RSS

(201) એક ચિંતનશીલ પત્ર (Re-written for a competition)

26 Jun

મારી અમેરિકાસ્થિત ધર્મની માનેલી એક બહેનને લખવામાં આવેલો પત્ર :

વ્હાલી બહેન,

એક વખતે જ્યારે આપણે બધાં આપણા ધાર્મિક સ્થળેથી પાછાં ફરતાં હતાં, ત્યારે તેં મને તારી કારમાં બેસાડ્યો હતો અને એક પ્રશ્ન પૂછ્યો હતો કે “ભાઈબહેનના સંબંધોમાં કયો મહાન ગણાય – લોહીના સગે બનેલો કે લાગણીથી બંધાએલો?”. તારા આ પ્રશ્નનો મેં તને તરત જ  જવાબ આપી દીધો હતો કે ‘એ બાબત એકબીજાંની સમજદારી ઉપર આધાર રાખે છે.’ તારો આ સીધો જ પ્રશ્ન આપણા પરસ્પરના લોહીના સંબંધે નહિ, પણ લાગણીના તંતુએ બંધાયેલા આપણા ભાઈબહેન તરીકેના સંબંધના સંદર્ભે હતો.

મારા મુદ્દાને સ્પષ્ટ કરવા હું તને શેક્સપિઅર (Shakespeare) ના નાટક ‘King Lear’ના કથાવસ્તુમાંથી એક ઉદાહરણ આપવાનું પસંદ કરીશ. તેં મને જેવો પ્રશ્ન પૂછ્યો હતો તેવો જ પ્રશ્ન રાજા લીઅરે (Lear) એક પછી એક એમ પોતાની પુત્રીઓને પણ ‘પિતા અને પુત્રીઓના પ્રેમસંબંધ’ સબબે પૂછ્યો હતો. સૌથી નાની પુત્રીએ પોતાના પિતાને વાસ્તવિકતા ઉપર આધારિત જવાબ આપ્યો હતો, જે તેમને પસંદ પડ્યો ન હતો. પરંતુ, પાછળથી તેમને જ્યારે જીવનના કપરા કાળનો સામનો કરવાનો પ્રસંગ આવ્યો, ત્યારે જ ખબર પડી હતી કે નાની પુત્રી ખરેખર સાચી હતી અને બાકીની પુત્રીઓએ તો સાવ કૃત્રિમ એવા જવાબ વડે તેમને માત્ર ખુશ જ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે રાજ્યના વારસદાર તરીકેનો હક પ્રાપ્ત કરવા માટે માત્ર વાણીવિલાસથી જ તેમને રીઝવ્યા હતા.

મારી બહેન, આપણી જિંદગી એક એવી સ્કૂલ છે કે જ્યાં જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે સતત શીખતા રહેવાનું જ હોય છે. પ્રેમનો કોઈપણ પ્રકાર હોય, પણ જો તે સાચો હોય તો તે કદીય શબ્દોનો મોહતાજ બની શકે નહિ.

હવે તને મારા આ મુદ્દાને વધુ સ્પષ્ટ કરવા માટે આગળ લખું છું. તમે લોકોએ માદરે વતન એવા આપણા ભારત દેશથી સ્થળાંતર કરીને હાલમાં અમેરિકા ખાતે વસવાટ કર્યો છે. આ પહેલાં તમે લોકો આફ્રિકાના યુગાન્ડા દેશમાં રહેતાં હતાં. પરંતુ ૧૯૭૧માં લશ્કરના ફિલ્ડ માર્શલ ઈદી અમીને સરકારનો કબજો લઈ લીધો અને દેશ અંધાધૂધીમાં ઘેરાઈ ગયો. લશ્કર ગામડાંઓ ઉપર ગેરિલા પદ્ધતિએ ત્રાટકતું અને પોલિસ પણ નાગરિકો ઉપર કેર વર્તાવતી હતી. તમારા કુટુંબની સલામતી માટે તમે લોકોએ અમેરિકા સ્થળાંતર કર્યું હતું. આ આફતની પળોએ તમે લોકોએ અનુભવ્યું હશે કે બહોળા પરિવારનાં આપ સૌએ એકબીજાં સાથે ખૂબ જ આત્મીયતા અનુભવી હશે. અહીં એક વાત સ્પષ્ટ થાય છે કે જ્યારે કોઈ સામૂહિક આફત આવે ત્યારે આફતનો ભોગ બનેલાં સૌ કોઈ પોતાના અંગત મતભેદો ભૂલી જઈને સંઘભાવનાએ તેનો મુકાબલો કરતાં હોય છે અને એકબીજાંના મનોબળને સુદૃઢ રીતે જાળવી રાખતાં હોય છે. તારા પ્રશ્નનો અડધો જવાબ અહીં મળી જાય છે.

હવે તારા પ્રશ્નનો બાકીનો અડધો જવાબ એક કલ્પના કરીને મેળવી શકાશે. તમે લોકોએ આખા કુટુંબ સાથે    હિજરત કરી અને સ્વાભાવિક રીતે જ લોહીના સંબંધે બંધાયેલાં તમે સૌ કુટુંબીજનો એકબીજાંની વધુ નજીક આવો તે સ્વાભાવિક છે. પરંતુ માની લે કે તારે તારા કોઈ પાડોશીના કુટુંબ સાથે હિજરત કરવાની નોબત આવી હોય તો ત્યાં તારા લોહીના સંબંધો ન હોઈ માત્ર પાડોશી તરીકેના લાગણીના સંબંધો જ કામના બની રહેશે. તમારાં એ પાડોશીઓ સાથે તમારે કોઈકવાર લડવા ઝઘડવાનું પણ બન્યું હશે. આમ છતાંયે એ લોકો અને તું પણ એ ભૂતકાળને ભૂલી જઈને વર્તમાન પરિસ્થિતિનો જ માત્ર વિચાર કરશો અને એ રીતે એકબીજાંને અનુકૂળ થઈને જીવનના વસમા દિવસો પસાર કરશો. આમ અહીં ફલિત એ જ થાય છે કે સંબંધો લોહીના હોય કે લાગણીના, પણ આફત કે દુ:ખના સમયે એના પ્રકારનું કોઈ મહત્ત્વ રહેતું નથી અને ત્યાં માત્ર આત્મીય ભાવ જ એકબીજાંને જોડી રાખે છે.

આ તો આફતની પળોએ સંબંધોની કસોટી થવાની વાત થઈ, પણ સામાન્ય સંજોગોમાં શું થાય અથવા થઈ શકે તેની થોડીક વાત કરી લઈએ. સામાન્ય સંજોગોમાં માણસને એકબીજાંના પ્રેમની કિંમત હોતી નથી. સહવસવાટના કારણે એ સંબંધો માત્ર ઔપચારિક જ બની રહેતા હોય છે. હવે કારણોવશાત્ બે વ્યક્તિઓ વચ્ચે વિયોગની સ્થિતિ સર્જાય, ત્યારે જ તેમના પ્રેમ કે સંબંધનું સાચું મૂલ્ય અંકાતું હોય છે. એટલે જ તો કહેવાયું છે કે ‘Persons or things are valued high when they are away from us.’. આપણો જ દાખલો લઈએ તો આપણે એકબીજાંથી આશરે દસ હજાર માઈલ દૂર છીએ અને તેથી આપણને એકબીજાંની વધુ યાદ આવતી હોય છે. હવે આપણે સાથે જ રહેતાં હોઈએ તો આપણને એકબીજાંનું વધારે આકર્ષણ રહે નહિ.

મારા આ પત્રના સમાપને આવવા પહેલાં  એક બાબત આપણે સમજી લઈએ કે આ કોઈ આપણે ભણતાં હતાં ત્યારે થતી ચર્ચાસભાઓ જેવો કોઈ મુદ્દો નથી. અહીં કોઈ એકને ચઢિયાતું અને બીજાને ઊતરતું બતાવવાનો પણ કોઈ આશય નથી. આપસી સંબંધો ગમે તે પ્રકારના હોય પણ તે સમય, સંજોગ અને પરિસ્થિતિ ઉપર આધાર રાખતા હોય છે. સગાભાઈઓ કે સગી બહેનો, અરે માતા-સંતાનો સુદ્ધાંપણ, આપસમાં લડતાં ઝઘડતાં હોય છે. પાડોશીઓ પણ ઘણીવાર એકબીજાંનાં ભવોભવનાં દુશ્મન બની જતા હોય છે. તો વળી કોઈવાર અજાણ્યાઓ સાથે એવી આત્મીયતા બંધાઈ જતી હોય છે કે જે જીવનનું અમોલ સંભારણું બની રહેતું હોય છે.

મારા પત્રને સમાપ્ત તો કરું છું, પણ તારી પાસેથી જાણવા માગું છું કે હાલના આપણા ઇન્ટરનેટિયા ટેલિગ્રામના શબ્દો જેવા સાવ લાગણીહીન અને શુષ્ક પત્રવ્યવહારો અને આ પ્રકારના લિખિત અને લાગણીસભર  પરંપરાગત પત્રોમાં કોઈ ફરક ખરો?

સર્વે કુટુંબીજનોને મારી મધુરી યાદ.

સસ્નેહ,

વલીભાઈ

વલીભાઈ મુસા

 

Tags: , , , , ,

3 responses to “(201) એક ચિંતનશીલ પત્ર (Re-written for a competition)

  1. સુરેશ જાની

    June 28, 2010 at 10:18 pm

    પ્રેમનો કોઈપણ પ્રકાર હોય, પણ જો તે સાચો હોય તો તે કદીય શબ્દોનો મોહતાજ બની શકે નહિ.”

    મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે? – રુસ્વા

    Like

     
  2. Valibhai Musa

    March 30, 2016 at 10:15 pm

    Reblogged this on માનવધર્મ.

    Like

     
  3. Sharad Shah

    March 31, 2016 at 10:49 am

    મા-બાપ, કાકા, કાકી, દાદા દાદી, મામા મામી,ભાઈ બહેન અને બીજા ઘણા સંબંધ બાય ડિફોલ્ટ હોય છે. આવા સંબંધ સાચા સંબંધ હોતા નથી. સમ + બંધ. જ્યાં બંધન સમ છે, સમાન છે ત્યારે તે બંધન પ્રેમના પાયા પર રચાયેલું, કોઈપણ અપેક્ષા, આધિપત્ય રહિત હોય છે. આવા સંબંધ જીવનયાત્રાને સુખદ બનાવવામાં સહાયક બને છે. સૌથી ઉંચો સંબંધ ગુરુ-શિષ્યનો હોય છે. એકબીજા પ્રતિ અતયંત પ્રેમ અને અનુગ્રહથી ભરેલ હોય છે.

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: