RSS

(174) “૬૦+ ગુજરાતીઓ” ના ચર્ચાચોરે ‘ધનસંચય’નું ગાંઠાળું લાકડું – ભાગ ૧

11 May

તાજેતરમાં “૬૦+ ગુજરાતીઓ” ગૂગલ ગ્રુપ (જેમની બુદ્ધિ નાસી ગઈ છે; એમ સામાન્ય રીતે માનવામાં આવે છે – એવા બાળકોને મળવાનો ઓટલો)માં ગ્રુપ મેમ્બર હોવાના નાતે મેં ‘ચર્ચાચોરો’ શીર્ષક હેઠળ નીચે જણાવ્યા મુજબનો એક વિષય ચર્ચાની એરણે મૂક્યો હતો:

“વ્હાલા સીસી જનો,

એક ગાંઠવાળું લાકડું લાવ્યો છું.

पूत कपूत तो क्यों धनसंचय?
पूत सपूत तो क्यों धनसंचय?

ચર્ચાનો મુદ્દો રાષ્ટ્રભાષા હિંદીમાં છે, પણ ચર્ચા ગુજરાતીમાં થાય તે ઇચ્છનીય છે. આપણે હિંદીમાં મહાવરો ઓછો એટલે Cocktail હિંદીનો કોઈ મતલબ ખરો?

તો ગુજ્જુભાઈબહેનો, ચર્ચામાં જોડાઈ જાઓ.”

મારા આશ્ચર્ય વચ્ચે દેશવિદેશના કેટલાય મહાનુભાવો ચર્ચામાં ટોળાબંધ ઊમટી પડ્યા, જેમાં આ આર્ટિકલ લખવાનું શરૂ કરવામાં આવે છે, ત્યાં સુધીમાં મુખ્યત્વે પ્રજ્ઞાજુબેન વ્યાસ, શરદ શાહ, ચન્દ્રવદનભાઈ મિસ્ત્રી, સુરેશભાઈ અને હર્ષદભાઈ જાનીબંધુઓ, ઉત્તમ ગજ્જર વગેરે મુખ્યત્વે રહ્યા હતા. થોડાક દિવસ ચાલેલી ચર્ચાના અંતે હું ફરીવાર મારા નીચેના શબ્દો થકી ચર્ચામાં ટપકી પડ્યો અને એ જ શબ્દો આ આર્ટિકલના સર્જન માટે પ્રોત્સાહક બન્યા. મારા શબ્દો આમ હતા :

“શરદભાઈ અને અન્યો,

મને માફ કરશો કે અહીં હું જે કંઈ લખી રહ્યો હતો, તેમાં એટલો બધો વિસ્તાર થઈ રહ્યો હતો કે આ ચર્ચાચોરામાં આવું લાંબુ લાંબુ કોઈ વાંચે પણ નહિ અને કોઈને રસ પડે પણ નહિ. એટલે જે કંઈ લખાયું તેને કોપી-પેસ્ટ કરીને મારા MSW માં લઈ ગયો છું, જેને આર્ટિકલ રૂપે મારા બ્લોગ ઉપર પ્રસિદ્ધ કરીને આ ચર્ચાચોરા ઉપર તેનો લિંક આપીશ.

એ આર્ટિકલ ક્યારે પ્રસિદ્ધ થાય તે નક્કી ના!!!

એવુંય બને કે એટલું બધું મોડું થઈ ગયું હોય કે ચર્ચાચોરાનો આ રસપ્રદ મુદ્દો “60+ ગુજરાતીઓ” ઉપર એક ભૂતકાળ પણ બની ગયો હોય!

જોઈએ ત્યારે. ‘આગે આગે ક્યા હોતા હૈ!’ ”

હવે હું “60+ ગુજરાતીઓ” ના Discussion Box ઉપરથી આ આર્ટિકલ માટે જે કોપી કર્યું હતું, તે અહીં પ્રથમ પેસ્ટ કરીને પછી આગળ વધીશ. તો મારું એ અધૂરું લખાણ નીચે મુજબ છે:

“શરદભાઈ અને અન્યો,

મારા ગાંઠાળા લાકડાને ફાડવા સૌએ પોતપોતાની રીતે સરસ મથામણ કરી. સૌએ હાથવગા નાના કે મોટા, ધારદાર કે બુઠ્ઠા કુહાડાઓ કે કુહાડીઓ વડે આ ગાંઠાળા લાકડાને ફાડવામાં યથાશક્તિ યોગદાન આપ્યું તેનો મને સંતોષ છે. ગાંઠાળું લાકડું ફાડવામાં કૌશલ્ય જરૂરી હોય છે. અનુભવી કઠિયારો જ એ કામ સફળ રીતે પાર પાડી શકે, કેમકે કુહાડો અને બાવાડાંની કૌવત માત્ર પર્યાપ્ત નથી. ગાંઠના વાઢને પારખીને ત્યાં જ પ્રહાર કરવામાં આવે તો ફાડ પડે, નહિ તો લાકડું ઊછળે અને લાકડું ફાડનારના જ માથામાં ફાડ પડે!

ધનસંચયવૃત્તિને કાં તો વ્યક્તિ પોતે સીમિત કરી શકે અથવા જે તે દેશોની સરકારો કાયદાઓ દ્વારા તેને નાથી શકે. વળી સરકારોને પણ પૂરેપૂરી સફળતાઓ નથી મળતી હોતી, કેમ કે ‘ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા’ની જેમ ચાલાક પ્રજા કાયદાઓમાંથી છટકબારીઓ શોધી કાઢે અથવા કાયદાઓને જ ન માને એવું પણ બને.

આમ છતાંય એક જ વિકલ્પ બાકી રહે છે કે દુનિયાના તમામ દેશો પ્રવર્તમાન અર્થવ્યવસ્થામાં ધરખમ ફેરફાર લાવીને એવી પરિસ્થિતિનું નિર્માણ કરે કે માણસ ધનનો સંચય કરવાનું જ ભૂલી જાય! અહીં એવો કોઈ કાયદો લાવવાની વાત નથી, પણ એક પ્રથા જ ઘુસાડી દેવાની વાત છે. પણ, હા એ પ્રથાને સૈદ્ધાંતિક રીતે સ્વીકારાયા પછી એક જ વખત એ કાયદો તો ઘડવો જ પડે. ટૂંકમાં કહું તો પ્રથા લાવવા માટેનો કાયદો અને તેના તરત જ અમલીકરણથી એ પ્રથા રાતોરાત અસ્તિત્વમાં આવી શકે. આમ આવી પ્રથા જ જ્યારે પ્રસ્થાપિત થઈ જાય, ત્યારે વ્યક્તિઓએ તેનું પાલન કરવું જ પડે અને ધનસંચય વૃત્તિને સંપૂર્ણ રીતે નાબુદ ન કરી શકાય, પણ ઓછામાં ઓછી તેને નિયંત્રિત તો જરૂર કરી શકાય.

ચર્ચાનો મુદ્દો તો નીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર કે મનોવૈજ્ઞાનિક પાસાને સ્પર્શતો હતો અને હાલ સુધી સૌએ એ જ પરિપ્રેક્ષ્યમાં ચર્ચા કર્યે રાખી છે. પણ, અહીં તે સમસ્યાનો અર્થશાસ્ત્રીય રીતે ઉકેલ લાવવાની વાત છે. હું કોઈ અર્થશાસ્ત્રી નથી, પણ આજથી ચાલીસેક વર્ષ પહેલાં કોઈક મેગેઝિનમાં કોઈક સામાન્ય માણસે એ નુસખાની કરેલી વાત મારા વાંચ્યામાં આવી હતી અને તે વખતે મને તે સ્પર્શી ગઈ હતી. એ મેગેઝિનના અંકને પ્રાપ્ત કરવા મેં આસમાન પાતાળ એક કર્યાં, પણ સફળ થઈ શક્યો નથી, કેમકે એ મેગેઝિનનું નામ સુદ્ધાં મને યાદ નથી. આ 60+ નું ગ્રુપ હોઈ હું આશાવાદી છું કે હું જે આગળ કહેવા જઈ રહ્યો છું, તેની સત્યતા અને વાસ્તવિકતાનો કોઈ એકાદ સાક્ષી તો મને મળી જ રહેશે! હવે પછીનું મારું કથન મારી યાદદાસ્ત ઉપર આધારિત રહેશે, પણ જો એ લેખનું પગેરું કોઈ મારાય વડીલ કે બુઝુર્ગ પાસેથી મળી રહે તો આપણને સૌને મજા પડી જાય! મને આશ્ચર્ય થાય છે કે જે તે વખતે એવા કોઈ અર્થશાસ્ત્રી કે તત્કાલીન નાણાપ્રધાન કે રીઝર્વ બેંકના ધ્યાન ઉપર પેલા બિચારા તમારા મારા જેવા સામાન્ય માણસની વાત કેમ ધ્યાનમાં લેવામાં નહિ આવી હોય!

હવે શરૂઆતમાં એક ઉદાહરણ આપીને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ભારતમાં દશાંશ પદ્ધતિમાં ચલણી નાણું તથા તોલમાપમાં મેટ્રિક પદ્ધતિ લાવવામાં આવ્યાં તે ટાણે લોકોએ હોબાળા મચાવ્યા હતા. પ્રજા અભણ હોવાની દુહાઈઓ આપીને અટપટી એ નવી વ્યવસ્થા કે નવીન વિચારને મુલતવી રાખવા કે દૂરના ભવિષ્ય તરફ હડસેલી દેવાની વાતો થતી રહી, પણ જે તે પ્રવર્તમાન સરકારની મક્કમતાએ એ કામ કરી બતાવ્યું અને આજે આપણને એ સઘળું એવું કોઠે પડી ગયું છે કે હવે તે દરેકને સહજ જ લાગે છે. બસ, તે જ રીતે પેલા અનામી ભાઈની વાત પણ આમ જ અવાસ્તવિક લાગી હશે અને કોઈએ એટલા જ માટે તેને ગંભીરતાથી નહિ લીધી હોય!

આટલે સુધી વાંચકોને લાગ્યું હશે કે અહીં તો ગોળગોળ વાત કરવામાં આવી રહી છે. એવી કઈ પ્રથા, વળી એ પ્રથાને પ્રચલિત થવામાં કેટલો સમય લાગે, દુનિયાના દેશોને આવરી લેવાની વાત વધારે પડતી તો નથી, ધનસંચય કરવાની વૃત્તિ જ શી રીતે નિર્મૂળ થાય વગેરે જેવા પ્રશ્નો આ ચર્ચામાં ભાગ લેનારાઓ અને વાંચકોને થાય તે સ્વાભાવિક છે. કોઈક મારા ચર્ચાપત્રને આટલા સુધી વાંચતાં વાંચતાં આવીને એક વાતની ગાંઠ તો અવશ્ય વાળે કે આ ભાઈની ડાગળી ચસકી તો નથી ગઈ!”

હવે મારી ચર્ચાને આગળ લંબાવું છું, તેમ કહેવા કરતાં મારા માટેના એ પેલા અનામી ભાઈના વિચારોને અથવા તો અર્થવ્યવસ્થાકીય પ્રયોગને મારા સ્મરણ મુજબ સંક્ષિપ્તમાં રજૂ કરીશ. પરંતુ એ માટે મારા વિદ્વાન વાંચકોએ આ લેખના બીજા અને આખરી ભાગની પ્રસિદ્ધિ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.

(ક્રમશ: ભાગ-૨)

– વલીભાઈ મુસા

નોંધ:-

ધારવા કરતાં ઓછી સમયમર્યાદામાં ભાગ- ૧ તૈયાર થઈ ગયો તેનો લેખકને આનંદ છે.

 
23 Comments

Posted by on May 11, 2010 in Article, લેખ, gujarati

 

Tags: , , , , ,

23 responses to “(174) “૬૦+ ગુજરાતીઓ” ના ચર્ચાચોરે ‘ધનસંચય’નું ગાંઠાળું લાકડું – ભાગ ૧

  1. DR. CHANDRAVADAN MISTRY

    May 11, 2010 at 11:11 am

    આટલે સુધી વાંચકોને લાગ્યું હશે કે અહીં તો ગોળગોળ વાત કરવામાં આવી રહી છે…..
    >>>>>>>>
    વલીભાઈ “ચર્ચાના ચોરે” ની તમારી શરૂઆત…..અને આજે તમે આ પોસ્ટ સાથે ૬૦+ને આમંત્રણ આપ્યું…આભાર !
    હવે પહેલી પોસ્ટ વાંચી, “ગોળ ગોળ” વાતને જાણી, બીજી પોસ્ટની રાહ જોઈશું !
    >>>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Valibhai Hope to see YOU & your READERS on CHANDRAPUKAR!

    Like

     
  2. સુરેશ જાની

    May 11, 2010 at 11:25 am

    વલી બાપુ
    તમે વાતમાં મોંયણ બહુ નાંખો છો, બાપલા! પણ રસ જમાવવાની તમારી આવડતને સો સલામ.
    તમારી વાત આગળ વધે તે પહેલાં …

    આ એકવીસમી સદીમાં પણ પથ્થરયુગની એક પ્રજા જીવે છે; જે સાવ અકિંચન છે અને કશા નાણાં કે મિલ્કત કે જીવનમાં કોઈ ફેરફાર વિના, હજારો વર્ષોથી, સુખે જીવે છે. ( કદાચ વધારે પણ છે, તેવા વાવડ મળ્યા છે.) કદાચ આપણા કરતાં વધારે સુખી પણ છે !

    લો એમના વિશે વાંચો –
    http://gadyasoor.wordpress.com/2010/02/05/hadza/

    એ લેખ મારા બ્લોગ પર પણ ઘણો ચર્ચાયો હતો. એ ચર્ચા વાંચવાની પણ મજો આવશે.

    Like

     
  3. pragnaju

    May 11, 2010 at 2:54 pm

    “… ત્યાં સુધી રાહ જોવી પડશે.”

    ગમ- એ હસ્તી કા અસર જીસસે હો ઝોજ મર્જિલા,
    ખાક હો જાયેંગે હમ તુમ કો ખબર હોને તક..!’

    Like

     
  4. k.v.hada

    May 11, 2010 at 7:43 pm

    R/Valibhai,Salam,Once again I am pleased to read two lines Doha in Hindi which has its meaning in a nutshell.But the Sher given above (at comment-3) by Ghalib is the crude mixture of his two popular shers which are as under for the knowledge of our blog readers.
    (1) Hamne mana ki tum takalluf na karoge hargij
    Ham Khak ho jayenge magar tumhe khabar hone tak
    (2) Game hasti ka’ Asad’ juj nahin marg ilaj
    Shama har rang men jalti hai sahar ho ne tak.

    Wishing you better health.

    Duago-KVHada(Brisbane)

    Like

     
  5. k.v.hada

    May 11, 2010 at 7:50 pm

    Valibahi, Please read “tagaful” in place of ” takluf” in the(1) sher above.Thanks.KVH

    Like

     
  6. Valibhai Musa

    May 11, 2010 at 11:45 pm

    પ્રગ્નાબેન,

    Mini નહિ પણ Medium Encyclopedia હવે તો! હજુ કદાચ Maxi વિશેષણે પહોંચવું પડશે. ‘તૌફિક’, ‘અલ્હમ્દો લિલ્લાહ’, ‘રાહ જોવી પડશે’ ગમે તે શબ્દ કે શબ્દસમૂહ સામે વળતો ઘા (જવાબ) તો મળે, મળે અને મળે જ! કવિ કાલિદાસે તો ગ્રંથોનાં પાનાં પણ ફેરવવાં પડ્યાં હતાં અને એક જ રાતમાં બધું જ આત્મસાત! તમને તો કંઈક એવું વરદાન હોય કે બંધ પુસ્તક ઉપર નજર પડે અને બધું જ મોંઢે! કુદરતી બક્ષિસ આને કહેવાય!

    આશરા પડતી એક વાત કહું છું અને મને ખાત્રી છે કે તેનો પણ જવાબ તમારા જીભના ટેરવે હશે જ! મારા એક મિત્ર (જન્નતનશીન) કોઈક ઉર્દુ શાયરની વાત કરતા હતા. એ કોઈપણ Rhythm ઉપર રચના કરી શકતા. એક્વાર કોઈક પિંજારાના મહોલ્લામાંથી પસાર થતાં સાથીદારે ‘પિંજણ’ ના અવાજ ઉપરથી કંઈક Spot ઉપર રચવાનું કહ્યું અને એમણે કંઈક ‘રફ્તન્દે, રફતન્દે’ જેવું રચી કાઢ્યું હતું!

    દુઆગીર,

    વલીભાઈ

    P.S.: ઈજાજત મળે તો આ મેઈલને તમારી કોમેન્ટ નીચેના બોક્ષમાં લખી કાઢું. તમારા Inbox કે મારી Sent Mail પડ્યું રહે અને સમય જતાં Delete થઈ જાય, તેના કરતાં ઘીના ઠામે ઘી ઢોળાય તો શું ખોટું!

    Like

     
  7. Pragnaju Vyas

    May 11, 2010 at 11:54 pm

    This comment received by email is posted by Author on behalf of the commentator.

    “…પિંજારાના મહોલ્લામાંથી પસાર થતાં સાથીદારે ‘પિંજણ’ ના અવાજ ”

    ગાંઠ-ગઠ્ઠા ભીતરે કંઇ અટપટા,
    ને નથી ઉદ્ધાર પિંજારા વગર

    ખૂબ સુંદર! હા,કોઈ એવા પિંજારા મળે તો જરુર અંતરે પડેલી ગાંઠોના પૂમડાને કાંતી એમાંથી પ્રેમના રેશમયા ધાગા બનાવે પણ આજે એવા પિંજારા ક્યાં? આજે ધરતીને એની ખોટ પડી છે.અને વળી

    કીધું છે ભેળું ખૂબ જીવનમા,
    કરે કોણ ખેપ્યું વણજારા વગર…

    પિંજણ એટલી હદે કરે છે કે એમાંથી સહાનુભૂતી અને સહ્દ્યતાના અંશો નષ્ટ પામે છે.ત્યારે અમારા ઉસ્તાદ વાસિફુદ્દીન ડાગરે ઘુ્રવપદ ગાયન રજૂ કર્યું જેઓ સુપ્રસિદ્ધ ડાગર પરિવારના સભ્ય છે. પૂર્વજોની પરંપરાને પ્રામાણિક રીતે નિભાવીને તેમણે રાગ દરબારીમાં નોમતોમમાં આલાપ ચારી તથા ત્યાર બાદ શ્રી મોહન શ્યામ શર્માના પખાવજ વાદન સાથે ઘુ્રવપદ બંદિશમાં વિવિધ લયકારી રજૂ કરી.તેમની પ્રસ્તુતિની ખાસિયત એ છે કે તેઓ સંગીતમાં અલ્પ જ્ઞાન ધરાવતા શ્રોતાઓના લાભાર્થે રાગની પ્રકૃતિ, રસ તથા બંદિશના શબ્દોનું વર્ણન કરીને તમામ શ્રોતાસમુહ સાથે એકાત્મ સાધે છે.

    ” ઈજાજત મળે …… લખી કાઢું” આ બધું લખાણ આપનું જ સમજો.
    ગાલીબના ‘ગોયા’ શબ્દ માટે આપેલા પ્રતિસાદમા મીરે કહેલુ

    Like

     
  8. Rajendra M.Trivedi, M.D.

    May 12, 2010 at 7:37 am

    “૬૦ + ગુજરાતીઓ મળ્યા સુ મુસા? ”
    ==========================
    છો ચોરે ચોતરા શરુ થયા.
    ગાંઠ-ગઠ્ઠા ભીતરે કંઇ અટપટા,
    ઉદ્ધાર વિના પિંજારા વગર
    કીધું છે ભેળું ખૂબ જીવનમા,
    કરે કોણ ખેપ્યું વણજારા વગર…
    જોઈ શુ રહ્યા છો જોડાઈ જાવ દેશી ભાયા.
    બેના પણ બોલ્યાવગર બનશે ભાગીદાર.

    રાજેન્દ્ર ત્રિવેદી

    Like

     
  9. Sharad Shah

    May 12, 2010 at 7:57 am

    પ્રિય પ્રજ્ઞાજુબેન;
    પ્રેમ;
    આપ કહો છો,
    “ગાંઠ-ગઠ્ઠા ભીતરે કંઇ અટપટા,
    ને નથી ઉદ્ધાર પિંજારા વગર

    ખૂબ સુંદર! હા,કોઈ એવા પિંજારા મળે તો જરુર અંતરે પડેલી ગાંઠોના પૂમડાને કાંતી એમાંથી પ્રેમના રેશમયા ધાગા બનાવે પણ આજે એવા પિંજારા ક્યાં? આજે ધરતીને એની ખોટ પડી છે.”
    મારી જાણ મુજબ આ ધરાને ક્યારે પણ પીંજારાની ખોટ પડી નથી કે પડી શકે પણ નહીં. સમસ્યા છે ગાંઠ-ગઠ્ઠા ને ઓળખવાની, સ્વીકારની, પીંજાવાની તૈયારીની. આપણને સમજ પડે કે આપણે ગાંઠો ના ગઠ્ઠા સિવાય કાંઇ નથી, તો હકિમો તો હજાર છે. અને બીજી રહસ્યની વાત તો એ છે, કે આપણે પિંજારા કે હકિમ ને શોધવા પણ પડતા નથી. પિંજારા જ મોટેભાગે આપણને શોધી કાઢે છે. સત્યતો એ છે કે આપણને આપણા રોગોની ખબર નથી પડતી. આપણો રોગ એકવાર પરખાઈ જાય તો અડધું કામ થઇ ગયું. શરીરનો રોગ પરખાતાં જ આપણે જે તે સ્પેશિયાલીસ્ટ પાસે જઇએ છીએ અને રોગ મુક્ત થઇએ છીએ.તેમજ અન્ય સુશ્મશરીરના રોગનુ પણ છે. અને તેના હકિમો પણ છે. પણ આ હકિમોની કેટલીક મર્યાદાઓ છે. તેઓ તેને જ મદદરુપ થઇ શકે છે, જેઓ રોગમુક્ત થવા માંગતા હોય.
    પરંતુ આપણી સમસ્યા એ છે કે આપણે ખરેખર રોગમુક્ત થવા માંગતા જ નથી. વર્ષો જુની ભાઈબંધી છે આ રોગો સાથે. તેને છોડવા કેમ? અને ચારેબાજુ આવા જ રોગીઓની વચ્ચે આપણે રહીએ છીએ. જેઓ સ્વસ્થ વ્યક્તિને સહન કરી શકતા નથી અને શૂળીએ ચઢાવે છે. મહાવીર, બુધ્ધ, ક્રાઈસ્ટ, ક્રિષ્ણ,મહંમદ કે મંસૂર જેવા સ્વસ્થ વ્યક્તિઓ સાથે આપણે સદા દુર્વ્યવહાર જ કર્યો છે.અને તેમેના ગયા પછી તેમની પૂજા અને તેમના નામે હિંસા. શેષ શુભ;
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ શાહ

    Like

     
  10. Valibhai Musa

    May 12, 2010 at 8:51 am

    મહાનુભાવશ્રી શરદભાઈ, વિદુષી પ્રગ્નાબેન્,ડો.રાજેન્દ્ર ત્રિવેદી, વિદ્વાનશ્રી સુરેશભાઈ,
    ડો.ચન્દ્રવદન મીસ્ત્રી અને સાક્ષરશ્રી કરીમભાઈ

    આપ સૌનો આભાર વ્યક્ત કરું છું, સરસ ચર્ચાઓ બદલ. આપ લોકોએ કેટલાક મુદ્દાઓનું સરસ મજાનું પિષ્ટપેષણ કર્યું હોઈ, મારા માટે પિઁજેલા રૂને ફરી પિંજવાની વાત બને છે અને પછી તેનો કોઈ મતલબ રહેતો નથી. ‘કથ્યું કથે તે શાનો કવિ?’

    આપ સૌનો ગુણાનુરાગી,
    વલીભાઈ

    Like

     
  11. સુરેશ જાની

    May 12, 2010 at 9:16 am

    વલીભાઈ
    તમે કવિ નથી , એમ તમે પણ કહો છો !
    અમને તમારી ગદ્ય વાતો ગમે છે . મિત્રતા ગમે છે. સરળતા ગમે છે. આપણને સૌને આ કોમેન્ટ બોક્સ બહુ ગમે છે.
    આથી આ સીરીઝ ચાલુ રાખજો. અહીં પણ ચર્ચા કરીશું.

    Like

     
  12. pragnaju

    May 12, 2010 at 9:42 am

    “પિષ્ટપેષણ કર્યું હોઈ…”એ અંગે ઈશ્વરનુમ મંતવ્ય જાણો

    હું : ‘જો તમે ખરેખર ઈશ્વર હોવ તો મને જવાબ આપો કે જિંદગી આટલી બધી ગુંચવણભરી કેમ બની ગઈ છે ?’
    ઈશ્વર : ‘જિંદગીનું બહુ પિષ્ટપેષણ કરવું સારું નહિ. અતિશય ઉપભોક્તાવાદ અને આડેધડની તૃષ્ણાઓ ઓછી કરીને સહજ રીતે જીવ, બેટા !’‘હરીફાઈમાં સતત આગળ નીકળવા તેં તારી જાતને ‘ઉંદરદોડ’માં મૂકી દીધીછે. પહેલાં તું સફળતા માટે દોડતો હતો, હવે તું સફળતા ટકાવી રાખવા દોડે છે ! આમ, તારા માટે દોડાદોડ કરવા સિવાય કશું જ બચ્યું નથી. તું હવે તો ખડખડાટ હસવાનું પણ ભૂલી ગયો છે. સતત ચિંતા કરવી અને અસલામતીનો ભય રાખવો એ જ હવે તારો સ્વભાવ થઈ ગયો છે. તો પછી ઉદાસ ને દુ:ખી જ રહેવાય ને ?’મેં તારું સર્જન તને પીડા કે દુ:ખી કરવા નથી કર્યું. જો એવું હોત તો મેં તારા જન્મ પહેલાં તારા દૂધની વ્યવસ્થા ન કરી હોત. જિંદગી દુ:ખી થવા માટે નથી. આ બધી પીડા તો તેં તારી જાતે જ ઊભી કરેલી છે. દુનિયાની દોડમાં તું બરાબર ફસાયો છે. કાદવમાં ફસાયેલો માણસ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય એવું છે ! તેં વાઘ પર સવારી માંડી છે અને હવે તું ગભરાય છે કે વાઘ મને ફાડી ખાશે !જવાબ આપવાની મારી રીત જુદી હોય છે. મારા જવાબો ભવ્ય પર્વતો, ઝરણાં, નદીઓ, સમુદ્રો અને વૃક્ષોની વનરાજીમાં છે. ભવ્ય સૂર્યોદય અને સૂર્યાસ્તમાં છે. દરરોજ એક સુંદર પ્રભાત થાય છે – આ બધા મારા જવાબો છે. પરંતુ તને તે જોવાની ફુરસદ જ ક્યાં છે ? ચાંદની રાતે કોઈકવાર ખુલ્લા આકાશ સામે શાંતચિત્તે થોડો સમય બેસીને મંદ મંદ વહેતા પવનની લહેરો કે તમરાનું મધુર સંગીત માણ્યું છે ? એ માણતાં શીખીશ તો તને મારા જવાબો મળી જશે.

    Like

     
  13. Sharad Shah

    May 12, 2010 at 10:11 am

    પ્રિય વલીભાઈ;
    પ્રેમ્;
    ધન સંચયની સાથે સાથે ધનવ્રુધ્ધિ પણ થાય છે, તેવો સામાન્ય નિયમ છે. કહે છે ને કે “પૈસો પૈસાને ખેંચે”. પરિણામ સ્વરુપ ધનિક વર્ગ વધુને વધુ ધનિક થતો જાય અને ગરીબવર્ગ વધુને વધુ ગરીબ થતો જાય. અને આ અસમાનતા જ્યારે ખૂબ વધી જાય ત્યારે ક્રાંતિઓ સર્જાતિ હોય છે.આ અસમાનતા ને કારણે જ કાર્લમાર્ક્સને સામ્યવાદી અર્થવ્યવ્સ્થાનો વિચાર ઉદભવેલો અને તેના દર્શને અનેક બુધ્ધિજીવીઓને અને કેટલાય દેશોને પ્રભાવિત પણ કરેલા. પરંતુ સામ્યવાદ નો પ્રયોગ ઝાઝો સફળ ન થયો. કાર્લમાર્ક્સ કેટલાંક મૂળભૂત માનવ સ્વભાવને સમજવામા થાપ ખાઈ ગયો. સામ્યવાદને મરોડિ તરોડિને નવી સમાજવાદી વિચારધારા પણ પ્રચલિત થઈ, પરંતુ તે પણ કાંઇ ઝાઝું ઉકાળી ન શકી. દુનિયાના અનેક ધર્મો પણ ધનસંગ્રહના વિરોધી રહ્યા છે, છત્તાંપણ માનવસહજ સંગ્રહ વ્રુત્તિને રોકી શક્યા નથી.હિન્દુઓ એ સંગ્રહવ્રુત્તિને પાશ્વિકવ્રુત્તિ ગણાવી છે, તો જૈન ધર્મમાં અપરિગ્રહને પાંચમહાવ્રતમા સ્થાન આપેલ છે. મહંમદસાહેબ ના જીવનની કથા છે. તેમનો નિયમ હતો કે કાલ માટે કાંઇ બચાવીને ન રાખવું. જે કાંઇપણ બચ્યું હોય તેને તેઓ સંધ્યાની નમાજ પછી ખૈરાતમા આપી દેતા.મહંમદસાહેબ ખૂબ બિમાર હતા અને તેમનો અંતિમ સમય નજીક હતો. પરંતુ જીવ જતો ન હતો. તેથી તેમને તેમની પત્નીને રાત્રે ત્રણ વાગે બોલાવીને પૂછ્યું, કે “સાચું બોલ તેં કાંઇ બચાવીને તો રાખ્યું નથીને?” તેમની પત્નીએ કહ્યું કે, “હા, મેં તમારી બિમારીને કારણે બે રુપિયા રહેવા દીધા છે, જે કાલે દવા માટે કામ આવે” મહંમદ્સાહેબે કહ્યું, “તું અત્યારે જ એ કોઈ જરુરતમંદને આપી આવ. મારો જીવ રુંધાય છે.” તેમના પત્નીએ કહ્યું કે અત્યારે રાત્રે ત્રણ વાગે કોણ મળશે, જેને હું આ પૈસા આપું?” મહંમદસાહેબે કહ્યું કે, “તું જા તો ખરી, એનો અધિકારી અવશ્ય મળશે” અને જ્યારે તેમના પત્ની બહાર નીક્ળ્યા તેવા જ એક ભિખારી સામે મળ્યો અને ભિક્ષા યાચના કરી.” તેમની પત્નીએ બે રુપિયા તે ભિખારીને આપ્યા અને પાછી વળી ત્યારે મહંમદ્સાહેબે શરીર છોડી દીધુ હતું. આનુ નામ અપરિગ્રહ છે. આનુ નામ ખુદા પરની શ્રધ્ધા છે. તેથી જ મુસ્લિમ ધર્મમા વ્યાજને હરામ ગણવામાં આવે છે અને ખેરાત ને અતી મહત્વ આપવામાં આવે છે.
    મને લાગે છે થોડું વધારે સિરિયસ થઈ જવાયું. ચાલો થોડી રમુજ કરીએ.
    સમાજની અર્થવ્યવસ્થા બદલી સામ્યવાદ ની ચળવળ્ ચલાવી રહેલા એક વલીભાઈ, મુલ્લા નસરુદ્દિનને મળવા ગયા અને સામ્યવાદના સિધ્ધાંતો સમજાવવા માંડ્યા. “મુલ્લા, આ મુડીવાદને કારણે કેટલી બધી અસમાનતા ઉભી થઈ ગઈ છે. સામ્યવાદમા ધન બધાને સરખા ભાગે વહેંચી દેવામાં આવશે, એટલે કોઇ ગરીબ નહી રહે ને કોઇ પૈસાદાર નહી રહે, સૌ સમાન.” મુલ્લા બોલ્યા એમ નહી જરા વિસ્તારથી સમજાવો. હું રહ્યો અભણ માણસ.” વલીભાઈ કહે, ” મતલબ કે જો મારી પાસે બે ઘર હોય અને તમારી પાસે એક્પણ ઘર ન હોય, તો મારે તમને એક ઘર આપી દેવાનુ, અથવા મારી પાસે ૧૦૦૦ રુપિયા હોય અને તમારી પાસે એકપણ રુપિયો ન હોય તો મારે તમને ૫૦૦ રુપિયા આપી દેવા પડે. એજ રીતે તમારી પાસે ૧૦ મરઘી હોય, અને મારી પાસે એક પણ મરઘી ન હોય તો તમારે મને ૫ મરઘી આપી દેવી પડે.” મુલ્લા કહે, ” ઘર અને રુપિયા સુધી તો તમારી વાત સાથે મને કોઇ વાંધો નથી, પણ આ મરઘીવાળી વાત સમજાણી નહી.” વલીભાઈ કહે, ” મુલ્લા, એમા ન સમજાય તેવું શું છે?” મુલ્લા કહે, ” ઘર અને રુપિયા તો મારી પાસે નથી પણ મરઘી તો છે.”
    શેષ શુભ;
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ શાહ.

    Like

     
  14. Valibhai Musa

    May 12, 2010 at 11:50 am

    સુરેશભાઈ,

    ભાઈલા, આમાં ક્યાં કવિ હોવા ન હોવાની વાત આવી! આ તો મારો કહેવાનો મતલબ એવો હતો કે થઈ ચુકેલી ચર્ચાઓને પુનરાવર્તિત કરવાનો કોઈ અર્થ નથી! આ વાતના સમર્થનમાં પેલી કવિવાળી વાત ટાંકી અને તમે એ ‘કવિ’ શબ્દ લઈ બેઠા. એક નાના છોકરાને કલાવતાં તેની મા બોલી હતી, ‘બેટા, તારું મોંઢુ લાડવા જેવું ગોળ છે!’ અને પેલાએ ‘લાડવો’ શબ્દ પકડી લીધો અને કજિયો શરૂ કર્યો, ‘મા મારે લાડવો ખાવો છે!’ કેમ લાડવાની વાતમાં મજા પડી કે નહિ?

    Like

     
  15. Valibhai Musa

    May 12, 2010 at 12:05 pm

    શરદભાઈ,

    એક ગુજરાતી કવિ કહે છે,’સુખોદુઃખો સર્જ્યાઁ રુચે, સ્થિતિ વિભિન્ને જ; નહિ તો, સદા વ્હેતી વિશ્વે જનવલણથી મુક્ત નિયતિ.’

    મુલ્લાંવાળું ઘણે જોવા મળતું હોય છે, ‘મારું મારા બાપનું, તારામાં મારો ભાગ!’

    Like

     
  16. Valibhai Musa

    May 12, 2010 at 12:36 pm

    પ્રગ્નાબેન,

    ‘ઈશ્વરનું મંતવ્ય’ માં માનવજીવનની ‘ગૂંચવણો’ નો સરસ ઉકેલ છે. ગહન વિચારભાવને વ્યક્ત કરતા તમારા વિદ્વતાસભર પ્રતિભાવ બદલ ધન્યવાદ.તમારી વિદ્વતા પરત્વે મને માન છે અને તેથી જ તો તમારા નામ પૂર્વે સંબોધનમાં મેં ‘વિદુષી’ વિશેષણ પ્રયોજ્યું છે.

    વલીભાઈ

    Like

     
  17. Sharad Shah

    May 13, 2010 at 1:47 am

    વલીભાઈ’
    ’સુખોદુઃખો સર્જ્યાઁ રુચે, સ્થિતિ વિભિન્ને જ; નહિ તો, સદા વ્હેતી વિશ્વે જનવલણથી મુક્ત નિયતિ.’
    કવિતાનો અર્થ સ્પષ્ટ કરશો.
    શરદ

    Like

     
  18. Valibhai Musa

    May 13, 2010 at 6:56 am

    શરદભાઈ,

    દાયકાઓ પહેલાં વાંચ્યાનું યાદ છે. કવિનું નામ ભૂલી ગયો છું. સોનેટ છે, શેક્સ્પિઅર પેટર્નનું.(4+4+4+2). આખું યાદ છે.છેલ્લી કડી છે. નિયતિ (કુદરત) લોકોની વ્યક્તિગત પસંદગીથી સાવ મુક્ત રહીને એનું કામ કર્યે જ જાય છે. ઘટના તો કોઈ એક જ હોય, પણ લોકોની પસંદગી કે પરિસ્થિતિની ભિન્નતાના કારણે તે ઘટના કોઈકને સુખદાયક તો અન્યને દુ:ખદાયક લાગે છે. કવિ માને છે કે સુખદુ:ખ વ્યક્તિના મનની પેદાશ છે. આગળની કડીઓમાં કવિ સારરૂપ આખરી કડી પૂર્વે કેટલાંક દૃષ્ટાંતો આપે છે. ઘણાં છે,એક જ અહીં આપીશ, ચાંદનીનું. કડી યાદ હોઈ લખી જ નાખું છું.”સુખી ને સંયોગી સકલજન સૃષ્ટિપટ પરે, ઝીલે ઝંખે જ્યોત્સના ઉરે આહલાદક ગણી; ગણે તે ગોઝારી વિરહી, વિકુલો, તસ્કરકુલો!” અર્થાત્ ચાંદની તો એક જ; પણ સુખી અને પ્રિયજન સાથે હોય તેવા લોકો માટે એ ચાંદની સુખ બને છે, પણ વિરહી (પ્રિયજનથી દૂર), વ્યાકુળ અને ચોર લોકો તેને ગોઝારી ગણે છે અને તેમના માટે એ જ ચાંદની દુ:ખ બને છે.

    આ કાવ્યનું શીર્ષક ‘દૃષ્ટિભેદ’ છે. ગમે ત્યાંથી મેળવીને પણ વાંચવા જેવું ખરું.

    તમારો પ્રશ્ન મારા માટે આનંદનો વિષય બની ગયો.

    કુશળ હશો.

    સ્નેહાધીન,

    વલીભાઈ

    Like

     
  19. સુરેશ જાની

    May 13, 2010 at 8:34 am

    પરંતુ આપણી સમસ્યા એ છે કે આપણે ખરેખર રોગમુક્ત થવા માંગતા જ નથી. વર્ષો જુની ભાઈબંધી છે આ રોગો સાથે. તેને છોડવા કેમ? અને ચારેબાજુ આવા જ રોગીઓની વચ્ચે આપણે રહીએ છીએ. જેઓ સ્વસ્થ વ્યક્તિને સહન કરી શકતા નથી અને શૂળીએ ચઢાવે છે. મહાવીર, બુધ્ધ, ક્રાઈસ્ટ, ક્રિષ્ણ,મહંમદ કે મંસૂર જેવા સ્વસ્થ વ્યક્તિઓ સાથે આપણે સદા દુર્વ્યવહાર જ કર્યો છે.અને તેમેના ગયા પછી તેમની પૂજા અને તેમના નામે હિંસા.
    —————–

    શરદ ભાઈ
    આ વાત સાથે સુસંગત ‘ દુર્યોધન’ નામનો મારો લેખ …
    મારામાં દુર્યોધન સંતાઈને બેઠો છે. હું તેને બહુ સારી રીતે જાણું છું.

    હું એને હણી શકતો નથી.

    પણ કથાના અર્જુન જરૂર બનવું છે.

    એવો દિવસ કદી આવતો નથી.
    ——————
    સંદર્ભ
    http://gadyasoor.wordpress.com/2010/05/11/duryodhab/

    Like

     
  20. Sharad Shah

    May 14, 2010 at 4:06 am

    પ્રિય સુરેશ્ભાઈ;
    પ્રેમ;
    દુર્યોધનના તમારા લેખ નીચે મેં પ્રતિભાવ આપેલો છે. અહી થોડું વધારે કહું.
    ઘણીવાર ભિતરના દુર્યોધનને ઓળખવો અને હણવો તો સરળ હોય છે. પણ ભિતરના સુર્યોધનને ઓળખવો અને હણવો ખૂબ કઠીન છે.
    થોડી વધુ સ્પષ્ટતા કરું જેથી સમજ્વું સરળ થાય. હું ચોર, લાલચી, જૂઠ્ઠો, લોભી, કામી, સ્વાર્થી કે આવા બધા દુર્ગુણો એ દુર્યોધન છે. પણ હું દાની, ધાર્મિક, દયાળુ, સેક્યુલર, સ્પસ્ટવક્તા, ભારતિય, ગુજરાતી ને આવા અનેક સુર્યોધનો છે. જેને ઓળાખવા અતી મૂશ્કેલ પણ છે અને હણવા એથી પણ વધુ મૂશ્કેલ છે. આપણે એને આભુષણ કે છોગાં સમજતા હોઈએ છીએ એટલે તેનાથી મુક્તિનો વિચાર શુધ્ધા પણ ક્યારે આવતો નથી. ખરી સમસ્યા આ છોગાંઓથી મુક્ત થવામા છે.
    શેષ શુભ;
    શરદ શાહ.

    Like

     
  21. Sharad Shah

    May 14, 2010 at 4:13 am

    પ્રિય વલીભાઈ;
    પ્રેમ;
    કવિતા સારી જણાઈ એટલે થોડું ખોતરવા પ્રશ્ન કરેલ, કે જેથી પૂરી કવિતાનો રસાસ્વાદ માણવા મળે. કવિતા તેના મૂળ પરિપેક્ષ્યમા રજૂ કરવા બદલ આભાર.
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: