RSS

(179) દેખીતા દિવાના, પણ શાણા એવા એક માણસની સાચી કહાની!

17 May

Click here to read in English

શાણપણ અને દિવાનગી એ માનવમનની એવી ગૂંચવાડાભરી સ્થિતિઓ છે કે જેમને ચુસ્ત રીતે એકબીજાથી અલગ પાડી શકાય નહિ. એકંદરે એમ માનવું પડે કે કોઈપણ પુરુષ કે સ્ત્રી એવી રીતે વર્તન કરે કે જે સામાજિક રીતે સ્વીકાર્ય હોય, તો તેને આપણે શાણી વ્યક્તિ તરીકે ગણી લેતા હોઈએ છીએ. અહીં એક રસપ્રદ મુદ્દો ઊભો થાય છે કે સામાજિક રીતે સ્વીકાર્ય એવી વર્તણુંકોને કોણ નક્કી કરશે! દુનિયામાં આપણે ઘણાબધા સમુદાયો કે સમાજો જોઈએ છીએ અને એવા દરેક સમુદાય કે સમાજ માટે સ્વીકાર્ય વર્તણુંકોનાં પોતાનાં આગવાં ધોરણો હોય છે. બીજો એક વધુ પ્રશ્ન આપણા જવાબની રાહ જોતો આપણી સામે ઊભો છે કે શાણપણને કોણ ઓળખી બતાવશે. જેમ શાણા માણસો દિવાનગીને નક્કી કરી લેતા હોય છે, તેમ જ શું દિવાનાઓ જ શાણાઓને ઓળખી બતાવશે કે શાણપણની વ્યાખ્યા નક્કી કરી આપશે? અને જો તેમ બને તો શું આપણે એ દિવાનાઓનાં મંતવ્યો ઉપર વિશ્વાસ મૂકી શકીશું ખરા? દેખીતી રીતે જ ના! મનોવૈજ્ઞાનિકોએ શાણપણને એવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે કે શાણપણ એ એવું દૃઢ મનોબળ છે કે જેના વડે વ્યક્તિ પરિસ્થિતિઓ અંગેના ઉત્તમ નિર્ણયો લેવા ઉપરાંત લોકોના ભરોંસાપાત્ર અભિપ્રાયોને પણ સમજી શકે અને તદનુસાર પોતે પોતાનો પ્રતિભાવ પણ આપે. એ જ પ્રમાણે, તે લોકોએ દિવાનગીને પણ એવી જ રીતે સમજાવી છે કે દિવાનગી એ બીજું કંઈ નહિ પણ વ્યક્તિનાં કાર્યોમાં દેખાતી તેમની નરી મૂર્ખાઈઓની અને તેમની મૂર્ખાઈભરી હરકતોની પરાકાષ્ઠા માત્ર જ હોય.

મારા આજના લેખમાં પ્રથમ નજરે દિવાના જેવા દેખાતા એક માણસની સત્ય અને રસપ્રદ વાત રજૂ કરવાનો મારો પ્રયત્ન છે. તે માત્ર એવો દિવાનો દેખાતો જ ન હતો, પણ તેની વર્તણુંકો, તેની વાતો, તેની જીવનપદ્ધતિ અને ઘણાંબધાં તેનાં લક્ષણો સાવ અકુદરતી હતાં. તે એવી રીતે દલીલો આપતો કે તેના શબ્દો આપણને તત્વજ્ઞાનથી ભરપુર લાગે. તેની વાતો હંમેશાં ટૂંકી અને છતાંય એવી ઠોસ રહેતી કે તે ગહન અર્થમાં જે કહેવા માગતો હોય તે કહીને જ રહે. તેની રહનસહન કે જેમાં ખાસ કરીને તેનો પહેરવેશ અને તેની ભોજન લેવાની રીતનો સમાવેશ કરીએ તો તે આપણને સાવ અવ્યવસ્થિત, ગંદી અને મનમાં ઘૃણા ઉત્પન્ન કરાવે તેવી લાગે.

તેનું નામ ઈદ્રિસ હતું. તે રાજસ્થાની મુસ્લીમ હતો અને અમારા ગામમાં વર્ષો સુધી રહ્યો હતો. તેણે મારા એક મિત્રના ખેતરમાં ગોવાળિયા તરીકે કામ કર્યું હતું. તેના ત્યાં કેટલીક ભેંસો અને એક ઘોડો પણ હતો. સવારે ભેંસો દોવાઈ જાય કે તરત જ ઈદ્રિસ તેમને વગડે ચારવા માટે લઈ જતો અને છેક સાંજે પાછો ફરતો. મારા મિત્રે તેને ઘોડા ઉપર બેસવાની છૂટ આપી હતી,પણ તે કદીયે ઘોડે બેઠો નહિ. તેને પ્રાણીઓ પ્રત્યે અપાર મમતા હતી અને તેથી જ તો તેણે ઘોડાને ન કદીય ચાબુક માર્યો હતો કે કદીય ભેંસોને લાકડી વડે ફટકારી હતી. તે હંમેશાં ખુલ્લા પગે જ રઝળતો, ફક્ત ઉનાળાના દિવસો પૂરતો જ તે પોતાનાં પગનાં તળિયે કંતાનનાં ચીંથરાં વીંટાળતો. તેણે જ્યારે મારા મિત્રના ત્યાં સર્વ પ્રથમ નોકરી સ્વીકારી, ત્યારે તેને પૂછવામાં આવ્યું હતું કે તે કેટલો પગાર લેશે; પણ બધાંના આશ્ચર્ય વચ્ચે તેણે જવાબ વાળ્યો હતો કે કશું જ નહિ સિવાય કે જૂના ધાબળા સાથે માત્ર સૂવા માટે જમીન, ખાવા માટે સાદો ખોરાક અને પહેરવા માટે ફાટેલાં અથવા થીગડાં મારેલાં કપડાં. વળી તેણે આગળ ઉમેર્યું હતું કે જો પગાર તરીકે તેઓ જો કંઈ રોકડા આપવા માગતા હોય, તો તે હાથોહાથ સ્વીકારશે નહિ; પણ પોતાના વતનમાંના કુટુંબને પોસ્ટલ મનીઓર્ડર દ્વારા સીધા મોકલી શકે છે. મારા મિત્રના આશ્ચર્ય વચ્ચે તેણે મરોડદાર હિંદી અક્ષરોમાં પેડ ઉપર પોતાનું સરનામું લખી આપ્યું હતું.

એક દિવસે તેણે ઘરમાં વિચિત્ર દરખાસ્ત મૂકી કે તે થાળી કે વાડકામાં ખાશે નહિ; અને તેટલું જ નહિ, પણ હાથથી કે ચમચીથી પણ ખાશે નહિ. તેણે પોતાનો ઈરાદો જાહેર કર્યો કે હવેથી તે જાનવરોની જેમ પોતાનું ખાવાનું કે પીવાનું સીધું જ પોતાના મોંઢાથી લેશે. વળી તેણે આગ્રહભરી વિનંતિ કરી કે તેને ખાવાનું શણના કોથળા ઉપર પીરસવામાં આવે અને તે કૂતરાની જેમ જ ખાશે! મારા મિત્રે સ્પષ્ટ શબ્દોમાં એમ કરવાની ના પાડી, કેમ કે તે વાત આરોગ્યની રીતે યોગ્ય ન હતી. પરંતુ, તેણે તો પોતાના મક્કમ ઈરાદા સાથે કહી જ દીધું કે પોતે ભૂખે મરી જશે, પણ પોતાના વિચાર સાથે કોઈ જ સમાધાન નહિ કરે! તેણે બે દિવસ સુધી ખાવાનું તો ન ખાધું, પણ કૂતરાની જેમ ઘૂંટણિયે પડીને તથા બંને હથેળીઓ જમીન ઉપર ટેકવીને થાળીમાંથી માત્ર પાણી જ પીધે રાખ્યું! છેવટે, મારા મિત્રની પત્નીને તેના તરંગી વિચારો આગળ નમતું જોખવું પડ્યું અને તેણીએ તેને અનુમતી આપી દીધી કે તેણે જેમ કરવું હોય તેમ તે કરી શકે છે. મારા મિત્રે તેને પૂછ્યું કે ‘તું આમ કેમ કરવા માગે છે?’ તેણે જવાબ આપ્યો હતો, ‘આપણે માણસો કૂતરા કરતાંય બદતર છીએ. એક પાળેલું કૂતરું તેના માલિકને વફાદાર હોય છે. વળી આવું કૂતરું કદાચ પાળેલું ન હોય અને શેરીમાં રખડતું હોય તો પણ અજાણ્યા માણસોને કે ચોરને જોઈને તે ભસે છે અને માણસના ઉપકારનો બદલો ચૂકવે છે.’ તેણે આગળ વધુ ખુલાસો કરતાં કહ્યું, ‘માણસ જ એક એવો છે કે જે તેના માલિક (અલ્લાહ) તરફથી ભરણપોષણ મેળવતો હોવા છતાં તેના પરત્વેની પોતાની વફાદારી બતાવતો નથી.’ મારા મિત્રે તેને ગાળો ભાંડીને મૂર્ખ ઠેરવ્યો, પણ વળતા પ્રત્યાઘાતમાં તેણે સાવ સાદું અને વિચિત્ર સ્મિત માત્ર જ કર્યું. આખરે થાકીને જ્યારે તેમણે પોતે જે કરવા માગતો હોય તે કરી શકે છે એમ તેને કહ્યું, ત્યારે તો તે ખુશ ખુશ થઈ ગયો હતો.

હવે વચગાળે હું માત્ર બે જ વ્યક્તિઓને યાદ કરવાનું પસંદ કરીશ, એમ છતાંય કે ઈતિહાસે તો એવી ઘણીએ વ્યક્તિઓ નોંધી હશે! એ એવી વ્યક્તિઓ કે જે બાહ્ય રીતે તો દેખાય દિવાની, પણ વાસ્તવમાં હોય શાણી! આ બે વ્યક્તિઓ આંતરિક રીતે પ્રખર બુદ્ધિશાળી અને હાજરજવાબી પણ હતી. આ બંને પૈકી એક છે બિરબલ, કે જે મોગલ બાદશાહ અકબરનાં નવ દરબારી રત્નો પૈકીનું એક રત્ન હતો; અને બીજો છે બહલૂલ દાના (દિવાનો!) કે જે હજારેક વર્ષ પહેલાં મધ્ય એશિયામાં થઈ ગએલો સુખી ઘરનો અને વિદ્વાન માણસ હતો. બહલૂલ એનું નામ, પણ એ દાના (શાણા) એવા વિશેષણ સાથે ઓળખાતો હતો અને તેની બાહ્ય હરકતો દિવાના જેવી હોઈ તેને એ સમયે લોકો બહલૂલ દિવાના તરીકે પણ ઓળખતા. આ બંને વિભૂતીઓ તેમના ચહેરે અને રીતભાતે ભલે ગમે તેવી દેખાતી હોય, પણ આંતરિક રીતે ખૂબ જ પ્રતિભાશાળી હતી. તેઓ રાજાઓ સુદ્ધાં ગમે તે માણસની મર્યાદાઓ કે ક્ષતિઓ અન્વયે તેમનો ઊધડો લઈ શકતી. અકબર અને બિરબલ વચ્ચેના અસંખ્ય પ્રસંગો અને સંવાદો ઈતિહાસનાં પાને નોંધાયા છે અને એ જ રીતે બહલૂલ અને તેના સમયના ખલીફા હારૂન-અલ-રશીદ વચ્ચેના બુદ્ધિયુકત સંવાદોની આપલેની વિગતો પણ જગજાહેર છે. અહીં સ્થળસંકોચના કારણે હું વિગતે ઊંડો ઊતરી શકતો નથી, પણ મારા વાંચકોને એટલી ખાત્રી તો જરૂર આપું છું કે મારો મિજાજ મને સાથ આપશે તો ભવિષ્યે બહલૂલ દાના વિષે તો ખાસ અલગ લેખ લખીશ. હવે, હું મારા મૂળ વિષયે પાછો ફરતાં નીચે આ લેખના નાયક એવા ઈદ્રિસના કેટલાક રસપ્રદ પ્રસંગો અને વિચારોને રજૂ કરીશ.

હું મારા મિત્ર મહંમદભાઈ પાસેથી ઈદ્રિસ વિષેની કેટલીક માહિતીઓ મેળવી શક્યો છું. વચ્ચે કહી દઉં કે અહીં ખાતે ઈદ્રિસે ફક્ત મહંમદભાઈના ત્યાં જ કામ કર્યું હતું. તેમણે ખેતી આટોપી લેવાના કારણે જ્યારે પોતાનાં તમામ ઢોરઢાંખર વેચી દીધાં, ત્યારે ઈદ્રિસ સીધો જ પોતાના વતનના ગામે જતો રહ્યો હતો. એ વખતે ગામમાં ઘણા લોકોએ તેને કામે રાખવા માટે પોતાની તત્પરતા બતાવી હતી, પણ ઈદ્રિસ જાણે કે બાઈબલનું કોઈ વાક્ય બોલતો હોય તેમ તેણે બધાયને પોતાનો રોકડો જવાબ પરખાવી દીધો હતો કે ‘ઈદ્રિસ આ કાણોદર ગામમાં બે માલિકો (શેઠિયાઓ)ની સેવા કરી શકે નહિ!’ (બાઈબલનું વાક્ય છે “No man can serve two masters.” અહીં ‘Master’ શબ્દ ઈશ્વરના અર્થમાં છે.) મહંમદભાઈ અને ઈદ્રિસ વચ્ચે કોઈ અજ્ઞાત ઋણાનુબંધ કે અન્ય ગમે તે કારણ હોય, ઈશ્વર (અલ્લાહ) જાણે, પણ તેણે મહંમદભાઈના ત્યાં એક કુટુંબના સભ્યની જેમ પંદરેક વર્ષ સેવા બજાવી હતી. ઈદ્રિસ પોતે સારી રીતે જાણતો હતો કે મહંમદભાઈ અને તેમના કુટુંબના સભ્યો માત્ર જ તેના સ્વભાવ અને મિજાજને સહન કરી શકે! તેનું સ્પષ્ટ માનવું હતું કે બીજાઓ માટે એ સાવ અશક્ય હતું કે તેઓ તેને તેમના કુટુંબના સભ્ય તરીકેનો દરજ્જો આપે! તેના વિષે એવું પણ લાગતું હતું કે તેણે કોઈ પ્રાથમિક કે ધાર્મિક શિક્ષણ મેળવેલું હોય, કેમ કે અન્યો સાથેની તેની વાતચીતમાંથી આ બાબત ફલિત થતી હતી.

મારા લેખને ઈદ્રિસના સામાન્ય જ્ઞાન, દૂરંદેશીપણા, બુધ્ધિમત્તા અને શાણપણને પ્રદર્શિત કરતા એક માત્ર ઉદાહરણ પછી સમેટી લઈશ. અમે બધા મિત્રોએ એક વખતે મહંમદભાઈના ખેતરે મિજબાનીનું આયોજન કર્યું હતું. તક મળતાં જ, હું મારા મિત્રોનો સહવાસ છોડીને સીધો જ ઈદ્રિસ પાસે પહોંચી ગયો હતો કે જે નદીકિનારે ખુલ્લા મેદાનમાં ઢોર ચારી રહ્યો હતો. મેં તેનો પંદરેક મિનિટ સુધીનો ઈંટરવ્યુ લીધો હતો. અમારી વાતચીત દરમિયાન સૌથી પહેલાં તો મેં તેને એ પૂછ્યું હતું કે તેના વતનનું ગામ પાડોશી દેશ પાકિસ્તાનને અડીને આવેલા રાજસ્થાનના સરહદી જિલ્લામાં આવેલું હોઈ લોકોને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કે કેમ? તેણે મારા પ્રશ્નનો સાવ ટૂંકો જ જવાબ વાળ્યો હતો કે એ તો અમે પરિસ્થિતિઓ સાથે અનુકૂળ થવા ટેવાઈ ગએલા છીએ. પણ અચાનક કોઈ જાતના મારા પ્રશ્ન કે વાતના સંદર્ભ વગર જ તેણે બોલવાનું શરૂ કરી દીધું,”મારી પાસે કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવાનો ઉપાય છે. આપણી સરકારે અમેરિકા જેવી રાજ્યોની શાસનપ્રથાને અપનાવીને ભારતને USI (United States of India) તરીકેની ઓળખ આપવી જોઈએ. આપણા પાડોશી દેશો કે જે પ્રાચીન ભારતના ભાગરૂપ હતા તેઓ આપણા USI સાથે જોડાઈ શકે છે, જો તેમને આપણું બિનસાંપ્રદાયિક બંધારણ માન્ય હોય તો! વળી આમ જો થઈ જાય તો તે પછી ફરી આપણા દેશનું નામ બદલીને USSA (United States of South Asia) રાખી શકાય.”

અહીં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કે કાશ્મીર મુદ્દે ઈદ્રિસે સૂચવેલો માર્ગ યોગ્ય છે કે કેમ તેની વિચારણા કરવામાં આવે, પણ તેને સાંભળીને મને એ આશ્ચર્ય થયું હતું જાણે કે તે રાજનીતિશાસ્ત્રનો કોઈ વિદ્વાન માણસ ન હોય!

આશા રાખું છું કે મારા વાંચકો એવી માનસિકતા કેળવવાનો પ્રયત્ન કરે કે કોઈ પણ વ્યક્તિમાં તેના અવગુણોના બદલે તેના ગુણોને સમજવાની કોશીશ કરવામાં આવે, પછી ભલે ને તે વ્યક્તિ શાણી હોય કે દિવાની!

પ્રણામ/સલામ સહ,

વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Translated from English version titled as “A true story of an insane, but sane person!” published on September 24, 2009.

 

Tags: , , , , , , ,

9 responses to “(179) દેખીતા દિવાના, પણ શાણા એવા એક માણસની સાચી કહાની!

 1. "માનવ"

  May 17, 2010 at 11:46 am

  દાદા,

  ખુબ જ સરસ…

  Like

   
 2. Sharad Shah

  May 18, 2010 at 3:49 am

  પ્રિય વલીભાઈ;
  પ્રેમ્;
  મારા ગુરુએ એક સમયે બુધ્ધના જીવનની એક કથા કહી.
  “બુધ્ધ તેમના શિષ્યો સાથે ચિત્તવન તરફ વિહાર કરી રહ્યા હતા.ચાલતા ચાલતા બુધ્ધ તેમના શિષ્ય આનંદને જીવનના રહસ્યો સમજાવી રહ્યા હતા. એક માખી બુધ્ધના મોં સામે ઉડાઊડ કરી રહી હતી એટલે બુધ્ધે જમણો હાથ હલાવી તેને દૂર કરી. માખી દૂર ચાલી ગયા પછી વળી ફરી તેમણે જમણો હાથ હલાવી માખી ઉડાવતા હોય તેમ કર્યું.આનંદે આ જોયું એટલે પૂછ્યું, “ભંતે, પ્રથમવાર હાથ હલાવતાં જ માખી તો ઉડી ગઈ હતી, તો બીજીવાર દોહરવવાનુ પ્રયોજન સમજાયું નહી?”બુધ્ધ હસ્યા અને કહ્યું,” તમારી સાથેના વાર્તાલાપ કારણે પ્રથમવાર હાથ યંત્રવત ઉઠી ગયેલો, પણ તત્ક્ષણ ખ્યાલ આવી ગયો એટલે બીજીવાર હોશપૂર્વક હાથ ઉઠાવ્યો. એક ક્ષણની પણ બેહોશી સાધકને ન પોષાય.”બીજા દિવસે એક શ્રોતાનો કે જે બુધ્ધ દર્શનમા પી.એચ્.ડી હતો, તેનો પ્રશ્ન આવ્યો. ” મેં બુધ્ધ વિષે પ્રકાશિત તમામ સાહિત્ય વાચ્યું છે અને આવી કથા ક્યાંય નથી. શું આ સત્ય કથા છે, કે પછી તમારા મગજમા પેદા થયેલ તુક્કો? કથા ખૂબ સુંદર છે, હ્રુદયસ્પર્શિ પણ છે અને મનોમન ઇચ્છાપણ થાય છે, કે આ સત્યકથા હોય તો સારું. છતાં જિગ્નાશા રોકી નથી શકતો એટલે પૂછું છું” મારા ગુરુએ કહ્યું, “જો કથા હ્રુદયસ્પર્શિ હોય, બોધદાયક હોય, અને શાસ્ત્રોમાં ન લખી હોય તો લખી દેવી. શાસ્ત્રો આપણા લખેલા છે, તે આપણાથી ઉપર કેવી રીતે હોઈ શકે? કથા સત્યકથા છે કે નહી તે અતી મહત્વનૂ નથી. તે તથ્યકથા છે કે નહી તે વધુ મહત્વનુ છે.”
  વલીભાઈ તમારી ઈદ્રિશ કથા પણ ખૂબ પ્યારી છે. સત્યકથા ન હોય તો પણ.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ,
  શરદ

  Like

   
 3. Valibhai Musa

  May 18, 2010 at 4:53 am

  શરદભાઈ,

  આભાર કોમેન્ટમાં બુદ્ધના જીવનની હૃદયસ્પર્શી બોધકથા આપવા બદલ.

  ‘સત્ય’ ને ‘સત્ય છે’ એવી જાહેરાતની જરૂર નથી, ‘સત્ય’ સ્વયં જ ‘સત્ય’ તરીકે જાહેર થયા સિવાય રહે નહિ અને એમ થાય તેમાં જ ‘સત્ય’ની શોભા છે. આમ છતાંય એક એવી રૂઢ થઈ ગએલી સત્યવક્તાની પણ માંનસિકતા હોય છે કે તે સાચું બોલતો હોય તો પણ વાતમાં દૃઢિકરણ લાવવા તેને ‘સાચું કહું છું હોં!’ કહેવું પડતું હોય છે. ઘણીવાર કોઈ અસાધારણ અને માન્યામાં ન આવે તેવી પણ સાચી જ હોય તેવી વાત સામાન્ય જન માટે સ્વીકાર્ય નથી હોતી. આવા સંજોગોમાં પેલો ચિંતિત હોય છે કે પોતાની સત્ય વાત મારી ન જાય.

  આમ છતાંય ‘સત્ય’ ઉપર વધુ ભાર મુકાતાં ‘શંકિત’ સ્વભાવની વ્યક્તિ ઉપર મનોવૈજ્ઞાનિક વિપરિત અસર પડતી હોય છે, એ પણ એટલું જ સત્ય છે!

  “અહીં જે ચર્ચા કરવામાં આવી છે તે કોઈ પ્રત્યાઘાત રૂપે છે એમ ન સમજવા વિનંતિ છે” એવું હું સાચે જ લખું તો શરદભાઈ હકારાત્મક વલણ ધરાવતા હોઈ તેમને કોઈ ફરક પડશે નહિ અને તેઓ એ વિધાનને સ્વીકારી લેશે. હવે જો સામે નકારાત્મક વલણ ધરાવતો માણસ હશે તો તે મનમાં એ જ વિચારશે કે ‘જોયું? ભાઈને ખુલાસો કરવો પડે છે અને એજ બતાવી આપે છે કે તેમણે પ્રત્યાઘાત રૂપે જ લખ્યું છે!’ આ તો એક ઉદાહરણ થયું.

  જીવનમાં કેટલીક બાબતો સાચી માનવી જરૂરી હોય અને ન માનવામાં આવે તો એક મોટો અનર્થ પણ સર્જાઈ શકે છે. આ બધી ચર્ચામાંથી તારણ તો એક જ નીકળે છે કે માણસ તટસ્થભાવ ધારણ કરે તો જ સત્યને જાણી શકે, અનુભવી શકે.

  પંડિતયુગના વિદ્વાન નિબંધકાર મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો આ વિષયને થોડોક સ્પર્શતો ‘મતાંતર’ નિબંધ વાંચવા જેવો ખરો.

  શરદભાઈ અહીં આપણી વચ્ચે વિચારોની જે આપલે થઈ એનું નામ ‘સત્સંગ’ કહેવાય, કેમ ખરું કે નહિ!

  ધન્યવાદ.

  Like

   
 4. સુરેશ જાની

  May 18, 2010 at 12:47 pm

  બહુ જ પ્રેરક વાત. વિચારતા કરી મૂકે તેવી વાત.

  Like

   
 5. Sharad Shah

  May 20, 2010 at 1:59 am

  પ્રિય વલીભાઈ;
  પ્રેમ્;
  તમે લખો છો, “શરદભાઈ અહીં આપણી વચ્ચે વિચારોની જે આપલે થઈ એનું નામ ‘સત્સંગ’ કહેવાય, કેમ ખરું કે નહિ!”
  સારી ભાષામા આને “સંવાદ” કહેવાય. જેમા બન્ને પક્ષે મન ખુલ્લું રાખી, હ્રુદયને કે બુધ્ધિને જચે તે પૂર્વગ્રહરહીત સ્વિકારવા તૈયાર હોય. અને ખરાબ ભાષામાં કહીએ તો, “અંધે અંધા ઠેલીયા દોનો પડે કૂપંત” એવું કહેવાય.
  મારી સમજ મુજબ સત્સંગ ખૂબ ઊંચી ચીજ છે, જે સતગુરુ અને સાચા શિષ્ય વચ્ચે બનતી ઘટના છે. પણ આપણે ઘણા શબ્દોનો જેમ તેમ ઉપયોગ કરીને તેને વિક્રુત કરી નાખ્યા છે.સત્સંગ, પ્રેમ, અંતરઆત્માનો અવાજ, સંકલ્પ, કામ, ભગવાન…. અને આવા અનેક શબ્દો તેના મૂળ અર્થ ગુમાવી ચૂક્યા છે. આપણે જોઇએ છીએ કે રાજકારણીઓને પણ હવે અંતરઆત્માનો અવાજ સંભળાવા માંડ્યો છે.મારા ગુરુ કહેતા,” જૂઠ્ને પગ નથી હોતા, એટલે તે સત્યની બૈશાખી વગર ચાલી નથી શકતું” શઠગુરુઓએ પણ પ્રયોગ સત્સંગ શબ્દનો જ કરવો પડે છે, તો જ તેમનુ જૂઠાણું ચલાવી શકે.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ.

  Like

   
 6. Sharad Shah

  May 20, 2010 at 2:31 am

  પ્રિય વલીભાઈ;
  પ્રેમ્;
  ગેલેલીયોના જીવનની એક કથા યાદ આવી. બાઈબલ પ્રમાણે સુર્ય પ્રુથવીની આસપાસ ફરે છે. ગેલેલીયોએ જ્યારે સંશોધનના અંતે જાહેર કર્યું કે, “સુર્ય પ્રુથવીની આસપાસ નહી પણ પ્રુથવી સુર્યની આસપાસ ફરે છે.” ત્યારે ધર્મના ઠેકેદારો છળી ઉઠ્યા અને ત્યાના રાજાને ફરિયાદ કરી કે ગેલેલીયો નાપાક છે, ધર્મ વિરોધી છે અને તેને સજા થવી ઘટે.મોટાભાગે આવા કહેવાતા ધર્મના ઠેકેદારો રાજયમા ખૂબ વગદાર હોય છે અને તેમને નારાજ કરવા શાસકોને પોષાય તેમ હોતું નથી. એટલે રાજાએ ગેલેલીયોને પકડી કેદમાં નાખ્યો. તેનો કેસ ચાલ્યો ત્યારે ત્યાના કાજીએ ગેલેલીયો ને પૂછ્યું, “શું પ્રભુ જીસસ કરતાં તું તારી જાતને વધૂ જ્ઞાની સમજે છે? શૂ બાઈબલના સત્યોને તૂ પડકારે છે?” ગેલેલીયોએ કહ્યું, ” નામદાર, એવી ધ્રુષ્ટતા તો હું કેમ કરી શકું? મને તો વૈજ્ઞાનિક સંશોધનો કરતાં જે જણાયું તે જ કહું છૂં.” કાજીને જવાબ સાંભળી થોડી દયા આવી અને કહ્યું કે, ” તૂ માફી માંગીલે તો અમે તને છોડી દઈશું” ગેલેલીયોએ કહ્યું, ” નામદાર, મને માફી માંગવામા કોઈ વાંધો નથી, પણ મારા માફી માંગવાથી સુર્ય કાંઇ પ્રુથવીની આસપાસ ફરવા નથી માંડવાનો.” સત્યની આ કહાની કદાચ તમે સાંભળી પણ હશે.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ.

  Like

   
 7. Valibhai Musa

  May 20, 2010 at 3:25 am

  વાત સાચી, શરદભાઈ,

  ‘સત્સંગ’ કરતાં ‘સંવાદ’ શબ્દ વધુ યોગ્ય છે. મારો એક મિત્ર ‘નિરાંત’ સંપ્રદાયમાં અને તે લોકો ‘શાસ્ત્રાર્થ’ના સંદર્ભે ‘સત્સંગ’ શબ્દ પ્રયોજતા હોય છે. ‘સંવાદ’ હોય કે ‘સત્સંગ’; ખુલ્લા દિલે થાય તો હેતુ સરે, નહિ તો ‘સંવાદ’ ‘વિખવાદ’ માં પરિણમે અને ‘સત્સંગ’ ‘કુસંગ’ માં!

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: