Click here to read Gujarati story with Preamble in English
કુટુંબ ચલાવવું અને દેશ ઉપર શાસન કરવું એ બંને સમકક્ષ છે. બંનેમાં સર્વગ્રાહી આવડત જોઈએ. કુટુંબ અને દેશના સરળ અને સફળ સંચાલન માટે અનુક્રમે જરૂરી હોય છે, પ્રણાલિકાઓ અને કાયદાઓ. આ બંને સામાજિક સંસ્થાઓના વડાઓએ જીવતા લોકો સાથે કામ પાર પાડવાનું હોય છે. ઘણીબધી સમસ્યાઓ સામે આવે અને તેમનો નિવેડો સમયસર અને આદર્શ રીતે પણ કરવામાં આવે તે જરૂરી બની જાય છે. જો તેમ ન થાય તો પરિસ્થિતિ વધુ વણસે અને સમધારણ સ્થિતિને પુન: પ્રસ્થાપિત કરવાનું મુશ્કેલ તો જરૂર બની જાય, પણ અશક્ય તો ન જ ગણાય. કોઈપણ સમસ્યા તેના ઉકેલનો ઉપચાર લઈને જ જન્મતી હોય છે, શરત એ હોય છે કે તેને ઉકેલવાની શુદ્ધ દાનત હોવી જરૂરી હોય છે.
ઘણા ભાગે ગેરસમજો, અસહિષ્ણુતાઓ, અયોગ્ય રજૂઆતો વગેરે જેવી પાયારૂપ બાબતો કેટલીક કૌટુંબિક સમસ્યાઓમાં કારણભૂત બનતી હોય છે. અહીં મારી અન્ય એક અપ્રસિદ્ધ ગુજરાતી વાર્તા રજૂ કરવામાં આવી રહી છે, જે આજકાલ વિશ્વવ્યાપી મનોવૈજ્ઞાનિક એવી ‘પેઢી અંતર’ (Generation Gap) ની સમસ્યાને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને જેના કારણે બધા જ સમાજોમાં કુટુંબજીવનની સાહજિકતા જોખમમાં મુકાઈ રહી છે.
આ વાર્તાની રજૂઆતની શૈલી કંઈક વિશિષ્ટ છે. મેં આ વાર્તાનાં માવતર પાત્રોને ક્યાંક વ્યક્તિગત તો ક્યાંક બંનેને ઉદ્દેશીને સંબોધન કરતાં કરતાં તેમના કુટુંબમાં ઉદભવેલી સમસ્યા અંગેના તેમના મનોવ્યાપારોને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. Generation Gap (પેઢી અંતર) ની સાથે સાથે અહીં એક Communication Gap (વાણીવિનિમયનો આંતરો કે શુન્યાવકાશ) પણ પોતાનો ભાગ ભજવે છે, જે ગેરસમજ ઉત્પન્ન થવા માટે જવાબદાર બને છે.
હું આપ સૌ વાંચકોને પ્રતિભાવો મળવાની અપેક્ષાએ આગળ વાંચવા નિમંત્રું છું.
– વલીભાઈ મુસા
(લેખક અને અનુવાદક)
નખ્ખોદ !
ભક્તિભાવ વ્યાપી જાય સમગ્ર ચેતનાતંત્રમાં એવું આ અતિ પ્રાચીન કોટ્યાર્ક મંદિર. અહીંના વાતવરણમાં મદિરાના નશા કરતાં સાવ જુદો જ નશો છે. આ નશો એટલે વૈરાગ્યનો નશો, ચિત્તની પ્રસન્નતાનો નશો, મનની શાંતિનો નશો ! દર્શનાર્થીઓનાં દિલોદિમાગ ઉપર એક અદ્ભુત આધ્યાત્મિક સામ્રાજ્યા અહીં છવાઈ જાય છે. આ મંદિરમાં પ્રસ્થાપિત થયેલી છે એક મૂર્તિ, નામે ‘માતૃકા’. બેનમૂન શિલ્પ છે મૂર્તિનું ! શિલ્પનો વિષય પણ ઉત્તમોત્તમ ! માતા અને તેની કોખમાંનું બાળક ! વાત્સલ્યભાવથી પુલકિત એવી માતાનું હૃદય જાણે કે ત્રીજું સ્તન હોય તેમ વાત્સલ્યપાનથી પરિતૃપ્ત એવું શિશુ માતાના ત્રિભંગ દેહને ચીપકી રહ્યું છે ! સંતાનભૂખપીડિત યાત્રિકો અહીં અંતર્ધ્યાન બનીને હાથ ફેલાવે છે, માથાં ટેકવે છે, અશ્રુ સારે છે !
પણ…આજે તો, રાગ અને ત્યાગની પરસ્પર વિરોધી જેમની પ્રાર્થનાઓ એક્બીજી સાથે ટકરાઈ રહી છે એવાં તમે બંને અહીં ઊભાં છો, મુકુલરાય અને ધર્મલક્ષ્મી ! વાનપ્રસ્થના આરે આવી ઊભેલાં તમે ‘માતૃકા’ને ધર્મસંકટમાં મૂકી દેતાં ઊભાં છો !
મુકુલરાય, તમે તો યોગીહઠ લઈને આંખમાંથી અંગારા ઓકતી ત્રાટક નજરે માતૃકા સામે જોઈ રહ્યા છો. તમારા ઓષ્ઠ નિશ્ચેતન, પણ મન આર્તનાદ કરી રહ્યું છે. તમારા શ્વાસની આવનજાવનમાં એક જ શબ્દ ઘૂંટાઈ રહ્યો છે, ’નખ્ખોદ ! હા, નખ્ખોદ !’. તમે માતૃકા આગળ નખ્ખોદનો શ્રાપ પ્રાર્થી રહ્યા છો ! જ્યારે, ધર્મલક્ષ્મી, તમે તો બંધ આંખે જિહ્વારટણ દ્વારા દેવીને કાકલૂદીભરી પ્રાર્થના કરતાં આશીર્વાદ યાચી રહ્યાં છો કે તમારા ત્યાં ઝટ પારણું બંધાય ! સદીઓથી પોતાની કોખમાં બાળક તેડીને ઊભેલાં માતૃકાદેવી આવી દ્વિધામાં કદીય મુકાયાં નહિ હોય કે એક જ અને તે પણ વયોવૃદ્ધ યુગલ પરસ્પર વિરોધી માગણી સાથે તેમની સામે હોય !
તમે જ્યારે સદેહે અહીં ઊભા છો, મુકુલરાય, ત્યારે તમારું મન તમને અતીત તરફ ખેંચી જાય છે અને તમે તમારા વિદ્યાર્થીકાળની હાઈસ્કૂલની પાટલી ઉપર ગોઠવાઈ જાઓ છો. તમારા અધ્યાપક તમને ‘મુકુંદરાય’ વાર્તા ભણાવી રહ્યા છે. તમારા અધ્યાપકે ભાવવાહી સ્વરે વાર્તાના અંત ભાગમાં આવતો ‘નખ્ખોદ……નખ્ખોદ !’નો જે ઉચ્ચાર કરેલો તેના જ પડઘા જાણે કે મંદિરના આ નીરવ વાતાવરણમાં ઘંટનાદની જેમ ગૂંજી રહ્યા છે અને તે જ પડઘા તમારા મનમંદિરમાં પણ ! તમે તો પેલા મુકુંદરાયના પિતા કરતાં એક ડગલું આગળ વધીને સાચે જ દેવી આગળ પ્રત્યક્ષ માગણી મૂકી રહ્યા છો, નખ્ખોદની ! એ ડોસાએ તો પોતાની વિધવા પુત્રી ગંગા આગળ વિમળશાની પીથા વણઝારાના પ્રસંગવાળી ઘટના કહીને નખ્ખોદ માટેનું પરોક્ષ કથન કર્યું હતું ! ખરેખર, મુકુલરાય, તમારી મનોવ્યથાને તમારો સિદ્ધાર્થ સમજી શક્યો હોત, તો તમે દેવી આગળ ધર્મલક્ષ્મીની પ્રાર્થનાના સહયાચક જરૂર થયા હોત !
ધર્મલક્ષ્મી, તમે પણ તમારા પતિની મનોવેદનાથી સુવિદિત તો ખરાં, પણ તેની પરાકાષ્ઠાથી અજ્ઞાત છો; નહિ તો તમારા એક માત્ર સિદ્ધાર્થના નખ્ખોદની માગણી કરતા તમારા પતિને તમે જરૂર વારી દીધા હોત ! તમે જ્યારે માતૃકા આગળ પુત્રવધૂ યશોધરાનો ખોળો ભરાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છો, ત્યારે તમે પણ યશોધરાની ઉંમરે પહોંચી જતાં તમારા ભૂતકાળને વાગોળવા માંડો છો. તમને સિદ્ધાર્થનો જન્મસમય યાદ આવી જાય છે. તમારી પ્રથમ લગ્નતિથિની ઉજવણીમાં જાણે કે સહભાગી થવા ઉતાવળે આવી પહોંચેલો એ સિદ્ધાર્થ ! એ વખતે તમારું સંયુક્ત કુટુંબ હતું. આ કુટુંબપ્રથામાં માબાપ સંતાનજન્મનો આનંદ બાહ્ય રીતે પ્રગટ કરી શકે નહિ, કંઈક એવી પરંપરાકે કે પછી વડીલોની મર્યાદાના કરણે ! તમારા માટે આનંદ હતો કે કેમ તે વિચારવાની પણ તમારામાં સૂઝબૂઝ ન હતી. આમ છતાંય આગંતુકને જન્મતો અટકાવવાની તમારા પતિની દરખાસ્તને તમે પ્રેમપૂર્વક ફગાવી દીધી હતી. તમે સિદ્ધાર્થને જન્મવા દીધો હતો.
સિદ્ધાર્થ પૂવે, ધર્મલક્ષ્મી, તમે બંને પ્રણયરેખાનાં સામસામાં બિંદુઓએ હતાં. તમારી દૃષ્ટિઓ એકબીજા તરફ મંડાયેલી હતી. પણ પછી તો તમે ત્રિકોણ બની ગયાં, ત્રિકોણ જ રહ્યાં ! હા, ત્રિકોણ જ ! સિદ્ધાર્થને ભાઈ કે બહેનની ભેટ આપવાની તમારી હિંમત ન ચાલી ! પ્રથમ પ્રસુતિનો એ કપરો કાળ પિયરમાં વીત્યો હતો. સિદ્ધાર્થ ઉદરમાં હતો, ત્યારથી જ તમારે કડવાં ઔષધ પીવાં પડેલાં ! પ્રસવકાળ એટલે મૃત્યુ તરફની અડધી મંઝિલ ! કાં તો મૃત્યુ તરફ ધકેલાઈ જવાનું અથવા જીવન તરફ પાછા ફરી જવાનું ! જન્મતાં જ સિદ્ધાર્થ ખૂબ કષ્ટ આપી ગયો, ખૂબ ખૂન વહાવી ગયો ! વળી જન્મ્યા પછી પણ તમારું ખૂન ચૂસતો રહ્યો ! હા, સફેદ ખૂન ! ચાલવા શીખ્યો તેથી પણ અધિક સમય સુધી તમે તેને સ્તનપાન કરાવતાં જ રહ્યાં. તમારા અંગસૌષ્ઠવને અવગણીને પણ તમે તમારી છાતી નિચોવતાં જ રહ્યાં ! સિદ્ધાર્થ આકળો પણ એવો જ કે કળ ન કરે ! ઘરનાં બધાંને પ્રત્યેક રાત્રિએ જન્માષ્ટમીનાં જાગરણ કરાવે ! તમારી કેટલીય રાત્રિઓ એવી વીતતી કે સવાર પડી જતી. પણ, ધર્મલક્ષ્મી, તમે તો જનેતા હતાં. સંતાનઉછેર પાછળનાં કષ્ટોનો હિસાબ જનેતા પાસે કદીય ન હોય ! નવીન પ્રભાત ઊગતું અને જૂના હિસાબો ભૂંસાતા રહેતા !
પરંતુ, મુકુલરાય, તમારાં છેલ્લી બે જ રાત્રિનાં જાગરણ એવાં રહ્યાં કે સિદ્ધાર્થ પ્રત્યેના તમારા અને તમારાં પત્નીના પ્રેમ અને પુરુષાર્થના સરવાળા મોટા જ થતા ગયા, એકેય રકમ ભૂંસાતી ન હતી. તમે વેપારી અને એ પણ ગ્રોસરીના પાકા વેપારી ! પરચુરણ સામાનથી માંડીને જથ્થાબંધ ચીજોનો વેપાર કરતા તમે હિસાબખિતાબમાં એક્કા હતા. તમારી નજર આગળ સિદ્ધાર્થના જન્મથી માંડીને એ એકાદ મહિના પહેલાં ગૃહસ્થી બન્યો ત્યાં સુધીનાં દૃશ્યો આવી ગયાં. છેલ્લા પખવાડિયામાં તો સાવ બદલાતો જતો સિદ્ધાર્થ તમારી ચકોર નજર આગળ ઉઘાડો પડતો જતો હતો. યશોધરાના મોહપાશમાં બંધાતો જતો સિદ્ધાર્થ પેઢી ઉપર આવતો તે પણ ઉછીનો ઉછીનો ! મુકુલરાય, તમારી વૈશ્યબુદ્ધિને એ સમજતાં વાર ન લાગી કે તમારી ભણેલીગણેલી અને રૂપાળી પુત્રવધૂના પ્રભાવ આગળ તેનું વ્યક્તિત્વ ઓગળતું જતું હતું. એકાદ મહિનાનાં કદાચ યશોધરાનાં નિશાભાષણો તેનામાં ધંધા પ્રત્યેની સૂગ ઉત્પન્ન કરવા માટે સમર્થ પુરવાર થયાં હતાં ! તમે તેની સાન ઠેકાણે લાવવા મધ્યસ્થી તરીકેની અસરકારક ભૂમિકા ભજવી શકે તેવા કોઈક પાત્રની શોધ ચલાવી રહ્યા હતા. તેના મિત્રો વિષે તમને ઊંડી જાણકારી ન હતી. આવા સંવેદનશીલ પ્રશ્ન સાથે તમે તેની સામે સીધા આવવા માગતા ન હતા, કેમ કે આમાં પિતાપુત્રની મર્યાદા લોપાવાનો ભય હતો. તમારી પાસે એવા પાત્ર તરીકે એક્માત્ર ધર્મલક્ષ્મીનો જ વિકલ્પ બાકી રહેતો હતો. ઘરની વાત ઘરમાં જ સીમિત રાખવા માટે આ જ ઉત્તમ માર્ગ હતો.
પણ અફસોસ, મુકુલરાય ! તમારી યોજના મનમાં જ રહી ગઈ અને એ સાંજે સિદ્ધાર્થે મર્યાદાની પાળ તોડી નાખતાં કોઈપણ જાતની પૂર્વભૂમિકા વગર તમને સીધું જ પૂછી નાખ્યું હતું, ‘પિતાજી, એ પરિચારિકાની તાલીમ લેવા માગે છે અને હું પણ તેની સાથે રહીને ખાનગી નોકરી કરું તો !’
સિદ્ધાર્થના આ શબ્દો સાંભળીને, મુકુલરાય, તમે ચોંકી ઊઠ્યા હતા. તમારા મસ્તક ઉપર તમારી દુકાનનાં તોલમાપ અને ત્રાજવાં જાણે કે પટકાવા માંડ્યાં હતાં ! તમારા ઉપર ચીજવસ્તુઓના ડબ્બા ઠલવાતા હોય અને અનાજના કોથળાઓના ભાર નીચે તમે ભીંસાતા-ગૂંગળાતા હોવ તેવું તમે અનુભવ્યું હતું ! વહુઘેલા સિદ્ધાર્થને તેની પરિચારિકાપત્નીનો પરિચારક થયેલો તમે જોઈ રહ્યા હતા ! વિચારતંદ્રામાં તમે એવા તો ખોવાઈ ગયા હતા, મુકુલરાય, કે સિદ્ધાર્થે જ તમને પુન:પ્રશ્નથી જાગૃત કર્યા હતા કે, ‘પિતાજી, મારી વાતનો પ્રત્યુત્તર ન વાળ્યો !’
આ સાંભળીને, મુકુલરાય, તમે હસવાનો પ્રયત્ન કરતા બોલી ઊઠ્યા હતા કે ‘ધંધામાં ઘણીબધી મહેનત છે. તારો વિચાર ખોટો નથી. મુનિમ અને હું અહીંનું ગબડાવ્યે જ જઈશું. વ્હાઈટ કોલર લાઈફ તો જીવી શકાય ! વળી આવકના નવીન બે સ્રોત વધશે, તમારી બંનેની નોકરીથી !’ આમ તમારા તરફની લીલી ઝંડી મળી ગઈ સમજીને તમારો સિદ્ધાર્થ તો હરખપદુડો થઈ ગયો હતો.
મુકુલરાય, આ પ્રસંગ પછીની પહેલી રાત તમારા માટે જાણે કે પ્રલયની રાત પુરવાર થઈ હતી ! તમે લાખ પ્રયત્ને ઊંઘી શક્યા ન હતા. કૉમ્પ્યુટર જેવા તમારા મગજના સ્કીન ઉપર એક દૃશ્ય આવી ગયું હતું. સિદ્ધાર્થ યુવાનીના ઉંબરે આવી ઊભો હતો. તે વરણાગિયો થતો જતો હતો. પેઢીના એ રજાના દિવસે એ બજારમાં લટાર મારવા ગયો હતો અને ઓસરીએ તેનો મોકલેલો ધોબી તેનાં કપડાં લેવા આવી ઊભો હતો. કરકસરવૃત્તિવાળાં ધર્મલક્ષ્મીને મન આ ભારે વાત હતી. તેમના અણગમાના ભાવને પારખી જતાં તમે તેમને સમજાવી દીધાં હતાં કે, ‘તને તેનાં કપડાંની બરાબર ઈસ્ત્રી કરતાં આવડતું નહિ હોય !’ વળી ધોબીના ગયા પછી તમારા રમતિયાળ સ્વભાવ મુજબ મરકમરક હસી પડતા તમે બોલ્યા હતા, ‘જોજે પાછી, તેની સ્ત્રી કરવામાં કાચી ન પડે ! આમાં તો ધોબીથી સર્યું, પણ પછી આગળ આપણે ધોબીના કૂતરા જેવી સ્થિતિમાં ન મુકાઈએ !’ તમારી આ મીઠી મજાકથી ધર્મલક્ષ્મી ‘જાઓ લુચ્ચા !’ કહીને ખડખડાટ હસી પડ્યાં હતાં.
આ પ્રસંગને યાદ કરતા, મુકુલરાય, તમે જ્યારે અસહ્ય વેદનાની આગમાં શેકાઈ રહ્યા હતા; ત્યારે તે જ રાત્રિએ તમારાં પત્ની બાજુના જ ઢોલિયામાં ઘસઘસાટ ઊંઘી રહ્યાં હતાં. તમારા જાગરણની એ ગોઝારી રાત્રિએ, મુકુલરાય, તમે વર્તમાનમાં આવી જતા સિદ્ધાર્થની સ્ત્રી વિષેના વિચારોના વમળમાં ઘુમરાવા માંડ્યા હતા. તમને એ સાંજના પ્રસંગથી એક વાતની પ્રતીતિ થઈ ચૂકી હતી કે સાચે જ તમે અને ધર્મલક્ષ્મી યશોધરાની પસંદગીમાં ક્યાંક ભૂલથાપ ખાઈ બેઠાં હતાં ! પુત્રપ્રેમના અતિરેકમાં તમે કન્યાપસંદગીમાં તેના જ દૃષ્ટિકોણને વિશેષ પ્રાધાન્ય આપ્યું હતું અને તમારા ભાવી પરત્વે દુર્લક્ષ સેવ્યું હતું. યશોધરા ભણેલી હતી, સુંદર હતી. રંગે થોડીક શ્યામ છતાં મોહક હતી. બંનેની બરાબરની જોડી જામે તેવી હતી. પ્રગતિશીલ વિચારો ધરાવતું તેનું કુટુંબ હતું. બહોળા પરિવારની તે એક માત્ર લાડલી પુત્રી હતી. બધું શ્રેષ્ઠ હતું, પણ કદાચ તેની સંસ્કારિતાની ઊંડી તપાસ અજાણતાં અવગણાઈ ગઈ હતી. સિદ્ધાર્થના બદલાતા જતા વર્તનની પાછળ યશોધરાનો દોરીસંચાર હોવાનું તમારું અનુમાન હતું અને એ અનુમાન સાંજના પ્રસંગથી વાસ્તવિક પુરવાર થયું હતું ! યશોધરાનું પોત પરોક્ષ રીતે સિદ્ધાર્થના શબ્દોથી પ્રકાશ્યું હતું. એકનો એક પુત્ર ધંધાનો – વૃદ્ધાવસ્થાનો સહારો બનવાના બદલે તે તમને તમારી હાલત ઉપર છોડી દઈને પોતાની નવીન દુનિયામાં ખોવાઈ જવા માગતો હોય તે વાત તમારા ગળે ઊતરતી ન હતી અને છતાંય આ એક હકીકત હતી.
આમ મુકુલરાય, તમારી યાદદાસ્તના ચોપડામાં લખાયેલું ખૂબ લાંબું ચાલેલું સિદ્ધાર્થનું ખાતું તાજું થયું હતું. તમે તેની સાથેની લેવડદેવડમાં ઘણું ધીરી બેઠા હતા ! ધર્મલક્ષ્મી તરફના કર્તૃત્વનો હિસાબ તો જુદો હતો. સામા પક્ષે દેવાળિયા સિદ્ધાર્થે તેના હાથ ઊંચા કરી દીધા હતા ! વળતરરૂપે કશું જ પાછું ફરવાની આશા રહી ન હતી. તમને લાગ્યું હતું, મુકુલરાય, કે સિદ્ધાર્થ પ્રત્યેનો તમારો પિતૃપ્રેમ ખોટનો વેપાર પુરવાર થયો હતો; જે તમારે ચોપડાના પીળા પાને લખવા સિવાય કોઈ આરોચારો ન હતો.
મુકુલરાય, તમારા વિષાદની આ સ્થિતિમાં કેટલીક સુખદ પળો પણ તમને યાદ આવી જતી હતી. સિદ્ધાર્થના વેવિશાળટાણે તમે ધર્મલક્ષ્મીના કાનમાં એક વાત કહીને તેમને રાજીનાં રેડ કરી દીધાં હતાં. એ વાત હતી, તમારા ભાવી પૌત્રના નામકરણની ! તમે નક્કી કરી બેઠા હતા કે યશોધરા જ્યારે પણ તમારા પરિવારને પુત્રરત્નની ભેટ ધરશે, ત્યારે તેનું નામ ‘રાહુલ’ જ પાડવામાં આવશે ! સિદ્ધાર્થને યશોધરા નામધારી પત્ની મળવી તે કેવળ જોગસંજોગ જ હતો. ભગવાન તથાગતનું નામ સિદ્ધાર્થ જ હતું. મુકુલરાય, તમે ભાગ્યબળે જોડાયેલાં સિદ્ધાર્થ અને યશોધરાના ભવિષ્યે જન્મનાર પુત્રનું નામ ‘રાહુલ’ ધારી બેઠા હતા, તેની પાછળ એ જોગસંજોગનો પૂરો લાભ લઈને એ ત્રણેય નામની ત્રિપુટી રચી દેવાનો તમારો ખ્યાલ હતો ! તમારા મનમાં એવી કંઈક ગણતરી પણ મુકાઈ ગએલી કે ભગવાન તથાગતની જેમ જગકલ્યાણ અર્થે તો નહિ, પણ પરિવારકલ્યાણ ખાતર પણ તમારો સિદ્ધાર્થ યશોધરા અને રાહુલના મોહપાશમાં બંધાયા સિવાય તમારી ઉભયની વૃદ્ધાવસ્થા, બીમારી અને સુખદ મૃત્યુના ઈલાજરૂપ જરૂર બનશે ! પણ મુકુલરાય, જીવનમાં બધું જ માનવીનું ધાર્યું ન થતું હોવાના ન્યાયે સિદ્ધાર્થના જીવનમાં પરણ્યા પછીના એક જ માસમાં એવું કંઈક વિપરિત બની ગયું હતું કે તમારો સિદ્ધાર્થ તમને બેઉને ઊંઘતાં રાખીને તમારાથી દૂરદૂર યશોધરા તરફ ખેંચાઈ ગયો હતો ! રાહુલ તો હજુ જન્મવો બાકી હતો ! આ તેનું મહાભિનિષ્ક્રમણ તો નહિ, પણ અલ્પબુદ્ધિક્રમણ તો જરૂર હતું; કે જેણે તમારા માટે કદાચ સંન્યાસનો વિકલ્પ જ ખુલ્લો રાખ્યો હતો !
યશોધરાએ સિદ્ધાર્થને કામણ કર્યું હતું કે પછી સિદ્ધાર્થને યશોધરાનું કામણ થયું હતું, તે તમે નક્કી કરી શક્યા ન હતા, મુકુલરાય. નવીન સર્જાયેલી કે સર્જાવા પામતી કૌટુંબિક પરિસ્થિતિ માટે રહીરહીને તમારું મન યશોધરાને જવાબદાર ઠેરવતું હતું. મુકુલરાય, આ તમારું પક્ષપાતી વલણ હતું; કેમ કે તમે ઊંડેઊંડે સિદ્ધાર્થને તમારો પોતીકો ગણતા હતા, જ્યારે યશોધરા તમારે મન પરાઈ હતી. વ્યવસાયપસંદગી કે જીવનશૈલી એ વ્યક્તિગત બાબત હોવાનું તમે સ્વીકારતા પણ હતા. આમ સિદ્ધાર્થનો આવો કંઈક સ્વતંત્ર નિર્ણય હોત તો તમને આટલું બધું દુ:ખ થયું ન હોત ! પરંતુ તમે સ્પષ્ટ જોઈ રહ્યા હતા કે સિદ્ધાર્થના આ વિચાર પાછળ કોઈ આત્મનિર્ભરતાનો આદર્શ ન હતો, પણ યશોધરાનું વશીકરણ જ કારણભૂત હતું. તમે સિદ્ધાર્થને તેની જીવનગાડી ઇચ્છિત દિશાએ લઈ જવા કપાતા દિલે અનુમતિ આપી દીધી હતી, કેમ કે તમે તમારી અનુભવી આંખે પ્રાચીન અને અર્વાચીન વિચારધારાઓનો ટકરાવ તમારા નાનકડા પરિવારમાં થતો જોઈ રહ્યા હતા. સિદ્ધાર્થ અને યશોધરાની દુનિયાના વ્યાપમાં, મુકુલરાય, તમારા જેવાં જૂનવાણી અને વારસાગત વ્યવસાયનાં બંધાણી આવી શકે તેમ ન હતાં ! તેમને નવી પાંખો ફૂટી હતી, તેમને નિરંકુશ ઉડ્ડયન કરવું હતું. તેમની પાંખો તમારો ભાર વહી શકે તેમ ન હતી ! અને સાચે જ સિદ્ધાર્થે તો પોતાની પાંખો નીચી ઢાળી દઈને તમને ધરતી ઉપર પટકી દીધા હતા, કદાચ ધર્મલક્ષ્મી જ યશોધરાની પાંખે વળગી રહ્યાં હતાં !
મુકુલરાય, તમે અતીતને વાગોળી લીધા પછી વર્તમાનમાં પાછા ફરતા ધર્મલક્ષ્મીને તેમની પૂજાપ્રાર્થનામાં લીન રહેવા દઈને ચૂપકીદીપૂર્વક મંદિરના ઓટલે આવી બેસો છો. વિચારવા જેવું અને ન વિચારવા જેવું એમ સઘળું વિચારતા વિચારધૂમ્રના ગોટેગોટામાં તમે જ્યારે ગુંગળાઈ રહ્યા છો, ત્યારે તમને ખબર પણ ન પડે તેવી રીતે ધર્મલક્ષ્મી તમારો ખભો હલાવતાં વિનમ્રભાવે તમને પૃચ્છા કરે છે કે તમે દેવી પાસે શું યાચ્યું ? આંખોમાં છલકાઈ જવા મથતાં અશ્રુને ખાળતા તમે મુકુલરાય સહસા બોલી ઊઠો છો, ‘નખ્ખોદ !’. આ સાંભળીને હતપ્રભ બની જતાં, ધર્મલક્ષ્મી, તમે દયામણા ચહેરે અને ફાટી પડતા અવાજે પૂછી નાખો છો, ‘રે જીવ, પણ કોનું અને શા માટે ?’
ત્યારે મુકુલરાય, તમે મિતાક્ષરી પ્રત્યુત્તર વાળતાં બોલો છો, ‘સિદ્ધાર્થનું, યશોધરાનું; એ બંનેનું !’
ધર્મલક્ષ્મી, તમે માથે વીજળી ત્રાટકી હોય તેમ ચીસ પાડતાં અને મુકુલરાયના મોંઢે હાથ દેતાં બોલી ઊઠો છો, ‘નહિ નાથ…, નહિ !’. પરંતુ મુકુલરાય, તમે તો ગુસ્સાની આગમાં ભભૂકી ઊઠતા અસ્ખલિત વાક્ધોધપ્રપાત કરતા ગર્જી ઊઠો છો, ‘એ બંને સંતાનપ્રાપ્તિ માટે તરફડવાં જોઈએ ! એમની કૂખે રાહુલ ન જન્મવો જોઈએ ! એમને એમાં સુખ મળે કે ન મળે, પણ દુ:ખ તો નહિ જ મળે એની મને ખાત્રી છે; એવું દુ:ખ કે જે હું પુત્ર પામવાથી અનુભવી રહ્યો છું ! કોઈ માણસ માથે અસહ્ય દુ:ખ આવી પડે, ત્યારે પ્રભુને પ્રાર્થતાં એમ બોલતો હોય છે કે તેવું દુ:ખ દુશ્મનને પણ ન હજો ! સિદ્ધાર્થ આપણો દુશ્મન તો નથી જ ને ! એ તો આપણો પુત્ર છે ! આ મારો-આપણો સંતાનપ્રેમ જ છે !’
તમે બહાવરાં બનીને, ધર્મલક્ષ્મી, તમારા પતિનો પુણ્યપ્રકોપ સંભળી રહ્યાં છો. મુકુલરાય તેમની શ્રાપપ્રાર્થનાને આશીર્વાદની પ્રાર્થનાનો અંચળો ઓઢાડવા મથી રહ્યા છે. આ તેમનો વિચિત્ર વ્યાખ્યાવાળો પુત્રપ્રેમ હતો કે યશોધરા પ્રત્યેનો કટુભાવ એ સમજવામાં, ધર્મલક્ષ્મી, તમે ઊણાં ઊતરો તેમ છો; કેમ કે તમારામાં નિખાલસતા અને ભોળપણ છે. વળી એ સમજવું તમારા માટે જરૂરી પણ નથી, કારણ કે તમે જે જાણો છો તે મુકુલરાય નથી જાણતા ! ગેરસમજથી પીડાતા એવા મુકુલરાયને હાથ જોડીને કરગરતાં જરા ધીરજ રાખવાનું કહીને તમે વિગતે વાસ્તવિકતા રજૂ કરતાં કહેવા માંડો છો :
‘ભલા, તમે છેલ્લા બે દિવસથી અકળાતા-મૂંઝાતા મને લાગતા હતા, પણ તમારું દુ:ખ આટલી હદે પહોંચ્યું હશે તેની તો મને કલ્પના સરખી પણ ન હતી ! જીવનભરની સુખદુ:ખની સાથી એવી મને અંધારામાં રાખીને તમે એકલાએકલા તમારા જીવને ટૂંપતા રહ્યા ! માતૃકા ખોવાયેલાં સંતાનોને પાછાં પણ મેળવી આપે છે, સમજ્યા ? આપણો સિદ્ધાર્થ યશોધરામાં ખોવાઈ જવા માગતો હતો, પણ એ સમજદાર છોકરીની સમયસૂચકતાએ તેને વેળાસર ઠેકાણે લાવી દીધો છે. તેણે નર્સીંગનું ભણવા જવાનું માંડી વાળ્યું છે. માતૃકાનો આભાર માનવા તો હું તમને અહીં ખેંચી લાવી છું ! માતૃકાનાં દર્શન પછી જ તમને ખુશખબરી સંભળાવવાના મોહમાં અનર્થ સર્જાઈ ગયો ! યશોધરાએ મને માંડીને વાત કહી દીધી હતી કે આપણા લાડલાએ તમને સંતાપ્યા છે. એ ગરીબડીએ તો સહજભાવે સિદ્ધાર્થ આગળ પોતાનો એક વિચાર મૂક્યો હતો કે આપણે સંમતિ આપીએ તો તે નર્સીંગનું ભણવા જાય ! ભણી આવીને ગામમાં જ ખાસ કરીને પ્રસુતાઓની સેવા કરે. તેના મનમાં સદભાવનાનું આ બીજ મારી પોતાની પ્રસુતિપીડાની વાતો સાંભળીને જ રોપાયું હતું. તેની ગણતરી હતી કે તમે દયાળુ જીવ છો એટલે આ કાર્યમાં પ્રેરક બનશો જ. પરંતુ મૂર્ખી ભૂલથાપ ત્યાં ખાઈ ગઈ કે એ કામ મને સોંપવાના બદલે આવી ભલાઈની વાતનો યશ તેના પતિને મળે તેવા લોભમાં પડી ! સિદ્ધાર્થને એ વાત કહેતાં ન આવડી ! ગાંડિયાની અર્ધા સુધીની વાત બરાબર હતી, પણ તાજાં પરણેલાં અને બેત્રણ વર્ષ સુધીના વિરહનો વિચાર આવતાં તેણે પોતાના તરફની ન કહેવાની વાત કરી નાખી, જે તમને ખૂબ ભારે પડી ગઈ, નહિ ! અને ધર્મલક્ષ્મી, તમે મુકુલરાયને હસાવવાના હેતુસર તેમના ગાલ ઉપર ચૂંટી ભરતાં માર્મિક કથન કરો છો, ‘બાપ તેવા બેટા ! તમે પણ હું પિયર જતી અને એકાદ દિવસ પણ વધુ રોકાઈ જતી, તો કેવા ધુઆંપુઆં થઈ જતા હતા !’
પણ… મુકુલરાય, હકીકતની સચ્ચાઈની જાણ થતાં ધર્મલક્ષ્મીની મજાકમશ્કરીભરી વાત સાંભળીને હસવામાં તમને રસ નથી. તમે તો તમારી જાતને કોસતા અને મનોમન યશોધરાની માફી માગતા માતૃકાદેવી તરફ હરણફાળે ધસી જાઓ છો. દેવીનાં ચરણોમાં ઢગલો થઈ જતા નાના બાળકની જેમ રડી પડતા તમે પ્રાર્થી ઊઠો છો, ‘માફ કર ! હે માતા, મને માફ કર ! હું અપરાધી છું ! હું મારા સમગ્ર કૂળને ભરખી જવા રાક્ષસ બન્યો હતો ! તું કરૂણાદેવી છો ! તારી બંને બાજુએ શોભી ઊઠે તેવી મારા પરિવારની આ દેવીઓને ખાતર પણ તું અમને રાહુલ દે !’
ધર્મલક્ષ્મી અને મુકુલરાય, તમે જ્યારે માતૃકાની વિદાય લેતાં પાછાં પગલાં ભરી રહ્યાં છો, ત્યારે પરમ સંતોષના નશામાં તમે એવાં ચકચૂર બની જાઓ છો કે તમારા આયખાનો થાક ઊતરી જાય છે !
-વલીભાઈ મુસા
(તા.૧૦-૦૨-૧૯૯૨)
Sharad Shah
May 23, 2010 at 10:23 am
પ્રિય વલીભાઈ;
પ્રેમ;
તમારી લેખન શૈલીને સો સો સલામ. એક કુશળ અને પરિપક્વ લેખકની માફક “નખ્ખોદ” લખાઈ છે. Generation Gap અને Communication Gap ના બન્ને પાસાઓને કલાત્મકરુપે રજુ કર્યા છે.
મારી સમજ મુજબ Generation Gap ની સમસ્યાના મૂળમા જોઇએતો જણાશે કે, માણસનો સ્વભાવ એવો છે કે તેને જે સારું લાગે તેને પકડવા અને સ્થિર કરવા માંગે છે, જે કુદરત ના નિયમ વિરુધ્ધ છે તે તેને સમજાતુ નથી. અહીં બધું જ પરિવર્તનશીલ છે અને માણસે પણ સમય ની ઝડપથી બદલાવુ પડે, નહી તો આ સમસ્યાનો ભોગ અવશ્ય બને છે.
બીજો કુદરતનો નિયમ છે કે દરેક પ્રવાહ ઉપરથી નીચેની તરફ વહે, નીચેથી ઉપરની તરફ નહી. આ નિયમ પ્રેમના પ્રવાહને પણ લાગુ પડે છે. આપણા મા-બાપે આપણને પ્રેમ આપેલ, અને આપણે આપણા બાળકોને આપીશું અને એ બાળકો વળી એમના બાળકોને આપશે.પ્રેમની ગંગા કદી ઉલટી નથી વહેતી.આ કુદરતી છે અને એટલા માટે જ દરેક સમાજમા માબાપની સેવા કરવાનુ બાળકને શિખવવામાં આવે છે. જેથી મા-બાપ વ્રુધ્ધાવસ્થામાં સુરક્ષિત અને સલામત રહી શકે.કુદરતના નિયમ વિરુધ્ધ જ્યારે તમને કાંઈ પરિણામ જોઈનું હોય તો તે માટે પરિશ્રમ કરવો પડે, બાળકને એક સંસ્કારીકતા શિખવવી પડે, તો જ તે મુજબ પરિણામ આવે.
પણ મોટાભાગના મા-બાપની સમસ્યા એવી હોય છે કે “અમે કેટકેટલાં દુઃખો વેઠીને તને ઉછેર્યો, ને તૂ આજની આવનારી છોકરીમા અમને ભુલી ગયો?” મોટભાગના મા-બાપ કુદરતના નિયમને સમજી નથી શકતાં અને પોતે દુઃખી થાય છે અને તેમના સંતાનોને પણ દુઃખી કરે છે.
બીજી વાત Communication Gap ની છે, તેના મૂળ મા અનેક કારણો પડેલા હોય છે. જેવાં કે ભય, અણઆવડત, અહંકાર, બુધ્ધી નુ સ્તર, અસમાન પદ અને આવા અનેક કારણો હોઈ શકે છે.
શેષ શુભ;
પ્રભુશ્રિના આશિષ;
શરદ
LikeLike
Suresh Jani
May 23, 2010 at 11:07 am
વાર્તાની નીચે તમારી સહી ન હોત તો કોઈ કહી ન શકત કે એક મુસ્લીમે આ વાર્તા લખી છે.
તમારી ધર્મ નિરપેક્ષતા, વાર્તા કહેવાની / લખવાની કળા / માનવ સ્વભાવની નબળાઈઓ / સબળાઈઓ સમજવાની ક્ષમતાને સો સલામ્
‘નસિર ઇસ્માઈલી’ બ્રાન્ડ અને મને બહુ જ ગમતીલી આ શૈલીમાં હું જ મુકુન્દરાય હોઉઁ , એમ લાગ્યા વગર ન રહ્યું; અને મન વિચારતું થઈ ગયું – ‘ આમ પણ બને.’ !
મુન્દરાય – મને બહુ જ ગમતી વાર્તા – ગુલાબદાસ બ્રોકરની કે દ્વિરેફ્ની ?
LikeLike
Rajendra M.Trivedi, M.D.
May 23, 2010 at 12:09 pm
પ્રિય વલીભાઈ,
તમારા સાથે આ રીતે પણ મળતા મળ્યા જેટલો જ આનન્દ થાય એ સ્વાભાવિક છે.
“Generation Gap,Communication Gap can be less if there is open mindedness and open expression between family members.
Respecting and loving to others play major role in relation.”
Rajendra Trivedi, M. D.
http://www.bpaindia.org
LikeLike
અરવિંદ અડાલજા
June 5, 2010 at 4:47 am
શ્રી રાજેન્દ્રભાઈની વાત સાથે હું સહમત છું.
“Generation Gap,Communication Gap can be less if there is open mindedness and open expression between family members.
Respecting and loving to others play major role in relation.”
LikeLike
pragnaju
June 1, 2012 at 1:42 am
ઘણી સુંદર વાતો પ્રતિભાવમા વાંચી તેથી તે ફરીથી નથી લખતા…રામનારાયણ પાઠકની વાર્તા મુકુંદરાય યાદ આવે..પોતાના સંતાન અંગે અસહ્ય દુઃખ અનુભવાય ત્યારે સહજ દુઆ માટે ઊઠતો હાથ માંગી પાડે
નખ્ખોદ નખ્ખોદ નખ્ખોદ
LikeLike