માનવીય દિલથી કહો – ‘જીવો અને જીવવા દો.’
Click here to read in English
કોઈપણ સમાચારપત્ર ખોલો, ટી.વી.ની કોઈ સમાચાર ચેનલ જૂઓ કે પછી કોમ્પ્યુટર ઉપર છેલ્લા તાજા સમાચાર માટેની શોધ ચલાવો; અને તમને દુનિયામાં ક્યાંક ને ક્યાંક, વ્યક્તિગત કે સમૂહગત, એક યા બીજા સંઘર્ષના કારણ હેઠળ માનવહત્યા કે માનવસંહાર થએલો જાણવા મળશે જ. જગતના તમામે તમામ ધર્મો એક મુદ્દા ઉપર સર્વસંમત છે કે મનુષ્ય એ ઈશ્વરસર્જિત તમામ જીવો પૈકીનું ઉત્તમોત્તમ સર્જન છે; તો વળી એ પણ એટલું જ સાચું છે કે જ્યારે આપણે માનવી દ્વારા માનવીની થતી હત્યા વિષે સાંભળીએ, ત્યારે એ નગ્ન સત્યને આપણે કબૂલવું જ પડશે કે દુનિયામાં માનવી જેવું અત્યંત ખરાબ કોઈ પ્રાણી નથી.
એ તો સાવ દેખીતું જ છે કે બધા જ પ્રકારના સંઘર્ષો પૈકી નૃવંશીય ભેદભાવમાંથી નિપજતો સંઘર્ષ મિટાવવો સૌથી વધારે મુશ્કેલ છે. સમૂહગત આવા સંઘર્ષો લોહિયાળ હોય છે અને મોટી સંખ્યામાં અહીં માનવસંહાર જોવા મળે છે. જો આપણે શાંત ચિત્તે માનવજાતિઓમાં થતા રહેતા આવા આંતરિક હત્યાકાંડો વિષે વિચારીએ; તો આપણે એ તારણ ઉપર આવીશું જ કે નિર્દોષોનાં લોહી વહેવડાવવાનું આ પાપકર્મ આચરવું એ માત્ર કાયરતા જ નહિ, પરંતુ મૂર્ખાઈ પણ છે. મારા વાંચકો સમક્ષ આ મુદ્દાને વધુ સ્પષ્ટ કરવા, હું નીચે દાખલારૂપ કોઈકની પાસેથી સ્થાનિક રીતે સાંભળવા મળેલી એક બોધકથાને રજૂ કરીશ, જે આ પ્રમાણે છે :
“દેશના કોઈક દૂરના વિસ્તારમાં, એક વરરાજાનો વરઘોડો (જાન) કન્યાપક્ષના બીજા ગામે જઈ રહ્યો હતો. જાનૈયાઓ બળદગાડાંમાં સફર કરી રહ્યા હતા. તેઓ બધા જુવાનિયા હતા, કેમ કે તેમણે લગ્નપ્રસંગનો આનંદ મુક્ત રીતે માણવા માટે ઘરડાઓને ટાળ્યા હતા. બધાં ગાડાં હારબંધ એક નેળિયા (સાંકડા રસ્તા)માંથી પસાર થઈ રહ્યાં હતાં.
પહેલું ગાડું ઊભું રહ્યું, ત્યારે બાકીનાં ગાડાંના બધાજ જુવાનિયાઓ શું થયું છે તે જાણવા પોતાનાં ગાડાંમાંથી ટપોટપ નીચે ઊતરી પડ્યા. બધાએ આશ્ચર્યસહ જોયું તો રસ્તા વચ્ચે એક પાટલા ઘો પડેલી હતી. તેમને ખબર જ હતી કે આ પ્રાણી સાવ નિર્દોષ અને બિનઝેરી હોય છે અને જમીન ઉપર લાકડીઓ પછાડીને થોડોક જ અવાજ કરવામાં આવે તો તે ભાગી જ જાય.
પેલા યુવકોમાંનો એક જણ જે ઘાતકી સ્વભાવનો હતો. તે તેને મારી નાખવા માટે આગળ ધસતો હતો, ત્યારે બીજાઓએ તેને વાર્યો. કોઈકે કહ્યું કે તે રસ્તો છોડીને ચાલી જાય તે માટે આપણે તેની સાથે શાંતિવાર્તા ચલાવવી જોઈએ. આમ છતાંય જો તે ન માને તો જ આપણે તેને મારી શકીએ.
એક જુવાનિયો જે તરત જ કવિતા રચી શકે તેવો શીઘ્ર કવિ જેવો હતો. તેણે તળપદી ભાષામાં પેલી પાટલા ઘો ને સંબોધતી કેટલીક કાવ્યકંડિકાઓ રચી કાઢતાં આ ભાવાર્થવાળા શબ્દોમાં કહ્યું, ‘ઓ ટીમ્બાટુડા (કાલ્પનિક ગામનું નામ)ની ઘો, જરા આઘીપાછી હો; જો આપણે આપસમાં લડીશું તો પાંચદસ તારાં મરશે અથવા ઘવાશે અને પાંચદસ અમારાં મરશે કે ઘવાશે એમાં કોઈનેય શો ફાયદો થવાનો છે? આવી મામૂલી વાતમાં લોહિયાળ જંગ ખેલીને આપણે શું મેળવવાનું!’
પેલી ઘો પોતાની જગ્યાએથી જરાપણ હાલી નહિ, એટલે પેલાઓએ તેની સાથે લડી લેવાનું નક્કી કરી લીધું. પણ, તેમનામાંના એક કહેવાતા ડાહ્યા જુવાને ઘોનો પક્ષ લેતાં કહ્યું, ‘કોઈ કમજોરની સાથે લડવું તેમાં ન્યાય નથી. આ ઘો બિચારી એકલી છે અને સામે આપણે ઘણા છીએ. શું આપણામાંના અડધા તેના પક્ષે ન થઈ શકીએ?’
બધા આ દરખાસ્ત સાથે સંમત થઈ ગયા અને તેઓ બધા બે ભાગમાં વહેંચાઈ ગયા. બંને જૂથ વચ્ચે લાંબી અને મજબૂત લાઠીઓ વડે ધમાસાણ લડાઈ શરૂ થઈ ગઈ. બધા લોહીલુહાણ થઈ ગયા, જેમાંના કેટલાકનાં તો હાથ, પગ, આંખો, જડબાં અને માથાં ભાગ્યાં. દરમિયાન બધાના હોંકારા અને દેકારા તથા લાકડીઓના ઝડાઝૂડ અવાજથી ચમકીને પેલી ઘો ભાગી ગઈ. જેવો ઘોએ રસ્તો છોડ્યો કે તરત જ લડાઈ બંધ થઈ અને જીતેલા પક્ષવાળા બૂમો પાડવા માંડ્યા, ‘ઘોવાળા હારી ગયા, ઘોવાળા હારી ગયા! શરમ… શરમ, તમારો મુખિયો તો મેદાન છોડીને ભાગી ગયો!’ “
ઉપરની ઘટના અતિશયોક્તિપૂર્ણ લાગશે, પણ આપણે એ ભૂલવું ન જોઈએ કે આ તો માત્ર એક લોકકથા છે. એ ગમે તે હોય, પણ તે આપણને બોધપાઠ શીખવી જાય છે કે નાના કે મોટા કોઈ વિવાદમાં આપસમાં લડવું કે ઝગડવું એ સાવ મૂર્ખાઈભર્યું જ કામ છે.
માનવજાતની અસલામતી કે તેની જિંદગીનાં જોખમો બાહ્ય આક્રમણ હેઠળ હરગિજ નથી; અને જો છે તો તે આંતરિક રીતે જ ખતરામાં છે. પૃથ્વી સિવાયના અન્ય કોઈ ગ્રહ ઉપરથી આપણા ઉપર કોઈ દુશ્મનો ત્રાટકનાર નથી; અને ધારો કે એવા કોઈ દુશ્મનો બહાર અસ્તિત્વ ધરાવૅ છે, તો પણ તેમને તેમ કરવાની જરૂર પડશે જ નહિ. આપણને ખતમ કરવાનો તેમનો ભાર આપણાથી જ પરિપૂર્ણ થનાર છે. માનવસર્જિત આવી આફતોથી આપણે સાથે મરીશું ખરા, પણ સાથે જીવી નહિ શકીએ! આનાથી વધારે ગંભીર કરૂણાંતિકા બીજી કઈ હોઈ શકે કે આપણે અંદરોઅંદર આત્મઘાતી સંઘર્ષોથી જાતે જ ખતમ થઈ જઈએ! માનવજાતનાં માથાં ઉપર સર્વનાશની તલવાર ઝળૂંબી રહી છે. આજે કોઈ એકબીજાથી સલામત નથી. આપણે ઘરનો ઉંબરો ઓળંગીને બહાર નીકળીએ, પણ આપણે આપણા જ ઘરે સલામત પાછા ફરીશું કે નહિ તેની કોઈ ખાત્રી નથી. ઘર બહાર તો ઠીક, પણ કેટલીકવાર આપણે આપણાં ઘરોમાં પણ સલામત નથી હોતા. મહાત્મા ગાંધીએ સાચું જ કહ્યું છે કે ‘જગત ધિક્કારથી સાવ ત્રાસી કે થાકી ગયું છે. આપણે જોઈએ છીએ કે આ ધિક્કાર કે વેરભાવથી માનવજાતને કોઈ લાભ પહોંચ્યો નથી.’ આગળ તેઓ ઉમેરે છે કે ‘મારો વિશ્વાસ હંમેશની જેમ આજે પણ અડગ છે. હાલની આ ત્રસ્ત દુનિયા પાસે અહિંસાના સાવ સીધા અને સરળ માર્ગને અપનાવ્યા સિવાય કોઈ આરોચારો નથી.’
સમાપ્તિટાણે એટલું જ કહેવાનું કે સમાજ કે જગતને જોડવાનું અથવા તોડવાનું કામ માનવીની સમજદારી કે નાદાની ઉપર આધાર રાખે છે. માનવધર્મથી વધારે ચઢિયાતો કોઈ ધર્મ નથી. કોઈપણ ધર્મ તેના અનુયાયીઓને કોઈને ઈજા પહોંચાડવાનું કે ધિક્કારવાનું શીખવતો નથી. માનવધર્મ એ કોઈ નવીન ધર્મ નથી કે તે કોઈ ધર્મનું નવીન નામ પણ નથી. આ માનવધર્મ બધા જ ધર્મોમાં સમાવિષ્ટ છે જ. દરેક ધર્મ સ્વભાવગત જ વિવિધતાસભર હોય છે અને તેનાં કોઈ પાસાંનું અર્થઘટન મર્યાદિત કરી નાખવું તે હરગિજ ન્યાયી નથી.
ચાલો આપણે ‘જીવો અને જીવવા દો.’ના મંત્રનો શાંતિમય જગતના સર્જન માટે પ્રચાર અને પ્રસાર કરીએ.
આભાર.
– વલીભાઈ મુસા
(લેખક અને અનુવાદક)
Note:-
Like this:
Like Loading...
Related
Tags: લેખ, Ethics, life, Live and Let Live, Passions, Social, story
Dawoodbhai Ghanchi
March 26, 2010 at 11:24 am
Dear Valibhai,
Your son, Shri Akbarali Musa, today gave me your website.I have been in touch with him for the last few weeks.
Your article on the human weakness of hating one another on umpteen grounds, even resorting to violence like acts of genocide, and thereby frustrating the divine design of creating one cohesive FAMILY OF MAN, convincingly conveys to the human race the need to look within and redefine its goals of life on the earth. And, coincidentally, the world is going to celebrate the earth hour just tomorrow. My encounter with your erudite article is so fortuitous.
With salam,
Dawoodbhai
LikeLike
pragnaju
June 1, 2014 at 11:51 am
મહાત્મા ગાંધીએ સાચું જ કહ્યું છે કે ‘જગત ધિક્કારથી સાવ ત્રાસી કે થાકી ગયું છે. આપણે જોઈએ છીએ કે આ ધિક્કાર કે વેરભાવથી માનવજાતને કોઈ લાભ પહોંચ્યો નથી.’ આગળ તેઓ ઉમેરે છે કે ‘મારો વિશ્વાસ હંમેશની જેમ આજે પણ અડગ છે. હાલની આ ત્રસ્ત દુનિયા પાસે અહિંસાના સાવ સીધા અને સરળ માર્ગને અપનાવ્યા સિવાય કોઈ આરોચારો નથી.’
આજે પણ એટલું જ સત્ય
LikeLike
Dr. Reema Joshi
April 18, 2021 at 11:12 am
अपनी मर्ज़ी से तो मज़हब भी नहीं उसने चुना था,
उसका मज़हब था जो माँ बाप से ही उसने विरासत में लिया था—
अपने माँ बाप चुने कोई ये मुमकिन ही कहां है
मुल्क में मर्ज़ी थी उसकी न वतन उसकी रज़ा से
वो तो कुल नौ ही बरस का था उसे क्यों चुन कर,
फ़िर्क़ादाराना फ़सादात ने कल क़त्ल किया—!! गुलजार
LikeLike