RSS

પૃથ્વી ઉપર જીવન સંભવિત છે, પણ સલામત ખરું!

07 Apr

Click here to read in English
આજકાલ દુનિયાના કોઈ એક કે અન્ય દેશોમાં હિંસાચારના સળગતા પ્રશ્નને લઈને મારું હૃદય દ્રવી ઊઠે છે અને તે અંગે મેં મારા અગાઉના લેખોમાં અવારનવાર કંઈક લખ્યું હોવા છતાં આજે થોડુંક વિશેષ લખવાની મને સ્ફૂરણા થઈ છે. લશ્કરો કે નાગરિકો દ્વારા નિર્મિત એવાં યુદ્ધો કે આંતરિક સંઘર્ષો કદીય સમસ્યાઓનો કોઈ કાયમી ઉકેલ લાવી શકે નહિ. હિંસા કે બળના પ્રયોગોની નિષ્ફળતાને જગતે અનુભવી હોવા છતાં, હજુ આપણે મહાત્મા ગાંધીની સફળ પુરવાર થએલી અહિંસાની ફિલસુફી ઉપર ગંભીરતાપૂર્વક વિચારવા તૈયાર નથી. આજે વિશ્વ તિરસ્કાર અને હિંસાથી થાકી ગયું છે. ભૂતકાલીન અને વર્તમાન એટમ બોમ્બ કે બોમ્બબ્લાસ્ટ દ્વારા થએલા સમૂહગત હત્યાકાંડોએ એટલી બધી મોટી સઁખ્યામાં માનવજિંદગીઓને હણી નાખી છે કે કદાચ તેઓ જીવિત રહ્યા હોત તો તેમના થકી બ્રહ્માંડના કોઈક ગ્રહ ઉપર નવીન દુનિયા શરૂ થઈ શકી હોત!

હું સહજ જ એક નવું સમીકરણ, દુનિયા=શાસકો+શાસિતો અર્થાત્ પ્રજાઓ, અહીં મૂકું છું. શાસકો ટોચ ઉપર છે, તો શાસિતો તળેટીએ છે. શાસકો થોડા જ છે, પણ શાસિતો તો અગણ્ય છે. બંને વિભાગો પૈકી જુલ્મીઓ થોડાક જ છે, મજલુમો બેસુમાર છે. ટોચથી માંડીને તળિયા સુધી, આમ જોવા જઈએ તો, પ્રમાણમાં થોડાક જ એવા છે કે જે લાગી પડેલા છે કે કેવી રીતે પૃથ્વીનો વિનાશ કરવો, તેની નિર્દોષ વસ્તીને પીડન આપવું, તેના સમતોલ પર્યાવરણને હાનિ પહોંચાડવી, તેની કુદરતી ભૂસંપત્તિને વેડફવી, તેના સામાજિક કાયદા અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવી, તેનાં સુખ અને શાંતિને ડહોળી નાખવાં, તેની સઘળી જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે ખૂબ જ મહત્વની એવી પાયાની જરૂરિયાતોને છીનવી લેવી, તેની આધ્યાત્મિકતાઓ અને આદર્શોને ક્લુષિત કરવાં અને ઘણી બધી એવી ભૌતિક તથા ભાવનાત્મક અસ્ક્યામતોને છિન્નભિન્ન કરી નાખવી. આવાં જૂજ જુલ્મી તત્વોના જુલ્મો હેઠળ કચડાતા એવા સામા પક્ષના વિશાળ શાસિત જનસમુદાયે એ નક્કી કરી લેવું ઘટે છે કે કોણ (કયા દેશો) એટમ બોમ્બ કે એવાં વિનાશક શસ્ત્રોનો ઉપયોગ કરે છે અને કોણ બોમ્બ બ્લાસ્ટ કે તેવી અન્ય સંહારાત્મક હરકતો દ્વારા શાંત નાગરિક જીવનને ભયગ્રસ્ત બનાવે છે અથવા બરબાદ કરે છે. તટસ્થ નિરીક્ષકો આવાં શાસકીય કે પ્રજાકીય મલિન તત્વોને પૂર્વ કે પશ્ચિમ અથવા કોઈ વંશ કે ધર્મના સમગ્ર સમુદાય તરીકે નહિ, પણ તેમને એક જ પ્રકારના એવા જૂથ કે એકમ તરીકે ઓળખાવશે કે જે માનવતાનાં દુશ્મન હોવા ઉપરાંત ઈશ્વર અને તેની દિવ્યતા સામે બંડ પોકારનારામાંનાં છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘ (UNO) દ્વારા મહાત્મા ગાંધીના જ્ન્મદિવસ (બીજી ઓક્ટોબર)ને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. પણ, અહિંસા દિવસની માત્ર ઉજવણીનો મતલબ શો, જો તેનો હેતુ જ સિદ્ધ ન થાય તો! યુનોના સભ્ય દેશો વધારે નહિ તો માત્ર એટલું તો જરૂર કરી શકે કે પ્રાથમિક શિક્ષણ કક્ષાએ જ અભ્યાસક્રમમાં અહિંસાનો વિષય દાખલ કરવામાં આવે અને પછી જૂઓ કે આપણે જગતભરમાં નવીન એક એવી પેઢીનું સર્જન કરી શકીશું કે જે અહિંસાના એક નવીનતમ ખ્યાલ વડે દુનિયાની શીકલ જ બદલી નાખવા સક્ષમ બનશે. અહિંસાના આ ક્રાંતિકારી વિષયનું શિક્ષણ આજથી જ શરૂ કરી દેવામાં આવે તો જગતને તેનાં સુખદ પરિણામો એક સૈકા પછી જોવા મળે. હું પ્રાચીન કાળની એક એવી વ્યવસ્થાને યાદ કરું છું કે જ્યાં દુશ્મનોના આક્રમણ સામે રક્ષણ મેળવવા રાજ્યની રાજધાનીના શહેર ફરતો ઈંટ અને પથ્થરનો કિલ્લો બનાવવામાં આવતો હતો. ક્યાંક એક કથન મારા વાંચવામાં આવ્યું છે કે ‘યુદ્ધોને અટકાવવા માટે શહેર ફરતા નહિ, પણ લોકોના દિમાગમાં કિલ્લાઓ બાંધવા જોઈએ!’. અહિંસાના પાઠ નવીન પેઢીના દિમાગમાં એવા કિલ્લાઓ બાંધવા માટે સમર્થ નીવડશે કે જે થકી જગતનું ભાવી ઉજ્જવળ બનશે અને આ પૃથ્વી ઉત્તમ રીતે જીવવા લાયક પુરવાર થશે.

હું રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય રાજનીતિશાસ્ત્રનો નિષ્ણાત નથી કે દુનિયાના ઇતિહાસનો અભ્યાસુ પણ નથી; પણ, મારા સાદા તર્ક અને મારી સમજથી હું એ નિષ્કર્ષ ઉપર આવ્યો છું કે શક્તિશાળી રાષ્ટ્રોએ રાજનૈતિક ભૂલો કરીને કેટલીક આંતરરાષ્ટ્રીય સમસ્યાઓને વૈકલ્પિક માર્ગોએ ઉકેલવાના બદલે યુદ્ધોનો માર્ગ પસંદ કરીને લાખો માનવજિંદગીઓને ભરખી લીધી છે. કેટલાક રાજકીય સમીક્ષકોએ તો ખુલ્લી રીતે કહી પણ દીધું છે કે શક્તિશાળી દેશોએ માનવજાતને સંહારક શસ્ત્રોથી બચાવવાના બહાના હેઠળ દુનિયા ઉપર યુદ્ધો ઠોકી બેસાડ્યાં છે અને ખૂબી તો જૂઓ કે તેમણે એ યુદ્ધોને શાંતિ માટેનાં યુદ્ધો તરીકેનાં નામ પણ આપી દીધાં હતાં. એ કહેવાતાં શાંતિ માટેનાં યુદ્ધોનાં પરિણામ આપણી નજર સમક્ષ છે અને આપણે માન્યા સિવાય છૂટકો જ નથી કે યુદ્ધો પછીનાં માનવજાતનાં દુર્ભાગ્યો એ વિશેષ કંઈ નહિ, પણ એ યુદ્ધોની આડપેદાશો જ છે.

પૃથ્વીના ભાગ્યની વક્રતા તો જૂઓ કે વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે પૃથ્વી સિવાયના મંગળ જેવા અન્ય ગ્રહો ઉપર જીવન શક્ય છે કે નહિ; જ્યારે અહીં આ પૃથ્વી ઉપર જીવન સંભવિત તો છે જ, પણ સલામત નથી! માનવી યાતાયાતમાં, રસ્તાઓ ઉપર, દવાખાનાંઓમાં, ધંધાકીય જગ્યાઓમાં, ધાર્મિક સ્થળોમાં, નિશાળો કે કોલેજોમાં, ખેતરોમાં ક્યાંય સલામત નથી; અરે, એ બધી જગ્યાઓએ તો ઠીક, પણ પોતાનાં ઘરોમાં પણ એ જરાયે સલામત નથી!

વચ્ચે કેટલીક પળો પૂરતો હું મારી એક અંગત બાબત તરફ જઈશ કે જેને હું મારા આર્ટિકલમાં આગળ આવનાર એક મુદ્દા સાથે સાંકળવા માગું છું. મારા એક મિત્ર ડો. કે. એમ. પટેલની દીકરી ઊર્મિલા અમેરિકન નવલકથાકાર સોલ બેલો (Saul Bellow) ઉપર Ph. D. ની તૈયારી કરી રહી છે. હું તેણીને મદદરૂપ થવા કેટલીક વાંચન સામગ્રી માટે ઈન્ટરનેટ ઉપર ચેટીંગ કરતો હતો. અનાયાસે સોલ બેલોની નવલકથા ‘રેવલસ્ટરીન (Ravelsterin) ના એક સંવાદ ઉપર મારું ધ્યાન ગયું (નિખાલસતાથી કહું તો મેં આખી નવલકથા વાંચી નથી) કે જે મારા માટે અહીં માનવતાની હિમાયત કરવા બહુ જ મહત્વનો છે. એ સંવાદ આ પ્રમાણે છે: ‘એવું પણ ઘણી વાર બને છે કે હું ભીડભાડના સમયે સબવે (Subway) માં સફર કરી લઉં છું કે પછી ખીચોખીચ ભરેલા મુવી હાઉસમાં બેસી જાઉં છું જેને હું ‘માનવતાનું સ્નાન’ તરીકે સમજું છું. જેમ કેટલીક વાર પ્રાણીઓને પણ ચાટવા માટે નમક જોઈએ, તેમ હું પણ લોકો સાથેનો શારીરિક સંપર્ક ઝંખું છું.’

હું ઉપરોક્ત સંવાદપઠનમાંથી ‘માનવતાનું સ્નાન’ એ બે જ શબ્દો લેવા માગું છું અને મારા વાંચકોને સંભવિત કે કાલ્પનિક એવા કોઈક ‘રૂધિર સ્નાન’ ના દૃશ્ય સાથે જોડવા માગું છું કે જે કોઈક બોમ્બ બ્લાસ્ટના પરિણામરૂપે સર્જાયું હોય અને જેના ભોગ કોઈ બિચારા વાહનોમાં સફર કરનારા મુસાફરો કે કોઈ થિયેટરમાં મુવી જોનારા પ્રેક્ષકો બન્યા હોય! એ માનવતાના દુશ્મનો પળવારમાં કેટલાય લોકોની જિંદગીઓને ખતમ કરી દેતા હોય છે, જ્યારે બીજા છેડે કોઈક એવા તબીબો પણ હોય છે કે જે કોઈ એક વ્યક્તિ માત્રની જિંદગી બચાવવા કલાકો સુધી ભારે ઓપરેશનની જહેમત ઊઠાવતા હોય છે. કોઈ માતા પોતાના બાળકને ઊછેરવા માટે પોતાની મહામૂલી જિંદગી સમર્પિત કરીને તેને યુવાન વય સુધી પહોંચાડે છે અને તે જ યુવાન માણસ સેકંડોની ગણત્રીમાં આવી માનવસર્જિત આફતનો ભોગ બની બેસે છે. કોઈ ડોક્ટર પોતાની જિંદગીનાં પચીસેક જેટલાં વર્ષોની દિવસરાતની મહેનત પછી ઘણા બધા દર્દીઓની જિંદગી બચાવવા સમર્થ બને છે અને તે જ ડોક્ટરની મુલ્યવાન જિંદગી આમ સાવ સસ્તી રીતે વેડફાઈ જતી હોય છે. વિશ્વભરના કેટલાય રક્તદાતાઓ સાવ અજાણ્યાઓની જિંદગીઓ બચાવવા રક્તદાન કરતા હોય છે અને અહીં કેટલાય નિર્દોષ માણસોનું પવિત્ર લોહી ઢોળાતું અને વેડફાતું હોય છે.

મહાત્મા ગાંધીએ સાચે જ કહ્યું છે કે ‘આપણે જોઈએ છીએ કે નફરતના આ ગાને માનવતાને કોઈ ફાયદો પહોંચાડ્યો નથી.’ મારા અગાઉના આર્ટિકલ “International Non-violence Day” માં મૂકવામાં આવેલા શબ્દોને અહીં પુનરાવર્તિત કરું છું અને કહું છું કે અહિંસાના માર્ગ ઉપર ચાલવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે અને ઘણીવાર તેમાંથી નિરાશાજનક પરિણામ પણ મળી શકે છે. મહાત્મા ગાંધીએ આવી શંકાનું સમાધાન પોતાના આ શબ્દોમાં કરતાં ખુલાસો કર્યો છે કે ‘ અહિંસા ઉપરનો મારો વિશ્વાસ હંમેશ માટે અડગ જ છે. અહિંસાના સાંકડા અને સીધા માર્ગ સિવાય પીડિત એવી આ દુનિયા માટે શાંતિની અપેક્ષા સંતોષવાનો અન્ય કોઈ વૈકલ્પિક માર્ગ બચતો નથી. મારા જેવા લાખો માણસો પોતાના જીવનમાં અહિંસાના આ સત્યને સિદ્ધ કરવામાં નિષ્ફળ જઈ શકે છે; અને જો તેમ થાય તો તે તેમની પોતાની જ નિષ્ફળતા ગણાશે, નહિ કે આ સનાતન સત્યના સિદ્ધાંતની!’

આ સંક્ષિપ્ત લેખના સમાપને, હું મારા ગુજરાતી વાંચકોને ઝવેરચંદ મેઘાણીના ‘ઘણ રે બોલે! કાવ્યને વાંચવાની ભલામણ કરીશ. ઘણ અને એરણ લુહારનાં સાધનો છે. કવિએ સજીવારોપણ અલંકારમાં ઘણ અને એરણને અનુક્રમે ભાઈ અને બહેન તરીકે કલ્પ્યાં છે. અહીં ઘણ બોલે છે અને એરણ સાંભળે છે. ઘણ એરણ આગળ પોતાનો ઈરાદો વ્યક્ત કરતાં કહે છે કે હવે તેઓ માનવજાતના વિનાશ માટેનાં શસ્ત્રો બનાવવાના બદલે તેમના માટે ઉપયોગી એવાં સર્જનાત્મક સાધનો જ બનાવશે. આ એક સરસ મજાનું ભજનના રાગમાં ગાઈ શકાય તેવું ગેય કાવ્ય છે.

ચાલો આપણે બધા જગતના સુખ અને કલ્યાણ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ.

આભાર.

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Translated from English version titled as “Life on earth, possible but not safe” published on August 15, 2008

 

Tags: , , , , , , , ,

12 responses to “પૃથ્વી ઉપર જીવન સંભવિત છે, પણ સલામત ખરું!

 1. Pancham Shukla

  April 8, 2010 at 3:51 am

  નંદનવન જેવી પૃથ્વિ પર પાંગરેલું અમૂલ્ય અસ્તિત્વ આપણા હાથમાં જ છે એ ભાવની સુંદર છણાવટ. માનવતાના સ્નાન, ગાંધીમૂલ્ય, ઘણ-એરણ જેવાં ઉદાહરણોથી લેખ મનનીય બન્યો છે.

  Like

   
 2. Rajendra M. Trivedi,M.D.

  April 8, 2010 at 4:58 am

  વલીભાઈ મુસા Says….ઝવેરચંદ મેઘાણીના ‘ઘણ રે બોલે! કાવ્યને વાંચવાની ભલામણ કરી.
  માનવજાતના વિનાશ માટેનાં શસ્ત્રો બનાવવાના બદલે તેમના માટે ઉપયોગી એવાં સર્જનાત્મક સાધનો જ બનાવશે.
  ચાલો આપણે બધા જગતના સુખ અને કલ્યાણ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ.
  આભાર.

  Dear valibhai,

  Great thinking
  Now is the time we all have to impliment in the life.

  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

  Like

   
 3. DR. CHANDRAVADAN MISTRY

  April 8, 2010 at 9:01 am

  ચાલો આપણે બધા જગતના સુખ અને કલ્યાણ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ.

  આભાર.

  – વલીભાઈ મુસા
  Valibhai…Read this Post. You had very nicely coveyed the message of LOVE in the Humanity !
  Giving some historical facts, some positive thinkings of individuals, including the “Gandhian Philosophy” you plead/wish that the “HATE” must be removed & replaced with “LOVE”.
  Enjoyed reading !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Valibhai Hope you will visit Chandrapukar for the Posts on HEALTH !

  Like

   
 4. Suresh Jani

  April 8, 2010 at 9:08 am

  ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી

  ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી
  એ જી સાંભળે વેદનાની વાત, વેણે રે વેણે હો સત-ફૂલડાં ઝરે હો જી

  બહુ દિન ઘડી રે તલવાર, ઘડી કાંઈ તોપું ને મનવાર
  પાંચ-સાત શૂરાના જયકાર કાજ ખૂબ ખેલાણા સંહાર
  હો એરણ બહેની
  ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

  પોકારે પૃથ્વીના કણ કણ કારમા હો જી
  પોકારે પાણીડાં પારાવારનાં હો જી

  જળ-થળ પોકારે થરથરી, કબરુંની જગ્યા રહી નવ જરી
  ભીંસોભીંસ ખાંભીયું ખૂબ ભરી, હાય તોય તોપું રહી નવ ચરી
  હો એરણ બહેની
  ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

  ભઠ્ઠીયું જલે રે બળતા પો’રની હો જી
  ધમણ્યું ધમે રે ધખતા પો’રની હો જી

  ખન ખન અંગારે ઓરાણા, કસબી ને કારીગર ભરખાણા
  ક્રોડ નર જીવંતા બફાણા, તોય પૂરા ટોટા નવ શેકાણા
  હો એરણ બહેની
  ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

  હથોડા પડે રે આજ જેના હાથના હો જી
  તનડાં તૂટે રે આ જેની કાયનાં હો જી

  સોઈ નર હાંફીને આજ ઊભો, ઘટડામાં ઘડે એક મનસૂબો
  બાળ મારાં માગે અન્ન કેરી દેગ, દેવે કોણ-દાતરડું કે તેગ
  હો એરણ બહેની
  ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

  આજુથી નવેલાં ઘડતર માંડવા હો જી
  ખડ્ગખાંડાંને કણકણ ખાંડવા હો જી

  ખાંડી ખાંડી ઘડો હળ કેરા સાજ, ઝીણી રૂડી દાતરડીનાં રાજ
  આજ ખંડે ખંડમાં મંડાય, એણી પેરે આપણ તેડાં થાય
  હો એરણ બહેની
  ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

  ઘડો હો બાળક કેરાં ઘોડિયાં હો જી
  ઘડો હો વિયાતલ નારના ઢોલિયા હો જી

  ભાઈ મારા, ગાળીને તોપગોળા, ઘડો સઈ-મોચીના સંચ બહોળા
  ઘડો રાંક રેંટુડાની આરો, ઘડો દેવ-તંબૂરાના તારો
  હો એરણ બહેની
  ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

  ભાંગો, હો ભાંગો, હો રથ રણજોધના હો જી
  પાવળડાં ઘડો, હો છોરુડાંનાં દૂધનાં હો જી

  ભાઈ મારા લુવારી ભડ રહેજે, આજ છેલ્લી વેળાના ઘાવ દેજે
  ઘાયે ઘાયે સંભારજે ઘટડામાં, ક્રોડ ક્રોડ શોષિતો દુનિયાનાં
  હો એરણ બહેની
  ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

  -ઝવેરચંદ મેઘાણી
  —————————————
  Source
  http://www.mavjibhai.com/kavita%20files/ghanrebole.htm
  વાત તો સાચી છે. પણ વાસ્તવિકતાથી દૂર છે.
  આપણે માનીએ કે ન માનીએ, હિંસા જીવનનું પાયાનું તત્બ છે – જેમ પ્રેમ છે.
  આ બન્ને આપણે જેને સર્જનહાર કે ખુદા કહીએ છે, તેનાં સર્જન છે. એક પ્રોટીન બીજા પ્રોટીનને ખાઈ જઈ તગડું બને , એ જીવવિદ્યા કહે છે. આ નિયમ ક્રુર હોવા છતાં સત્ય છે.
  હું તો એટલું જ માનું કે, મારા જીવનમાં હું હિંસાથી દૂર રહું .
  તમે જેમ કહ્યું તેમ બહુમતિ લોકો શાંતિપ્રિય છે.
  બસ.. એ સંચય થયેલું પૂણ્ય જ પાપનો પ્રતિકાર કરશે. પણ કદી પાપનો તે સંહાર નહીં કરી શકે. આ લીલા તો ચાલ્યા જ કરવાની.
  આ સત્ય છે – ગમે કે ન ગમે
  ઘાસ પરનું મારું દર્શન ….
  જીવનનું સૌદર્ય શું અને જીવનની ક્રુરતા શું , એ બધાં સત્યો તમને હવે સાવ નગ્ન રીતે સમજાઈ ગયાં છે. સત્ય બહુ જ કડવું હોય છે; સત્ય બહુ જ અસહ્ય હોય છે; સત્ય બહુ જ કઠોર હોય છે – એ સત્ય સમજી તમારા સત્યશોધનના ધખારા પર પુર્ણ વીરામ મુકવું કે કેમ તેવું તમે વીચારતા થઈ જાઓ છો.

  અને …. આ મામલામાં વધુ ઉંડા ઉતરવા કરતાં ‘ આજની ઘડી રળીયામણી’ ના તમને મળેલાં મહામુલ્ય રત્ન જેવાં જીવનસુત્ર અને જીવનશૈલીમાં તમારો વીશ્વાસ હવે દ્રઢ બની ગયો છે.

  ——————-
  આખો લેખ …
  http://gadyasoor.wordpress.com/2008/02/06/life-3/

  Like

   
 5. Valibhai Musa

  April 8, 2010 at 1:46 pm

  શ્રી સુરેશભાઈ,

  તમારાં લખાણો જોતાં એક Think Tank તરીકેનું તમારું વ્યક્તિત્વ મારી સામે ઊભરે છે. T.S. Eliot ની કાવ્યપંક્તિ છે : Human kind cannot bear very much reality.’ સત્ય વિષેના તમારા ચિંતનના ‘કઠોરતા’ ના પાસાને આ પંક્તિ સમર્થન આપે છે
  ધન્યવાદ.

  Like

   
 6. sapana

  April 8, 2010 at 8:10 pm

  વલીભાઈ,
  ગઈકાલે જ સમાચાર સાંભળ્યાં કે ભારતમા બોંબ પડ્યો અને ૭૦ ઘાય્લ થયાં,..અને પેશાવરમા બોંબ પડ્યો અને માણ્સઓ ઘાયલ થયા ત્યારે મને પણ એક ગઝલ સુઝી અને થોડા સમયમાં મારાં બ્લોગમા મૂકીશ..આ લેખ વાંચીને બસ આવી જ કઈક ભાવના થયેલી..ક્યારેક તો આ સમાજ સુધરશે ક્યારેક તો આ પૃથ્વી રહેવા માટે સલામત થશે…ત્યારે રફીનુ ગીત યાદ આવ્યું પણ કોણ માને?
  તું હિન્દુ બનેંગા ન મુસલમાન બનેંગા
  ઈન્સાનકી ઔલાદ હૈ ઇન્સાન બનેંગા..અને હમણા નવૂ ગીત સાંભળ્યુ
  સબકૉ એક રંગમે રંગદે શકલ એક જિસ્મ એક નામ એક..ઇનસાન હોકે ન ઇન્સાનોમે ફર્ક..
  આભાર
  સપના

  Like

   
 7. Dilip Gajjar

  April 9, 2010 at 2:44 am

  હું સહજ જ એક નવું સમીકરણ, દુનિયા=શાસકો+શાસિતો અર્થાત્ પ્રજાઓ,
  મનનીય વિશ્વ હિતાર્થે યથાર્થ ભાવના

  વસંતી વાયરા ખોબા ભરી ખુશ્બો લૂટાવે છે
  અને ખુશ્બો હદયમાં પ્રેમના પૂષ્પો ખિલાવે છે
  જગત સુંદર સ્રુજી સરજી તેં સુદર પ્રેમની ઘટના
  ભયંકર શસ્ત્ર સર્જી માનવી સ્રુસ્ટી ઉજાડે છે

  Like

   
 8. Ramesh Patel

  April 9, 2010 at 7:07 pm

  આદરણીય શ્રી વલીભાઈ ,

  સસ્નેહ યાદ.

  આ વિચારનું પ્રગટ થવું એ નિર્દેશ કરેછે કે આગ્રહોના ગ્રહો માનવ જાતને

  જેટલા નડેછે તેટલું કોઈ નડતું નથી.દરેક ધર્મો એ માનવ રચીત છે અને સ્થળ

  કાળ અને તે સમયના વિકાસ પર આધારિત છે.દરેક દેશોની ભૌગોલીક

  સ્થિતિ જુદીજુદી છે.નેતાગીરી પણ વાતાવરણ પ્રમાણે ઘડાય છે,પોતાની

  બધીજ વસ્તુ સર્વશ્રેઠ એ વાત વ્યાજબી નથી.જોહુકમી બર્બરતા અને

  સામા પક્ષનો અનાદર સમાસ્યાઓ જ સર્જે.આજે ભારતની પરિસ્થિતિ

  સૌને સમાવવાની ઉત્તમ ભાવના વાળી છે, ફક્ત થોડા લોકો ના કામના જગડા ઉભા

  કરવાનું છોડી રાષ્ટ્ર હીતોને પ્રાધાન્ય આપે તો સારા વિશ્વને રાહ ચીધવા

  શક્તિમાન થાય.

  સ્લિપર સેલ,નકસલવાદ ,પ્રાંતવાદ, જૂથવાદ અને નવાયુગના માનસ

  ને ના ઓળખવું એટલે બરબાદીને આમંત્રણ.સાચા દુશ્મનો ઓળખવા પડશે.

  આપનો લેખ સાચા અભિગમનું એક ઉગતું કિરણ છે ,જરુર કોઈ સમયે

  છેવટે પછડાતો સહી રાહ મળશે.રાહ જોઈએ વાદળો વિખરાવાની.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

   
 9. Valibhai Musa

  April 9, 2010 at 11:07 pm

  આભાર રમેશ્ભાઈ,
  ‘કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.’
  આર્ષદૃષ્ટાઓનાં ભવિષ્યકથન છે કે અધ:પતન ઉર્ધ્વતાને પોષે છે.
  વિશ્વનું ભાવી ઉજ્જ્વળ છે.
  ધન્યવાદ.
  સ્નેહાધીન,
  વલીભાઈ મુસા

  Like

   
 10. pragnaju

  April 1, 2015 at 1:41 am

  સલામત સલામત સલામત સલામત સલામત સલામત સલામત સલામત
  અસલામતી સામે કુદરત તેનો સામનો કરવાની તાકાત આપે જ

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: