’ અર્થાત કોઈ જાણતું નથી હોતું કે ક્યારે સમયનો તકાજો બદલાઈ જાય!

આવી દુખદ પરિસ્થિતિઓમાં માણસ પોતાના ગુમાવી દીધેલા ધન બદલ પસ્તાવો કરે છે અને તેને ફરી પાછું પ્રાપ્ત કરી લેવાની ઝંખના કરે છે; વળી તેનું દુર્ભાગ્ય હજુ ચાલુ જ હોય, તો જીવનભર તેણે તલસતા રહેવું પડે છે. આમ તેણે ગુમાવી દીધેલી પોતાની સંપત્તિ એવી બાબતો જેવી છે કે જે કદીય પાછી ફરતી નથી. એ બાબતોમાં કમાનમાંથી છૂટી ગએલું તીર, બોલી જવાએલા શબ્દો અને ગુમાવી દીધેલી તકને ગણાવી શકાય. ઘણું કરીને ‘પૈસા કમાવા’ એ સહેલું છે, પણ તેમને પચાવવા કે જાળવી રાખવા મુશ્કેલ છે. એવી કુપાત્ર વ્યક્તિ કોઈકવાર પ્રારબ્ધબળે આકસ્મિક ધન તો પ્રાપ્ત કરી લે છે, પણ પછી તો એવી ઉડાઉ રીતે તે વાપરવા માંડે છે કે થોડાક મહિનાઓ કે વર્ષોમાં પોતાની મૂળ સ્થિતિએ પાછો ફરે છે અને પસ્તાય છે. પણ પછી તો આ પસ્તાવો વ્યર્થ સાબિત થાય છે, પેલી ઉક્તિની જેમ કે ‘અબ પછતાયે હોત ક્યા, જબ ચીડિયાં ચૂગ ગઈ ખેત!’. કોઈકે કહ્યું છે અને તે સાચું પણ છે કે સમતોલ જિંદગી જ માત્ર સમૃદ્ધિને લાંબો સમય જાળવી રાખવાની ચાવી સમાન છે.

દરેક પદાર્થને ત્રણ પરિમાણ હોય છે, પણ સાહિત્યિક પરિપ્રેક્ષ્યમાં અથવા અન્ય રીતે કહીએ તો માણસ માટે ‘સમય’ એ ચોથું પરિમાણ છે. આ પરિમાણ અદૃશ્ય હોવા છતાં તે હંમેશાં માણસની સાથે જ હોય છે. હવે આ સમયના પરિમાણનો ઉપયોગ માણસ પોતાની પ્રગતિ કે અધોગતિ માટે કેવી રીતે કરે છે તે જોવાનું હોય છે. વિલિયમ જ્યોર્જ પ્લન્કેટ (William George Plunkett) નોંધે છે કે ‘તમારી પાસે આજે જે સમય છે તેનાથી વધારે સારો બીજો કોઈ સમય તમને મળવાનો નથી.’ આપણી જિંદગી ક્રિકેટની રમત જેવી છે કે જેમ બેટ્સમેને દડાને યોગ્ય સમયે ફટકારવાનો હોય છે, તે જ રીતે આપણે આપણા જીવનમાં સમયને દૂરદર્શી અને ક્રિયાત્મક રીતે ઉપયોગમાં લેવાનો હોય છે. આપણે આપણા મગજમાં એ વાતને પણ સારી રીતે ધ્યાનમાં રાખવાની છે કે માત્ર દૂરંદેશી વિચારો ક્રિયાસ્વરૂપે ન પરિણમે તો તે દિવાસ્વપ્ન સમાન છે; અને એ જ રીતે દૂરદર્શી દૃષ્ટિકોણ વગર માત્ર એકલું કાર્ય જ કરવામાં આવે, તો તે નઠારા સ્વપ્ન (Nightmare) સમાન છે. તક એ આગમાં તપીને લાલ થએલા લોખંડ સમાન છે અને તે વખતે તમારો હાથ પહોંચે તેટલા જ અંતરે તેને ટીપી નાખવા માટેનો હથોડો હાજર હોવો જરૂરી છે. આપણે પળનો પણ વિલંબ કર્યા વગર હથોડાપ્રહાર કરી લેવો પડે અને તો જ આપણે તે લોખંડને ઈચ્છા મુજબનો ઘાટ આપી શકીએ. હંમેશાં એ યાદ રહે કે જીવનમાં પહેલી વાર આવેલી તક ફરી બીજી વાર આપણા બારણે ટકોરા મારશે નહિ. તદુપરાંત એ તક કેવી છે એવું કોઈ નિશ્ચિત મૂલ્ય તેના ઉપર છાપેલું હોતું નથી. વળી તકને ઓળખવી કે પારખવી એ પણ એટલું જ જરૂરી છે, કેમ કે તક કોઈક વાર ખુલ્લા ચહેરે તો કોઈક વાર છૂપા વેશે આવતી હોય છે.

ઉપર દર્શાવ્યા પૈકી શાસન કરવા કે ચલાવવા માટેની સત્તા પ્રાપ્ત થવી એ પણ એક તક ગણાય. શાસકીય સત્તા એ મજ્બૂત હથિયાર હોવા છતાં તેના વાપરનારા માટે તે જોખમી અને ખતરનાક પણ પુરવાર થઈ શકે. આપણને શાસકીય સત્તા કોઈ દેશ કે રાજ્યના શાસક (રાજા, પ્રમુખ કે વડા પ્રધાન્) તરીકે, કોઈ ખાતાંઓ કે સંસ્થાઓના અધિકારીઓ અથવા વહીવટકર્તા તરીકે કે પછી અન્ય કોઈ પ્રકારે પ્રાપ્ત થઈ શકે. આપણે ગમે તે પ્રકારના સત્તાધીશ હોઈએ, પણ આપણી સત્તાઓ હકદાર લોકોની તરફેણમાં અને ન્યાયી રીતે ઉપયોગમાં લેવાવી જોઈએ. ઈતિહાસ ગવાહ છે કે જે જે લોકોએ સત્તાસ્થાને બેસીને કે રહીને બીજાઓ ઉપર જુલ્મ કર્યા છે, તેમને છેવટે તો ભારે કિંમત ચૂકવવી પડી છે અને સરવાળે તેમનું પતન થયું છે. કોઈક કવિએ કહ્યું છે કે ‘એ રાજાઓ અને બાકીના બીજા બધા ક્યાં છે?/તેઓ બધા પોતપોતાના ભપકા અને દબદબાઓ સાથે નામશેષ થઈ ગયા.’ આ કંડિકાઓ એવા આપખુદ સત્તાધીશ લોકો માટે કેવી બંધબેસતી છે કે જેમને પોતાનાં પદ છોડવાની અને કાર્યાલય વગર જ સામાન્ય માણસના જેવી જિંદગી પસાર કરવા માટેની ફરજ પાડવામાં આવી છે. કેટલાકને દેશ છોડી જવાની નોબત આવી છે, તો કોઈકને પ્રજાનાં આંદોલનોના કારણે અથવા કોર્ટખટલાઓના ન્યાયને આધીન આજીવન કારાવાસ કે મૃત્યુદંડની સજાઓ ભોગવવી પડી છે.

આપણને ઈશ્વરકૃપાએ મનુષ્ય તરીકેની જિંદગી પ્રાપ્ત થવી એ પણ એક તક જ છે. આપણે આ દુનિયામાંથી એક જ વાર પસાર થવાનું છે. આપણે કરી શકવા સમર્થ હોઈએ તેવાં સારાં કાર્યો કરવાં જોઈએ અને જે કોઈ પ્રકારે આપણે દાખવી શકીએ તેવી ભલાઈ માનવીઓ પ્રત્યે દાખવવી જોઈએ. આપણે આપણા જીવનના જે માર્ગેથી પસાર થઈ રહ્યા છીએ, તે માર્ગેથી ફરી પસાર થવાના નથી. આપણું જીવન ક્ષણભંગુર છે અને અમુક વર્ષો સુધી આપણે જીવવાના જ છીએ તેવી આપણને કોઈ બાંહેધરી પણ મળી નથી. આપણી તૃષ્ણાઓ અને આપણા પુરુષાર્થો કદાચ આખી દુનિયાને આપણા બાહુઓમાં સમેટી લેવા કે પગ તળે લાવી દેવા ભલે આપણને પ્રોત્સાહિત કરે; પણ આપણે સમજી લેવું જોઈએ કે એ બધું વ્યર્થ છે, જેવી રીતે કે કોઈ મુરઘી આમતેમ ભટકતાં પોતાનાં બચ્ચાંઓને એકસાથે પોતાની પાંખોમાં ભેગાં કરી લેવા માટેની મથામણ કર્યે જ જતી હોય છે!

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version titled as “Lose and long on life long!” published on May 07, 2008.

 

Tags: , , , , , , , , , , , , ,

One response to “ગુમાવી દો અને જિંદગીભર ઝંખ્યા કરો!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: