RSS

(210) ભેદભરમની ભીતરમાં – આસ્થા કે ઈમાન! (૨)

18 Jul

મારા અગાઉના આ શીર્ષકે લખાએલા લેખ પછી કેટલાક મિત્રોનાં સૂચનોથી મને એવું પ્રોત્સાહન સાંપડ્યું છે કે મારે મારા જીવનમાં અનુભવાએલી આવી ભેદભરમને ઉજાગર કરતી અન્ય કોઈ વાતોને લેખશ્રેણી રૂપે રજૂ કરવી. આમેય મારા બ્લોગનું શીર્ષક પણ છે, “William’s Tales” (વિલિયમની વાતો) અને તેથી જ હું છેલ્લાં ત્રણેક વર્ષથી વિવિધ વિષયો ઉપર વાતો જ કરતો આવ્યો છું. આમ હું આપ સૌને સંબોધીને જ લખતો હોઉં તેવી મારી કથનશૈલી પણ અનાયાસે આવી જાય છે.

મેં એક બહુ જ સંવેદનશીલ વિષય પસંદ કર્યો હોઈ મારે ખૂબ જ સાવધાની વર્તવી પડશે અને તે મારા માટે જરાય મુશ્કેલ નહિ બને. મને અંગત રીતે પ્રત્યક્ષ જાણતા અને પરોક્ષ રીતે મારા લેખો દ્વારા મને સમજનારાઓને ખબર હશે જ કે હું સર્વધર્મને સન્માન આપવાની ભાવનાને વરેલો છું. વિવિધતામાં એકતા એ આપણી ભારતીય સંસ્કૃતિનું ઉમદા લક્ષણ છે. ભારતમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે ગણાતા એવા બે મોટા મુખ્ય સમુદાયોને એ જ ક્રમે ઓળખાવવા મારા શીર્ષકમાં મેં ‘આસ્થા’ અને ‘ઈમાન’ એવા બે શબ્દો મૂક્યા છે. હું મારા જે અનુભવને આ લેખમાં દર્શાવવા જઈ રહ્યો છું તેમાં કોઈ ધર્મ કે ધર્મગ્રંથને ઉલ્લેખવાથી દૂર રહીશ. પ્રત્યેક ધર્મના અનુસરનારાઓની મૂળભૂત ભાવના તેમની આસ્થા કે ઈમાન (Faith) ના પાયા ઉપર મંડાએલી હોય છે. ખેર, હવે આપણે ઘટનાના નાયક (Hero)ના સ્વાનુભવની વાત ઉપર આવીએ.

અહીં અપાતી ઘટનાના નાયક તરીકે મને કે અન્ય કોઈને ઓળખાવવું જરૂરી નથી. મારા વાંચકો પોતે પણ આ કે આવી ઘટનાઓના નાયક તરીકે પોતાને ગોઠવી શકે. આમ હું આપણા નાયકને ‘અ’ તરીકે જ દર્શાવીને આગળ વધું છું. હવે આપણે તેના જ શબ્દોમાં તેના સ્વાનુભવને ભેદભરમની પરિભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આપણે તેને જ સાંભળીએ.

* * * * *

“અમારો ખેતીનો પૂરક વ્યવસાય હોઈ અમે ખેતીવાડીની સઘળી જવાબદારી અમારા અત્યંત વિશ્વાસુ સાથી (ભાગિયા)ને હવાલે કરી દીધી હતી. આમ છતાંય સાંજ પડ્યે તે ઢોરઢાંખરને ઘરે જ લાવી દે. સાંજે અને સવારે ભેંસો દોહવાનું કામ અમારો સ્ત્રીવર્ગ જ કરે અને પુરુષસભ્યોએ રાત્રે ઢોરોને ઘાસ નીરવાનું કામ કરવાનું રહે. આમ રાત્રિ પૂરતો અમારો સાથી મુક્ત જ રહેતો અને પોતાના ઘરે જ જતો રહેતો હતો.

તે રાત્રિએ હું મોડા સુધી અન્ય ધંધાકીય હિસાબખિતાબનું કામ પતાવતો હતો, ત્યાં તો એકદમ મારા ઉપર ઊંઘ સવાર થઈ જતાં મેં મારું હિસાબી સાહિત્ય ખાટલા નીચે જ મૂકી દઈને રોકડ સિલકની રૂપિયા એકસોની એવી બે નોટોને ઓશીકાના ભાગે ચાદર નીચે મૂકીને હું સૂઈ ગયો. વહેલી સવારે જાગતાં જ જેવી મેં ચાદર ઊંચી કરીને પેલા બસ્સો રૂપિયા લઈ લેવા માટે મારો હાથ પસાર્યો, ત્યાં તો મારી એ બે નોટો ગાયબ થઈ ગએલી માલૂમ પડી. અમારાં ગામડાનાં જૂની ઢબનાં ઘર હોઈ અલગ શયનખંડ જેવું મળે નહિ. દવાખાનાંના જનરલ વોર્ડ કે વિશ્રાંતિગૃહોની Dormitory ની જેમ કોઈ મોડે સુધી ઊંઘતું હોય, તો પણ કુટુંબનાં બધાં સભ્યોની ઘરમાં અવરજવર ચાલુ જ રહે.

ચાલીસેક વર્ષ પહેલાંની આ વાત હોઈ બસો રૂપિયાનું પણ તે વખતે મોટું મૂલ્ય હોવા ઉપરાંત આમ ઘરમાંથી જ આવી ઊઠાંતરી થઈ હોઈ સવારે સવારે જ મારો મુડ બગડ્યો હતો. ઘરમાં નાનાંમોટાંની પૂછપરછ અને વહેલી સવારે દૂધ લેવા આવવાવાળા અમારા કાયમી ગ્રાહકોની અવરજવર અંગે ઘરવાળાંને પૂછી લેતાં કોઈ સગડ મળ્યા નહિ. ઘરમાં થતી આ પૂછપરછ વખતે જ અમારો સાથી વાડામાં ઢોરઢાંખરને પાણી પાઈને નાસ્તાપાણી માટે ઘરમાં દાખલ થયો. એ દિવસે તે ઘરમાં પહેલી જ વાર પ્રવેશ્યો હોઈ તેના તરફ કોઈ શંકાકુશંકાનું કારણ ન હતું. રોજિંદા ક્રમ પ્રમાણે જ તે પોતાના ઘરેથી સીધો જ અમારા વાડે જઈને પોતાનાં કામ પતાવીને પછી જ ઘરમાં દાખલ થતો હતો.

‘કેમ, ઘરમાં શાની શોધખોળ અને ચલપહલ થઈ રહી છે?’ તેણે સહજ જ પૂછ્યું.

ઘરમાંના કોઈક સ્ત્રીસભ્યે સ્વાભાવિક જ છણકો કરતાં જવાબ વાળ્યો, ‘કોઈ નખોદિયો રાત્રે ઘરમાંથી બસો રૂપિયા ચોરી ગયો છે!’

આ સાંભળીને અમારો સાથી એકદમ ડઘાઈ જતાં એવો છોભીલો પડી ગયો કે કંઈ બોલ્યો નહિ. નાસ્તાપાણી પતાવીને તે ભેંસો લઈને બળદો સાથે ખેતરે જતો રહ્યો. અહીં નોટો જતી રહી હતી તે હકીકતનો મેં મનોમન સ્વીકાર તો કરી લીધો, પણ આ સામાન્ય લાગતી ઘટનાનો ભેદ જાણવાની મારી ઉત્કંઠા વધી ગઈ હતી.

* * * * *

‘પપ્પા, અમારી નિશાળમાં અમારા મોનિટરના કંપાસ બોક્ષમાંથી સહકારી ભંડારની સિલકના પાંચ રૂપિયા ચોરાઈ ગયા હતા. અમે કોઈકના કહેવાથી આપણા જ ગામનાં ફલાણાં ફલાણાં મા-દીકરી પાસે ગયા હતા અને તેમણે ચોરને પકડી પડાવ્યો હતો. એ બે જણાંએ સંયુકત રીતે પોતાની કોઈક ધાર્મિક વિધિથી ચોરનું નામ કાઢી આપ્યું હતું અને અમારા સાહેબે પેલાની કડકાઈથી પૂછરછ કરતાં તેણે કબૂલ કર્યું હતું. આપણી તો મોટી રકમ છે તમે કહો તો અમે લોકો તેમની પાસેથી જાણી લાવીએ. તેઓ આ કામ કરી આપવાનું કશું જ લેતાં નથી અને ઊલટાની અમને તો ચોકલેટો પણ આપી હતી.’

મને છોકરાંની વાતમાં કોઈ વિશ્વાસ તો ન બેઠો અને સાથે સાથે બીજી પણ એક વાતનો વિચાર કરવો જરૂરી હતો કે આવું કોઈનું નામ મળે અને આપણે કઈ રીતે તેની પૂછપરછ કરી શકવાના હતા! વળી આવા કોઈ જાદુ-ઈલ્મ ઉપર આંધળો વિશ્વાસ મૂકીને ફક્ત શંકા આધારિત કોઈના ઉપર તહોમત મૂકવું તે સામેવાળાની ઈજ્જત ઉપર ત્રાપ મારવા બરાબર હતું. મેં તેમને ના પાડી.

‘પણ, આપણે એ ચોરનું આપણા પૂરતું નામ તો જાણી શકીએ ને! આપણે તેને કોઈ પૂછપરછ નહિ કરીએ!’

છોકરાંએ કહ્યા મુજબ મેં અખતરો કરી લેવાનો વિચાર કરી લીધો. મારે ચિઠ્ઠીઓમાં શંકાસ્પદ વ્યક્તિઓનાં નામ લખવાનાં હતાં. આ સઘળી પ્રક્રિયા મારા પૂરતી જ સીમિત રહે તે માટે મેં એક જુદી જ તરકીબ વિચારી કાઢી. તેમની પાસેથી નોટબુક-પેન્સિલ માગી લઈને તેમને રવાના કરી દીધા. નોટબુકના એક પાનામાં મેં નામો લખવાં શરૂ કર્યાં. ઘરનાં તમામ સભ્યોનાં નામ, મારું પોતાનું નામ, અમારા સાથી-તેની પત્ની-બાળકોનાં નામ, અમારા દૂધના ગ્રાહકો પૈકી બેચાર નામ, મારાં માતુશ્રી બીમાર હોવાના કારણે અમારા બીજા ઘરમાં પથારીવશ હતાં અને જેમને ખાવાનું પણ ત્યાં પહોંચાડવામાં આવતું હતું તેમનું નામ, અમારા સંયુક્તપરિવારનાં બે સાવ નાનાં ઘોડિયાસ્થિત બાળકોનાં નામ, મહેલ્લામાં એક છોકરો મુંબઈ રહેતો હતો તેનું નામ, અમારા પાડોશના જ કોઈક સ્વર્ગસ્થનું નામ, દેશના વડાપ્રધાન-રાજ્યના મુખ્ય મંત્રી-રાષ્ટ્રપતિનાં નામો, પ્રાણીપક્ષીનું એકેકે નામ/શબ્દ, કીડો-ઈયળ જેવા શબ્દો અને ખાટલો-ખુરશી વગેરે જેવાં ચિત્રવિચિત્ર નામોની યાદી બનાવી લીધી. આવાં પચાસેક નામોને ક્રમાંક આપી દઈને ચિઠ્ઠીઓમાં માત્ર આંકડાઓ લખીને તેમની ગોળીઓ વાળી આપીને છોકરાઓને રવાના કરી દીધા.

અડધાએક કલાકમાં મારા છોકરાઓએ એક ચિઠ્ઠી સાથે પાછા ફરતાં કહ્યું કે ‘પેલાં મા-દીકરીએ અમારી પાસે ચિઠ્ઠી ખોલાવીને નામ જાણવાની ઉત્સુકતા બતાવી, તો તેમાંથી ૧૨ (બાર) નો આંકડો જ મળ્યો. તેમણે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે તમારા પિતાજીએ સરસ યુક્તિ વાપરી છે અને હવે અમે કોઈ આવા કામે અમારી પાસે આવશે તો આમ જ કરવાનું કહીશું કે જેથી અમે પોતે પણ તેવું નામ જાણી ન શકીએ અને તે જ અમારા માટે ઠીક રહેશે.’

છોકરાઓ પાસેથી સમગ્ર પ્રક્રિયા વિષે જાણવા મળ્યું તે મુજબ બંને માદીકરી ખૂબ જ ધાર્મિક હોવા ઉપરાંત અહર્નિશ શારીરિક રીતે પણ પવિત્ર રહેતાં હતાં. તેમણે હાથમોં ધોઈ લઈને પછી માતાએ પોતાના ધર્મગ્રંથમાંથી કોઈ એક પાનું ખોલીને તેનું પઠન કરવું શરૂ કરી દીધું હતું અને સામે બેઠેલી દીકરીએ પોતાના હાથની બંને પહેલી આંગળીઓ વચ્ચે માટીની સાવ નવીનક્કોર કુલડી પકડી રાખી હતી, જેમાં પેલી બધીજ ચિઠ્ઠીઓ નાખવામાં આવી હતી. પહેલા જ રાઉન્ડમાં બધાયને સ્પષ્ટ દેખાઈ આવે તેવી રીતે પેલી છોકરીની આંગળીઓ વચ્ચે તેના કાનાઓના ખાંચે કૂલડી ફરવા માંડી હતી. માતાએ પઠન કરવાનું અટકાવીને વચ્ચે જાણ કરી દીધી કે આ ચિઠ્ઠીઓમાં તે માણસ છે જ. પછી તો અર્ધા ભાગે અને એમ નાના નાના ભાગ કરતાં કરતાં કેટલાક તબક્કે ફરતી કે ન ફરતી કૂલડીને ચકાસતાં જતાં છેવટે એક જ આખરી ચિઠ્ઠી નક્કી કરી લેવામાં આવી હતી.

આખા આ ભેદભરમના ખેલના બારમા ખેલાડી તરીકે અમારા સાથીનું જ નામ ઊઘડ્યું હતું.

* * * * *

મારી પત્નીનું સ્પષ્ટ મંતવ્ય હતું આ શબ્દોમાં કે ‘સવાલ જ પેદા થતો નથી કે આપણે એ બાપડા ઉપર કોઈ શંકાકુશંકા કરીએ. વહેલી સવારથી જ મને પાકા પાયે ખબર છે જ કે એ માણસ આપણી શોધખોળ અને ઘરમાં પૂછપરછ ચાલતી હતી ત્યારે જ ઘરમાં દાખલ થયો છે.’ વળી હું પણ અડગ વિશ્વાસે એમ જ માનતો હતો કે છોકરાઓ જે પરિણામ લાવ્યા છે તેના ઉપર કોઈ ભરોંસો મૂકી શકાય નહિ. આમ છતાંય હું મારી શંકાને સાવ નિર્મૂળ તો ન જ કરી શક્યો.

હવે અમારે સાંજ સુધી રાહ જોવાની હતી. મારું લોકોની સર્વમાન્ય ધારણા જેવું જ માનવું હતું કે ચોરના પગ હંમેશાં કાચા જ હોય અને તે ક્યાંકને ક્યાંક કોઈક ભૂલ કરી બેસે અને નવોસવો ચોર હોય તો પકડાઈ જ જાય. મારી યોજના પ્રમાણે મારી પત્ની અને હું અમારા ઘરની સામેના ઘરની ઓસરીમાં ઊભાં રહી ગયાં અને અમારા સાથીના આગમનની રાહ જોવા માંડ્યાં. અમારી ઓસરીમાં અમે લાઈટ કરી ન હતી. અમે જે ઘરની ઓસરીમાં ઊભાં હતાં તે ઘરવાળાં બહારગામ રહેતાં હતાં અને ત્યાં પણ અંધારું જ હતું. માત્ર સ્ટ્રીટ લાઈટના અજવાળાથી અમારી ઓસરીમાં સામેથી જોઈ શકાતું હતું. અમે અમારા સાથીને ઘરનાં બધાં આઘાંપાછાં થઈને એકાંત આપ્યું હતું, માત્ર એ જ આશાએ કે તેણે ખરેખર નોટો ચોરી જ લીધી હશે તો પોતાની જડતી થશે તે બીકે ઓસરીના કોઈક ગોખલામાં કામચલાઉ એ નોટો મૂકી દઈને પછી જ ઘરમાં દાખલ થશે. અમારી ધારણા સાચી પડી. મારી પત્નીએ કહ્યું કે તેણે ગોખલા તરફ પોતાનો હાથ લંબાવ્યો હતો. જેવો તે અમારા ઘરની પાછલી ઓસરીએ હંમેશની જેમ પોતાનું ભાત તૈયાર થાય ત્યાં સુધી રાહ જોવા બેસવા ગયો કે તરત જ અમે પેલા ગોખલામાં જોયું તો તેણે એ બંને નોટ ત્યાં મૂકી દીધી હતી.

મારી દિવસભરની વિચારી રાખેલી યોજના મુજબ મેં પેલી નોટો ઊઠાવી લઈને દસદસની મોટી સાઈઝની બે નોટો ત્યાં મૂકી દીધી હતી. એ વખતે બંને સાઈઝની દસની નોટો ચલણમાં મોજુદ હતી. આમ મેં હવે અમારું જોખમ ઘટાડી નાખ્યું હતું. સાંજે તે હંમેશાં પોતાનું ભાત ઘરે જ લઈ જતો હતો. અમારું માનવું હતું તે મુજબ તે ઘરે જતી વખતે અંધારામાં ઝડપથી પેલી દસ દસની નોટો કાં તો લઈને અથવા તો તે છોડીને ચાલ્યો જશે. તેના ગયા પછી અમે ગોખલો જોઈ વળ્યાં તો ત્યાં બદલી દીધેલી બંને નોટો મોજુદ હતી.

* * * * *

બીજા દિવસની રાત્રે અમારા ઘરમાંની નિસરણીના પગથિયે અમારો સાથી બેસી રહ્યો હતો. તેના ચહેરા ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે તે કંઈક કહેવા માગતો હતો. અમારી વચ્ચેની થોડીક ચૂપકીદી તોડતાં મારે જ કહેવું પડ્યું, ‘ભાઈ, તું તારું ગરમાગરમ ભાત લઈને હવે ઘરે જા. ઘરવાળાં તારી રાહ જોતાં હશે.’

આટલું જ સાંભળતાં તે રડી પડ્યો અને પૂછી બેઠો, ‘ગઈ કાલે રાત્રે તમારા ગોખલામાં મેં મૂકી દીધેલા બસો રૂપિયા તમને મળી ગયા કે નહિ?’

મેં જાણીજોઈને તેને થોડોક આંચકો આપવા કહ્યું, ‘ના, ભાઈ, ના! પણ તારે શા માટે એમ કરવું પડે?’

‘અરરર! મારી ઘરવાળીની વાત સાચી પડી! તેણે મને કહ્યું હતું કે મારે તમને એ હાથોહાથ આપવા જોઈતા હતા! તેણે મારી સાથે ઝગડો કરતાં ધમકાવ્યો હતો કે આ મારી બીજી ભૂલ હતી. તમારા હક્કના પૈસા તમારા ઘરે પાછા તો આવ્યા, પણ બારોબાર જ કોઈકના ગજવે જતા રહ્યા! શેઠ, હાથ જોડીને વિનવું છું અને કહું છું કે હું તમારો બસો રૂપિયાનો કર્જદાર રહ્યો અને એ પૈસા મારા ખાતે લખી નાખો!’ આમ કહેતાં તો તે નાના બાળકની ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યો.

‘આપણે બીજી વાત પછી કરીએ,પણ તારી ઘરવાળીએ તને એમ કેમ કહ્યું કે તારી આ બીજી ભૂલ હતી! તો તારી પહેલી ભૂલ કઈ, મને કહીશ?’

‘પહેલી ભૂલ એ કે હું જ્યારે વાડેથી બળદોને બાંધીને ઘરમાં ચાપાણી માટે દાખલ થયો અને ભાભીએ જ્યારે એમ કહ્યું હતું કે કોઈ નખોદિયો રાત્રે ઘરમાંથી બસો રૂપિયા ચોરી ગયો છે, ત્યારે જ મારે હસતાં હસતાં ‘આ રહ્યો એ નખોદિયો’ એમ કહીને મારે એ બસો રૂપિયા આપી દેવા જોઈતા હતા. મારી બૈરી આગળ મેં કાન પક્ડ્યા હતા કે મારી એ ભૂલ હતી અને એ પૈસા હાથોહાથ ન આપવાની ઉપરાઉપરી મારી બીજી ભૂલની તો મારે સજા ભોગવવાની જ રહી અને એ માટે ફરી હાથ જોડું છું અને કહું છું મારે ખાતે લખી નાખો અથવા તો મારી ઘરવાળીનો દાગીનો વેચીને પણ એ હું ચૂકવી દઈશ’.તે ફરી હીબકે ચઢ્યો.

‘એ પૈસાનું શું કરવું એ વાત આપણે બાજુએ મૂકીએ, પણ તું કહીશ ખરો કે એ વહેલી સવારે ઘરવાળાં કહે છે કે તું ઘરમાં આવ્યો જ ન હતો, તો એ બસો રૂપિયા તારી પાસે આવ્યા કઈ રીતે? અને જે કોઈ રીતે આવ્યા હોય તો ભલે આવ્યા, પણ તેં જ્યારે ચોર્યા જ ન હોય તો તને પાછા આપી દેવામાં શો વાંધો નડ્યો?’

‘ઘરમાં તંગ વાતાવરણ જોઈને હું હેબતાઈ ગયો હતો. વળી ભાભીનો છણકો! શેઠ, તમે જાણો જ છો અમારી જાતની જૂની માથાવટી! મને એમ થયું કે હાલ ચોખ્ખા દેખાવા જઈશું તો બધું ખોટું પડશે અને કોઈ મારી વાત દિલથી માનશે નહિ!’ વળી પાછું તેનું રૂદન ચાલુ થયું.

આખરે મારે તેને ટપારવો પડ્યો અને કહેવું પડ્યું કે ‘મર્દ થઈને બૈરાંની જેમ રડ નહિ! હવે તું મારા આખરી સવાલનો સાચો જવાબ આપે તો મારે રાજીખુશીથી એ પૈસા માંડી વળવાના! તારા ખાતે પણ લખવા નથી અને તારી બૈરીનો મારે દાગીનો પણ વેચાવવો નથી!’

‘પૂછો શેઠ.’

‘તારા ઘરમાં દાખલ થયા વગર મારી પથારીની ચાદર નીચેની એ નોટો તારા સુધી કેવી રીતે પહોંચી?’

‘સાંભળો શેઠ. હું ઘેરથી સીધો વાડે ઢોરોને પાણી પાવા ગયો ત્યારે જોયું તો ટાંકામાં પાણી ઓછું હતું અને માંડ ભેંસોને જ ચાલે તેટલું હતું. હું બળદોને લઈને આપણા મહેલ્લાના કૂવે આવ્યો ત્યારે આંગણે જ આપણા બે નાના બાબલાઓના હાથમાં સોની એકેક નોટ જોઈ. મને એમ થયું કે આ સાચી નોટો તેમના હાથમાં ક્યાંથી! હવે વાડે બળદોને પાછા બાંધી આવીને તમને લોકોને એ નોટો પાછી આપી જ દેવાની હતી! પણ મારી મતિ બહેર મારી ગઈ અને હું મોટી ઉપાધિમાં પડ્યો!’

મારે મારા એ નાનકા છોકરાઓને પૂછવાનો કોઈ જ સવાલ ઊભો થતો ન હતો કેમ કે તે બંને ચાલતાં શીખ્યા હતા, પણ હજુ તેમને બોલતાં આવડતું ન હતું. વળી મને યકીન થઈ જ ગયો હતો કે મારી ચાદર નીચેથી નોટો સરકીને નીચે પડી જ ગઈ હશે અને તેમના હાથમાં આવી જ હશે!’

મેં મારા ગજવામાંથી એ જ બે નોટો તેને બતાવતાં કહ્યું, ‘ જોજે ભલા, એ નોટો આ જ હતી?’

તે ‘હાશ’ કહેતો એકદમ નિસરણીના પગથિયેથી ઊભો થઈને પોતાનું ભાત હાથમાં લેતાં બોલી ઊઠ્યો, ‘મારા પ્રભુએ મારી લાજ રાખી!’

તે રાત્રિએ મોડે સુધી મારી ઊંઘ મારા માટે વેરણ બની રહી. હું પાસાં ઘસતો જ રહ્યો અને પેલાં માદીકરીના બારના આંકવાળા ભેદભરમને સમજવાની કોશીશ કરતો જ રહ્યો. આમ છતાંય ‘જેનો અંત સારો તેનું સઘળું સારું’ ના ન્યાયે આખીય ઘટનાની સુખદ ફલશ્રુતિએ મારા મનને એવી તો ટાઢકનો અનુભવ કરાવ્યો હતો કે મારી આંખ ક્યારે મળી ગઈ હશે તે વહેલી સવારે જાગતાં પણ નક્કી કરી શક્યો ન હતો!”

* * * * *

અહીં ઘટનાનાયકને આપ સૌ વાંચકોએ સાંભળી તો લીધો; પણ છેલ્લે છેલ્લે મને પણ થોડોક સાંભળી લેશો કે સત્ય ઘટના ઉપર આધારિત આ આર્ટિકલની ચર્ચા થાય તે મને ગમશે તો ખરું જ, છતાંય મારી એ અપેક્ષા તો રહેશે જ કે મારી જ જેમ સર્વધર્મસન્માનની ભાવનાને જાળવી રાખીને આપ સૌ આપના શિષ્ટ અને પૂર્વગ્રહરહિત મુલ્યવાન પ્રતિભાવ આપશો.

ધન્યવાદ.

– વલીભાઈ મુસા

 

Tags: , , , , , , , , ,

11 responses to “(210) ભેદભરમની ભીતરમાં – આસ્થા કે ઈમાન! (૨)

 1. DR. CHANDRAVADAN MISTRY

  July 18, 2010 at 10:42 pm

  એક સત્ય ઘટનાને જે રીતે વર્ણન કર્યું છે તે માટે અભિનંદન !
  સત્યને જાણવતી તાલાવેલી…..જાણવા માટે “કોઈક મા-દીકરીની સત્ય ઉકેલવાની રીત”નો સહારો લીધો…..અને પરિણામ ૧૨મો નંબર…એ કોણ તે તમો જ જાણો !
  ચોરી કરનાર પકડાય ગયો..એની અદભુત કબુલાત, …..અને તમારી માફી!

  વલીભાઈ, આ ઘટનામાં “અંધશ્રધ્ધા”તરફ દોરતી સહાય (મા-દીકરી)…..અવિશ્વાસ હોવા છતાં ….પરિણામ સત્યને જાણવાનું થયું …તો પ્રશ્ર્ન થાય કે “માતા કે દીકરી”માં કંઈક કુદરતી શક્તિ હશે ?….સત્યને જાણવા “નામો” નહી પણ નંબરો આપ્યા એ સારૂ કહેવાય…..પણ શંકાનું નિવારણ જ્યારે થયું કે જ્યારે જેના પર શંકા હતી તેણે જ એનો પુરાવો આપ્યો.
  મારા મનમાં એક જ સવાલ આવે છે>>>>જો તમે તમારા દીકરાની વાતને અંધશ્રધ્ધા ગણી,મા-દીકરી પર વિશ્વાસ ના કર્યો હોત તો પરિણામ શું હોત ????
  તમે ચોરને જાણી શ્ક્યા ના હોત તો તમોને શાંતી મળત ????
  ફક્ત કલ્પનાઓ કરવાની વાત છે !
  ચંદ્રવદન.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Valibhai..Thanks for your visit/comment on Chandrapukar Please do REVISIT !

  Like

   
 2. Pragna Vyas

  July 19, 2010 at 4:14 am

  This comment is received by mail and posted here on behalf of the Commentator :-

  …મારી ઊંઘ મારા માટે વેરણ બની રહી. હું પાસાં ઘસતો જ રહ્યો અને પેલાં માદીકરીના બારના આંકવાળા ભેદભરમને સમજવાની કોશીશ કરતો જ રહ્યો. આમ છતાંય ‘જેનો અંત સારો તેનું સઘળું સારું’ ના ન્યાયે આખીય ઘટનાની સુખદ ફલશ્રુતિએ મારા મનને એવી તો ટાઢકનો અનુભવ કરાવ્યો હતો કે મારી આંખ ક્યારે મળી ગઈ હશે તે વહેલી સવારે જાગતાં પણ નક્કી કરી શક્યો ન હતો!”

  શાસ્ત્રોની જાણકારી ન હોય અને છેતરપીંડીને લીધે આ શાસ્ત્રને ભેદ ભરમ અને છેતરપીંડીનું શાસ્ત્ર મનાવા લાગ્યું છે.પણ હકીકતમા તેનો જાણકાર હોય તો ચોરીના ભેદ સિવાય ઘણી વાત જાણી શકાય છે.

  જ્યોતિષશાસ્ત્રમાં વ્યક્તિના સઘળાં શુભાશુભ ભવિષ્યફળને તેની જન્મકુંડળીના આધાર પર નિરૃપિત કરવામાં આવે છે. તે માટે જન્મતારીખ, જન્મસમય અને જન્મસ્થાનનું સાચું જ્ઞાન જરૃરી રહે છે. જ્યોતિષશાસ્ત્રના પ્રમુખ અંગ છે ગણિતસંહિતા તથા હોરા. ત્રીજું અંગ હોરા ફલિત જ્યોતિષશાસ્ત્ર સાથે જોડાયેલું છે. તેનાં વિવિધ રૃપ અને ભેદ વ્યક્તિ, તાજિક, પ્રશ્ન, સ્વર, શુક્ન તથા સામુદ્રિક શાસ્ત્ર છે.પરાશરી અને જૈમિની પદ્ધતિના સમન્વયથી ફલિત કરે છે તેમને આજ્ઞાતીત પરિણામ પ્રાપ્ત
  થાય છે

  આવા ભેદ ઉકેલવા મારી માન્યતા મુજબ પ્રશ્નશાસ્ત્ર ઉતમ છે. મોટા ભાગના લોકોને પોતાની સાચી જન્મતારીખ અને જન્મસમયની જાણકારી હોતી નથી. આવા લોકોની સમસ્યાને હલ કરવા માટે પ્રશ્નશાસ્ત્ર મદદગાર સાબિત થઈ શકે છે. આ પદ્ધતિમાં પ્રશ્ન પૂછવાના સમયને માધ્યમ બનાવવામાં આવે છે. પ્રશ્નકાલિક લગ્ન કાઢીને આ પદ્ધતિમાં વ્યક્તિવિષયક પૂર્ણ શુભાશુભ ફળકથન બરાબર રીતે કરવામાં આવે છે. વ્યક્તિશાસ્ત્રની ગણિતીય પ્રક્રિયાઓ વધુ લાંબી અને શ્રમસાધ્ય હોય છે, જેમાં વધુ સમય લાગે છે. પછી તે વિશોત્તરી મહાદશાઓ હોય કે અંતર્દશાઓ પ્રત્યન્ત દશાઓ, ષડ્વર્ગ યા અષ્ટવર્ગ વગેરે કેમ ન હોય. આ શાસ્ત્રમાં વિષય વિભાજનના આધાર પર અલ્પ સમયમાં જ શુભાશુભ ફળનું વિવેચન વિભિન્ન યોગોના સહારે કરવામાં આવે છે. પ્રશ્નના માધ્યમ દ્વારા ક્રય-વિક્રય, ખોવાયેલી કે નષ્ટ વસ્તુ, ચોર અને ચોરવામાં આવેલી વસ્તુ, વિદ્યામાં સાફ્લ્ય કે નિષ્ફળતા, દ્વન્દ્વ, પ્રવાસ, મૂક-પ્રશ્ન, દેવાદિ દોષ જ્ઞાન, કાર્યની સિદ્ધિ-અસિદ્ધિ, રોગની વૃદ્ધિ, રોગનો નાશ, ધનની પ્રાપ્તિ યા અપ્રાપ્તિ, ભૂમિનો આવાસ, સંપત્તિ, કૃષિ કાર્યોથી થતા લાભાલાભ વગેરે અનેક તાત્કાલિક અને મહત્ત્વપૂર્ણ પ્રશ્નોના ઉત્તર સરળતાથી આપવામાં આવે છે.

  સાંપ્રત સમયમા જાસુસી વિભાગ પણ ચોરીનો ભેદ શોધવા જ્યોતિષશાસ્ત્રના જાણકારની સલાહ લે છે! તે તો જાણીતી વાત છે.પણ ઘરકુટુંબની વાત હોય ત્યાં હેડ કરતા હાર્ટથી કામ લઈ ભલે ખૉટનો ધંધો હોય પણ શાંતી જળવાઈ રહે તેવું વલણ વધુ હિતાવહ લાગે છે…કેટલીકવાર ચીભડાના ચોરને ફાંસીની સજા જેવું જોઈએ ત્યારે દુઃખ થાય છે.

  અને નાનપણથી મારું માનવું છે કે જેની વસ્તુ ચોરાય છે તે પણ જવાબદાર હોય છે

  Like

   
 3. Ullas Oza

  July 19, 2010 at 6:17 am

  મુ. વલીભાઈ, આપના અનુભવના ખૂબ જ રસ-પૂર્ણ આલેખન બદલ અભિનંદન.
  મા-દિકરીની દૈવી શક્તિની કદર કરવી રહી.
  અત્યારના ‘બાબા’, ‘તાંત્રિક’, વિ. પર કેટલો વિશ્વાસ કે આસ્થા રાખી શકાય ?
  આવુ કરવાની શું જરૂર હતી ? આજના જમાનામા આને આસ્થા કહેશો કે અંધશ્રદ્ધા / અંધ-વિશ્વાસ ?
  ‘કોઈ નખોદિયો રાત્રે ઘરમાંથી બસો રૂપિયા ચોરી ગયો છે !’ નોટો કેવી રીતે ગુમ થઈ છે તે જાણ્યા વગર આવું કહેવાની જરૂર હતી ?
  સામાન્ય પુછપરછ દ્વારા જાણવાની કોશિશ કરી હોત તો પણ કદાચ સત્ય બહાર આવી શકત.
  સાથીની ઘરવાળીના ઈમાનની પણ કદર કરવી રહી.
  ઉલ્લાસ ઓઝા

  Like

   
 4. Valibhai Musa

  July 19, 2010 at 7:22 am

  ઉલ્લાસભાઈ,

  ધન્યવાદ. સરસ પ્રતિભાવ.

  આપના પ્રશ્નો ઉચિત જ છે. ઘટના જે પ્રમાણે ઘટી હતી, તેને યથાવત્ રાખવામાં આવેલ છે. હા, રસસાતત્ય જળવાય તે માટે સાહિત્યિક ઓપ જરૂર આપવો પડ્યો છે અને આપવો જ પડે, ભાભીનું પાત્ર ગ્રામ્ય છે એટલે સ્ત્રીસહજ છણકો થાય તે સ્વાભાવિક છે, આમ છતાંય તેણી તો શરૂથી જ સાથીના પક્ષમાં હતી. જે વિધાન થયું તે સાથીના પ્રશ્નના જવાબ રૂપે જ હતું, જેમાં ભાવ એવો જ હતો કે સાથી ઘરનો જ માણસ છે અને તેને ઘટનાનું રિપોર્ટીંગ કરવામાં આવે.

  ચર્ચામાં સરસ મજા આવી.

  ફરી આભાર.

  વલીભાઈ

  Like

   
 5. Rekha sindhal

  July 19, 2010 at 12:07 pm

  અલૌકિક શક્તિઓ ક્યાઁક ક્યાંક હોય છે જ્યારે છેતરપીંડીનું મેદાન મોકળુ હોય છે.જેમાં કાગને બેસવું અને ડાળને પડવું જેવા બનાવોની પબ્લીસીટી થાય તેથી ધંધો વધે પરંતુ હું માનું છું કે સાચી આસ્થા થકી એવી અલૌકિક શક્તિ આપણા પોતાના હ્રદયમાં પણ વિકસાવી શકાય અને ચોર કોણ છે જાંણ્યા પછી પણ ફકત ચોરી કરનાર અને ભોગ બનનાર બે જ આ સત્ય જાણતા હોય ત્યારે તે માફી જીરવવી પણ આકરી બને છે અને ચોરને એ વસ્તુ પાછી આપ્યા વગર જંપ ન વળે.આ પ્રકારનો એક પસંગ મેં મારી માતા પાસેથી સાંભળેલ.

  વાતની શરૂઆત એવી છે કે અહીંથી હું ઈંડીયા થોડા દિવસ માટે ગઈ હતી એક દિવસ સવારે
  મારા ભાઈએ મને બેંકમાંથી અમુક રકમ લાવી આપેલ તેમાંથી મેં દસ હઝાર ગણી મારા પર્સમાં મૂક્યા અને બીજા મારી માતાને સાચવવા આપ્યા જે તેણે મારી હાજરીમાં જ કબાટમાં જ્યાં તેના પૈસા રહેતા ત્યાં મૂકી દીધેલા. થયું એવું કે સાંજે હિસાબ કરતાં મારા પર્સમાં પાંચહઝાર ઓછા નીકળ્યા. મેં મારી માતાને આ વાત કરી સાથે સાથે પર્સ જ્યાં મૂકેલ ત્યાં દિવસ દરમ્યાન કોની હાજરી એકલી હોઈ શકે તે પરથી ચોર શોધવા માટે મેં એક મુલાકાતી પરની મારી શંકા વ્યકત કરી. એકાદ ક્ષણ તો આ શંકાનું પ્રતિબિંબ મેં મારી માતાની આંખમાં પણ જોયું પણ પછી તરત કહે,” તને ખબર છે ને કે ખોટી શંકાનું પાપ પણ લાગે પહેલાં તારી હિસાબમાં ભૂલ નથીને ચકાસી લે.તેં ક્યાંય વાપર્યા હોય અને ભૂલ થઈ હોય એવું પણ બને. જો કે એવી કોઈ શક્યતા ન હતી છતાં મારી ભૂલ ક્યાંય હોય તો હું વિચારવા લાગી એટલામાં મારો ભાઈ બહારથી આવીને અમારી વાતમાં જોડાયો.પ્રથમ પોતાની ભૂલ હોય તો ચકાસવાના અમારા પ્રયત્નમાં તેણે ભૂલ શોધી તે પ્રમાણે મેં સો ને બદલે ભૂલથી પચાસની સો નોટો લીધેલ જે પ્રમાણે મારી પાસે પ્રથમથી જ દસ નહી પાંચહઝાર પર્સમાં હતા તે સાબિત થયું પણ પછી એ ક્ષણીક શંકાનો અફસોસ મારી માતાના મનમાંથી જતો નહોતો. મને પણ વારંવાર કહેવા લાગ્યા કે ખાત્રી વગર કોઈનું નામ લઈએ તો પાપ લાગે.આ પ્રસંગે મારી માતાએ મને ઝાંઝરની ચોરીની વાત કરી.જે વર્ષો પહેલાં અમારા ઘરમાં બની હતી. મારી બહેનની પગની ઝાંઝરીઓ ચોરાઈ ગઈ.અમે બધી બહેનોની થઈ ચાર જોડ ઝાંઝરીમાંથી એક ગઈ તે મારી માતાએ જાણ્યુ ત્યારે પ્રથમ તો તેણે પોતાની બેદરકારી(કે અન્ય પરનો વધુ પડતો વિશ્વાસ)ક્યાં છે તે પર નજર ઠેરવી. તરત જ વિશ્વાસ ક્યાં ખોટો મૂકાયો તે ખ્યાલ આવી ગયો.આને હું સાચી આસ્થા કહું છું જે ખોટી શંકા નથી કરતા તે જ ખોટા વિશ્વાસથી પણ બચી શકે છે.અમારા પડોશી બહેને ચોરી હતી તે ખ્યાલ મારી બા ને આવી ગયો.તેના કારણો જે હોય તે પણ મારી બા કહે તો કોઈ માને પણ નહી અને તે બહેન પર સીધો આક્ષેપ તો તે સહન જ ન કરે અને ઝગડે તે નક્કી અને મારી બા ઝગડાના બહુ કાયર!તે બહેનની આર્થિક સ્થિતિ અમારાથી ઘણી જ સારી અને આબરૂ પણ ઘણી એટલે મારી બા એ મૌન જ સેવ્યુ અને એમની સાથેનો મીઠો સંબંધ જાળવી રાખ્યો.વર્ષ પછી બીજી નવરાત્રીએ તે માસી મારી બાને કહે પછી તમે નવી ઝાંઝરી લીધી કે નહી? પેલી તો નહી જ મળી હોય ને? બાકી તો તમે વાત કરો જ ને? હતી એટલી મીઠાસ પાથરીને તે બહેન મારી બાને મોઢે એવા શબ્દો સાંભળવા માંગતા હતા જેમાં કાં તો અન્ય પર શંકા હોય અથવા તો હવે નહી મળેનો સ્વીકાર હોય. મારી બા કહે, ” મને ખબર તો છે કે ઝાંઝરી કોની પાસે છે પણ મારે એમની આબરૂ સાચવી લેવા માટે ઝાંઝરી જતી કરવી છે. એની દીકરી ભલે ખુશીથી પહેરે.તે બહેન મૂળ કલક્તાના અને ત્યાં એમનું ઘર પણ ખરૂં અહીં તો વેપાર અર્થે ભાડે રહેતા હતા.બીજે દિવસે એમને અજંપો એટલો વધી ગયો કે તેમણે મારી બાની માફી માંગી આંસુ સાથે ઝાંઝરી પાછી આપી દીધેલ.મારી બા હંમેશથી હ્રદયની પવિત્રતા પર એટલો ભાર મૂકે છે કે તે વગરની આસ્થા કે શંકા બંને ખોટા છે તેમ તેઓ માને છે અને અમને માનવા પ્રેરે છે.

  Like

   
 6. Valibhai Musa

  July 19, 2010 at 1:43 pm

  રેખાબહેન,

  બહુ જ ખુશી થઈ પ્રતિભાવ બદલ અને આપના જાત અનુભવોના બયાન બદલ.

  કોઈના ઉપર તહોમત નાખવું એ કબીરા ગુનાહ (Capital Sin) છે. પાકી ખાત્રી થએથી તેને ખાનગીમાં સુધરવા માટેની તક આપવી જોઈએ. જો આંખ આડા કાન કરવામાં આવે તો ઊલટાનું એવાને પ્રોત્સાહન મળે. જે તે ઘટનાની ગુણવત્તા પ્રમાણે નિર્ણય લેવાય તે યોગ્ય છે.

  મારા એક મિત્રનો અમેરિકામાં ફુડ સ્ટોર હતો. એક મેડમ પહેલી જ વાર આવી અને કોફી લઈને ધૂનમાં જ બહાર નીકળી ગઈ. મારા મિત્રનું કાઉન્ટર ઉપર Busy હોવાના કારણે ધ્યાન રહ્યું નહિ. તેને કારમાં બેસતી જોઈ, પણ તેમણે એ વાતની અવગણના કરી.
  થોડા દિવસ પછી એ જ મેડમ કોફી માટે આવી, પણ આ વખતે મેડમ બિલ ચુકવવા આવી. તેણે મોટી નોટ આપી. મારા મિત્રે બહુ જ નમ્રતાથી કહ્યું, ‘મેડમ, હું આમાંથી બે કોફીના પૈસા કાપી શકું છું?’

  પેલી મેડમને વાત Click થઈ ગઈ અને માફી માગતાં કહ્યું ‘હા, જરૂર. મને યાદ આવે છે કે હું ધુનમાં નીકળી ગઈ હતી. ખરેખર, આપ Great છો. અન્ય કોઈ હોત તો મારા ઉપર Shop Lifting નો કેસ થાત! આભાર તમારો!’

  મારા મિત્રની ફિલસુફી હતી કે માણસે સહન થઈ શકે તેવા નુકસાનને વેઠી લેવું જોઈએ અને બને ત્યાં સુધી કોઈની ઈજ્જત ઉપર ન આવવું જોઈએ..

  ફરી એકવાર આભાર.

  Like

   
 7. સુરેશ જાની

  July 19, 2010 at 10:51 pm

  આખી વાત સરસ રીતે કહી છે , અને તમારા સાથીનું વર્તન દાદ માંગી લે છે.
  પણ જે રીતે 12 નંબર નીકળ્યો, તે મગજમાં હજુ બેસતું નથી. આ વાત રેશનલ વિચારધારાવાળાઓને વંચાવવી જોઈએ!

  Like

   
 8. સુરેશ જાની

  July 19, 2010 at 11:00 pm

  પહેલાં વાર્તા વાંચીને કોમે ન્ટ આપી હતી, હવે કોમે ન્ટો પણ વાંચી ! વાર્તા જેટલીજ મજા આવી. જાતજાતના અનુભવો બધાના જીવનમાં થતા હોય છે. આમાં સાચું શું અને ખોટું શું ; એ ચર્ચા અસ્થાને છે.
  પણ એ કકિકત છે કે, કોઈ પોતાની જાતને રેશનલ ગણાવતું હોય; પણ જ્યારે તે મુશ્કેલીમાં મૂકાય; ત્યારે અજ્ઞાતનો ; ઈશ્વરનો , જ્યોતિષનો આશરો મોટા ભાગે લેતું હોય છે.
  અને તમારી જેમ હું પણ અપવાદરૂપ નથી !! મારા બ્લોગ પર દિનકરકાકા વાળો પ્રસંગ વાંચજો .

  Like

   
 9. Narendra Jagtap

  July 20, 2010 at 1:37 pm

  વડિલ શ્રી વલીભાઇ… સાદર નમસ્કાર ..આપનુ આલેખન ખુબ જ સરસ રહ્યુ… અને આખી વાતને સરસ રીતે પકડી રાખીને કહી છે… મા દીકરીના જાદુટોના વાળી વાત કઇ મારા ગળે ઉતરી નથી …કેમ કે આવા એક કિસ્સાનો હું હમણાં જ શિકાર બન્યો છું અને મારા મિત્રોએ લાગણી સહજ અહી બતાવીએ અને તહી બતાવીએ માં મને બીજુ 2000 રુપિયાનુ પેટ્રોલ ફૂકાવેલુ… અને પરિણામ કૈ ના આવ્યું… ખૈર નસીબ ની વાત છે…મારા નસીબમાં જે નહી હોય તે મારી પાસે નહી રહે…

  Like

   
 10. Valibhai Musa

  July 20, 2010 at 3:49 pm

  નરેન્દ્રભાઈ,

  આપની વાત વાંચીને દુ:ખ થયું. અહીં ‘ભેદભરમની ભીતરમાં’ શ્રેણી હેઠળ મારા પ્રત્યક્ષ અનુભવની એક સત્ય ઘટના જ મૂકી છે, કોઈ માન્યતા કે વિચારશરણીનો પ્રસાર એવો કોઈ આશય નથી. હું પણ માનું છું કે આવા પ્રસંગોએ કોઈની વાતોમાં આવવું જોઈએ નહિ. આવું ‘દિવ્ય શક્તિ’થી કામ કરનાર નિ:સ્વાર્થી હોવું જરૂરી છે. આવો માણસ દૂર રહેતો હોય અને ત્યાં સુધી પહોંચવાનું ખર્ચ થાય, ત્યાં સુધી તો બરાબર છે, કેમ કે એ કામ કરનાર તેમાં જવાબદાર બનતો નથી; પણ, જો તે પૈસા પડાવવા માગે તો સો નહિ પણ હજાર વાર વિચારી લેવું ઘટે.

  પ્રતિભાવ બદલ આભાર.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: