સલામ, ફ્રાન્સિસ ડિસોઝા યુગલને સલામ…
Click here to read in English
મારો અગાઉનો આર્ટિકલ “Mercy killing or merciful death – A debate” (દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ – એક ચર્ચા)ને મારા વાંચકો તરફથી સારો પ્રતિભાવ મળતાં તેની Hits નો આંક ૧૪૦૦ થી વધુ પહોંચી ગયો, જે મારા તે અગાઉના સર્વોચ્ચ સ્થાને સ્થિત એવા આર્ટિકલ – “Power of Determination” (દૃઢ નિશ્ચયની તાકાત)ને પણ આંબી ગયો. “Mercy killing or merciful death – A debate” ને પ્રતિભાવ રૂપે મળેલી ૧૦ કોમેન્ટ પૈકી એક કોમેન્ટ મારા પુત્ર અને અમદાવાદ ખાતેની અમારી ‘Hotel Safar Inn’ના ડાયરેક્ટર અકબરઅલીની પણ હતી. તેણે પોતાની કોમેન્ટમાં મારા આજના વિષય ઉપર આર્ટિકલ લખવા મને પ્રોત્સાહિત કર્યો છે. મિ. ફ્રાન્સિસ અમારી હોટલના ખૂબ જ ઉત્સાહી અને પ્રમાણિક જનરલ મેનેજર છે. અમે સૌ તેમને એક કર્મચારી તરીકે નહિ, પણ અમારા કુટુંબના જ સભ્યની જેમ ગણીએ છીએ..
‘દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ -એક ચર્ચા’ના અંત ભાગે મેં જગતભરનાં હયાત કે અવસાન પામેલાં એવાં માતાપિતા અને મુખ્યત્વે તો માતાઓને બિરદાવી હતી કે જેમણે પોતાના ઉદરમાં વિકસતાં ગંભીર રીતે ખામીયુક્ત બાળકોને ગર્ભપાતની ડોક્ટરી સલાહ હોવા છતાં પોતાની કૂખે જન્મવા દીધાં હોય. આવાં લોકોએ બાળકના અને પોતાના કુટુંબના ભાગ્ય સામે લડી લેવાના પડકારને ઝીલી લીધો ગણાય. નિ:સહાય બાળકો પ્રત્યેના પોતાના વાત્સલ્યભાવના કારણે તેમની અતિ ખર્ચાળ અને વારંવાર કરાવવી પડતી પ્લાસ્ટિક અને રીકન્સટ્રક્ટીવ સર્જરી માટે પોતાનાં કે ઊછીનાં લીધેલાં અઢળક નાણાં ખર્ચ્યાં હોય.
હવે આ આર્ટિકલમાં હું ઉપર ઉલ્લેખાએલાં એવાં માબાપ પૈકીનાં જ એક એવાં શ્રીમતી અને શ્રી ફ્રાન્સિસ ડિસોઝાને ખાસ અહીં સલામ કરું છું, એટલા માટે કે તેમણે પોતાના વ્હાલસોયા પુત્ર નીલની સુશ્રૂષા માટે સતત સંઘર્ષ કર્યો છે. આ દંપતીએ પણ ગર્ભપાતના વૈકલ્પિક સૂચનને અવગણીને નીલને જન્મવા દીધો. હું ખાસ તો મારો ઉચ્ચતમ આદરભાવ શ્રીમતી ડિસોઝા પરત્વે વ્યક્ત કરું છું કે જેમને બાળકના જન્મ અગાઉ જ અલ્ટ્રાસાઉન્ડ અને અન્ય ટેસ્ટ દ્વારા વાકેફ કરી દેવામાં આવ્યાં હતાં કે બાળકને ચીરાએલા હોઠ અને તાળવાની ખામી છે; તેમ છતાંય તેમણે પોતાના પુત્રને દુનિયાની તાજી હવાનો શ્વાસ ભરવા માટે જન્મવા દીધો હતો.
વચ્ચે હું રિકી લી સેન્ડરસન (Ricky Lee Sanderson)ને ટાંકીશ કે જેને ૩૦ જાન્યુઆરી, ૧૯૯૮માં અમેરિકાના નોર્થ કેરોલીનામાં ૧૬ વર્ષની એક છોકરીની હત્યા બદલ લેથલ ગેસ વડે દેહાંતદંડ આપવામાં આવ્યો હતો. તેણે છેલ્લા શબ્દો આ પ્રમાણે ઉચ્ચાર્યા હતા કે ‘આ દેશમાં ૩૩ મિલિઅન બાળકોને ગર્ભપાતથી મારી નાખવામાં આવ્યાં છે તેમની યાદમાં મેં મારી જિંદગીનું છેલ્લું ભોજન લીધું નથી. તેઓ બિચારાં કોઈ જ કારણ વગર મારી નંખાયાં, પણ હું તો એટલા માટે મરી રહ્યો છું કે જે કૃત્ય મેં આચર્યું છે અને જે માટે હું મોતની સજાને લાયક છું. એ બાળકોને પહેલું જ ભોજન નસીબ ન થયું અને એટલા જ માટે મેં મારું છેલ્લું જતું કર્યું છે.’
ઉપરોક્ત કથનને માત્ર લાગણીમય રીતે જ નહિ, પણ વિચારપૂર્વક તેના ઊંડાણમાં ડૂબકી મારીને સમજવા જેવું છે. એક કઠોર દિલના ગૂનેગાર માણસના એ આખરી શબ્દો છે, જે મનનીય હોવા ઉપરાંત એવા લોકોની આંખ ખોલનારા છે કે જે એક યા બીજા બહાનાને આગળ ધરીને ગર્ભપાતની હિમાયત કરતા હોય છે. રિકીના શબ્દો એવાં ઘાતકી માબાપના ગાલ ઉપરની લપડાક સમાન છે કે જેમણે તેમનાં નિ:સહાય બાળકોને આ દુનિયાનો એક શ્વાસ સુદ્ધાં લેવા દીધો નથી.
ફ્રાન્સિસ દંપતી આર્થિક રીતે સક્ષમ ન હતું. તેમનો આખરી નિર્ણય તેમની ઈશ્વર ઉપરની અતૂટ શ્રદ્ધાને આધીન હતો. તેમને અગાઉથી જ જણાવી દેવામાં આવ્યું હતું કે બાળક માટેનાં વારંવાર કરાવવાં જરૂરી ઓપરેશનો પાછળ અમર્યાદ ખર્ચ થવાનું હતું.તેઓ સ્વમાની હતાં અને કોઈનેય મદદનો હાથ લંબાવવાનું કહેવાનાં પણ ન હતાં. પડકારરૂપ નિર્ણય ઉપર આવતાં પહેલાં તેમણે વિચારી લીધું હતું કે પોતાના બાળકના સામાન્ય જીવનને પ્રસ્થાપિત કરવાના ખર્ચને પહોંચી વળવા તેમની પાસે પરિશ્રમ સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. તેમણે વાસ્તવિક અર્થમાંજ સાચા ક્રિશ્ચીયન બની રહેવાનો દૃઢ નિશ્ચય કરી લીધો હતો. તેઓ ઈશ્વરનો આભાર માનતાં હતાં કે જીવનની આકરી કસોટીમાંથી પસાર થવા માટે તેણે તેમને પસંદ કર્યાં હતાં. તેમના મતે તો બાળક ગમે તેવું હોય પણ એ ઈશ્વરની મૂલ્યવાન ભેટ સમાન જ હતું. આ ભેટનો અસ્વીકાર કરવો એ જાણે કે ઈશ્વરનો અનાદર કરવા બરાબર હોવા ઉપરાંત નૈતિક રીતે પણ અક્ષમ્ય પાપ તેઓ સમજતાં હતાં.
મોટા ભાગનાં આવી પરિસ્થિતિમાં મુકાએલાં માબાપની દલીલ હોય છે કે ખામીયુક્ત બાળકની સારવાર અતિ ખર્ચાળ અને દીર્ઘકાલીન છે. આવી દલીલનો આધાર લઈને તેઓ ગર્ભપાતના ઘાતકી માર્ગને પસંદ કરે છે, પણ ડિસોઝા યુગલ અહીં અપવાદરૂપ પુરવાર થયું. બંનેએ એક જ અવાજે સંયુક્ત નિર્ણય લઈ લીધો કે કોઈપણ ભોગે ગર્ભપાતના માર્ગે તો ન જ જવું. તેઓ નસીબદાર હતાં કે તેમના બહોળા સંયુક્ત પરિવારના સભ્યોએ પણ એકમતે તેમના નિર્ણયને નૈતિક સમર્થન આપ્યું હતું. તેમણે ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માન્યો કે તેમને એકાદ જણના પણ મતભેદનો સામનો કરવો પડ્યો ન હતો.
પણ, મિ. ફ્રાન્સિસ હજુ પણ તેમની છેલ્લાં ત્રણ અઠવાડિયાંની માનસિક કટોકટીપૂર્ણ બેચેનીને યાદ કરે છે. તેમને છેલ્લા Amniocentesis ટેસ્ટ દ્વારા બાળકના માનસિક સક્ષમતાના પરિણામની રાહ જોવાની હતી. તેમને ડર હતો કે જો એ ટેસ્ટનું પરિણામ વિપરિત આવે, તો બાળકને જન્મવા દેવાનો તેમનો અફર નિર્ણય કદાચ ડગમગી જાય. તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી કે તેમના માટે ગર્ભપાત કરાવી લેવાનું એવું કોઈ બહાનું કે કારણ ઊભું ન થાય, કેમ કે બાળકની શારીરિક ખોડખાંપણ અને માનસિક પંગુતા એમ બંને સમસ્યાઓ એક સાથે ભેગી થતાં કેસની ગંભીરતા વધી જાય.
છેલ્લો રિપોર્ટ મેળવવાનો દિવસ આવી ગયો. મિ. ફ્રાન્સિસ એકલા જ હોસ્પિટલે ગયા અને તેમના આનંદ અને સંતોષ વચ્ચે બધાજ ડોક્ટરોએ તેમને અભિનંદનસહ ખુશખબરી આપી કે પરિણામ શુભ હતું. મિ. ફ્રાન્સિસે ઉત્સાહભેર તરત જ ચેમ્બર છોડીને જલ્દી ઘેર ફોન કરવા લૉબીમાં દોડવા માંડ્યું. ત્યાં તો એક સેવક તેમને પાછા બોલાવી લેવા તેમની પાછળ દોડ્યો. મિ. ફ્રાન્સિસ નિરાશ વદને પાછા ફર્યા એવી શંકા સાથે કે કંઈક અજૂગતું તો નહિ હોય!
ડોક્ટરે તેમને કહ્યું, ‘તમે બાળકની જાતિ જાણવાનું નહિ ઈચ્છો? જો કે આવો રિપોર્ટ આપવો એ કાયદાથી પ્રતિબંધિત છે, પણ આ પ્રકારના માન્ય પરીક્ષણથી જાતિની જાણકારી થઈ જતી હોય છે. કેટલાક લોકો અને કેટલીક બિનભરોસાપાત્ર લેબોરેટરી દ્વારા બાળકના જાતિપરીક્ષણના હેતુને સિદ્ધ કરવા આ રીત અપનાવાતી હોય છે.’
‘અમારા માટે એ જાણવાનો કોઈ સવાલ ઊભો થતો નથી કે બાળક એ છોકરો છે કે છોકરી. અમારા મતે તો બાળકની કોઈ પણ જાતિ હોય, પણ ગમે તે સ્વરૂપે એ ઈશ્વરની ભેટ જ છે. વળી જાતિની અગાઉથી જાણકારી અમને અમારા નિશ્ચયમાંથી જરાય ડગાવી નહિ શકે. આમ છતાંય તમને વાંધો ન હોય તો મને જણાવી શકો છો; કેમ કે ઓછામાં ઓછા બાળકની માતા માટે તો સારા સમાચાર ગણાશે.’
‘એ છોકરો છે!’ સમગ્ર મેડિકલ સ્ટાફ સમૂહગાન જેવા અવાજે મિ. ફ્રાન્સિસની ખુશીમાં સહભાગી થવા મોટેથી બોલી ઊઠ્યો.
‘ઈશ્વરનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર, કક્ત એટલા માટે જ કે બાળકનાં દાદા-દાદી અને નાના-નાની આ જાણીને ખુશ થશે. આપ સૌ કદાચ જાણવા માગશો કે શા માટે? માતાના પેટમાંનું આ બાળક તેમની આગામી પેઢીનો પહેલો છોકરો હશે!’ મિ. ફ્રાન્સિસે આંખોમાં અશ્રુ સાથે લાગણીસભર જવાબ વાળ્યો.
વચ્ચે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે જન્મનાર બાળકના ભવિષ્યના હિતમાં માતાપિતાની અગાઉની માનસિક તૈયારી માટે માર્ગદર્શકો (Counselors) કેવાં દિશાસૂચનો કરતા હોય છે. ફ્રાન્સિસ દંપતીને સલાહ આપવામાં આવી કે તેમણે આ બાળક ઉપરાંત ભવિષ્યે બીજા બાળકની ખ્વાહિશને ભૂલી જવી પડશે. એ લોકોએ આ મુદ્દાને આમ સ્પષ્ટ કરી બતાવ્યો : (૧) ધારો કે બીજું બાળક પહેલા બાળકના જેવી જ સમસ્યા લઈને જન્મ્યું તો બંનેને યોગ્ય રીતે ઊછેરવાનું અને નિભાવવાનું મુશ્કેલ થઈ પડે. (૨) વળી એ તો દેખીતું જ છે કે પહેલાની સરખામણીમાં બીજાની વધુ કાળજી લેવાય અને આમ બંનેને સરખો ન્યાય તો ન જ આપી શકાય. (૩) બીજું બાળક સારી સ્થિતિ (Normal)માં હોય, તો પણ મનોવૈજ્ઞાનિક રીતે જોતાં અને સ્વાભાવિક પણ એ સાચું છે કે પ્રથમ બાળકની અવગણના થયા વિના રહે જ નહિ. આ સૂચનો સાંભળીને બંને જણ આ બાબત સાથે સંમત થઈ ગયાં.
હવે આપણે ડિસોઝા યુગલના આર્થિક સંઘર્ષના સાક્ષી બનીએ. ભાવી લખલૂટ ખર્ચને પહોંચી વળવા તેમણે દ્વિમુખી વ્યુહરચના વિચારી કાઢી; એક તો વધારે કમાણી કરવી અને બીજી વધુમાં વધુ બચત કરવી. વળી, તેઓ જાણતાં જ હતાં કે નાણાંની આટલી બધી મોટી જરૂરિયાતને પહોંચી વળવામાં તેમના છેલ્લી કક્ષાના પ્રયત્નો પણ ઊણા ઊતરશે, કેમ કે આ તો નાના પાવડા વડે મોટા પહાડને ખોદવા બરાબર હતું. વધારામા અગાઉ જણાવ્યા મુજબ તેઓ કૃતનિશ્ચયી જ હતાં કે તેઓ કોઈનીય આગળ ધર્માદા સહાય માટે પોતાના હાથ લંબાવવાનાં પણ ન હતાં. આમ છતાંય તેમણે એક વિકલ્પ ખુલ્લો રાખ્યો હતો કે કોઈ સગાંસંબંધી કે મિત્રો વણમાગ્યે અને કોઈ પણ જાતનો અહેસાનનો ભાવ બતાવ્યા વગર પોતાની સ્વેચ્છાએ માત્ર મદદના હેતુસર કંઈપણ આપે તો સ્વીકારી લેવું.
મિ. ફ્રાન્સિસ હોટલ મેનેજમેન્ટનું પ્રશિક્ષણ મેળવેલા હોઈ વધુ કમાણી અર્થે તેમણે વિદેશમાં પોતાનું ભાગ્ય અજમાવવાનું વિચાર્યું. તેમણે દુબઈ સ્થળાંતર કરીને ત્યાં કેટલાંક વર્ષો સુધી કામ કર્યું. અહીં શ્રીમતી ડિસોઝાએ પણ પોતાના વ્હાલસોયા બાળક માટે પોતાનાથી બનતો શકય ભોગ આપવા માટેનો દૃઢ નિશ્ચય કરી લીધો. નીલની બેહદ ખર્ચાળ સારવારને પહોંચી વળવા માટે ઘરકામ કરતી નોકરાણીબાઈને રજા આપી દઈને તમામ ઘરકામ પોતે જ કરી લેવાનું શરૂ કરી દીધું. મોડી રાત સુધી પોતાના કપડાંસિલાઈના મશીન ઉપર તેમણે કામ કરવા માંડ્યું. દિવસના ભાગે એક ખાનગી કંપનીમાં પાર્ટટાઈમ નોકરી સ્વીકારી લીધી. ટૂંકમાં કહેતાં, પોતાના કુટુંબના એક માત્ર મિશન અર્થે મિ.ફ્રાન્સિસના ખભે ખભો મિલાવવા માટે વધુ કમાણી અને વધુ બચત કરવામાં તેમણે કોઈ કસર બાકી છોડી નહિ. મિ. ફ્રાન્સિસે પણ ઓવરટાઈમ કામ કરવા સાથે ખૂબ જ કરકસરથી જીવવાનું શરૂ કરીને જરૂરી ફંડ એકત્ર કરવાના ધ્યેયને નજર સમક્ષ રાખ્યો.
નીલની સારવાર માટે તેમણે મુંબઈને પસંદ કર્યું, એટલા માટે કે તે એક તો એમનું વતન હતું અને વધારામાં અન્ય સગાંસંબંધી અને કુટુંબીજનોનો કામકાજમાં ટેકો મળી રહે તથા વારંવાર જરૂરી બ્લડ ડોનેશન પણ આસાનીથી મેળવી શકાય. નીલની છ મહિનાની ઉંમરથી ત્યાંની વાડિઆ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર ચાલતી રહી. પહેલું ફાટેલા હોઠનું અર્ધું ઓપરેશન ૧૯૯૯માં કરવામાં આવ્યું અને ત્યાર પછી બાકીનું હોઠનું અને તાળવાનું ઓપરેશન પૂરું થયું. સમગ્ર પ્રક્રિયામાં Bone Grafting સહિત અત્યાર સુધીમાં છ ઓપરેશન કરવામાં આવ્યાં. છેલ્લી બે Nasoplasty સર્જરિ જે બાકી છે તે થયા પછી નીલની આખી સારવાર સંપૂર્ણ થશે.
અહીં મારા વાંચકો માટે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે કેવી રીતે નિષ્ણાત ડોક્ટરોનું આખુંય ગ્રુપ અને સહાયક અન્ય કેટલાંય જણનું સહિયારું કામ નીલની સારવાર માટે પૂરા એક દસકા સુધી કાર્યરત રહ્યું. ડોક્ટરોની અને અન્ય જુદી જુદી કેટેગરીમાં Geneticists (પ્રજોત્પત્તિશાસ્ત્રજ્ઞ), પ્લાસ્ટિક સર્જન્સ, ENT ડોક્ટર્સ, Orthodontists, Oral સર્જન્સ, દાંતના ડોક્ટર, Speech Therapists, Audiologists, મનોવૈજ્ઞાનિક, કો-ઓર્ડીનેટર પરિચારિકાઓ અને સામાજિક કાર્યકરો વગેરે આવી જાય. સરળ શબ્દોમાં કહીએ તો આ એક માત્ર ડોક્ટરોનું જ સામૂહિક મિશન ન હતું, પણ તેમાં સેંકડોની સંખ્યામાં ડિસોઝા પરિવારના સભ્યો ઉપરાંત અસંખ્ય શુભેચ્છકોની નીલની તંદુરસ્તી માટેની ઈશ્વરને પ્રાર્થનાઓ પણ સામેલ હતી.
અંતે, હું સાવ નાજુક એવા નીલની પ્રશંસા કરવાથી મારી જાતને રોકી નથી શકતો. આ બહાદુર અને સહનશીલ છોકરો ખૂબ જ પીડાદાયક અને પુનરાવર્તિત એવી એક દસકા સુધીના લાંબા સમય સુધીની સારવારમાંથી પસાર થતો રહ્યો. આ સમયગાળામાં તેને હજારો ઈન્જેક્શનની સોયો ભોંકાવવી પડી અને વિપુલ પ્રમાણમાં દવાઔષધો લેવાં પડ્યાં. મિ. ફ્રાન્સિસના શબ્દોમાં કહીએ તો એક વખતે તો જ્યારે Orthodontist દ્વારા નીલના ખાવાપીવાના પ્રશ્નને હલ કરવા માટે તેના મોંઢામાં પ્લેટ લગાડવામાં આવી રહી હતી, ત્યારે તો તેને પારાવાર વેદના સહન કરવી પડી હતી. આપણે કલ્પના પણ ન કરી શકીએ કે આટલા બધા લાંબા સમયગાળામાં આ નાના ફરિસ્તાએ કોણ જાણે કેટકેટલી પીડાઓ સહન કરી હશે. હું એ બધા મેડિકલ નિષ્ણાતો અને અજ્ઞાત એવા સંશોધકોને પણ સલામ કરું છું કે જેમણે દુનિયાને માટે આશીર્વાદરૂપ એવી આ મેડિકલ કીમિયાગીરીના શોધ-સંશોધન માટે ભગીરથ કાર્ય કરી બતાવ્યું છે.
આશા રાખું કે મારા વાંચકો પણ તેમની દિલી લાગણી સાથે ફ્રાન્સિસ ડિસોઝા દંપતી અને તેમના પુત્ર નીલને અભિનંદન આપવાના મારા શુભ આશયના સહભાગી થશે. સુખદ બાબત તો એ છે કે નીલ હાલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે અને દર વર્ષે પરીક્ષાઓમાં તેના વર્ગમાં એકથી ત્રણ સુધીના ક્રમાંકમાં પોતાનું સ્થાન જાળવી રહ્યો છે.
હૂંફભર્યા વંદનસહ,
વલીભાઈ મુસા
(લેખક અને અનુવાદક)
Note:-
Like this:
Like Loading...
Related
Tags: લેખ, determination, Ethics, family, life, Medical, Merciful death, Mercy killing, Passions, Ricky Lee Anaderson, Social
sapana
March 22, 2010 at 5:35 pm
આપના બ્લોગનુ એડ્રેસ ચન્દ્રવદનભાઇ પાસેથી મળ્યુ અત્યારે તો ખાલી ઉઅપરથી જોઈ ગઈ નિરાંતે આવીશ..અભિનંદન ..સપના
LikeLike