RSS

‘સબ બંદરકે બ્યૌપારીઓ’ ની કોઈ અછત ખરી!

10 Apr

Click here to read in English
મારા આજના લેખનું શીર્ષક એ મારા મૂળ અંગ્રેજી શીર્ષક “No scarcity of Jacks of all! નો ભાવાનુવાદ છે, એટલે શબ્દે શબ્દ મેળવી લેવાની કડાકૂટમાં પડતા નહિ! મારા વિષયમાં બદલાવ લાવવા તથા તમારું દિલ બહેલાવવા આજે હું તમારી સામે ઉપસ્થિત છું. મારી ભૂતકાલીન યાદદાસ્તમાંથી કોઈક ઘટનાઓને અહીં રજૂ કરું તે પહેલાં હું Jack શબ્દને થોડોક જુદી જ રીતે મરડું છું. વાહનમાલિકો ‘Jack’ વિષે સારી જાણકારી ધરાવતા હોય છે. આપણે પણ જાણતા હોઈએ છીએ કે વર્કશોપ કે વાહનો માટેનું આ સાધન બધા જ પ્રકારનાં હળવાંથી માંડીને ભારે વાહનોનો ભાર ખમે છે અને એક નમ્ર સેવકની જેમ તેનું સ્થાન હંમેશાં જમીન ઉપર જ રાખે છે. તે કદીયે માલિકપણાનો ભાવ બતાવવા ઊંચુ સ્થાન ગ્રહણ કરતો નથી. વળી Jack એ સંજ્ઞાવાચક નામ પણ છે અને બાળકોના અંગ્રેજી પૂર્વ પ્રાથમિક કક્ષાના અભ્યાસમાં એ નામવાળાં તાલબદ્ધ ગેય કાવ્યો પણ છે, જેવાં કે “Jack and Jill, went up the Hill” અને “Little Jack Horner, sat in the Corner”. પણ અહીં મારે એ બધાં Jack નામધારી છોકરાંવ સાથે કોઈ મતલબ નથી.

આલંકારિક કે મુહાવરા રૂપે બોલાતું ‘Jack of all, but Master of none’ એ કથન સામાન્ય રીતે ગમે તે વ્યક્તિને લાગુ પડે છે, નહિ કે ખાસ કોઈ Jack નામે વ્યક્તિ કે પછી ઉપર ઉલ્લેખાએલ વર્કશોપના Jack એ સાધનને! આ મુહાવરો એવી વ્યક્તિને અનુલક્ષીને વપરાય છે કે જે ઘણાં બધાં કામોમાં જાણકારી ધરાવનાર હોઈ શકે, પણ કોઈ એકાદમાં પણ શ્રેષ્ઠ પ્રભુત્વ તો ન જ ધરાવતી હોય. વળી માત્ર ‘Jack of all’ જ બોલાતું હોય, ત્યારે તેનો છાયા અર્થ એવો પણ લેવાય છે કે જે તે વ્યક્તિ એવી કાબેલ હોય કે જે બધી જ પરિસ્થિતિઓને ચપળતાપૂર્વક પહોંચી વળવા સક્ષમ હોય.

આપણને ઘણા એવા કહેવાતા Jack of All માણસો સાથે પલ્લો પડ્યો જ હશે કે જે પોતાની જાતને સૂંઠના ગાંગડે ગાંધી ગણાવતા હોય. આવા માણસો પોતાના અધૂરા જ્ઞાન વડે કેટલીકવાર આપણા માટે નુકસાનકારક નીવડ્યા હોય અથવા તેઓ આપણને ખતરનાક પરિસ્થિતિમાં મૂકી પણ દીધા હોય! આપણે એવા વાયડા માણસોથી સાવધાન રહેવું જોઈએ કે જે એવો દાવો કરતા ફરતા હોય છે કે તેઓ બધું જ જાણે છે. આપણી કોઈ સમસ્યાઓના હલ માટે આવા માણસોની મદદ લેવા પહેલાં આપણે 999 વખત વિચારવું જોઈએ. આપણે તેમને 5.48064 મીટરના અંતરેથી જ સલામ ભરી દેવી જોઈએ. જૂના જમાનામાં લંબાઈ માટેનો ગુજરાતીમાં બોલાતો એકમ ગજ (બે ફૂટ) એ શબ્દ વપરાતો બંધ થઈ ગયો હોઈ કાયદાનુસાર મેં તેને મેટ્રિક પદ્ધતિની ગણતરીમાં ફેરવી દીધો છે!

હવે આપણે આપણી વાતની મુખ્ય કડી ઉપર કેટલાક દોઢ ડાહ્યા માણસોનાં ઉદાહરણો થકી આવીએ. આવા લોકો હંમેશાં ગર્વભેર એ જાહેર કરતા રહેતા હોય છે કે તેઓ ‘સબ બંદરકે બ્યૌપારી” અર્થાત્ Jack of All છે. આવા લોકોથી દુનિયા ઊભરાય છે અને તેથી જ આપણે તેવાઓની અછતનો સામનો કરવો પડતો નથી હોતો. આવો કોઈ અજાણ્યો માણસ તમને રેલવે સ્ટેશન ઉપર ભટકાઈ જાય છે. તે ત્યાં તેના કોઈ સંબંધીને વિદાય આપવા આવેલો છે. તે તમારી તરફ ફરે છે અને તમારી સાથે વાતચીત શરૂ કરે છે. તે વણમાગી સલાહ આપતાં તમારા ઉપર ઉપકાર કરતો હોય તેમ કહે છે કે તમારી આ રાતની છેલ્લી ટ્રેઈન હંમેશાં ભરચક જ જાય છે. વળી આગળ કહે છે કે જો તમારી પાસે રિઝર્વેશન ટિકિટ ન હોય તો જ્યાંથી ગાડી આ પ્લેટફોર્મ ઉપર લાગવા આવે છે તે યાર્ડમાં તમારે ચાલ્યા જવું જોઈએ. તમે તેની સલાહને અનુસરો છો, ત્યાં જાઓ છો, ઉપરની બર્થને તમે કબજે કરી લઈને સૂઈ જાઓ છો. વહેલી સવારે તમે જ્યારે જાગો છો, ત્યારે તમારી જાતને અને તમારા કબજે કરી લીધેલા ડબ્બાને તમે તમારા ઉપડવાના એ જ સ્ટેશને જૂઓ છો. હવે તમને ભાન થાય છે કે પેલી તમારી ટ્રેઈન સાથે એ ડબ્બાને જોડવાના બદલે તેને પડતો મૂકી દેવામાં આવેલો છે!

ઉપરોક્ત બનાવને ઉપજાવી કાઢવામાં આવ્યો નથી, પણ તેના ઉપર સચ્ચાઈનું લેબલ છે જ. મેં તેને તમારી આગળ એવી ઢબે રજૂ કર્યો છે કે જાણે કે તમે, હા તમે પોતે જ, એ હાસ્યાપદ કરૂણાંતિકાના નાયક (Hero) છો! હું હજુ સુધી તમને છટકવા નહિ દઉં, કેમ કે હજુ આવા જ અન્ય બનાવના તમને જ બીજી વાર નાયક (Hero) બનાવવાના છે. પણ, આ માટે મારી પાયાની શરત એ છે કે તમે પુરુષ હોવા જરૂરી છો! હું તમને એક હજામની દુકાને દાઢી કરાવવા માટે મોકલવાનો છું, હા માત્ર દાઢી જ કરાવવા, તમારે બાલ કપાવવાના નથી. હજામતના આ ઉદ્યોગમાં સવારના કલાકો ભરચક કામના હોય છે, પણ તમે નસીબદાર છો. તમે એક એવી દુકાનમાં દાખલ થાઓ છો, જ્યાં બધી જ ખુરશીઓ ખાલી છે. દુકાનમાં કદાચ તેનો માલિક એકલો જ હાજર છે, કેમ કે હજુસુધી તેનો સ્ટાફ ફરજ ઉપર હાજર થયો નથી. તમે એક ખુરશીમાં ગોઠવાઈ જાઓ છો. તમારા ચહેરાના વધેલી દાઢીએ કબજે કરેલા વિસ્તાર ઉપર સાબુ લગાવીને બ્રશ દ્વારા ફીણ લાવવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે.

હવે, તમે મિનિટો ગણવાનું શરૂ કરો છો : એક, ત્રણ, પાંચ .. અરે! દસ!!! પેલો માણસ અસ્તરો હાથમાં લઈને હજામત શરૂ કરવા તૈયાર હોય તેવું તમને લાગતું નથી. તમે માની લો છો કે એ માણસ વધુ વાર સુધી બ્રશ એટલા માટે ઘસી રહ્યો છે કે જેથી તમારી દાઢી ખૂબ જ નરમ થાય અને ઈજારહિત દાઢી બનાવવાનું કામ સરળ રીતે પાર પડે. સાબુના ફીણનો થર ઘટ્ટ અને ઘટ્ટ્ થયે જ જાય છે અને પેલો દાઢી મૂંડવાનું શરૂ કરવાનું નામ સુદ્ધાં લેતો નથી. તમે હવે અરીસામાં નાતાલના સાન્ટા ક્લોઝ (Santa-Claus) જેવા દેખાઈ રહ્યા છો. બ્રશના રેસા સખત હોવાના કારણે બાલનાં મૂળ, ચહેરાની ચામડી અને ગાલના સ્નાયુઓમાં તમે ઈજા અનુભવી રહ્યા છો. હવે તમે બૂમ પાડી ઊઠો છો, ‘ કેમ, કેમ! ઓ શ્રીમાન, તમને શું થઈ ગયું છે? અને, તમે આ શું કરી રહ્યા છો?’

પેલો માણસ અચકાતાં અચકાતાં ધીમા અવાજે બોલે છે, ‘ સોરી, સાહેબ! હું હેર ડ્રેસર નથી, પણ આ દુકાનના માલિકનો મિત્ર છું. તે થોડીક જ વારમાં હું પાછો આવું છું એમ કહીને સાઈકલ ઉપર ક્યાંક ગયો છે! મે વિચાર્યું કે લાવ ને આપનો સમય બચાવવા સાબુ લગાવવાનું કામ શરૂ કરી દઉં! એ હવે આવતો જ હશે! મને માફ કરો, સાહેબ!’

પણ, તમે તમારો મિજાજ ગુમાવતા નથી કારણ કે તમે મૂંઝવણમાં મુકાઈ ગયા છો. તમે શેક્સપિઅરના હેમ્લેટ(Hamlet)ના આત્માની પકડમાં આવી ગયા છો. તમારા માટે ‘હસવું કે ન હસવું’ એવો એક પ્રશ્ન થઈ ગયો છે! વળી ‘ગુસ્સે થવું કે ન થવું’ એ તમારા માટે એનાથી પણ વધારે મોટો યક્ષ પ્રશ્ન બની રહ્યો છે!! છેવટે તમે પેલાને એક ખાલી ખુરશી તરફ આંગળી ચીંધતાં સહજ માત્ર એટલું જ કહો છો, ‘ત્યાં બેસી જાઓ અને ઓ મારા મિત્ર (મનમાં ‘મૂર્ખ!), સ્વસ્થ થઈ જાઓ!’

હવે સાબુના ફીણના થર સુકાઈને ખરવા માંડે તે પહેલાં પેલો દુકાનનો માલિક પેલા અવેજી (dummy) હેર ડ્રેસરને તેની દુ:ખદાયક પરિસ્થિતિમાંથી બહાર કાઢવા તારણહાર બનીને દુકાનમાં પ્રવેશે છે. જેવો દુકાનદાર અંદર દાખલ થાય છે કે તરત જ બિલાડીને જોઈને ઉંદર ભાગે તેમ પોતાનો દયામણો ચહેરો લઈને પેલો માણસ ચૂપચાપ ત્યાંથી સરકી જાય છે.

તમારા કોમ્પ્યુટરનું માઉસ તમારા હાથની પકડમાં છે અને તમે લખાણને ઉપર તરફ સરકાવી રહ્યા છો, કેમ ખરું કે નહિ? પણ, સોરી! તમારી બીજી ઘટના પૂરી થઈ, મારો આર્ટિકલ પણ પૂરો થયો અને અહીં મારો સમય પણ પૂરો થાય છે.

બધાંયે આવજો! ફરી કોઈક વાર મળીશું!

વંદનસહ, હું છું

વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Translated from English version titled as “No scarcity of Jacks of all!” published on August 30, 2008.

 

Tags: , , , , , , , , ,

7 responses to “‘સબ બંદરકે બ્યૌપારીઓ’ ની કોઈ અછત ખરી!

  1. Ramesh Patel

    April 10, 2010 at 3:31 pm

    રિઝર્વેશન ટિકિટ ન હોય તો જ્યાંથી ગાડી આ પ્લેટફોર્મ ઉપર લાગવા આવે છે તે યાર્ડમાં તમારે ચાલ્યા જવું જોઈએ. તમે તેની સલાહને અનુસરો છો, ત્યાં જાઓ છો, ઉપરની બર્થને તમે કબજે કરી લઈને સૂઈ જાઓ છો. વહેલી સવારે તમે જ્યારે જાગો છો, ત્યારે તમારી જાતને અને તમારા કબજે કરી લીધેલા ડબ્બાને તમે તમારા ઉપડવાના એ જ સ્ટેશને જૂઓ છો. હવે તમને ભાન થાય છે કે પેલી તમારી ટ્રેઈન સાથે એ ડબ્બાને જોડવાના બદલે તેને પડતો મૂકી દેવામાં આવેલો છે!
    ……….
    એવું પણ બને..

    જવા બેસીએ યાર્ડમાં જઈ બસમાં દ્વારકા જવા અને બસ ઉપડે દોલતાબાદ જવા.

    કંડક્ટર કહે આજ તો ભાઈ મારી ટ્રીપ બદલાઈ છે..ઉપ ડાઉન કરતા ઘણા મિત્રોનો

    આવા સુખદ અનુભવની કથા સાંભળી છે.

    આવી રીતે દાઢી કરાવતા અને કરતા ઘણા ભાઈબંધો પણ મળ્યાછે.

    મજા લાવી દીધી મરક મરક હસવાની.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

     
  2. સુરેશ જાની

    April 10, 2010 at 6:38 pm

    તમે પાલનપુરના રહેવાસી છો, એમ માની લખુ છુ કે. હવે અમદાવાદ આવીશ ત્યારે એક દિવસ પાલનપુર આવીશ, અને તમને મળતા પહેલા એ દૂકાને સાન્તા ક્લોઝ બનવાનો લ્હાવો જરૂર લઇશ!

    Like

     
  3. DR. CHANDRAVADAN MISTRY

    April 11, 2010 at 9:51 am

    જેવો દુકાનદાર અંદર દાખલ થાય છે કે તરત જ બિલાડીને જોઈને ઉંદર ભાગે તેમ પોતાનો દયામણો ચહેરો લઈને પેલો માણસ ચૂપચાપ ત્યાંથી સરકી જાય છે.

    તમારા કોમ્પ્યુટરનું માઉસ તમારા હાથની પકડમાં છે અને તમે લખાણને ઉપર તરફ સરકાવી રહ્યા છો, કેમ ખરું કે નહિ? પણ, સોરી! તમારી બીજી ઘટના પૂરી થઈ, મારો આર્ટિકલ પણ પૂરો થયો અને અહીં મારો સમય પણ પૂરો થાય છે.
    >>>>>>>>

    Valibhai….Now, now go on the “keyboard of my Computer….& trying to post a Comment for the New Post….then thinking “what to write ?”……Should I put my “two cents” on the Railway Station OR the Barber Shop story ?….If I DO..then, I could be included as one of the “Dodh Dahya” of this World…..
    But …I am the MASTER of my Keyboard, and, I sincerely say this Post is VERY NICE..& I ENJOYED IT !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar )
    http://www.chandrapukar.wordpress.com
    Valibhai…..Hope to see you for a New Post on HEALTH…..to be published today !

    Like

     
  4. pravinshastri

    February 3, 2014 at 6:31 pm

    મજા આવી. અને મજાની વાત તો એ છે કે જૅક ઓફ ઓલ તરીકે હું લઘુમતીમાં નથી.

    Like

     
  5. La Kant Thakkar

    June 30, 2014 at 12:12 pm

    સ્રરળ શૈલી,રમુજ તમને “સહજ”…. માણસ ભીતરમાં ઠરેલ હોય, તે બીજાને ઠારવાનુ કામ કરી શકે !તમારી વિચાર ધારા ગમે ત્યારે …ગમે ત્યાં વળી શકે છે ! અરથ શોધવા જઈએ તો ? ના, ‘બે ઘડી મોજ’ નો આશય …સફળ
    -લા’ કાંત / ૩૦.૬.૧૪

    Like

     
  6. pragnaju

    April 1, 2015 at 1:37 am

    યાદ આવે રચના– સુરેશ દલાલની

    તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે?
    – તો લખો.

    તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે?
    – તો લખો.

    તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતાં આવડે છે?
    – તો લખો.

    તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે?
    – તો લખો.

    તમને આંખમાં આવેલા વાદળને નહીં વરસાવતાં આવડે છે?
    – તો લખો.

    તમને મેઘધનુષને સુક્કી ધરતી પર વાવતાં આવડે છે?
    – તો લખો.

    તમને લોકોની વચ્ચે તમારી સાથે રહેતાં આવડે છે?
    – તો લખો.

    તમને તમારાથી છૂટાં પડતાં આવડે છે?
    – તો લખો.

    તમને કંઈ પણ આવડતું નથી
    એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે?
    – તો લખો.

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: