RSS

‘મૂર્ખતા!’ – એક રમુજી લોકકથા

21 Apr

Click here to read in English
આજના મારા વિનોદી આર્ટિકલ ઉપર આગળ વધવા પહેલાં, હું મારી અહીં રજૂ થનારી કૃતિના કથાવસ્તુનો ખરો જશ મારા વતનના જ એક હાથશાળના કારીગરની તરફેણમાં આપી દેવા માગું છું કે જેની પાસેથી વર્ષો પહેલાં રમુજી ટુચકાના રૂપમાં મેં એ વાર્તાને સાંભળી હતી. વળી આ તબક્કે હું એક બીજું રહસ્ય પણ છતું કરી દેવા માગું છું કે લગભગ આવી જ લોકકથા, પણ જુદા ઘટનાક્રમમાં, મને આ આર્ટિકલ લખવા પહેલાંના ઈન્ટરનેટ ઉપરના મારા સર્ફીંગથી મને જાણવા મળી છે. ઈ.સ. 1805-1875 ના સમયગાળામાં થઈ ગએલા ડેન્માર્કના હેન્સ ક્રિશ્ચિયન એન્ડરસન (Hans Christian Andersen) કે જે મોચીના દીકરા હતા અને તેમણે પોતાના પુસ્તક ‘Fairy Tales’ માં ‘The Emperor’s New Robes’(સમ્રાટનો નવો પોષાક) શીર્ષકે એક વાર્તા આપી છે.

મને નવાઈ લાગે છે કે સાવ અભણ જેવા એ ટુચકાકારે કેવી રીતે અને કયા સ્રોતથી એ વાર્તાને જાણી હશે! આ કેવું નવાઈ પમાડનાર આપણને લાગે કે સાહિત્યને દુનિયાભરમાં ફેલાવા માટે કોઈ સરહદો નડતી નથી હોતી! સાહિત્ય એ સ્થળાંતર કરતાં પક્ષીઓ જેવું હોય છે કે જે પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી કોઈપણ જાતના અવરોધ કે પ્રતિબંધ વગર ઉડ્ડયન કરી શકે. નીચે જે વાર્તા આપવા હું જઈ રહ્યો છું તે ઉપરોક્ત બંને સ્રોતથી જાણવા મળેલ વાર્તાઓનું એવું ત્રીજું સંયોજિત સ્વરૂપ છે, જેમાં મેં મારા પક્ષે કંઈક વધારો કે ઘટાડો પણ કરેલ છે. લોરેન્સ લેસીગ (Lawrence Lessig) નામના સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, કેલિફોર્નીઆ (USA) ના કાયદાશાસ્ત્રના પ્રોફેસરના મતે ‘મિશ્રણ કે સંયોજન એ સાંસ્કૃતિક અધિકાર છે.’ અહીં હું મને એવો કોઈ અધિકાર હોવાનો દાવો કરતો નથી, પણ સહજ જ કહું છું કે મારા આ નમ્ર પ્રયત્નમાં મેં થોડીક સ્વતંત્રતા તો જરૂર લીધી છે. ચાલો, હવે આ વાર્તા વાંચવા આગળ વધો.

“કેટલાંય વર્ષો પહેલાં એવો એક રાજા થઈ ગયો કે જે પોતાના દરબારમાં વિશિષ્ટ પ્રતિભાઓ ધરાવતી વ્યક્તિઓને એકત્ર કરવાનો શોખીન હતો, જેવી રીતે કે ભારતનો મોગલ બાદશાહ મહાન અકબર જે જુદાંજુદાં ક્ષેત્રોમાં ઝળહળતી કારકિર્દી ધરાવતા માણસોને દરબારી રત્નોના ઈલ્કાબ વડે નવાજતો હતો. પણ, અહીં આપણી વાર્તાના રાજાના કિસ્સામાં તો ઘણા સ્થાનિક પ્રજાજનો ઉપરાંત વિદેશીઓ અને સાવ અજાણ્યા માણસો પણ રાજાના દરબારની મુલાકાત લેતા અને પોતપોતાનો દાવો રજૂ કરતા કે તેઓ પણ કંઈક વિશિષ્ટ પ્રતિભાઓ ધરાવે છે અને તેમને પણ વિશિષ્ટ વ્યક્તિઓ તરીકે બિરદાવવામાં આવે.

એક દિવસે રાજાના દરબારમાં બે ઠગ આવ્યા કે જેમણે પોતાની જાતની દૂર પૂર્વના કોઈક દેશના હાથશાળ કાપડ વણાટના કારીગર અને દરજી તરીકેની ઓળખાણ આપી. તેમણે કહ્યું, ‘અમે કલ્પના બહારનું, માત્ર રંગ કે ડિઝાઈનમાં જ નહિ પણ અસાધારણ ખૂબીવાળું એવું, અદૃશ્ય કાપડ વણી શકીએ છીએ કે જે લુચ્ચા, બેઈમાન અને ચારિત્ર્યહીન માણસોને દેખાય નહિ! જો અમને હાથશાળ, સીવવાનું મશીન, રેશમનો કાચો માલ, સોનાચાંદીના તાર અને વ્યાજબી મહેનતાણું આપવામાં આવે તો આપ નામદાર માટે ભવ્ય પોષાક તૈયાર કરી શકીએ તેમ છીએ.’

‘ખરેખર! તો તો પછી એ પોષાક તો ભવ્ય લાગશે!’ રાજાએ કહ્યું અને તરત જ ખજાનચીને હૂકમ કરી દીધો કે પેલા વણકરો ઊર્ફે દરજીઓને તેઓ માગે તેટલું નાણું આપવામાં આવે!

પેલા વણકરોએ તો ખૂબ જ મોટી રકમ ઊપાડી લીધી અને પોતના વતન ભેગી કરી દીધી. મહિનાઓ પસાર થઈ ગયા અને ખજાનચીએ અચકાતાં અચકાતાં રાજાને વિનંતીપૂર્વક કહ્યું કે કોઈ જવાબદાર અધિકારીને પેલાઓ પાસે મોકલવામાં આવે અને તપાસ કરવામાં આવે કે કાપડ વણવાનું કામ કેટલે આવ્યું છે, હવે કેટલો સમય લેશે અને હજુ તેમને કેટલાં નાણાંની જરૂર પડશે!

રાજાએ પોતાના પાટવી કુંવરને જ બે હેતુઓ ધ્યાનમાં રાખીને મોક્લ્યો; એક તો પોતાના અવસાન પછી રાજા બનવાની યોગ્યતા ધરાવે છે કે કેમ, અને બીજું એ પણ જાણવા મળે કે કાપડવણાટની પ્રક્રિયામાં કેટલી પ્રગતિ થઈ છે તેનો અહેવાલ જાણવા મળે.

રાજકુંવર તો ત્યાં ગયા અને જોયું કે પેલા કારીગરો તો તેમની ખાલી શાળો ઉપર બેઠેલા હતા. તેને કશું જ દેખાતું ન હતું, તેમ છતાંય પોતાનું શિથિલ ચારિત્ર્ય ઊઘાડું ન પડી જાય એવા ભય હેઠળ કંઈપણ કહેવાની હિંમત કરી શક્યો નહિ. તેણે પોતાના ચહેરા ઉપર મનનો સાચો ભાવ ન ડોકાઈ જાય તેવી તકેદારી રાખતાં ઢોંગપૂર્વક કહ્યું, ‘અરે, વાહ! કાપડ તો ખૂબ જ આકર્ષક છે! હા હા, હું નામદાર રાજાસાહેબને અહેવાલ આપીશ કે કામકાજ બહુ જ સરસ રીતે ચાલી રહ્યું છે!’
થોડાક દિવસો પછી રાજાએ બીજા સક્ષમ અધિકારીઓને એ જાણવા માટે મોકલ્યા કે કામ કેવી રીતે આગળ ધપી રહ્યું છે અને હવે પોષાક જલ્દી તૈયાર થઈ જશે કે કેમ! તે લોકોએ પણ રાજકુંવરના જેવો જ પ્રતિભાવ આપ્યો એમ છતાંય કે તેમને પણ હાથશાળ ઉપર કશું જ દેખાતું ન હતું!

રાજાના રાજ્યાભિષેકની ઉજવણીનો દિવસ નજીક અને નજીક આવી રહ્યો હતો. આખાય રાજ્યમાં રાજાના કથિત વિશિષ્ટતાવાળા ભવ્ય પોષાકની વાત ફેલાઈ ગઈ હતી. ઉજવણીના એ ખાસ દિવસે જ પ્રયોગાત્મક રીતે પહેરાવવા માટેનો રાજાનો પોષાક તૈયાર થઈ રહ્યો હતો. પેલા ઠગોએ જાણી લીધું હતું કે રાજા પોતાના સમગ્ર જીવનકાળમાં એક વખત પોતે પહેરી લીધેલો પોષાક બીજીવાર પહેરતો નથી અને તેમના માટે એ એક જ દિવસ પસાર કરવાનો પ્રશ્ન હતો. તેમને વિશ્વાસ હતો કે એ કટોકટીભર્યો દિવસ પણ સરળતાથી પસાર થઈ જશે અને તેમને અંગરખાના બટનહોલમાં લગાવવા માટેનો નાઈટહુડનો ચંદ્રક એનાયત કરવામાં આવશે તથા, એટલું જ નહિ, તેમને ‘દરબારી વણકર’ નું બિરૂદ પણ આપવામાં આવશે.

છેવટે લગભગ બે વર્ષ બાદ, પેલાઓએ જાહેર કર્યું કે રાજાના પોષાકને સીવવા માટેનું કાપડ તૈયાર થઈ ગયું છે. તેમણે હાથશાળ ઉપરથી કાપડને ઊતારી લેવાનો, હવામાં મોટી કાતર વડે તેને કાપી કાઢવાનો અને કોઈ દોરા પણ દેખાતા ન હોવા છતાં સોઈ વડે પોતે જાણે કે રાજાનો પોષાક સીવતા હોય તેવો દેખાવ માત્ર કર્યો. આ બધી કહેવાતી કામગીરી દરમિયાન તેઓ આમ બોલ્યે જતા હતા કે ‘અહીં જૂઓ, હવે રાજાનો જાંબુડિયા રંગનો ડગલો તૈયાર છે! જૂઓ, બગલાની પાંખ જેવો સફેદ તેમનો પાયજામો પણ પૂરો થઈ ગયો! અને પાઘડી! મોરની ડોક જેવો કેવો તેનો વાદળી રંગ છે!’

એ મહાન દિવસ આવી ગયો. વણકરોએ કહ્યું, ‘આપ નામદાર હવે મહેરબાની કરીને આપનાં પહેરેલાં કપડાં ઊતારશો? હવે આપ આ મોટા અરીસા સામે ઊભા રહો કે જેથી અમે આપને પોષાક પહેરાવીએ ત્યારે આપ જોઈ શકો કે આ ભવ્ય નવા પોષાકમાં આપ કેવા દેખાઓ છો!’

હવે, રાજા પોતાના બદન ઉપર માત્ર લંગોટી પહેરીને ઊભો હતો! પેલાઓએ રાજાને એક પછી બીજું એમ વસ્ત્રો પહેરાવવાનો દેખાવ માત્ર કર્યે રાખ્યો અને છેવટે તેના માથા ઉપર પાઘડી વીટાળતા હોય તેવો અભિનય પણ કરી લીધો.

રાજા અરીસાની સામે ગોળગોળ ફૂંદડી ફર્યે જતો હતો અને આંતરિક રીતે તો ખચકાટ અનુભવતો હતો, પણ બાહ્ય રીતે તો એવો ઢોંગ કરતો હતો જાણે કે તે પોતાના નવા પોષાકથી ખૂબ જ ખુશ હતો.

રાજાનું દરબારમાં આગમન થઈ રહ્યું હોવાની છડી પોકારનાર માણસે મોટા અવાજે એલાન કર્યું, ‘નામદાર રાજાસાહેબ દરબારમાં પધારી રહ્યા છે!’ દરબારીજન સાવ ફિક્કા છતાંય મુસ્કુરાતા ચહેરે રાજાને માન આપવા પોતાની બેઠકો ઉપરથી ઊભા થયા. દરબારના સભાખંડના ઝ્રૂરૂખાઓમાં બેઠેલી રાણીઓ મનોમન મૂંઝાતી હતી અને દિવાના જેવા લાગતા રાજાને જોઈને શરમાતી હતી. તેઓ એ જાહેર કરવાની હિંમત કરી શકતી ન હતી કે રાજાએ પોતાના શરીરે માત્ર લંગોટી જ ધારણ કરેલી હતી!

રાજકવિએ પોતાની શીઘ્ર કવિતા દ્વારા રાજાનાં યશોગાન ગાયાં, તેણે રાજાના ભવ્ય પોષાકની પણ ભરપૂર પ્રશંસા કરી. વળી એટલું જ નહિ તેણે પેલા બે વણકરો કે જે રાજાના દરબારમાં ‘દરબારી રત્ન’ તરીકે નવીન ઉમેરાયા હતા તેમનાં પણ ગુણગાન ગાઈ સંભળાવ્યાં.

આ લોકવાર્તા આપણને એ હકીકત ઉપર વિચારતા રાખીને અહીં અંત પામે છે કે પેલા બે ઠગ અને આપણે વાંચકો સિવાયના તમામે તમામ મૂર્ખ માણસો હતા.! જો તેઓમાં થોડીક પણ અક્કલ હોત તો અંધજનોની જેમ પોતાની ચપટીઓમાં કપડાના સ્પર્શને અનુભવી શક્યા હોત! પેલા ઠગોએ જાહેર કર્યા મુજબ ભલે વસ્ત્રો અદૃશ્યમાન રહી શકે, પણ અસ્પર્શ્ય તો કેવી રીતે રહી શકે!

સામાન્ય રીતે લોકકથાઓ, બોધકથાઓ કે પ્રાણીકથાઓ અંતે કોઈક બોધપાઠ તો જરૂર દર્શાવે, પણ અહીં મેં એવો ઉપદેશ તારવી કાઢવાનું કામ વાંચકો ઉપર છોડી દીધું છે; કેમકે મારો આશય તો તમને માત્ર મનોરંજન પૂરું પાડવાનો છે. મને ખબર નથી કે હું મારા આ ઉદ્દેશમાં સફળ થયો છું કે કેમ!.

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

નોંધ : –

આ વાર્તાના બંને સ્રોતોમાં અંત જુદાજુદા છે. એન્ડરસન (Andersen) લખે છે કે આ ઠગાઈનું રહસ્ય એક બાળકે ખુલ્લું પાડ્યું હતું. જ્યારે મૌખિક રીતે મને રમુજી ટુચકો સંભળાવનાર મારા પેલા ગ્રામબંધુના કહેવા પ્રમાણે એ રહસ્ય રાજાની પટરાણીએ જાહેર કર્યું હતું. મેં બંને પ્રકારના આ વાર્તાના અંતને અવગણ્યા છે અને પેલા ઠગોને પોતાની યોજનામાં સફળ થએલા બતાવ્યા છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન (Albert Einstein) નું ‘મૂર્ખતા’ ઉપરનું એક અવતરણ માણો : “બે વસ્તુઓ અમર્યાદ (અનંત) છે, બ્રહ્માંડ અને મૂર્ખતા; પણ હું બ્રહ્માંડ વિષે એટલો બધો ચોક્કસ નથી!”

Translated from English version titled as “A Humorous Folktale on Stupidity” published on August 18, 2009

Advertisements
 
 

Tags: , , , , , , , , , ,

13 responses to “‘મૂર્ખતા!’ – એક રમુજી લોકકથા

 1. પટેલ પોપટભાઈ

  April 22, 2010 at 4:23 am

  માનનિય જનાબ વલીભાઈ

  મજાની વાર્તા છે. બોધપાઠ પણઆપે છે. જેને લેવો હોય તેને.

  નિર્દોષ બાળક જ ચોખ્ખું સાફ અને સાચું કહી શકે, આપણે કહેવાતા મોટેરાઓએ એ જ શિખવાનુ છે.

  આ દુનિયાંમાં આજે પણ જી-હજૂરિયાઓનો ક્યાં તોટો છે ?? લોભીયા હોય ત્યાં ધૂતારાઓ રહેવાના જ પછી તે રાજા કે રંક હોય .જવાહરલાલ નહેરૂને પણ આ શોખ હતો.પોતાના દરબારમાં વિશિષ્ટ પ્રતિભાઓ ધરાવતી વ્યક્તિઓને એકત્ર કરવાનો.

  અકબર બાદશાહની વાત અલગ હતી,કલા-માણસ પારખુ હતા. ભલે બિરબલ હોંશિયાર-ચતુર હતા,( એ બે વચ્ચે ખાસ કરી બાદશાહની ઠેકડી ની વાતો વાંચી સાંભળી છે.) પણ પસંદગી કરનાર અકબર પોતે હતા, એ પણ યાદ રાખવુ જરૂરી છે.

  હું નહેરૂનો વિરોધી નહી પણ ચાહક છું. કોણ ઓળખે છે આજે એના ભેગા કરેલ નમૂનાઓને.એમના જી-હજૂરિયાઓએ દેશ્ને નૂક્શાન પણ પહોંચાડ્યું.

  આ મારો પોતનો અભિપ્રાય છે.

  Like

   
 2. Pancham Shukla

  April 22, 2010 at 10:25 am

  રમૂજી પણ બોધપ્રદ લોકકથાનું તમે આપેલું વર્ઝન એ રીતે વધુ ગમ્યું કે એમાં ચોટની અસર વધુ રહે છે.

  Like

   
 3. અરવિંદ અડાલજા

  April 30, 2010 at 7:29 am

  શ્રી વલીભાઈ
  આ વાર્તા મેં પણ બચપણમાં સાંભળેલી છે અને તેમાં મોટેભાગે અકબર બીરબલ અને દૈવી પોષાક કે તેવું જ કંઈક નામ હતું અને તેમાં પહેરી એક જાહેર સ્થળે એકઠા થયેલા લોક સમૂહ સમક્ષ બાદશાહને આ પોષાક પહેરવાનું કહેવામાં આવે છે અને તે પ્રમાણે બાદશાહ પોષાક પહેરવાનો અભિનય કરી લોક સમક્ષ આવે છે ત્યારે લોકો પોષાકનું ભરપુર વખાણ કરી બાદશાહને આવો દૈવી પોષાક મેળવી શકવા બદલ બિરદાવે છે ત્યાં જ એક બાળક મોટેથી બૂમ પાડે છે અને કહે છે કે જુઓ જુઓ બાદશાહ નાગો છે ! અને ત્યારે બાદશાહને પણ પ્રતિતિ થાય છે કે જે લોકો પોષાકના વખાણ કરતા હતા તેઓ સૌ માત્ર સારું લગાડવા કોશિશ કરતા હતા પણ હકિકત કે વાસ્તવિકતા કહેતા ડરતા હતા ! આમ બાળક જ નિર્દોષતાથી સાચી વાત કરી શકે મોટાઓ તો તમામ પ્રકારની ગણત્રી કરીને જ વાતો કરે ! અસ્તુ !

  Like

   
 4. Ramesh Patel

  April 30, 2010 at 1:17 pm

  સરસ વિચાર દર્શનથી ખીલતી વાત.
  વાહ વાહનો જમાનો છે.લાભ મળે તો લોટે રાખો,તમે રાજાનાં
  કપડાં વાર્તામાં ઉતાર્યા અને અહીં આવી જમાત પ્રજાનાં ઉતારે છે
  અને મફતમાં તમાસો છતી આંખે ભજવાતો જાય છે…આવું થોડુંક
  વાર્તા દ્વારા આપે સમજાવ્યું ..બરાબર શ્રી વલીભાઈ.
  Very nice,enjoyed.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

   
 5. MOhsin Kadiwal

  May 3, 2010 at 9:23 pm

  Salaam,
  Aapna Dirgh AAyu mate duva karu chhu. “Murkhata” mo Murkh lokono ullekh chhe. Aa silsilo aaje pan chalu chhe. te aapne joi shakie chhie. Ke Loko ni naitik himmatnu adhah patan thayu chhe. koinamo Sampurna satya kahevani himmat nathi. duniyanu tantra ketlu viprit thayu chhe ke je satya raju kare tene moto varg murkh mane chhe. jyare naryu juth ke pokal vakhan karnarane duniya salaam bhare chhe. Aapne dua kari-e- ke Imam Husain A. me aapanne shikhvela SATYA NA PATHO par saune amal karvani Taufiq aape.
  Mohsinali Kadiwal, Meta

  Like

   
 6. સુરેશ જાની

  May 6, 2010 at 2:56 am

  અરે ! આ વાર્તા તો મારા ધ્યાન બહાર જ ગઈ.
  જૂની જાણીતી વાર્તાની દિલધડક રજૂઆત . વાર્તા જેટલાં જ તેની પ્રસ્તાવના અને ઉપસંહાર ગમ્યાં.

  Like

   
 7. Sharad Shah

  May 24, 2010 at 8:06 am

  પ્રિય વલીભાઈ;
  પ્રેમ્;
  Hans Christian Anderse ની વાર્તા “The Emperor’s New Suit” ખૂબ જ અર્થપૂર્ણ વાર્તા છે. અનેક ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે અને દુનિયાના કેટલાંય બાળકોએ આ બાળપણમા વડિલોના મુખે સાંભળી હશે. મેં પણ બાળપણમા મારી દાદી પાસે આ વાર્તા સાંભળેલી.
  આ વાર્તાને તમે તમારી શૈલીમા રજૂ કરી છે અને મિશ્રણ સંયોજનના ચક્કરમા વાર્તાનુ હાર્દ ચાલ્યુ જતુ હોય તેવુ મને લાગ્યું.પ્રથમ તો વાર્તાનુ શિર્ષક “મુર્ખામી” રાખેલ છે. વધુમા વધુ “મૂર્ખ રાજા” જેવું શિર્ષક રાખી શકાય. કારણ કે એક રાજા સિવાય અન્ય કોઈ મૂર્ખતા નથી કરતો. રાજા પણ લોભને કારણે મૂર્ખ બને છે.
  બાકી Hans Christian Anderse જે વાર્તા દ્વારા કહેવા માંગે છે કે સમાજના કહેવાતા મોટા લોકો, બુધ્ધિમાન ગણાતા લોકોની મનોદશા કેવી હોય છે. નજર સમક્ષ જે જોઈ રહ્યા છે તે પણ ભયને કારણે, ચાપલુસિ વ્રુત્તિને કારણે, ચાલાક મનને કારણે કહી નથી શકતા અને આડંબર કરતા હોય છે. જ્યારે બાળકનુ મન હજી આ બાધા દુષણોથી મુક્ત છે અને જેવું દેખાય છે તેવું બે ઝીઝક કહી શકે છે. હજી બાળકનુ મન કોરી સિલેટ જેવું છે. હજી તેને ચાલકીઓ શીખી નથી. કાલે તે મોટો થશે અને ચાલાકીઓ શીખી જશે પછી તે પણ આ રીતે જ વર્તશે. આપણે પણ તેને જ પરિપક્વ ગણીએ છીએ જે આ બધી ચાલાકી ઓ શીખી ચૂક્યો હોય.આ વાર્તા માથી બાળકની બાદબાકી કરવી મને બહૂ યોગ્ય ન લાગી. વાર્તાનુ હાર્દ જાણે ચાલ્યુ ગયુ હોય તેવું લાગ્યુ.
  શેષ શુભ;
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ

  Like

   
 8. Valibhai Musa

  May 24, 2010 at 3:20 pm

  શરદભાઈ,

  તમે મારા આર્ટિકલ રસપૂર્વક વાંચો છો અને સરસ મજાના પ્રતિભાવ પણ આપો છો તેની મને ખુશી થાય છે. તમારું વિશાળ વાંચન સ્વયં પ્રગટે છે, તમારાં લખાણોમાં; અને તેથીજ ભૂતકાળમાં મેં તમારો પોતાનો બ્લોગ હોય તો કેવું સારું, તેવું સૂચન પણ કર્યું હતું. જીવનમાં ઘણીબધી બાબતો એના નિર્ધારિત સમયે થઈને જ રહેતી હોય છે. એ પણ સમય આવશે જ કે તમારો પોતાનો બ્લોગ હશે જ.

  હવે, થોડાક તમારા પ્રતિભાવ તરફ આવીએ અને ખુલ્લા મને ચર્ચા કરીએ તો મારા લેખના પ્રાસ્તાવિક અને ઉપસંહારરૂપ ભાગમાં સ્પષ્ટ કરી જ દીધું છે અને તે પણ વાંચકોના ધ્યાન ઉપર લાવીને કે મેં એક પ્રયોગશીલ અંતનો વિકલ્પ પસંદ કર્યો છે. મેં પેલા ઠગોને સફળ થવા દીધા છે, એ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને કે સમાચારપત્રોમાં એવા છેતરર્પિંડીના કિસ્સાઓ આવતા હોય છે જેમાં ભલે કોઈક પાછળથી કાયદાની પકડમાં આવી જતા હોય, પણ પોતાના મલિન ઈરાદામાં તેઓ કામિયાબ થતા જ હોય છે.

  સાહિત્યમાં ઘણી જગ્યાએ એવું જોવા મળતું હોય છે કે જો સર્જન મૌલિક ન હોય, પણ કશાકને આધાર બનાવીને લખાયું હોય તો સર્જક તેનો અંત બદલવાનું કે કોઈક નવીન વળાંક આપવાનું ગોઠવતો હોય છે. સંસ્કૃત નાટક ‘મૃચ્છકટિક’ ઉપરથી તો ગૌણ પાત્રને મુખ્ય બનાવી દઈને ‘શર્વિલક’ લખવામાં આવ્યું. ‘સરસ્વતીચન્દ્ર’ જેવી કૃતિઓના અંતને બદલવા માટે કેટલાકોએ પુરવણીરૂપે એવું પણ લખ્યું કે કુમુદસુંદરીનો પતિ પ્રમાદધન આત્મહત્યા કરવા દરિયામાં પડે છે. કોઈક બ્રિટીશ વહાણનો કપ્તાન તેને બચાવીને ઈંગ્લેન્ડ લઈ જાય છે. નવીન ઔદ્યોગિક વિચારો લઈને તે પાછો ફરે છે અને કુમુદનું જીવન સુખમય બને છે. જો કે આવી બધી ચેષ્ટાઓ તેમ કરનારના સંતોષ પૂરતી સીમિત રહી અને મૂળ કૃતિ ઉપર કોઈ અસર પણ ન પડી અને એ સિક્કા ચાલ્યા પણ નહિ તે પણ એક હકીકત છે.

  તમે કદાચ જાણતા જ હશો કે જૂના સમયથી ચાલી આવતી બોધકથાઓમાં પણ Twist અપાયા છે. દા.ત. ‘ટોપીઓ વેચનારો ફેરિયો અને વાંદરાં’ માં કોઈકે મનોરંજન લાવવા એવું પણ કર્યું છે કે પેલી ફેરિયાની છેલ્લી ભોંય નાખેલી ટોપીને પણ એક વાંદરું ઊઠાવી જાય છે.

  આ બધી વાતો કે દલીલો દ્વારા હું કંઈ આ કે તે સાબિત કરવા નથી માગતો; પણ, એક વાત તો નક્કી કે આ વાર્તામાં મારો પ્રયોગ છે અને તે પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવશે તો બધું સમસુતર લાગ્યા વિના રહેશે નહિ. બાળક અવશ્ય બોલે જ કે રાજા નંગો છે, કારણ કે તેને એ દેખાય છે અને બોલે છે; પણ પેલી ‘સ્પર્શથી ખ્યાલ આવવાની’ બુદ્ધિચાતુર્યવાળી દલીલ તો એ બાળક ન જ આપી શકે. છેલ્લે આખરી વાત એ કે રાજાની સવારી કઢાવવાની કે રાણીઓના આવાસે જવાની શક્યતાઓના વિકલ્પે વાર્તાના અંત માટે મેં રાજદરબારનું Background જ લીધું છે.

  મને તમારા પ્રતિભાવ થકી જ મારા વિચારો પ્રદર્શિત કરવાની તક મળી; જો એમ થયું ન હોત તો આ ચર્ચા થાત નહિ અને અન્ય વાંચકોના ધ્યાને આ બધું આવત પણ નહિ.

  ધન્યવાદ.

  Like

   
 9. Sharad Shah

  May 25, 2010 at 8:35 am

  પ્રિય વલીભાઈ;
  પ્રેમ;
  તમારો પ્રયાસ સરાહનીય છે અને લેખન શૈલી અદભૂત છે તે મા કોઈ બે મત નથી. તમે જેટલું રસપ્રદ અને સાહિત્યીક ભાષામા લખી શકો છો, તેના છઠ્ઠા ભાગનુ પણ મને આવડતું નથી.મારો ઈશારો ફક્ત વાર્તાના હાર્દ તરફ હતો.અહીં કોઈ ટિકાટિપ્પણી નો આશય નથી. આતો હજુ પેલું બાળકનું મન ભિતર ક્યાંક જીવે છે એટલે લાગે તેવું કહી દેવાય છે. બાકી વસ્ત્રો તો ખૂબ અદભૂત છે જ.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ.

  Like

   
 10. pravinshastri

  August 1, 2014 at 1:31 am

  વલીભાઈ, તમે માનશો નહીં પણ હું ચોથાધોરણમાં ભણતો હતો (૧૯૪૯-૫૦) ત્યારે મારા વર્ગ શિક્ષક ચંદુભાઈ ત્રિવેદીએ ‘રાજા નાગો છે’ ની વાર્તા હાવભાવ સાથે અમને સંભળાવી હતી અને સૌ ખડખડાટ હસતાં હતાં. પછી તો જ્યારે વાર્તાની વાત આવે એટલે અમે બધા જ બુમ પાડીને કહેતાં કે સાહેબ નાગા રાજાની વાત કરોને! આજે યે પ્રેમાળ શિક્ષક અને તેની વાત જીવંત છે.
  આ વાર્તા Hans Christian Andersen ની છે એ આપની પોસ્ટ અને શરદભાઈની કોમેન્ટ દ્વારા જાણવા મળી. તમારી રજુઆત પણ રસપૂર્ણ છે.

  Like

   
 11. pragnaju

  August 1, 2014 at 2:32 am

  જાણીતી-માનીતી વાર્તા ફરી માણી આનંદ
  અમારી તો પાગલપનની વાત જાણીતી છે
  યાદ -નલિન ભટ્ટની
  કવિ! મૂર્ખતા અટકશે આવી તમારી કદા?

  કાં ભાળો કવિઓ! તમો મધુરતા કાં પ્રેક્ષતા રમ્યતા!
  કાં લાવણ્ય સમર્પતા? જગતમાં સૌન્દર્ય આરોપતા?
  જે જ્યાં ત્યાં ન બતાવતા નવ જહાં જે ત્યાં સદા પેખતા
  આકાશે જલ, વારિમાં રણ; રણે લીલોતરી વાવતા!

  કલ્પો પદ્મ વિશે રતિ ભ્રમરની ને પદ્મની સૂર્યમાં
  સાધો સ્નેહ શશાંકનો કુમુદમાં ને અબ્ધિનો ચંન્દ્રમાં
  સન્ધ્યામાં પરખો રતાશ તરતી મુગ્ધા મુખે ચુંબતાં
  કાળા વાદળ વૃન્દમાં ફરકતી વેણી છુટી વાયુમાં.

  રાત્રે ઝાકળ બિન્દુઓ ટપકતાં પૃથ્વી તલે ચારમાં
  તેમાં અશ્રુ વિલોકતા વિરહમાં પ્રેમીજનો ઢાળતાં;
  મોજામાં જલધિ તણા ઉછળતી હૈયા તણી ભાવના
  બાકી શું? મન ભાવતું પ્રકૃતિના તત્વો વિશે શોધતા.

  માતાના અતિ ઉચ્ચ, પ્રકૃતિ શિરે સંબોધનો ઢોળતા
  કલ્પી ‘મા’ કંઈ લાડ ચિત્રો કરતા, દર્શાવતા ઘેલછા;
  જો કે ‘મા’ નવ સાંભળે વચન એ ઘેલા કવિબાલના
  આશ્ચર્યોની પરંપરા! તદપિ એ ના ‘માત’ને ત્યાગતા!

  માનો શું ઉરમાં ખરેખર તમો જેવું મને કલ્પતા–
  તેવું? –શું નવ દંભ અન્તરતલે છુપી રીતે પોષતા;
  ભોળી માનવજાતને અણગણ્યા યુગો થકી દોરતા–
  અન્ધારે; કવિ! મૂર્ખતા અટકશે આવી તમારી કદા?

  Like

   
 12. ગોદડિયો ચોરો…

  August 1, 2014 at 6:51 am

  મુરબ્બી વડિલ શ્રી વલીભાઇ

  લગભગ પ્રથમ વાર આવી હીરાની ખાણ જેવા બ્લોગમાં આવ્યો

  “રાજા નાગો છે “એ વાત ભણતાં સાંભળી હતી ને નોકરી દરમ્યાન બાળકોને કહી છે.

  આજ કાલ ભારતના ઠગ નેતાઓ પ્રજાને આવું કાપડ વણીએ ્છીએ એવો આભાસ કરાવે છે

  ને પ્રજા કારભારીઓની જેમ હા ભાઇ હા કરી રહી છે.

  Like

   
  • Valibhai Musa

   August 1, 2014 at 7:19 am

   Compliments બદલ આભાર. વાર્તાવાંચનમાં રસ હોય તો ‘વલદાનો વાર્તાવૈભવ’ ( http://musavalibhai.wordpress.com ) મારો બીજો બ્લોગ છે, જેમાં મિત્રોની વાર્તાઓને પણ સ્થાન આપતું એક પેજ છે. મધુ રાય સંપાદિત ‘મમતા’ માં મારી એક વાર્તા ‘હરિયો અને જીવલો’ (૨૦૦૦થી ઓછા શબ્દો છે)પસંદગી પામી છે. કદાચ ઓગસ્ટના અંકમાં આવી જશે. આચારસંહિતાનુસાર તેને પછીથી મારા બ્લોગ ઉપર મૂકીશ, સમય મળ્યે જરૂર વાંચશો. પેટલાદ, ખંભાત, આણંદ વગેરેનાં સંસ્મરણો કોઈકવાર વાગોળીશ. ધન્યવાદ.

   Like

    

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
ગુજરાતી રસધારા

રસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની ! © gopal khetani - 2016-18

ગુર્જરિકા

અમેરિકામાં ધબકતું ગુજરાત

વેબગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ

કાન્તિ ભટ્ટની કલમે

મહેન્દ્ર ઠાકરની અભિવ્યક્તિ

word and silence

Poetry, History, Mythology

Quill & Parchment

I Solemnly Swear I Am Up To No Good

માતૃભાષા

मातृभाषा जीवे छे अने जीवशे पण एना प्रचार-प्रसारनी जरुर पण एटली ज छे...

Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

Success Inspirers' World

A forum for all inspirers

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

vijay joshi - word hunter

The Word Hunter -My English Haiku and Notes on my favourite Non-Fiction Books

લાગણીઓ નું લાક્ષાગૃહ

'રાજી' રાજુ કોટક

sneha patel - akshitarak

gujarati column writer-author and poet

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દ સાધના પરિવાર

'યાર,મારું ગામ પણ આખું ગઝલનું ધામ છે.'-'અમર'પાલનપુરી

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

%d bloggers like this: