આજે ૭મી જુલાઈ છે અને તે મારો જન્મદિવસ છે. આગળ વધવા પહેલાં સ્પષ્ટતા કરી લઉં કે આ આર્ટિકલ એ મારો અંગત ન રહેતાં સૌ કોઈને લાગુ પડતો સાર્વત્રિક બની રહે તેવો મારો ઈરાદો છે. મારો જન્મદિવસ એ તો માત્ર મારા આજના લેખને લખવા માટેના પ્રોત્સાહનથી વિશેષ કશું જ નથી. ભાષાકીય વ્યાકરણની પરિભાષામાં ‘મારો જન્મદિવસ’ શબ્દોમાં ‘મારો’ એ સંબંધ કે માલિકીવાચક સર્વનામ છે અને ‘જન્મદિવસ’ ના વિશેષણ તરીકે છે. હવે જો ‘મારા’ શબ્દ ઉપર ભાર મૂકીને કહેવામાં આવે તો એવું સમજાય કે આ દિવસ એ માત્ર મારો જ જન્મદિવસ છે, અન્ય કોઈનો નહિ; પરંતુ, એમ સંભવી શકે નહિ, કેમકે આ દિવસ ઉપર એકમાત્ર મારા એકલાનું ધણિયાપું ન હોઈ શકે. હયાત કે સ્વર્ગસ્થ એવા અસંખ્ય માણસો આ દિવસે જન્મ્યા હશે અને ભવિષ્યમાં આ જ દિવસે કેટલાય જન્મશે પણ ખરા.
મારા શીર્ષકનો પહેલો શબ્દ બતાવે છે કે દુનિયા આખીયમાં ઊજવાતા જન્મદિવસો માત્ર પ્રણાલિકાગત જ હોય છે અને તેમનો ઉદ્દેશ પણ ઊજવનારની આર્થિક ક્ષમતા અને સામાજિક મોભાનું પ્રદર્શન કરવાનો જ હોય છે. મિજબાનીઓ અને જન્મદિવસની ઊજવણીઓ વીજળી અને ગાજવીજની જેમ એકબીજા સાથે સંકળાએલી હોય છે. જ્યાં જ્યાં જન્મદિવસની ઊજવણીઓ હોય, ત્યાં ત્યાં મિજબાનીઓ તો હોવાની જ! જન્મદિવસની મિજબાનીઓ ઘરે રાખવામાં આવતી હોય કે મોંઘી હોટલોમાં, પણ તેમાં સ્પષ્ટ ખ્યાલ એ જ હોય છે કે મિત્રો અને કુટુંબીજનો સાથે મળીને બધાંયે ખુશમિજાજથી બસ આનંદ જ લૂંટવો.
અહીં વિચાર માગી લે તેવી વાત એ છે કે શું આવી પરંપરાગત ઊજવણીઓનો ધ્યેય માત્ર એ જ હોય છે કે ખાવુંપીવું, નાચવું (પાશ્ચાત્ય સંસ્કૃતિએ) કે એવી બધી આમોદપ્રમોદની પ્રવૃત્તિઓ થકી બસ જલસા જ કરવા! હું મારા વાંચકોનો ઉત્સાહભંગ નહિ કરું, કેમ કે હું પણ સમજું છું કે આવા ઉત્સવોની ઉજવણીઓમાં મનોવૈજ્ઞાનિક ઘણા લાભો સમાએલા હોય છે. પાર્ટી કે મિજબાનીનું મુખ્ય પાત્ર, નર કે નારી જે કોઈ હોય તેના તરફ ઓછામાં ઓછું બધાયનું ધ્યાન કેન્દ્રિત તો થતું જ હોય છે અને તે એક દિવસ પૂરતી પણ તે કે તેણીની સંપૂર્ણ કાળજી લેવામાં આવતી હોય છે અને તેની લાગણીઓ પણ સાચવવામાં આવતી હોય છે. બાળકો તો ખાસ અનુભવતાં હોય છે કે તેમને બધાં ખૂબ ચાહે છે. સામાન્ય દિવસોમાં લાગતું એકાકીપણું આ ખાસ દિવસે અદૃશ્ય થઈ જતું હોય છે.
જન્મદિવસો કે અન્ય સામાજિક દિવસો મનાવવા પાછળ ચીલાચાલુ વ્યવહાર કે ઉલ્લાસમય આનંદથી વિશેષ મહત્વનું જો કંઈ હોય તો તે એ છે કે વ્યક્તિએ તે દિવસે પોતાના ભૂતકાળ તરફ જઈને જીવનનાં થોડાંક લેખાંજોખાં કરી લેવાં જોઈએ અને પોતાના ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવા માટેના કેટલાક હકારાત્મક સંકલ્પો પણ કરવા જોઈએ. આ એક ખાસ પ્રતિકાત્મક પ્રસંગ હોય છે કે જે માણસને પોતાના જીવનના આધ્યાત્મિક અને માનવતાદર્શી એવા આત્મસુધારણા માટેના વિચારોને બળ પૂરું પાડે છે. આ એક એવો દિવસ છે કે માણસે ભૂતકાળમાં પોતાના જીવનમાં જો કોઈ ભૂલો કરી હોય તો તેમને યાદ કરી લેવાની હોય છે અને શક્ય તેટલા પ્રયત્ને એવી ભૂલોને પોતાના સારા ભવિષ્યના નિર્માણ માટે સુધારી લેવાની હોય છે. જીવનમાં જે કંઈ વીતી ચૂક્યું છે તેનું આત્મમંથન કરીને ભાવી જીવનમાં જે જે ક્ષેત્રમાં સુધારા લાવવા જરૂરી હોય તે અંગેના માર્ગો અને ઉપાયો વિચારી લેવાના હોય છે. લ્યુસી લાર્કોમ (Lucy Larcom) નોંધે છે કે “જીવનમાં જે કંઈ ગયું તે ભૂતકાળ સાથે ગયું, તેમ માનીને હજુ ભવિષ્યમાં કંઈક વધારે સારું આવવાનું છે તેવું દરેકે વિચારવું જોઈએ.”
જન્મદિવસની ઊજવણીઓ માત્ર ભૌતિકવાદી ખ્યાલ ઉપર આધારિત ન રહેતાં તેમાં પોતપોતાની ધાર્મિક આસ્થાઓ કે માન્યતાઓ પ્રમાણેની આધ્યાત્મિકતા કે ધર્મભાવનાનું તત્વ પણ તેમાં ઊમેરાવું જોઈએ. આ એક એવો દિવસ ગણાવો જોઈએ કે જ્યાં આપણે ઈશ્વર કે જે એક અને માત્ર એક જ છે, પવિત્ર છે, સર્વશક્તિમાન છે અને સકળ જીવોનો જીવનદાતા છે એવા તેનો તેની નયામતો (બક્ષિસો) બદલ આભાર માનવામાં આવે. પોતાના જન્મદિવસને ઊજવનાર વ્યક્તિએ સાચા હૃદયથી ઈશ્વરને પ્રાર્થના પણ કરવી જોઈએ કે પોતાના જીવનનાં તમામ ક્ષેત્રોમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય અને પોતે જાણે કે અજાણ્યે કોઈ પાપ કર્યાં હોય તો સાચા દિલે થતા તેના પશ્ચાત્તાપને કબૂલ કરવામાં આવે અને પોતાને માફ કરી દેવામાં આવે. આ જન્મદિવસ એ સમગ્ર જીવનનો વચગાળાનો એક એવો દિવસ છે કે જ્યાં માણસે પોતાના જીવનનું તે દિવસ સુધીનું સરવૈયું મેળવી લઈને હિસાબખિતાબ ચોખ્ખો કરી લેવાનો હોય છે.
મિત્રો, અત્રેથી વિદાય લેવા પહેલાં, તમે માનો યા ન માનો પણ, હું સાવ સંક્ષિપ્તમાં અને એકદમ ચોખ્ખી એવી માનવજીવનની ફલશ્રુતિનું રહસ્ય સમજાવવા માગું છું જે આ પ્રમાણે છે : (૧) જ્યારે આપણો જન્મ થતો હોય છે, ત્યારે આપણે ઈશ્વરસર્જિત (God-made) નર કે નારી હોઈએ છીએ. (૨) જ્યારે આપણે સમાજમાં ઊછરતાં હોઈએ છીએ અને પુખ્ત વયનાં થતાં હોઈએ છીએ, ત્યારે આપણે માનવસર્જિત (Man-made) નર કે નારી બનતાં હોઈએ છીએ; અને/પણ, (૩) આપણે સ્વયં બનેલાં (Self-made) નર કે નારી તો ત્યારે જ બની શકીએ જ્યારે કે આપણે આપણામાં આંતરિક ક્રાંતિ (બદલાવ) લાવવા માટે પ્રયત્નશીલ રહીએ.
છેલ્લે, મજાકમાં કહું તો તમારાં બધાંયની વતી હું મને પોતાને મારા જન્મદિવસની મુબારકબાદી પાઠવું છું!
નેકદિલે અને ભ્રાતૃભાવે આભારસહ,
– વલીભાઈ મુસા
નોંધ : –
હળવા મિજાજે ગમ્મતગુલાલ ઊડાડું તો મહાત્મા ગાંધીજીએ ૧૯૪૨માં અંગ્રેજોને ‘ભારત છોડો’ની હાકલ કરી તેના આગલા વર્ષે આજની તારીખે હું આ દુનિયામાં આવી ચુક્યો હતો. આજના દિવસે હું ૬૯ વર્ષ પૂરાં કરીને ૭૦મા વર્ષમાં પ્રવેશી રહ્યો છું, જે માટે આભાર એ સર્વશક્તિમાન સર્જનહારનો જે મારે મારા લેખમાં જ ક્યાંક વ્યક્ત કરવો જોઈતો હતો.
Translated from English version titled as “Customary celebrations of birthdays” published on July 07, 2009
Akbarali Musa
July 7, 2010 at 1:17 am
My dear Papa,
Salam,
Yes,papa,Today is a special day for our big family in various aspects.For a part one ‘MANY MANY HAPPY RETURNS OF THE DAY’.At this moment let me remember ‘UNCLE JEFF’ too.What a co-incident of The Date of Birth! And part two our beloved uncle DR.ALIMOHAMMAD MUSA’S (USA) sudden demise at very young age.Let all family members pray for his Magferat,Aamin…..
With duas,
AKBARALI VALIBHAI MUSA
LikeLike
Ullas Oza
July 7, 2010 at 8:16 am
મુ. વલીભાઈ,
જન્મદિન મુબારક.
આપના વિચારો બહુ પ્રેરક અને જીવન-પથ પર ચાલવા માટે દિવાબત્તી જેવા હોય છે.
હા.દ.મા થયેલી આપણી મુલાકાત મારે માટે શુભ નીવડી છે. ખૂબ ખૂબ આભાર.
આપ હજુ ઘણા વર્ષો સુધી આરોગ્ય-પ્રદ, સમૃદ્ધિમય જીવન જીવો અને આપના વિચારોનો લાભ અમને સર્વને આપતા રહો તેવી પ્રભુને પ્રાર્થના.
ઉલ્લાસ ઓઝા
LikeLike
પટેલ પોપટભાઈ
July 8, 2010 at 2:17 am
મા.શ્રી વલીભાઈ
જન્મદિન મુબારક.
“આભાર એ સર્વશક્તિમાન સર્જનહારનો ”
સાચું કહ્યું જન્મદિન અનેકના હતા,છે અને હશે. સૌને મુબારક.
કોઈ પણ ” શરીર ” પ્રત્યેક ક્ષણે જન્મે છે.
LikeLike
Valibhai Musa
July 8, 2010 at 2:47 am
આભાર પોપટભાઈ, મારા જન્મદિન નિમિત્તેના તમારા હૂંફાળા અભિનંદન બદલ. આપે હરપળે જન્મતા સઘળા જીવોની વાત કરી, પણ હું તો માનું છું કે આપણે પ્રથમ વાર માતાની કૂખે જન્મ્યા ત્યાર બાદ જીવનભર જન્મતા રહેતા હોઈએ છીએ. માનવી કુદરતનિર્મિત અને માનવસર્જિત અકસ્માતો વચ્ચે જીવતો હોય છે. આપણે સહીસલામત ઘરે પાછા ફરતા હોઈએ ત્યારે અને નિદ્રામાંથી જાગૃત થઈએ ત્યારે આપણે જન્મ લેતા હોઈએ છીએ એ અર્થમાં કે આપણે જે તે સમય પૂરતા મૃત્યુને હાથતાળી આપી શક્યા હોઈએ છીએ.
પ્રત્યેક જીવની જીવન અને મરણ વચ્ચેની સંતાકૂકડીની રમત આયુષ્યભર ચાલતી રહેતી હોય છે અને છેવટે બધાયને છેવટે તો મૃત્યુના હાથે પકડાઈ જવું પડતું હોય છે.
જન્મદિવસોએ જાતને સવાલ માત્ર એ જ પૂછવાનો રહેતો હોય છે કે આપણે કેટલું અર્થસભર જીવ્યા!
સ્નેહાધીન,
વલીભાઈ
LikeLike
nilam doshi
July 8, 2010 at 8:53 am
જન્મદિવસની અંકે શુભેચ્છાઓ…. અનાયાસે આજે જ આ બધું વાંચવામાં આવ્યું..યોગ્ય દિવસે…
પ્રણામ સાથે..
LikeLike
Rajendra M.Trivedi, M.D.
July 9, 2010 at 6:41 pm
પ્રિય વલીભાઈ,
વર્ષો સુધી આરોગ્યપ્રદ,
સમૃદ્ધિમય જીવન જીવો.
તમારા વિચારોનો લાભ સર્વને આપતા રહો.
તેવી પ્રાર્થના ને શુભેછા.
રાજેન્દ્ર ત્રિવેદી
http://www.bpaindia.org
LikeLike
shilpa prajapati
July 10, 2010 at 12:31 am
nice topic..
keep it up..
*
http://zankar09.wordpress.com/
http://shil1410.blogspot.com/
* * *
shilpa prajapati
LikeLike
pragnaju
July 10, 2010 at 3:57 pm
સાતમાદશકનો જન્મદિવસ એક એવો સમય છે જ્યારે તમે વિચાર કરતા થઈ જાઓ છો કે સૂર્યાસ્ત પાસે છે, હવે અસ્ત થતા સૂર્ય સામે આંખો રાખીને જોઈ શકાય છે, ક્ષિતિજની ઉપરનું આકાશ ગુલાબી રંગ પકડી રહ્યું છે, પછી સોનેરી ગુલાબી, પછી ધુમ્મસી સુરમઈ રંગ, જે આસમાનીને ઢાંકી રહ્યો છે. સૂર્યની ઉપરી ધારથી પાણી સળગી રહ્યું છે એવો આભાસ થાય છે. એ દિવસના મૃત્યુ અને રાત્રિના જન્મની ક્ષણ છે, સાતમા દશકના જન્મદિવસનો અહસાસ આવો જ છે. સૂર્યાસ્ત પહેલાંની જિંદગીની પરતો અન્યમનસ્ક ખૂલતી જાય છે. તમે પ્રેમ કરો છો, નિકટતા અનુભવો છો, સ્મૃતિની ખૂશબો હોવી જોઈએ. સ્મૃતિનું વજન ન હોવું જોઈએ. વિસ્મૃતિના પલાયનવાદમાં રુચિ નથી. વેદનાની જાહોજલાલી મૃત્યુ સુધી ઝળહળતી રહે એ અભિપ્સા છે, લિપ્સા છે, ઈપ્સા છે…
૩૩મે કે ૫૩મે વર્ષે પણ શક્ય ન હતું,એ આ જન્મદિને પણ શક્ય નથી. એ સ્મૃતિ છે, જલછબિ જેવી અ-શાશ્વત, અને ક્ષણભંગુર નહીં પણ ક્ષણાર્ધભંગુર. મન સુષુપ્ત નથી, મન સ્થિર કે જડ નથી, ફક્ત વેદનાને વાચામાં ઢાળવાની શક્તિ રહી હોતી નથી.
આવી સ્થિતીમા તમને માનવજીવનની ફલશ્રુતિનું રહસ્ય સમજાય
અને
આંતરિક ક્રાંતિ લાવવા માટે પ્રયત્નશીલ રહો…
તૌહીદકી અમાનત સીનેમેં હય હમારે
આસાં નહીં મિટાના નામો નિશાં હમા
(અમારા સીનામાં અદ્વૈતની અમાનત છે
એથી અમારું નામોનિશાન સહેલાઇથી મિટાવી નહીં શકાય.)
’નહીં હૈ તેરા નશેમન કશરે સુલતાની કે ગુબંદ પર
તુ શાહી હય બશેરા કર પહાડોંકી ચટાનોં પર’
અય તાઇરે લાહૂતિ ઉસ રિઝક સે મોત અચ્છી!
જિસ રિઝકસે આતી હો પરવાઝમે કોતાહી”
…………………………………
“સ્વસ્તિ ન ઈન્દ્રો વૃદ્ધશ્ચવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ ।
સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ ।। “
LikeLike
Valibhai Musa
July 10, 2010 at 5:53 pm
પ્રજ્ઞાબેન,
સાચે જ મનુષ્યજીવનના સાતમા દશકના અહેસાસને આપે જે વર્ણવ્યો છે, બસ તે જ રીતે મારી વર્તમાન વયને હું બહુ જ સ્વસ્થતાપૂર્વક અનુભવી રહ્યો છું. આજની આપની આ કોમેન્ટમાંથી ‘તવહીદ’ને ચરિતાર્થ કરતો ‘અદ્વૈત’ શબ્દ જે મને મળ્યો છે તેની મને તલાશ હતી. આમ તો ‘તવહીદ’ને અનેક રીતે સમજાવવામાં આવે છે, પણ ત્યાં શબ્દસમૂહોનો ઉપયોગ થતો હોય છે. ‘તવહીદ’નો પર્યાયવાચક એક જ શબ્દ તફસીરકારો ‘એકત્વ’ બતાવતા આવ્યા છે તેનો જ આ ‘અદ્વૈત’ શબ્દ સમાનાર્થી હોવા ઉપરાંત તેનાથી પણ કંઈક વિશેષ છે. ‘એક્ત્વ’માં હકારાત્મક ભાવ છે, તો અહીં એ જ શબ્દને “દ્વૈત નહિ તે” એ રીતે ભારપૂર્વક સમજાવાય છે. અને તેથી જ અરબી ભાષામાં પૂર્વગ ‘લા’ ના જેવો જ અહીં ‘અ’ છે. કોઈ હકીકતને પ્રથમ પ્રચલિત માન્યતાઓથી નકારવી અર્થાત નિર્મૂળ કરવી અને પછી હકીકતને સત્ય તરીકે પ્રસ્થાપિત કરવી એમાં નિશ્ચયાત્મકતા આવતી હોય છે. આ વાતને સમજવા માટે એક ઉદાહરણ લઈ શકાય કે આપણે કોઈ જૂના મકાનની જગ્યાએ નવું મકાન બનાવવા માગતા હોઈએ તો પ્રથમ તેને જમીનદોસ્ત કરવું પડે અને પછી તે જ જમીન ઉપર નવીન સર્જન કરી શકાય. બસ, એમ જ ભ્રામિક માન્યતાનું પ્રથમ ખંડન કરવું જરૂરી બની જાય છે અને પછી જ તેની જગ્યાએ સાચી માન્યતાનું પ્રસ્થાપન કરી શકાય. મેં વેદોનો તલસ્પર્શી કોઈ અભ્યાસ કર્યો નથી, પણ છૂટુંછવાયું જે કંઈ વાંચવા મળ્યું છે, તે પ્રમાણે ઋગ્વેદમાંનો શબ્દ ‘નેતિ’ અર્થાત ‘ન ઇતિ, ન ઇતિ’ એ ઈસ્લામના સ્વીકાર વખતે અહમ ગણાતા પવિત્ર-પાક-તૈયબ ‘કલેમાહ’ – લાએલાહા ઈલલ્લાહ” નો જ દ્યોતક છે.
આપણી વચ્ચે ‘સત્સંગ’, સંવાદ’ કે ‘શાસ્ત્રાર્થ’ જે કહો તે થયો તેની મને અત્યંત ખુશી છે.
ધન્યવાદ,
સ્નેહાધીન,
વલીભાઈ
LikeLike
DR. CHANDRAVADAN MISTRY
July 10, 2010 at 11:58 pm
વલીભાઈ,
જુલાઈ ૭ એટલે તમારો જન્મ દિવસ ! ખુશીનો દિવસ !
આ વિષે ૬૦+ગ્રુપના ઈમેઈલથી જાણી, મેં શુભેચ્છાઓ પાઠવી હતી….તે અહી નથી …ચાલો, પ્રભુક્રુપાથી હું તમારા બ્લોગ પર આવ્યો, અને ફરી “અભિનંદન” પાઠવવાનો લ્હાવો લઈ રહ્યો છું .
પ્રભુ તમને તંદુરસ્તી બક્ષે !
આપની મિત્રતા ખીલતી રહે !
રૂપાના લગ્નની કંકોત્રી મળી હતી કે નહી ????
ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Valibhai Thanks for your VISIT/COMMENT on Chandrapukar !
LikeLike
Narendra Jagtap
July 11, 2010 at 5:53 am
પરમઆદરણિય વડિલ શ્રી… સાદર નમસ્કાર… આપને મોડે મોડે પણ મારા આદરપૂર્વકના અભિનંદન… આપ સ્વસ્થ અને તંદુરસ્ત રહો …. આપના વિચારો ગમે છે અને વાંચુ છું… મે એક મારા કાવ્યમાં પ્રભુ પાસે આવું કૈક માંગેલુ…
તારા થકી દીધેલા જીવતરને જ જીવુ છું હું
વધુ ના માંગુ પણ તંદુરસ્ત મોત આપજે
LikeLike