RSS

(187) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૯ (પારિતોષિક)

27 May

Click here to read Gujarati story with Preamble in English

[મારી ગુજરાતી વાર્તા ‘પારિતોષિક’ ને અહીં મારા ગુજરાતી વાંચકો માટે પ્રસિદ્ધ કરું છું. હું જ્યારે ૧૯૬૮ માં એમ.એ. પાર્ટ – ૧ માં અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે આ વાર્તા અમારા કોલેજ મેગેઝિન ‘માણિક્યમ્’ માટે પસંદ થઈ હતી. અહીં મારી વાર્તાની કથનશૈલી આત્મકથા રૂપે છે. વાર્તાનાં મુખ્ય પાત્રો લેખક (વાર્તાનાયક) અને તેમનાં પત્ની છે. કોઈપણ કલા એ કલાકારની બૌદ્ધિક સંપત્તિ છે અને સાહિત્ય પણ એક કલા જ છે. કેટલાક કીર્તિ અને કલદારના ભૂખ્યા માણસો આમપ્રજાને ઘણીવાર ખબર ન હોય એવા અજાણ્યા સ્રોતમાંથી સાહિત્યની ઊઠાંતરી કરીને તેને પોતાના નામે છપાવતા હોય છે. આવી છેતરપિંડી એ નૈતિક અપરાધ છે. આ એક સામાન્ય મુદ્દો મારી આજની વાર્તાનો આધારસ્તંભ છે. મારી વાર્તાનાં વિષયવસ્તુ, સંવાદો અને અન્ય લાક્ષણિકતાઓ રમુજસભર અને ઉપભોગ્ય છે.

મારા વાંચકોને આ વાર્તા વાંચવા નિમંત્રું છું અને મને ખાત્રી છે કે તેને તમે એક જ બેઠકે ચહેરા ઉપરથી સ્મિતને જરાય વેગળું કર્યા વગર વાંચી નાખશો.]

પારિતોષિક

સાહિત્યસર્જનનું કામ જ એવું છે. જ્યારે ફુરસદમાં હોઈએ ત્યારે ‘મુડ’ ન આવે અને ‘મુડ’ હોય ત્યારે ફુરસદ ન હોય. પછી તો એમ ન હોય કે લક્ષ્મી અને સરસ્વતીની જેમ એ બંનેને એકબીજાંનો સહવાસ ગમતો ન હોય !

આજે રવિવાર હતો અને સવારમાં સુખશય્યામાંથી ઊઠતાં જ સંકલ્પ કરેલો કે ‘એવી એ’ આજે તો ચોટલા (મહિલા) મંડળમાં જવાની અને મારા માટે આજનો રવિવાર ફળદાયી નીવડશે; પણ તેના ગૃહગમનથી તે ગૃહાગમન સુધી ‘મુડદેવી’એ મારા આજના દિવસને નિષ્ફળ બનાવવા ધેરો ઘાલેલો જ રાખ્યો. બિચારી ‘મુડદેવી’ પણ શું કરે ? હું પણ, પેલો મુરઘીનો માલિક રોજ તેની પાસે એકએક ઈંડાની અપેક્ષા રાખે તેમ, લોભિયો બન્યો હતો. હું પણ શું કરું ? કેટલાંય સામયિકોના તંત્રીઓ મારી પાસે નિત્ય વાર્તાઓ રૂપી ઈંડાંની માગણી કર્યે જતા હતા, પછી બિચારી ‘મુડદેવી’ રિસાઈ ન જાય તો શું કરે ?

ત્યાં તો બરાબર પાંચના ટકોરે મારી ‘એવી એ’નાં ચંપલનો ચપ્ ચપ્ અવાજ મારા કાને અથડાયો. એ ઓષ્ઠ પરથી સ્મિત રેલાવતી આવી અને સીધી જ ગઈ રસોડામાં. મારી નજર પણ તેની સાથેસાથે રસોડાના દ્વાર ભણી ગઈ અને તેને પાછી પકડી પાડવા ત્યાં જ સ્થિર થઈ ગઈ, કારણ કે તે સાડી બદલ્યા સિવાય જ ગઈ હતી. પરંતુ થોડી જ વાર પછી સ્ટવનો ખખડાટ સંભળાયો; ત્યારે મારી કલ્પનાએ મને ઈશારો કર્યો કે આજની મિટિંગમાં, ચંપાબહેન, કમળાબહેન કે પછી કાન્તાબહેને જાહેર કરેલા પોતાની કોઈક વાનગીના સફળ પ્રયોગનું અનુકરણ કરવા ગઈ લાગે છે. પરંતુ દ્વાર તરફ મંડાયેલી મારી નજરે જ્યારે તેને ચાના પ્યાલા સાથે પકડી પાડી, ત્યારે મારી કલ્પના છોભીલી પડી. વળી પાછી ચુગલીખોર મને ચાડી ખાધી કે ચાના પ્યાલા પાછળ સિનેમા જોવાની કે કાંકરિયે ફરવા જવાની દરખાસ્ત હશે. હું ચાની પૂર્વભૂમિકા પાછળની યોજનાનો તાગ મેળવવા મથું છું, ત્યાં તો મારાં શ્રીમતી નવલ ઉર્ફે નવલિકા રણક્યાં : ‘હું બે વાગ્યાની ગઈ ત્યારના લખલખ કર્યું હશે અને કંટાળી પણ ગયા હશો, એમ માનીને ચા બનાવી લાવી; કેમ સારું કર્યું ને !’

મારા મુખેથી શબ્દો સરી પડ્યા : ‘શાબાશ ! તારા જેવી જ પત્ની બધા લેખકોને મળે તો તો …’

મને અધવચ્ચે જ અટકાવતાં કહ્યું, ‘બસ બસ, હવે મારી પ્રશંસા કરીને મને શરમાવશો નહિ.’ આમ કહેતાં સાચે જ તેના ગાલ પર શરમના શેરડા પડ્યા.

ચાનો અને સાથેસાથે મારી નવલિકાના સૌંદર્યંનો ઘૂંટડો ભરતાંભરતાં મેં પૂછી નાખ્યું, ‘આજના તમારા ચોટ…, સોરી, મહિલામંડળમાં શું વલોવ્યું ?’

તેણે ચહેરા ઉપર અર્ધગંભીરતા લાવતાં કહ્યું, ‘જુઓ, તમે અમારી સ્ત્રીઓની પ્રવૃત્તિઓને હસી કાઢો નહિ. તમે શું એમ માનો છો કે આવાં મંડળો અને ક્લબોમાં ભાગ લેવાનો માત્ર પુરુષોને જ અધિકાર છે ? પણ જવા દો

એ વાત, વળી પાછા તમે મારી દલીલને તોડવા સામી હજાર દલીલો કરશો. હંઅ, તમે શું પૂછતા હતા ? હા, યાદ આવ્યું. તો સાંભળો કે અમારી આજની મિટિંગમાં મુખ્ય ચર્ચાનો વિષય એ હતો કે આજથી છ જ મહિના પહેલાં શરૂ થએલા અમારા મંડળ સંચાલિત ‘સ્ત્રીજાગૃતિ’ માસિકને અન્યોની હરોળમાં કઈ રીતે લાવવું ?’

‘ઓહ ! ત્યારે જો ગુસ્સો ન ચઢે તો એક વાત કહું ? મને તો એમ લાગે છે કે તમારા સામયિકે અર્ધું આયુષ્ય વટાવી દીધું છે. પ્રથમ વર્ષે જેમની પાસેથી પરાણે વાર્ષિક લવાજમ પડાવી લીધું છે, તે લોકો બીજા વર્ષ માટે ગ્રાહક તરીકે ચાલુ રહે તે માનવા હું જરાપણ તૈયાર નથી; કારણ કે જે રસ્તે માણસ એકવાર લુંટાય, તે માણસ ફરીથી તે રસ્તેથી જાય નહિ.’

‘આવું કેમ બોલો છો ? તમને પુરુષોને સ્ત્રીઓની ઈર્ષા થાય છે, ખરું કે નહિ ? આજે મિટિંગમાં બધી બહેનો પણ એ જ કહેતી હતી કે તમારા જેવો તેમના પતિદેવોનો પણ અભિપ્રાય છે. પણ તમને એ ખ્યાલ નહિ હોય કે તમારી આવી ટીકાઓથી તો ઉલટો અમને પોરસ ચઢ્યો છે. એક દિવસ અમે છાતી ઠોકીને ગર્વથી કહી શકીશું કે …’

‘… કે તમે કહેતા હતા તેવું જ થયું. ગ્રાહકોનું પહેલા વર્ષનું લવાજમ પૂરું થવાને હજુ તો બે માસ બાકી છે, ત્યાં તો અમારું ‘સ્ત્રીજાગૃતિ’ બંધ પડ્યું. બે માસના લવાજમના પૈસા ગ્રાહકોને પરત આપવાનું પણ આજની મિટિંગમાં અમે તો નક્કી કરી દીધું !’

‘જુઓ, તમે રોજ અમારા માસિકને શાપ આપો છો, તે ઠીક નથી કરતા. ભલા, એક્વાર તો આશીર્વાદ આપો કે ‘સ્ત્રીજાગૃતિ’ ચિરંજીવી રહે !’

‘મારો કંઈ શાપ કે આશીર્વાદ આપવાનો ધંધો નથી. વળી આ હું નથી કહેતો, પણ ‘સ્ત્રીજાગૃતિ’ની આયુષ્યરેખા એમ કહે છે કે તે લાંબું જીવશે નહિ !’

‘હવે જોયા ન હોય તો ટીડા જોષી ! તમારું ભલું થાય, તમે અમારી પ્રવૃત્તિઓને ભાંગી પાડવા દલીલોના જેટલા ધમપછાડા કરો છો, તેનાથી અર્ધી મહેનતથી અમને કંઈક સલાહસૂચનો આપો, તો અમે અમારી ક્ષતિઓને ક્યાં સુધારી શકીએ તેમ નથી !’

‘તો, મારાં સૂચનો સ્વીકારવાની તારી-તમારી તૈયારી છે ખરી ?’

‘એ બંધાતાં નથી, સમજ્યા ! જો યોગ્ય સૂચનો હશે, તો તેના ઉપર અમે પછીની મિટિંગમાં વિચારણા કરીશું.’

‘તો એમ જ કરો ને ! પહેલાં વિચારણા કરી લો !’

‘શાની ?’

‘મારાં સૂચનો સ્વીકારવાની.’

‘પણ સૂચનો સંભળાવ્યા પહેલાં ? જુઓ, વાત હસી કાઢો નહિ. નહિ તો પછી…’

‘બસ…બસ…હું સૂચનો સંભળાવવા તૈયાર છું.’ તેનું નાકનું ટેરવું ચઢેલું અને ઓષ્ઠ લાંબા થતા જોઈ મેં ટીખળ ટાળતાં પૂછ્યું, ‘બોલો, તમારે તમારા માસિકને પ્રતિષ્ઠિત બનાવવું છે ?’

‘ના, ના, ત્યારે શું અમારે તેને ફજેતીના ફાળકે ચઢાવવાનું છે ?’

‘જો સીધો જવાબ આપ. હવે બીજો પ્રશ્ન એ છે કે તમારે તેને સદ્ધર બનાવવું છે ?’

‘હા, પણ અમે માત્ર પૈસા કમાવા આ માસિક શરૂ કર્યું નથી. અમે તો આ માસિક દ્વારા સ્ત્રીઓમાં જાગૃતિ લાવવા માગીએ છીએ. અમારે આ રીતે પુરુષોની દુનિયામાં ઉપેક્ષા પામેલી સ્ત્રીઓને આગળ લાવવી છે, સમજ્યા ?’

‘તમારા ચવાઈ ગએલા રોજિંદા ભાષણને બંધ કરો અને જીભને સંકેલી લ્યો, મારાં વહાલાં શ્રીમતીજી, જો સૂચનો સાંભળવાં હોય તો !’

મારી ‘એવી એ’એ તેના ભાષણ ભરડવાના ઉત્સાહને દબાવી દીધો અને મારાં સૂચનો સાંભળવા એવી કલાત્મક રીતે ઊભી રહી કે ઘડીભર તો પેલી સૂચનોની વાત જ મારા મગજમાંથી અલોપ થઈ ગઈ. ત્યાં તો મારી ‘નવલિકા’ ઊર્ફે ‘એવી એ’ ગરજી ઊઠી, ‘આમ આંખો ફાડીને મારી સામે શું જોઈ રહ્યા છો ? કંઈક વદશો કે ?’

વચમાં જરા મારી ‘એવી એ’ના ‘નવલિકા’ ઉપનામનો ખુલાસો કરી દઉં. ભાઈ, તેનું મૂળ નામ તો ‘નવલ’ (તેની ગામડાની સાહેલીઓના સંબોધનમાં કહું તો ‘નવલી’) હતું; પણ પેલા કવિ ખબરદારે જેમ પોતાના કાવ્યસંગ્રહો ’ઇકા’ પ્રત્યયાંતથી બહાર પાડ્યા હતા, તેમ મેં પણ તે પ્રમાણે તેનું નામાંતર કરી નાખ્યું હતું. વળી આપણા સાહિત્યપ્રકાર નવલિકાનો દેહ નાનો, તેમ મારી ‘એવી એ’નો શરીરનો બાંધો પણ નાજુકડો બાલિકા જેવો હોઈ મને આ ઉપનામ બંધબેસતું લાગ્યું હતું. ત્રીજું કારણ આપું તો સાચા અર્થમાં તે મારી ‘નવલિકા’ જ છે. મારી ઘણીખરી વાર્તાઓ અમારા મધુર દાંપત્યજીવનમાંથી જ સર્જાઈ છે, એટલે તે પોતે મારા મનથી મારા માટે જીવતી-જાગતી ‘નવલિકા’ જ બની રહી છે. હંઅ…જરા અવળા પાટે ચઢી ગયો ખરું કે ? હા, તો પછી તેની મુગ્ધક ગર્જના પછી મેં શરૂ કર્યું.

‘તો, જો ત્યારે સાંભળ. પહેલું તો તમે સ્ત્રીઓના જ લખેલા લેખ કે વાર્તાઓ છાપવાનો આગ્રહ છોડી દો.’

‘પણ અમારે એ પણ બતાવવું છે કે અમે સ્ત્રીઓ પણ સાહિત્યસર્જન કરી શકીએ છીએ !’

‘તો પછી કોણ એમ કહે છે કે સ્ત્રીઓ માત્ર રોટલીઓ જ કરી શકે છે ! તમે સ્ત્રીઓના લેખો કે વાર્તાઓ છાપવાં હોય તો ભલે છાપો; પણ આ તો માસિકની શરૂઆત હોઈ તમારે નામાંકિત લેખિકાઓની જ કૃતિઓને સ્થાન આપવું જોઈએ.’

‘પણ અમારે નવોદિતાઓને પ્રોત્સાહન આપવું છે તેનું શું ? એમ ન કરીએ તો પછી તેમનામાં સર્જન કરવાનો ઉત્સાહ જ આવે ક્યાંથી ? તમારો જ દાખલો લ્યો ને ! તમારી વાર્તા જ્યારે કોઈ માસિકમાં ચમકે છે, ત્યારે તમને કેટલો બધો આનંદ થાય છે !’

‘એ વાત સાચી, પણ નવોદિતાઓને પ્રોત્સાહન આપવા જતાંજતાં તમારું નવોદિત માસિક અકાળે વૃદ્ધ ન થઈ જાય !’

‘વળી પાછા તમે ટીખળે ચઢી ગયા !’

‘ટીખળ નથી, સાચી વાત કહું છું. જો વાચકોને સંતોષકારક સાહિત્ય નહિ પીરસાય, તો તમારું તૂત ક્યાં સુધી ચાલશે ?’

‘તમારી વાત છે તો સાવ સાચી, પણ નામાંકિત લેખિકાઓ આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ છે. પછી અમે કર્તાઓ અને વાર્તાઓની વિવિધતા ન આપી શકીએ ને !’

‘તો પછી પીઢ લેખકોની કૃતિઓને સ્થાન આપો.’

‘એમ ! ત્યારે એમ કહો ને કે તમારે પગપેસારો કરવો છે !’

‘જો મજાક નથી કરતો, પણ સાચું કહું છું કે રોટલીમાં મીઠા જેટલું નવોદિતોનું સર્જન ચાલે. મારો કહેવાનો અર્થ એ નથી કે નવોદિતોનું સર્જન છેક નીચલી કક્ષાનું હોય છે. તને ખ્યાલ નહિ હોય, પણ વાચકો ઘણું કરીને લેખકનું નામ જોઈને જ વાર્તાઓ વાંચતા હોય છે.’

‘તમારી વાત સાથે હવે હું પૂરેપૂરી સંમત થાઉં છું. ‘સ્ત્રીજાગૃતિ’ના છ અંકો બહાર પડ્યા તે દરમિયાન વાચકોની થોકબંધ ફરિયાદો આવી છે કે વાર્તાઓમાં કોઈ દમ નથી !’

‘એ ખરું છે. તમારી બૈરક વાર્તાઓ પેલી લોકકથાઓની જેમ ‘એક નગરમાં એક રાજા હતો…’ એમ શરૂ થતી અને ‘છેવટે ખાધું, પીધું અને રાજ કર્યું.’ એવા અંતવાળી જ હોય ને ! ના ના, તો પછી વાચકો ફરિયાદ ન કરે તો શું પ્રશંસાનાં ફૂલ વેરે ?’

‘પણ એક કાંકરે બે પક્ષી મારી શકાય એવો માર્ગ અમે શોધ્યો છે. અમારા માસિકના ધ્યેય પ્રમાણે હવેથી મોટા ભાગની કૃતિઓ સ્ત્રીઓની જ હશે અને તે પણ દમવાળી !’

‘એવો માર્ગ વળી કોના ફળદ્રુપ ભેજામાંથી નીકળ્યો ?’

‘આજે અમે નક્કી કરી દીધું છે કે જેના પતિ લેખક હોય, તેમની જ કૃતિઓ અમારે છાપવી; પણ કોના નામે ખબર છે ? અમારા નામે જ ! જેના પતિ લેખક ન હોય તેમણે કોઈપણ સંબંધી લેખક પાસેથી મેળવી લેવી. હવે તમે જ કહો કે આ યોજનાથી તમારી સલાહ પ્રમાણે અમારા બંને હેતુઓ સરશે કે નહિ ?’

‘સાહિત્યમાં આવી છેતરપિંડી !’

‘આ છેતરપિંડી નહિ હોય, પણ તેના કર્તાની સંમતિથી જ એ થયું હશે ! વળી આ વાત અમારા સંપાદકમંડળ પૂરતી ખાનગી જ રહેશે.’

મને પ્રેમાનંદનાં નાટકો વિષેની વાત કરવાની ઇચ્છા થઈ આવી, પણ તેના આ જવાબની મક્કમતા જોઈને મેં ચર્ચાને આગળ ન વધારી; અને હસતાં જ પૂછી નાખ્યું, ‘તો તેં પણ એકાદ બે વાર્તાઓ આપવાનું વચન આપ્યું હશે, કેમ ખરું કે નહિ !’

‘મેં તો ઘસીને ના પાડેલી અને તેમને સમજાવવાની કોશિશ પણ કરી હતી કે એ તો સિદ્દાંતવાદીનું પૂછડું છે, પણ તેમણે માન્યું જ નહિ ! અમારી નવીન યોજના પ્રમાણે આવી કેટલી વાર્તાઓ એકત્ર કરવી તેની યાદીમાં તેમણે મારું નામ પણ લખી નાખ્યું ! વળી તમને નવાઈ લાગશે કે સૌ કરતાં વધારે વાર્તાઓ લાવવાની ફરજ મારા ઉપર પડી છે !’

હવે મને ચાના પ્યાલા પાછળની યોજના પૂરેપૂરી સમજાઈ ગઈ. સ્ત્રીઓ કેટલી ચતુર હોય છે ! પતિ જો ખબર ન રાખે તો તેના જીભના જાદુથી બિચારાને જરૂર શીશામાં ઉતારી દે !’

હું પણ મારી ‘નવલિકા’ની શબ્દજાળમાં ફસાઈ ગયો. તેણે મારી પાસે પાંચ વાર્તાઓની માગણી કરી. મેં ઘણી આનાકાનીના અંતે ત્રણનો સોદો પાકો કર્યો. બાકીની બે માટે તેણે વિનંતિ કરી કે મારે તેને તેની પ્રયોગદશાવાળી વાર્તાઓને મઠારી આપવી.

તમારે નવાઈ પામવાની જરૂર નથી કે મારી ‘એવી એ’ પણ વાર્તાઓ લખતી હશે ! હા, હજુસુધી એકેય સામયિકમાં પ્રસિદ્ધિ પામી ન હોવા છતાં મારી એકલાની પ્રશંસા તો જરૂર પામી છે. એ પરણીને આવી ત્યારથી આજસુધી મારાં પાસાં સેવ્યાં અને આટલું પણ ન કરી શકે ? તેણે મહિલામંડળની પ્રવૃત્તિઓમાં રસ લેવા માંડ્યું, ત્યારથી જ સ્ત્રીસ્વાતંત્ર્ય અને પુરુષોની સ્પર્ધા કરવાનું ભૂત તેના મનમાં ભરાયું છે. વળી મારા માર્ગદર્શન તળે તેની વાર્તાઓમાં થોડીઘણી પ્રગતિ થઈ છે ખરી, પણ પ્રસિદ્ધિલાયક થવામાં હજુ સમય ખૂટે છે. મેં પેલા સમસસેટ મોમની જેમ જોયેલું અને સાંભળેલું વર્ણવવાની રીત તેને શીખવી હતી. પરિણામે કેટલીકવાર તે અમારી વચ્ચે ખેલાતાં વાક્યુદ્ધોનો અક્ષરશ: અહેવાલ લખી નાખતી. આમ તેના સફળ-અસફળ પ્રયત્નોથી સર્જાયેલું જે કંઈ હતું, તેમાંથી બેએક વાર્તાઓને મઠારી આપવાનું મેં જે કબૂલ રાખ્યું હતું, તે સર્વથા અનુચિત તો નહોતું જ.

* * * * *

આજે ઑફિસેથી ઘરે પાછા ફરતાં તેણે મારું અપવાદરૂપ ગણી શકાય તેવું ઉમળકાભેર સ્વાગત કર્યું. આજના તેના ખુશમિજાજભર્યા ચહેરા ભણી હું વિસ્ફારિત નયને જોઈ રહ્યો હતો, ત્યાં તો પોતાના બંને હાથ પાછળ રાખીને આંખો ઉલાળતાં તેણે પૂછ્યું, ‘બોલો, મારા હાથમાં શું હશે ?’

હું વારાફરતી મારી કલ્પનાએ સુઝાડ્યું તેટલી વસ્તુઓ જેમજેમ ગણાવતો ગયો, તેમેતેમ તે પૂર્વપશ્ચિમ ડોકું હલાવતી જ રહી. છેવટે મારા મોંઢેથી ‘હાર્યો’ શબ્દ કઢાવીને તેણી મારી સામે ‘સ્ત્રીજાગૃતિ’ માસિક ધરી દીધું. મેં ઝડપભેર અનુક્રમણિકાવાળું પાનું કાઢીને નજર ફેરવી લીધી, તો તેમાં મારી જ લખેલી; પણ તેના નામથી પ્રસિદ્ધ થએલી વાર્તા ‘પાણીની સગાઈ’ – જે ઈશ્વર પેટલીકરરચિત ‘લોહીની સગાઈ’ની લગભગ પ્રતિવાર્તા જ હતી – દેખાઈ. આ વાર્તા જોતાં ઘડીભર મને વીજળી જેવો આંચકો લાગ્યો; કારણ કે મેં આ છેતરપિંડી કરવાની સંમતિ જ્યારથી આપી હતી, ત્યારથી જ મારા દિલમાં બળ્યા કરતું હતું. ત્યાં તો વળી આ વાર્તા જોઈ અને કર્તા તરીકે ‘નવલિકા’ તખલ્લુસ વાંચ્યું; ત્યારે ઘડીભર પેલો આંચકો લાગ્યો તો ખરો, પણ લાગ્યો એવો જ મારા પગના માધ્યમ દ્વારા સીધો જમીનમાં ઊતરી ગયો. મેં માસિકમાં પ્રથમવાર તેનું નામ છપાયાની ખુશી વ્યક્ત કરી, તો વળી તેણે મારી વાર્તા છપાયાની મને વધાઈ આપી.

આ પ્રસંગને થોડાક દિવસો વીત્યા, ત્યાં તો એક દિવસે ઑફિસમાં બેઠોબેઠો હું સમાચારપત્ર વાંચતો હતો; ત્યારે મારી નજર દર અઠવાડિયે પ્રસિદ્ધ થતા સાહિત્યવિભાગ ‘સર્જન અને સંવેદન’ પર પડી. મેં જ્યારે મોટા અક્ષરે એક ફકરાના મથાળે ‘પાણીની સગાઈ – એક સફળ પ્રતિવાર્તા’ વાંચ્યું, ત્યારે મારા પગ તળેથી ધરતી ખસતી લાગી અને ઓરડાની છત મારા માથે દબાતી લાગી. મેં ઝડપભેર નજર ફેરવી લીધી, તો વિવેચકે તેનાં ભારોભાર વખાણ કરેલાં. આખાય વિવેચનમાં એક પણ શબ્દ ક્ષતિ નિર્દેશતો ન હતો.

સામાન્ય રીતે વિવેચકો જ્યારે કોઈ કૃતિને બિરદાવવાના વલણમાં હોય, ત્યારે એકાદી ક્ષતિ તરફ અંગુલિનિર્દેશ કર્યા સિવાય રહી શકે નહિ; તે જ પ્રમાણે જ્યારે તેઓ કોઈ કૃતિને વખોડી કાઢવા માગતા હોય, ત્યારે એકાદ ગુણદર્શન તો જરૂર કરાવે. પરંતુ આ લેખમાં વિવેચકોની આ સામાન્ય પ્રણાલિકાનો મને ભંગ થતો લાગ્યો. આખો લેખ વાંચ્યા પછી મને એ જ પસ્તાવો થયા કરતો હતો કે આવી ઉત્તમ કૃતિ મારી ‘એવી એ’ના નામે છપાવવામાં મે ભયંકર ભૂલ કરી હતી.

ઘેર ગયા પછી આખી રાત એ જ વિચાર ઘોળાયા કર્યો કે પેલી ‘લોહીની સગાઈ’ વાર્તાને જે માનસન્માન મળ્યાં હતાં એવું જ આ વાર્તાનું પણ થયું તો ! ‘તો’ પછીનું તો હું સૂતાં સુધી ‘તો’ જ રાખી શક્યો, પણ સવારે આંખ ઉઘડતાં રાતના જોયેલા સ્વપ્ને ‘તો’ પછીની આગાહી કરેલી તે સત્ય માનવા હું પ્રેરાયો. પછી તો મેં પાણી પહેલાં પગરખાં કાઢવા જેવું વિચારીને કેટલીક તૈયારીઓ શરૂ કરી દીધી. સર્વપ્રથમ તો મેં એક પ્રવચનનો ડ્રાફ્ટ કરી નાખ્યો કે જેથી કદાચ ‘પાણીની સગાઈ’ વાર્તાનું બહુમાન કરવા કોઈ સમારંભ યોજાય તો મારી ‘એવી એ’ બે શબ્દો બોલી શકે ! આ પ્રવચનની તાલીમ જ્યારે તેને આપવામાં આવી રહી હતી, ત્યારે મારે દિગ્દર્શક અને શ્રોતા એમ બેવડો પાઠ ભજવવો પડતો. અહીં એક તરફ આ શરૂ કર્યું, તો બીજી તરફ ‘સ્ત્રીજાગૃતિ’ સિવાય અન્ય બેત્રણ સામયિકોમાં મારી ભલામણથી તેની પોતાની જ રચેલી, પણ મારા વડે સંસ્કારાયેલી વાર્તાઓ ચમકાવી દીધી; એમ માનીને કે મારી ‘એવી એ’ની લેખનશક્તિ પર વાસ્તવિકતાનો ઢોળ ચઢે !

* * * * *

મારું પેલી રાત્રિનું સ્વપ્ન સાચું પડ્યું. આજે કાપડિયા હૉલમાં ગુજરાતી સાહિત્યોત્કર્ષ સભા તરફથી મારી ‘નવલિકા’ – વાર્તા નહિ, પણ મારી ‘એવી એ’ને એક હજાર રૂપિયાનું રોકડ પારિતોષિક અને શાલ ઓઢાડીને તેનું બહુમાન કરવાનો સમારંભ યોજાયો હતો. પ્રારંભિક પ્રવચનો પછી પારિતોષિક-વિતરણ થયું. તાળીઓના ગડગડાટ વચ્ચે તેણે સભાપ્રમુખ નજીક જઈને પારિતોષિકનું કવર સ્વીકાર્યું અને પછી તો પ્રણાલિકાનુસાર તેણે મારું રટાવેલું પ્રવચન આરંભી દીધું.

કેટલી સ્વાભાવિકતાથી તે પોતાના મુખમાંથી શબ્દો સરકાવી રહી હતી ! તે જ્યારે એકએક શબ્દને તોળીતોળીને હાથના અભિનય સાથે બોલતી હતી, ત્યારે મારું હૃદય હર્ષ અને ગભરાટમિશ્રિત ધબકારા કર્યે જતું હતું. મારી નજર વારંવાર સભાગૃહની દરેક વ્યક્તિનો ચહેરો જોઈને છેવટે તેના તરફ મંડાતી. મને લાગ્યું કે ધાર્યા કરતાં વધારે સફળતાપૂર્વક તે શ્રોતાઓ ઉપર વાસ્તવિકતાની છાપ પાડી શકી હતી. તેણે પોતાના પ્રવચનમાં ‘કલાપી’નું દૃષ્ટાંત આપતાં કહ્યું હતું કે “‘કાન્ત’ જેવા તેમના કવિમિત્રો જેમ તેમનાં કેટલાંક કાવ્યોને મઠારી આપતા હતા, તેમ મારી વાર્તાઓ જે કલાયુક્ત બની શકી છે, તે મારા પતિનાં સલાહ-સૂચનોને આભારી છે. ઈશ્વર પેટલીકર રચિત ‘લોહીની સગાઈ’ મેં જ્યારે પ્રથમવાર વાંચી, ત્યારે એ જ ક્ષણે મને આની પ્રતિવાર્તા લખવાનો વિચાર આવ્યો હતો. તરત જ મારા મનમાં ભૂમિકા રચાઈ ગઈ અને મેં તેમના આગળ રજૂ કરી, તો તેમણે મારા વિચારને સહર્ષ વધાવી લેતાં મને પ્રોત્સાહન આપ્યું…”

આમ તેણે આબાદ રીતે પ્રવચનની પૂર્ણાહુતિ કરી કે આખોય હૉલ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો. મારાથી પણ તેના પ્રવચનની સફળતાની ખુશીરૂપે તાળી પડી ગઈ. હું તેના પર એટલો બધો વારી ગયો કે, મારું મન, જો થોડુંક એકાંત મળી જાય તો, હાલને હાલ હર્ષઘેલું બનીને તેને ઉપાડી લઈને ગોળગોળ ફુદડી ફરી નાખવા તલપાપડ બની ગયું, પણ તેને થાબડી લીધું.

પ્રવચના અંતે મારા જોડેની જ ખુરશીમાં બેઠેલી મારી ‘એવી એ’ના કાનમાં મેં એક ફૂંક મારી કે તરત જ તે ઊભી થઈ અને જાહેરાત કરી કે, ‘મારી વાર્તાની કદરરૂપે મને જે પારિતોષિક એનાયત થયું છે, તેને હું બહેનોના સર્વતોમુખી ઉત્કર્ષ માટે કામ કરતા અમારા મહિલામંડળને અર્પણ કરું છું. મને આશા છે કે અમારા મંડળનાં પ્રમુખ શ્રીમતી હંસાબહેન ત્રિવેદી મારી આ અલ્પ ભેટનો સ્વીકાર કરીને મને આભારી કરશે.

ફરી એકવાર સભાખંડની દિવાલોએ શ્રોતાઓની તાળીઓનો પ્રતિધ્વનિ આપ્યો. મહિલામંડળનાં પ્રમુખે ભેટનો સ્વીકાર કરતાં બે બોલ કહ્યા. આમ મારા મનમાં સંતોષ થઈ ગયો કે, ‘સારું થયું. હવે આ ભેટથી ‘સ્ત્રીજાગૃતિ’ના સંપાદક મંડળના મોંઢા ઉપર ડુચો વળી જશે !’

આમ છતાંય સમારંભના અંતે રિક્ષામાં બેસતાંબેસતાં હું તેને એ પૂછ્યા સિવાય ન રહી શક્યો કે ‘“તમારું સ્ત્રીજાગૃતિ’નું સંપાદક મંડળ આ રહસ્યને જાળવી રાખશે કે ખરું ?’

મારા પ્રશ્નનો લગભગ બેપરવાઈથી જવાબ આપતાં તેણે માત્ર એટલું જ કહ્યું કે, ‘મારા માટે જો રહસ્ય જાળવવાનાં હોય, તો ભલે ને હાલ જ જાહેર કરી દે ! હું એકલી જ નહિ, પણ બધી જ સંડોવાયેલી છે. વળી તેમને પોતાના માસિકની પ્રતિષ્ઠાનો પણ વિચાર આવશે કે નહિ ? આ સમારંભથી ‘સ્ત્રીજાગૃતિ’ કેટલું પ્રકાશમાં આવી જશે, તેની તમને ખબર છે ?’

તેના આ સચોટ જવાબથી મેં રાહતનો દમ અનુભવ્યો. રિક્ષાની ગતિથી સામે ધસતા પવન વડે તેના કપોલપ્રદેશ ઉપર હાલતી તેના વાળની લટ સાથે મારી દૃષ્ટિને એકાકાર કરતો હું મનોમન તેના ઘટનાની ગોપનીયતાના તર્કને વંદી રહ્યો !

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

‘માણિક્યમ્’ (૧૯૬૮)

 Dtd. 7th July, 2007

Paritoshik (પારિતોષિક) – pdf

 

 

Paritoshik (પારિતોષિક) – pdf

 
 

Tags: , , , , ,

5 responses to “(187) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૯ (પારિતોષિક)

  1. pragnaju

    May 27, 2010 at 4:09 pm

    વાહ ભાઈ વાહ
    આ તો જાણે અમારી વાત!
    ———————-
    બાકી આવી સભામાં ધ્યાન દઈને સાંભળે છે જ કોણ?
    એક સભામાં મોડા પડતા વારાફરતી બધાએ તે અંગે ધ્યાન દોર્યું
    અને
    કારણમા ‘મારી મરઘીને મારતા વાર લાગી’
    તો બધા કહે વાંધો નહીં !
    ———————————-
    એકવાર મારા એ કહે તું પ્રવચનમાં કોન્સટીટ્યુશનની જગ્યાએ કોંનસ્ટીપેશન બોલેલી!
    …હવે તારે ત્યાંનુ કાયમચૂર્ણ વહેંચવું પડશે!

    Like

     
  2. Harnish Jani

    May 27, 2010 at 5:44 pm

    તમારી વાર્તા વંચતાં લાગે જ કે આ વાર્તા ૫૦-૬૦ ના દાયકામાં લખાયેલેી હશે.ત્યારે આ વાર્તા શૈલી પ્રચલિત હતી.-આજ કથા વસ્તુ લૈ નવેી વાર્તા લખો તો જુદું જ પરિણામ આવે-તેમ કરો- હવે તમારી કલમ મંજાયેલેી બની છે. તેમ ચતાં વાર્તામાં મજ્હા આવેી.

    Like

     
  3. Sharad Shah

    May 28, 2010 at 2:52 am

    પ્રિય વલીભાઈ;
    પ્રેમ્;
    “ફૂલડાં કેરી દાંડુલીએ રામે સીતાને માર્યા જૉ” જેવો ઘાટ કર્યો. કથામાં પુરુષ અહંકારને અને સ્ત્રી સહજ વ્રુત્તિઓને કલાત્મક ઢબે ઉભાર્યા છે અને ઝાટક્યા પણ છે.
    મારી સમજ મુજબ પુરુષ સમોવડી થવા માંગતી સ્ત્રીઓ ગેરમાર્ગે છે. સ્ત્રી પોતાના સ્ત્રીપણામા જ પુર્ણ છે અતિસુંદર છે. જો એમ ન હોત તો પ્રક્રુતિએ ફક્ત પુરુષ જ પેદા કર્યો હોત. પણ સ્ત્રીનુ એક અલગ સૌંદર્ય છે અને સ્ત્રી પુરુષના એ ભેદને કારણે જ એકબીજા પ્રત્યે આકર્ષણ છે.પુરુષ સમોવડી બનવાના ચક્કરમાં સ્ત્રીઓ આજે પુરુષ ના કપડાં પહેરવા લાગી છે, પુરુષ જેવી ચાલ, રંગઢંગ, ક્રુત્યો તેને ન સ્ત્રીમા રહેવા દેશે કે ન પુરુષમાં. હું ઈચ્છું કે યુધ્ધ, વિજ્ઞાન,બોડિ બિલ્ડીંગ, ક્રિકેટ અને અનેક એવા શારીરિકબળ પ્રયોગોના ક્ષેત્રો ભલે પુરુષો માટે અનામત રહ્યા. સ્ત્રીઓ સંગિત, ન્રુત્ય, ચિત્ર જેવી અનેક કળા (રાંધણ કળા)મા શિરમોર રહે તે તેની પ્રક્રુતિને પણ અનુકૂળ છે અને તેમા તેનુ સૌંદર્ય પણ જળવાઈ રહે છે. વ્યક્તિગતરીતે મને તો સ્ત્રીને ક્રિકેટ રમતી, કે ટેનિસ રમતી, કે એથલેટિક કરતી જોવી નથી ગમતી. એક ન્રુત્ય કરતી સ્ત્રી ને જુઓ અને એક ક્રિકેટ રમતી સ્ત્રીને જુઓ. શું રુચીકર લાગે?
    શેષ શુભ;
    પ્રભુશ્રિના આશિષ.
    શરદ

    Like

     
  4. Valibhai Musa

    May 28, 2010 at 4:06 am

    શરદભાઈ,

    તમારી વાત યથાર્થ છે. મનુષ્ય હોય કે પશુ હોય, પ્રકૃતિ વિરુદ્ધનું કાર્ય અર્થહીન બની રહે. ઘોડાને ઘાણીએ જોડવો એ કેવું લાગે!

    સ્નેહાધીન,

    વલીભાઈ

    Like

     
  5. સુરેશ જાની

    June 28, 2010 at 4:38 pm

    સ્રીઓ વાત છાની રાખી શકશે તો..
    નોબલ પ્રાઈઝ . તમારી પત્નીને !

    જાણી બુઝીને લેખકે કરવા દીધેલી ઊઠાંતરીને શું કહેવાય?

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: