RSS

(194) જાણે કે તેઓ અમારાં ખરાં મા ન હોય!

06 Jun

Click here to read in English with Image of our mother

આજે માતૃદિન નથી કે જેને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવે છે. પરંતુ, મારા મનથી તો પ્રત્યેક દિવસ માતૃદિવસ જ છે. ધ્વનિ જોશી નામે ગુજરાતી બ્લોગર એક જગ્યાએ પોતાનાં માતુશ્રી પરત્વેની લાગણીને આલંકારિક ભાષામાં અભિવ્યક્ત કરતાં આ રીતે લખે છે કે માતાના ઉપકારોને યોગ્ય રીતે બિરદાવવા માટે પૃથ્વી જેવડા મોટા ખડિયામાંની શાહી અને આકાશ જેવડો વિશાળ કાગળ પણ અપર્યાપ્ત બની રહે. આમ છતાંય માતાએ પણ બાળકોનો ઉછેર કરતી વખતે પોતાને આદર્શ માતા તરીકેની પ્રશંસાને લાયક બનાવવી પડે. એ સર્વશક્તિમાન ઈશ્વરની અસીમ કૃપા છે કે તેણે સ્ત્રીને સ્વભાવથી જ માતૃત્વની લાગણીથી નવાજી છે. માતૃત્વ એ કંઈ એવો વિષય નથી કે જેને માતાઓને શીખવવાની જરૂર પડે. આમ છતાંય આજકાલ વ્યાવસાયિક અને સ્વૈચ્છિક જાહેર સેવાકીય સંસ્થાઓ દ્વારા માતૃત્વને સમજાવવા માટેનાં વિપુલ સાહિત્યો અને માર્ગદર્શન કેન્દ્રો ઉપલબ્ધ છે.

પરંતુ, આજે મારા લેખમાં હું અમારાં માતા વિષેની વાસ્તવિક કથા લખવા જઈ રહ્યો છું, જેમને હું અમારાં વરિષ્ઠ, વયોવૃદ્ધ, પ્રથમ, પાલક અને હજુ પણ ઘણાં વૈકલ્પિક સંબોધનોથી સંબોધી શકું છું, પણ અમારા માટે ખાસ કિસ્સા તરીકે તેમને સાવકી માતા તરીકે તો હરગિજ નહિ સંબોધું. આ લેખના કેન્દ્રસ્થાને જે પાત્ર છે એ અમારાં મરહુમ (સ્વર્ગસ્થ) મલુકમાને અન્યાય ન થઈ જાય તેની સાવચેતીના ભાગરૂપે ખાસ કરીને તેમના પૂરતો ‘સાવકી’ શબ્દ અમે અમારા શબ્દકોષની બહાર રાખ્યો છે. બીજી એ વાત કે અમારાં મલુકમાના ગુણોની અમર્યાદ પ્રશંસા હું જયારે કરી રહ્યો છું, ત્યારે તેનો એ મતલબ પણ નથી કે અમારાં જન્મદાત્રી અર્થાત્ શારીરિક માતા (Biological mother) નૂરીમા અમને ચાહતાં ન હતાં. અમે ભાઈભાંડુ મલુકમાના જેટલાંજ અમારાં નૂરીમાના દિલના ટુકડા સમાન હતાં. અહીં મલુકમાની થતી પ્રશંસા એ કંઈ એમનો કોઈ પ્રચાર નથી, પણ જગતભરની સાવકી માતાઓએ સાવકી માતા તરીકેનું માતૃત્વ કેવી રીતે નિભાવવું જોઈએ તેનો એક નમૂનો વ્યક્ત કરવાની મારી નિખાલસ નેમ છે.

આર્ટિકલનું પ્રમાણસરનું કદ ધ્યાનમાં રાખતાં, હું સાવ સંક્ષિપ્તમાં જણાવીશ કે અમે અમારાં નૂરીમાની કૂખે જન્મેલાં ૧૧ ભાઈબહેન કેવી રીતે અમારાં મલુકમાનાં પાલ્ય સંતાન બન્યાં. મલુકમા અમારા પિતાજીનાં પ્રથમ પત્ની હતાં અને તેમણે પણ એક પછી એક એમ સાત સંતાનોને જન્મ આપ્યો હતો, પણ એ બધાંમાંનું કોઈ એક પણ ભાગ્યે જ બે કે ત્રણ વર્ષથી વધારે જીવ્યું હતું. પાછળથી મારો સૌથી નાનો ભાઈ મરહુમ ડો. અલીમહંમદ મુસા કે જેણે અમેરિકામાં ડોક્ટર તરીકેની સેવાઓ આપી હતી અને જે માત્ર ૪૧ વર્ષની વયે ત્યાં ખાતે જ અવસાન પામ્યો હતો તેનું માનવું હતું કે અમારાં મલુકમા અને અમારા પિતાજી બંનેને થેલેસેમિઆ – Thalasemia (Minor) – બ્લડની જનીન ખામી હોવી જોઈએ અને તેમનાં સાતેય સંતાનો Thalasemia (Major) ધરાવતાં જન્મ્યાં હોવાં જોઈએ અને તેથી જ તેઓ લાંબું જીવી શક્યાં નહિ હોય.

અમારા પિતાજી સંતાન ન હોવાના દુર્ભાગ્યથી દુ:ખ તો અનુભવતા હતા, પણ તેમણે સર્જનહારની મરજીને આધીન થવાનું મન બનાવી લીધું હતું. પરંતુ, અમારાં મલુકમા કોઈપણ હિસાબે સંતાનો હોવા માટેનાં દૃઢ આગ્રહી હતાં. તેમણે અમારા પિતાજીને લગભગ આધેડ ઉંમરે પણ બીજું લગ્ન કરવાની ફરજ પાડી અને આમ તેઓ દ્વિપત્નીય પતિ બન્યા. અહીં અમારાં મલુકમાની મહાનતા અને તેમની એવી પૂર્વતૈયારી જોવા મળે છે કે ભવિષ્યે અમારા પિતાજીના દ્વિતીય લગ્નથી જન્મનારાં સંતાનોનાં તેમણે વૈકલ્પિક માતા બનવાનું છે.

જગત આખાયના મોટાભાગના સમુદાયોમાં એવી સ્થાપિત થએલી માન્યતા જોવા અને સાંભળવા મળે છે કે સાવકી માતાઓ પોતાનાં સાવકાં સંતાનો પરત્વે હંમેશાં દુષ્ટ અને ઘાતકી જ હોય. આવા સંબંધોને મનોવૈજ્ઞાનિકો સ્વાભાવિક અને નિવારી ન શકાય તેવા ગણતા હોય છે. વળી જગતમાં અમારાં મલુક્મા જેવી જ મહાન હજારો સાવકી માતાઓ હોઈ પણ શકે, પણ આસપાસના લોકો તેમના ત્યાગને કદીયે નહિ બિરદાવે કેમ કે એ બિચારીઓને ‘સાવકી મા’નું લેબલ લગાવી દેવામાં આવેલું હોય છે. પરીકથાઓ, સાહિત્યો, ટીવી સિરીયલો અને ચલચિત્રોમાં સાવકી માતાઓને હંમેશાં સ્વાર્થી, ઘાતકી, દુષ્ટ અને તમીજ વગરની ચીતરવામાં આવતી હોય છે અને આમ ઉમદા સાવકી માતાઓને પણ તેવી જ સમજવામાં આવતી હોય છે. સાવકી માતા હોવા તરીકેની તેની મૂંઝવણો, તેનો પ્રેમભાવ અને તેનાં દુ:ખોને લોકો પ્રમાણિક રીતે અનુભવી શકતા નથી કે ઊંડાણથી તેમના મનોભાવને સમજી પણ શકતા નથી.

હવે હું અમારાં મલુકમાની સંતાનઉછેરની તેમની આવડત ઉપર આવું તો તેઓ સાવ અભણ હતાં અને ક્યાંય માતૃત્વના પાઠ ભણ્યાં ન હતાં. અમે બધાં ભાઈભાંડુ તેમની ઊંચા દરજજાની માવજત હેઠળ તેમના ખોળામાં જ મોટાં થયાં હતાં. તેઓ અમારી બધાયની વ્યક્તિગત કાળજી લેતાં અને કદીયે કોઈ ચીજવસ્તુની અમારી માગણી સામે કદીયે અમને રડવા દેતાં ન હતાં. અમારે જ્યારે સ્નાન કરવાનું થતું, ત્યારે અમારી પીઠ ચોળીને મેલ દૂર કરતાં. કોઈ વખતે અમે ભાઈબહેનમાંનું કોઈ માંદુ પડતું, ત્યારે તેમનો જીવ અદ્ધર થઈ જતો અને કેટલીકવાર તો તેઓ પોતે મોટે સાદે રડી પણ પડતાં. તેમણે વર્ષો સુધી અમારા રસોડાનો હવાલો સંભાળ્યો અને અમારા અલગઅલગ સ્વાદ અને ખોરાકના ગમાઅણગમાને ધ્યાનમાં રાખીને દરેકને સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો. પોતે અભણ હોવા છતાંય અમે જ્યારે અમારું નિશાળનું ગૃહકાર્ય કરતાં હોઈએ, ત્યારે તે અમારા પાસે બેસતાં. કેટલીકવાર તો તેઓ અમને અમારાં પાઠ્યપુસ્તકોના કોઈ પાઠ મોટેથી વાંચી સંભળાવવાનું કહેતાં અને આમ અમને ભણવામાં ઉત્સાહિત કરવા ઉપરાંત અમને એ પણ દર્શાવવાનો પ્રયત્ન કરતાં કે અમારા ભણવામાં તેમને કેટલો ઊંડો રસ છે.

અમારા પિતાજીનું જ્યારે ૧૯૫૭ માં અવસાન થયું, ત્યારે અમે નવ ભાઈબહેન હયાત હતાં. તે વખતે મારી સૌથી નાની બહેન બે વર્ષની અને સૌથી નાનો ભાઈ ડો. અલીમહંમદ ચાર વર્ષનો હતો. પિતાજીના અવસાન બાદ અમે અમારાં સગાં જનેતા નૂરીમાને પિતાના સ્થાને સ્થપિત કરી દીધાં હતાં, પણ માતા તરીકે તો અમે મલુકમાને જ જાળવી રાખ્યાં હતાં. પાછળથી ૧૯૭૩માં જ્યારે અમારાં નૂરીમાનું પણ અવસાન થયું, ત્યારબાદ નવાં સાત વર્ષ સુધી અમારાં મલુકમાની માતા ઉપરાંત પિતા તરીકેની એમ બેવડી ભૂમિકા રહી. આમ અફસોસ કે જ્યારે ૧૯૮૦ માં મલુકમા પણ અવસાન પામ્યાં, ત્યારે પ્રથમ વાર જ અમને એવી લાગણી થઈ આવી કે અમે સૌ હવે ખરેખર અનાથ થયાં હતાં.

અમારાં મલુકમા સ્વભાવે સાવ સીધાંસાદાં અને ભોળાં હોવા છતાં તેમની બુદ્ધિમત્તા ખૂબ જ ઊંચી કોટિની હતી. મનોવૈજ્ઞાનિકો લોકોના જુદાજુદા સમુદાયોને અનુરૂપ તેમના બુદ્ધિઆંક જાણવા માટે જુદીજુદી કસોટીઓ પ્રયોજતા હોય છે. બુદ્ધિઆંક એવી એક બાબત છે કે તેને ભણતર કે સાક્ષરતા સાથે કોઈ લેવાદેવા હોતી નથી.

મલુકમાના અંદાજિત ઊંચા એવા બુદ્ધિઆંકનો અમને ગર્વ હતો. એક વખતે અમારા એક સંબંધીના દીકરાનો તેમણે ઈન્ટરવ્યુ લીધો હતો. એ છોકરાનું સગપણ (વેવિશાળ) થઈ ગયું હતું, પણ તેને પરણાવવામાં આવેલો ન હતો. તેની વાગ્દત્તા એક નિવાસી કોલેજમાં ભણતી હતી. અમારાં મલુકમા અને પેલા ભાઈ વચ્ચે નીચે પ્રમાણેનો સંવાદ થયો હતો.

“બેટા, આપણી વહુ ક્યાં ભણે છે?”

પેલાએ જવાબ આપ્યો, “અમુક જગ્યાએ!”

“જો હું ત્યાં જવા ઈચ્છું તો કઈ રીતે જવાય?”

“બસ કે ટ્રેઈન, જેમ ઈચ્છો તે રીતે.”

“બસ અને ટ્રેઈનનાં ભાડાં શું શું થાય?”

જવાબ મળ્યો, “અમુક રૂપિયા અને અમુક રૂપિયા.”

“બસ અને ટ્રેઈનને કેટકેટલો સમય લાગે?”

“આટલા કલાક બસથી લાગે અને આટલા કલાક ટ્રેઈનથી લાગે.”

“આ બધું તું કેવી રીતે જાણી શક્યો, મારા દીકરા?” મલુકમાએ ચહેરા ઉપર એક અર્થસૂચક સ્મિત સાથે પૂછ્યું.

મલુકમાના છેલ્લા પ્રશ્ને પેલા બિચારાને એવો ગૂંચવી નાખ્યો કે તે ખૂબ જ શરમાઈ ગયો અને જાણે કે જીભ જ ગળી ગયો હોય તેમ ખામોશ રહી ગયો. પછી તો, મલુકમાએ સમજાવટ અને લાગણીસભર અવાજે પેલાને શિખામણ આપી કે “જો બેટા, આપણે સામાજિક શિસ્તનું પાલન કરવું જોઈએ. વળી વહુનો અભ્યાસ પૂરો ન થાય અને તમારાં બંનેનાં લગ્ન ન થાય ત્યાં સુધી તેની વારંવાર મુલાકાત લઈને તેના અભ્યાસમાં દખલગીરી ઊભી ન કરાય.”

મારા લેખનું સમાપન કરતાં, હું અમારાં મલુકમાના જીવનના આખરી દિવસોને યાદ કરું છું. તેમણે અમને બધાંયને ઊછેરવામાં પોતાની આખી જિંદગી ખર્ચી નાખી, પણ તેમની સેવા કરવાનો અમને બહુ જ ઓછો મોકો આપ્યો. તેઓ ફક્ત પાંચ જ દિવસ બીમાર રહ્યાં અને એમાંય છેલ્લા બે દિવસ સુધી તો તેઓ બેભાન જ રહ્યાં હતાં.

મલુક્માના જીવન ઉપર મૃત્યુનો જે આખરી પડદો પડી ગયો તે ઘટના અમારી આંખોમાં અશ્રુ છલકાવી દેવા માટે એવી તો હૃદયદ્રાવક હતી કે આજે તેમના અવસાનને લગભગ ત્રણ દાયકા પસાર થઈ ચુક્યા હોવા છતાં પણ એ વર્ણવતાં શબ્દો પણ ખૂટી પડે એવો તેમનો કારમો વિયોગ અમે સૌ અનુભવી રહ્યાં છીએ.

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદ)

Translated from English version titled as “As if she was our real mother!” published on January 27, 2009

 

Tags: , , , , , , , ,

16 responses to “(194) જાણે કે તેઓ અમારાં ખરાં મા ન હોય!

  1. Hussainali

    June 8, 2010 at 2:44 am

    Really, she was our Great Grand Mother.She had special feelings for me that still I feel when I remember her. She taught me One important lesson of maintaining secrecy in my life at the age of 15 that I still maintain and I always remember her as and when that type of occasion occurs.When I was of 15, she one day told me that “Hussainali, I want to tell you about one matter and I have trust upon you that you will keep it secret for ever and she further told me; If you keep secrecy of others than others will same way keep secrecy of yours.If you hide others bad deeds, God will also hide your bad deeds.Further, she told me that always be trustworthy for others in life.” She had a capability to judge the person.Till the age of 50,I always tried to follow the important lessons of the life taught by her and for that I am really very much thankful to her.She is not live, but her ethics and feelings are live and always with us.Thanks God! for giving such type of Great Grand Mother-M’maa.

    Like

     
  2. Ahmadhusain Musa

    June 8, 2010 at 10:35 am

    પ્રિય વલીકાકા,

    સલામ બાદ લખવાનું કે મલુકદાદી ઉપરનો આર્ટિકલ વાંચતાં વાંચતાં એવો અહેસાસ થયો કે જાણે કે તે અમારી પાસે જ છે. હું સમજણો થયો ત્યારથી મલુકદાદી ગુજરી ગયાં ત્યારે મારી ઉંમર ૨૧ વર્ષની હતી,ત્યાં સુધીનો સમગ્ર ચિતાર મારી નજર સામે આવી ગયો. ખરેખર, અમને કદીય લાગ્યું નથી કે તેઓ અમારાં સાવકાં દાદી હતાં. નૂરીદાદીની કૂખે જન્મેલાં તમામને પોતીકાં ગણીને તેમની પાછળ આખી જિંદગી ન્યોછાવર કરી દીધી તે એમની મહાનતા હતી.આવાં દાદીને લાખો સલામ.

    Like

     
  3. Rameez Musa

    June 9, 2010 at 4:47 pm

    Hey Dada I have frequently heard story of our grand grad mother from you.I have never seen her in real but after reading your article and stories about her which you had told us,I am feeling that she is just beside me and giving me her warmth by keeping her hand on my head.I have really missed the chance to be served by her but I am really a lucky guy having such a great grand grand mother and a grand father like you.

    Like

     
  4. Valibhai Musa

    June 9, 2010 at 4:49 pm

    Dr. Rameez,

    Good good, my boy…

    A very busy Doctor and spared time!

    I feel good to read your Comment.

    It was the promise from Malukmaa to me when she was alive that we – all her descendants are going to occupy our place side by side in heaven. It’s not merely adornation of words, but it is the fact. Once, we had, very emotionally, talked in this way as she was a very pious and religious minded woman.

    With warm regards,

    Dada

    Like

     
  5. pragnaju

    June 9, 2010 at 6:01 pm

    “મલુક્માના જીવન ઉપર મૃત્યુનો જે આખરી પડદો પડી ગયો તે ઘટના અમારી આંખોમાં અશ્રુ છલકાવી દેવા માટે એવી તો હૃદયદ્રાવક હતી કે આજે તેમના અવસાનને લગભગ ત્રણ દાયકા પસાર થઈ ચુક્યા હોવા છતાં પણ એ વર્ણવતાં શબ્દો પણ ખૂટી પડે એવો તેમનો કારમો વિયોગ અમે સૌ અનુભવી રહ્યાં છીએ.”
    મલુકમા જુદા સ્વરુપે દરેકના હ્રુદયમા વિરાજે છે જ!આ અનુભૂતિ થઈ…

    તસ્વિરેમલુકમા દિલમેં કુછ ઐસે ઉતર ગયી,
    ઝોલી મેરી મુરાદ કે ફૂલો સે ભર ગયી.
    યાદ આવી…
    અમારા ભણવામાં આવતી રમણભાઈની આ વાર્તા તો મોઢે થઈ ગઈ હતી!
    બાળકે ફરી આંખ ઉઘાડી માતા તરફ તાકીને જોયું.
    ‘હા, પણ હું તો મારી ખરી માને બોલાવું છું.’
    અપરમાનું હૃદય ધડકી ઊઠ્યું. તેના હૃદયમાં ચીરો પડ્યો : ‘હજી આ બાળકને હું ખરી માતા સરખી નથી લાગતી ?’
    તેણે કહ્યું : ‘તે હું જ વળી ખરી મા છું.’
    ‘ખરી મા મને તું કહેતી હતી : તમે નહિ.’
    ‘મેં ક્યારે તને ‘તમે’ કહીને બોલાવ્યો ?’ માતા જૂઠું બોલી.
    ‘પણ મારી ખરી મા તો મરી ગઈ છે ને ?’
    ‘તે હું આવી, જોતો નથી ?’
    ‘કેમ ?’
    ‘ઓ દીકરા, તારે માટે !’ અપરમા ખરી મા બની ગઈ. તેણે બાળકના મુખ ઉપર પહેલું ચુંબન લીધું. તેના હૃદયમાં માતૃત્વનો પાતાળકૂવો ફૂટી નીકળ્યો. બાળકની નાની પલંગડીમાં તે સૂતી અને બાળકને તેણે છાતી સરસો લીધો. બાળકને આ ઉમળકાનો ઊંડો અર્થ સમજવાની જરૂર નહોતી. તે તો એટલું જ સમજ્યો કે આમ છાતી સરખો ચાંપીને ખરી મા જ સૂએ. ખરી માને બાઝીને કુસુમાયુધ ગાઢ નિદ્રામાં પડ્યો : તેના દેહને બાળતો અગ્નિ શાન્ત પડી ગયો.

    હવે તેના મસ્તક ઉપર બરફ મૂકવાની જરૂર નહોતી. આજે તે માની અમૃતભરી સૉડ પામ્યો હતો.

    Like

     
  6. Rajendra M.Trivedi, M.D.

    June 9, 2010 at 8:23 pm

    આપણુ અસ્તિત્વ આપણા માબાપ ને લીધે જ છે.
    આ શરીર તેમના પ્રેમ ને પ્રભુની અસીમ ક્રુપા છે.
    જ્યા સુધી જીવન છે ત્યા સુધી માબાપ આપણી સાથે જ છે.

    રાજેન્દ્ર ત્રિવેદી

    http://www.bpaindia.org

    Like

     
  7. sapana

    June 9, 2010 at 11:04 pm

    વલીભાઈ,
    અસ્લામ
    મલુકમાની વાત જાણીને આદરની એક ભાવના હ્રદયમાં ઉદભવી..માને પેટે જન્મ નથી લીધૉ છ્તાં માં આટલી સંભાળ રાખે!આપણા પીર ઓલીયાઓની માતાઓ યાદ આવી ગઈ..ઈમામ હુસૈનની માતા જ્નાબે ફાતેમા વફાત આપ્યાં તો હ. અલીની બીજી શાદી થઈ એમનુ ના પણ ફાતેમા હતું..જે સુહાગરાતે ઇમામ હુસૈન અને ઇમામ હસનના આંગણામા બેસી રહેલા..અને બચ્ચાઓની સંભાળ રાખતા..કેટલાય કિસ્સા સાંભળ્વા મળે
    ખરેખર આવી સ્ત્રીઓ સ્ત્રીત્વને શોભાવે છે..અસ્લામ
    સપના

    Like

     
  8. Valibhai Musa

    June 10, 2010 at 3:18 am

    માનનીય/નેકનામ પ્રજ્ઞાબેન અને બનુમાબેન

    પ્રણામ/સલામ.

    બંને બહેનોના લાગણીસભર પ્રતિભાવો બદલ આભાર માનું છું. અમે ચલચિત્રોમાં બાને થતું ‘તું’નું સંબોધન સાંભળતા, પણ કદીય અમારી જીભ એ ન ઉચ્ચારી શકી; કેમ કે એ વખતમાં અમારા સમાજમાં માહોલ જ એવો હતો કે બધાંયે એકબીજાને માનથી બોલાવવાં. તે વખતે જે હતું, તે બરાબર હતું અને આજે જે છે તે પણ બરાબર જ છે. અમારા હાલના સંયુક્ત કુટુંબમાં અને સઘળે સંતાનો માતાને ‘તું’ કહીને જ બોલાવે છે. ‘તમે’ કે ‘આપ’માં માનસન્માન છે, તો ‘તું’માં લાગણી સમાવિષ્ટ છે. કેટલાકનો મત એવો છે માત્ર સર્હનહારને જ ‘તું’ થી સંબોધી શકાય, કેમ કે સૌથીય વધુ પ્રિય તરીકે ઓળખાવાનો હક્ક બનતો હોય તો માત્ર તેને જ છે. પીર મશાયખના એક બયાનમાં કડી છે કે ‘બંદેકે ચાહે બના, રબ કયું રે ચહાવે!’ જો કે આ કડી અન્ય સંદર્ભે છે.

    આમ છતાંય ઈશ્વર પછી તરત જ ચાહવાપાત્ર વ્યક્તિઓમાં માબાપ અને તેમાંય પ્રથમ મા જ આવે. ‘મા તે મા, બીજા બધા વગડાના વા.’

    Like

     
  9. Akbarali Musa

    June 10, 2010 at 3:19 am

    Yes,Pappa,you all are lucky children to be children of my beloved great MALUKMAA…..AND we,a next generation of my grand MAA….are too.
    I can remember one incident when, we, next generation at age of some upper primery school level, were debating about who is our real Grand Mother(DADIMAA) out of MALUKMAA AND NURIMAA.At that time we were not knowing the fact.Lastly we decided to ask somebody elder to know the fact.I mean to say we were so confused,you know,quite unable to justfy….
    In next generation,I was luckiest grand son to be with her during last some months in our old house(GHARDU GHAR).
    Lastly,we are proud of being the grand generation of our family…..

    AKBARALI MUSA
    (FOR MALUKMAA HER ‘AKUDO’)

    Like

     
  10. Harnish Jani

    June 10, 2010 at 8:50 am

    ખૂબ અસરકારક શૈલીમાં દિલના ભાવ વર્ણવ્યા છે- જે અમારા દિલ સુધી પહો>ચ્યા છે.અભિનંદન.

    Like

     
  11. પટેલ પોપટભાઈ

    June 14, 2010 at 1:19 am

    મા. શ્રી વલીભઈ

    “બેટા, આપણી વહુ ક્યાં ભણે છે ?”………………………..“આટલા કલાક બસથી લાગે અને આટલા કલાક ટ્રેઈનથી લાગે.”

    “આ બધું તું કેવી રીતે જાણી શક્યો, મારા દીકરા?”

    “આપણી ” શબ્દ ખૂબ જ ગમ્યો.

    “સાવ અભણ હતાં અને ક્યાંય માતૃત્વના પાઠ ભણ્યાં ન હતાં.” ના ગમ્યું.

    Like

     
  12. Valibhai Musa

    June 14, 2010 at 1:57 am

    સ્નેહીશ્રી પોપટભાઈ,

    આપના પ્રતિભાવ બદલ આભાર.

    “હવે હું અમારાં મલુકમાની સંતાનઉછેરની તેમની આવડત ઉપર આવું તો તેઓ સાવ અભણ હતાં અને ક્યાંય માતૃત્વના પાઠ ભણ્યાં ન હતાં.” કહેવા પાછળનો મતલબ માત્ર એ જ કે એમણે અક્ષરજ્ઞાનના અભાવે એવું કોઈ ‘બાળઉછેર’નું સાહિત્ય વાંચ્યું ન હતું; પણ, પોતે જે આચરી બતાવ્યું, તે કંઈક ઈશ્વર દ્વારા તેમના હૃદયમાં વહેતી થએલી પ્રેમની સરવાણી, તો વળી કંઈક સ્વયંસ્ફુરિત આત્મપ્રેરણાથી શક્ય બની શક્યું. વળી પ્રેમ કદીય માત્ર એકતરફી સફળ થાય નહિ. અમે સૌ ભાઈબહેનો પણ મલુકમાને તેટલાં જ ચાહતાં હતાં.

    Like

     
  13. Pancham Shukla

    June 26, 2010 at 12:27 pm

    માતૃદિને યથાર્થ અંજલિ.

    Like

     
  14. સુરેશ જાની

    June 28, 2010 at 9:45 pm

    તમારા સૌજન્યનો રાઝ મળી ગયો. તમારો ઉછેર આવા ઉચ્ચ કક્ષાના આત્મબળ વાળી બબ્બે મહિલાઓ થકી થયો છે.
    બે માતાઓ જશોદા અને દેવકી – એ તો બધાં જાણે છે.
    પણ મલૂકમા અને નૂરીમાનો દાખલો તો બેમિસાલ છે.
    બન્ને માતાઓને નમન અને તમને અભિનંદન – આવી બબ્બે માતાઓ – કમ – પિતાની છત્રછાયા મેળવવા માટે.

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: