RSS

(203) ‘છેડતી કે પજવણી’ લેખ ઉપર એક ટિપ્પણી

01 Jul

Click here to read in English

મારા દ્વિવાર્ષિક બ્લોગલેખમાં જણાવ્યા પ્રમાણે હું મારા પોતાના બ્લોગ ઉપરાંત અન્ય કેટલીક વ્યાવસાયિક (Professional) વેબસાઈટ ઉપર પણ સક્રીય છું. SiliconIndia ઉપરના ‘છેડતી કે પજવણી’ વિષય ઉપરના જ્યોતિ સાચન નામે કાનપુરની MBAની એક વિદ્યાર્થિનીના એક બ્લોગલેખ ઉપરની મારી ટિપ્પણી અત્રે હું રજૂ કરવા માગું છું. જ્યોતિની વેબસાઈટ “Jyoti on net” છે અને કોણ જાણે કયા ઋણાનુબંધે તેણે મને વડીલ તરીકેનું માનસન્માન આપ્યું છે. ટેલિફોન, મેઈલ, પરસ્પરના બ્લોગ ઉપરની આવનજાવન અને ભાવપ્રતિભાવોની આપલે આ સઘળું બ્લોગજગતની એક એવી મોંઘીમૂલી દેન સમાન છે કે જ્યોતિ સાચન જેવી કોલેજિયનથી માંડીને મરહુમ મહંમદઅલી પરમાર ‘સુફી’ (પરિચય વખતે 85 વર્ષની વય ધરાવતા હતા) સુધીના અનેકાનેક દેશવિદેશના અજનબી લોકો સાથે આત્મીયતાસભર માનવીય સંબંધોથી જોડાવાનું મને સૌભાગ્ય સાંપડ્યું છે.

મારા આજના લેખના મુખ્ય વિષયે આવું તો ઈ-નેટ ઉપરની મારી સફર દરમિયાન અનાયાસે જ્યોતિના “છેડતી કે પજવણી” વિષય ઉપરના બે લેખ વાંચવાનું બન્યું. પહેલો લેખ હતો “છેડતી – એક સળગતો પ્રશ્ન” અને બીજો હતો “છેડતી – તેનો ઉકેલ”. આ બંને લેખો અનુક્રમે મે ૨૯, ૨૦૦૯ અને જુન ૦૩, ૨૦૦૯ના રોજ પ્રસિદ્ધ થયા હતા. હું વાંચકોને ભલામણ કરું છું કે Jyoti’s blog ઉપર જઈ આ બંને લેખ અને તેમના ઉપરના પ્રતિભાવ પણ વાંચવામાં આવે કે જે થકી વિશ્વભરમાં સ્ત્રીઓને સ્પર્શતી આ ગંભીર સમસ્યા અને વાંચકોનાં વિવિધ મંતવ્યો વિષે વિશદ જાણકારી મેળવી શકાય. હવે, “Teasing – The Solution” (છેડતી – તેનો ઉકેલ) ઉપરની મારી ટિપ્પણી નીચે પ્રમાણે છે :

“જ્યોતિ બેટા (દીકરી),

સમાજમાં પ્રવર્તમાન એવા બહુ જ નાજુક સંસ્કારલક્ષી મુદ્દાને ચર્ચાની એરણે મૂકવા બદલ ધન્યવાદ.

સ્ત્રીઓ દ્વારા સભ્ય અને સુઘડ વેશપરિધાનના મહત્વને સાવ અવગણી ન શકાય. આ સૂચનને સમર્થન આપતો એક પ્રસંગ કેટલાંક વર્ષો પહેલાં અમારા ગામમાં બન્યો હતો, જેને હું ઉદાહરણ તરીકે આપીશ. અમારા સ્થાનિક ટ્રસ્ટના દવાખાનામાં સરકાર તરફ્થી એક દાયણ (Midwife)ની નિયુક્તિ થઈ હતી. એક દિવસે આ કર્મચારી બહેન આંખમાં આંસુ સાથે કોઈક લટ્ટુ (Romeo)એ લખેલા નનામા બીભત્સ પત્રોના બંડલ સાથે ટ્રસ્ટના પ્રમુખને ફરિયાદ કરવા આવી. પ્રમુખશ્રી વયોવૃદ્ધ અને ગ્રામપિતા (Village Father) જેવી પ્રતિષ્ઠા ધરાવતા સન્માનીય વડીલ હતા. વળી પોતે પરિપક્વતા અને ઠરેલપણું ધરાવવા ઉપરાંત પ્રસંગોપાત થોડાક આખાબોલા (outspoken) પણ હતા. પ્રથમ તો તેમણે પેલી બાઈને દિલાસો અને હિંમત આપ્યાં અને સાથે સાથે ખાત્રી પણ આપી કે તેઓ એ બાબતે ઊંડો રસ લઈને જરૂરી તપાસ કરશે. હવે જ્યારે તે સ્વસ્થ થઈને પાછી ફરવા જઈ રહી હતી, ત્યાં તો એ વડીલે પેલી બાઈને એમ કહીને પોતાની તત્પરતા બતાવી કે તેણી પોતાનાં તમામે તમામ બાંયો વગરનાં બ્લાઉઝ (sleeveless upper garments) બદલી નાખે તો તેની જે કંઈ કિંમત થાય તેની ચૂકવણી પોતે કરી આપશે. પછી તો તેમણે ખૂબ જ લાગણીભર્યા અવાજે કહ્યું, ‘ જો બેટા, હું તારા પિતા સમાન છું; છતાંય મારી આંખોને તારા ખભા જોવાથી રોકી નથી શકતો! હું શું કહેવા માગું છું તે તું સમજી શકે છે? મારી દીકરી, તારા વસ્ત્રપરિધાનની બાબતમાં તારે વ્યવસ્થિત અને મર્યાદાશીલ રહેવું જોઈએ.’

જ્યોતિ, હું આશા રાખું છું કે મારું ઉપરોક્ત સ્વયંસ્પષ્ટ ઉદાહરણ તારા લેખના હેતુને સમજવા બધાય વાંચકોને મદદરૂપ નિવડશે.

વંદનસહ, વલીકાકા”

મારા વિદ્વાન પ્રતિભાવકો અને તેમાંય ખાસ તો બહેનોને વિનંતિ કરું છું કે ચર્ચામાં મુકાએલા આ વિષય ઉપર દરેક જણ પોતપોતાનાં દૃષ્ટિબિંદુઓ અને વિચારો વ્યક્ત કરે કે જેથી માત્ર ચર્ચા જ રસપ્રદ ન બને, પણ તેથીય વિશેષ તો વિશ્વભરના સરકારી સત્તાવાળાઓને સલાહસૂચન અને માર્ગદર્શન મળી રહે કે કેવી રીતે સ્ત્રીઓને અનુભવવી પડતી છેડતીની સદાય પ્રજ્વલિત એવી સમસ્યાની વ્યથાને નિયંત્રિત કરી શકાય, લોકોનાં ચારિત્ર્ય અને સંસ્કારનાં ધોરણોને ઊંચાં લાવી શકાય અને સમાજમાં સ્ત્રીઓના માનમરતબા અને મોભાનું જતન થઈ શકે.

આભારસહ,

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

વિશેષ નોંધ : –

સુજ્ઞ વાંચકોને આ આર્ટિકલ નીચેની પ્રજ્ઞાબેન વ્યાસની કોમેન્ટ વાંચવાની ભલામણ કરું છું, એટલા માટે કે ખુદ પૂજ્ય મહાત્મા ગાંધીજીએ પણ પોતે અહિંસાના પૂજારી હોવા છતાં આવા સ્ત્રીઓના નૈતિક શોષણનો પ્રતિકાર કરવાની વાતને સમર્થન આપ્યું હતું. આ વાત અને ‘છેડતી’ની સમસ્યા અંગેની મુલ્યવાન બીજી ઘણી માહિતી આ કોમેન્ટમાંથી મેળવી શકાશે. તો વળી રેખાબેન સિંધલની પણ સ્વાનુભવ આધારિત પ્રેરણાદાયી અને મનનીય કોમેન્ટ વાંચવા જેવી છે.

Translated from English version titled as “My Comment on a Silicon Blogger’s Post ‘Teasing’” published on June 04, 2009.

 

Tags: , , , , , , , , , ,

3 responses to “(203) ‘છેડતી કે પજવણી’ લેખ ઉપર એક ટિપ્પણી

  1. pragnaju

    July 2, 2010 at 1:43 pm

    આપે કહ્યું તેમ આ નાજુક વિષય છે.
    મારી દિકરીને જ્યુરીમા નીમતા પહેલા પ્રશ્ન કરેલો કે તે કોઈ વાર પણ આવા ગુન્હાનો ભોગ થઈ હતી ? ત્યાર બાદ ઈન્ટરનેટ,ઈ-મેઇલ, આઈ.ડી, જન્મતારીખ ,ફૉટા અને ફોન # ની કાળજી રાખવી તે અંગે કહ્યું.આવામા કાળજી ન રાખનાર આવા ગુન્હાનો વધુ ભોગ બને છે.

    હવસખોરો માત્ર સ્ત્રીની ઈજ્જતની છેડતી નથી કરતા પણ એક માતાના ચારિત્ર પર ડાઘ લગાવી રહ્યા છે! એક બાજુ ન્યાયાલયોની મર્યાદા છે તો બીજી બાજુ એક યુવતીનું શરીર ખુલ્લું થઇ રહ્યું છે!સાઈબર હેરેસ થકી સ્ત્રીઓને પરેશાન કરતા આધુનિક કીમિયાગરોનું પ્રમાણ ઘણું જ વધ્યું છે.રોડસાઈડ રોમિયો આવતીજતી મહિલા કે યુવતીઓની છેડતી તો કરતા હતા, પરંતુ હવે તેઓ પણ હાઈટેક બન્યા છે. ઇન્ટરનેટ પર કામ કરતી લેડીઝ સાથે ઓનલાઈન છેડતી કરવામાં આવે છે. … ખાસ કરીને સ્ત્રીના અશ્લીલ ફોટોગ્રાફસ મૂકવા,લખાણ લખવું, તેના કેરેક્ટરનું ખરાબ ચિત્રણ કરવું એ સામાન્ય થતું ચાલ્યું છે.આ અંગે દરેક ક્ષેત્રના વિદ્વાનોએ સૂચનો કર્યાં છે તે પ્રમાણે ઘણા અનુસર્યા પણ છે.
    પ્રમિલાતાઈ મેઢેએ જણાવ્યું હતુ કે સ્ત્રીની છેડતી કરનાર અપરાધને પાત્ર છે અને અપરાધીને કડકમાં કડક સજા થવી જ જોઈએ. જ્યારે સ્ત્રી ફૂલમાંથી ચિનગારી બને છે ત્યારે ભલભલાનો વિનાશ કરી નાંખે છે. તેમણે આસુરી તત્ત્વોને તાબે થવાને બદલે સામનો કરવાનું મહિલાઓને આહ્વાન કર્યું હતું.
    મને સૌથી ગમી પૂ.પૂર્ણિમાબેનની વાત.તેમના પરિચયમાંથી “…પુષ્પાએ પોતે કેવાં કેવાં અંતરિયાળ અને અજાણ્યાં ગામોમાં ખાસ કરીને સ્ત્રીઓને ગાંધીજીનો સંદેશ સમજાવવા માટે જાય છે તેનું બયાન કર્યું અને છેલ્લે પૂછ્યું, ‘બાપુ, કટોકટીના સમય માટે બહેનોએ સ્વરક્ષણ માટે હથિયાર રાખવું એ ગુનો ગણાય કંઇ?’‘જરાય નહીં, દીકરી.’ બાપુએ અત્યંત રાજી થઇને કહ્યું અને હેતથી પુષ્પાના વાંસામાં ધબ્બો મારતાં કહ્યું, ‘શાબાશ છોકરી!
    તારી વાત મને બહુ ગમી છે પણ તને મારી સાચી દીકરી ત્યારે જ માનું જયારે અત્યંત મહત્વની આ કળા તું બીજી બહેનોને પણ શીખવે અને તેમને નિર્ભય બનાવે. જા, મારા તને આશીર્વાદ છે.’ એ યુવતીએ બાપુની આજ્ઞાને શિરોમાન્ય ગણીને તેમના આશીર્વાદ લીધા અને આ કામને પોતાના જીવનનું મિશન બનાવી દીધું. પુષ્પા શેઠ નામની એ યુવતી આજે આયુષ્યના સત્તાણુમા વર્ષમાં છે, છતાં તેનો જુસ્સો, મિજાજ એવો જ છે. પુષ્પા શેઠ એ જ પૂર્ણિમાબેન પકવાસા! તેમની- શિક્ષણ એટલે કેવળ અક્ષરજ્ઞાન નહીં, પણ જીવનલક્ષી સર્વાગી શિક્ષણ. એ પાયાના સિદ્ધાંતને વરેલી આ સંસ્થા. ‘ઋતંભરા’ના શિબિરમા અમારી દિકરીઓને શિક્ષણ આપ્યું હતું.
    છેલ્લે નર-નારીના ભેદો ફક્ત સ્થુળતા તરફ જ લઈ જનારા છે.માણસ એનું પરમ સુખ પૈસામાં,પરણવામાં ને પરીવાર બનાવીને પરવારી જવામાં જ ગણે છે. આ નરનારીના ભેદો એ ‘દ્વૈત’ની એક અત્યંત સ્થુળ કક્ષા છે. એની પેલે પાર જ્યાં આવા ભેદો નથી.આ બધું શું ‘નરનારી’ના દ્વૈતની સાથે સરખામણી કરવા લાયક લાગે છે ?! આપણે આ ભેદથી ઉપર ઉઠી શકીએ ખરાં ? જ્યાં જુઓ ત્યાં સ્થુળ ને સુક્ષ્મની આ લીલા આપણને મુળ તત્ત્વથી અળગાં જ કરી મુકે છે. દ્વૈત પણ એક નવા જન્મનું કારણ બની શકે છે સંલગ્ન થઈને.
    લગ્ન. કેવો અર્થસભર શબ્દ છે !આપણે એક સ્ત્રી અને એક પુરુષને નવા જીવનના સર્જન માટે જોડવાની ક્રીયા-પ્રક્રીયાને જ નામ આપી દીધું લગ્ન !! આ જોડાણને જ “અદ્વૈત” શબ્દનું પવીત્ર માન આપી દઈએ તો ?!! લગ્નજીવન કેવું મઝાનું બનીને મહોરી ઉઠે !…
    અને છેડતી વિ ગૌણ બની જાય…
    આ અંગે તો જેટલું લખીએ તેટલું ઓછું પડે…

    શેષ આચારેણ પૂરયેત…

    Like

     
  2. Rajendra M.Trivedi, M.D.

    July 2, 2010 at 5:05 pm

    भयबिनु होत न प्रित.

    राजेन्द्र त्रिवेदी

    Like

     
  3. Rekha Sindhal

    July 2, 2010 at 10:28 pm

    This comment is posted by Author with permission of the Commentator as per her mail.

    છેડતી કરનારમાં મનમાં જ્યારે ડર નથી હોતો ત્યારે જ તે છેડતી કરી શકતા હોય છે. કોઈ એક છોકરીની છેડતી માટે થયેલી સજાની અસર એ છોકરો બીજી છોકરીને જુવે ત્યારે પાત્ર બદલાતા કંઈક અંશે એ ડર ઓછો થઈ જાય છે. કેટલીકવાર પોલીસ પણ આ પ્રકારના વર્તનને ગુનો ન ગણતા સામાન્ય વાત તરીકે લઈ લે છે. આનો સૌથી ઉતમ ઉપાય સ્ત્રીઓએ નીડરતા કેળવવી તે જ છે. મારા અનુભવો લખવા પ્રેરાઉ છું

    હું અમેરીકા આવ્યા પછીની આ વાત છે. મારી ઉંમર લગભગ ચોત્રીસ વર્ષની હશે. ત્રણ પુત્રીઓ(એ સમયે બે ટીનએજર)ની માતા હું રાતની નોકરી કરતી જેથી દીકરીઓને ઘરે એકલી ન રાખવી પડે. જોબ પર એક બ્લેક અમેરીકન મારી સામે ટગર ટગર જોયા કરતો અને મારી નજર પડે એટલે નજર ફેરવી લેતો તે મારા ધ્યાનમાં આવ્યુ પણ મારો કોઈ પ્રતિભાવ ન હોવાથી તેણે અંતર જાળવી રાખ્યુ હતું અને ક્યારેય અસભ્યતા દર્શાવી ન હતી પણ એક સમયે બ્રેકરૂમમાં મળી ગયો ત્યારે પૂછવા લાગ્યો, ” તું આ સાચા સોનાની ચેન રોજ ગળામાં પહેરીને રાતની નોકરી કરે છે તો તને ડર નથી લાગતો?” પ્રતિભાવમાં મારી આંખોમાં રોષની જ્વાળા અને શાંત મકકમ શારીરીક ભાષા સાથે મેં કહ્યુ કે,” કોની મજાલ છે કે મને અડકે ?” જવાબમાં તે કહે, ‘ બસ બસ મને જવાબ મળી ગયો?’ જાણે આ પ્રશ્ન બદલ તેને હું દંડ કરવાની હોઉ તેમ તે મને શાંત કરવા માટે બે હાથની હથેળીઓ બતાવી ખમ્માની ચેષ્ઠા કરવા લાગ્યો. આમ તો આ સાદા પ્રશ્નમાં રોષનું કોઈ કારણ ન હતું પણ મને તે વખતે મારી સામે જોયા કરતી તેની ટગર ટગર આંખો યાદ આવી ગઈ એટલે મારાથી અનાયાસે આ પ્રતિભાવ અપાયો.

    પછીથી આગળ જતાં સંજોગો બદલાયા અને મેં બીજી કંપનીમાં દિવસની જોબ લીધી આ પ્રખ્યાત ઈંટરનેશનલ લેબ(Chiron Diagnostic)માં સ્કૂલ-વેકેશન દરમ્યાન મારી દીકરીઓ પણ જોબ કરતી. સતર વરસની બે(જોડીયા બહેનો) યુવાન દીકરીઓની માતા તરીકે મારી દેખરેખ ક્યારેક મિત્રોને વધુ પડતી લાગતી અને મજાકનો વિષય પણ બનતી પરંતુ લંચ સમયમાં મારી દીકરીઓ પાસે બેસીને ગપ્પા મારતા બીજા યુવાનોની સાથે સાથે દીકરીઓને પણ હાય હલ્લો કરીને હું પસાર થઈ જતી. દીકરીઓને એમ ન લાગવું જોઈએ કે હું એમનું વધુ પડતુ રક્ષણ કરૂં છું આથી લંચ સાથે જ લેવાનો મારો કોઈ આગ્રહ નહોતો. પણ તેઓ ક્યાં કોની સાથે સંપર્કમાં છે તેની જાણકારી રાખવાની મારી ફરજ સમજી કંપનીના બિલ્ડીંગને ફરતા વિશાળ પ્રાંગળના કોઈક બાંકડાઓ પર તે મને મળી જ જાય તેમ લટાર મારવા નીકળતી અને મારી ફ્લાઈંગ વિઝીટ થકી તેમની સલામતીનો ખ્યાલ રાખતી. એક દીવસ મને કહે, “મમ્મી, બ્રાયન કહેતો હતો કે તારી મમ્મીને દૂરથી આવતી જોઈને પણ તમારી સાથે વાત કરતા ખ્યાલ રાખવો પડે તેવી છાપ પડે છે. ” આ સાંભળી મને લાગ્યુ કે મારી નીડરતા તેમનામાં ખોટું કરવાનો ડર જરૂરથી પ્રેરતી હશે. એ ગ્રુપનો એક શખ્સ પછીથી અન્ય છોકરીઓની કરેલી છેડતીને કારણે કુખ્યાત થયેલો.

    ઈંડીયાનો એક અનુભવ વધારે રસપ્રદ છે જેમાં એક સ્વર્ગસ્થ ડોકટરની સુંદર દીકરી(જે મારી બહેનની બહેનપણી હતી)ની છેડતી માટે મારા પિતાએ છેડતી કરનાર ખારવાના બે યુવાનોને જે માનસિક અને શારિરીક શિક્ષા કરી તે પછી અમારી તો ઠીક પણ અમારી બહેનપણીઓની પણ છેડતી કરવાની ગામમાં ભાગ્યે જ કોઈ હિંમત કરે. એ બન્ને યુવાનોને માથે મુંડન કરીને ઘોડાને મારવાની ચાબૂકથી એવા મારેલા કે ચાઠાંવાળા શરીરે અને માથે મુંડન સાથે બહાર નીકળે તો શું થયુ? નો જવાબ આપવો ભારે પડે ! આમ એમના ઘરમાં જ એમને જેલ થાય તેવી યુક્તિથી એમને સુધાર્યા. એ યુવાનોના બાપે પણ પોતાના પુત્રોને ઠપકો આપી મારા પિતાનો પક્ષ લીધેલો. કોઈકની બહેન દીકરીની વાત હોય તો ય મારા પિતાનું રક્ષણ મળતું અને તેથી બહેન દીકરીઓની સલામતિ ગામમાં વધી ગઈ હતી. આ ઘટના 1961ના દાયકામાં બની હતી છતાં આજે ય અમારા વેરાવળ ગામના ગલઢેરાંઓને બરાબર યાદ હશે. એમાં ય ખારવા જ્ઞાતિ માટે તો આ વિક્રમસર્જક યાદગાર ઘટના હતી.

    એટલું જરૂર કહીશ કે “ભય વગર પ્રીતી નથી” માટે સ્ત્રીઓએ નીડરતા કેળવવી જ રહી. આ નીડરતા જ ખોટું કરનારના મનમાં ભય પ્રેરે છે. છેડછાડ કરનારના ચારિત્ર્ય માટે જવાબદાર માતા પણ એક સ્ત્રી જ છે તે જો અન્ય સ્ત્રીના રક્ષણ માટે પુત્રને શિક્ષા કરવા વળશે તો આ બદી જરૂરથી ઘટી શકે.

    Rekha Sindhal

    http://axaypatra.wordpress.com

    Like

     

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.