(212) કલારત્નયુગ્મની કલાકમાલ! (પ્રહસન) – ૧
‘હેલો, વલીભાઈ’
’આપ કોણ? ઓળખાણ આપશો, જરા!’
’જરા શું, પૂરી આપીશ! પરંતુ, અવાજ ઉપરથી ઓળખાણ ન પડી? ભલે તો અંદાજે નામ બોલતા જાઓ, સાચું નામ આવશે ત્યારે ‘હા’ પાડીશ!’
’અમેરિકાથી સુરદા?’
’ના’
‘તો પછી, ‘રાત્રિ’?’
’મને લાગે છે કે તમે આઠદસ નામ એકસાથે બોલી નાખો! તેમાં મારું નામ આવશે તો તરત હા પાડી દઈશ! આજે તો તમારી પરીક્ષા કરવી છે!’
’ટકલુ, ફેટી, છોટમ, ગાંડાલાલ, ઢેબર, ઓબામા, મનમોહનસિંઘજી, લાલુજી!’
’બસ, બસ! તમે તો ઠોકંઠોક કરવા માંડ્યા! ટકલુથી ઢેબર સુધી તો બરાબર, પણ પાછળવાળા ગુજરાતી બોલી શકે ખરા, ભલા માણસ! લ્યો, કહી જ દેવું પડશે! હું સુરદા!’
’એ નામ તો મેં પહેલું જ આપ્યું હતું, તો પછી ના કેમ પાડી?’
’તમારી પાક્કી પરીક્ષા કરવા!’
’હોઓ… I see! પણ દોસ્તી કરવા પહેલાં પરીક્ષા થાય કે પછી પણ પરીક્ષા ચાલુ જ રહે!’
’એ બધી વાત પછી! કામની વાત જરા પહેલી કરી નાખીએ. આજે લાંબુ નહિ ખેંચાય. મારે હાસ્ય દરબારે જવાનો સમય થઈ ગયો છે. તો સાંભળો, અહીંથી બે માણસો ઈન્ડીઆ તમારી પાસે આવે છે. તમારે ઈન્ટવ્યુ લઈને મને અથવા ‘રાત્રિ’ને જણાવવાનું છે કે તેઓ આપણા હાસ્ય દરબારનાં રત્નો થવા માટે લાયક છે કે કેમ?’
‘પણ આપણે નવ રત્ન તો થઈ ગયાં છે! આપણે અકબરભાઈથી આગળ જવાય ખરું!’
‘અકબરભાઈ! હું સમજ્યો નહિ, એ વળી કોણ?’
‘ભલા માણસ! અવલોકનો કરવામાં અક્કલ ચાલે છે અને એટલીય ખબર ન પડી કે હું દિલ્હીવાળા મોગલ બાદશાહની વાત કરું છું!
‘તમેય યાર, કમાલ કરો છો! ‘અકબર’ કહો તો તરત ખબર પડી જાય! તમે તો નામની પાછળ ‘ભાઈ’ ઉમેર્યું!’
‘તે આપણે થોડા હુમાયુ છીએ કે એમને ‘અકબર’ કહીને બોલાવીએ! ઇતિહાસકારો પણ વિવેકભાન જાળવતા નથી હોતા! અમારા ગામમાં તો કોઈનું નામ ગમે તે હોય પાછળ માન+નામવાચક ‘ભાઈ’ કે ‘બાઈ-બહેન-બેન’ લાગે જ! એટલા માટે તો હું ‘વલીભાઈ’ તરીકે ઓળખાઉં છું ને! આપણે અવળી વાતે ચઢ્યા! તમારી પાસે સમય નથી તો આડીઅવળી વાતો મેલો પડતી! પણ તેઓ On line ઈન્ટરવ્યુ ન આપી શકે કે દસ હજાર માઈલ છેટેથી બિચારાઓને ખોટો ખર્ચ કરાવીને અહીં મોકલો છો!’
‘પણ તમે Face Reading ન કરી શકો ને!’
‘ભલા માણસ, વેબ કેમેરાથી એ પણ થઈ શકે! તમારી બંનેની મતિ પોતાની ધરી ઉપરથી ખસી ગઈ લાગે છે!’
‘તમે હમણાં જ ન કહ્યું કે આપણે ‘નવ’ની સંખ્યા થઈ ગઈ છે, એટલે તેમની માગણીને ઠેબે ચઢાવવા અમે તેમ કર્યું છે! રત્નો થવા નીકળ્યા છે, તો એટલું તો તેમને સમજાવું જોઈએ ને! પણ કહેવાય છે ને કે ગરજવાનને અક્કલ ન હોય!’
‘આપણે બંધારણમાં સુધારો કરવો પડશે, જો તેમની પસંદગી થાય તો કુલ રત્નો અગિયાર થશે.’
‘આપણે બંધારણમાં સુધારાથી ‘અગિયાર’ નો આંકડો તો કરી જ નાખીએ અને તેમને બંનેને લઈશું તોયે ભવિષ્ય માટેની એક જગ્યા તો ખાલી રહેશે જ!’
‘તમે ૬૦+ ગુજરાતીઓ ગ્રુપના ખરેખર બાળડોસલા જ થઈ ગયા લાગો છો! મને લાગે છે કે તમને બાલમંદિરમાં દાખલ કરવા પડશે! ભલા, નવમાં બે ઉમેરાય તો અગિયાર થાય કે દસ? પેલું હિંદીમાં પણ બોલાતું યાદ નથી કે ‘નૌ દો ગ્યારહ’!’
‘પણ એ લોકો જોડીમાં જ રહીને એક જ રત્ન ગણાવા માગે છે!’
‘એમ કેમ?’
‘કોઈ એકનું તેમની સંયુક્ત કલામાં વ્યક્તિગત કોઈ વજુદ જ નહિ એટલે!’
‘આ વાલીડું જબરું! એવી વળી એમની પાસે કઈ કલા છે કે જોડીમાં જ હાલે! મદારી-જંબુરિયા જેવું તો નહિ!’
‘ના, સાવ જુદું જ! એક જણ હળાહળ જૂઠું બોલે અને બીજો તે જૂઠને દલીલો દ્વારા સાચું સાબિત કરી બતાવે! બંનેનું પ્રમાણિક માનવું છે કે જેનું કામ તે તે જ કરે!’
‘આવું તો ક્યાંક અકબરભાઈ, અરે સોરી, અકબરભાઈ, અરે ડબલ સોરી, અકબર બાદશાહના સમયમાં આવા બે દાવેદાર ફૂટી નીકળ્યા હતા! પણ, તેમને તો રત્નો તરીકે સ્વીકારવાના બદલે કલાની કદર રૂપે મોટાં ઈનામો આપીને રવાના કરી દેવામાં આવ્યા હતા!’
‘આ લોકોને એ વાતની ખબર છે એટલે તેઓ એ જ કલા દ્વારા આપણા ત્યાં રત્ન બનવા માગે છે! તેમનું કહેવું છે કે તેઓ એ લોકોની એક ભૂલ સુધારવા માગે છે! ભૂલ એ કે તેઓ આખાં રત્ન તરીકે ઓળખાઈને દસમા અને અગિયારમા રત્ન તરીકે સ્થાન મેળવવા માગતા હતા, જે મંજૂર ન થયું! તેમની વાત પણ સાચી જ છે કે દરેકની પાસે કલાનો પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ જ હતો!’
‘એ લોકો પાસેથી એવું બીજું કંઈ જાણવા મળ્યું કે પેલા લોકોને રત્ન ન બનાવવા પાછળ અન્ય કોઈ પરિબળે ભાગ ભજવ્યો હોય!’
‘હા, એમનું કહેવું હતું કે બિરબલની પણ પૂરેપૂરી આડોડાઈ હોવી જોઈએ! એણે કદાચ બાદશાહને એમ કહીને ભરમાવ્યા હોય કે ‘ઈન દોનોંકો રત્ન બનાના ઔર દરબાર યા મહલમેં રખના ખતરેસે ખાલી નહિ રહેગા, જહાંપનાહ!’. તેણે વિગતે ફોડ પાડ્યો હશે કે એ બંને પોતાની કલાના દુરુપયોગથી બાદશાહ અને બેગમો, આપસ આપસમાં બેગમો, તે પોતે અને બાદશાહ, માંહેમાંહે પ્રધાનમંડળના પ્રધાનો અને નવેય રત્નો એમ તમામે તમામને એક અથવા બીજી રીતે લડાવી મારશે અને એકબીજા પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરશે!’
‘એ લોકો જ સામેથી આમ કહેતા હોય તો આપણાથી ઝેરનાં પારખાં થાય ખરાં!’
‘વલીભાઈ, ત્યાં તો પેલા બાદશાહને મોટું રાજ્ય ચલાવવાનું હતું, આપણે એવું થોડું છે! આપણો તો હાસ્ય દરબાર છે – ટોળટપ્પાં, હસીમજાક, હાસ્યનો હાહાકાર, હાસ્યખજાનો, હાસ્યનો હંગામો, એકબીજાની ટાંટિયાખેંચ, ફિલ્લમ ફિલ્લમ, હાહા-હીહી-હુહુ જેવી રમુજી રમતો રમવાનું એક મોકળું મેદાન! જો ઈન્ટરવ્યુમાં તેઓ સફળ થાય તો અમારું (મારું અને ‘રાત્રિ’નું) માનવું છે કે આપણને તેમનાથી કોઈ હાનિ નહિ થાય!’
‘તો તો સુરદા, તમે લોકો જ ઈન્ટરવ્યુ લઈને વાતનો પાર મેલો. આમ છતાંય જો તમારો આગ્રહ હોય તો હું વેબ કેમેરા સાથે On line જ એમનો ઈન્ટરવ્યુ લઉં. પરંતુ, હાલ જ એક આઈડીઆ મારા મગજમાં Click થયો છે કે આપણે પાંચેય જણા કોન્ફરન્સ ફોનથી ઈન્ટરવ્યુ પતાવી દઈએ તો! તેમને ખોટા મોટા ખર્ચમાં ઊતારવાના બદલે સ્વૈચ્છિક જે કંઈ આપે તે આપણા નિવૃત્ત દરબારીજનના કલ્યાણભંડોળના ફાળા તરીકે સ્વીકારી લઈશું, તમારું શું માનવું છે?’
‘બરાબર, ચાલો એમ જ રાખીએ. હું ‘રાત્રિ’ને સમજાવી દઈશ.’
– વલીભાઈ મુસા
Like this:
Like Loading...
Related
Tags: પ્રહસન, હાસ્ય, Face Reading, Mystery, On line, Play, Puzzle
Suresh Jani
July 24, 2010 at 9:42 am
હેઁડો ઈન્ટરવ્યુના બહાને કોન્ફરન્સ તો કરીએ.
ગુડ આઈડીયા !
અકબરભાઈની વાત પરથી બ્રેન વેવ ..
આપણે આટલા આત્મીય બની ગયા છીએ તો હવે તમને તો ‘ અલ્યા એ ય વલભાઈ ‘ કહેવાનું મન થાય છે!
મારે અને રાજેન્દ્ર વચ્ચે તો એવો સંબંધ છે.
ભરતને ભરતભૈ જ કહેવા પડે.
અને પ્રગ્યા કહીએ તો પ્રફુલ ભાઈ ધોકો લઈને મારવા દોડે ! ઈમને તો મોટીબેન કહું છું તે બરાબર છે. ( એ હિન્દીમાં મોટી છે કે કેમ એ ખબર નથી ! )
પણ માળું ‘વલીદા’ બઉ મેંઠું લાગ છ હોં કે!
અને બાપુ , કોઈની પરીક્ષા લેવી નથ.
જે કોઈ મગજ બાજુએ મેલીને હાથ, પગ અને હૈયું લઈ આવે તે બધા હાદમાં ..
આવો બાપુ .. પધારો….. અને હસાવો.
LikeLike
Valibhai Musa
July 26, 2010 at 3:42 pm
ભાઈશ્રી સુરદા
કોઈ હાસ્ય દરબારી રત્નના દાવેદારો માટે જ પરીક્ષા કે ઈન્ટરવ્યુનો પ્રશ્ન આવે છે, બાકી સામાન્ય દરબારીજન માટે તો આપણા દરબારના દરવાજા ખુલ્લા છે. મગજ બાજુએ મેલવાની વાત તો દરેક માટે પ્રથમ લાયકાત છે. હવે હાથ, પગ અને હૈયા સાથે પેટ પણ સાથે લઈ આવવાની વાત તમારાથી ભુલાઈ ગઈ છે. પેટ પકડીને હસવાનું હોય ત્યાં પેટ વગર કઈ રીતે ચાલે, મારા વીરા? બીજો કોઈ થોડો પોતાનું પેટ હસવા માટે કોઈને પકડવા દે! એને ખુદને હસવાનું હોય કે નહિ!વળી કોઈ હજમ ન થાય તેવી વાત હજમ કરવા માટે પણ પેટ તો જોઈએ ને, પછી ભલે ને આફરો ચઢતો હોય!માટે ભાઈઓ અને બોંનો, જો જો પેટ ભુલાય નહિ!!!
LikeLike
Rajendra M.Trivedi, M.D.
July 31, 2010 at 12:18 pm
પેટને પકડીને જ હા હા થાય,
ના પકડો પેટ તો નાચતુ લાગે!
પછી જોનારાને થાય કે પેટમા શુ કુદા કુદ થાયછે?
ઢાકેલુ ક્યાથી દેખાય !
ખુલ્લા દીલથી,
ખુલ્લા મોઢે હા હા થાય તો પેટ પણ બરાઈ જાય ને
હા હા ના હોન્કારા જોવા ના પડે દેખાય !
Rajendra Trivedi,M.D.
http://www.bpaindia.org
LikeLike