RSS

(195) ભાવપ્રતિભાવ – ૧ (સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ)

07 Jun

ડો. ચન્દ્રવદનભાઈ મિસ્ત્રીના બ્લોગ ઉપર ‘વ્યક્તિપરિચય-મિત્રતા’ શ્રેણીની રચનાઓને કાવ્યકૌશલ્ય કરતાં વિશેષે કરીને ભાવકૌશલ્યના પરિપ્રેક્ષ્યમાં માણવા જેવી છે. “૬૦+ ગુજરાતીઓ” ગ્રુપના હોમ પેજ તથા સ્વાગત સંદેશ ઉપર વયોવૃદ્ધોને બાળકો તરીકે સંબોધવામાં આવ્યાં છે. બાળકોની અનેક ખાસિયતો પૈકીની એક તેમની ‘નિખાલસતા’ સૌને ખૂબ જ પ્રિય હોય છે. ચન્દ્રવદનભાઈની એક બાળકના જેવી નિખાલસ અને કાલીઘેલી ભાષામાં જાણે કે લખાએલી હોય તેવી તેમની વિવિધ વિષયો ઉપરની કાવ્યરચનાઓનો બંધાણી માત્ર હું જ નહિ, પણ અનેકાનેક તેમના વાંચકો પણ છે; જેની પ્રતીતિ આપણને થાય છે જે તે રચના ઉપર ગોઠવાયે જતા કોમેન્ટ્સના ખડકલા થકી.

મારી આ કોમેન્ટના મૂળ પાટે આવું તો ચન્દ્રવદનભાઈએ મને ખાસ નિમંત્રણ પાઠવ્યું હતું કે મારે પ્રજ્ઞાબેન ઉપરના પરિચયકાવ્ય ઉપર કંઈક લખવું, જેનો મેં તાત્કાલિક પ્રત્યુત્તર તો આ શબ્દોમાં આપી દીધો હતો : “પ્રજ્ઞાબેન ઉપરની પોસ્ટ વાંચી, ત્યારનો ઉત્સુક છું કે સરસ કોમેન્ટ મૂકું. પ્રજ્ઞાબેન વિશિષ્ટ વ્યક્તિ હોઈ ખૂબ જ વિચારણાપૂર્વક લખાય તેમ હું ઈચ્છું છું. થોડોક મુડ અને ફુરસદ બેએક દિવસમાં કામને અંજામ અપાવશે જ. વિલંબમાં થોડીક તબિયતની અસ્વસ્થતા પણ કારણભૂત છે.”

મારા પ્રજ્ઞાબેનના વ્યક્તિત્વ અંગેના પ્રતિભાવપ્રવેશ પૂર્વે મારા જ એક ‘આત્મા’ ઉપરના આર્ટિકલમાંના ‘ઈશ્વર’ ઉપરના એક અવતરણનું શબ્દાંતર કરીને કહેવા માગું છું કે “બ્લોગજગતમાં વિસ્તરેલા વિવિધ અને તલસ્પર્શી વિચારો અને ગહન જ્ઞાનને અવલોકીને, હે પ્રજ્ઞાબેન, તમને જાણવા અને સમજવામાં મારી વિચારશક્તિ કમજોર પડે છે, ગોથાં ખાય છે. જ્યાં માંરી બુદ્ધિ અણુંના માપ જેટલું પણ અંતર કાપીને તમને ઓળખવા, તમારી નજીક આવવા મથે છે; ત્યાં તો તમે માઈલો દૂર ચાલ્યાં જાઓ છે.’

આ કોમેન્ટના વાંચકો ઉપરનું અવતરણ વાંચીને વિસ્મયથી પોતાનાં આંગળાંને કરડવાની ચેષ્ટા કરશે, કેમ કે અહીં ભાષાશાસ્ત્રના વ્યતિરેક અલંકારમાં પણ અતિશોક્તિ અલંકાર પ્રયોજાઈ ગયો છે. અહીં સ્પષ્ટતા કરી લેવી હિતાવહ છે કે મારો આશય માત્ર એ જ છે કે પ્રજ્ઞાબેનને જાણવા અને ઓળખવા માટે આપણી પાસે તેમની કૃતિઓ (Comments) માત્ર જ છે અને એ થકી જ તેમને કર્તા અર્થાત્ વ્યક્તિ તરીકે કલ્પવાં કે ઓળખવાં રહ્યાં કે તેઓ આવાં હશે કે તેવાં હશે.

સુજ્ઞ વાંચકો મારી એક વાત સાથે સંમત થશે જ કે આ બાઈ માણસ માત્ર ‘પ્રજ્ઞા’ જ નહિ, પણ ‘સ્થિતપ્રજ્ઞા’ પણ છે. ચન્દ્રવદનભાઈની તેમના જ ઉપરની રચના ઉપર મારો આ પ્રતિભાવ મુકાય છે ત્યાં સુધી તેમનો પોતાનો જ પ્રતિભાવ આપવાની તેમણે જરાય ઉતાવળ કરી નથી. મારા સહિત ચન્દ્રવદનભાઈએ પ્રજ્ઞાબેન પહેલાં પાંચ વ્યક્તિઓ ઉપરનાં પરિચયકાવ્યો આપ્યાં છે, તે પૈકીના બધાએ જ પોતાના પ્રતિભાવ કોમેન્ટ કે મેઈલ સ્વરૂપે આપ્યા છે. આ જે કંઈ લખી રહ્યો છું તે ‘સ્થિતપ્રજ્ઞતા’ કે જેને સહજ અર્થમાં ‘ઠરેલપણું’ કહી શકાય તે સમજાવવા માટે જ છે. આહારશાસ્ત્રમાં જેમ પાચ્ય અને અપાચ્ય ખોરાકોની યાદી હોય છે; તે જ રીતે માનવજીવનમાં કેટલીક ભૌતિક કે અભૌતિક બાબતો એવી હોય છે જેમને પચાવવી કે ન પચાવવી તે વ્યક્તિલક્ષી બાબત હોઈ કોઈ તેમને પચાવી જાણે, તો કોઈને અપચો થઈ શકે છે. આવી કેટલીક અભૌતિક બાબતોમાં પ્રશંસા, કીર્તિ, સન્માન, સમૃદ્ધિ, કૌશલ્ય આદિને ગણાવી શકાય. પ્રજ્ઞાબેન વિષે તેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાણનારા કબુલ કરશે જ કે આગળ ગણાવેલી અભૌતિક બાબતોને પચાવી જાણનાર આ નારીનું ક્યાંયે ઘમંડ તો શું, તેનો અણસાર સુદ્ધાં પણ જોવા મળશે નહિ.

મેં ક્યાંક પ્રજ્ઞાબેનને તેમના બહુમુખી જ્ઞાનને બિરદાવતાં તેમને “Mini Encyclopedia’ તરીકેનું બિરૂદ આપ્યાનું યાદ છે, પણ મને યાદ છે ત્યાં સુધી તેમણે આ બિરૂદનો સ્વીકાર પણ નથી કર્યો કે અસ્વીકાર પણ નથી કર્યો, અર્થાત્ મૌન જ સેવ્યું છે. મૌન પણ એક અભિવ્યક્તિ છે અને તેને સમજવું એ વાચાળનું કામ નથી. પ્રજ્ઞાબેનના મનોજગતને સુપેરે સમજનાર એમનાં આપ્તજનો જ હોઈ શકે. ચન્દ્રવદનભાઈ કે અન્યોએ તો માત્ર કલ્પનાના ઘોડા જ દોડાવવા પડે. આ અન્યોમાંથી હું મારી જાતને આપમેળે જ બાકાત ગણું છું, તે એટલા માટે કે મેં આ પ્રતિભાવ લખતી વખતે માત્ર કલ્પનાઓનો સહારો લીધો નથી, પણ ઘણી જહેમત ઊઠાવીને શક્ય તેટલું સીમિત સ્રોતોમાંથી પણ તેમના વિષે જાણવાની કોશીશ કરી છે. મારા આ લખાણમાં તેમના વ્યક્તિત્વનું કોઈક પાસું અસ્પર્શ્ય રહેશે તેની ના નથી, પણ જે કંઈ અને જેટલું કંઈ આ લઘુલેખમાં દર્શાવવા જઈ રહ્યો છું, તે માત્ર યથાર્થ જ નહિ, પણ પ્રજ્ઞાબેનને સ્વીકાર્ય પણ રહેશે તેવું મારું દૃઢ માનવું છે.

બ્લોગજગતમાં એવા કેટલાય ઈસમો હોઈ શકે જે પોતાનો કોઈ બ્લોગ ન ધરાવતા હોય અને છતાંય જ્ઞાનવર્ધક અને મનોરંજક એવી આ પ્રવૃત્તિમાં પ્રતિભાવક તરીકે ગળાડૂબ રહેતા હોય. સામાન્યત: કોમેન્ટ બોક્ષમાં ઈ-મેઈલ Id ઉપરાંત પોતાની કોઈ વેબ હોય તો તે પણ દર્શાવી શકાતી હોય છે, જે દ્વારા કોમેન્ટના વાંચકોને પોતાની વેબ ઉપર આવવા આકર્ષી શકાય છે. પ્રજ્ઞાબેને મારા ખંખાખોળા મુજબ હજારોના આંકમાં પોતાની વિદ્વતાપૂર્ણ કોમેન્ટ્સ મૂકી હોવા છતાં તેમણે એવી નિસ્પૃહતા બતાવી છે કે જાણે તેમનો સંકલ્પ હોય કે ‘નેકી કર, કૂએમેં ડાલ!’. ચન્દ્રવદનભાઈએ તેમની અંગત જાણકારી વિષેની અનેક પરિકલ્પનાઓ (Hypothesis) કરી છે, પણ પ્રજ્ઞાબેનનો કોઈ બ્લોગ હોવા ન હોવા અંગેની મારી ધારણાનું પલ્લું બ્લોગ હોવા તરફ વધુ ઢળે છે. ખરેખર, જો એમનો કોઈ બ્લોગ સક્રીય હોય, તો તેમણે ભલે જાહેર તરીકે નહિ તો અંગત તરીકે પણ પાસવર્ડ હેઠળ સુરક્ષિત રાખીને પોતાને યોગ્ય લાગે તેવા પસંદગીના વાંચકો માટે ખુલ્લો મૂકવો જોઈએ.

પ્રજ્ઞાબેન માટે મેં કોઈક જગ્યાએ તેમના પ્રતિભાવ ઉપર મારો પ્રતિભાવ આપતાં તેમને ‘વિદુષી’(વિદ્વાન સ્ત્રી) તરીકે ઓળખાવ્યાં છે. તેમના માટેનું આ વિશેષણ સંપૂર્ણતયા એટલા માટે બંધબેસતું છે કે તેમણે અનેકાનેક બ્લોગ ઉપર મૂકાતા એવા કોઈ વિષયને પોતાના પ્રતિભાવથી વંચિત રાખ્યો નથી. ગુજરાતીઓ માટે સહજ એવા ત્રિભાષી જ્ઞાન ઉપરાંત એમનું સંસ્કૃત અને ઉર્દુ ઉપરનું પ્રભુત્વ પ્રશંસાપાત્ર છે. થોડીક તેમના મિજાજ (સ્વભાવ) વિષેની વાત કહું તો તેઓ જેટલાં ધીર અને ગંભીર છે તેટલાં જ રમુજી પણ છે. તેમની રમુજવ્રુત્તિ સહજ હોવા ઉપરાંત ઊંચા ધોરણની પણ છે, જેની પ્રતીતિ આપણને ‘હાસ્ય દરબાર’ ના ફલક ઉપર થયા વિના રહેશે નહિ. 60+ ગુજરાતીઓનું ગૂગલ ગ્રુપ પરિપક્વ અને વિદ્વાન સભ્યો ધરાવતું હોઈ ત્યાં પણ તેમની વિદ્વતા સોળે કલાએ ખીલતી અનુભવાશે. વળી એટલું જ નહિ, પોતે તમામનાં મોટાં બહેન હોય તે રીતે બધાયને વિવિધ બાબતે મુલ્યવાન Tips આપવાનું પણ ચુકતાં નથી.

અહીં હું મારા આ લેખના સમાપનની નજીક પહોંચી ગયો હોઈ તેમના વ્યક્તિત્વના એક ઉજળા પાસાને જાહેર કર્યા સિવાય રહીશ નહિ, અને તે એ છે કે તેમણે બ્લોગજગતના નવોદિત નિશાળિયાઓને પોતાના પ્રતિભાવોથી પ્રોત્સાહિત કર્યા છે. એવા કોણ જાણે કેટલાય ઊગતા સિતારાઓને પોતાના જ્ઞાન અને પ્રશંસાના ભલે ને બે શબ્દો જ હોય તે થકી પોતાનું પૂરક તેજ પૂરું પાડીને દેદિપ્યમાન બનાવ્યા હશે જ.

અંતે હું પ્રજ્ઞાબેન અને ચન્દ્રવદનભાઈને વિનંતી કરીશ કે મારા આ પ્રતિભાવમાં જાણે કે અજાણે કોઈ ક્ષતિ રહી ગઈ હોય અથવા કોઈ અણગમતી બાબત લખાઈ ગઈ હોય તો મને દરગુજર કરે.

ગુણાનુરાગી,

વલીભાઈ મુસા

નોંધ : – સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસનો બ્લોગ “Niravrave” જાણવા મળી ગયો છે.

 
 

Tags: , , , , , ,

11 responses to “(195) ભાવપ્રતિભાવ – ૧ (સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ)

 1. pragnaju

  June 7, 2010 at 3:32 pm

  “પ્રજ્ઞાબેને મારા ખંખાખોળા મુજબ હજારોના આંકમાં પોતાની વિદ્વતાપૂર્ણ કોમેન્ટ્સ મૂકી હોવા છતાં તેમણે એવી નિસ્પૃહતા બતાવી છે કે જાણે તેમનો સંકલ્પ હોય કે ‘નેકી કર, કૂએમેં ડાલ!”

  કોઈ લખાણ વાંચવામાં આવે અને મારા વિચાર તરંગ શરુ થઈ જાય !જે મારા માનસિક રોગનું કારણ છે અને તે અંગે કહેવું-લખવું એ સારવાર છે!તેથી તે વાંચનારના અમે ઋણી છીએ.અમારી વાત સાથે અસંમતના તો વધુ આભારી છીએ.એક જગ્યાએ છાંણના વખાણ કરતા વાચકમિત્ર છાણનું અતર બનાવી ભેટ આપવા તૈયાર થયેલા અને આ પત્ર મને ગમ્યો હતો-
  “પ્રિય પ્રજ્ઞાબેન,
  સમય સાથેની હોડમાં સતત પાછળ જ રહી જવાય છે… સામયિકમાં થયેલ નાનકડા મુદ્રણદોષને અનુસરીને લયસ્તરો પર કવિતા પૉસ્ટ કરવામાં થયેલ નાની ભૂલના કારણે થતા અર્થના મહાઅનર્થ તરફ ધ્યાન દોરવા બદલ હું આપનો સદૈવ ઓશિંગણ રહીશ. ખૂબ ખૂબ આભાર… સાચી કૃતિ શોધી લાવવા બદલ ઊર્મિનો પણ આભાર..
  ‘અનલહક’ શબ્દના સ્થાને અનહલક લખી દેવાથી થયેલો ગોટાળો હાલ અહીં સુધીરી લીધો છે પણ આવી ભૂલો તરફ સતત ધ્યાન દોરતા રહેવા નમ્ર વિનંતી….”
  -…………………………………………………..
  “કોઈ વિષયને પોતાના પ્રતિભાવથી વંચિત રાખ્યો ”

  મને બ.ક.ઠા. અને જ્યોતિંદ્ર દવેનો સંવાદ યાદ આવે છે.
  બ.ક.ઠાએ પૂછ્યું કે તેઓ હાસ્ય રસની રચનાઓ બદલે કાવ્ય કેમ લખતા નથી?
  તુરત જ્યોતિન્દ્ર દવે એ ઉતર આપેલો કે તેઓ પૃથ્વી છંદ છોડી હાસ્ય રચનાઓ કેમ કરતા નથી?
  જેનું કામ તે જે કરે! અસ્ત્રો લઈ લડાઈમા ન જવાય અને તલવારથી દાઢી ન થાય! મને કવિતા ગમે છે
  પણ લખતા ફાવ્યું નથી. તેથી મારી સારવારમા પ્રતિભાવ શરુ કર્યા.મેં નીતિ નક્કી કરેલી .ધર્મ,રાજકારણ,કોમ તેમજ લાગણી દુભાય તેવો પ્રતિભાવ ન આપવો છતા એક વાર નીતિ વિરુધ્ધ ટીકા થઈ-તરત માફી પણ માંગી…તે માફી પત્ર મૉડરેશનમા રહેવા દીધું હોત તો ગમતે…
  ————————————–
  “પ્રજ્ઞાબેન વિશિષ્ટ વ્યક્તિ હોઈ ખૂબ જ વિચારણાપૂર્વક લખાય તેમ હું ઈચ્છું છું.”
  “બ્લોગજગતમાં વિસ્તરેલા વિવિધ અને તલસ્પર્શી વિચારો અને ગહન જ્ઞાનને અવલોકીને, હે પ્રજ્ઞાબેન, તમને જાણવા અને સમજવામાં મારી વિચારશક્તિ કમજોર પડે છે, ગોથાં ખાય છે. જ્યાં માંરી બુદ્ધિ અણુંના માપ જેટલું પણ અંતર કાપીને તમને ઓળખવા, તમારી નજીક આવવા મથે છે; ત્યાં તો તમે માઈલો દૂર ચાલ્યાં જાઓ છે.”
  આ વાંચી તો વિચારોની હેલી ચાલુ થઈ…
  ખુશામત તો ખુદાનેય પ્યારી છે એ ખરું.
  સાથોસાથ
  ‘અલ્લાકો પ્યારી કુરબાની’
  પણ એટલું જ સાચું.
  અમારો વિવેક કહે છે તેમ-આપણા કોઈ છપ્પર ફાડ વખાણ કરે તો સમજવું આપણે
  નીવડેલા ગધેડા છીએ. એટલે કે ફૂલીને ફાળકો થવાના પૂરા હકદાર !
  પંચતંત્રી શિયાળે ‘અહો રૃપમ્ અહો ધ્વનિ’ કર્યું ત્યારે કાગડાએ પૂરીને ન્યાય આપ્યા બાદ એટલું જ કહેવાની જરૃર હતી – ‘તારી વાતનું હું ખોટું નથી લગાડતો, મિત્ર.’
  અને
  એક કવિએ ગાયું – ‘છરી બન, કાંટા બન….
  કિસીકા ચમચા મત બન…પંક્તી મને ગમે છે….
  પ્રતિભાવમા આવી કોમેન્ટ આપતા બચાવજે.
  આ વાત કદાચ આભાસી હોય પણ
  આ અંગે મંતવ્ય આવકાર્ય છે- Parasites,not viruses are leading cause of premature death in the world..
  We need a new way to detect parasites besides a standard fecal and immune assay testing.
  Bio-cybernetic evaluation based on Meridian assessment may decode their presence……….

  અમારા સાઈબર ગુરુએ આપેલ સલાહ પ્રમાણે વર્તવાના પ્રયાસને અહં કે જે ગણો તે તેની દિલગીરી વ્યક્ત નથી કરવાના…

  Like

   
 2. Rajendra M.Trivedi, M.D.

  June 7, 2010 at 7:13 pm

  પ્રિય વલીભાઈ,

  સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ માટે મને તેમના ગુણો ને અનુભવતા ‘વિદુષી’ તરીકે ને સહ્રુદઈ કહેવાનુ દીલ થાય છે.
  આપણા માટે તે અદ્ર્શ્ય પણ તેમના પ્રતિભાવથી સદા નિકટ હોવાનો અનુભવ થયો છે.
  ગુજરાતી સમાજમા ને ઇન્ટર્નેટની દુનીઆમા તે જાણીતા છે.
  મોટી બેન તરીકે તે અમારા ૬૦+ મા જાણીતા છે.
  તેમની ઈમેલ ને બ્લોગમા પ્રતિભાવ ને વિચારો તેમના જીવન ને વાન્ચનના ઉત્તમ દાખલા છે.

  રાજેન્દ્ર ત્રિવેદી

  Like

   
 3. pravina Avinash

  June 7, 2010 at 7:16 pm

  પ્રજ્ઞાબેન એક વિદુષી સ્ત્રી છે. તેમના વિશે કાંઈ પણ લખવું એ મારી શક્તિ બહારની વાત છે.

  Like

   
 4. DR. CHANDRAVADAN MISTRY

  June 13, 2010 at 5:56 pm

  વલીભાઈ,
  આ પોસ્ટ વાંચી હતી…..તમે આ પોસ્ટ માટે મારા બ્લોગ પર એની “લીન્ક” પણ આપી છે ….તેમ છતાં તમે પરવાન્ગી આપતા હોય તો આ “કોપી/પૅઈસ્ટ” કરી મારા બ્લોગ પર એક ” કોમેન્ટ”રૂપે પોસ્ટ કરવી છે ….( પ્રયાજુબેનની પોસ્ટ માટે )
  ફરી આ વાંચી આનંદ !>>>>>>ચંદ્રવદન

  Like

   
 5. Valibhai Musa

  June 13, 2010 at 9:47 pm

  ચન્દ્રવદનભાઈ,

  તમારી ઈચ્છા મુજબ ‘પ્રજ્ઞાબેન’ ઉપરનો આખો આર્ટિકલ કોમેન્ટ તરીકે મૂકી દીધેલ છે. બરાબર? ખુશ?

  સ્નેહાધીન,

  વલીભાઈ

  Like

   
 6. DR. CHANDRAVADAN MISTRY

  June 13, 2010 at 10:55 pm

  વલીભાઈ,
  આજે તમારા બ્લોગ પર આવ્યો….અહી એક પ્રતિભાવ આપ્યો…..અને આજે જ તમે “ચંદ્રપૂકાર” પર પધારી,આ તમારી પોસ્ટ “પ્રતિભાવ” રૂપે મૂકી…..એ વાંચી આનંદ !….આનંદ એથી કે જે કોઈ ત્યાં પ્રગ્યાજુબેન વિષે વાંચશે તે તમારા લખેલા શબ્દો વાંચી જરૂર ખુશી અનુભવશે !
  ….ખરેખર હું ખુશ છું !…આભાર !>>>ચંદ્રવદન
  DR. CHANDRAVAAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Valibhai See you again on Chandrapukar …..I am happy to see more reading the Posts ( as I observe more comments )Your interaction with others like Pragnajuben..Sureshbhai etc. I really enjoy !

  Like

   
 7. પટેલ પોપટભાઈ

  June 14, 2010 at 1:40 am

  મા. શ્રી વલીભઈ

  પ્.પૂજ્ય પ્રજ્ઞાબેન માટે !!!!!!

  “પ્રજ્ઞાબેન, તમને જાણવા અને સમજવામાં મારી વિચારશક્તિ કમજોર પડે છે,” + બુધ્ધી પણ.

  સ્થિતઃપ્રજ્ઞ તો છે જ. સાથે ઉંડુ જ્ઞાન ધરવનાર ચક્ષુ, એઓશ્રીના નામમા જ સમાયું છે. જે મહાનુભવે એઓશ્રીના જન્મ સમયે નામ આપ્યુ એમણે સાર્થક કર્યું.મારી પાસે કોઈ શબ્દો નથી.

  Like

   
 8. સુરેશ જાની

  June 28, 2010 at 9:51 pm

  પ્રજ્ઞાબેનના ચમિ ભાઈના બ્લોગ પર મૂકેલા પરિચય પર મેં આટલું જ અને આવું જ કાંઈક લખ્યું હતું –

  તેઓ તો મારાં મોટીબેન છે.

  બસ આટલું જ પુનરાવર્તન કરું છું.

  Like

   
 9. Afza Musa

  July 7, 2010 at 2:29 pm

  This comment by email is posted by Author o/b of the Commentator : –

  Dear Dada,

  I read your comment on pragna ben’s poem, which we have discused and you were composing when i was at home,

  The fantastic composition has been done by you,i mean to write about someone who is so packed is very difficult.but you have done it as fantastic.

  The name which you have suggested for her is the best of all that is ‘Mini Encyclopedia’.

  with Regards,

  Afza musa.

  Like

   
 10. jjkishor

  January 2, 2012 at 11:03 am

  બહુમુખી પ્રતિભા અને વિદૂષી એ બે શબ્દો મનેય સૂઝ્યા જ હતા. પણ પછી સૂરજની ઓળખ આપવાની શી જરૂર એમ માનીને મનમાં રાખ્યા હતા.

  આપની કોમેન્ટનો દોરવાયો અહીં આપના બ્લોગે પહોંચી શક્યો એ માટે ચન્દ્રવદનભાઈના સૂચનનો પણ આભાર માનીશ…જિન્હે બ્લોગ દિયો બતાઈ !!

  પ્રબહેન અંગે લખીએ એટલું ઓછું જ પડવાનું. એમની કેફિયત મુજબ એમના રોગને એમણે એક વાર લખ–વા કહ્યો હતો. આ રોગે અનેકને દોર્યાં છે, અનેકને પોરસાવ્યાં છે, અનેકને દીશા બતાવી છે અને છબછબિયાં અને ઊંડાણ–ડુબકી વચ્ચેનો ભેદ સમજાવ્યો છે. એમણે પોતે કોઈ રાગ ભાગ્યે જ આલાપ્યો છે પણ અન્યના ગાયન–વાદનમાં સૂર અને તાલ પુરાવીને સંગીતને સીધી લીટી પર રહેવામાં કે લઈ જવામાં એમની ગત કે થાપીએ બહુ કીમતી ફાળો આપ્યો છે.

  એમનો લખ–વા આટલો સભર અને સદ્ધર છે તો એમનો વાંચ–વા તો કેવોય હશે ?!!

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: