RSS

દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ – એક ચર્ચા

17 Feb

Click here to read in English

આજના મારા લેખનો વિષય અનહદ ગૂંચવણભર્યો અને મુશ્કેલ પણ છે અને તેથી જ તેના કોઈ નક્કર તારણ ઉપર ન પણ આવી શકાય. આ એક લાંબા સમયથી ચાલી આવતી અને વિરોધભાસી ચર્ચા છે જેનો કોઈ અંત નથી, કેમ કે બંને વિચારધારાઓ પાસે પોતપોતાની પોતાના મતની તરફેણમાં અને વિરુદ્ધમાં સેંકડો દલીલો છે. અહીં મારા વાંચકો આ ચર્ચાના ભાગરૂપ મારા પ્રમાણિક પ્રયત્નને જોઈ શકશે, જેમાં મેં મારા પક્ષે પૂરી તટસ્થતા જાળવી રાખી છે અને ચર્ચાના સંભવિત પરિણામને મારી સંમતિ કે અસંમતિની કોઈ મહોર પણ મારી નથી. ‘દયા-હત્યા’ જેને અન્ય સારા શબ્દોમાં ‘અસાધ્ય વેદનામય દર્દથી પીડિત દર્દીનું શાંતિપૂર્વક મોત નિપજાવવું’ કહી શકાય. આ મુદ્દે ઘણાં વર્ષોથી વિશ્વભરમાં ચર્ચાઓ થતી આવી છે અને હું પણ અહીં અન્યોની જેમ આ ચર્ચામાં દાખલ થઈ રહ્યો છુ. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે,’આપણું જીવન એ દીર્ઘ અને મથામણયુક્ત સત્યની શોધ માટે છે.’ મારા અગાઉના કોઈક આર્ટિકલમાં મેં કહ્યું છે કે ‘આપણે સત્યના કોઈ એક અંશ (A Truth) સુધી કદાચ પહોંચી શકીએ, પણ પૂર્ણ સત્ય (The Truth)ને પામવું તો મુશ્કેલ હોય છે.’

હવે આપણે એ સમજીએ કે આ પ્રકારની હત્યા કે મોત એ છે શું! મારા લેખના શીર્ષકમાં ‘દયા’ અથવા ‘દયાપૂર્ણ’ શબ્દો સામાન્ય છે; પરંતુ ‘હત્યા’ અને ‘મૃત્યુ’ શબ્દો ભિન્ન છે, જેમનો એક જ અર્થ ‘જીવનનો અંત આણવો’ એમ જ લેવાનો છે. મેં ઈન્ટરનેટના માધ્યમથી આ વિષય ઉપરની બે વ્યાખ્યાઓ તારવી કાઢી છે : (૧) વ્યક્તિના જીવનનો તેની વિનંતીથી ઈચ્છાનુસાર, સરળ અને પીડારહિત અંત આણવો, જ્યારે કે તે અસાધ્ય અને પીડાજનક રોગથી પીડિત હોય. (૨) ઈરાદાપૂર્વક પીડિત કોઈ વ્યક્તિના જીવનનો દયાથી પ્રેરાઈને અન્યો દ્વારા અંત લાવવામાં આવે..

આ બંને વ્યાખ્યાઓ જુદી જુદી રીતે એક જ વાતને રજૂ કરે છે; પણ હું પહેલીને ‘દયાપૂર્ણ મૃત્યુ’નું નામ આપીશ, જ્યારે બીજીને ‘દયા-હત્યા’ કહેવાનું પસંદ કરીશ. શા માટે? તો દેખીતું જ છે ‘દયાપૂર્ણ મૃત્યુ’માં જીવનને ટૂંકાવી નાખવાની પ્રક્રિયામાં મરનારની સંમતિ સમાવિષ્ટ હોય છે; પણ બીજા પ્રકારમાં આવુ હોતું નથી, કેમ કે ત્યાં નિર્ણય કે ક્રિયા દર્દી સિવાય અન્યો દ્વારા લેવાય કે થાય છે અને તેથીજ આમાં ‘હત્યા’નો અર્થ પડઘાય છે. ‘દયાપૂર્ણ મૃત્યુ’ એ ‘દયા-હત્યા’ ત્યારે જ બની જાય છે, જ્યારે દર્દી લાંબી બેભાનાવસ્થા (માનસિક રીતે મૃતાવસ્થા)માં સરકી જાય અથવા દર્દી બોલી શકવા અસમર્થ એવું બાળક હોય કે પછી એવું બાળક કે જે હજુ સુધી માતાના ગર્ભમાં જ હોય અને આમ આવા કિસ્સાઓમાં જે-તેની ઈચ્છા કે સંમતિનો કોઈ અવકાશ રહેતો ન હોય..

ઘણાં આરોગ્યને લગતાં સંગઠનો, નીતિ કે જીવનંમૂલ્યોના વિકાસ અને સંવર્ધનનાં કાર્યો કરતી બિનસરકારી સંસ્થાઓ, સરકારો અને તેમની ન્યાય વ્યવસ્થાઓ (અદાલતો) અને ઘણા માનવતાવાદી વિચારો ધરાવતા વિશ્વભરના લોકો દ્વારા ‘દયા-હત્યા’ કે ‘દયાપૂર્ણ મૃત્યુ’ ગમે તે નામે ઓળખાતી માનવજિંદગીનો અંત લાવવાની આ ક્રિયાને સમર્થન આપવામાં આવતું નથી. આ બધાયની ભિન્નભિન્ન દલીલો હોય છે જેવી કે નીતિમત્તા વિરોધી કૃત્ય હોવું, આમસંમતિનો અભાવ હોવો, મેડિકલ વ્યવસાયનાં પ્રસ્થાપિત ધોરણોનું પ્રમાણિક પાલન ન થવું, કુદરતી રીતે મનુષ્યનો જીવન જીવવાનો અધિકાર કે જ્યાં સુધી તેને જીવતો રાખવાની ઈશ્વરની ઈચ્છા હોય અને પોતે જ જીવવા સમર્થ હોય વગેરે.

પરંતુ આદર્શો અને વાસ્તવિકતાઓ સાવ જુદાં જ હોય છે. આ પ્રકારના કૃત્યને વખોડી કાઢવું તે એ લોકો માટે સહેલું છે કે જેઓ જીવનમાં કદી આવી વિકટ પરિસ્થિતિમાં મુકાયા નથી અને જેમને આવા કોઈ કઠોર નિર્ણય લેવાના પ્રસંગોની મૂંઝવણમાં આવવું પડ્યું નથી. ‘દયાપૂર્ણ મૃત્યુ’ કે ‘દયા-હત્યા’ના નિર્ણયે પહોંચવા માટે મજબૂત કારણો હોવાં જરૂરી છે. આ કારણોમાં મુખ્યત્વે અસહ્ય પીડા, શારીરિક બિનકાર્યક્ષમતા અને સૌષ્ઠવપૂર્ણ જીવન જીવવાની શક્યતાનો સદંતર અભાવ હોવાં જ જોઈએ. ચાર્લ્સ ડાર્વિન (Charles Darwin)ના સિદ્ધાંત મુજબ આપણે કહી શકીએ કે ‘દયા-હત્યા કે દયાપૂર્ણ મૃત્યુ’ ને પાત્ર વ્યક્તિ જીવવા માટે સમર્થ નથી. ઉપરોક્ત કારણો સિવાયનાં ‘સારવાર લાંબી અને વધારે સમય માગી લે તેવી છે’ જેવાં અન્ય વાહિયાત કે કમજોર કારણો કદીય સ્વીકાર્ય બની શકે નહિ.

આમ જિંદગીને સ્થગિત કરી દેવાનું કામ દર્દી અને/અથવા કુટુંબીજનો, ડોક્ટરો, દેશના કાયદાઓ અને ન્યાયતંત્ર એ બધાના સામૂહિક નિર્ણયથી પાર પાડવામાં આવતું હોય છે. આ દુ:ખદાયક અને કઠોર કામગીરી ત્યારે જ હાથ ઉપર લેવાય, જ્યારે બીમારી કે તકલીફ દૂર કરવા માટેના સઘળા પ્રયત્ન કારગત નીવડે તેમ ન હોય. આમાં વિશેષ કશું જ નહિ, માત્ર ડોક્ટરી સારવાર કે જીવનસહાયક ટેકારૂપ વ્યવસ્થાને અટકાવી કે ખેંચી લેવામાં આવતી હોય છે. કેટલાક લોકોના મતે આવી સહાયક કે પૂરક વ્યવસ્થાને સ્થાપિત કરવી એ કંઈ જિંદગી બચાવવાનું કાર્ય બનતું નથી અને તે જ પ્રમાણે એ વ્યવસ્થાને રોકી દેવાથી કોઈ હત્યાનું નિમિત્ત બનતું નથી. કોઈકવાર મેડિકલ ક્ષેત્રમાં માન્ય એવી લેથલ (Lethal) ઈન્જેક્શન જેવી મારક પદ્ધતિ પણ ઉપયોગમાં લેવાય છે. પહેલી નજરે આ કામ પાર પાડનાર ડોક્ટર દ્વારા દર્દીની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી રહી હોય તેવું લાગે, પણ વાસ્તવમાં એવું નથી. આ તો લાંબા સમયથી પીડાતી વ્યક્તિનો ડોક્ટરની મદદથી કરવામાં આવતો આપઘાત માત્ર જ છે. આ ક્રિયા હત્યા ન બનતાં માત્ર દર્દી પ્રત્યેની કરૂણા કે દયાનું કામ બને છે. આને આપણે દર્દીની લેવામાં આવતી કાળજીના એક ભાગરૂપ પણ ગણી શકીએ.

મારા કથનની વચ્ચે જ મારા વાંચકોને નિખાલસતાપૂર્વક જણાવી દઉં કે આ માહિતીપૂર્ણ લેખ બદલ મારી પ્રશંસાના કોઈ શબ્દો કહેવાય કે મારી પીઠ થાબડવામાં આવે તેવી કોઈ અપેક્ષા હું રાખતો નથી, કેમ કે હું જે કંઈ વાંચનસામગ્રી અહીં આપી રહ્યો છું તેનો ખરો જશ મારા કુટુંબના સભ્યો ડો. ઝૌહરીન એ. મુસા, M.D. (Radiologist) (Gold Medalist) અને ડો. અનિશ મુસા, M.S. (Ophthalmologist)ના ફાળે જાય છે. તેમણે મને આ લેખ માટે જરૂરી એવી કેટલીક માહિતી પૂરી પાડી છે અને વિશેષે કરીને તો હવે પછી નીચે આવનારા લખાણમાં મને મદદ કરી છે.

હવે હું જન્મ ન પામેલાં ગર્ભસ્થ બાળકો વિષેની ચર્ચા હાથ ધરીશ. હાલની મેડિકલ ક્ષેત્રની વિકસેલ ટેકનોલોજી હેઠળ જન્મ પહેલાં જ બાળકના માથા, ચહેરા, હાથ, પગ વગેરેની જન્મગત ખામીઓની જાણકારી મેળવી શકાય છે. આમાં ગંભીર પ્રકારના કિસ્સાઓમાં માતાના ઉદરમાં પૂર્ણવિકસિત બાળકના અને કુટુંબના હિતમાં જરૂરી લાગે તો ભલે કમકમાટી ઉપજે તો પણ ગર્ભપાત દ્વારા બાળકની દયા-હત્યા કરી શકાય તેવું કેટલાક માનતા હોય છે અને એ કૃત્યને સમર્થન પણ આપતા હોય છે. આ માનવા પાછળ તેમની સબળ દલીલ એ હોય છે કે આવી માતાને ગર્ભપાત કરાવી શકવાનો પૂર્ણ અધિકાર છે અને તેને આમ કરતાં અટકાવી શકાય નહિ.

હવે મેડિકલ અને નૈતિક પરિભાષામાં ગર્ભસ્થ પૂર્ણવિકસિત બાળક અને નવીન જન્મેલ બાળકમાં કોઈ ફરક સમજી શકાય નહિ, અર્થાત બંને સજીવ અને સંપૂર્ણ જ છે. પણ, સમસ્યાના આવા કિસ્સાઓમાં મુશ્કેલી એ હોય છે કે જ્યાં સુધી બાળકના અવયવો પૂર્ણ વિકસિત સ્થિતિમાં ન આવે ત્યાં સુધી તેની ખામીઓ કે સ્વસ્થતાઓ વિષે જાણી શકાય નહિ. આમ વ્યાજબી સંજોગોમાં ગર્ભપાત જરૂરી જ બની જાય, પછી ભલે ને તે નવીન જન્મેલ બાળકની જાણે કે હત્યા કરવામાં આવી રહી છે તેમ લાગતું હોય! અહીં એક સ્પષ્ટ અને વિચારશીલ બાબત એ છે કે કોઈપણ સંજોગોમાં બાળકના જાતિપરીક્ષણના હેતુસર કદીય ગર્ભપાત કરી કે કરાવી શકાય નહિ, કેમ કે તે ઈશ્વરની નજરે અને દેશના કાયદા હેઠળ ગુનાહિત કૃત્ય છે

આજકાલ પ્લાસ્ટિક અને રીકન્સ્ટ્ર્કટીવ સર્જરી એ મેડિકલ ક્ષેત્રની એક મોટી સિદ્ધિ છે, જેના વડે બાળકની શારીરિક ખામીઓને સુધારી શકાય છે અને ખાસ કરીને ફાટી ગએલા હોઠ કે તાળવાં, માથાનો અસાધારણ આકાર કે જડબાંની વિસંગતતા વગેરેને ઠીક કરી શકાય છે. માત્ર કદરૂપો ચહેરો એ ગર્ભહત્યા માટેનું સબળ કારણ નથી. ટૂંકમાં કહીએ તો ગંભીર ખામીઓ ધરાવાતાં ન જન્મેલાં બાળકોના પોતાના અને તેમના કુટુંબના હિતમાં દયા-હત્યાને વ્યાજબી ઠરાવી શકાય. ભલે તે કાર્ય દુ:ખદાયક લાગતું હોય,પણ અલગ દૃષ્ટિબિંદુએથી જોતાં તેને આવકાર્ય ગણવું જોઈએ.

મારા આ લેખના સમાપન પૂર્વે હું જગતભરનાં હયાત અને અવસાન પામેલાં સકળ એ માતાપિતાને મારા પ્રશંસાના શબ્દો વડે નવાજીશ કે જેમણે ગર્ભપાતની ડોક્ટરી સલાહ મળી હોવા છતાં પણ તેમનાં નિ:સહાય ખામીયુક્ત બાળકોને જન્મવા દીધાં હશે. એ લોકોએ જન્મ પામનાર બાળકો અને પોતાનાં કુટુંબો માટે પડકારજનક ભાગ્યપરીક્ષામાંથી પસાર થવાની હિંમત દાખવવી પડી હશે. કેટલાકે તો ઋણ મેળવીને અથવા તો પોતાનું અઢળક ધન ખર્ચીને પણ પોતાનાં સંતાનોને વારંવાર કરાવવી પડતી અતિ ખર્ચાળ શસ્ત્રક્રિયાઓ પાછળ પારાવાર દુ:ખ પણ વેઠ્યાં હશે. ખાસ કરીને સલામ તો એ માતાઓને કે જેમણે પોતાનાં ગર્ભસ્થ બાળકોને જોયા વગર જ વાત્સલ્યભાવે જન્મવા દીધાં હશે અને આ દુનિયાની તાજી હવાના શ્વાસ લેવા દીધા હશે.

છેલ્લે તો મારે માત્ર એટલું જ કહેવાનું કે આ લેખમાં ચર્ચવામાં આવેલો વિષય નિરંતર જેની ચર્ચા ચાલુ જ રહે તેવી કક્ષામાં આવે છે; કેમ કે તે નાજુક, અટપટો, સંવેદનશીલ અને પૂર્ણત: આત્મલક્ષી છે.

આશા રાખું કે માતાપિતાને લક્ષમાં રાખીને લખવામાં આવેલા આ લેખના ઉત્તરાર્ધની મુક્ત મને ચર્ચાઓ થતી રહે.

વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version titled as “Mercy Killing or Merciful Death – A Debate” published on January 25, 2008.

 

Tags: , , , , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: