RSS

(196) ભાવપ્રતિભાવ – ૨ (શ્રી સુરેશ જાની) * કેલેન્ડર-એક અવલોકન

08 Jun

માનનીય સુરેશભાઈ,

આજના ‘કેલેન્ડર’ ઉપરના આપના અવલોકનની વાત તો પછી લખીશ, પણ આપની ‘અવલોકન’ની આખી લેખમાળા વિષે મારો પ્રતિભાવ પ્રથમ આપવાની મારી તાલાવેલીને હું રોકી નથી શકતો. આપણે પ્રાથમિક શિક્ષણ દરમિયાન ‘અવલોકન કરવાની ટેવ’ શીર્ષકે એક પાઠ ભણી ગએલા. એક વટેમાર્ગુ એક ઊંટવાળાના ખોવાએલા ઊંટની દિશા બતાવી દે છે, જો કે તેણે ઊંટને જોયું સુદ્ધાં ન હતું. પેલો વટેમાર્ગુ પેલા ઊંટવાળાને તેના ઊંટની નિશાનીઓ કહી સંભળાવે છે કે તે ઊંટ ડાબી/જમણી (યાદ નથી) આંખે કાણું, એક પગે લંગડું અને અમુક દાંત પડી ગએલા હોય તેવું હોવું જોઈએ. આ તેની અવલોકન કરવાની ટેવના કારણે શક્ય બન્યું હતું. રસ્તાની એક જ બાજુ તરફનાં અડધાં કરડાએલાં ઝાડનાં પાંદડાં અને જમીન ઉપરના એક પગલાની અધૂરી છાપ એ તેના તારણ માટેનાં સહાયક કારણ (અવલોકનો) હતાં.

સુરેશભાઈનાં અવલોકનો કંઈક એવાં જ છે અને તેથી જ તો તેઓ ગમે તેવા સામાન્ય વિષયને માત્ર અવલોકનના આધારે જ નહિ, પણ સાથે સાથે પોતાની કુદરતી વર્ણન શક્તિના આધારે જીવંત બનાવી શકે છે. જૂના જમાનામાં ગામડે ગામડે પગીઓ મળી રહેતા કે જે પગલાંની છાપનું અવલોકન કરીને ચોરને પકડી પાડવામાં મદદરૂપ થતા હતા. કોઈ નામચીન ચોરનું તો પહેલું જ પગલું જોઈને ચોરનું નામ બતાવી દેતા હતા. આ એમના માટે એ કારણે શક્ય બનતું હતું કે એક તો તેમની આ કળામાં તેમનો વારસાગત અનુભવ કામે લાગતો હતો અને બીજું તેમની અવલોકનશક્તિ ધારદાર રહેતી હતી.

આ લેખમાં સુરેશભાઈ કેલેન્ડરને સીમિત અર્થમાંથી વ્યાપક અર્થમાં લઈ ગયા તે તેમના કૌશલ્યની સાક્ષી પૂરે છે. તો વળી રોબિન્સન ક્રુઝો (Robinson Crusoe) નો ઉલ્લેખ વાંચક માટે માહિતીપ્રદ બની રહે છે. વચ્ચે મારા તરફની ‘કેલેન્ડર’ નો વિષય હોઈ ‘અઠવાડિયા’ શબ્દ વિષેની થોડીક ભાષાશાસ્ત્રીય વાત મૂકી દઉં. ભાષાવૈજ્ઞાનિકો શબ્દોની વ્યુત્પત્તિઓ સમજાવતા હોય છે. ‘અષ્ટ’ ઉપરથી ‘અટ્.ઠ’ – ‘અઠ્ઠ’ – ‘આઠ’ એમ બન્યું હોઈ અઠવાડિયા શબ્દમાં પ્રારંભે ‘અઠ’ હોઈ ‘આઠ’ ની સંખ્યા સૂચવે છે, જ્યારે અઠવાડિયું તો સાત દિવસનું હોય છે, તો ગુજરાતી આ શબ્દમાં આવું કેમ જોવા મળે છે એ વિચાર માગી લેતો મુદ્દો છે. હિંદીમાં તો સ્પષ્ટ રીતે ‘સપ્તાહ’ શબ્દ છે જ.

સુરેશભાઈના સહવાસની અસરે ‘અઠવાડિયા’ શબ્દે મારાં અવલોકનો તો નહિ, પણ અનુમાનો કંઈક આવાં છે. ગામડાંઓમાં ઢોરઢાંખરની ખરીદીમાં નાણાં ચુકવણીની અઠવાડિયાની મુદ્દત આપવાનો રિવાજ હતો. પણ લોકો યાદ રહે તે માટે વારથી વાર ગણતા, અર્થાત્ સોમવારે સોદો કર્યો હોય તો પછીના સોમવારે જ નાણાં ચુકવવામાં આવે. આમ બંને છેડે સોમવાર આવતાં દિવસોની સંખ્યા ‘આઠ’ થાય, પણ વાસ્તવમાં એને અઠવાડિયું જ સમજવામાં આવતું હતું. મારી આ પૂર્વધારણાને સમજાવવા માટે મારે એક ઉદાહરણ આપવું પડશે. દા.ત. સો સો મીટરના અંતરે થાંભલા ઊભા કરવાના હોય તો સાતસો મીટરના અંતરમાં શરૂઆતના એકથી શરૂ કરતાં કુલ્લે 1 + 7 = 8 થાંભલાની જરૂર પડે, પણ અંતર તો સાતસો મીટરનું જ ગણાય!

મારી કોમેન્ટની સમાપ્તિએ એક નાનકડી વાત કે લેખક કેવી સિફતભરી રીતે ‘કેલેન્ડર’ ઉપરથી આપણને ‘ડાયરી’ ઉપર લઈ જાય છે! મારા મતે ડાયરી અને કેલેન્ડરને તેમની રચના અને ઉપયોગીતાની દૃષ્ટિએ સમાન ગણીને એકબીજાના પર્યાયમાં સમજીએ તોયે ડાયરીને ખાનગી જ ગણવી પડે, જ્યારે કેલેન્ડર તો સાર્વજનિક; એક કહેવતનો અનર્થ ન કરવામાં આવે તો ‘ગરીબની વહુ સૌની ભાભી!’ ની જેમ જ!

ધન્યવાદ. લિખતે (લગે) રહો સુરેશભાઈ!

સ્નેહાધીન,

વલીભાઈ મુસા

 
2 Comments

Posted by on June 8, 2010 in Article, gujarati, Human behavior, Humor

 

Tags:

2 responses to “(196) ભાવપ્રતિભાવ – ૨ (શ્રી સુરેશ જાની) * કેલેન્ડર-એક અવલોકન

 1. સુરેશ જાની

  June 8, 2010 at 5:00 pm

  18મી મે ના કેલેન્ડરને આટલું બધું છાપે અને છાપરે ચઢાવી દીધું ? જૂનું થઈ ગયેલું પાનું, તારીખ અને માણહ તો પસ્તીને પાત્ર …

  ડાયરીને ખાનગી જ ગણવી પડે,

  માણસનું કેન્દ્ર ‘સ્વ’ માંથી ‘ સર્વ’ બને ત્યારે એની ડાયરી પણ ખાનગીમાંથી સર્વજનિક બની જાય છે.
  મહાદેવભાઈની, એન્ની ફ્રેન્કની …..

  Like

   
 2. Pinki

  June 9, 2010 at 1:58 am

  સરસ.. !

  દીવાલ પર ટીંગાડી તારીખ, રોજ સવારે તૂટે !
  એક દિવસનું રાજ કરીને, કેલેન્ડરથી છૂટે !!!

  http://webmehfil.com/?p=184

  જેમાં છૂટવાની વાત કેવી મજાની છે … 🙂

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: