Click here to read Gujarati story with Image and Preamble in English
જ્યારે હું એમ. એ. પાર્ટ-2 માં અભ્યાસ કરતો હતો, ત્યારે અમારા કોલેજ મેગેઝિન ‘માણિક્યમ્’ માં પ્રસિદ્ધ થએલી એ ગુજરાતી વાર્તા ‘ચાર, બસ ચાર જ!’ ને અહીં હું રજૂ કરું છું. અમારા ગુજરાતીના વિભાગીય વડા મુરબ્બીશ્રી જિતેન્દ્ર દવે સાહેબે મેગેઝિનના ધોરણને બંધબેસતી હોવા તરીકે ગણીને આ વાર્તાને પસંદ કરી હતી.
હું મારા વાંચકોને મારી આ વાર્તાના વિષયવસ્તુના મૂળભૂત સ્રોતને એટલા માટે જણાવવાનું પસંદ કરીશ કે જેથી તેઓ માહિતગાર થઈ શકે કે કેવી રીતે કોઈક સામાન્ય ઘટનામાંથી પણ કોઈ લેખક પોતાના સર્જનના કથનવસ્તુને ઝૂંટવી શકે છે! એક વખતે એક મારા મિત્ર શ્રી બંસીલાલ બારોટ કે જે ડ્રોઈંગ ટીચર હતા, તેમણે મને હસ્તલિખિત દિવાળી કાર્ડ મોકલ્યું હતું. એ જ કાર્ડમાં તેમણે અમારા બંનેના એક અન્ય મિત્રને સંબોધતું મુકતહસ્ત રેખાંકનથી દોરેલું એ જમાનામાં વરાળથી ચાલતી ટ્રેઈનનું ચિત્ર આપ્યું હતું. બસ, આમાંથી મને વાર્તાબીજ મળી ગયું.
મારા વાંચકો વિચારશે કે હું શા માટે તેમને મારી વાર્તાના મૂળ સુધી લઈ જાઉં છું! આનો સરળ જવાબ એ છે કે કોઈક વિવેચકના વિધાન મુજબ દરેક વ્યક્તિ જન્મથી જ કલાકાર હોય છે. હું ઈચ્છું છું કે મારા વાંચકો પૈકીનો કોઈ એકાદ પણ પોતાની છૂપી શક્તિઓને જગાડે અને લેખક બનવાની પ્રેરણા મેળવે. અંગ્રેજી સાહિત્યમાં સમરસેટ મોમ (Somerset Maugham) આવું જીવંત ઉદાહરણ છે અને એવાં ઘણા ઉદાહરણો હોઈ પણ શકે છે.
હું આતુરતાપૂર્વક આશા રાખું છું કે મારા વાંચકોમાંનો કોઈ એકાદ પણ આ બ્લોગ નીચે પોતાનો પ્રતિભાવ આપે કે તેઓ મારી ઉપરોક્ત વાત સાથે સંમત થાય છે કે નહિ!
હવે વાર્તા તરફ આગળ વધો અને તેનો હળવો આનંદ માણો.
ચાર, બસ ચાર જ !
દિવાળીના તહેવારો ચાલે છે. વેપારીઓ સરવૈયાં મેળવવાની ધમાલમાં છે, પરંતુ મારે સરવૈયાં મેળવવાનાં નથી. મારો હિસાબ ચોખ્ખો છે, મોંઢે જ છે; બચત નથી, દેવુંય નથી. છતાંય ભવિષ્ય માટેની દેવાયોજના વિચારું છું ! હા, ઘણી દિવાળીઓ પછીની દેવાયોજના ! વર્તમાન અને ભાવી સંતાનોનાં ઉચ્ચ શિક્ષણ વખતની દેવાયોજના !
શિક્ષક છું, એ પણ ચિત્રકલાનો. પગાર એ જ મારી આવક છે. બીજી આવક ક્યાંથી હોય ? કલા જન્મગત હોય છે. કલા શીખી શકાય નહિ, કલાને શીખવી પણ શકાય નહિ. તેથી જ કદાચ ચિત્રકલાના વિષય માટે ટ્યુશન રાખનાર વિદ્યાર્થીઓ સાંભળવા મળ્યા નથી ! સાચા કલાકારો કલા વેચતા નથી. મેં કલાને વેચી નથી; હા, કલાને ભાડે જરૂર આપી છે ! દર મહિને પગાર રૂપે ભાડું વસુલ કરું છું પણ ખરો !
હું બેઠકખંડમાં આરામખુરશી ઉપર ઝૂલી રહ્યો છું. સ્ટવના અવાજ સિવાય ઘરમાં શાંતિ છે. બાળકો અહીંતહીં રમવા ગયાં છે. ત્યાં તો ટપાલીની બૂમ પડે છે. હું વિચારોમાંથી જાગૃત થાઉં છું. બારણા તરફ જાઉં છું. ટપાલી ટપાલની થપ્પી મારા હાથમાં મૂકે છે. હું ટપાલીની જ અદાથી હાથમાં ટપાલ ફેરવતો મારી બેઠક ઉપર પુન: આસન જમાવું છું.
આજની ટપાલોમાં અગાઉના દિવસો કરતાંય વધુ સંખ્યામાં દિવાળીકાર્ડ છે. મોટાભાગનાં કાર્ડ મારા વિદ્યાર્થીઓનાં છે. સત્રના છેલ્લા દિવસની મારી સૂચનાના ફળરૂપે જ મારા ત્યાં અભિનંદનનાં કાર્ડનો ઢગલો થઈ રહ્યો છે. દરેક જણ પોતપોતાની કલા પ્રગટ કરી શકે તે માટે જ મેં આવી સૂચના આપેલી છે. વળી સારી ચિત્રકૃતિ માટે મારા ગજા પ્રમાણેના ઈનામની જાહેરાત પણ કરેલી છે.
દરેકે પોતપોતાની કક્ષા પ્રમાણે સારી એવી જહેમત ઊઠાવી છે. આમ છતાંય ચિત્રકૃતિઓમાં અનુકરણની માત્રા વિશેષ દેખાય છે. નૂતન વર્ષાભિનંદનનાં સૂત્રો અને કાવ્યકંડિકાઓ પણ ચોરેલાં જ વર્તાય છે. માધ્યમિક શાળાનાં બાળકો પાસેથી મૌલિકતાની વધારે પડતી અપેક્ષા તો કઈ રીતે રાખી શકાય ?
તેમ છતાંય આજની ટપાલમાં એકાદ મૌલિક સર્જન મળી જાય તે આશાએ હું ઝડપભેર કાર્ડ ફેરવતો જાઉં છું. પરંતુ દરેક કાર્ડે નિરાશા જ ડોકિયાં કરતી દેખાય છે. વિદ્યાર્થીઓએ રંગ તો ઘણા બગાડ્યા છે, પણ ચિત્રના વિષયની પસંદગીમાં મૌલિકતા નથી.
પણ…પણ, આ કાર્ડ મને પેટ પકડીને હસાવી મૂકે છે. મારો હાસ્યધ્વનિ વિભાને રસોડામાંથી મારા ભણી ખેંચી લાવે છે. એ આવતાંવેંત જ મારા હાથમાંથી કાર્ડ ઝૂંટવી લે છે. પછી તો એ પણ મારી સાથે હસવામાં જોડાય છે. અમે બંને હસીએ છીએ, ખડખડાટ હસીએ છીએ. પરંતુ અમારા બંનેના હસવામાં ફેર છે. એ હસે છે, માત્ર ચિત્રને ઉપલકિયા દૃષ્ટિએ જોઈને; જ્યારે હું હસું છું, તેના મર્મને સમજીને !
ચિત્ર છે, આગગાડીનું ! હા, આગગાડીનું ! પણ, દોરનારે આ ચિત્રમાં જરાય કાળજી લીધી નથી દેખાતી. માત્ર મુક્તહસ્ત રેખાઓ વડે લંબચોરસો રચીને ડબ્બાઓ દર્શાવ્યા છે. આગળ એંજિન જેવો ભાગ સમજી શકાય છે. નીચે અનિયમિત અંતરે બેદરકારીપૂર્વક દોરેલાં વર્તુળો પૈડાંનાં સૂચક છે. ચિત્રમાં દમ નથી, પણ મને હસવું એટલા માટે આવે છે કે ચિત્રકારે એંજિન ઉપર મારું નામ લખ્યું છે. પાણી અને કોલસાના પૂરક ભાગ ઉપર મારી પત્નીનું નામ, તો વળી ત્રણ ડબ્બાઓ ઉપર અમારાં સંતાનોનાં નામ લખ્યાં છે. આટલા સુધી તો ઠીક, પણ ચોથો ડબ્બો અડધો દોરાયેલો છે; જેના ઉપર લખ્યું છે, ‘અડધિયો ડબ્બો !’. નૂતન વર્ષાભિનંદનના સંદેશારૂપે નીચે વાક્ય લખાએલું છે : ‘આપની પરિવારગાડી વિના અવરોધે આગળ ને આગળ ધપતી રહો !’
વિભા સ્મિતસહ પૂછી નાખે છે, ‘આ કયા લુચ્ચાનાં પરાક્રમ છે ?’
હું તેને ચાર દિવસ ઉપર પ્રસુતિગૃહ આગળ ભેટી પડેલા ચબરાક અને ટીખળખોર વિનોદની યાદ અપાવું છું. સાચે જ વિનોદે તેના નામ પ્રમાણે યથાર્થ રીતે જ વિનોદ કર્યો છે !
અમારી વચ્ચે પણ વ્યંગવિનોદ શરૂ થાય છે. તે મરકમરક હસતી સૂચવે છે, ‘આમાં એક ખામી રહી જાય છે!’ મને લાગે છે કે હવે તે મર્મને સમજી શકી છે.
હું સહસા પૂછી નાખું છું, ‘શી ખામી ?’
“તેણે ગાડી આગળ દર્શાવેલા પાટાઓ વચ્ચે લાલ અક્ષરે ‘ભય’ શબ્દ લખવો જોઈતો હતો !”
હું વળી તેના સૂચનમાં વધારો સૂચવું છું. ”સાથેસાથે નૂતન વર્ષાભિનંદનના સંદેશામાં એમ લખ્યું હોત તો વધારે ઠીક રહેત કે ‘સહીસલામત ગાડીને આગળ ધપાવવા બે કે ત્રણ ડબ્બા બસ છે !’”
‘ના, બે કે ત્રણ નહિ; પણ હાલમાં તો બે જ ડબ્બા બસ કહેવાય છે, પણ આપણા માટે હવે – ચાર, બસ ચાર જ !’
એ છેલ્લું વાક્ય પૂરું કરે છે, ત્યાં તો રસોઈ દાઝવાની ગંધ આવે છે. ઉદર ઉપરના સાડીના પાલવને ઠીક કરતી ભારે પગે છતાંય તે ઝડપભેર રસોડાભણી દોડી જાય છે.
અને મારા કાનમાં ‘ચાર, બસ ચાર જ !’ના પડઘા પડ્યે જ જાય છે.
– વલીભાઈ મુસા
‘માણિક્યમ્’ (૧૯૭૦)
pragnaju
May 26, 2010 at 6:16 pm
‘‘ઉમ્રે દરાઝ માંગકર લાયેથે દિન ચાર,
દો આરઝુ મેં કટ ગયે, દો ઇન્તજાર મેં.’’
અને એ ઈન્તજારની ચાડી ખાતી નિશાની હોય તો …!
આરઝૂ કે ઇચ્છા અને પ્રતીક્ષાના દુઃખમાં જીવતા દુઃખની મુક્તિનો કાયમી ઉપાય- મન સુખી તો જગત સુખરૂપ અને મન દુઃખી તો જગત દુઃખરૂપ લાગે છે. વળી છાયા જેમ કાયમી અને સ્થિર રહેતી નથી તેમ જગત પણ કાયમી અને સ્થિર રહેતું નથી. ટૂંકમાં, આ જગત વાસ્તવમાં આપણા મનનો જ પડછાયો છે અને જેવું મન હોય તેવું જ જગત
બાકી અમારા મહોલાની એક બેનની ૧૯મી સુવાવડ પછી પણ તેની બસ ૧૯ માટે ના જ હતી!
બીજું આ પુરુષપ્રધાન સમાજમા ઓપરેશન કે બીજા ઉપાયો સ્ત્રીઓએ જ કરવાના!
તમે જો વાસેકટોમી કરાવ્યું હોય તો અ સ લા મ્…
LikeLike
Sharad Shah
May 28, 2010 at 4:12 am
પ્રિય વલીભાઈ;
પ્રેમ;
પ્રથમ તો હેડિંગ વાંચીને થયું કે “ચાર, બસ ચાર’ કદાચ બાયડીના સંદર્ભે હશે, પણ વાર્તા વાંચતા જણાયું કે આ તો બાળકોના સંદર્ભે છે. આતો જરાક મજાક. ખરું પૂછો તો ચાર બાળકો તો દૂરની વાત છે, પણ બે બાળકો માંથી પણ હવે મા-બાપો એક પર આવી રહ્યા છે. યુગ પરિવર્તન.
બાકી સાદી સરળ વાતમાંથી વારતાનો પ્લોટ પકડવો અને તેને વાર્તારુપે મઠારવી એ ખરેખર અઘરી કળા છે અને તમે તેમા સારી હથોટી મેળવી છે.
શેષ શુભ.
પ્રભુશ્રિના આશિષ;
શરદ
LikeLike
સુરેશ જાની
June 23, 2010 at 1:58 am
અડધો ડબો ….. નો રાઝ મળ્યો અને ચાર , બસ ચાર નો પણ ..
સરસ વાર્તા. કલ્પનાશીલ વિનોદ પણ બહુ ગમ્યો.
LikeLike
chandravadan
April 4, 2013 at 4:33 pm
“ચાર,બસ ચાર જ”નામે વાર્તારૂપી પોસ્ટ.
અનેક દિવાળી કાર્ડોમાં એક કાર્ડ.
જેના પર આગગાડી એંજીન સાથે ચાર ડબ્બાઓનું ચિત્ર.
ઈમેઈલથી મોકલેલ “લીન્કો” દ્વારા અંતે “પીડીએફ”ખોલી વાર્તા વાંચી.
અહી આ વાર્તામાં એ વ્યક્તિઓ…પતિ અને પત્ની.
કાર્ડ નિહાળી બન્નેનું હસવું.
આવા હાસ્યમાં બે જુદા વિચારો.
(૧)એકનું નિરક્ષણ ચિત્ર્માં જે નિહાળ્યું તે માટે હાસ્ય !
(૨) બીજી વ્યક્તિ જરા ઉંડાણથી મર્મ કાઢી હસે.
અહી…લેખક જ બે પાત્રો છે.
વિચારધારા, અને જે રીત શબ્દોમાં વાર્તારૂપે કહી છે તે વાંચી હું હસ્યો તો નથી જ પણ, લેખકને સુંદર લખાણ માટે અભિનંદન પાઠવું છું
ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Valibhai..Nice one !
LikeLike
Valibhai Musa
April 4, 2013 at 5:28 pm
પ્રતિભાવ બદલ આભાર સીવીભાઈ,
ગોદડભાઈએ આપના ઉપર લખાએલી બુકને મોકલી આપી છે. આખી બુક વાંચ્યા પછી આપને બતાવવામાં આવેલી સ્થાનિક લાયબ્રેરીને મેં આપના તરફથી ભેટ આપી દીધી છે. આપના વિષેની આ બુક લોકો માટે માર્ગદર્શનરૂપ બની રહેશે.
કુશળ હશો.
સ્નેહાધીન,
વલીભાઈ
LikeLike