RSS

જીવનસાથી

11 Feb

Click here to read in English

લગ્ન એ માત્ર સામાજિક રિવાજ જ નહિ, એક સંસ્કાર પણ છે. જગતભરની વિવિધ જ્ઞાતિઓના સમુદાયો કે સમાજો સર્વસંમત રીતે સ્વીકારે છે કે વ્યક્તિએ પુખ્તવયે પહોંચતાં પરણી જ જવું જોઈએ. આ ‘પરણી જ જવું’ શબ્દો સાર્થક કે પરિપૂર્ણ કરવા પહેલાં જીવનસાથીની પસંદગી કરવી પડે, જે વ્યક્તિના જીવનનું ખૂબ જ કપરું કાર્ય છે. સોક્રેટીસ કહે છે, ‘મારી તમને સલાહ છે કે પરણી જાઓ. જો તમને સારી પત્ની મળી, તો તમે સુખી થશો; અને જો તેમ ન બન્યું, તો તમે અવશ્ય તત્વચિંતક તો બનશો જ!’ આ વિધાન આત્મલક્ષી અને કટાક્ષમય પણ છે, કેમ કે સોક્રેટીસને તત્વજ્ઞાની બનાવવાનો ખરો જશ તેમની પહેલી પત્નીના ફાળે જાય છે કે જે સંભવતઃ ખૂબ જ ઝગડાખોર હતી. જો કે તેના પછીની બીજી પત્ની નામે ઝેન્થીપી (Xanthippe) બહુ જ ભલી હતી. ગમે તે હોય, પણ યુવાન પુરુષ કે સ્ત્રીને સમાન અધિકાર છે કે પોતે પોતાના માટે આદર્શ જીવનસાથીની પસંદગી કરી લે અને કોઈએ પણ તત્વજ્ઞાની બનવાની જરૂર નથી!

લગ્ન એ માનવજીવનમાં ખૂબ જ અગત્યનો સંબંધ છે. વળી, લગ્નને યોજનાર અર્થાત્ ગોઠવનાર વ્યક્તિ પણ એટલી જ અગત્યની બની જાય છે, ભલે પછી તે પોતે હોય કે માતાપિતા કે મિત્રો હોય. હવે આ લગ્ન સ્વયં કરી લેવામાં આવતું હોય કે બાહ્ય મદદ વડે કરવામાં આવતું હોય, પણ તે પહેલાં બંને પાત્રોએ એકબીજાને સારી રીતે ઓળખી લેવાં જોઈએ. લગ્ન એ સંવેદનશીલ અને ગંભીર બાબત છે. તે પરસ્પર ચાહનાર બે વ્યક્તિઓ વચ્ચેનું બંધન છે. આ બંને લગ્ન વડે બેમાંથી એક થાય છે, પ્રેમથી પરસ્પર જોડાય છે, સાથે મળીને પોતાના કૌટુંબિક જીવનને શરૂ કરે છે અને પોતાનું શેષ જીવન સાથે મળીને પસાર કરે છે. લગ્ન એ એકરાર (કબુલાત) છે અને તેની ઉભયના જીવન, કારકીર્દિ અને વ્યક્તિત્વ ઉપર મોટી અસર પડતી હોય છે.

હવે આપણે વિષયમાં આગળ વધીએ તે પહેલાં ટૂંકમાં લગ્નની આ પ્રક્રિયામાં માતાપિતાની ભૂમિકાની ચર્ચા કરી લઈએ. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થઈ શકે કે લગ્નની ગોઠવણી માતાપિતાએ જ કરવી કે પછી તેની જવાબદારી સંતાનો ઉપર છોડી દેવી. આ મુદ્દે મોટા ભાગના લોકો પોતાનો અભિપ્રાય માબાપના પક્ષમાં જ આપશે અને એ પણ એમની એ ઠોસ દલીલ સાથે કે તેઓ સંતાનો કરતાં વધારે અનુભવી અને સમાજમાં પોતાનું એક આગવું સ્થાન ધરાવતાં હોય છે. તેઓ લોકોને જ નહિ પોતાનાં સંતાનોને પણ સારી રીતે સમજી શકતાં હોય છે. વળી માબાપ હોવાના નાતે તેઓ પોતાનાં સંતાનોનું હંમેશાં ભલું જ ઈચ્છતાં હોય છે. આમ માબાપની પ્રતિષ્ઠા અને તેમના શાણપણ ઉપર આધાર રાખવામાં કોઈ જોખમ હોતું નથી. વળી સામાજિક બાબતોને પાર પાડવામાં તેઓ પરિપક્વ હોઈ, તેઓ કદીયે ઉતાવળિયો નિર્ણય લેશે નહિ અને પ્રેમલગ્નોમાં જોવા મળતી અતિ ભાવાત્મક લાગણીઓથી પણ તેઓ પ્રભાવિત થશે નહિ; કે જેથી ખોટી પસંદગીના કારણે ભવિષ્યે કોઈનેય પસ્તાવાનો વારો આવે.

પરીણિત જીવનને સફળ બનાવવામાં ઉભય પતિ કે પત્નીએ એકબીજાની ભૂલો કે મતભેદોને સ્વીકારી લેવાની તૈયારી રાખવી પડે. બંનેમાંથી કોઈએ પણ અન્યને પોતાના બીબામાં ઢાળવાનો પ્રયત્ન કરવો જોઈએ નહિ. પરણવું આસાન છે, પણ પરણ્યા પછી લગ્નને નિભાવવું મુશ્કેલ છે. પતિપત્ની વચ્ચેનો સંબંધ બહુ જ નાજુક હોય છે. લગ્ન એ પેલી વાત જેવું છે કે આપણે ઘોડાને પાણી સુધી લઈ જઈ શકીએ, પણ તેને પાણી પીવાની ફરજ પાડી ન શકીએ. લગ્નની વિધિ બે અજાણી વ્યક્તિઓને જોડી તો આપે, પણ લગ્નજીવનને સુમેળભર્યું, સદા વિકસતું રહેતું અને દીર્ઘજીવી બનાવવાનું કામ તો સંપૂર્ણપણે અને સંયુક્ત રીતે પતિપત્ની ઉપર જ અવલંબિત છે.

મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓએ જીવનસાથીની પસંદગી માટેની કેટલીક પદ્ધતિઓ તારવી કાઢી છે. આ પદ્ધતિઓ ખાસ કરીને એ બતાવે છે કે સભાનપણે કે સહજ રીતે વ્યક્તિની જીવનસાથીની પસંદગીમાં કયાં પરિબળો પોતાની ભૂમિકા ભજવતાં હોય છે. જીવનસાથીની પસંદગીની આવી પદ્ધતિઓ અનેક હોઈ શકે, પણ કેટલીક જુદાજુદા સમાજોમાં સર્વસામાન્ય અને પ્રચલિત જે છે તે નીચે પ્રમાણે છે :

(૧) મોટા ભાગની વ્યક્તિઓ જીવનસાથીની પસંદગીમાં પોતાના જ ધર્મ કે જ્ઞાતિના પાત્રને જ અગ્રીમતા આપતી હોય છે. આ પ્રથા કે પદ્ધતિ ખાસ કરીને પૂર્વના દેશોમાં વધુ જોવા મળે છે, જ્યાં વ્યક્તિની પોતાની ઈચ્છા કે માતાપિતાનો આગ્રહ કદીયે પોતાના આવા વર્તુળ બહારના પાત્ર માટે વિચાર સુદ્ધાં પણ કરશે નહિ. વળી અહીં જમાઈ કે પુત્રવધૂની સામાજિક કે આર્થિક સ્થિતિના ધોરણનો પણ વિચાર કરવામાં આવતો હોય છે. તેમના મતે સમધારણ લક્ષાંકનું અસમતુલન લગ્નની નિષ્ફળતાનું કારણ પણ બની શકે. વળી ધારો કે લગ્નવિચ્છેદની પરિસ્થિતિ ન આવે; તો પણ એટલું તો જરૂર બને કે તેમનું જીવન અસંતુષ્ટ માનસિક પરિસ્થિતિમાં પસાર તો થતું રહે, પણ ભવિષ્યે એવી ઘણી વિકટ સમસ્યાઓનો સામનો કરવાની નોબત આવે જેમાં મુખ્યત્વે વિચારોની વિસંગતતાના કારણે પોતાની સંતતિનો પ્રેમપૂર્વક યોગ્ય ઉછેર ન થઈ શકે.

(૨) આ પદ્ધતિ પહેલીના કરતાં સાવ વિરોધાભાસી છે. અહીં વ્યક્તિની જ્ઞાતિ, માન્યતા કે ધર્મ એમ કશા ઉપર ભાર મૂકવામાં આવતો નથી. વ્યક્તિ પોતાના જીવનસાથી તરીકે કોઈ એવા પાત્રને પસંદ કરે છે જે પોતાની નોકરીમાં સહકાર્યકર હોય, સહાધ્યાયી હોય અથવા કોઈ એક જ રહેઠાણ કે વિસ્તારમાં લાંબા સમયથી રહેતું હોય. તેઓ સતત એકબીજાના સંપર્કમાં આવતાં હોવાના કારણે એકબીજાથી પરિચિત થઈ જતાં હોય છે. તેમનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ છેવટે લગ્નમાં પરિણમતું હોય છે. આમ આ પ્રકારની પદ્ધતિમાં વાતાવરણ ખૂબ અગત્યનો ભાગ ભજવતું હોય છે. તેઓની રોજિંદી મુલાકાતો એક પ્રકારના આકર્ષણને વિકસાવે છે, જે પ્રિયપાત્રની પસંદગીના નિર્ણય ઉપર આવવામાં અસરકારક ભાગ ભજવે છે.

(૩) આને પૂરક કે પરિપૂર્તિ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં એક પાત્ર અન્ય પાત્રને એટલા માટે પસંદ કરે છે કે જેથી પોતાના વ્યક્તિત્વ, વ્યવસાય, શોખ, આર્થિક ક્ષમતા કે શારીરિક ખોડખાપણમાં સામેનું માણસ પૂરક કે મદદરૂપ બની રહે. આમ અહીં એકબીજાની જરૂરિયાત લક્ષમાં લેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો અહી વ્યક્તિનો પોતાના જીવનસાથીની પસંદગી દ્વારા પોતાની વ્યક્તિગત મર્યાદાઓ કે ઉણપોને દૂર કરવા, મદદરૂપ થવા કે પરિપૂર્ણ થવા દેવાનો વ્યવહારુ માર્ગ વિચારવામાં આવતો હોય છે. આમ પોતાના વ્યક્તિત્વના વિકાસ ઉપરાંત પોતાની અપેક્ષાઓને સંતોષવાનો ખ્યાલ અહીં મુખ્ય સ્થાને હોય છે.

(૪) આને માબાપની પ્રતિભાના પ્રભાવ તરીકેની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ બાળક પોતાના જન્મથી માંડીને પુખ્તવયે પહોંચે ત્યાં સુધી પોતાનાં માબાપની અસર હેઠળ રહેતું હોય છે. સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે પુત્રી પિતા તરફ અને પુત્ર માતા તરફ વધુ આકર્ષાય છે. આમ જે તે છોકરા કે છોકરી માટે પોતાનું વિજાતીય વડીલ (માતા કે પિતા) તેમનો આદર્શ બની જાય છે. છોકરી એમ વિચારતી થઈ જાય છે કે પોતે એવા પુરુષને પરણશે કે જેનાં લક્ષણો પોતાના પિતાનાં લક્ષણો સાથે મળતાં આવતાં હોય. તે જ પ્રમાણે છોકરાની પસંદગી એવા સ્ત્રીપાત્ર તરફ ઢળતી હોય છે કે જેનાં લક્ષણો પોતાની માતાનાં લક્ષણો સાથે સામ્ય ધરાવતાં હોય. આ પ્રકારનું સંતાનોનું માનસિક વલણ જાણતાં કે અજાણતાં કુદરતી રીતે જ વિકસતું હોય છે અને તે પ્રમાણે જીવનસાથીની પસંદગી ટાણે પોતાના આવા માપદંડના અનુસરણની અસર પડતી હોય છે.

ઉપરોક્ત પદ્ધતિઓ વિદ્વાન કે વિદુષી વ્યક્તિઓ દ્વારા તારવી કાઢવામાં આવી છે અને એ બધીને આપણા જીવાતા વાસ્તવિક જીવન સાથે કોઈ લેવદેવા નથી. આપણું જીવન એ કંઈ પ્રયોગશાળા નથી, કે જ્યાં આવા પ્રયોગો કરી શકાય, સરખામણીઓ થાય, અભ્યાસ થાય કે પછી એવાં પરિણામો મેળવવામાં આવે અને આપણા જીવનસાથીની પસંદગીની સમસ્યાને આપણે હલ કરી શકીએ. કેટલાક ધર્મપરાયણ માણસો માનતા હોય છે કે આપણું સંભવિત જીવનસાથી સ્વર્ગમાંથી જ નક્કી થઈ જતું હોય છે. અહીં આપણે તેવા લોકોની પણ કોઈ ટીકાટિપ્પણી નહિ કરીએ, પણ તેમની માન્યતાઓથી પર રહીને, જીવનસાથીની પસંદગીના આ ભારે કાર્યને હળવું બનાવવા માટેના કેટલાક વ્યવહારુ માર્ગો વિષે આપણે વિચારીશું.

અહીં નીચે હું મારાં કેટલાંક સૂચનોને એક ‘વિશિષ્ટ રીત’ વડે રજૂ કરવાનું પસંદ કરીશ કે જીવનસાથીની પસંદગીના કિલ્લાને આસાનીથી સર કરવા આપણે કઈ કઈ સાવધાનીઓ વર્તવી જોઈએ અને કયા કયા માપદંડોને અનુસરવું જોઈએ. વચ્ચે એક જોખમી પરિબળની સ્પષ્ટતા કરી લઉં કે અહી આપવામાં આવનાર આડકતરાં સૂચનો એ માત્ર સૂચનો જ છે, કોઈ ચુસ્ત નિયમો કે અધિનિયમો રૂપે તેમને સમજવાનાં નથી. બીજું, આ મંતવ્યો કે વિચારો માત્ર ગોઠવણીથી કરવામાં આવતાં લગ્નોને જ લાગુ પડે છે, પણ જે કોઈ યુગલો પ્રેમપ્રકરણના પરિણામ રૂપે પ્રેમલગ્નથી જોડાવાની મહેચ્છા ધરાવતાં હોય તેઓ આવાં ધોરણોને જાળવવા કે પાળવાથી સાવ મુક્ત છે. હું ઉપરના મારા ‘વિશિષ્ટ રીત’ શબ્દોની અહીં યાદ અપાવું છું અને આશા રાખું છું કે આપ સૌ મારા તરફથી એ કથનો અંગેના કોઈ અર્થઘટનની પણ અપેક્ષા રાખશો નહિ. મારા માર્ગદર્શક વક્તવ્યને સહાયક એવાં કેટલાંક અવતરણો કે વર્ણનો હવે આપને વાંચવા મળશે જેના વિષે આપે પોતે જ ઊંડો વિચાર કરી લઈને તેમાં રહેલાં ગર્ભિત સૂચનોને તારવી લેવાં પડશે. મને ખાત્રી છે કે અવતરણોમાં કરવામાં આવેલા પરોક્ષ ઈશારાઓને આપ ધ્યાનમાં લેશો, તો આપ જીવનસાથીની પસંદગી શાણપણપૂર્વક અને સફળતાપૂર્વક કરી શકશો અને જેના થકી આપનું ભાવી વિવાહિત જીવન શાંતિમય અને સુખમય નીવડશે જ. હવે, આગળ વાંચો :

(૧) ‘કોઈ પણ શાણું પક્ષી કદીયે કેદી બનશે નહિ, ભલે ને પછી તેને પકડવા માટેની જાળ રેશમના દોરાઓથી ગૂંથવામાં આવી હોય!’ (એક પર્શિયન કાવ્યકંડિકા)

(૨) ‘શા માટે આપણે એવી ચિંતા કરવી જોઈએ કે બ્રેડ (પાઉંરોટી) ના કયા ભાગે માખણ લગાવવામાં આવ્યું છે, જ્યારે કે આપણે તેના બંને ભાગ ખાઈ જ જવાના હોઈએ!’ (કોઈક અજાણ્યો સ્રોત)

(૩) ‘ભલે આપણા મગજમાં પ્રશ્નોની હારમાળા ખડી થઈ જાય, પણ આપણે તેમાંથી ફક્ત ખૂબ જ અગત્યના પ્રશ્નો તારવી કાઢવા જોઈએ અને તેમના જ જવાબો શોધી કાઢવાની કોશીશ કરવી જોઈએ.’ (લેખક)

(૪) ‘એવી કોઈ વ્યક્તિને પરણશો નહિ, જેની સાથે તમે ત્રણ દિવસની લાગલગાટ બસની સફર કરી શકો નહિ!’ (અજાણ્યા સ્રોતનું રમુજી કથન)

(૫) ‘જીવનસાથીની પસંદગીમાં વ્યક્તિ સ્વતંત્ર છે કે કાં તો પોતે અંતરાત્માના અવાજને અનુસરે અને માતાપિતા કે સમાજ સામે બંડ પોકારે, કે પછી તેમના આગળ ઘૂંટણિયાં ટેકવીને પોતે શરણે થઈ જાય!’ (લેખક)

(૬) ‘પોતાની કોઈપણ સમસ્યા માટે વ્યક્તિ પોતાના ખુદના જ શ્રેષ્ઠ નિર્ણયને ઉપયોગમાં લે તેમાં જ શાણપણ છે.’ (લેખક)

(૭) “Divorce – Legal, but undesirable!” (લેખકનો ૨૭-૦૫-૨૦૦૭નો અંગ્રેજીમાં આર્ટિકલ) તથા “છૂટાછેડા, કાયદેસર પણ અનિચ્છનીય” (લેખકનો ૧૯-૧૨-૨૦૦૯ નો ગુજરાતીમાં અનુવાદિત આર્ટિકલ). જો આ આર્ટિકલ વાંચવાના રહી ગયા હોય, તો લેખકનું નમ્ર સૂચન છે કે સમય કાઢીને પણ વાંચવા જેવા ખરા! આ વિચિત્ર નથી કે ‘ગાડાની પાછળ બળદને જોતરવો!; એટલે કે, ‘લગ્ન પહેલાં છૂટાછેડા!’ની વાત કરવી? પણ, આ તો પાણી પહેલાં પાળ બાંધવા જેવું છે.

(૮) “No life without wife” (પત્ની વગર જીવનનો કોઈ અર્થ નહિ!) એ સાચું; પણ, “A bad wife is a good knife to cut a married life easily” is equally true. (ખરાબ પત્ની એ સારું ચપ્પુ છે કે જે આસાનીથી વિવાહિત જીવનને કાપી શકે!) એ પણ એટલું જ સાચું છે! સાથે સાથે એ પણ યાદ રાખવું ઘટે કે ‘ખરાબ પતિ’ પણ મોટું ચપ્પુ (Bigger knife) બની શકે, જે આંખના પલકારામાં બધું જ ખતમ પણ કરી શકે!’ (લેખક)

(૯) ‘ચહેરા ઉપર કૃત્રિમ હાસ્ય ધારણ કરી રાખવું’ તે એક કળા છે અને વિવાહિત જીવનમાં નિષ્ફળ પતિએ કે પત્નીએ ઈચ્છાએ કે અનિચ્છાએ તે કળા પ્રદર્શિત કરતા જ રહેવું પડે!’ (લેખક)

(૧૦) ‘નાટક એનું નામ જેમાં જીવનના નીરસ ભાગોને કાઢી નાખવા પડે!’ (આલ્ફ્રેડ હિચકોક – Alfred Hitchcock); પણ આને આમ પણ વાંચી શકાય કે ‘જીવન એક એવું નાટક છે જેમાં નીરસ ભાગોને કાપી નાખવામાં આવતા નથી! (લેખક)

(૧૧) ‘પતિ અને પત્ની વચ્ચે એકબીજાથી કોઈ ગુપ્તતાઓ રહેવી જોઈએ નહિ. લગ્નના બંધન વિષેનો મારો ખૂબ ઊંચો મત છે. મારું માનવું છે કે પતિપત્નીએ એકબીજામાં ઓતપ્રોત થઈ જવું જોઈએ. તેઓ બેમાં એક અને એકમાં બે રહેવાં જોઈએ. (મહાત્મા ગાંધી)

(૧૨) ‘પ્રેમનો અર્થ એ નથી કે બંનેએ માત્ર એકબીજાની તરફ જોઈ રહેવું જોઈએ, પણ સાચું તો એ છે કે તેમણે સાથે મળીને એક જ દિશામાં જોવું જોઈએ.’ (એન્થની ડી સેંટ એક્ષ્યુપરી – Antonne de Saint-Exupery)

(૧૩)’એવી વ્યક્તિને પરણો નહિ કે જ્યાં તમે માનતા હો કે તમે તેની સાથે જ જીવી શકશો; પણ ખરેખર તો તેને જ પરણો કે જેના વગર તમે જીવી શકો નહિ.’ (ડો. જેમ્સ સી. ડોબ્સન – Dr. James C. Dobson)

(૧૪) ‘સફળ લગ્નજીવનનો તકાજો એ છે કે માણસે વારંવાર એની એ જ વ્યક્તિ સાથે પ્રેમમાં પડવું પડે!’ (મિગ્નન મેકલાફલીન – Mignon McLaughlin)

(૧૫) ‘લગ્ન એ પુરુષ અને સ્ત્રી વચ્ચેનો એક એવો સંબંધ છે કે જેમાં બંનેને સ્વાવલંબન સરખું હોય, પરાવલંબન અરસપરસ હોય અને આભારવશતા એકબીજાની આપલે રૂપે હોય.’ (લુઈસ કે. અન્સપેકર – Louis Anspacher)

(૧૬) ‘સંબંધો અને લગ્નો ત્યારે જ નષ્ટ થાય છે જ્યારે કે એક પાત્ર શીખવાનું, વિકસવાનું અને વૃદ્ધિ પામવાનું ચાલુ રાખે છે અને બીજું પાત્ર સ્થિર ઊભું રહે છે.’ (કેથરિન પલ્સીફર – Catherine Pulsifer)

(૧૭) ‘પરીણિત જીવન (Wedlock)માં મુશ્કેલી એ હોય છે કે તેમાં પરણેલા હોવાનું (Wed) ઓછું અને બંધન (Lock) વધારે હોય છે.’ (ક્રિસ્ટોફર મોર્લે – Christopher Morley)

દરમિયાન, ઉપરોક્ત અવતરણો અને વર્ણનોમાં છુપાએલા વિચારોના ઊંડાણમાં ડુબકીઓ મારવા આપ સૌને છોડી દઈને અત્રેથી હું વિદાય લઈશ,

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version titled as “Life Partner” published on February 09, 2008.

 
2 Comments

Posted by on February 11, 2010 in Article, લેખ, Culture, gujarati, Human behavior

 

Tags: , , , , , , , , , , , , , , ,

2 responses to “જીવનસાથી

  1. DR. CHANDRAVADAN MISTRY

    March 2, 2010 at 12:42 am

    I read this Post…..Gave different thoughts on Marriage. All seem to give guide the Humans towards the Path of MARRIAGE…ie One Male & one Female making a decision to spend the Life together as PARTNERS…..This was done deal if the idea was BLESSED by the Society…..now it MUST be also blessed by the Government to be LEGAL Union.
    But…is necessary that a MAN & a WOMAN must marry ? Or, if they must marry as it GOD-Planned to continue the Human Race or it makes HUMAN sense to marry ?
    Let the readers chose the REASON /NEED for the MARRIAGE, & I will try to explore what may be a TRUE or SUCCESSFUL Marriage. Valibhai had given lots of thoughts on this issue. An OLD ARRANGED or Marriage after LOTS of DATINGS (LOVE ) can be equally OK as long as 2 BECOMES ONE in their UNDERSTANDING of eachother, in which there is lot of FLEXIBILTY (with give & take ).Why one is brought close to another..leading to KNOWING, & then LOVING eachother is said to be coincidental (in Human Terms ) or may be GOD-Planned…..? I do not have the answer..I leave that to the READERS to choose ! There are successful Marriages in BOTH ROUTES.
    Now, let me say finally>>>>I believe WE are all ANIMALS..some MALES , some FEMALES…But We as HUMANS have our OWN Guidance…& not the Rules of Jungle to follow….Let all be WISE, UNDERSTANDING of eachother & make every Marriage HAPPY & a LIFE-TIME Event !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Valibhai Please DO visit/comment on Chandrapukar !

    Like

     
  2. Sharad Shah

    May 24, 2011 at 12:11 pm

    On Marriage
    Kahlil Gibran

    You were born together, and together you shall be forevermore.
    You shall be together when the white wings of death scatter your days.
    Ay, you shall be together even in the silent memory of God.
    But let there be spaces in your togetherness,
    And let the winds of the heavens dance between you.

    Love one another, but make not a bond of love:
    Let it rather be a moving sea between the shores of your souls.
    Fill each other’s cup but drink not from one cup.
    Give one another of your bread but eat not from the same loaf
    Sing and dance together and be joyous, but let each one of you be alone,
    Even as the strings of a lute are alone though they quiver with the same music.

    Give your hearts, but not into each other’s keeping.
    For only the hand of Life can contain your hearts.
    And stand together yet not too near together:
    For the pillars of the temple stand apart,
    And the oak tree and the cypress grow not in each other’s shadow.

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: