Click here to read in English
‘નીતિમત્તા’ અને ‘જીવનમૂલ્યો’ શબ્દો વિશેષત: ફિલસૂફી(દર્શનશાસ્ત્ર)ના અભ્યાસમાં પ્રયોજાય છે. નીતિમત્તાને એક એવા પ્રયત્ન તરીકે ઓળખવી પડે કે જે થકી આપણે આદર્શ ચારિત્ર્યના સાર્વત્રિક સિદ્ધાંતોને ઓળખી શકીએ. નીતિમત્તા એ સામાજિક કરાર સમાન છે કે જે લાંબી સમયાવધિ દરમિયાન લોકોની અરસપરસની સહમતિથી ઘડાય છે અને ભવિષ્યની પેઢીઓમાં પણ જળવાઈ રહે છે. આ પ્રસ્થાપિત નીતિમત્તા વિષે એવી અપેક્ષા રખાય છે કે જેનું વ્યક્તિઓ દ્વારા એક પ્રકારની આચારસંહિતા તરીકે અનુસરણ થતું રહે. માનવીની વર્તણુંકને પ્રવર્તમાન નૈતિક ધારાધોરણ અનુસાર જ સારી કે નરસી તરીકે મુલવવામાં આવે છે.
નીતિમત્તા એ વર્તણુંક સાથે સંબંધિત છે, જ્યારે જીવનમૂલ્યો માન્યતાઓ સાથે સંકળાએલાં છે. નીતિમત્તા એ લોકોનો મત પ્રદર્શિત કરે છે અને જીવનમૂલ્યો એ વ્યક્તિગત માન્યતાઓને સ્પર્શે છે. જીવનમૂલ્યો એ કારણ છે, જ્યારે નીતિમત્તા એ કાર્ય કે પરિણામ છે; અર્થાત્ જેવાં મૂલ્યો તેવી નીતિમત્તા બને. આમ આ બંને એકબીજાનાં પૂરક છે. જીવનમૂલ્યો સમયાંતરે, જુદાંજુદાં સ્થળે, વિભિન્ન વાતાવરણે અને માણસોના બદલાતા જતા વિચારો સાથે બદલાતાં રહે. એ બધાં વ્યક્તિ થકી નિપજે અને કુટુંબો, જ્ઞાતિઓ, સમાજો અને રાષ્ટ્રોની પ્રજાઓ દ્વારા વિકાસ પામે; અને લાંબા ગાળે તેઓ નીતિમત્તાના સિદ્ધાંતો, સંસ્કૃતિનાં તત્વો કે જગતની સભ્યતામાં પરિવર્તિત થાય.
જીવનમાં ખરી સમસ્યા તો જે કંઈ માન્યતાઓ કે આદર્શો વાસ્તવમાં જે કંઈ હોય તેને સમજવા અને જીવનમાં સમાવવામાં રહેલી છે. નીતિમત્તા અને જીવનમૂલ્યો છે તો અમૂર્ત સ્વરૂપમાં, પણ માનવીના જીવનની વર્તણુંકમાં પાયાની નિર્ણાયક ભૂમિકાઓ ભજવે છે. એ ઈચ્છનીય છે કે દરેક જણ વ્યક્તિગત રીતે એ બંનેની વાસ્તવિકતાઓને સાચા સ્વરૂપે શોધવાનો અને જાણવાનો પ્રયત્ન કરે. આ સત્યોને જાણવાના માર્ગે કેટલાંક વિઘ્નો પણ આડે આવતાં હોય છે. પાયાવિહોણી અને અનંત પરિકલ્પનાઓ, મનઘડત અનુમાનો, ખોટી પસંદગીઓ અને નાપસંદગીઓ, દુન્યવી તૃષ્ણાઓને સંતોષવા માટે પોતાને અનુકૂળ આવે તે રીતે ધાર્મિક નીતિમત્તાઓનાં અર્થઘટનો અને મનના વિચારોના પક્ષમાં પણ આત્માના અવાજને અવગણતી બુદ્ધિચાતુર્યભરી દલીલો એ સર્વેને પેલાં સત્યોને અવરોધતાં પરિબળો તરીકે ગણાવી શકાય.
સમગ્ર જગતમાં ચારિત્ર્યના અધ:પતનનો પ્રશ્ન દિનપ્રતિદિન જટિલ બનતો અને વૃદ્ધિ પામતો જાય છે. જે જગતમાં આપણે જીવીએ છીએ તે બદલાતું રહે છે અને તેમાં જીવનારા આપણે પણ બદલાતા રહીએ છીએ. જો આપણે આત્મનિરીક્ષણ કરીએ તો આપણને લાગશે કે આપણે નીતિમત્તા અને જીવનનાં મૂલ્યોનાં ખોટાં અર્થઘટનો કરીને આપણે આપણા અંતરાત્માને છેતરવામાં આપણી જાતને હોશિયાર પુરવાર કરી રહ્યા છીએ. વર્તમાન સમયમાં તો કહેવાતા બુદ્ધિશાળી લોકો પોતાની જાતને સુધારક તરીકે ઓળખાવે છે અને તેઓ એક યા બીજા બહાને અથવા પૂર્વધારણાઓ વડે ચારિત્ર્યશીલતાની વ્યાખ્યાઓને જ ધરમૂળથી બદલી દેવામાં પ્રવૃત્ત થઈ ગયા છે.
હવે આપણે કેટલાંક અવળાં અર્થઘટનોનો હિસાબ માંડીએ કે જે આપણી સભ્યતા અને સંસ્કૃતિને વિકૃત કરે છે. નિમ્ન સ્તરની મહેચ્છાઓ અને અહમ્ કેન્દ્રી અપેક્ષાઓ એવાં શરમજનક અને બેફામ દુષ્કૃત્યોને વ્યાજબી ઠરાવવા માટેની વકીલાત કરવા જવાબદાર હોય છે. આધુનિક જગતના લોકોની કરૂણતા એ છે કે તેમને ખરાબ કૃત્યો સારાં દેખાય છે. સ્વતંત્રતા એ ઈશ્વર દ્વારા અર્પિત માનવજાત માટેનો દિવ્ય અધિકાર છે, પણ તેના દુરુપયોગથી એ જ સ્વતંત્રતા નિરંકુશ સ્વચ્છંદતાના વિકૃત સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આમ બહુમતી લોકોને તેમ કરવાનો જાણે કે પરવાનો મળી ગયો હોય એવી તેમની નિરંકુશ સ્વચ્છંદતા વિશ્વની સભ્યતા અને સંસ્કૃતિને ક્લુષિત કરે છે.
વર્તમાન જગતે સંસ્કૃતિના આદર્શોની સાવ ઊલટાવી નાખેલી વ્યાખ્યાઓને અપનાવી લીધી છે. સ્ત્રીઓની અર્ધ કે પૂર્ણ અશોભનીય નગ્નતાને બિરદાવવામાં આવે છે અને તેને પોતાના મોભા કે પ્રતિષ્ઠાના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે. મોજશોખ અને સૌંદર્યની સ્પર્ધાઓને વ્યક્તિત્વના વિકાસના અર્થમાં લેવાય છે અને તેમનું બહુમાન કરવામાં આવે છે. ભ્રષ્ટાચાર અને લાંચરુશ્વતને બક્ષિસ જેવા હળવા નામે ઓળખવામાં આવે છે, જે વાસ્તવમાં તો જગતના અર્થતંત્રને બરબાદ કરે છે. હત્યાઓ, અન્ય ગુનખોરીઓ અને વિધ્વંસને શક્તિપ્રદર્શનના માધ્યમ તરીકે લેવાય છે. હકદારોની કાયદેસરની સંપત્તિને કાં તો છીનવી લેવામાં આવે અથવા તેનો સર્વનાશ કરી દેવામાં આવે તેને સંપત્તિના પુન:સ્થાપન જેવું નવું નામ આપવામાં આવે છે. નીતિમત્તાને વિઘાતક એવાં કૃત્યોને લોકોની માંગ તરીકે બિરદાવવામાં આવે છે. વિવિધ દેશોની સરકારો માનવઅધિકારના જતન કે રક્ષણના ઓથા હેઠળ અનુચિત કાયદાઓ પસાર કરે છે. કેફી દ્રવ્યોનાં વ્યસનો, વિષયવાસનાઓ, નામોશીઓ અને અશોભનીયતાઓને તેમ કરવાની આઝાદીના ભાગરૂપ ગણવામાં આવે છે. વિશ્વાસઘાત, બેઈમાની અને અપ્રમાણિક માર્ગે ધનપ્રાપ્તિને બુદ્ધિમત્તા અને વિચક્ષણતા તરીકે પ્રશંસિત કરવામાં આવે છે.
વર્તમાન સમયમાં આખું જગત વિશ્વવ્યાપી મંદી અને આર્થિક કટોકટીની ચિંતા કરી રહ્યું છે, પણ હકીકત એ છે કે ખરેખર તો જગત આજકાલ સહી ન શકાય તેવી ચારિત્ર્યવિષયક કટોકટીનો સામનો કરી રહ્યું છે.આ કટોકટીને ખાળવાના ઈલાજ તરીકે ક્યાંયથી કોઈ પેકેજ કે સાવધાનીનાં પગલાં જાહેર કરવામાં આવતાં નથી. સડી જવાની નજીક આવી પહોંચેલી આ કહેવાતી ભદ્ર સંસ્કૃતિને આધુનિક પ્રસાર અને પ્રચાર માધ્યમો દ્વારા દુનિયાના ખૂણેખૂણે પ્રકાશની જેમ ફેલાવવામાં આવી રહી છે. પણ ખરું જોતાં તો જગતના વિભિન્ન સમાજો માટે એ સમય પાકી ગયો છે કે આવી અનુચિત નૈતિક અને ચારિત્ર્યવિષયક વિકૃતિઓને વહેલામાં વહેલી તકે સુધારી લેવામાં આવે. આ વિકૃતિઓ સામે આંખો બંધ અને કાન બહેરા રાખવાનું જરાય પરવડે તેમ નથી. ખાડે ગએલું સામાજિક ચારિત્ર્ય એ વધતા જતા અપરાધ, કેફી દ્રવ્યોનું સેવન અને સ્વચ્છંદ જાતીયવૃત્તિ જેવી બાબતોના પાયારૂપ કારણ સમાન છે.
સંક્ષિપ્તમાં કહેતાં, ઉપરોક્ત દુષ્ટ કાર્યો અને આઘાતજનક વર્તનો લોકોને સારાં, સહજ અને સ્વીકાર્ય લાગવા માંડ્યાં છે. એ લોકો પોતાનાં અનૈતિક એવાં કાર્યોને અંજામ આપવામાં શરમ તો અનુભવતા નથી, પણ ઊલટાના ગર્વ લે છે; એમ છતાંય કે એવાં કૃત્યો સામાજિક ચારિત્ર્યવિષયક શિસ્તને કેટલું મોટું નુકસાન કરી રહ્યાં છે! સાહિત્ય કે અન્ય વીજાણું માધ્યમો થકી પ્રસાર પામતી બિભત્સતાઓ, મુક્ત વાસનાકીય પ્રવૃત્તિઓ, સજાતીય સ્ત્રીઓ કે પુરુષોના લગ્નસંબંધો, વ્યભિચારને ઉત્તેજન આપતી ફિલ્મો કે અન્ય માધ્યમો થકી કિશોરીવયે ગર્ભાધાન, લગ્નપૂર્વેના જાતીય સંબંધો, ગૌરવ હત્યાઓ, ગર્ભપાત, અસ્થિર કે ભગ્ન લગ્નજીવન, છૂટાછેડા, આત્મહત્યા વગેરે જેવાં સામાજિક અનિષ્ટો અને દુર્ઘટનાઓ થકી ગુનાખોરીનો આંક ઊંચો અને ઊંચો જઈ રહ્યો છે.
સમાપને સારાંશ કે આપણે એ જ કલ્પના કરવી રહી કે નૈતિકતા અને સામાજિક મૂલ્યોના દિનપ્રતિદિન થતા જતા ધોવાણ પરત્વે આપણે બેદરકારી દાખવવાનું ચાલુ જ રાખીશું, તો જગતનું ભવિષ્ય ક્યાં જઈને અટકશે અને તેનો ભાવી અંજામ કેવો હશે. માન્યતાઓ અને નૈતિક સિદ્ધાંતોનાં ખોટાં અર્થઘટનોમાંથી વિકાસ પામતી ક્લુષિત સમાજવ્યવસ્થામાંથી મુક્તિ મેળવવા માટે આપણે દરેકે સર્વ પ્રથમ તો આપણી જાતને સુધારવી પડશે; અને ત્યાર પછી જ આપણે આપણી ઉછરતી પેઢી તરફ ધ્યાન કેન્દ્રિત કરીશું, તો જ તેમને પ્રમાણભૂત નૈતિક અને સુચારિત્ર્યશીલ ધોરણો તરફ વાળી કે લાવી શકીશું.
-વલીભાઈ મુસા
(લેખક અને અનુવાદક)
Note:-
Translated from English Version titled as “Ethics and Values in a Changing World” published on January 5, 2009
Suresh Jani
March 27, 2010 at 10:18 pm
બહુ જ વિચારતા કરી દે તેવો લેખ.
આની સાથે સુસંગત વિષય છે – દંભી વલણનો.
માણસ જેવો હોય તેવો પોતાને દેખાડવા માંગતો નથી .
ક્યાંક વાંચેલું વાક્ય –
તમે એકલા હો ત્યારે શું કરો અને વિચારો – એ તમારા ચારેત્ર્યનું સાચું મૂલ્યાંકન છે.
LikeLike
Ramesh Patel
March 28, 2010 at 12:59 am
જીવનમૂલ્યો સમયાંતરે, જુદાંજુદાં સ્થળે, વિભિન્ન વાતાવરણે અને માણસોના બદલાતા જતા વિચારો સાથે બદલાતાં રહે. એ બધાં વ્યક્તિ થકી નિપજે અને કુટુંબો, જ્ઞાતિઓ, સમાજો અને રાષ્ટ્રોની પ્રજાઓ દ્વારા વિકાસ પામે; અને લાંબા ગાળે તેઓ નીતિમત્તાના સિદ્ધાંતો, સંસ્કૃતિનાં તત્વો કે જગતની સભ્યતામાં પરિવર્તિત થાય.
ખરેખર તો જગત આજકાલ સહી ન શકાય તેવી ચારિત્ર્યવિષયક કટોકટીનો સામનો કરી રહ્યું છે.આ કટોકટીને ખાળવાના ઈલાજ તરીકે ક્યાંયથી કોઈ પેકેજ કે સાવધાનીનાં પગલાં જાહેર કરવામાં આવતાં નથી.
આપનો આ લેખ માનવ મૂલ્યોના
અવમૂલન તરફ નિર્દેશ કરતા એક
જાગૃત માનસની પ્રસાદી છે.
આપે આજના જગતની તાસીર અને
એના ભવિષ્ય માટે જે ચીંતન રજૂ કર્યુ
તે મનનીય છે.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike