RSS

(207) “રૂદન” – માનવજીવનની લાગણીઓની એક અજોડ અભિવ્યક્તિ!

12 Jul

Click here to read in English version with Images

આપણી પાસે કોઈ ઠોસ અને નિર્ણયાત્મક સાબિતી નથી કે જે થકી આપણે કહી શકીએ કે મનુષ્ય સિવાયનાં અન્ય પ્રાણીઓ પણ રૂદન કરતાં હશે! આ લેખ માનવીઓ ઉપર કેન્દ્રિત હોઈ આપણે પ્રાણીઓ સાથે કોઈ લેવાદેવા નથી. ટોમ લુત્ઝ (Tom Lutz) નામના જીવવિજ્ઞાની લાક્ષણિકતાઓને અનુલક્ષીને આંસુઓના ત્રણ પ્રકાર આપે છે. (1) મૂળભૂત (Basal) આંસુ (2) પ્રત્યાઘાતી (ઈજાના ફલસ્વરૂપ) આંસુ; અને, (3) લાગણીજન્ય (મનોવૈજ્ઞાનિક કારણથી નિપજતાં) આંસુ. પરંતુ, અહીં પણ મારો એવો કોઈ ઈરાદો નથી કે હું રૂદન કે આંસુ સારવાની પ્રક્રિયાનો કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ રજૂ કરું. હું હવે પછી અહીં ફક્ત લાગણીજન્ય આંસુઓ વિષેની જ ચર્ચા હાથ ધરીશ.

ચાર્લ્સ ડાર્વિને (Charles Darwin) કહ્યું છે કે ‘રૂદન એ મનુષ્યની વિશિષ્ટ પ્રકારની સાંવેગિક અભિવ્યક્તિ છે’. રૂદનને કોઈ ઉંમર, લિંગ કે સંસ્કૃતિના ભેદ નડતા નથી અને માનવજીવનમાં આ સંવેગ યુગો સુધી ચાલ્યા જ કરશે. રડનારને કોઈ બાહ્ય સત્તા કે શક્તિ તેને તેમ કરતાં અટકાવી શકે નહિ, જ્યાં સુધી કે વ્યક્તિ પોતે જ પોતાની મેળે અથવા પોતાની ઈચ્છાથી રડવાનું બંધ ન કરી દે! ઘણીવાર એમ પણ બનતું હોય છે કે રડનાર પોતે પણ પોતાના રૂદન ઉપર અંકુશ મૂકી ન શકે, જ્યાં સુધી તેની પ્રસન્નતા કે ગમગીનીનું મૂળભૂત જે કોઈ કારણ હોય તેની અસર સંપૂર્ણપણે તેના મનમાંથી સાવ ભૂંસાઈ ન જાય.

આર્નોલ્ડ એચ. ગ્લાસો (Arnold H. Glasow) નોંધે છે કે ‘રૂદન એ એક માનસિક રાહત આપનાર અને મનોવૈજ્ઞાનિક આરામપ્રદ ઔષધ કે પ્રશાંત બનવા માટેના ઈલાજ સમાન છે.’ રૂદન એ મૂલ્યવાન હોવા છતાં મફત છે અને ઈશ્વરની માનવજાતને એક મહામૂલી ભેટ છે. તે માત્ર બાળકો કે સ્ત્રીઓ પૂરતું સીમિત નથી, એ બધાયના માટે છે. તે કુદરતી હોવા ઉપરાંત તંદુરસ્તીપૂર્ણ અને મનને સ્વસ્થતા અર્પનારું છે. શારીરિક અને માનસિક રીતે સક્ષમ રહેવા માટે રડવું અત્યંત જરૂરી છે. કોઈકવાર ગમ કે ખુશીનું આંખોમાં આંસુ લાવીને શમન ન કરવામાં આવે તો કમજોર દિલના માણસ માટે તે પ્રાણઘાતક પણ સાબિત થઈ શકે છે. આ તબક્કે હું મારા વિષયને સાહિત્યિક એવી પશ્ચાદભૂમિકા સાથે સાંકળીશ કે જેથી રૂદનના માનવજીવનમાંના મહત્વને હું ન્યાયસંગત ઠરાવી શકું. હવે આપણે આલ્ફ્રેડ લોર્ડ ટેનિસન (Alfred Lord Tennyson) ના શબ્દચિત્રમય કાવ્ય “Home They Brought Her Warrior Dead” (તેના મૃત યોદ્ધા પતિને ઘેર લાવવામાં આવ્યો) નો સાર નહિ, પણ એ કવિના આ અદભૂત સર્જનનો મૂળ પાઠ જ અંગ્રેજીમાં આપીશ, એટલા માટે કે તેનો મૂળ ભાવ ગુજરાતી અનુવાદમાં નહિ જળવાય! સ્થળસંકોચના કારણે હું આ કાવ્યનો અહીં લિંક જ આપું છું.

ઉપરોક્ત કાવ્ય સ્વયં સ્પષ્ટ હોઈ તેનું કોઈ અર્થઘટન કરવું મને જરૂરી લાગતું નથી. કોઈ કદાચ એમ દલીલ કરે કે જો આંખનાં આંસુઓ આપણા કોઈ અવસાન પામેલ પ્રિયજનને પાછું ન લાવી શકે, આપણા ભગ્ન પ્રેમને પુન: સ્થાપિત ન કરી શકે કે પછી આપણી ગુમાવી દેવાએલી સમૃદ્ધિને પાછી ન વાળી શકે તો તેમને વહાવવાનો શો અર્થ? આવું તત્વજ્ઞાન ડહોળવું તેઓના માટે જ શક્ય બની શકે જેમને પોતાના જીવનમાં આવી પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું ન બન્યું હોય! કોઈ વાંઝણી સ્ત્રી પ્રસુતાની વેદનાને ક્યાંથી સમજી શકે! રૂદન એ માનવજીવનનું એવું આશ્ચર્ય છે કે જેણે યુગોથી લોકોને ગૂંચવ્યે જ રાખ્યા છે. ઉપરના કાવ્યનો સંદેશ એકદમ સ્પષ્ટ છે કે હર્ષ કે શોકના આઘાતનો સામનો થવો જ જોઈએ અને રૂદન જ એક એવો ઉપાય છે કે જે વ્યક્તિને એવા આઘાતમાંથી બહાર લાવી શકે અને તેને હળવી બનાવી શકે.

લોકો રડે છે, જ્યારે કે તેઓ ઉદાસ, ભયભીત, ક્રોધિત અને હતાશા કે વેદનામય સ્થિતિમાં હોય; અને વળી કેટલીક વાર તો તેઓ ખુશ હોય ત્યારે પણ રડી પડતા હોય છે. રડવું બધા જ સંવેગોમાં ઉદભવતું હોય છે અને તે વ્યક્તિને જન્મથી મૃત્યુ પર્યંત માનસિક રીતે સ્વસ્થ રહેવા માટેનું પોતાનું યોગદાન પૂરું પાડે છે. વચ્ચે, આપણે નવીન જન્મતાં બાળકોના રડવા વિષે થોડોક વિચાર કરી લઈએ, જ્યારે કે ઉપર દર્શાવ્યા મુજબ વ્યક્તિના સમગ્ર જીવન સાથે રૂદન તો સંકળાએલું જ હોય છે. આ એક ભેદભરમવાળો મુદ્દો છે એ અર્થમાં કે કોઈ નવજાત શિશુને કોઈ કઈ રીતે પૂછી શકે કે તે શા માટે રડે છે! વળી, આપણે પોતે પણ આપણા જન્મ વખતે રડ્યાં હોઈશું, પણ એ રડવા પાછળનાં કારણો તો આપણને ક્યાંથી યાદ હોય! આ કારણો સંખ્યામાં એકથી વધારે હોઈ શકે અને તેમની આપણી પૂર્વધારણા કે આત્મસ્ફૂરણા વડે માત્ર કલ્પનાઓ જ કરી શકીએ. આમ એ બધાં કારણોને આપણે સત્તાવાર કે ભરોંસાપાત્ર પણ ન ગણી શકીએ કેમ કે સંશોધકોએ જે તારણો શોધ્યાં હોય તેમનાથી અલગ પડવાની પણ શક્યતાઓ રહેલી છે.

અહીં હું બાર ઈમામી શીઆ મુસ્લીમ સમુદાયના માસુમ ઈમામો (આધ્યાત્મિક નેતાઓ) પૈકીના કોઈ ઈમામે ફરમાવેલી એક હદીસ (મુખવચન કે ફરમાન) કે જે મારા સાંભળવામાં આવેલ છે તેને દર્શાવ્યા સિવાય મારી જાતને રોકી શકતો નથી. આપ ઈમામે ફરમાવેલા કથન મુજબ જ્યારે કોઈ નવીન જન્મેલ બાળક સતત રડ્યા કરતું હોય અને ચૂપ ન થતું હોય, ત્યારે તે બાળકની માતાએ પોતાનું ડાબું પડખું નીચેના ભાગે રહે તે રીતે બાળકને આલિંગન દેતાં પથારીમાં એવી રીતે સૂઈ જવું જોઈએ કે જેથી તેનો કાન તે ભાગે ચીપકાએલો રહે અને તે બાળક માતાના હૃદયના ધબકારને નિકટતાથી સાંભળી શકે. બાળક જો કોઈ શારીરિક તકલીફથી પીડાતું નહિ હોય, તો તરત જ છાનું રહી જશે. આ પ્રક્રિયા કરવા પાછળની દલીલ એ છે કે બાળકે પોતાની ગર્ભાવસ્થા દરમિયાન માતાના ઉરધબકારને પૂર્ણ વિકસિત સ્થિતિમાં આવ્યું હોય ત્યાંથી માંડીને જન્મ સુધી જે સાંભળ્યો હોય અને તેના અજ્ઞાત મનમાં સંઘરાએલો હોય તે જ પરિચિત અવાજ તેને ફરીથી સાંભળવા મળે છે અને આમ પોતે તે જ ધબકાર તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે અને શાંત થઈ જાય છે.

માનવીનું જીવન રૂદનથી જ શરૂ થાય છે અને આ જ રૂદન જન્મથી જ આપણા શ્રેષ્ઠ મિત્ર તરીકે આપણી સાથે રહેતું હોય છે. આ મિત્રાચારીને આપણે જ્યારે જ્યારે પણ જિંદગીમાં રડવાનો મોકો મળે, ત્યારે રડી લઈને તેને જીવંત રાખવી જોઈએ. જીવનમાં મળતી આવી તકને ગુમાવ્યા વગર વ્યક્તિએ સ્વાભાવિક અને મુક્ત મને રડી લેવું જોઈએ. અશ્રુને ખાળવાં કે રોકી રાખવાં એ માનસિક અને શારીરિક એમ બંને રીતે હાનિકારક છે. ઘણીવાર ઘરનાં કોઈક વડીલજન કોઈક કુટુંબીજનના અવસાન નિમિત્તે પોતાનું મન મક્કમ કરીને પણ રડવાનું એવા શુભ ઈરાદાથી ટાળતાં હોય છે કે જેથી કુટુંબનાં બાકીનાં માણસોમાં મરનાર પરત્વેના પોતાના દુ:ખને સહન કરવા માટેની હિંમત જળવાઈ રહે. પરંતુ, કોઈ વ્યક્તિ વારંવાર અશ્રુને રોકી રાખવાની પોતાની આવી વૃત્તિ કે રીતને ચાલુ રાખે તો લાંબા ગાળે એવું પણ બની શકે કે તે અથવા તેણી પોતાના દિલની સંવેદનશીલતાને ગુમાવી બેસે અને કઠોરતા ધારણ કરી લે. માણસે હંમેશાં પોતાના સ્વભાવે નરમ કે લાગણીશીલ રહેવું જ જોઈએ અને આગળ જતાં વ્યક્તિઓના આ જ સંવેગો મોટા પાયે વિશ્વશાંતિ માટે લાભદાયક બની રહેતા હોય છે.

મારા આ વિચારોના સમર્થનમાં હું ગુજરાતી કવિ ‘કલાપી’ ના એક કાવ્ય ‘ઝખમ’ અર્થાત્ ‘હૃદયના ઘાવ’ ને સંક્ષિપ્ત સારાંશે ટાંકીશ. કવિ કહે છે કે ‘મારા હૃદયે અનેક ઘાવ અનુભવ્યા છે. મેં એ બધાયને સહન કરી લીધા છે અને હજુયે હું તેમને સહન કરતો રહીશ. મેં એ ઘાવને ગણ્યા નથી અને ગણીશ પણ નહિ. પણ, હે ઈશ્વર, હું તને પ્રાર્થના કરું છું અને તારી પાસે તારા એવા આશીર્વાદની અપેક્ષા પણ રાખું છું કે મારું હૃદય સાવ લાગણીશૂન્ય અને કઠોર ન બની જાય!’

મારા આ લેખને સમેટતી વખતે મારા વાંચકો માટે હું ખૂબ જ મહત્વના કથનને થોડાક જ શબ્દોમાં દોહરાવીશ કે રૂદન એ આપણાં શારીરિક દુ:ખો અને માનસિક તનાવ કે ભારણોને હળવાં બનાવવા ખૂબ જ અગત્યનું છે. પરંતુ, સાથે સાથે હું તમને ચેતવીશ પણ ખરો કે વારંવાર નાનીનાની વાતોમાં અને સાવ સામાન્ય અને સહન કરી શકાય તેવા સંજોગોમાં પણ રડવું એ કાયરતાની નિશાની છે. આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે આપણું જીવન એ એક યુદ્ધનું મેદાન છે અને આપણે યોદ્ધાઓ છીએ. જીવનની તમામ મુસીબતો સામે આપણે બહાદુરીપૂર્વક લડવું જોઈએ. આપણે હંમેશાં એક સુત્રને યાદ રાખવું જોઈએ કે ‘મેદાન છોડી જનાર કદીયે જીતી શકતો નથી હોતો અને જીતનાર કદીયે મેદાન છોડતો નથી હોતો.’

આશા રાખું છું કે અહીં ચર્ચવામાં આવેલા સાવ નવીન જ એવા વિષય ઉપર આપ વાંચકોના પ્રતિભાવો મળી રહેશે અને ચર્ચાના ભાગરૂપ એવાં આપ સૌનાં આનુષંગિક મંતવ્યો પણ આ ફલક ઉપર મુક્તપણે રજૂ થશે જ.

સલામ/વંદનસહ,

-વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Translated from English version titled as “Crying, a unique expression of passions in human life” published on May 10, 2009.

 

Tags: , , , , , , , ,

9 responses to “(207) “રૂદન” – માનવજીવનની લાગણીઓની એક અજોડ અભિવ્યક્તિ!

  1. Rekha sindhal

    July 12, 2010 at 4:41 pm

    ‘She must weep or she will die.’કાવ્યમાંથી આ પંક્તિ રૂદનનું મહત્વ દર્શાવે છે. મોટા આઘાતથી અભિવ્યક્તિઓ ક્યારેક મેળે જ કચડાઈ જાય છે.ક્યારેક નાના નાના પ્રસંગો સતત આ અભિવ્યક્તિ સતતને કચડતા રહે છે.બાળક રડે ત્યારે કેટલીક માતાઓ તેને મારના ડરથી ચૂપ કરે છે.કેટલીક માતાઓ પ્રેમ થકી કારણનું નિવારણ કરીને ચૂપ કરે છે.ડરથી રૂદનને ખાળી અભિવ્યક્તિને કચડવાથી નાનપણથી બાળકમાં કઠોરતાનું આરોપણ થાય છે.નાનું બાળક રડે ત્યારે સાથે સાથે તેના ફેફસા પણ મજબૂત થતા હોય છે. રડી લેવાથી જીવનમાં આનંદના સ્ત્રોતને ફરી વેગ મળી રહે છે તે સત્ય લગભગ દરેકે અનુભવ્યુ હોય છે.
    સુંદર લેખ ! આભાર વલીભાઈ !

    Like

     
  2. pragnaju

    July 12, 2010 at 5:18 pm

    Rose a nurse of ninety years,
    Set his child upon her knee–
    Like summer tempest came her tears–
    ‘Sweet my child, I live for thee.’
    કેટલી સુંદર પંક્તીઓ…અમારા જીવનમા વણાઈ ગયેલી.ભાર હળવો ન થાય ત્યાં સુધી રડવાની-રડવા દેવાની
    ભવભૂતિએ કરુણરસને શ્રેષ્ઠ રસ કહ્યો છે.નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાએ કહ્યું છે, આ વાધને કરુણ ગાન વિશેષ ભાવે.પર્સી બાઇસ શેલીએ કહ્યું છે: આપણા મધુર ગીતો તે છે જે આપણા કરુણ વિચારો અંગે હોય છે.કલ્પના લાજમીની ફિલ્મ રુદાલી એક મૃત્યુ વખતે છાતી કૂટનારી, મરસિયા ગાનારી અને ગ્લિસરિનની મદદ વિના બોર બોર જેવડાં સારચાં આંસુ વહાવનારી રુદાલીની વાત છે.એકાએક તેઓ પોક મૂકે અને મરનારનાં ગુણગાન ગાતી જાય તથા છાતી કૂટતી જાય: હાય હાય. ઉત્કૃષ્ટ અભિનય … તમે તો આવા હતા અને તમે તો તેવા હતા અને તમારા વિના હવે આ જીવતરમાં શું રહ્યું છે એમ ગાઇ ગાઇને તેઓ તારસ્વરે કરુણ ગાન ગાતી જાય. કાણે આવેલી આ સ્ત્રીઓ મરસિયા ગાય એટલે ભલભલાના આંખમાંથી આંસુ સરી પડે .હેડ્ટી લામરના કરુણ અભિનય પછી તો, ડેલાઇલાના પર્યાય જેવી બની ગઇ.
    આપણા સમાજમા નરસિંહરાવ કે ભોળાનાથ દિવેટિયાનું મંગળ મંદિર ખોલો, દ્વાર ઊભો શિશુ ભોળો અને શિશુને ઉરમાં લ્યો લ્યો ગવાય ત્યારે બધાની આંખ નમી થાય છે.ઘણા ખરાની
    વેદનાનું અમૃત વહાવતી કથા હોય છે. મનુષ્યને પોતાના જીવનમાં આંસુ તો કેટકેટલાં જોવા મળ્યાં હોય. પણ કદી કોઈ આંસુનું ટીપું વાસી નથી અનુભવાતું. પ્રત્યેક આંસુની પોતાની પ્રસવપીડા છે ! અને આ પ્રસવપીડામાંથી જ પ્રાપ્તિ થઈ છે. એ તત્વ છે અછતને વળોટીને ધસમસ વહેતી જિન્દાદિલીનું, જીવનરસનું, સંઘર્ષના પ્રખર તાપમાં પ્રફુલ્લીત ઝૂમતા ગુલમહોરી ઉલ્લાસનું.Image
    એક પંક્તી યાદ આવે
    મૃત્યુ નથી અટકતુ કોઇના કીધે
    નનામી માટે જોઇએ બાંધવાવાળા તૈયાર ભાઇ
    રડવુ પડે ન આવડે રડતા પણ
    રડવા માટે રુદાલી જોઇએ તૈયાર ભાઇ

    Like

     
  3. sapana

    July 12, 2010 at 9:53 pm

    વલીભાઈ..જેના કપાળમાં કુવો છે એને માટે તો આ લેખ મનગમતો છે.પહેલા તો અભીનંદન તમારા લેખ પર.તમારાં લેખ હમેશા જીવનને અડીને ચાલે છે.રુદન એક સાહજીક પ્રક્રિયા પોતાના સંવેદન બતાવાની.સ્ત્રી પ્રુરુષ કે બાળક..સર્વને માટે હેલ્થી એકશન..ડુમાઓ દિલમાં રાખવાં અઘરાં પડે ત્યારે આંસુ બની નીકળી પડે..વહેવા દો એને ના રોકશો.રડી લેવા દો એ વિધવાને પણ જેનો પતિ યુધ્ધમાં માર્યો ગયો એ માતાને પણ જેનો દિકરાએ લેઇક મીશીગનમાં જળ્સમાધી લીધી.રડવા દો એ પ્રેયસીને જેનો પ્રિતમ દૂર ગામ વસે..બસ રડવા દો..બાર ઈમામ્ની વાત કરી એ હદીસ મે પણ સાંભળી છે અને ઇમામ હુસૈનની શહાદત પર હજું કરોડો શીયા રડે છે..કારણ કે એમના ઘરવાળાને આંસુ પાડવા પર તમાચા પડતા હતા.એટલે રડવાની કુદરતી પ્રક્રિયા પર એ મુનાફિકોએ પહેરા લગાવેલા..
    બસ..આટલુ જ સપના

    Like

     
  4. Valibhai Musa

    July 13, 2010 at 12:50 am

    આભાર રેખાબહેન
    ‘રૂદન’ની વિભાવનાને આપે સાચું જ સમર્થન આપ્યું છે. માતાઓ બાળઉછેરની કપરી જવાબદારીઓ ઊઠાવતી હોય છે. માતા જ બાળકને વધુ સારી રીતે સમજી શકતી હોય છે. બાળકના સંવેગોની બાબતમા પિતા હંમેશાં અણઘડ જ પુરવાર થતો હોય છે. બાળહઠ સામે માતા જવલ્લે જ ગુસ્સે થતી હોય છે, જ્યારે પિતા પોતાની ધીરજ જલ્દી ગુમાવી બેસતો હોય છે. આ જ તો ફરક છે, માતા અને પિતા વચ્ચેનો!

    Like

     
  5. Valibhai Musa

    July 13, 2010 at 1:24 am

    શુક્રિયા, પ્રજ્ઞાબેન, આપના વિવેચનાત્મક પ્રતિભાવ બદલ

    એરિસ્ટોટલ પણ Tragedy ની વિભાવનાને આ જ રીતે સમજાવે છે. સાહિત્યમાં કરૂણપ્રશસ્તિમય લખાણો જ વધુ પ્રભાવશાળી પુરવાર થતાં હોય છે.

    Like

     
  6. Valibhai Musa

    July 13, 2010 at 2:30 am

    સપનાબેન,

    શુક્રિયા. આપની મિત્રના હોનહાર યુવાન પુત્રનું અવસાન આપણને દ્રવિત કરી નાખે છે, તો તે માતાના દિલની કેવી વલે થઈ હશે! તે બિચારી અને તેનાં આપ્તજનોનાં આંસુઓ કદીયે સુકાશે ખરાં! આપે કરબલાના વાકયાની જે વાત કહી તે તો આધુનિક જગત માટેની એક અજીબોગરીબ વાત છે કે એક એવી રોવાવાળી શીઆ કૌમને અલ્લાહે પેદા કરી કે જેનાં આંસુ કયામત સુધી ખૂટશે નહિ. કરબલાના મેદાનમાં 72 તનોએ આપેલી કુરબાની જગતના ઈતિહાસમાં અજોડ છે. જેઓ શારીરિક રીતે શહિદ નથી થયાં, પણ માનસિક અપાર વેદનાઓ અનુભવી એવાં મજલુમ બાળકો અને સ્ત્રીઓની હાય તો એવી અસરકારક રહી કે આજે એ યઝીદના વંશજોનું નામોનિશાન સુદ્ધાં નથી. શીઆ સમુદાયના ઈમામોની તવારિખ જેવું ક્યાંય જોવા નહિ મળે કે લગભગ અઢીસો વર્ષના સમયગાળામાં થઈ ગએલા બાર ઈમામો પૈકીના લાગલગાટ અગિયાર ઈમામો પૈકી કોઈ તલવારથી તો કોઈ ઝેરથી શહીદ થયા.

    આપને સમયની અનુકૂળતા હોય તો નીચેના મારા બે આર્ટિકલ જો વાંચવામાં ન આવ્યા હોય તો વાંચવાની ભલામણ કરું છું.

    (1) Shahadat (Martyrdom) of Hajarat Imam Ali (A.S.)
    http://www.musawilliam.com/2009/09/12/shahadat-martyrdom-of-hajarat-imam-ali-a-s/

    (2) ચોરસ દુનિયા – ૪ (ઝિંદાને શામ – Syria)

    http://www.musawilliam.com/2009/12/22/%e0%aa%9a%e0%ab%8b%e0%aa%b0%e0%aa%b8-%e0%aa%a6%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf%e0%aa%af%e0%aa%be-%e0%ab%aa-%e0%aa%9d%e0%aa%bf%e0%aa%82%e0%aa%a6%e0%aa%be%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b6%e0%aa%be%e0%aa%ae-s/

    ખુદા હાહિઝ,

    દુઆગીર,

    વલીભાઈ

    Like

     
  7. Ullas Oza

    July 13, 2010 at 3:04 am

    હસવુ અને રડવુ ઍ માણસની સાહજીક પ્રકૃતિ છે.
    આપણને જ્યારે કઈં ગમતુ થાય છે ત્યારે હસવુ આવે છે જ્યારે આંસુ તો હરખના પણ હોય કે દુઃખના પણ હોય.
    રડવાથી મન હલકુ થઈ જાય છે અને તેથી જ જ્યારે કોઈ ગમગીન હોય છે તો તેને છુટથી રડી લેવાનુ કહેવાય છે.
    ‘રૂદન’ વિષે આપનો સુંદર લેખ અને સુજ્ઞ વાંચકોના પ્રતિભાવો જીવનોપીયોગી માર્ગદર્શક.
    આભાર.
    ઉલ્લાસ ઑઝા

    Like

     
  8. Sharad Shah

    July 13, 2010 at 9:11 am

    નબળા અને અબળાનું શસ્ત્ર છે રુદન.
    નરની સમસ્યા ને નારીની સહજતા છે રુદન.
    હૃદયમા અપ્રગટ ને નૈનમાં પ્રગટ છે રુદન
    અભિશાપ ભલે લાગે આશિર્વાદ છે રુદન.
    રુદન ભરેલા, સડતા સબડતા માનવી નિહારી,
    ગિરધારી પણ કેમ ખુશ થાય, કરે છે રુદન.
    જરાક એની યાદમાં ચાર આંસુ તો બહાવ,
    મીઠી મીઠી પીડાને, મીઠું લાગે છે રુદન.
    શરદ

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: