RSS

‘ગાંધીગીરી’નો ઊંધો એકડો!

16 Mar

હા, એ દિવસો કેવા હતા! વિદ્યાર્થીકાળના એ અલ્લડ દિવસો! ‘લગે રહો, મુન્નાભાઈ!’ની ગાંધીગીરી તો જીવનના સંધ્યાકાળે એ ચલચિત્ર થકી જ નિહાળી. પ્રત્યક્ષ તો વિશ્વબાપુને નહોતા નિહાળી શકાયા; પણ હા, ૧૯૪૮ની એકત્રીસમી જાન્યુઆરીએ (બાપુની હત્યાના બીજા દિવસે સાંજે) , સાતેક વર્ષની ઉંમરે, મારા જ બાપુની આંગળી પકડીને સ્થાનિક દવાખાને શોકસભામાં હાજરી આપ્યાનું બરાબર યાદ છે. ગામમાં એકલદોકલ બેટરીથી ચાલતા રેડિઓ થકી તે જ દિવસે સૌને બાપુની હત્યાની જાણ તો થઈ ચૂકી હતી, પણ વિગતે સમાચાર તો અખબારોમાં બીજા દિવસે આવ્યા હતા.

સૌને થશે કે શોકસભાનું આયોજન સરકારી ગુજરાતી શાળા, ગામચોરે કે પાદરે ન થતાં દવાખાને જ કેમ! આનું કારણ કે કારણો બીજાં કોઈ નહિ, માત્ર ડો. પુરોહિત સાહેબની ચુસ્ત ગાંધીવાદી હોવાના નાતે તેમની ગાંધીભક્તિ, દવાખાનાની વિશાળ ખુલ્લી જગ્યાની સુવિધા કે જ્યાં વિરાટ માનવમહેરામણને સમાવી શકાય અને મુખ્યત્વે તો ગામઆગેવાનોની દીર્ઘદૃષ્ટિ કે જેનાથી બાપુઘેલા કોઈ ઈસમ કે ઈસમોના ટોળાથી પુરોહિત સાહેબને કોઈ હાનિ ન પહોંચે! ડો. હરિભાઉ લક્ષમણરાવ પુરોહિત; જન્મે તો વડોદરાના વતની, પણ કર્મે અને ભાવે સવાઈ કાણોદરી એવા એ બિચારા મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા, મરાઠા હતા. તેમના વિષેની વિશેષ જાણકારી મારા “Rays of hope in ways of humanity” આર્ટિકલમાંથી મેળવી શકાશે.

લેખણગાડીને સીધા પાટે લાવી દેતાં મારા પાલનપુરની સરકારી હાઈસ્કૂલના દસમા ધોરણના અભ્યાસકાળ તરફ મારી સ્મૃતિને પીછેકદમ લઈ જાઉં છું; અને તે વખતે મારી અલ્પાંશે સાચી,પણ આજે મહદ્ અંશે ખોટી એવી મારી ગાંધીગીરીને યાદ કરું છું અને વ્યથા અનુભવું છું. વાત જાણે એમ હતી કે મારા રૂમપાર્ટનર જે મારાથી ઉપલાં ધોરણોમાં હતા, તે એસ.એસ.સી. પસાર કરતાં કરતાં સ્કૂલ છોડતા ગયા અને છેવટે હું એકલો વધ્યો. નવા રૂમપાર્ટનર મળે તેમ ન હતા, કારણ કે કાણોદરમાં હાઈસ્કૂલ શરૂ થઈ ચૂકી હતી. હવે એસ.ટી. બસ દ્વારા અપડાઉન કરવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. એ સમયે કાણોદરથી પાલનપુર જવા સવારે બે જ બસ ઉપલબ્ધ હતી અને સાંજે પાછા ફરવા પણ એ જ બે હતી. સવારની ૮-૪૫ની બસ બસુ ગામેથી આવતી હોવાના કારણે ભરચક રહેવા ઉપરાંત મારા માટે તે વહેલી પડતી હતી. બીજી બસ કાણોદર માટેની એક્સ્ટ્રા હતી, જેનો સમય સવારે ૧૦-૩૦નો હતો. એ સમયે રસ્તાઓ કાચા હોવાના કારણે પોણા કલાકનો સમય લેવાતાં, હું હંમેશાં ૧૫ થી ૨૦ મિનિટ સ્કૂલે મોડો પડતો.

આટલી પૂર્વભૂમિકા પછી મુખ્ય વાત ઉપર આવું તો, દર મહિને વિદ્યાર્થી કન્સેશનના બસના પાસ માટે મારે સ્કૂલના વિદ્યાર્થી હોવાના દાખલાની જરૂર પડતી. બીજા જ મહિને મારા વર્ગશિક્ષક સાહેબે આચાર્ય સાહેબની સહી પહેલાં જરૂરી એવી પોતાની સહી કરી આપવાની ચોખ્ખી ના પાડી, પોતાની એ દલીલ સાથે કે હું અનિયમિત હોવાના કારણે વિદ્યાર્થીની વ્યાખ્યામાં આવું જ નહિ. મેં મારી મુશ્કેલીને સમજાવવાની કોશિશ કરી, પણ પોતે અમારા મેથ્સના શિક્ષક હોવા ઉપરાંત વ્યાયામના શિક્ષક હોઈ શિસ્તના ખૂબ જ આગ્રહી હતા. સમૂહ કવાયતમાં તો સરખી રીતે દાવ ન કરતી વિદ્યાર્થિનીઓને પણ ફટકારવાનું ચૂકતા નહિ. આવા કડક મિજાજવાળા સાહેબ પાસેથી મારે મુશ્કેલ કામ કઢાવવાનું હતું.

એ જ દિવસે હું અંગત રીતે મળી લેવાના આશયે તેઓશ્રી પિરીયડ લેવાથી ફ્રી હતા, તે સમયે સ્ટાફરૂમમાં રજા લઈને દાખલ થયો. મારા સારા નસીબે એક જે મારા પ્રિય શિક્ષક હતા અને જેમનો હું માનીતો (Favorite) વિદ્યાર્થી હતો, તેવા મારા ગુજરાતી વિષયના એ સાહેબ મોજૂદ હતા. તેમણે મારી રજૂઆતને સાંભળીને વચ્ચે પડીને મારી વતી ભલામણ કરતાં કહ્યું, ‘આ હોશિયાર છોકરો છે. હાઈસ્કૂલ સ્કોલરશીપ પણ મેળવે છે. ગુજરાતી લેખનના એક કાવ્યના પ્રશ્નોના ઉત્તર દસમા ધોરણના ચાર વર્ગના તમામ વિદ્યાર્થીઓ પૈકી આ એકલો જ આપી શક્યો હતો. કાવ્ય એક જ શબ્દના અર્થઘટન ઉપર અવલંબિત હતું અને તેમાં તે સફળ રહ્યો હતો.’

‘સરસ, બહુ જ સરસ. મારા ભૂમિતિના પિરીયડમાં પણ તેની આંગળી ઊંચી જ રહેતી હોય છે; પણ, અનિયમિતતા તો ન જ ચલાવી લેવાય ને! ‘ તેમણે સૌમ્ય ભાવે કહ્યું.

‘સાહેબ, આપ કહો તો આપણા વર્ગના તમામ વિદ્યાર્થીઓની સહીઓ લાવી આપું કે મને આપવામાં આવતી છૂટછાટ સામે કોઈને વાંધો નથી! પણ, મને આર્થિક નુકસાન શા માટે થવા દો છો?’

‘ઠીક ઠીક, પણ તેની કોઈ જરૂર નથી. તારા ગુજરાતીના સાહેબ તારી ભલામણ કરતા હોય, ત્યારે મારે તેમનું માન રાખવું પડે! લાવ તારો કાગળ.’ તેમણે સહી કરવા માટે પેન ખોલતાં કહ્યું.

હું સહી માટેનો કાગળ આગળ ધરતાં ધરતાં એવું બાફી બેઠો કે કિનારે આવેલી નાવ ડૂબવા માંડી. આજે મારી ૭૦ વર્ષની ઉંમરે મારા મનોવિજ્ઞાનના શોખ ખાતર કરેલા સામાન્ય અભ્યાસના આધારે હું મારો બચાવ એ રીતે કરી શકું કે તે મારી કિશોરાવસ્થા/ પૌંગન્ડાવસ્થા (Adolescence period/Age of growing to maturity) હતી. એ ઉંમરનાં કેટલાંક લક્ષણો પૈકી સુધારાવાદી માનસ અને થોડાક પણ અન્યાય સામે પ્રતિકાર કરવો એ બલવત્તર સંવેગો હોય છે. કોઈક આ વર્તનને દબાવી રાખે, તો કોઈક અભિવ્યક્ત કર્યા વગર રહી જ ન શકે. બંદા પણ છળી ઊઠ્યા, ‘સાહેબ, હું જ્યારે આદર્શ વિદ્યાર્થી તરીકેનો દાખલો લેવા આવુ, ત્યારે આપ ‘લુચ્ચો’, ‘લફંગો’, ૪૨૦ કે પિરીયડોમાં ગુટલીબાજ કરનારો તેવું લખી શકો. અહીં તો ગમે તેવો, પણ શાળાની ફી ભરતો આ શાળાનો હું વિદ્યાર્થી છું, સભ્ય છું અને માત્ર વિદ્યાર્થી હોવાનો જ મારે દાખલો જોઈએ છે!’

તેમણે મારા ગુજરાતીના સાહેબ સામે જોતાં કહ્યું, ‘જોયું?’ અને પોતાની પેન બંધ કરતાં ‘Get out!’ સંભળાવી દીધું. હું અંગ્રેજી આઠ જેવા આકારનું મોઢું લઈને બહાર નીકળ્યો. પેલા ગુજરાતીના સાહેબે પણ મારી સાથે સ્ટાફરૂમમાંથી બહાર નીકળીને મને ઓસરીમાં ઠપકાર્યો, ‘સહી થઈ રહી હતી અને વચ્ચે લપાકો કરવાની તારે શી જરૂર હતી! હજુ પણ તક જતી રહી નથી. માફી માગી લે અને કામ કાઢી લે.’

‘સાહેબ, આપનો આભાર. પણ એ નહિ બને!’

‘જેવી તારી મરજી!’ એમ કહેતા તેઓ સ્ટાફરૂમમાં પાછા ફર્યા.

હવે તો મારા માટે ગાંઠાળું લાકડું ફાડવાનો સમય આવી ગયો હતો, ફાટે પણ ખરું અને ઊછળે તો માથું પણ ફૂટે! પિતાના અવસાનને ત્રણ જ મહિના થયા હતા. મારાથી બે જ વર્ષ મોટા એક ભાઈ સિવાય મારા/અમારાથી નાનાં બે થી લઈને ચૌદની વય સુધીનાં પાંચ ભાઈબહેન હતાં. આર્થિક રીતે કોઈ જ તકલીફ ન હતી, પણ પિતાનો હાથવણાટ કાપડનો વ્યવસાય ચાલુ રાખવો જરૂરી હતો. મારા લડાયક મિજાજ પાછળ પિતાના અવસાનની ગમગીની અને કૌટુંબિક જવાબદારી ઉપાડી લેવાની અદમ્ય ઇચ્છા કારણભૂત હતાં. વાત તો સામાન્ય હતી, પણ મનોવૈજ્ઞાનિક કારણ આજે પણ સમજાય છે કે જો લડતમાં નિષ્ફળતા મળે તો જ ઘરભેગા થઈ જવાની મોકળાશ ઊભી થાય. આમ મારા પક્ષે બંને છેડાનાં પરિણામો સાનુકૂળ જ હતાં.

હવે જ્યાં સુધી નવા માસનો પાસ ઈસ્યુ ન થાય, ત્યાં સુધી મારે પૂરા ભાડે સફર કરવાની હતી અને પાસ લેવાનો થાય તો પૂરા માસનો જ લેવો પડે તેમ હતું. એ વખતે એસ.ટી. બસ સેવા શરૂ થયે બેએક વર્ષ જ થયાં હતાં અને નિયમો પણ પ્રાથમિક તબક્કે હતા. મેં મનોમન ગમે તે તરકીબે પાસ મેળવી લેવાનું નક્કી કરી લીધું. આચાર્ય સાહેબની સીધી જ સહી મેળવી લેવા માટેના એક પ્રયત્નના ભાગરૂપે હું ઓફિસના મુખ્ય દરવાજેથી અંદર જોઉં છું, તો ઈનચાર્જ આચાર્ય સાહેબ મુખ્ય ખુરશીની જોડે બિરાજમાન હતા. મેં રજા મેળવીને તેમના ટેબલ ઉપર દાખલાનો કાગળ સહી માટે મૂક્યો. મને વિશ્વાસ હતો કે કદાચ આચાર્ય સાહેબની પ્રણાલિકાનો તેમને ખ્યાલ નહિ હોય અને મારું કામ પતી જશે. તેમણે કહ્યું કે ‘ આચાર્ય સાહેબ જિલ્લા શિક્ષણાધિકારી સાહેબની ઓફિસે કંઈક કામના કારણે વહેલા નીકળી ગયા હોઈ હું સત્તાવાર રીતે તેમના ચાર્જમાં ન હોઈ હું સહી ન કરી શકું. આવતી કાલે જ તેમને મળી લેજે.’

હું નિરાશ વદને પાછો ફરતો હતો, ત્યાં તો તેમણે મને પાછો બોલાવતાં પૂછ્યું, ‘તું કયા ગામનો છે?’

‘કાણોદરનો. કેમ પૂછવું પડ્યું, સાહેબ.’

‘લાવ, લાવ. સહી કરી આપું છુ, પણ તારે મારું એક કામ કરી આપવું પડશે. તારા ગામના જ શાળા છોડી ગએલા એક વિદ્યાર્થી પાસેથી ટ્યુશનના પૈસા લેવાના બાકી છે અને ઘરમાં રોજ મગજમારી થાય છે!’ સૌ કોઈ જાણતું હતું કે એ બિચારા સાહેબ ઘરસંસારે દુઃખી અને દફ્તર વિનાના ગૃહપ્રધાન માત્ર જ હતા!

મેં ચપટી વગાડીને તેમનું લહેણું પતાવી આપવાની તેમને હૈયાધારણ આપી અને દાખલામાં સહી થઈ જતાં મારા હૈયે પણ ટાઢક થઈ.

તે જ દિવસે સાંજે નવીન માસનો પાસ તો મેળવી લીધો અને બીજા જ દિવસથી મેં ‘ગાંધીગીરી’ ચાલુ કરી દેવાની યોજના વિચારી કાઢી.

હવે થોડાક દિવસ માટે પહેલી બસમાં જ સ્કૂલે જવાનું નક્કી કરી લીધું હતું. પહેલા દિવસે હાજરી લેવાનું કામ સાહેબે જેવું પતાવ્યું કે તરત જ નવીન કાગળમાં દાખલો લખીને તેમના ટેબલ પાસે હાજર થઈ ગયો. એમણે થોડાક ગુસ્સા સાથે મને મારી પાટલી ઉપર બેસી જવાનું કહ્યું. હું ચૂપચાપ મારી બેઠકે બેસી ગયો. આમ મારો પહેલા દિવસનો કાર્યક્રમ પૂરો થયો.

મારા સહાધ્યાયી મિત્રોને મારી સમસ્યાની જાણ થઈ ચૂકી હતી અને કેટલાકે તો વાઘના મોંઢામાં હાથ ન નાખવાની મને સલાહ પણ આપી દીધી હતી, પણ હું મારા ધ્યેય ઉપર અડગ હતો. બીજા દિવસે પહેલા દિવસના જેવી જ કાર્યરીતિ અપનાવી, પણ પરિણામ એ જ આવ્યું. ત્રીજા દિવસે પણ મને બેસી જવાનું કહેવામાં આવ્યું અને હું બેસી ગયો.

જ્યારે પિરીયડ પૂરો થયો, ત્યારે હું તેમની સાથે સ્ટાફરૂમ તરફ જતાં જોડાઈ ગયો અને ધીમા અવાજે મક્કમતાપૂર્વક બોલી ગયો, ‘આજે મારા કાર્યક્રમનો ત્રીજો અને આખરી દિવસ છે. સાંજે સ્કૂલ છૂટ્યે આપની સાથે સાથે આપના ઘરે આવીશ અને દરવાજા સામે જ આપની સહી માટે બેસી રહીશ.’ આટલું કહીને હું પીઠ ફેરવીને જેવો પાછો ફરતો હતો, ત્યાં તો તેમણે મારો હાથ પકડી લઈને મને રોકી પાડતાં દાખલાનો કાગળ માગી લઈને તેમની રોજનિશીના ટેકે સહી તો કરી આપી, પણ તેઓશ્રી મક્કમ રણકે એટલું તો જરૂર બોલ્યા કે “તારી (અ)સત્યાગ્રહની ધમકીથી ડરીને નહિ, પણ તારા જેવા હોનહાર છોકરાનું ભાવી ન બગડે તે આશયે તારા પ્રિય સાહેબે અને મેં નક્કી કરી જ દીધું હતું કે તને થોડોક લબડાવીને પણ તારું કામ તો કરી જ આપવું. તું તેમને પૂછી લેજે, તને ‘Get out’ કર્યા પછી તરત મેં જ તેમને કહ્યું હતું કે ‘છોરુ કછોરુ થાય, પણ માવતરથી કમાવતર તો ન જ થવાય!’ અમે લોકો તમારા લોકોનાં માવતર સમાન નથી!”

મારા સાહેબના છેલ્લા વાક્યે મને અંદરથી હલાવી નાખ્યો. મેં ગળગળા અવાજે કહ્યું, ‘સાહેબ, મને માફ કરશો. હું ખૂબ જ દિલગીર છું ’

* * * * *

ઉપરોક્ત પ્રસંગ પછીનાં બાર વર્ષ બાદ મારા એમ.એ.ના સહાધ્યાયી એવા એ જ સાહેબના સગા ભત્રીજા સાથે મારે મુલાકાત થઈ. મેં તેને સઘળી કેફિયત સંભળાવી અને તેમના ખબરઅંતર પૂછ્યા. વળી વતનમાં જવાનું થાય તો મારી યાદ આપવાનું કહ્યું. મને ખાત્રી જ હતી કે મારા એ સાહેબ સરકારી નોકરી હોઈ ગુજરાતમાં અનેક જગ્યાએ બદલીઓના કારણે ભલે હજારો વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા હશે; પણ અમારી વચ્ચેની ઘટના જ કંઈક વિશિષ્ટ પ્રકારની હતી એટલે તેમને જરૂર યાદ આવશે જ. મારી ધારણા સાચી પડી. મારા મિત્રે નિવૃત્ત જીવન ગાળતા તેના કાકા અર્થાત્ માનવંત મારા એ સાહેબનો પ્રતિભાવ મને જણાવ્યો કે ‘હા, હા એ મુસા નામે છોકરો હતો. એસ.એસ.સી.ના છેલ્લા વર્ષમાં તો તે બિનહરીફ રીતે સ્ટુડન્ટ યુનિયનનો પ્રેસીડેન્ટ પણ બન્યો હતો. અમારી વચ્ચે વિવાદ થએલો, પણ તે મારી સાથે હંમેશાં સન્માનપૂર્વક જ વર્ત્યો હતો. મારી તેને યાદ આપજે.’

બાપુજીના સત્યાગ્રહના સિધ્ધાંતમાં પાયાની શરત હોય છે કે સાધ્ય અને સાધન બંને શુદ્ધ હોવાં જોઈએ. ‘સત્યાગ્રહ’ શબ્દમાં જ એ વાત સમાવિષ્ટ છે કે તમે જેનો આગ્રહ રાખો તે સત્ય અર્થાત ન્યાયી હોવી જોઈએ. મારા સાહેબના શબ્દોથી જ આપ સૌ વાંચકોએ જાણ્યું કે એ મારો (અ)સત્યાગ્રહ હતો. સત્યાગ્રહનો એકડો ઘૂંટવા સ્લેટ અને પેન હાથમાં તો લીધાં હતાં, પણ પહેલો જ એકડો ઊંધો ઘૂંટાયો હતો; એ અર્થમાં કે તે ગેરશિસ્ત આચરવા માટેનો મારો ખોટો ‘હઠાગ્રહ’ હતો અને તેથી જ તો મારા જીવનના સત્ય ઘટના ઉપર આધારિત આ લેખનું શીર્ષક પણ એવું જ રાખ્યું છે કે “‘ગાંધીગીરી’નો ઊંધો એકડો!”

આ લેખમાં મારા માનનીય ગુરુજનોનાં નામોનો ઉલ્લેખ કરવાનું એટલા માટે ટાળ્યું છે કે તેઓના શિક્ષકજીવનમાં આવા અનેક અનુભવો થયા હશે અને તેથી તેમના માટે આ અને આવી ઘટનાઓ સહજ ગણાય, પછી ભલેને મારા કે મારા જેવા વિદ્યાર્થીઓ માટે એ ઉંમરને અનુરૂપ સંભવિત કહેવાતો એ ‘પ્રતિષ્ઠાનો પ્રશ્ન’ હોય! વળી એ પણ શક્ય છે કે હું એ સૌનો વિદ્યાર્થી જ્યારે આ લેખ લખતી વખતે લગભગ ૭૦ વર્ષનો હોઉં, ત્યારે તેમાંથી કોઈ જીવિત ન પણ હોય. એ બધા લગભગ નિવૃત્તિવયે હતા અને કેટલાક તો સૌરાષ્ટ્ર અને દૂરના જિલ્લાઓના વતની હોઈ સ્કૂલ છોડ્યા પછી કોઈનેય રૂબરૂ મળવાનું બન્યું નથી. જે હોય તે, કદાચ કોઈક જીવિત હોય તો તેમના તંદુરસ્ત જીવન માટે અને સ્વર્ગસ્થ હોય તો તેમના આત્માને પરમ શાંતિ માટે ઈશ્વરને હૃદયના ભાવપૂર્વક પ્રાર્થના કરું છું અને અત્રેથી વિરમું છું.

ધન્યવાદ.

– વલીભાઈ મુસા

 
4 Comments

Posted by on March 16, 2010 in Article, લેખ, education, FB, gujarati, Humanity

 

Tags: , , ,

4 responses to “‘ગાંધીગીરી’નો ઊંધો એકડો!

 1. DR. CHANDRAVADAN MISTRY

  March 16, 2010 at 11:41 pm

  બાપુજીના સત્યાગ્રહના સિધ્ધાંતમાં પાયાની શરત હોય છે કે સાધ્ય અને સાધન બંને શુદ્ધ હોવાં જોઈએ. ‘સત્યાગ્રહ’ શબ્દમાં જ એ વાત સમાવિષ્ટ છે કે તમે જેનો આગ્રહ રાખો તે સત્ય અર્થાત ન્યાયી હોવી જોઈએ. ……

  એ અર્થમાં કે તે ગેરશિસ્ત આચરવા માટેનો મારો ખોટો ‘હઠાગ્રહ’ હતો અને તેથી જ તો મારા જીવનના સત્ય ઘટના ઉપર આધારિત આ લેખનું શીર્ષક પણ એવું જ રાખ્યું છે કે “‘ગાંધીગીરી’નો ઊંધો એકડો!”………

  Valibhai…Really very nice Post…..Thanks for your personal invitation to read this Post.You had described the “incident of your Chilhood” in your own words…& I can not say better than you…so, I took the liberty of copy/pasting from your Post…that portion reveals the “deeper message ” of your Post.
  Congrats for nice Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Valibhai…Thanks for your visit/coment on Chandrapukar…please do REVISIT it !

  Like

   
 2. PATEL POPATBHAI

  March 21, 2010 at 2:13 am

  માનનીય પ્રતિ શ્રી વલીભાઈ

  ” અમે લોકો તમારા લોકોનાં માવતર સમાન નથી!” મારા સાહેબના છેલ્લા વાક્યે મને અંદરથી હલાવી નાખ્યો.”

  તમારું આ ઉપરોક્ત વાક્ય દીલને ચોંટી ગયું. વિદ્યાર્થી જીવનમાં ઘણા શિક્ષકો, અધ્યાપકો અને આચાર્યો સાથે મારે સારા એવા અનુભવો થયા હતા. ખરેખર એ બધા મહાનુંભવો મારા માટે અવતારી પુરુષો હતા.

  Like

   
 3. Suresh Jani

  March 27, 2010 at 9:21 pm

  સત્યાગ્રહ નો જે દુરૂપયોગ ગાંધીજીના ગયા પછી થયો છે , તેના કારણે એ શબ્દનો અર્થ જ બદલાઈ ગયો છે.
  મારા એક મિત્ર શ્રી. રશ્મિકા ન્ત દેસાઈનો અનાગ્રહ શબ્દ મને બહુ ગમતો થઈ ગયો છે.
  ——–
  મારા શાળાજીવનનો એક અનુભવ વાંચશો –

  http://gadyasoor.wordpress.com/2007/12/18/99_marks/
  એ જમાનાના શિક્ષકોને સો સલામ

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: