RSS

ખરેખર દીવાનું કોણ છે? – ‘જવલ્લે’ જ આવા લેખ (૩)

23 Mar

Click here to read in English
આજે આપ સૌ સમક્ષ હું મારા ઉપરના શીર્ષકે દર્શાવેલ “જવલ્લે જ આવા લેખ” હેઠળ ત્રીજા આર્ટિકલ સાથે ઉપસ્થિત છું. અહીં આ વિભાગમાં તમે ખાસ પ્રકારના વિષયોને જોઈ શકશો, જે અંગે હું માનું છું કે મારા વાંચકો તેમના તરફ કંઈક વિશેષ ધ્યાન આપે. મારા નિયમિત વાંચકો તો સારી રીતે જાણે છે કે બ્લોગના મારા આ ફલક ઉપર હું જે કંઈ આપું છું, તે બધું હંમેશાં વાંચવા લાયક જ હોય છે અને તેમાં કંઈ ખાસ કે સામાન્ય એવું અલગ હોતું નથી; પરંતુ કોઈ ખાસ આર્ટિકલ ઉપર ભાર મૂકવાનો હોય, તેમને જ આ શ્રેણીમાં વર્ગીકૃત કરું છું.

મારા વિષયપ્રવેશ પહેલાં, હું ઈસ્લામના પયગંબર હજરત મહંમદ (સ.અ.વ.) પ્રત્યક્ષ ઉપસ્થિત હતા તેવા એક પ્રસંગને વર્ણવીશ. એક વાર આપ હજરત સાઉદી અરેબીયાની એ વખતની રાજધાની મદીનાના જાહેર માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં ભરચક બજારની જગ્યાએ કેટલાક માણસોનું એક ટોળું એકત્ર થએલું હતું. ટોળાની વચ્ચે એક દીવાનો માણસ ચેનચાળા કરી રહ્યો હતો. લોકો એ દૃશ્યથી આકર્ષાઈને ટોળે વળ્યા હતા અને પેલા માણસની મજાકમશ્કરી કરતા હસી રહ્યા હતા. પયગંબર સાહેબે તેમને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, ‘તમે ખરેખર દીવાનો માણસ કોણ છે એ જાણવા માગો છો?’ બધા એકદમ શાંત થઈ ગયા અને ધ્યાનથી અને માનપૂર્વક આપને સાંભળવા માંડ્યા. આપે ફરમાવ્યું, ‘કોઈ માણસ એવો હોય કે જે અભિમાનપૂર્વક ચાલતો હોય અને સતત પોતાના તરફ જ ધ્યાન આપતો હોય! તે એવો હોય કે પોતાના બંને ખભા તરફ પોતાના બદનને હલાવ્યે જતો હોય! તે પોતાની જાતને જ પ્રદર્શિત કરતો હોય અને બીજાને જોતો સુદ્ધાં ન હોય; તદુપરાંત પોતાના સિવાય અન્ય કોઈ વિષે વિચારતો પણ ન હોય!. તે એવો માણસ હોય કે જેનાથી લોકો ભલાઈની કોઈ અપેક્ષા ન રાખતા હોય અને ઊલટાના લોકો તેની હરકતોથી સલામત ન હોય! આવો માણસ જ ખરેખર દીવાનો છે. તમે હમણાં જેને જોયો તે માણસ દર્દી છે, માનસિક રોગનો દર્દી છે.’

હવે ઉપરોક્ત ઘટનાને ધ્યાનમાં રાખીને મારાથી બનતા સઘળા પ્રયત્ને શીર્ષકમાં મૂકેલ પ્રશ્ન ‘ખરેખર દીવાનું કોણ છે?’નો પ્રત્યુત્તર મારા પોતાના શબ્દોમાં કેટલાંક તુલનાત્મક વધુ ઉદાહરણોની મદદ વડે આપવાનો પ્રયત્ન કરીશ. દીવાનું માણસ એ નથી કે જેના મોંઢામાંથી લાળ કે થૂંક વહ્યા કરતાં હોય, પણ હકીકતમાં તો દીવાનું એ છે કે જેનું મોઢું હંમેશાં અસભ્ય શબ્દો ઓકતું હોય,બીજાઓ વિષે ખરાબ બોલતું હોય, નિંદા કરતું હોય અને ગાળો ભાંડતું હોય. દીવાનું તો એ નથી કે જેનાં કપડાં ફાટેલાં અને ગંદાં હોય, કેમ કે તે તેમને સ્વચ્છ અને સુઘડ રાખવા અશક્તિમાન હોય છે; પરંતુ ખરું જોતાં તો એવાં સજ્જનો અને સન્નારીઓ દીવાનાં છે, જેમણે સારાં વસ્ત્રો તો ધારણ કર્યાં છે, પણ સમાજ અને સર્જનહારની નજરે નિમ્નતર ચારિત્ર્ય ધરાવે છે.

હજુ વધુ આગળ કહેતાં, ત્રાંસી આંખોવાળી અથવા તો જેના ચહેરાના સ્નાયુઓ ખેંચાઈ ગયા છે તેવી વ્યક્તિ ખરેખર ગાંડી નથી, તે અથવા તેણી ખરેખર તો દર્દી છે; પણ વાસ્તવમાં તો એ લોકો ગાંડા છે કે જેમની આંખો ગુસ્સાથી અને અન્યો સામેના તિરસ્કારથી હંમેશાં લાલ રહેતી હોય, કોઈપણ રીતે ધન ભેગું કરી લેવાની લાલચમાં જેમની આંખો ચકળવકળ થયા કરતી હોય અને અનૈતિક અને અવૈદ્ય જાતીય આનંદ લૂંટવા માટે જેમની આંખો ભોગવિલાસમય રહેતી હોય. પહેલા પ્રકારમાં વર્ણવાએલા લોકો મનોરોગી છે, જ્યારે બીજા પ્રકારના માણસો જ સાચા અર્થમાં દીવાના છે; ભલે ને પછી તેઓ તીવ્ર બુદ્ધિમત્તા ધરાવનારા હોય, લખલૂટ ધનદોલતના માલિક હોય, શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં સક્ષમ હોય, સમાજમાં માત્ર કહેવાતા સન્માનજનક સ્થાને બિરાજમાન હોય અથવા પોતાની જાતને શક્તિશાળી રાજનીતિજ્ઞ ગણતા કે ગણાવતા હોય.

સામાન્ય રીતે માનસિક રીતે વિકલાંગ લોકોનું એવું વલણ હોય છે કે તેઓ કદીય પોતાના ગાંડપણને સ્વીકારશે નહિ, પણ ઊલટાના એમ જ માનશે કે તેમના પોતાના સિવાય આખું જગત ગાંડું છે. એ જ રીતે અહીં ચર્ચા કરવામાં આવતા બીજા પ્રકારના કહેવાતા ડાહ્યા પણ વાસ્તવમાં દીવાના તેમના મગજમાં એવી ભ્રમણા લઈને ફરતા હોય છે કે પોતે જે કંઈ આચરણ કરે છે, તે પોતાના ચાતુર્ય અને બુદ્ધિપ્રતિભાના ફલસ્વરૂપે છે. તેઓ પોતાના વધુ પડતા આત્મવિશ્વાસ અને ગુરુતાગ્રંથિ સાથે એમ માને છે કે તેઓ અન્યોને મૂર્ખ બનાવી શકતા હોય છે અને કોઈ પોતાની ચાલાકીઓને પકડી પાડી શકશે નહિ. પરંતુ, એ લોકોને એ ખબર નથી હોતી કે તેઓ પોતાની જાતને જ છેતરી રહ્યા છે. ખરેખર તો તેઓ પોતે અને ઈશ્વર સારી રીતે જાણે છે કે હકીકતમાં તેઓ શું છે અને કેવા છે. અહીં નીચે કેટલાક એવા માનવ સમુદાયોને દર્શાવીશ કે જેમણે જાણતાં અથવા અજાણતાં સ્વીકારી લીધેલું હોય છે કે તેઓ ગાંડા છે; પણ તેઓ પોતાની ખોટી અને બચાવની એવી દલીલો કરે છે કે પોતે પોતાની રોજિંદી જિંદગીમાં સ્થિતિસ્થાપક છે અને તેવા ગાંડા રહેવા માગે છે.

આવા સમુદાયોમાં લાખો કે કરોડો માધ્યમિક કક્ષાએ શિક્ષણ લેતા વિશ્વભરના અને ખાસ કરીને તો ભારતના વિદ્યાર્થીઓ અને તેમનાં માબાપ આવી જાય છે કે જેમણે જાણીજોઈને ગાંડા હોવાનું સ્વીકારી લીધું છે. બધા જ જાણે છે કે તેમના શિક્ષકોને તેમનાં શિક્ષણ સંકુલોમાં પ્રમાણિકતાપૂર્વક પોતાની ફરજો બજાવવા માટે આકર્ષક પગારો આપવામાં આવે છે. પણ, આપણે જોઈએ છીએ કે અહીં વ્યાખ્યાયિત કરાએલા એવા દીવાનાઓ ગેરકાયદેસર રીતે ખાનગી ટ્યુશન દ્વારા અઢળક નાણાં બનાવતા હોય છે અને એવી બિનહિસાબી કાળી કમાણી છૂપાવીને કરચોરી કે કરબચતની તરકીબ અજમાવતા હોય છે. જો આપણે આ ખુલ્લા કૌભાંડ સાથે સંકળાએલા વિદ્યાર્થીઓ, માતાપિતા, સંચાલકો અને સરકારી તંત્રને ગણીએ તો કુલ વસ્તીના ત્રીજા ભાગ કરતાં પણ વધારે તેમની સંખ્યા થાય. બીજા એક મોટા સમુદાયમાં વિશ્વના લોકશાહી દેશોમાંના રાજકારણમાં પડેલા લોકો અને મતદારોને સંયુક્તપણે ગણીએ તો અંદાજે દુનિયાની કુલ વસ્તીનો ૨/૩ ભાગ થઈ જાય. રાજકારણના, એક રીતે કહીએ તો, આ ધંધામાં માત્ર નાણાંકીય ભ્રષ્ટાચાર જ નહિ; પણ વિપુલ નાણાંથી પણ ભરપાઈ ન થઈ શકે એવું લોકોનું નૈતિક અધ:પતન થતું હોય છે જેમાંથી અશાંતિ, સંહાર, અવળચંડાઈ અને કાયદાઓનાં ઉલ્લંઘનો જેવી આડપેદાશો નિપજતી હોય છે.

વળી ત્રીજું એક જૂથ યુવાવર્ગનું આવી જાય જેનું પ્રમાણ વિશ્વની વસ્તીના લગભગ ૩૦%ની ગણતરીમાં આવે; જેમને આપણે દીવાનાપણાની નવી વ્યાખ્યામાં કદાચ સમાવીએ, તો તેમને ઝડપથી ફેલાતી જતી કહેવાતી આધુનિક સંસ્કૃતિના વળગણમાંથી આપણે નહિ બચાવી શકીએ તો તેઓ કદાચ આદર્શ અને સમતોલ જીવનથી ભટકી ગયા સિવાય રહેશે નહિ. આ યુવકયુવતીઓ ઉપરની મોટેરાંઓની પકડ દિનપ્રતિદિન ઢીલી પડતી જાય છે અને એ વાતનું આશ્ચર્ય નહિ ગણાય કે તેઓ તેમના સામે બંડ પણ પોકારે. વળી કહેવાતી સ્વતંત્ર પણ વાસ્તવમાં સ્વચ્છંદ એવી આધુનિક સંસ્કૃતિ પોતાના હાથ ફેલાવીને તેમને આવકારવા કે ભેટી પડવા રાહ જોતી સામે તૈયાર જ ઊભી છે. મનોરંજન પીરસતાં માધ્યમોએ તેમના દર્શકો, શ્રોતાઓ કે વાંચકોને ધડિયાળના ચોવીસે કલાક દરમિયાન અસભ્યતાઓને પીરસતા જઈને તેના ઉપભોક્તાઓનો વધુમાં વધુ દર જળવાઈ રહે તે ગણતરીએ જાહેરાતોની વધુ ને વધુ આવક મેળવવા નીતિનાં મૂલ્યોને વેગળાં મૂકી દીધાં છે. આના પરિણામે યુવાવર્ગ અને ખાસ તો અઢાર વર્ષ સુધીની વયમર્યાદામાં આવતાં કિશોર-કિશોરીઓના સંસ્કાર ઉપર એવો વિપરિત પ્રભાવ પડતો જાય છે કે જે લાંબા ગાળે સમાજ માટે ઘાતક પુરવાર થયા સિવાય રહેશે નહિ. ભવિષ્યની આ પેઢીઓની ચેતવણીરૂપ અને વિકૃતિ તરફ ઝડપભેર આગળ વધતી વર્તણુંકને વડીલો (માબાપ અને રાજકારણિયાઓ) નજરઅંદાજ કરવાનું ચાલુ રાખશે, તો સામાજિક શિસ્ત અને શાંતિને ખતરારૂપ એવાં પરિણામો માટે તેમની જ જવાબદારી ગણાશે.

મારા લેખના સમાપન નજીક પહોંચવા પહેલાં, હું એ કહેવાનું પસંદ કરીશ કે ઈતિહાસ સાક્ષી છે એવા ઘાતકી શાસકોનો કે જેઓ માનસિક વિકૃતિની અહીં ચર્ચિત સંકલ્પનામાં આવી જાય છે. એ લોકોએ ભાનભૂલા બનીને પોતપોતાના રાષ્ટ્ર કે દેશને બરબાદીની ચરમ સીમાએ પહોંચાડી દેવામાં કોઈ કસર બાકી છોડી નથી. તેમના ભ્રષ્ટ શાસને તેમની પ્રજાને પૃથ્વી ઉપરના જ નર્કની ઘોર અને ઊંડી ગર્તામાં ધકેલી દીધી હતી. મારા શાણા વાંચકો અંદાજિત ધારણા મૂકી શકશે કે એક તરફ વિશ્વ આખાયમાં પેલા બિચારા માનસિક રીતે અસ્વસ્થ લોકો અર્થાત્ મનોરોગીઓ અને બીજી તરફ કહેવાતા ડાહ્યા પણ સરવાળે ગાંડા લોકો વચ્ચે સંખ્યાની દૃષ્ટિએ કેવું પ્રમાણ હશે. દેખીતું જ છે કે પેલા દયાપાત્ર દીવાનાઓની સંખ્યા નહિવત્ હશે, જ્યારે કહેવાતા ભદ્ર પણ ખરેખરા પાગલોનો દુનિયામાં કોઈપણ સ્થળે અને કોઈ પણ સમયે કોઈ તોટો જોવા નહિ મળે.

મારા ભલા વાંચકો મારી સાથે સંમત થશે જ કે પેલા બિચારા માનસિક રોગથી પીડિત લોકોએ સમાજમાં કોઈનેય કોઈપણ જાતનું નુકસાન પહોંચાડ્યું નથી. બીજી તરફ, આપણે જોઈએ તો પેલા છૂપા દીવાનાઓએ ઓછા કે વધતા પ્રમાણમાં સમાજના કોઈને કોઈ ક્ષેત્રમાં નુકસાન તો પહોંચાડ્યું જ છે. લોકો લોકો વચ્ચેનો તફાવત દીવાના હોવા કે ન હોવાથી નથી, પણ વધતા કે ઓછા દીવાનાપણાથી છે. મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓએ સંશોધનોથી પુરવાર કર્યું છે કે કોઈપણ વ્યક્તિ ઓછા કે વધું પ્રમાણમાં માનસિક અભાનતા કે ઉણપ તો ધરાવે જ છે, પણ પ્રસંગોપાત તે બહાર આવી જાય છે અને તેને એવી ગેરવર્તણુંક આચરવા પ્રેરે છે કે જે બદલ તેના માટે જિંદગીભરના પસ્તાવાનું કારણ બને છે. હવે જો આવું કોઈ આવેશમાં થઈ ગએલું કૃત્ય પોતાને એકલાને હાનિકારક નીવડે ત્યાં સુધી તો બરાબર છે, પણ ઘણીવાર તો એવા કૃત્યની માઠી અસરોનો ભોગ અન્ય સંબંધિત વ્યક્તિ કે વ્યક્તિઓને અથવા તો સમાજને બનવું પડતું હોય છે. ફ્રેડરિક નિટ્ઝેક (Friedrich Nietzsche)નું નોંધપાત્ર કથન છે કે ‘વ્યક્તિઓમાં આવું દીવાનાપણું જવલ્લે જ જોવા મળે છે; પરંતુ સમૂહો, પક્ષો, રાષ્ટ્રો કે યુગોમાં તેનું આધિપત્ય સવિશેષ જોવા મળે છે. ‘આતંકવાદ અને સામૂહિક સંહારનાં કેટલાંક અન્ય સ્વરૂપો જેવાં કે જાતિગત હૂમલાઓ, કટ્ટરવાદી ધિક્કાર કે વંશીય ખાતમો અથવા ખૂનામરકી વગેરે પણ સમૂહગત ગાંડપણનાં જ કૃત્યો છે. આ બધી માનવસર્જિત આફતો છે જેમાં માનવીઓની જિંદગીના નિર્મમ સર્વનાશ સિવાય બીજું કશું જ નથી. આવો ટોળામાં મળીને કે સમૂહમાં જોડાઈને આચરવામાં આવતો હિંસાચાર જંગલમાં લાગેલી ભીષણ આગ જેવો છે, જ્યાં સૂકું અને લીલું સઘળું સાથે મળીને બળીને રાખ થઈ જતું હોય છે અને એક વખત શરૂ થએલી તેવી આગને ઠારવી મુશ્કેલ બની જતી હોય છે.

આપણે આત્મમંથન કરવું જોઈએ કે જાણે કે અજાણે આપણી કોઈક સુષુપ્ત દીવાનગીના પ્રભાવ હેઠળ આપણે આવી સંહારાત્મક પ્રવૃત્તિઓના ભાગરૂપ તો નથી બનતા! રીટા મે બ્રાઉન (Rita Mae Brown)નું એક રમુજી કથન હમણાં જ કહેલી મારી વાતને સમર્થન આપશે. તે કહે છે, ‘શાણપણ વિષેની આંકડાકીય માહિતી બતાવે છે કે દર ચાર વ્યક્તિઓ પૈકી ઓછામાં ઓછી કોઈ એક માનસિક બીમારીથી પીડાતી હોય છે. હવે, તમે તમારા ત્રણ શ્રેષ્ઠ મિત્રો વિષે વિચારો અને જો તેઓ ઠીક હોય, તો ચોથો કે ચોથી જે બાકી રહે છે તે તમે જ છો!’

વ્યક્તિની માનસિક સ્વસ્થતા કે તંદુરસ્તી તેના શરીરને પણ સ્વસ્થ અને તંદુરસ્ત સ્થિતિમાં રાખે છે. એ જ પ્રમાણે વ્યક્તિનું તંદુરસ્ત મન તેના તંદુરસ્ત શરીરમાં જ શાંતિથી વસવાટ કરી શકે છે. નાગરિકોનાં તંદુરસ્ત મન અને શરીર તેઓ જ્યાં રહે છે ત્યાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપવામાં તેઓ મદદરૂપ થાય છે. સંસ્કારી નાગરિકો ઘરના મોભ કે શરીરનાં હાડકાં સમાન છે કે જેઓ રાષ્ટ્રને મજબૂત, સ્વસ્થ અને આબાદ બનાવે છે. છેલ્લે લોર્ડ બાયરન (Lord Byron)ના તેના થોડાક જ શબ્દો ટાંકીશ કે ‘ધિક્કાર એ હૃદયની દીવાનગી છે.’ આમાં વિશેષ શબ્દો ઉમેરી શકાય કે ‘હૃદયની દીવાનગી એ મન કે મગજની દીવાનગી કરતાં વધુ ખતરનાક છે.’

આશા સેવું છું કે આ લેખને મારા વાંચકો દ્વારા ‘જવલ્લે’ પ્રકાર સાથે બંધબેસતો ગણીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે અને પોતાનો યોગ્ય પ્રતિભાવ આપવામાં આવે.

ધન્યવાદ.

વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version titled as “Who is really insane? – ‘Seldom’ such Posts (3)” published on April 02, 2009.

 

Tags: , , , , , , , , , , ,

6 responses to “ખરેખર દીવાનું કોણ છે? – ‘જવલ્લે’ જ આવા લેખ (૩)

 1. અરવિંદ અડાલજા

  March 24, 2010 at 7:14 am

  ’શાણપણ વિષેની આંકડાકીય માહિતી બતાવે છે કે દર ચાર વ્યક્તિઓ પૈકી ઓછામાં ઓછી કોઈ એક માનસિક બીમારીથી પીડાતી હોય છે. હવે, તમે તમારા ત્રણ શ્રેષ્ઠ મિત્રો વિષે વિચારો અને જો તેઓ ઠીક હોય, તો ચોથો કે ચોથી જે બાકી રહે છે તે તમે જ છો!’

  ઉપરોક્ત વાત સાથે હું પણ સહમત છું.આપની વાત અને રજૂ કરવાની શૈલી ખૂબ જ સુંદર છે. આપની વાત મહદ અંશે સાચી છે અને તેનો પુરાવો આજના ગુજરાત સમાચારમાં આપણાં દેશના 25% લોકો માનસિક બીમારીથી પીડાય રહ્યા હોવાનો નો એક અહેવાલ શ્રી સુપાર્શ્વ શાહે રજૂ કર્યો છે. ધન્યવાદ !
  સ-સ્નેહ
  અરવિંદ

  Like

   
 2. DR. CHANDRAVADAN MISTRY

  March 26, 2010 at 9:06 am

  વ્યક્તિની માનસિક સ્વસ્થતા કે તંદુરસ્તી તેના શરીરને પણ સ્વસ્થ અને તંદુરસ્ત સ્થિતિમાં રાખે છે. એ જ પ્રમાણે વ્યક્તિનું તંદુરસ્ત મન તેના તંદુરસ્ત શરીરમાં જ શાંતિથી વસવાટ કરી શકે છે. નાગરિકોનાં તંદુરસ્ત મન અને શરીર તેઓ જ્યાં રહે છે ત્યાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપવામાં તેઓ મદદરૂપ થાય છે. સંસ્કારી નાગરિકો ઘરના મોભ કે શરીરનાં હાડકાં સમાન છે કે જેઓ રાષ્ટ્રને મજબૂત, સ્વસ્થ અને આબાદ બનાવે છે. છેલ્લે લોર્ડ બાયરન (Lord Byron)ના તેના થોડાક જ શબ્દો ટાંકીશ કે ‘ધિક્કાર એ હૃદયની દીવાનગી છે.’ આમાં વિશેષ શબ્દો ઉમેરી શકાય કે ‘હૃદયની દીવાનગી એ મન કે મગજની દીવાનગી કરતાં વધુ ખતરનાક છે.’………….

  Valibhai Enjoyed your Post !
  Very nicely written….Happy to read the Comment from Arvindbhai too !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Valibhai Hope to see you on my Blogfor SUVICHARO Post !

  Like

   
 3. Suresh Jani

  March 27, 2010 at 9:10 pm

  એકદમ સાચી વાત. સંસ્કૃતિની કહેવાતી દોડમાં માનવજાત અસંસ્કૃત થઈ ગઈ છે . હાદઝા જાતિ વિશે વાંચવા ખાસ ભલામણ –
  http://gadyasoor.wordpress.com/2010/02/05/hadza/
  આ જંગલી પ્રજા – હજુ પથ્થરયુગમાં જીવતી પ્રજા પાસેથી આપણે સુધરેલા, ધાર્મિક , સંસ્કારી , વિકસેલા લોકોએ બે ચાર વાત શીખવા જેવી છે.
  એક જૂનું ગુજરાતી ગીત યાદ આવી ગયું –
  ડાહ્યા દિવાના લાગે ,રે ! ડાહ્યા દિવાના લાગે ,
  દુનિયાને ઊંધા ચશ્માં

  Like

   
 4. Suresh Jani

  March 27, 2010 at 9:12 pm

  એ ગીતની બીજી બે કડીઓ
  નરસીં હતો દિવાનો , મીરાં હતી દિવાની
  ભક્તિ સુધા પીનારાં ..

  Like

   
 5. vimla hirpara

  August 8, 2016 at 1:17 am

  વલીભાઇ, મારા વિચારવા પ્રમાણે દુનિયામાં ડાહ્યા લોકોએ જેટલુ નુકશાન માનવજાતિને પહોંચાડ્યુ છે એટલુ
  ગાંડાલોકોએ નથી પહોચાડ્યુ. ગાંડા બહુ બહુતો પોતાની જાતને નુકશાન કરે. અણુબોંબ ને બીજા એવા ખતરનાક હથીયારો શોધનારા ડાહ્યા ને બુધ્ધિશાળી લોકો હતા. એ જ વિમલા હિરપારા

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: